બાળકે ખોટું કર્યું તેમ તો આપણે કહીએ છીએ, તેને સજા પણ કરીએ છીએ, પણ શું સાચું છે તે કહેતા નથી. જિંદગીનાં સુંદર રહસ્યો પછી બાળક વિકૃત રીતે જાણે છે. પોતાના કે અન્યના શરીરનો આદર કરતાં શીખતા નથી. સંતાનને મિત્ર બનાવીએ અને તેના મિત્ર બની શકીએ તો ખાનાખરાબી ઓછી થાય. ‘વર્લ્ડ પોપ્યુલેશન ડે’નું એક લક્ષ્ય સેક્સ એજ્યુકેશન અને પ્રજનન આરોગ્ય પણ છે
ફરી એક વાર વિશ્વ જનસંખ્યા દિન આવ્યો ને ગયો. 1987માં વિશ્વની વસ્તી 5 અબજ થઈ ત્યારે થોડા ડર સાથે ફાઇવ બિલિયન ડે ઉજવાયો હતો. બે વર્ષ પછી ચેતવણીના સૂર સાથે વર્લ્ડ પોપ્યુલેશન ડે એટલે કે વિશ્વ જનસંખ્યા દિનની ઊજવણી શરૂ થઈ. આજે વિશ્વની વસ્તી 8.2 અબજ થઈ છે. આઝાદી મળી એ વખતે 34 કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં 2022ની વસ્તીગણતરી મુજબ 144 કરોડ લોકો થયા છે. 2050માં વિશ્વની વસ્તી 10 અબજ હશે અને તેમાં ભારતના 166 કરોડ લોકો હશે. આ આંકડા ચોંકાવનારા છે. સ્રોતોનો આડેધડ વપરાશ, આબોહવામાં ખતરનાક ફેરફારો અને વધતી ગુનાખોરી જેવાં મોટાં દૂષણો આની પાછળ ડોકાય છે.
એક મત એવો છે કે સેક્સ એજ્યુકેશન અને વસ્તીવધારાને સીધો સંબધ છે. સેક્સ એજ્યુકેશન અને સેક્સ ક્રાઇમ વચ્ચે પણ સીધો સંબધ છે. વિશ્વ જનસંખ્યા દિનની વિવિધ થીમ સમાનતા, સેક્સ એજ્યુકેશન, પ્રજનન આરોગ્ય, વસ્તીના વધારા સાથે વસ્તીના અજ્ઞાન અને અનારોગ્યને પણ તાકે છે. લાખો સગર્ભા સ્ત્રીઓ કુપોષણનો શિકાર છે. દોઢ કરોડ સ્ત્રીઓ 15થી 18 વર્ષની ઉંમરે મા બને છે. રોજની 800 સ્ત્રીઓ પ્રસૂતિને લીધે મૃત્યુ પામે છે. પરિવાર આયોજન, જાતીય શિક્ષણ, માનવ અધિકાર, પ્રજનન આરોગ્ય, બાળઉછેર, સ્ત્રીપુરુષ સમાનતા, બાળલગ્નો, ગર્ભનિરોધકોનો ઉપયોગ, જાતીય રોગો વગેરે વિષે જાગૃત થવું એ વિશ્વ જનસંખ્યા દિનનો હેતુ છે.
જો યોગ્ય સેક્સ એજ્યુકેશન અપાય તો આમાંના ઘણા પ્રશ્નો આપમેળે ઊકલી જાય. તેની અનિવાર્યતાને બધા સમજે છે, પણ એના વિષે ખૂલીને, વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે વાત કરવા માબાપો કે શિક્ષકો કોઈ તૈયાર નથી. બીજી બાજુ કિશોરો અને તરુણોના હાથમાં એક ક્લિકે ખૂલી જાય તેવો વિકૃતિઓનો ખજાનો છે. ભારતની વસ્તીમાં યુવાનોની સંખ્યા સવાચાર કરોડ છે એટલે કે નજીકના ભવિષ્યના સવાચાર કરોડ કુટુંબો. શરીરસંબંધો વિષેના આડેધડ આચારવિચાર એમને ક્યાં લઇ જશે?
