વાત સાક્ષરજીવનની અને તેમાં પણ સાહિત્યિકતાની ચાલી રહી છે. લખાયેલી કે છપાયેલી કૃતિને એના કર્તાએ જો સાહિત્યની કહી છે તો દેખીતું છે કે સૌએ એની સાહિત્યિકતાને જ ઉકેલવી પડે. એને વડીલોપાર્જિત મિલકતનો દસ્તાવેજ કે છાપું વાંચતા હોઈએ એમ વાંચી જઈએ તો સાહિત્યિકતા હાથ ન આવે.
આમે ય સાહિત્યિકતા પુષ્પની સુવાસ જેવી ન-શરીરી છે, એને માત્ર અનુભવી શકાય છે. સહૃદય ભાવકો એ અનુભવ સુખપૂર્વક મેળવતા હોય છે. એ સુખાનુભવની પૂર્વશરત એ હોય છે કે કોઈ પણ સાહિત્યકૃતિનું સઘન વાચન કરવું જોઈએ. તેઓ માટે એમ કરવું સહજ હોય છે કેમ કે એ કે બીજી કોઈપણ પૂર્વશરત તેમના ભાવકત્વ સાથે એકરૂપ થઈ ગઈ હોય છે.
પરન્તુ એ સુખ સૌ વાચકોને સુલભ નથી હોતું. એ માટે એમણે સઘન વાચન કોને કહેવાય તે જાણવું પડે અને તે પછી તેને ધાર્મિકતાથી, એટલે કે, નરી ચુસ્તતાથી વળગી રહેવું પડે.
થોડા દિવસ પર બાબુ સુથારે સઘન વાચનની વાત કરતાં એ વિશે પશ્ચિમમાં કેટલાં બધાં પુસ્તકો લખાયાં છે તેની વાત કરેલી. એમ પણ દર્શાવેલું કે સઘન વાચન કેટકેટલી રીતે અને કેવા કેવા આશયોથી થયાં છે.
મારે આ વિષયમાં થોડું જુદું કહેવું છે; મારી દૃષ્ટિની આગવી સમજ ઊભી કરવી છે.
માધ્યમિક શાળાના કોઈ શિક્ષક આગળ આ વાત ખોલી હોય, તો એ એટલું જ કહેશે – એકોએક શબ્દ વાંચવાનો સાહેબ, બીજું શું !
આ ‘સઘન વાચન’ શબ્દપ્રયોગ આપણે ત્યાં અંગ્રેજી ‘ક્લોઝ રીડિન્ગ’ માટે સ્થિર થયેલો છે. કેટલાક એને ‘નિકટવર્તી વાચન’ કહે છે. કેટલાક કંઈક બીજું પણ કહે છે; અત્યારે યાદ નથી આવતું.
ઘણી વિદેશી પારિભાષિક સંજ્ઞાઓ વિશે હું એકાધિક વાર લખી ચૂક્યો છું, પરિસંવાદ પણ યોજ્યા છે. પણ મૂળની પારિભાષિક સંજ્ઞાના કોઈ એક જ ગુજરાતી પર્યાય પર આપણી વિદ્વત્તાને સ્થિર થવું જાણે ગમતું નથી. હોય એટલા સુજ્ઞજનો ભેગા થઈને કોઈ એક માટે નિર્ણય લે એવું થતું નથી. પારિભાષિક કોશવાળાઓએ કોઈ એક પર પસંદગી ઢોળી તો હોય છે પણ એમની વિનમ્રતા એવી કે ગાંધીજીની માફક લખતા નથી કે હવે પછી કોઈને સ્વેચ્છાએ પરિભાષા પ્રયોજવાનો અધિકાર નથી …
એટલે, કોઈ એને જે કહેવું હોય એ કહે, હું તો ‘સઘન વાચન’ જ કહીશ. એટલા માટે નહીં કે મેં એ પર્યાયને બિલકુલ ઉચિત ધાર્યો છે, ના, એમાં જે ‘સઘન’ છે એ મને દરેક વખતે પથરાની જેમ વાગે છે. ‘નિકટવર્તી’ પણ સતાવે છે, એમ થાય કે શેની નિકટે? કો’કની નિકટે બેસીને? એમ રમૂજ ખાતર પુછાય પણ ખરું. પણ હું ‘સઘન વાચન’ જ પ્રયોજું છું કેમ કે વરસોથી એ જ પ્રયોજું છું કેમ કે મારે મારાં લેખનોમાં સુસંગતતા જાળવવી હોય છે; વળી, મેં કહ્યું એમ, મારે આ શબ્દપ્રયોગની આગવી સમજ ઊભી કરવી છે, મને એમ કરવામાં રસ છે; મમમમથી કામ છે, ટપટપથી નહીં.
