આ લેખ લખવા પાછળનો હેતુ કોઈને ઊંચા કે નીચા દેખાડવાનો નથી. એ જ રીતે આ લેખ લખવા પાછળનો હેતુ પશ્ચિમ એશિયામાં એક વરસથી ચાલી રહેલા યુદ્ધનું સમર્થન કે નિંદા કરવાનો પણ નથી. નિંદા તો દરેક યુદ્ધની કરવી જોઈએ, પણ લોકો સ્વબચાવના નામે યુદ્ધનું સમર્થન કે બચાવ કરતા હોય છે જે રીતે અમેરિકા ઇઝરાયેલનો બચાવ કરે છે. આ લેખ લખવા પાછળનો હેતુ ભારતનાં હિંદુ અને મુસલમાનોને જગતની અને માનવ સભ્યતાની કોરી વાસ્તવિકતાથી પરિચિત કરાવવાનો છે, જેથી એ કશુંક શીખવા ઈચ્છતા હોય તો શીખી શકે. મારા વાચકોને મારાં લખાણો વાંચીને એટલું તો ધ્યાનમાં આવ્યું હશે કે મારો ઉદ્દેશ હંમેશાં માણસની અંદર રહેલી માણસાઈને જગાડવાનો હોય છે અને માણસાઈ ધર્મ કે બીજી કોઈ પણ ઓળખથી નિરપેક્ષ છે. હું કાઠિયાવાડી ભાષામાં કહું તો પાથીએ પાથીએ તેલ નાખતો રહું છું. તેની કોઈ અસર થાય છે કે નહીં, રામ જાણે.
ઇઝરાયેલ સાથેનું યુદ્ધ શરૂ થયું તેને સાતમી ઓકટોબરે એક વરસ પૂરું થશે અને તમે જુઓ છો કે જય કે પરાજય કોઈનો ય થયો નથી. અહીં એ નિમિત્તે આપણે શું ધડો લેવો જોઈએ એની વાત કરવી છે.
યહૂદીઓ પર શું વીત્યું એ તમે જાણો છો, એટલે તેની વિગતોમાં જવાની જરૂર નથી. બીજા વિશ્વયુદ્ધ પછી વિજેતા રાષ્ટ્રોએ પેલેસ્ટાઇનમાં ઇઝરાયેલ નામના યહૂદીઓ માટેના રાષ્ટ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. યહૂદીઓ સદીઓથી પોતાનાં મૂળ વતનમાં જઇને વસવા ઝૂરતા હતા અને અમેરિકા અને યુરોપના ખ્રિસ્તીઓ યહૂદીઓથી પોતાનો પીંડ છોડાવવા માગતા હતા. યહૂદીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે અણગમો અને અથડામણનો લાંબો ઇતિહાસ છે. વિજેતા રાષ્ટ્રો વિજેતા હતા, સમૃદ્ધ હતા અને પોતાને વિશ્વમાં સૌથી વધુ સભ્ય ગણાવતા હતા એટલે પેલેસ્ટાઇનનું પેટ ચીરીને તેની અંદર ઇઝરાયેલની સ્થાપના કરવામાં પેલેસ્ટાઇનનાં લોકોની મરજી કે રાજીપાની ચિંતા કરવાની જરૂર તેમને નહોતી લાગી. જો એવી થોડી તસ્દી લીધી હોત તો છેલ્લાં ૭૫ વરસથી બન્ને બાજુએ લોહી રેડાઈ રહ્યું છે એ કદાચ નિવારી શકાયું હોત.
પણ સંખ્યાની, લશ્કરી કે આર્થિક શક્તિની તાકાત ધરાવનારાઓ એટલા મુશ્તાક હોય છે કે તેમને આવી કોઈ જરૂર લાગતી નથી. કોઈને વિશ્વાસમાં લેવા જેટલી સાદી માણસાઈજન્ય સભ્યતા દાખવવી એ તેમને નબળાઈ લાગે છે. તેઓ દાદાગીરીને મર્દાનગીમાં ખપાવે છે જેની કિંમત દાયકાઓ સુધી સામાન્ય લોકો ચૂકવે છે.
