Opinion Magazine
Number of visits: 10040263
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિંદગી એક જ મળી છે ત્યારે કયો માર્ગ અપનાવશો?

રમેશ ઓઝા|Opinion - Opinion|1 August 2021

વિનાયક દામોદર સાવરકર અને હિન્દુત્વવાદીઓ કહે છે કે આપણી સમસ્યા માણસાઈની છે, કહો કે માણસાઈના અતિરેકની છે. એમાં વળી, ઓછામાં પૂરું હિંદુઓની સરસાઈવાળા હિંદુ રાષ્ટ્રવાદની કલ્પના હજુ તો હાથ લાગી ન લાગી એટલામાં માણસાઈના મેરુ સમાન મોહનદાસ કરમચંદ ગાંધી પેદા થયો અને એણે તો માણસાઈને એક અપૂર્વ ઊંચાઈ આપી. આશ્રમની ઝૂંપડીમાં બેસીને સંતોની જેમ ગાંધીજીએ કશું કર્યા વિના માણસાઈનો ઉપદેશ આપ્યો હોત તો ગાંધીજીને તેમણે વધાવી લીધા હોત. કહેવા થાત કે જુઓ આપણે કેટલા મહાન છીએ અને કેવા મહાન વિચારો ધરાવીએ છીએ. ગાંધીજીના પગમાં સાષ્ટાંગ દંડવત્‌ પ્રમાણ કર્યા હોત અને ખૂન કરવાની તો જરૂર જ ન પડી હોત. પણ ગાંધીજીએ તો ગામના ઉતાર જેવા રાજકારણમાં માણસાઈને દાખલ કરી. આ ધરતી ઉપર આ અપૂર્વ પ્રયોગ હતો  અને હું ગર્વ સાથે કહી શકું કે આવું માત્ર ભારતમાં જ બની શકે. હવે માણસાઈના મેરુ સમાન કોઈ માણસ રાજકારણમાં માણસાઈને દાખલ કરે તો પછી તેને બદનામ પણ કરવો પડે અને ખૂન પણ કરવું પડે. હિંદુ રાષ્ટ્રવાદી રાજકારણની એ જરૂરિયાત ત્યારે પણ હતી અને આજે પણ છે. રોજેરોજ તેને બદનામ કરીને તેને રસ્તામાંથી ધકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમને ગાંધીજી સામે કોઈ અંગત વાંધો નથી, તેમને માણસાઈયુક્ત રાજકારણ સામે વાંધો છે અને આ જગત એ ડોસાનું કૌતુક કરતાં થાકતું નથી!

અહીં રાજકારણને તેના બૃહદ્દ પરિપ્રેક્ષ્યમાં સમજી લેવાની જરૂર છે. રાજકારણ એટલે ટકી રહેવાની જદ્દોજહદ. આ ધરતી ઉપર દરેક જીવ રાજકારણ કરે છે અને એ અર્થમાં રાજકારણી છે. સાપ રેતીમાં પોતાના દેહને છૂપાવીને માત્ર મુંડી બહાર રાખીને શિકાર શોધે એ સાપનું રાજકારણ છે. કાચિંડો રંગ બદલીને પોતાને શિકારીની નજરથી બચાવે એ કાચિંડાનું રાજકારણ છે. દરેકે દરેક જીવ ટકી રહેવાની જદ્દોજહદ કરે છે. આમાં માણસે પોતાની ટકી રહેવાની જદ્દોજહદ વિસ્તારી છે. તે માત્ર જીવ ટકાવી રાખવા નથી માગતો; કુટુંબમાં અને સમાજમાં સ્થાન ટકાવી રાખવા માગે છે, હાથ લાગેલું સુખ ટકાવી રાખવા માગે છે, હાથ લાગેલો દબદબો, પ્રતિષ્ઠા અથવા વગ કે સત્તા ટકાવી રાખવા માગે છે, વગેરે. માણસ અહીં પણ અટકતો નથી. તે તેમાં વધારો કરવા ઈચ્છે છે. ટકવું છે, ટકાવી રાખવું છે, વધારે પ્રમાણમાં ટકાવી રાખવું છે, લાંબો સમય ટકાવી રાખવું અને જો શક્ય હોય તો કાયમ માટે ટકાવી રાખવું છે. બીજા જીવ માત્ર જીવ ટકાવી રાખવાનું રાજકારણ કરે છે, જ્યારે માનવીનું રાજકારણ એનાથી ઘણું વધારે છે. સ્વાભાવિક છે કે સુખ વધારે જોઈતું હોય અને તે લાંબા સમય માટે જોઈતું હોય તો બીજાનું છીનવી લેવું પડે અને બીજો છીનવે નહીં એનાથી સાવધાન પણ રહેવું પડે. 

