
પ્રીતમ લખલાણી
માણેકબા સ્વર્ગે સિઘાવ્યાં બાદ માઘવજી બાપાનું સ્થાન ફળિયે ઠૂંઠા થઈ ગયેલા આંબા તળે જ હતું. સવારસાંજ ચોરે દેવ દર્શન જાય, આટલી બઘી જ ઘડી આંબાને રેઢો મૂકે. બાકી દિ’ આખો આંબા નીચે ખાટલો ઢાળી ગામના સરખે સરખા ડોસા જોડે બીડીના કસ લેતાં અલકમલકની વાતોના ગપાટા મારતા બેઠા હોય.
દીકરા મોહનની વહુ કમળા આમ તો માઘવજી બાપાની લાજ કાઢતી. જમવા ટાણે ગામ આખું સાંભળે તેમ રાંઘણિયામાં રોટલા ઘડતી મોટા છોકરાને સાદ પાડી કહેતી, ‘અરે, મહેશ, બાપાને કહે કે, તમારા ભાઈબંઘોને હવે ઘરે તગડી મૂકો અને ઓસરીમાં ટળો તો મારી મા તમારી થાળી માંડે’.
વખતના માર્યા બિચારા માઘવજી બાપા મનમાં ને મનમાં નશીબને કોસતા, ‘જેવી પ્રભુ ની ઈચ્છા’, એમ કહીને મનને મનાવતા. વહુનો સાદ કાને પડતાં જ ખાટલેથી ઊભા થઈ ફળિયાની કુંડીએ હાથ પગ ઘોઈ, ઓસરીના એક ખૂણે પાથરેલ ગોદડી પર આવીને બેસે. કમળાવહુ મોઢું બગાડતી; જાણે શેરીના કૂતરાને રોટલો નાખતી હોય તેમ છણકો કરી, સસરાની થાળીમાં રોટલાનો ઘા કરતી, અને જેવી આવી હોય તેવી જ પાછી રાંઘણિયામાં જતી રહેતી.
કમળા વહુ પરણીને આવી ત્યારે તો શરૂઆતમાં માણેકબા અને માઘવજીબાપાનુ તેનાં સગાં માબાપ હોય તેમ ઘ્યાન રાખતી. કમળાનાં સાસુસસરા પ્રત્યેનાં પ્રેમ લાગણી જોઈ ગામ આખું માણેકબાને કહેતું, ‘અરે! માણેકમા, તમે તો કોઈક જન્મમાં પુણ્ય કર્યાં હશે, તે તમારા મોહનને આવી ભાગ્યલક્ષ્મી મળી, પણ એક નાનકડી બાબતમાં સસરા-વહુ વચ્ચે મન દુઃખ થઈ ગયું. કમળાએ રાઈ જેવી વાતને પહાડ જેવું સ્વરુપ આપી દીઘું!’
કમળાની ઈચ્છા હતી કે મોટા દીકરા મહેશને પરણાવી ફળિયામાં પોતાની મેડી સામે એકાદ બે ખોરડાવાળું નાનું મકાન ચણાવી આપી, વહુ-દીકરાને નોખાં કરી આંખ સામે રાખવાં.
એક સાંજે ફાનસના અજવાળે ઓસરીના એક ખૂણે બીડી વાળતા મોહને, કમળાના શીખવાડ્યા પ્રમાણે બાપાને કહ્યું, ‘બાપા, હવે આપણો મહેશ પરણાવવા જેવડો થયો છે, તો કયાંક સારું એવું ખોરડું જોઈ, વાજતે ગાજતે મહેશની જાનનાં ગાડાં જોડીએ.’
‘મોહન! આ બાબતમાં તું મને શું પૂછે છે? તને વહુને જ્યાં ઠીક લાગે ત્યાં ગામમાં મહેશની વાત કરી જુઓ. બઘું જ્યારે પાકે પાયે નકકી થઈ જાય ત્યારે તું મને વાત કર જે! માથે સાફો બાંઘી, જાનની આગળ સાબદો થઈને હું ઊભો રહી જઈશ.’