૧. અહીં ભારતનાં હિંદુઓ માટે એક ધડો :
કેટલાક હિંદુઓ ભારતમાં હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માગે છે. જે લોકો ભારતમાં હિંદુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે તેમણે સો વરસમાં ક્યારે ય વિધર્મીઓ સાથે સંવાદ કર્યો કે તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર કેવું હશે અને તેમાં વિધર્મીઓનું શું સ્થાન હશે? શા માટે તેમને વિશ્વાસમાં લેવામાં નથી આવતા? આનું કારણ સંખ્યાની ખુમારી હોય તો એ ખોટી ખુમારી છે. એક તો એ કે દરેક હિંદુ હિંદુ રાષ્ટ્રનો પુરસ્કર્તા નથી. તેના સમર્થકો કરતાં વિરોધ કરનારા હિંદુઓ વધારે છે. બીજું એ કે કોઈને કાયમ માટે દબાવીને રાખી શકાતા નથી, પછી એ બહુમતીમાં હોય કે લઘુમતીમાં. ઇઝરાયેલ અત્યંત શક્તિશાળી દેશ છે પણ ઇઝરાયેલમાં ભાગ્યે જ કોઈ યહૂદી ભય વિના જીવતો હશે. બીજી બાજુ ઇઝરાયેલમાં જેટલી યહૂદીઓની વસ્તી છે તેનાં કરતાં તેનાં અસ્તિત્વને નકારનાર પડોશી મુસ્લિમ દેશોની મળીને મુસ્લિમ વસ્તી અનેક ગણી છે. નથી મુસલમાનોની સંખ્યા નિર્ણાયક વિજય અપાવતી કે નથી ઇઝરાયેલની લશ્કરી અને આર્થિક તાકાત નિર્ણાયક વિજય અપાવતી.
તો તાકાત ક્યાં છે? તાકાત માણસાઈમાં છે. એકબીજાને સાંભળવામાં છે, સમજવામાં છે, સંવાદ કરવામાં છે, વિશ્વાસમાં લેવામાં છે, આપ-લે કરવામાં છે, સહઅસ્તિત્વની સંભાવનાઓ શોધવામાં છે. આ નબળાઈ નથી. તમે જોઈ રહ્યા છો કે પશ્ચિમ એશિયામાં દરેક પ્રકારની તાકાત નિષ્ફળ નીવડી છે. કોઈ શાંતિથી જીવી નથી શકતું. આની જગ્યાએ પેલેસ્ટેનીઓને વિશ્વાસમાં લીધા હોત તો?
હવે બીજી વાત :
૨૦૧૯નાં આંકડા મુજબ ઇઝરાયેલની કુલ વસ્તી ૯૮ લાખ છે જેમાં યહૂદીઓની સંખ્યા ૬૭ લાખ છે. ૩૦ લાખ મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય કબીલાઈ પ્રજા છે જેમાંથી મુસ્લિમ અને કબીલાઈઓને ખદેડવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ઇઝરાયેલની સ્થાપના જ્યાં કરવામાં આવી છે એ પશ્ચિમ એશિયામાં મુસલમાનોની કુલ વસ્તી ૩૫ કરોડની છે. કેટલી? ૩૫ કરોડ. ક્યાં ૬૭ લાખ અને ક્યાં ૩૫ કરોડ! આ સિવાય ખનીજ તેલની આવકને કારણે એ દેશો આર્થિક રીતે પ્રમાણમાં સમૃદ્ધ છે. ટૂંકમાં પશ્ચિમ એશિયામાં મુસ્લિમ અને યહૂદી વસ્તીનું પ્રમાણ અનુક્રમે ૯૮:૨ છે. આમ છતાં ય આપણે જોઈએ છીએ કે મુસ્લિમ દેશો ઇઝરાયેલને પરાજિત કરી શકતા નથી. અત્યાર સુધીમાં દસેક નાનાં-મોટાં યુદ્ધો થયાં છે જેમાં મુસ્લિમ દેશોનો એક પણ વાર વિજય થયો નથી.