સ્વાભાવિકપણે માણસ જાતે મેળવવાના, મેળવેલું ટકાવી રાખવાના, બીજાનું છીનવી લેવાના અને બીજો છીનવી ન લે એ માટે સાવધ રહેવાના રસ્તાઓ શોધ્યા છે. બાવડાંના બળ અને પથ્થરથી લઈને અણુબોંબ સુધીના અનેક આયુધો માણસે વિકસાવ્યા છે. આ જગતમાં સતયુગ ક્યારે ય નહોતો. સતયુગ એ દરેક અર્થમાં ભલા માણસ બની રહીને જીવવાની આપણી અધૂરી રહેલી મહેચ્છાની પરીકથા છે. અથવા એમ કહો કે દરેક અર્થમાં માનવ બની રહીને ક્યારેક કોઈ જીવતું હતું એની માનવમને કરેલી મીઠી કલ્પના છે. સતયુગ ક્યારે ય હતો જ નહીં. દરેક યુગમાં માણસ ટકી રહેવાની જદ્દોજહદ કરતો હતો જેમાં મોકો મળે તો બીજાનું છીનવી લેવું અને બીજાથી સાવધાન રહેવાનો સમાવેશ થાય છે. સુજ્ઞ વાચકના ધ્યાનમાં એક વાત આવી જ ગઈ હશે કે ‘આપણે’ સામે ‘બીજા’નો ભેદ આદિકાળથી છે.

આ જદ્દોજહદના રાજકારણમાં આધુનિક યુગમાં બે તત્ત્વો ઉમેરાયાં અને તેણે સતયુગની કલ્પના તો બાજુએ રહી, જગતને વાસ્તવમાં નર્ક બનાવી નાખ્યું. એ બે તત્ત્વો છે ‘આપણે’ની માફક આવે એવી વિકસાવવામાં આવેલી ઓળખ અને ‘આપણો’ અને’ બીજા’નો માફક આવે એવો મનભાવક ઇતિહાસ. આ બે ચીજ અણુબોમ્બ અથવા જૈવિક શસ્ત્રોથી પણ ખતરનાક છે.  આ બે કીડા એકવાર દિમાગમાં ઘૂસી ગયા પછી તેને મારવા મુશ્કેલ છે અને ઉપરથી તે રોજેરોજ બચ્ચાંઓને જન્મ આપતા રહે છે. એમાં આજના વોટ્સેપના યુગમાં આ બે કીડાનાં બચ્ચાંઓનો જન્મ એટલી ઝડપથી થાય છે કે ‘આપણે’ અને ‘બીજા’ઓમાં માનનારાઓના દિમાગ ઝેરી કીડાઓથી ખદબદે છે. આજના યુગમાં અભૂતપૂર્વ અશાંતિ જોવા મળે છે એનું કારણ આ બે કીડા છે, જે માનવીએ આધુનિક યુગમાં પેદા કર્યા છે અને અત્યારે તેનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે.

યાદ રહે, આપણી પાસે જિંદગી એક જ છે અને તે કેમ જીવવી જોઈએ એ બતાવવા અત્યંત નિર્ણાયક ઘડીએ વિનાયક દામોદર સાવરકર અને મોહનદાસ કરમચંદ ગાંધી એક સાથે સમકાલીન બનીને આવ્યા. જગતભરના સાવરકરો સામે ગાંધીનું થવું એ યોગાનુયોગ નહોતો, સમયની જરૂરિયાત હતી. માનવી આજે ત્રિભેટે ઊભો છે અને તેણે કયો માર્ગ અપનાવવો એનો નિર્ણય લેવાનો છે. એક છે, વિનાયક દામોદર સાવરકર માર્ગ અને બીજો છે મોહનદાસ કરમચંદ ગાંધી માર્ગ.

જિંદગી એક જ મળી છે ત્યારે કયો માર્ગ અપનાવશો? માર્ગ પસંગ કરતાં પહેલાં તેનાં લેખાજોખાં કરી લેવા જોઈએ. મૂલ્યવાન આયખું એળે ન જવું જોઈએ.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ઑગસ્ટ 2021

Loading

1 August 2021 admin
← સમાન નાગરિક ધારો : કેટલો આવશ્યક, કેટલો ઈચ્છનીય?
મુસ્લિમ દેશોમાં કટ્ટરવાદી જૂથ, અસ્થાયી સરકારી નીતિઓ કન્યા શિક્ષણનું ગ્રહણ સાબિત થાય છે →

Search by

Opinion

  • ઓળખવું
  • બરસાત મેં ….
  • વહુઘેલો
  • જંતરમંતરથી ડંકેકી ચોટ : “રૈયત’ નથી, ‘મરદ’ છીએ 
  • અદ્દભુત-અવર્ણનીય દિલિપકુમાર અને ‘અંદાઝ’

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved