ઇરાન માટે ઈઝરાયલને બતાડી દેવું એક જ ધ્યેય છે જ્યારે ઈઝરાયલને વૈશ્વિક સ્તરે સંબંધો સુધારી વિકાસ કરવો છે પણ ઈરાનના પ્રતિનિધિ આતંકી જૂથોની દાદાગીરી પણ નથી ચલાવવી
ગયા અઠવાડિયે ઇઝરાયલ પર ઈરાને 180થી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડી. ઇઝરાયલે હમાસ અને હિઝબુલ્લાહના લીડર્સનો ખાત્મો બોલાવ્યો તેના જવાબમાં ઈરાને આ હુમલો કર્યો. તહેરાન, ઈરાનની રાજધાનીના, આ હિંસક પ્રત્યાઘાતથી ઘણાં લોકો ચોંકી પણ ગયા. આ તરફ ઇઝરાયલનો ચોખ્ખો હિસાબ છે, જે અમારી પર હુમલો કરશે, અમે તેમની પર હુમલો કરીશું. અત્યારે મધ્ય પૂર્વ પ્રદેશોમાં એટલો બધો તણાવ છે કે એક છમકલું થશે અને યુદ્ધના પડઘમ વાગવા માંડશે. આમ પણ ત્યાં પ્રાદેશિક યુદ્ધ છેડાઇ જ ગયું છે.
ઇઝરાયલના બચાવી હુમલા
ઇઝરાયલ અને લેબનાનના આતંકી જૂથ હિઝબુલ્લાહ વચ્ચે લાંબો સમયથી સંઘર્ષ ચાલે છે. હિઝબુલ્લાને તહેરાન, ઈરાનનો ટેકો છે. ઈરાન, ઇઝરાયલ, હમાસ, હિઝબુલ્લાહ અને હૌથીઝ – આ બધું એકબીજા સાથે બહુ જટિલ રીતે સંકળાયેલું છે. ઇઝરાયલમાં વિશ્વના સૌથી વધુ યહૂદીઓ – જ્યૂઝ વસે છે. ઇઝરાયલની સરહદ પરના જે દેશો છે તેની સાથે ઇઝરાયલને બહુ બનતું નથી, વળી જેરુસલામ અને વેસ્ટ બેન્કના હિસ્સાઓ, ઇઝરાયલે અરાજકતા ફેલાવીને કબજામાં લીધા છે – અહીં પેલેસ્ટીની આરબો વસે છે. ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો તેને પણ લગભગ એક વર્ષ થવા આવ્યું અને લેબનાન સાથે યુદ્ધ વિરામની વાતચીત ચાલુ હતી ત્યાં ઇઝરાયલે ક્લસ્ટર બોમ્બ ઝીંકીને લેબનાનમાં હિઝબુલ્લાહના વડા મથકનો ખાત્મો બોલાવી દીધો. ઈરાન અને ઇઝરાયલ બને ત્યાં સુધી એક બીજા પર સીધો હુમલો કરવાનું ટાળતા આવ્યા છે પણ હવે સંજોગો બદલાઇ ગયા છે. ઇઝરાયલે પેજર અને વૉકીટૉકીમાં ધડાકા કર્યા, 37ના મોત થયા અને હિઝબુલ્લાહે જવાબ વાળ્યો.
ઈરાનના વતી લડતા હિઝબુલ્લાહ, હૌથીઝ, હમાસ
હિઝબુલ્લાહ લેબનાનનું સૌથી શક્તિશાળી સશસ્ત્ર આતંકવાદી જૂથ છે અને તે ઈરાનનું ટેકેદાર છે, તેના જે હમાસ જેવા પેલેસ્ટીની જૂથને ટેકો આપે છે. વળી ઈરાનના પ્રોક્સિમાં યમનના હૌથીઝ પણ છે. ટૂંકમાં હૌથીઝ, હિઝબુલ્લાહ અને હમાસ – ત્રણેય ઈરાનના ટેકેદાર – તેની અવેજીમાં અથવા તેના વત્તી લડી લે એવા આતંકી જૂથ – ઈરાનના પ્રતિનિધિઓ (પ્રોક્સીઝ) છે. હમાસે ઇઝરાયલમાં ગયા વર્ષે હુમલા કર્યા અને ઇઝરાયલે તેનો જવાબ વાળવાનું શરૂ કર્યું. મધ્ય પૂર્વ એશિયામાં ઇઝરાયલ અને મેડિટરેનિયન સમુદ્ર અને ઇજિપ્તની વચ્ચે સેન્ડવીચ થયેલી ગાઝા પટ્ટી જ બધા સંઘર્ષનું મૂળ છે. હમાસ, 2006ની પેલેસ્ટીનની ચૂંટણી જીત્યા બાદ ગાઝા પટ્ટી પર શાસન કરે છે અને યુનાઇટેડ કિંગ્ડમ સહિતના ઘણા દેશોએ હમાસને આતંકી જૂથ જ ગણાવ્યું છે. ગાઝા પટ્ટી પર રહેતા પેલેસ્ટીનીઓનો ઇઝરાયલ સાથે લાંબા સમયથી સંઘર્ષ ચાલતો આવ્યો છે. ઇઝરાયલે જ્યારે જ્યારે હુમલા કર્યા છે ત્યારે આતંકી જૂથોને ટાર્ગેટ કર્યા છે અને એ બધા ઈરાનના ટેકેદાર હોવાથી તેઓ પોતાની રીતે સામે જવાબ વાળતા રહે છે. જેમ કે યમનના હૌથીઓએ રાતા સમુદ્રમાં શિપિંગ પર હુમલા કર્યા અને કહ્યું કે તેઓ ઇઝરાયલ અને તેને ટેકો આપનારા પશ્ચિમી દેશો પર દબાણ લાવવા માગે છે.
