દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રહી રહીને હવે મોઢું ખોલ્યું છે અને સવાલ કર્યો છે કે સી.એ.એ. (સિટિઝનશીપ એમેન્ડમેન્ટ ઍક્ટ), એન.પી.આર. (નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર) અને એન.આર.સી.(નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન)ની જરૂર જ શું છે? એ ત્રણ જોગવાઈઓના સ્વરૂપ વિશે તેમણે વાત કરી છે અને એ કઈ રીતે દેશમાં તિરાડ પેદા કરી શકે એમ છે અને સરવાળે હિંદુઓને જ કઈ રીતે નુકસાનકર્તા છે એમ તેમણે કહ્યું છે. અહીં આપણે અરવિંદ કેજરીવાલને સવાલ પૂછવો જોઈએ કે જો આટલું જ્ઞાન ધરાવો છો તો ગયા વરસના ડિસેમ્બરમાં સંસદમાં ખરડો આવ્યો ત્યારે તેને ટેકો શા માટે આપ્યો હતો? અરવિંદ કેજરીવાલે એન.ડી.ટી.વી.ને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે તેમને આ બધા કાયદાઓ સમજાતા જ નથી. તો પછી સંસદમાં ખરડાના પક્ષે વગર સમજ્યે મતદાન કર્યું હતું?
અરવિંદ કેજરીવાલને દિલ્હીની વિધાનસભામાં મતદાતાઓના મત નહોતા ગુમાવવા આ એક કારણ હતું. પણ એનાથી વધારે મોટું કારણ મારી સમજ મુજબ એવું છે કે કેજરીવાલ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પિતરાઈ છે. આવું મને ૨૦૧૦થી લાગી રહ્યું છે જ્યારે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની બેઠકો સંઘ દ્વારા સ્થાપિત વિવેકાનંદ ફાઉન્ડેશનમાં થતી હતી. અણ્ણા હજારે, ડબલ ડેકર શ્રીધારી રવિશંકર, બાબા(હવે લાલા)રામદેવ, કિરણ બેદી, અરવિંદ કેજરીવાલ વગેરે ત્યાં મળતા હતા અને યોજનાઓ બનતી હતી. મંચ પર પૃષ્ઠભૂમિમાં સંઘ પ્રેરિત ભારતનો નકશો રાખવામાં આવતો હતો અને દેખાવોમાં સંઘના કાર્યકર્તાઓ અડધી ચડીની જગ્યાએ જીન્સ પહેરીને આવતા હતા. વિનોદ રાય નામનો માણસ ભ્રષ્ટાચારના આંકડાં ફૂગાવી ફૂગાવીને આપતો હતો.
આમ અરવિંદ કેજરીવાલ માનવતાવાદી છે કે પછી હિંદુ રાષ્ટ્રવાદી છે એ વિશે મારા મનમાં પહેલેથી જ શંકા છે. જો હિંદુ રાષ્ટ્રવાદી હોય તો એટલું કબૂલ કરવું રહ્યું કે તેઓ મોદી-શાહ કરતાં ઘણી સફાઈ સાથે રાજકારણ કરે છે અને અરવિંદ કેજરીવાલ જો ખરેખર પિતરાઈ હોય તો એટલું તો આપણે કબૂલ કરવું જોઈએ કે તે વધારે ચતૂર છે અને સભ્ય ચહેરો ધારણ કરતા તેમને આવડે છે. વિકાસ પ્લસ રાષ્ટ્રવાદનું વ્યવહારુ મોડેલ તેમણે વિકસાવ્યું છે. અરવિંદ કેજરીવાલ ખરેખર શું છે એ ઝાઝા દિવસ છૂપું રહેવાનું નથી.
કેજરીવાલે તો કાનૂન ત્રિપુટીની નિરર્થકતાનો ખૂલાસો કર્યો નથી, પણ અહીં વાચકોનું એક બાબતે ધ્યાન દોરવું છે. ખબર નહીં કેમ, પણ આ મુદ્દે જેટલી ચર્ચા થવી જોઈએ એટલી થઈ નથી. ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં આપેલી વિગતો મુજબ ભારતનું વિભાજન થયું ત્યારે અવિભાજિત પાકિસ્તાનમાં ગેર મુસલમાનોની વસ્તીનું પ્રમાણ ૨૩ ટકા હતું જે આજે ઘટીને ૩.૭ ટકા છે. પૂર્વ પાકિસ્તાનમાં એટલે કે આજના બંગલાદેશમાં ગેર મુસલમાનોની વસ્તીનું પ્રમાણ ૧૯૪૭માં ૨૨ ટકા હતું જે આજે ઘટીને ૭.૮ ટકા વધારે હતું. એ પછી અમિત શાહે સવાલ કર્યો હતો જે તેમના જ શબ્દોમાં : ‘કહાં ગયે યે લોગ? યા તો ઉનકા ધર્મ પરિવર્તન હુઆ, યા ઉનકો માર દિયે ગયે, યા ભગા દિયે ગયે યા ભારત આ ગયે.’