આ ‘ક્લોઝ રીડીન્ગ’ શબ્દ-પ્રયોગ ‘ન્યૂ ક્રિટિસિઝમ’-વાળા લાવ્યા. તેઓને કૃતિના પેજની બ્હાર જવું જ ન્હૉતું એટલે ભારપૂર્વક ક્હૅતા, ક્લોઝ રીડિન્ગ, ક્લોઝ રીડિન્ગ. એમનો વાચક કૃતિની બ્હાર જાય એ એમને પરવડે એવું ન્હૉતું. કેમ કે કૃતિમાં એમણે મૅટાફર આયરનિ ટૅન્શન પૅરૅડૉક્સ વગેરે જાતભાતની આલંકારિકતાઓ સરજી હોય. આપણા આધુનિકો પણ માધ્યમસભાનતાથી દોરવાયેલા. કાવ્યમાં તેઓ પણ કલ્પનો પ્રતીકો હૉંશે હૉંશે પ્રયોજતા. વાચકો એ બધાને ન પામે તે તો કેમ ચાલે? આખું કવિકર્મ ઍળે જાય.
સંરચનાવાદીઓ આવ્યા અને નવ્ય વિવેચકોની એ ગમતીલી હઠનું નિરસન થયું. એ લોકોએ કહ્યું કે કાવ્યાર્થ મૂળે તો શબ્દાર્થ છે અને તે તમારી કૃતિની પૂર્વે અને મનુષ્યજીવનના બાહ્ય સંદર્ભોમાં ઘડાયેલો છે. શબ્દાર્થ જીવનપદ્ધતિનું ફળ છે. એને પેજમાં કેદ કરીને ન જોવાય, પેજની બ્હાર જવું પડે. રોલાં બાર્થે સંરચનાવાદનો અર્ક રજૂ કરતાં કહ્યું હતું કે ‘વસ્તુઓને એમ અલગ કરીને ન જોવાય; વસ્તુઓને એ જેના સંવિભાગ છે તે વધારે મોટી સંરચનાઓના સંદર્ભોમાં જોવી જોઈએ; વળી, એ મોટી સંરચનાઓ પણ વિશ્વને આપણે માણસો જે રીતે-પ્રકારે ઘટાવીએ છીએ તેની પેદાશો છે.’
માધ્યમિક શાળાના પેલા શિક્ષકની વાત સાચી છે. સઘન વાચન કરનારે બધા જ શબ્દો વાંચવાના, એક પણ ચૂકી જાય, લીટીઓ ગુપચાવી જાય, ફકરા ગગડાવી જાય, તે ન ચાલે.
ખરો ભૂખ્યો જન, બુભુક્ષિત, પીરસાયેલી થાળી સિવાયનું કશું જોતો નથી એમ વાચકે કૃતિને વિશે એકધ્યાન થઈ જવાનું. સાથે, શબ્દ શબ્દના અર્થોને પણ પામતા જવાનું જેમ વાનગી વાનગીના રસ-ગુણને પેલો બુભુક્ષિત માણતો રહેતો હોય છે.
બુભુક્ષિત —
Pic courtesy : VectorShots & Wikipedia
કાવ્યની વાત કરું : કાવ્ય કડકડાટ વાંચી જવા માટે નથી. જોડણી સાચવીને કાવ્યનું પઠન કરવું જોઈશે. કાવ્યપંક્તિમાં વિરામચિહ્નો અર્થનિર્ધારણમાં મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે. એથી પણ પઠનને દોરવું જોઈશે. છન્દોબદ્ધ રચનામાં, લઘુ-ગુરુ પણ પઠનને દોરતા હોય છે, દોરવાવું અનિવાર્ય હોય છે. એમાં, યતિસ્થાનો હોય છે તેને પણ પઠનમાં સાચવવાં પડે, જેમ કે, ‘બેઠી ખાટે’ પછી યતિને અનુસરીએ, તો તરત સમજાશે કે કાવ્યનાયિકા કેટલું થાકી હશે અને તે પછી પઠન કરીએ કે ‘ફરી વળી બધે મેડીઓ ઓરડામાં’ – તો, પીયરઘરને જોઇને પામી લેવાની અધીરાઇ, તલસાટ, ત્વરા, વગેરે એની મનોસ્થિતિને સમજી શકીએ. કવિએ એ બધું લખ્યું નથી હોતું પણ વાચકે ઉમેરી લેવાનું હોય છે.
કૃતિ ઉમેરવા દે એ ઉમેરવું તે વાચકનો હક્ક છે, ધર્મ પણ છે. એ અર્થમાં સઘન વાચન થોડુંક સહ-સર્જન પણ છે.