વિચાર કરવા પ્રેરે એવી બે ફિલ્મો યાદ આવે છે. એક તો છે મરાઠી ‘બાલક-પાલક’ અને બીજી ‘ઓએમજી-2’
અવિનાશ, ડોલી, ભાગ્યેશ અને ચિઉ. મુંબઈની એક ચાલીમાં સાથે રમતાં અને એક જ શાળામાં એક જ વર્ગમાં ભણતાં આ બારતેર વર્ષનાં તોફાની બારકસોએ એક વાર વડીલોને મોઢે ચાલીની છોકરીએ ‘મોં કાળું કર્યું’ એવું સાંભળ્યું. વડીલોએ સરખા જવાબ ન આપ્યા એટલે એના અર્થની શોધ એમને ચાલીના જ ભણવામાં ઢ પણ બીજી બાબતોમાં ‘જ્ઞાની’ વિશુ પાસે લઇ ગઈ. વિશુએ એમને શરીરસંબંધો વિષે કહ્યું અને બ્લ્યૂ ફિલ્મ પણ બતાવી. ફિલ્મ બેત્રણ મિનિટની જ હતી ને તેમાં અધકચરાપણું ને વિકૃતિ સિવાય કઈં ન હતું. પણ આ ચારે સામે એક અજાયબ વિશ્વ ખૂલી ગયું. એક તરફ એ જોવા માટે એકાંત મેળવવાની ને છૂપું રાખવાની મુશ્કેલી અને બીજી તરફ મન પર કબજો કરી બેઠેલું અદમ્ય આકર્ષણ ને કુતૂહલ – આ બંને એમની પાસે જે ધમાલ, કારસ્તાન, ગોટાળા અને છબરડા કરાવે છે તે પ્રેક્ષકોને હસાવે તો છે, પણ હસતાંકૂદતાં તોફાનમસ્ત બાળકો નાની ઉંમરે નિર્દોષતા ગુમાવી અકાળે પુખ્ત થઈ જાય છે તેની કરુણતા પણ પ્રેક્ષકોને સ્પર્શે છે. બાળકોને પોતાને પણ ખ્યાલ આવે છે કે જે જાણતાં નહોતાં તે ખોટી રીતે જાણવા ગયાં તો બાળપણ, નિર્દોષતા અને મસ્તી ખોઈ બેઠાં. એ કદી પાછાં નહીં આવે. આ હતી ‘બાલકપાલક’ની કથા.
‘બાલક-પાલક’ 2013ની ફિલ્મ હતી અને ‘ઓએમજી-2’ 2023ની. એક દાયકામાં એક સાદી જેટલું પરિવર્તન આવી જાય એવા ઝડપી યુગમાં આપણે જીવીએ છીએ, પણ સેક્સ એજ્યુકેશનના મામલામાં બધું જ્યાં હતું ત્યાં જ છે. ‘ઓએમજી-2’માં એક છોકરો વિવેક સ્કૂલમાં બેભાન થઈ જાય છે. કારણ? રાતભર કરેલું હસ્તમૈથુન. તેણે કેમ એવું કર્યું? ‘સાઇઝ’ વધારવા. સ્કૂલના રેસ્ટરૂમમાં હસ્તમૈથુન કરતા વિવેકનો વીડિયો વાઇરલ થાય છે ને ઘર-પાડોશીઓ-શિક્ષકો સુધી પહોંચે છે. સ્કૂલ વિવેકને કાઢી મૂકે છે. ગામ છોડવા તૈયાર થયેલા શિવભક્ત પિતા સામે શિવનો દૂત આવે છે અને કહે છે કે અપરાધી વિવેક નથી. અપરાધી તો એની સ્કૂલ છે, જે સેક્સ એજ્યુકેશન આપતી નથી. પિતા કેસ ફાઇલ કરે છે અને સ્કૂલને અને પિતા તરીકે પોતાને દોષી સાબિત કરે છે. વિષય અત્યંત સંવેદનશીલ છે, પણ હાસ્યને મધ્યમ બનાવીને સરળ રીતે છતાં અસરકારકતાથી છેડાયો છે. તરુણ સંતાનનાં માતાપિતાની મૂંઝવણ અને નવી બાબતોને જાણવાની અને એનો અનુભવ લેવાની તરુણ માનસની જીદ આ બંને સમસ્યાઓ દરેક કુટુંબની છે.
