બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ લશ્કરી અને આર્થિક એમ બન્ને રીતે ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. અમેરિકા અને પશ્ચિમના મૂડીવાદી દેશોએ આપસી લશ્કરી સહયોગ માટે ૧૯૪૯માં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન(NATO)ની સ્થાપના કરી હતી. એમાં ત્રીસ દેશો હતા અને તેનો ઉદ્દેશ સામ્યવાદનો અને સામ્યવાદી દેશોનો મુકાબલો કરવાનો હતો. ૧૯૫૫માં સામ્યવાદી દેશોએ વોરસો સમજૂતી કરીને કલેક્ટીવ સિક્યોરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશનની રચના કરી હતી અને તેનો ઉદ્દેશ મૂડીવાદનો અને મૂડીવાદી દેશોનો લશ્કરી અને વૈચારિક મુકાબલો કરવાનો હતો. દેખીતા યુદ્ધ વિના મૂડીવાદી અને સામ્યવાદી દેશોએ યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરી હતી એટલે એ યુગ શીતયુદ્ધ તરીકે ઓળખાતો હતો. એવા કેટલાક દેશો પણ હતા જે નહોતા મૂડીવાદી કે નહોતા સામ્યવાદી. તેને લશ્કરી હરીફાઈમાં રસ નહોતો અને પોતાની ભૂમિ બન્નેમાંથી કોઈ પણ બ્લોકને વાપરવા દેવા ઇચ્છતા નહોતા. આવા તટસ્થ દેશોએ ૧૯૬૧માં એક બ્લોકની રચના કરી હતી જે નોન એલાઈન્ડ મૂવમેન્ટ તરીકે ઓળખાય છે.
અત્યારે ૭૦ વરસ પછી સ્થિતિ એવી છે કે નાટોના સભ્ય દેશો યુક્રેનને આગળ કરીને રશિયા સામે લડી રહ્યા છે. સામ્યવાદી બ્લોકનું ૧૯૯૧ પછી વિસર્જન કરવામાં આવ્યું છે અને તટસ્થ દેશોના બ્લોકની હવે કોઈ પ્રાસંગિકતા રહી નથી.
આર્થિક રીતે પણ જગત ત્રણ હિસ્સામાં વહેંચાયેલું હતું. મૂડીવાદી શ્રીમંત દેશો પહેલા વિશ્વ તરીકે ઓળખાતા હતા. સામ્યવાદી દેશો બીજા વિશ્વ તરીકે ઓળખાતા હતા અને ભારત અને ચીન જેવા વિકાસશીલ અને બીજા અવિકસિત ગરીબ દેશો ત્રીજા વિશ્વ તરીકે ઓળખાતા હતા. આ વર્ગીકરણ અલબત્ત સંદિગ્ધ હતું.
૧૯૯૧ પછી જગતે કરવટ બદલી. સામ્યવાદી દેશોનું બીજું વિશ્વ જગતનાં નક્શામાંથી ગાયબ થઈ ગયું અને બીજા વિશ્વનાં દેશો વિકાસશીલ કે ગરીબ દેશોની પંક્તિમાં મૂકવામાં આવ્યા. રશિયાની ગણતરી અત્યારે વિકાસશીલ દેશ તરીકે થઈ રહી છે. બીજી બાજુ મૂડીવાદી દેશોનો આર્થિક વિકાસનો રથ થંભી ગયો. ત્રીજી તરફ ચીન, ભારત, બ્રાઝિલ જેવા એક સમયે ત્રીજા વિશ્વમાં સ્થાન ધરાવતા હતા એ દેશોનો આર્થિક વિકાસનો દર ઝપાટાભેર વધવા લાગ્યો. અર્થશાસ્ત્રીઓ એમ કહેવા લાગ્યા કે ૨૧મી સદી આ દેશોની હશે. તેની પાસે મોટી વસ્તી (વપરાશકાર) છે અને મોટું માર્કેટ છે. સસ્તા ભાવમાં શ્રમિકો મળે છે એટલે ઉત્પાદન સસ્તું પડે છે અને માટે કોઈ શ્રીમંત દેશ તેનો મુકાબલો કરી શકશે નહીં. ઉત્પાદક અને વપરાશકાર બન્ને એક જગ્યાએ હોય ત્યાં કોઈ શું હરીફાઈ કરી શકવાનું!