બહુ સંક્ષેપમાં જણાવી દઉં કે શું ચાલી રહ્યું છે. ઇઝરાયેલની સ્થાપના થઈ એ પછીથી લગભગ ૧૯૯૦ સુધી આરબ-ઇઝરાયેલ અથડામણ સુન્ની મુસ્લિમ દેશો અને ઇઝરાયેલ વચ્ચે ચાલતી હતી. શિયાઓની વસ્તી ધરાવતું ઈરાન યુદ્ધમાં તો જોડાતું નહોતું, ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધ ધરાવતું હતું. ઈરાનમાં પહેલવી વંશના છેલ્લા રાજા મહમ્મદ રઝા શાહનું શાસન હતું અને તે અમેરિકાના ખોળામાં હતો. ૧૯૭૯માં ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઈ અને આયાતોલ્લાહ ખોમૈની(શિયા ધર્મગુરુ)નું શાસન આવ્યું. ઈરાનની અમેરિકા સાથે અથડામણ શરૂ થઈ અને ખૌમેનીએ અમેરિકા અને ઇઝરાયેલને શેતાનનાં રાષ્ટ્ર જાહેર કર્યાં અને તેને નકશામાંથી મિટાવી દેવાનો સંકલ્પ જાહેર કર્યો.
૧૯૯૦ પછી જગત બદલાવા લાગ્યું. અમેરિકાની મધ્યસ્થીથી પહેલાં ઇઝરાયેલ અને ઈજીપ્ત વચ્ચે સમજૂતી થઈ અને ૧૯૯૩માં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન લીબરેશન ઓર્ગેનાઈઝેશન વચ્ચે સમજૂતી થઈ. સામ્યવાદી દેશોનું પતન થયું અને વૈશ્વિક રાજકારણમાં સ્વાર્થની નવી રેખાઓ ખેંચાવા લાગી, નવાં સમીકરણો રચાવા લાગ્યાં. રશિયા, ચીન અને ઈરાન અલગ અલગ અને ક્યારેક અનૌપચારિક રીતે મળીને અમેરિકાને પરેશાન કરવા માંડ્યા. આ ત્રણ મળી જાય એવી પણ અમેરિકાને અને ઇઝરાયેલને ફાળ છે. ઈરાને ધીરે ધીરે ઈરાક, સિરિયા, યમન, લેબેનોન, પેલેસ્ટાઇન અને ગાઝા પટ્ટીમાં શિયા મુસલમાનોની ધરી રચી જે એક્સીસ ઓફ રેઝિસ્ટન્સ તરીકે ઓળખાય છે. અહીં દરેક જગ્યાએ હમાસ, હિજબુલ્લાહ, હોથિસ જેવા ત્રાસવાદી અથવા મીલીશિયા જૂથોને ઈરાન મદદ કરે છે અને કદાચ વાયા ઈરાન રશિયા પણ મદદ કરે છે. ઈરાને અક્ષરસઃ ઇઝરાયેલને ઘેરી લીધું છે.
પણ એ પ્રદેશના સુન્ની દેશો શું કરે છે? પહેલા ઈરાન તમાશો જોતું હતું અને અત્યારે સુન્ની દેશો તમાશો જોઈ રહ્યા છે. શિયા અને સુન્નીઓ ઇઝરાયેલ અને યહૂદીઓ સામે જેટલી દુશ્મની અને નફરત ધરાવે છે એનાં કરતાં ઘણી વધુ પરસ્પર ધરાવે છે. શિયાઓને સુન્ની દીઠ્યા ગમતા નથી અને સુન્નીઓને શિયા દીઠ્યા ગમતાં નથી.
૨. અહીં ભારતનાં મુસલમાનો માટે એક ધડો :
ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે, સંપૂર્ણ ધર્મ છે, જગત ઇસ્લામમાં માનનારાઓ અને નહીં માનનારાઓ વચ્ચે વહેંચાયેલું છે અને બાકીની બધી ઓળખ ગૌણ છે, નહીં માનનારાઓની ભૂમિ દારુલ હર્બ છે ને તેને દારુલ ઇસ્લામ(ઇસ્લામમાં માનનારાઓની ભૂમિ)માં પરિવર્તિત કરવી એ પ્રત્યેક મુસલમાનની ફરજ છે, ઇસ્લામ અને મુસ્લિમ હોવા સિવાયની દરેક ઓળખ ગૌણ છે, મુસલમાન ભૌગોલિક રાષ્ટ્રીયતા નથી ધરાવતા વૈશ્વિક રાષ્ટ્રીયતા (પાન ઇસ્લામીઝમ) ધરાવે છે અને જગતના તમામ મુસલમાનો એક છે (વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ) વગેરે જે દાવા કરવામાં આવે છે તેનું શું થયું? ૩૫ કરોડ મુસલમાન ૬૭ લાખ યહૂદીઓને પરાસ્ત નથી કરી શકતા! ક્યાં ગયાં વૈશ્વિક રાષ્ટ્રીયતા, વૈશ્વિક બંધુત્વ અને મુસ્લિમ એકતા? ભારતનાં મુસલમાનોએ આ પ્રશ્ન પોતાની જાતને પૂછવો જોઈએ. ભારતથી અલગ થયા પછી માત્ર પચીસ વરસમાં પાકિસ્તાનનાં બે ફાડિયાં થયાં અને બન્ને બાજુ મુસલમાન હતા.