’હસી શકે તો હસજે જરા વધુ’ પંક્તિમાં ‘હસી શકે તો’ એવી જે શરત મૂકી છે એટલે પઠનને પળભર રોકીએ તો એ હાસ્યના ઉગમ વિશે ઘણા વિચારો આવી શકે. એ શરતને ધ્યાનમાં ન લઈએ તો ચાલી જાય, પણ એ વાચનને હું અધૂરું કહીશ. કેમ કે કવિએ વાચકને વિશેષાર્થની તક આપી હતી પણ એ ચૂકી ગયો.
સઘન વાચનનો અર્થ એ પણ ખરો કે ‘કદી મારી પાસે વન વનતણાં હોત કુસુમો’ જેવી છન્દોબદ્ધ રચનાને ગાવી પણ જોઈશે – ભલે, પણ્ડિતોએ કહ્યું છે કે કાવ્ય ગાવા માટે નથી. કોઈ વાચક “મેઘદૂત”-નું છન્દોનુસારી ગાન કરી તો જુએ; એની આંખો વિરહભીની થઈ જશે. પણ્ડિતોએ કહ્યું તે સાચું છે પણ ગાઈએ તે પણ ખોટું તો નથી – ‘યા કુન્દેદુ તુષારહારધવલા…’ કરીને ગાઈએ છીએ એટલે કવિ ઝંખે છે એ હૃદયભાવ સહજપણે જાગે છે, અર્થ અન્તરમાં ઑગળવા લાગે છે, મા સરસ્વતી સમક્ષ થાય છે.
ટૂંકીવાર્તા કે કોઈપણ કથાકૃતિના સઘન વાચન માટે આથી જુદું એટલું જ ઉમેરવાનું કે કથાનું મનોમન શ્રવણ થાય તેની તકેદારી સાથે તેને વાંચવી જોઈશે. એમાં આવતાં વર્ણનોને ચિત્ર જોતા હોઈએ એવી તત્પરતાથી વાંચવાં જોઈશે. પાત્રો વચ્ચેના સંવાદો મનોમન બોલીને કે બબડીને વાંચી જોવા જોઈશે; નાટક ખૂલવા માંડશે.
આ વાત નાટ્યકૃતિઓના સઘન વાચનને પણ એટલી જ લાગુ પડે છે. કેમ કે સારા નાટકમાં કથાતત્ત્વ અને કવિતાતત્ત્વ રસાઈ ગયાં હોય છે. વાચક દુષ્યન્તની ભૂમિકામાં પ્હૉંચી જઈને ખાનગીમાં અભિનય કરી બેસે તો એ સઘન વાચનને હું આવકાર્ય ગણીશ.
કેમ કે, સઘન વાચન કરનારો વાચક છેવટે તો કૃતિને ઍક્ચ્યુલાઈઝ કરતો હોય છે; પૂર્વાયોજનને અનુસરતો જાય છે, અને પૂરા ધ્યાનથી, બહુવિધ કાળજીથી, આકાર આપતો રહે છે, એટલું જ નહીં, જાતે ને જાતે એને માણતો હોય છે તેમ જ સર્જકને પોતાનો આનન્દ પ્હૉંચાડતો હોય છે. એ આકાર અને તે સમેતનો કૃતિભોગ જ સઘન વાચન છે, ન અન્ય.
માઇકેલ ઍન્જલો (1475-1564)
Pic courtesy : VectorShots & Wikipedia
માઇકેલ ઍન્જેલો મહાન કલાકાર હતા, ઇજનેર પણ હતા, ચિત્રકાર અને શિલ્પી હતા. (1475-1564). આયોજન એમના ચિત્તમાં ચાલતાં, તદનુસારનાં સર્જન કરતા. એમનામાં બધી જ પૂર્વશરતો અને સર્જનપરક બધાં જ તત્ત્વો એકરૂપ હતાં. જુઓ ને, શિલામાં વધારાનો લાગે તે પથ્થર કાઢી નાખતા, ને મૂર્તિ પ્રગટતી…!…
સવાલોનો સવાલ એ છે કે કૃતિ જ જો ક્લોઝલિ નહીં લખાઈ હોય તો ગમે એટલું ક્લોઝ રીડિન્ગ કરનારો શું લાભવાનો -?
કોઈએ ‘ક્લોઝ રીડિન્ગ’-ને શક્ય બનાવનારા ‘ક્લોઝ રાઈટિન્ગ’-નો, ‘સઘન સર્જન’-નો, કદી વિચાર કર્યો છે ખરો?
યથાક્રમે આવી શકતા લેખમાં હું કરી બતાવીશ.
= = =
(Dec 28, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર