મેઘાણીની જન્મજંયતી વિશેષ :
સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ પત્રકારત્વ થકી થયો અને તે વિશે તેઓએ આપેલું નિવેદન તેમના ‘પરિભ્રમણ-2’ નામનાં ગ્રંથમાં નોંધાયેલું છે. મેઘાણી લખે છે : “1922માં હું દિશાશૂન્ય હતો. કલકત્તાની નોકરી છોડીને કાઠિયાવાડમાં આવ્યો હતો. સ્થિર થવું હતું. ખેતીના ઉદ્યામા ચડ્યા, વ્યાપારી સ્વજનો વ્યાપાર તરફ ખેંચવા લાગ્યા. દેશી રજવાડાની નોકરી પણ બહુ દૂર નહોતી. સહુ કોઈ ભાંગ્યાના ભેરુ જેવી શિક્ષણની નોકરી તો સામે જ ઊભી હતી.”
“ખરાબા ચડેલા નાવને મારા બે-ત્રણ લેખોએ બચાવ્યું. ‘અમર રસની પ્યાલી’ ‘ચોરાનો પોકાર’ વગેરે લેખો ‘સૌરાષ્ટ્ર’ પત્ર પર ગયા, છપાયા અને તે પરથી ભાઈશ્રી અમૃતલાલ શેઠે મારો ડૂબતાનો હાથ ઝાલ્યો.” આગળ તેઓ અમૃતલાલ શેઠ વિશે લખે છે : “અમૃતલાલ શેઠ પત્રકાર બન્યાને ત્યારે નવ જ મહિના થયેલા. એમના સ્વયંસ્ફુરિત પત્રકારત્વે ગુજરાતમાં નવી ભાત પાડી હતી. સૌરાષ્ટ્ર લેખનશૈલી આજે જૂની થઈ છે, ચવાઈ ચવાઈ છોતાં જ રહ્યાં છે એનાં; એમાંથી સ્વાભાવિકતાનો આત્મા ગયો છે, પણ 1921-1922માં એ શૈલી લોકોને મુગ્ધ કરતી … શ્રી શેઠ પત્રકાર બન્યા તે પૂર્વે ઘણાં વર્ષના જૂના સાહિત્યસેવી હતા. કવિ પણ હતા. ‘ચાલો વ્હાલી, જગતભરના ભોગમોજો ત્યજી દો!’ એ મંદાક્રાન્તા કાવ્યના કર્તા શેઠ છે એવું તો એ કાવ્ય પર અનુરાગ થયા પછી મેં આઠેક વર્ષે જાણેલું. આ સાહિત્યપ્રેમી જ શેઠના પત્રકારત્વને ભાષાવૈભવ, ઊર્મિરંગો અને કલ્પનાયુક્ત કલાવિધાન ચડાવ્યું.”
જે ઉદ્દેશ્યથી મેઘાણીને અમૃતલાલ શેઠ લાવ્યા તે વિશે તેઓ આગળ લખે છે : “મને તેડ્યો હતો સાહિત્યની શાખા ચલાવવા. પણ પત્રકારત્વથી નિર્લેપ રહી શકું તેવી બંધિયાર કુંડીએ બાંધેલી એ બન્ને પૃથ્થક શાખાઓ નહોતી. હું બેઉ ક્ષેત્રમાં રમણ કરતો થયો.” જો કે પછી એ લખે છે : “નવો મોહ પાતળો પડી જતાં ક્રમેક્રમે પત્રકારત્વ મને વેરાનરૂપ લાગ્યું. એ વેરાનમાં રેતીના વંટોળ ચડતા હતા. આંખો અંધી બનતી હતી. પગદંડીઓ નહોતી જડતી. કોને માટે, શાને માટે, કયા લોકશ્રેયાર્થે હું અગ્રલેખો ને નોંધો, સમાચારો ને પત્રો લખતો હતો તેનો આજે વિચાર કરું છું ત્યારે જવાબ ફક્ત એટલો જ જડે છે કે લખવાનું હતું માટે લખતો હતો.” તે પછી મેઘાણીની પત્રકારત્વ થકી સાહિત્યયાત્રા ‘ફૂલછાબ’થી આગળ વધી અને જ્યારે “ફૂલછાબ’ને સૌરાષ્ટ્રના રાજરંગોમાં ઝબકોળવાનું ઠર્યુ. મેં ખસી મારગ આપ્યો.” તેમ મેઘાણી લખે છે. તે પછી તેમની આ યાત્રા અમૃતલાલ શેઠના ‘જન્મભૂમિ’માં આરંભાઈ અને મેઘાણી તે વિશે નોંધે છે કે, “’જન્મભૂમિ’ના દૈનિક-સંપાદન પર જોડ્યો. એમાં ય એમણે મને મારી ઝીણી બત્તી અજવાળી શકે તેટલા પૂરતો જ સાહિત્ય-ખૂણો પકડવાની અનુકૂલતા કરી આપી.” આ સફર પછી તેમનું નિવેદન : “હમેશાં સાંજના એકાદ-બે કલાકના જીવન પછી પસ્તીના ઢગલામાં પડી જતું દૈનિક પત્રકારત્વ પોતાના ધ્વંસ પર જાહેર પ્રજાની રસવૃત્તિને ચણે છે. … આજનું આપણું રોજિંદું પત્રકારત્વ દેકારાની દશાને પામ્યું છે, ‘આવતી-કાલ’ની નવરચાનામાં નહીં. તેઓ માનતા જણાય છે કે રાજદ્વારી છમકલાં છાપવાથી અને લીંબરડી-પીપરડી ગામોના ખળાવડોના હવાલદારની ખબર લઈ નાખવાથી જ લોકો વાંચવા લોભાય છે; સાહિત્યનું પાનું તો જાણે પચીસ-પચાસ વ્યક્તિઓના વિલાસની વસ્તુ છે. આવી માન્યતાઓ જ દૈનિક પત્રકારત્વને શુષ્ક, શૂન્ય, સળગતા વેરાનનું સ્વરૂપ આપનારી છે. આવી માન્યતાઓએ જ પત્રકારત્વની ચેતના-વિદ્યુતને કેવળ સંહાર માટે, તમતમાટને માટે, ભજિયાં તળવાના તાવડા તપાવવા માટે નિયોજી છે. એ એક વિકૃત અને વિઘાતક માન્યતા છે.”