જે એકતા ઇતિહાસમાં ક્યારે ય સિદ્ધ થઈ નથી તેની વાતો કરીને ભારતનાં મુસલમાનો હિંદુ કોમવાદીઓને ઝૂડવા માટે હથિયાર આપે છે. પેગંબરના અવસાન પછી માત્ર ત્રણ દાયકામાં શિયા અને સુન્ની એમ બે ભાગલા પડ્યા હતા અને તેમાં પેગંબરના વારસોનું લોહી રેડાયું હતું. ક્યા છે એકતા? ક્યારે હતી એકતા? એક તો ઉદાહરણ બતાવો. હિંદુ કોમવાદીઓ પણ આ હકીકત સુપેરે જાણે છે, પણ કેટલાક મુસલમાનો વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ(ઉમ્મા)ની વાતો કરીને મુસલમાનોની વફાદારી વિષે શંકા કરવાની હિંદુ કોમવાદીઓને તક આપે છે. હિન્દુત્વનું આખું રસાયણ મુસલમાનોની દેશબહારની વફાદારી પર રચવામાં આવ્યું છે. આવો બકવાસ બંધ કરશો તો હિન્દુત્વનો ફૂગો એની મેળે ફૂટી જશે.
૩. અને એક ધડો દરેક ભારતીય માટે :
ઓળખ આધારિત એકતા ઝાંઝવાનાં જળ જેવી છે. જગતમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ યુગમાં કોઈ પણ ઓળખ આધારિત એકતા સધાઈ નથી. એક ઉદાહરણ શોધી કાઢો. બીજું, દરેક દેશ, દરેક શાસક અને દરેક પ્રજા પોતાની સામેનાં સ્થળ અને કાળના સંદર્ભમાં પોતાનો સ્વાર્થ જોઇને નિર્ણયો લે છે. પશ્ચિમ એશિયામાં આ જ બની રહ્યું છે. ૧૮૫૭ના વિદ્રોહ વખતે પણ આવું જ જોવા મળ્યું હતું. હિંદુ હોય કે મુસલમાન, કેટલીક રિયાસતોએ અંગ્રેજો સામે વિદ્રોહ કર્યો હતો અને કેટલીકે અંગ્રેજોને મદદ કરી હતી. દરેકે પોતાનો સ્વાર્થ જોયો હતો. નહોતી એમાં રાષ્ટ્રભક્તિ કે નહોતો એમાં રાષ્ટ્રદ્રોહ. માટે ઇતિહાસમાં બનેલી ઘટનાઓને ત્રાજવે જે તે પ્રજાને કે ઈતિહાસ પુરુષોને તોળવાનો ધંધો બંધ કરવો જોઈએ. આ બધી આજકાલની પરિભાષામાં ટૂલકીટ છે. ઓજાર છે. ઓળખ અને ઇતિહાસ બન્ને શાસકો તેમ જ ધર્મગુરુ માટે ટૂલકીટ છે. ઘડીભર આ વિષે વિચારો.
તો ઉપાય શું? માણસ બનો, નાગરિક બનો, સર્વાંગીણ વ્યાપક હિતનું ધ્યાન રાખો, સૃષ્ટિનું પણ ધ્યાન રાખો. આમાં વ્યાપક બનવું પડે એમ છે અને એ અઘરું પડે એ હું જાણું છું. પણ કોઈના હાથનું હથિયાર ન બનવું હોય તો બીજો વિકલ્પ નથી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2024