ચીન, રશિયા, યુ.એસ. અને ઇરાન–ઇઝરાયલ સંઘર્ષ
ઈરાનના હુમલાઓ માત્ર ઇઝરાયલ નહીં પણ તેના પશ્ચિમી ટેકેદારો સાથેના સંઘર્ષની શક્યતાઓ પણ ખોલી નાખે છે. ઈરાન અને તેને ટેકેદારોને રશિયા અને ચીનનો ટેકો છે તો ઇઝરાયલને યુ.એસ.નો ટેકો છે. મોસ્કોએ ઈરાનને ફાઇટર જેટ્સ મોકલવાનું વચન આપ્યું છે કે તો ઇઝરાયલને અમેરિકાએ લશ્કરી અને રાજદ્વારી ટેકો પૂરો પાડ્યો છે. મોસ્કોએ યુક્રેઇન પર જે હુમલો કર્યો તેમાં ઇરાની શસ્ત્રો ખરીદાયા અને આમ ઈરાનને આર્થિક ટેકો મળ્યો.
ઇઝરાયલે અત્યારે એક કરતાં વધુ મોરચે લડે છે – ગાઝામાં સંઘર્ષ ચાલુ છે, ઇરાની શસ્ત્રો અને લોકલ આતંકીઓના ટેકાથી વેસ્ટ બેંકમાં થઇ રહેલા આતંકી હુમલાઓને નાથવા ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ કામે લાગેલી છે. ઈરાનના બીજા પ્રોક્સી જૂથો – શિયા આતંકીઓ ઇરાક અને સીરિયામાં તો હૌથીઓ યમનમાં ઇઝરાયલ પર હુમલા કરી રહ્યા છે જ્યાં યુ.એસ.ના ટેકાથી ઇઝરાયલે જવાબ આપ્યો છે.
ઈરાને લીધેલું જોખમ અને લેબનાની લોકો
આ તમામમાં ગાઝા, લેબનાનમાં જે થઇ રહ્યું છે તે અગત્યનું છે, ગયા વર્ષે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો અને 200 ઇઝરાયલીઓનું અપહરણ કરીને હિઝબુલ્લાહની સાથે મળીને ઇઝરાયલને રંજાડ્યું. ઇઝરાયલે તેનો જવાબ આપ્યો છે. હવે જ્યારે ઈરાને હુમલો કર્યો છે ત્યારે ઇઝરાયલ તેનો જવાબ કેવી રીતે આપશે એ જોવું રહ્યું. ઈરાને પોતાના શાસક – જે પ્રમુખ નથી પણ ઉચ્ચ નેતા છે એવા આયાતોલ્લાહ ખોમાનીને સલામત સ્થળે ખસેડી દીધા છે કારણ કે તેમની હત્યા થશે તો ઈરાનમાં અંદરોઅંદર જ ભારે અફરાતફરી મચી જશે. ઈરાન હુમલા કરે છે પણ તેને ડર છે કે ઇઝરાયલ ચાહે તો યુ.એસ. સાથે મળીને ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન, આર્થિક સંસ્થાનો, ન્યુક્લિઅર તંત્ર અને તેલના ભંડારોને નિશાને લેશે તો તેમનું આવી બનશે. ઈરાનને આ ચિંતા છે તો ઇઝરાયલ માટે એકથી વધુ મોરચા ખૂલી ગયા હોવાનું દબાણ છે. ઇઝરાયલે હિઝબુલ્લાહના વડા હસન નાસરઅલ્લાહને પતાવી દીધો એમાં ઈરાનનો દબદબો ઘટ્યો અને લેબનાન અને આરબ વર્લ્ડના લોકો આનાથી ખુશ છે કારણ કે હિઝબુલ્લાહે લેબનાનમાં અસ્થિરતા ફેલાવી હતી, હવે લેબનાનનો જે હિસ્સો હિઝબુલ્લાહના કબ્જામાં છે તેને ત્યાંનું સૈન્ય પોતાના તાબામાં લઇને શાંતિ સ્થાપી શકે. તેઓ ગાઝા જેવું લેબનાનમાં થાય તે નથી ઇચ્છતા.