પહેલી વાત તો એ કે આ આંકડા ખોટા છે અને બીજી વાત એ કે વિભાજન વખતે બધા જ ગેર મુસલમાનોનું સાગમટે ભાવિ નક્કી નહોતું થયું. એ વાત ખરી છે કે વિભાજન વખતે કોમી હિંસા થતાં મોટા પ્રમાણમાં હિંદુઓ પાકિસ્તાન છોડીને ભારત આવતા રહ્યા, પણ એ છતાં ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સુધી અને ૧૯૭૦માં પેદા થયેલા બંગલાદેશના સંકટ સુધી અનુક્રમે પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનમાં ગેર મુસલમાનોની વસ્તી હજુ પણ ઠીકઠીક પ્રમાણમાં હતી. પશ્ચિમ પાકિસ્તાનમાં મુખ્યત્વે સિંધમાં. યુદ્ધ પછી અને બંગલાદેશના સંકટ પછી પાકિસ્તાનમાં સ્થિતિ એવી બની હતી કે ગેર મુસલમાનો, ખાસ કરીને હિંદુઓ પાકિસ્તાન છોડીને બહાર જવા લાગ્યા. આમ જે સ્થળાંતર થયું છે એ અંદાજે ૩૦ ટકા વિભાજન વખતનું છે અને બાકીનું ૧૯૬૫ પછીનું છે. વિભાજન વખતનો સ્થળાંતરનો આંકડો નાનો એટલા માટે છે કે પૂર્વ પાકિસ્તાનમાંથી વિભાજન વખતે સ્થળાંતર ઘણું ઓછું થયું હતું. ૧૯૬૧ની વસ્તી ગણતરી મુજબ પૂર્વ પાકિસ્તાનમાં ગેર મુસલમાનોની વસ્તીનું પ્રમાણ હજુ પણ ૧૯.૫૭ ટકા હતું. આજે પણ બંગલાદેશમાં ગેર મુસ્લિમોની વસ્તીનું પ્રમાણ ૯.૬ ટકા છે.
જે લોકો વિભાજન વખતે ભારત આવી ગયા હતા તેમને તો ભારતનું નાગરિકત્વ અલગથી મેળવવાનો સવાલ જ નહોતો. એ હતું જ, માત્ર રહેણાક બદલાયું હતું. બંધારણ ઘડાયું, બંધારણીય રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, નાગરિક ધારો લાગુ થયો એ પછી પાકિસ્તાનમાંથી જે ગેર મુસલમાન લોકો ભારતમાં આવ્યા તેમણે ભારતનું નાગરિકત્વ મેળવવાનું હતું. હવે હમણાં કહ્યું એમ ૧૯૬૧માં એકલા પૂર્વ પાકિસ્તાનમાં ગેર મુસલમાનોની વસ્તી ૧૯.૫૭ ટકા એટલે કે પૂર્વ પાકિસ્તાનની કુલ ચાર કરોડ વીસ લાખની વસ્તીમાં ૮૪ લાખની હતી. પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન એમ બન્ને મળીને ગેર મુસલમાનોની વસ્તી એક કરોડ કરતાં વધુ હતી.
હવે સવાલ એ છે કે અત્યારે ભારતમાં વસતો હોય અને પાકિસ્તાનમાં જન્મ્યો હોય એવો કોઈ ભૂતપૂર્વ પાકિસ્તાની ગેર મુસલમાન તમને મળ્યો જે ભારતનું નાગરિકત્વ મેળવવા દરવાજે દરવાજે ભટકતો હોય? તમે એવી ફરિયાદ કરતો કોઈ નિર્વાસિત જોયો છે જે કહેતો હોય કે પાકિસ્તાન કે બંગલાદેશમાં ઘરબાર છોડીને આવ્યા, છતાં પણ હજુ સુધી અમને ભારત સરકાર નાગરિકત્વ નથી આપતી? ભારતનું નાગરિકત્વ મેળવવા તડપતા હોય, તલસતા હોય એવા નિર્વાસિત ક્યાં ય જોવામાં આવ્યા છે? જો એમ હોત તો કાશ્મીરની ખીણના પંડિતો માદરે વતન માટે ઊહાપોહ કરે છે એમ ભૂતપૂર્વ પાકિસ્તાની ગેર મુસલમાનો ભારતનું નાગરિકત્વ મેળવવા શોર મચાવતા હોત. ક્યારે ય દિલ્હીમાં જન્તર મન્તર પર એક્સ પાકિસ્તાનીઓએ ભારતનું નાગરિકત્વ મેળવવા મોરચો કાઢ્યો હોય એવું સાંભળ્યું છે? ક્યારે ય? આય રિપીટ, આઝાદ ભારતના ઇતિહાસમાં ક્યારે ય? પાકિસ્તાન અને બંગલાદેશ છોડો, કોઈ મૂળ અફઘાનિસ્તાની ગેર મુસલમાનને નાગરિકત્વ નથી મળતું એવી ફરિયાદ કરતા કે માગણી કરતા સાંભળ્યા છે?