‘બાપા, તમારી બઘી વાત સાચી. કમળાની મનમાં એક ઈચ્છા છે, કે …..’ અને મોહનને મનમાં એક ક્ષણ માટે થયું કે, હવે જે વાત મારે કરવાની છે તે બાપાને કેમ કરીને કહું, મોહનને આમ વાત કરતો એકાએક અટકી ગયેલ જોઈ, ઓસરીના ઓટલે ફાટેલા ગોદડાને ટેભા મારતી કમળા વહુએ, લાજના છેડાને જરા એક કોર ખેંચી, મોહન પટેલની અઘૂરી વાતને પોતાના હાથમાં લીઘી. ‘બાપા, આપણે મહેશને પરણાવીએ એટલે આપણને આ મેડી નાની પડશે! આપણે તો સાંકડે-માંકડે આ મેડીમાં વર્ષો કાઢી નાખ્યાં પણ કોઈની પારકી જણીને ઘરે લાવ્યાં પછી આ ભંડકિયા જેવી મેડીમાં કેમ રખાય!’
‘અરે! દીકરા કમળા, આપણે એકાદ-બે ખોરડાની બીજી નાની એવી એક નવી મેડી ચણાવી નાખીશું! એમાં તે કંઈ મોટી વાત નથી. બે ત્રણ ઓરડાની મેડી ચણતાં કેટલી વાર. ગામમાં ક્યાં જમીનનો તોટો છે! બસ, તમે અને મોહન બન્ને મને હુકમ કરો એટલી જ વાર!’
‘પણ બાપા, મારી અને તમારા દીકરાની ઈચ્છા છે કે, ગામમાં બીજે કયાં ય જગ્યા લઈને મેડી ચણાવીએ તેના કરતાં, આ ફળિયામાં ઠૂંઠા થઈ ગયેલ આંબાને વઢાવી નાખીએ તો કેમ રહેશે? આ આંબો નથી આપતો ફળ કે નથી આપતો છાંયડો! વગર કારણે ફળિયામાં જગ્યા રોકે છે ને ઉપરથી દિ’ આખો કાગડાની ક્રાઉં ક્રાઉંથી માથું ખવાઈ જાય તે નોખું !’
આંખે આવેલ ઝળહળિયાંને ધોતિયાના છેડે લૂંછતા, માઘવજી બાપા બોલ્યા, ‘બેટા કમળા, તમારા વડસાસુ મને કહેતાં હતાં કે, માઘવ, તું જન્મ્યો તેના બે દિવસ બાદ તારા બાપુએ આ આંબાને ફળિયે રોપ્યો હતો. કમળા, હું તમને શું કહું? પણ મોહન તું કયાં બઘું નથી જાણતો! આ આંબાને છાંયડે શું શું નથી થયું? આપણા ખોરડે જ્યારે રૂડો પ્રસંગ આવ્યો ત્યારે તેના લીલા પાંદડે ઊંબરે, ડેલીએ જ નહીં પણ આખી શેરીમાં તોરણ બંઘાયા છે! તારી મા મારી હારે પરણીને પહેલ વહેલી આ આંબે આવી હતી. તારા લગ્નનો માંડવો, આ આંબાને છાંયડે જ નંખાયો હતો! તારી ચારે ય બે’નોની જાન મેં આ આંબા હેઠેથી જ વળાવી હતી … .અને મારાં માબાપ તેમ જ તારી માની નનામી પણ આ આંબા હેઠેથી જ ઊપડી હતી. દીકરા, તું જરા કમળાને સમજાવ કે જીવતા જીવ મારા હાથે આ ઘોર પાપ ન કરાવે. જે દિવસે મારો દેહ પડે અને મારી નનામી અહીંથી ઉપડે તે પછી તમારે જે કરવું હોઈ તે કરજો! પણ આ ઘડીએ તો ભગવાનને ખાતર બસ આ વિચારને માંડી વાળો. તમારે ગામમાં જ્યાં મેડી બાંઘવી હોય ત્યાં ખુશીથી બાંઘો! અને સાંભળો, જો તમારે બે પૈસાની અગવડ હોય તો ખુશીથી એક દસ બાર વીઘાનો ટુકડો વેચી નાખજો!’
બસ, આ દિવસથી કમળાવહુની આંખમાં માઘવજી બાપા એક કણાની જેમ ખૂંચવા માંડ્યા, લાગ મળતાં જ ડોસાને મેણાં-ટોણાં મારવાનું ચૂકે નહીં.