વૈશ્વિક પરિપ્રેક્ષ્ય – સમાવેશી અને વિરોધી જૂથ
ખરેખર તો યુક્રેન, ગાઝા અને લેબેનનની સ્થિતિને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવી જરૂરી છે. યુક્રેનને રશિયાની કક્ષામાંથી છૂટીને યુરોપિયન યુનિયનમાં જવું હતું. સાઉદી અરેબિયા અને ઇઝરાયલ મધ્ય પૂર્વમાં સંબંધો સારા કરીને તેમનો મોટા મંચ પર, વૈશ્વિક સ્તરે સ્વીકાર થાય તે દિશામાં કામ કરતા હતા. રશિયા નહોતું ઇચ્છતું કે યુક્રેઇન NATOનો – પશ્ચિમી જૂથનો હિસ્સો બને તો ઇઝરાયલ સાઉદી અરેબિયા સાથે સંબંધ સુધારે એવું ઈરાન, હમાસ અને હિઝબુલ્લાહ નહોતા ઇચ્છતા. યુક્રેઇન યુરોપમાં જોડાય તો રશિયા એકલું પડે અને ઇઝરાયલ સાઉદી સાથે સારાસારી કરી લે તો ઈરાન હાંસિયામાં ધકેલાઇ જાય. વૈશ્વિક રાજકારણમાં બે ભાગલા છે, એક છે કોએલિશન ઑફ ઇન્ક્લુઝન –એટલે કે યુ.એસ. સાથે આર્થિક વિકાસ અને ક્લાઇમેટ ચેન્જ જેવા પડકારો માટે જોડાવા માગતા દેશો. બીજી માનસિકતા છે કોએલિશન ઑફ રેઝિસ્ટન્સ – જેના સુકાની છે રશિયા, ઈરાન, નોર્થ કોરિયા જે યુ.એસ.ના સંગઠનનો વિરોધ કરે છે, સરમુખત્યાર શાહીને ટેકો આપે છે અને સૈન્યની તાકતને ન્યાયી ગણે છે. ચીન આ બન્ને વચ્ચે ભેરવાયો છે કારણ કે આર્થિક રીતે તે ઇન્ક્લુઝન – સમાવેશ વાળા જૂથ સાથે છે પણ સરમુખત્યાર મૂલ્યોને મામલે તે રેઝિસ્ટન્સ – વિરોધના જૂથ તરફી છે. નેતન્યાહુએ સમાવેશ અને વિરોધી જૂથ વચ્ચેની ખાઇ દર્શાવીને, ઈરાન અને તેના આતંકી સાથી પ્રતિનિધિ (પ્રોક્સી) જૂથો જ બધી સમસ્યાઓનું મૂળ છે એમ કહેવાનો પ્રયાસ પણ કર્યો. જો ઇઝરાયલી અને પેલેસ્ટીની સંઘર્ષ વાટાઘાટથી ઉકેલાઇ જાય તો ઈરાન અને વિરોધી જૂથો ઓર નબળા પડે. આ તરફ હિઝબુલ્લાહના ખાત્માને પોતાની સફળતા ગણી નેતન્યાહુ પેલિસ્ટીનીઓ સાથે શાંતિ માટે વાટાઘાટ કરે તો ઇઝરાયલના જમણેરી ટેકેદારોને વાકું પડે એ ચોક્કસ પણ રશિયા, ઈરાન, હમાસ, હિઝબુલ્લાહને ચોક્કસ ફટકો પડે.