જો તેમને આવી માગણી કરતા નથી સાંભળ્યા તો એનો દેખીતો અર્થ એ જ થાય કે તે બધાને નાગરિકત્વ મળી ગયું છે. પાકિસ્તાન અને બંગલાદેશથી આવતા લગભગ તમામને અને અફઘાનિસ્તાનમાંથી આવતા મોટા ભાગના ગેર મુસલમાનોને ભારતમાં નાગરિકત્વ આપવામાં આવે તે માટેની જોગવાઈ છે અને મોટી સંખ્યામાં લોકોએ નાગરિકત્વ મેળવ્યું છે. જો એમ ન હોત તો અસંતોષ કાને પડ્યો હોત. આખરે વિભાજનને સાત દાયકા થઈ ગયા છે, એ કોઈ કાલની તાજી ઘટના નથી.
બીજી વાત, પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનના કેટલા મુસલમાનોએ ભારતનું નાગરિકત્વ માગ્યું છે? કોઈ યુવતીએ ભારતીય મુસલમાન યુવક સાથે લગ્ન કર્યાં હોય અને લગ્નના સંબંધે નાગરિકત્વ માગ્યું હોય એ જુદી વાત છે, પરંતુ અમારા દેશ(પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાન)માં અમને સતાવવામાં આવે છે એટલે અમારે ભારતમાં આશ્રય જોઈએ છે એટલું જ નહીં નાગરિકત્વ પણ મેળવવું છે એવી સત્તવાર કેટલી અરજી આવી? મારી પાસે આનો આંકડો નથી, પણ એવી સંખ્યા સોની પણ નહીં હોય. પાકિસ્તાનમાં જેમને સતાવવામાં આવે છે એવા મુહાજીરો, અહમદિયા મુસલમાનો, સૂફીઓ, ગિલગીટ અને બાલ્તીસ્તાનના શિયા કબિલાઈઓ, બંગલાદેશના બિહારી મુસલમાનો વગેરેમાંથી ભાગ્યે જ કોઈએ ભારત સરકારને નાગરિકત્વ માટે અરજી કરી હશે. તસ્લીમા નસરીન કે તાલેબાનોથી ડરી ગયેલા અફઘાનીઓએ ભારતમાં આશ્રય લીધો છે, નાગરિકત્વ નથી માગ્યું.
આનું કારણ એ છે કે કોઈ ડાહ્યો મુસલમાન હિંદુ બહુમતી દેશમાં નાગરિકત્વ માગે નહીં અને માગે તો તેને મળે નહીં. ધારો કે ભારતમાં કોઈ સેક્યુલર હિંદુને કે હિંદુ દલિતોને સતાવવામાં આવે તો તે પાકિસ્તાનમાં જાય? અને જાય તો ત્યાંનો નાગરિક બને? અને માની લો કે તે નાગરિક થવા અરજી કરે તો પાકિસ્તાન આપે?
મુદ્દાનો સવાલ એ છે કે પાકિસ્તાન, બંગલાદેશ કે અફઘાનિસ્તાનથી આવેલ ગેર મુસલમાનો આજ સુધી નાગરિકત્વવિહોણા રહ્યા નથી તો પછી સી.એ.એ.ની અલગથી વ્યવસ્થા કરવાની શી જરૂર પડી? આ જોગવાઈ નાગરિકત્વ આપવા માટેની છે તો કોને? જેને (ગેર-મુસલમાનને) આપવું જોઈએ એને તો અપાય જ છે. આજ સુધી કોઈને વંચિત રાખવામાં નથી આવ્યા.
તો પછી સી.એ.એ. શા માટે અને કોના માટે? આ જ તો ગેઈમ છે. મુસલમાનોનું નાગરિકત્વ છીનવી લેવા માટેની આ રમત છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 માર્ચ 2020