આપણા દેશની સ્થિતિ એવી છે કે એક તરફ અસ્તિત્વ ટકાવવાની મુશ્કેલી છે, બીજી તરફ કૂદકે ને ભૂસકે વધતી જતી વસ્તી એ મુશ્કેલીમાં વધારો કરે છે, ત્રીજી તરફ રિપ્રોડક્ટિવ હેલ્થ અંગેનું હળાહળ અજ્ઞાન પ્રવર્તે છે. પરિણામે કિશોરવસ્થામાં જાતીય હિંસાનો ભોગ બનતી દર ત્રણમાંની એક કિશોરી, નાની ઉંમરે લગ્ન ને કુપોષિત સગર્ભાવસ્થા. ભારતમાં દર વર્ષે પોણાબે લાખ કિશોરો યુવાનીમાં પ્રવેશે છે. આમાંના 30 ટકા લગભગ અભણ છે. 50 ટકાએ રિપ્રોડક્ટિવ હેલ્થ જેવો શબ્દ સાંભળ્યો નથી. શિક્ષિત કિશોરો પણ હેરાન છે કેમ કે સેક્સ એજ્યુકેશન આજે પણ ભડકામણો અને પ્રતિબંધિત શબ્દ છે. શરીરમાં થતાં અજબ પરિવર્તનો હેરાન કરે છે. ઘરમાં કે શાળામાં વાત થઈ શકતી નથી. મિત્રો સમજ-અણસમજમાં ગોથાં ખાય છે. નઠારી માહિતીઓ ગોટાળે ચડાવે છે. ઈન્ટરનેટ નામની જાદુઇ ચાવી હાથવગી છે. એક જ ક્લિકથી ઢગલો પોર્ન સાઇટો ખૂલે છે. માતાપિતા આધુનિક હોય કે પરંપરાબદ્ધ, એ જ નિષેધોમાં અટવાય છે જે નિષેધોમાં એમનાં માતાપિતા અટવાતાં હતાં.
બંને ફિલ્મોએ એક બોલ્ડ વિષયને બહુ સતર્કતાથી છેડ્યો છે અને હસતાંરમતાં વાતની ગંભીરતા સમજાવી છે. ‘બાલક-પાલક’ની શરૂઆતમાં એક બારેક વર્ષના છોકરાના રૂમમાંથી નગ્ન તસવીરો મળે છે ત્યારે તેનો પિતા તેના પર હાથ ઉપાડે છે, ‘તને સગવડ આપવા ને સારું ભણાવવા અમે આટલું કરીએ છીએ અને તું આવું બધુ જુએ છે?’ ફિલ્મના અંતે આ છોકરાના પિતા એની માતાને કહે છે કે બાળકે ખોટું કર્યું તેમ તો આપણે કહીએ છીએ, તેને સજા પણ કરીએ છીએ, પણ શું સાચું છે તે કહેતા નથી.’ ફિલ્મના અંતે એક કાકા બહુ દુ:ખ સાથે કહે છે કે બાળકોએ જિંદગીનું કેટલું સુંદર રહસ્ય કેટલી વિકૃત રીતે જાણ્યું! માબાપને મિત્રો બનાવી શકાયા હોત તો આવી ખાનાખરાબી ન થાત.
મારી મિત્ર સીમા કહે છે, ‘મેં મારાં સંતાનોને કહ્યું છે કે મા-છોકરાં તો એક જ કહેવાય. કોઈ વાત ખરાબ છે, ન પુછાય એવું ન વિચારવું. પૂછી લેવું. કહેવા જેવું હશે તો હું કહીશ. પણ જો હું રાહ જોવાનું કહું તો તમારે રાહ જોવાની પણ આડાઅવળા ખાંખાખોળા નહીં કરવાનાં. સમય આવશે ત્યારે તમારે જાણવા જેવું મારી મળે કહીશ, ચોક્કસ કહીશ. ત્યાં સુધી ભણવાનું ને મઝા કરવાની.’
હૃદય પર હાથ મૂકીને એક ખાતરી કરી લેવા જેવી છે, આપણે આપણા સંતાનના મિત્ર છીએ ને?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 જુલાઈ 2024