ઈરાનમાં આંતરિક મતભેદ
ઈરાન માટે ઇઝરાયલ સામે લડવું તેની રાજકીય ઓળખ છે, યુ.એસ. અને ઇઝરાયલનો વિરોધ ઈરાનના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. ઈરાન પર ધર્મગુરુઓ અને સૈન્યની મિલી ભગતનું શાસન છે. ત્યાંના સામાન્ય માણસોને આ તાયફાઓમાં રસ નથી, તેમને લોકશાહી અને વિકાસ જોઇએ છે. ત્યાંના લોકો બની બેઠેલા ઠેકેદારોના યુ.એસ. વિરોધી વલણને પડકારે છે. પણ એ માટે પ્રતિનિધિ આતંકી જુથોને કાબૂમાં લેવા જરૂરી છે જે સૈન્ય-ધર્મનું શાસન નહીં થવા દે. ઈરાને આ મિસાઇલ્સનો હુમલો ન કર્યો હોત તો વિરોધની ધરી – એક્સિસ ઑફ રેઝિસ્ટન્સમાં તેને કોઇ ગણકારત નહીં. ઈરાનના નવા પ્રમુખ માસુદ પેઝશ્કિયનને પશ્ચિમ સાથે સંબંધો સુધારવા છે પણ આંતરીક પ્રાદેશિક સંઘર્ષ, ઇઝરાયલ – હમાસ યુદ્ધમાં ઈરાનનું જોડાઇ જવું આમ થવા નથી દેતું. આ તરફ ઈરાન હવે ઇઝરાયલ સાથે લડી લેશે એમ બતાડે છે અને જો એમ થયું તો તે યુ.એસ.ના નેવલ એસેટ્સને નિશાને લેશે જેની અસર વ્યાપાર અને સલામતી પર પડશે તે પણ વૈશ્વિક સ્તરે. ઇઝરાયલ ઈરાનના હુમલાનો કચકચાવીને જવાબ વાળશે જ એ ઈરાન જાણે છે. આ તરફ ઇઝરાયલનો એજન્ડા છે કે યુ.એસ.માં સરકાર બદલાય એ પહેલાં આ યુદ્ધ અડધે પહોંચી જાય તો સારું કારણ કે જે સરકાર આવશે એ પ્રમાણે ઇઝરાયલે વલણ બદલવું પડશે. વળી યુ.એસ.માં સરકાર બદલાશે તેના આધારે પુતિનની આગલી ચાલ નક્કી થશે.
ઇઝરાયલે હિઝબુલ્લાહ અને હમાસને નબળા પાડ્યા હોવાથી તે પૂરી રીતે લડી લેવાના ઝોનમાં છે પણ હિઝબુલ્લાહ પોતાનું જોર બતાડવા પ્રયાસ કરે એવી વકી છે. આવામાં ઈરાન અને ઇઝરાયલ બન્નેએ વાટાઘાટોની શક્યતા પાંખી રાખી છે, યુ.એસ.નું યોગદાન શાંતિ સ્થાપવા માટે અગત્યનું સાબિત થઇ શકે છે.
બાય ધી વેઃ
આ બધાંની વચ્ચે આપણે, ભારતે તલવારની ધારે ચાલવાનું છે. આતંકી જૂથો પર ઇઝરાયલ હુમલો કરે તો ભારતને કંઇ ફેર નથી પડતો એ સ્પષ્ટ છે છતાં પણ પેલેસ્ટીન અને ઇઝરાયલ સાથે સંતુલિત સંબંધો રાખવા પણ જરૂરી છે. ઈરાને ઇઝરાયલ અને હિઝબુલ્લાહના ઝગડામાં સીધું ઝંપલાવ્યું છે એટલે ભારત માટે રાજદ્વારી પડકારો ખડા થયા છે. પશ્ચિમ એશિયામાં 9 મિલિયન ભારતીયો રહે છે અને તેમની સલામતીની જવાબદારી તો ભારત સરકારે લેવી જ પડે. પૂર્વ એશિયા પર ભારતનો તેલ અને ગેસ માટે આધાર છે પણ આ સંઘર્ષને પગલે જો એ પુરવઠો મેળવવામાં ઘોંચ પડી તો ભારતને ઊર્જા સલામતીના પ્રશ્નો થશે અને ક્રૂડ ઓઇલના ભાવ પણ વધી જશે. પશ્ચિમ એશિયા સાથે જોડાયેલા આતંકી હુમલાઓમાં ભારત પહેલાં પણ વગર વાંકે સંડોવાયું છે, જેમ કે 2012માં ઇઝરાયલી ડિપ્લોમેટનાં પત્ની પર દિલ્હીમાં હુમલો થયો હતો. આવું ફરી ન થાય તેની કાળજી ભારતે રાખવી જ રહી. અત્યારે તો ભારતે કોઇ પ્રતિક્રિયા આપી નથી પણ ભૂતકાળમાં વધતા તણાવ અને હિંસાને ડામવા પગલાં લેવા જોઇએ એમ કહ્યું છે. અત્યારે ભારત કઇ રીતે વાટાઘાટ કરીને બન્ને બાજુ સંબંધ સાચવી શકે છે તે જોવું રહ્યું.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2024