વાત બિલકુલ સાચી હતી. ૧૯૮૦ના દાયકામાં કોઈએ કલ્પના નહોતી કરી કે ત્રીજા વિશ્વના દેશો એક દિવસ જગતમાં આર્થિક રીતે સરસાઈ ધરાવશે. પણ એ દેશોની પોતીકી, આપસી, ભૌગોલિક અને એક જ શ્રેણીના હોવા છતાં સામૂહિક સમસ્યાઓ હતી અને છે. અમુક દેશોમાં તાનાશાહી, અમુક દેશોમાં લોકશાહી, અમુક દેશોમાં આંશિક લોકશાહી અને આશિંક તાનાશાહી, અમુક દેશોમાં રાજકીય અસ્થિરતા, અમુક દેશોમાં વાંશિક અને ધાર્મિક વિખવાદ અને અથડામણો, મોટાભાગના દેશોમાં નિર્ણયોને અવરોધનારી નોકરશાહી અને પ્રચંડ ભ્રષ્ટાચાર. ટૂંકમાં ૨૧મી સદી જેના નામે ઉધારવામાં આવી હતી એ ઉપર કહી એવી કેટલીક મર્યાદાઓથી ગ્રસ્ત અને ત્રસ્ત હતા.
૨૧ મી સદી જો આપણી હોય તો આપણે સંગઠિત થવું જોઈએ, આપસી સહકાર વધારવો જોઈએ અને હજુ વધુ જોર મારવું જોઈએ એવો કેટલાક લોકોનો આગ્રહ હતો. આખરે ભારત, ચીન, રશિયા અને બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા વિશ્વની ૨૭ ટકા ભૂમિ, ૪૨ ટકા વસ્તી અને વિશ્વની જી.ડી.પી.માં ૨૮ ટકાનો હિસ્સો ધરાવે છે. આ પાંચ દેશો ગ્રુપ ૨૦ના સભ્યો પણ છે. ૨૦૦૧ની સાલમાં ગોલ્ડન સાચ નામની રેટિંગ એજન્સીના અર્થશાસ્ત્રી જિમ ઓનીલે ૨૧મી સદીના ટાઈગર દેશો વચ્ચે સહયોગની કલ્પના રજૂ કરી હતી અને અંતે BRICKS(બ્રિક્સ)ની રચના કરવામાં આવી હતી. શરૂઆત બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન એમ ચાર દેશો સાથે કરવામાં આવી હતી અને ૨૦૧૦ની સાલમાં તેમાં દક્ષિણ આફ્રિકાને પ્રવેશ આપવામાં આવ્યો હતો. BRICK નામનો બ્લોકમાં ફેરવાયો હતો.
૨૧મી સદી બેઠી ત્યારે બ્રિક્સ દેશોમાં સૌથી વધુ અપેક્ષા ભારત અને ચીન પાસેથી હતી. બન્ને વિશાળ વસ્તી અને વિશાળ કદના દેશો. આમાં પશ્ચિમના દેશો અને બહુરાષ્ટ્રીય કંપનીઓની અપેક્ષા ભારત પાસેથી વધુ હતી. મૂડીવાદને માફક આવે એવો ખુલ્લો સમાજ, લોકશાહી દેશ, ભલે લકવાગ્રસ્ત પણ કાયદાનું રાજ, જાગતિક સમજૂતીઓ અને મર્યાદાઓનું પાલન કરે, વગેરે ભારતની જમા બાજુ હતી. સામે ચીનની આબરૂ માથાભારે દેશ તરીકેની કોડીની. ચીન સામે ભારતને ઊભું કરવા જગતનાં શ્રીમંત દેશોએ ઘણી કોશિશ કરી હતી. પણ ઉપર કહ્યું એમ બ્રિક્સના સભ્ય દેશોની પોતપોતાની સમસ્યાઓ હતી અને એમાં ભારતની સમસ્યા ચીનની તુલનામાં જટિલ હતી. ભારત તેનો ઉકેલ નહીં લાવી શક્યું અને ચીન ભારત કરતાં ક્યાં ય આગળ નિકળી ગયું હતું. આજે ચીન માત્ર આર્થિક રીતે જ નહીં પણ લશ્કરી રીતે પણ જગતમાં એક મહાસત્તા બની ગયું છે. અત્યંત મૂલ્યવાન અઢી દાયકા ભારતે વેડફી નાખ્યા.
શું ભારતની સમસ્યાઓ એટલી બધી જટિલ હતી કે તેને ઉકેલી ન શકાય? ઉકેલી શકાય એમ હતી તો કેમ નહીં ઉકેલાઈ? ચીનની લગોલગ ઊભા રહેવાની તક ભારતે કેમ ગુમાવી !
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 31 ઑગસ્ટ 2023