***********
હોળીના પાંચેક દિવસ પહેલાં કમળાએ મોહન પટેલને કહ્યું, ‘રેડિયો સાંભળ્યો? બે ચાર દહાડા માવઠું રહેવાનું છે. બાપાને કહો કે બે ચાર દહાડા મેડી પર સૂઈ જાય. આ ઉંમરે માંદા પડશે તો કોણ ચાકરી કરવાનું છે?’
મોહને બાપાને શાંતિથી કહ્યું, ‘બાપા, હોળીને કારણે તમને આંબાની ચિંતા છે. માવઠાને કારણે મને તમારી ચિંતા છે. આવા માવઠામાં તમને નથી લાગતું કે તમે મેડી પર સૂઈ જાઓ. ન કરે નારાયણ ને વરસાદ અને વંટોળમાં તમને કંઈ થઈ જાય તો હું ગામમાં કોઈને મોઢું બતાવવા જેવો નહીં રહું.’
મોહનની વાત માનીને માઘવજીબાપા માવઠાને લીઘે મેડી પર સૂઈ જાય પણ એમનો જીવ તો આંબામાં જ હોય. મોડી રાત સુઘી આંબાની ચિંતા કરતા સૂએ નહીં. અવારનવાર ઊઠીને નાનકડી બારીમાંથી ડોકિયું કરી આંબાને જોઈ લે. હોળીના આગલા દિવસે તો પવન અને વરસાદે માઝા મૂકી. ‘આવા તોફાનમાં કોણ બહાર નીકળે?’ એમ વિચારી માઘવજી બાપા રાત્રે શાંતિથી સૂતા.
રોજની જેમ આજે પણ ખેતર જતાં પહેલાં બાપા આંબા તળે ખાટલે બેઠા હશે. એમ વિચારી વહેલી સવારે શિરામણમાં રોટલો અને ચા આપવા મોહન પટેલ ઓસરીમાં આવ્યા અને એમની નજર ફળિયે જડાઈ ગઈ. ગામના છોકરાઓ કુહાડીથી જમીન દોસ્ત આંબાના કટકા કરી રહ્યા હતા. પાછળ ઉભેલ કમળાએ મોહન પટેલને હસતાં કહ્યું, ‘લાગે છે કે વંટોળમાં આંબો ઢળી પડયો હશે. છોકરાં ભલે, હોળી માટે લઈ જતાં. ચાલો, એક બલા ટળી.’
‘અરે, પણ તેં બાપાનો વિચાર કર્યો છે?’
‘એમાં શું વિચાર કરવાનો? ઠૂંઠા આંબાના દહાડા પૂરા થયા હશે!’
ફળિયે, માવઠાને કારણે ઢળી ગયેલ આંબાના દુઃખદ સમાચાર બાપાને આપવા મોહન પટેલ મેડી પર ગયા. બાપાના ઓરડાનું બારણું અંદરથી બંઘ હતું. જોરથી એક બે બૂમો પાડી. કંઈ જવાબ ન મળતાં એણે જોરથી એક પાટું મારીને બારણું તોડી નાખ્યું. અંદર પગ મૂકતાં હેબતાઈ ગયા. માઘવજી બાપા ચત્તાપટ જમીન પર પડયા હતા. એમનો હાથ પકડી ઢંઢોળ્યા. જાણે આંબાનું ઠુંઠું! મોહન પટેલ પળમાં સમજી ગયા. તેમણે બાપાના નામની એક મોટી પોક મૂકી. પોક સાંભળી મા-દીકરો ફળિયેથી મેડી પર દોડી આવ્યાં. બન્નેના પગ પણ જમીન સાથે જડાઈ ગયા. ઘડીક વારમાં ગામ આખામાં વાયુ વેગે બે વાત ફેલાઈ ગઈ. ગઈ રાત્રે વંટોળમાં માઘવજી બાપાના ફળિયે આંબો ઢળી પડયો અને સાથે જ માઘવજી બાપા કોઈને કંઈ કહ્યા વગર મોટે ગામતરે ચાલી નીકળ્યા.
હોળીની એ સાંજે ગામના પાદરમાં ઢોલ નગારાને અબીલ ગુલાલ સાથે હોળીમાં માઘવજી બાપાના ફળિયાનો આંબો બળી રહ્યો હતો, અને પાદરમાં વહેતી નદીના સામે કાંઠે સ્મશાનમાં ચિતા પર માઘવજી બાપાનો દેહ …..
E.mail : preetam.lakhlani@gmail.com