મેઘાણીએ આજથી નવ દાયકા પહેલાં લખેલી વાત પણ કેટલી પ્રસ્તુત ભાસી રહી છે. તેઓ લખે છે કે, “રતીભાર સત્ય અને ખાંડી ખાંડી પ્રચારવેગ, પ્રજાના ચિરસ્થાયી વિચારભાવોને ઉવેખી કેવળ ક્ષણિક આવેશોનો જ ભડકો, સ્વતંત્ર તુલનાશક્તિનો હ્રાસ કરી ઉત્તેજના મૂકવાની જ રમણલીલા, એ કંઈ રોજિંદા પત્રકારત્વના ન નિવારી શકાય તેવા અનર્થો નથી. સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ, છાપાનું કે ચોપડીનું જેટલું સાહિત્યરંગી બનશે, તેટલી એની ચોટ વધશે, એની માર્મિકતાને નવી ધાર ચડશે.”
સાહિત્ય અને પત્રકારત્વને જોડતાં તેમના લખાણો આ બંને શાખાઓ વિશેનો ઉઘાડ કરી આપે છે. ‘પત્રકારત્વ : સાહિત્યનું સબળું અંગ’માં તેઓ લખે છે : “પત્રકારત્વને સાહિત્યનું નબળું અંગ ગણનારાઓ પાસે મોટામાં મોટી દલીલ એ હોય છે કે પત્રોમાં આવેલું લેખન પુખ્તપણે વિચાર્યા વગરનું અને ત્વરિત ગતિએ લખાયેલું હોય છે.
“આવી દલીલ કરનારા ભૂલી જાય છે કે નર્યા સાહિત્યકારોમાંના ઘણાના સર્જન પત્રકાર કરતાં પણ વધુ ત્વરિત ગતિએ લખાયેલાં હોય છે. શ્રી ક.મા. મુનશી જેવા કેટલા ય સાહિત્યકારોનાં પોતાનાં ખૂબ પ્રશંસા પામેલાં પુસ્તકો પણ એક બાજુ કંપોઝ થતું હોય છે, ત્યારે બીજી બાજુ ઝડપથી તેમણે લખેલાં હોય છે. આજના યંત્રને, ગ્રાહકોને અને સમયને પહોંચી વળવા લગભગ દરેક સાહિત્યકારને પોતાના લેખનની ઝડપ વધારવી જ રહી …
“બીજી બાજુ જોઈએ તો સ્વ. લોકમાન્ય કે ગાંધીજી, મશરૂવાળા કે કાકા કાલેલકર, નવલરામ કે આચાર્ય આનંદશંકર ધ્રુવનાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલાં લેખો, ભાષણો કે નિવેદનો આજે પુસ્તકારૂઢ થવા પામ્યાં છે, એ જ એના પુરાવારૂપ છે કે પત્રકારત્વમાં સ્થાન પામતું બધું લખાણ અપરિપક્વ, વગર વિચાર્યું, અતિ ઉતાવળું અને ક્ષણજીવી હોય છે એમ ન કહી શકાય.” પત્રકારત્વ દ્વારા આમજનતાની જે સેવા થઈ છે તે વિશે તેઓ આગળ લખે છે : “પત્રકારત્વે આપણને નવા સર્જકો અને નવા વિવેચકો આપ્યા છે, નવા નવલકથાકારો અને નવા કવિઓ આપ્યા છે. પત્રકારત્વે એકલા લલિત વાંડ્મયને જ નહિ પણ સાહિત્યના બધા પ્રકારોને પોષી ઉત્તેજીને જે જ્ઞાન, જે વિદ્વતા, જે કલા ચોક્કસ વર્ગના ગણ્યાગાંઠ્યા લોકોના ભોગ સમાં હતાં એને બંધિયારપણામાંથી મુક્ત કરીને આમજનતા સુધી પહોંચાડ્યાં છે.”
‘પત્રકારની કબર ઉપર’ના મથાળેથી જે મેઘાણી લખે છે તે ખાસ વાંચવા જેવું છે. મેઘાણીશૈલીમાં લખાયેલું તે સાહિત્યની શરૂઆત આવી છે : “ઘણી સહેલાઈથી એ પૈસાદાર બની શક્યો હોત, પોતાના અખબારનું ધોરણ નીચું ઉતારે એટલી જ વાર હતી. પરંતુ એ લાલચની સામે થવા જેટલી ય જરૂર એને નહોતી પડી, કેમ કે ધક્કો મારીને કાઢવો પડે તેટલી એની નજીક જ કમાવવાનો વિચાર નહિ આવેલો ને! સળગતી પ્રામાણિકતા સેવનારો એ માનવ હતો એટલું કહેવું બસ નથી. એનામાં તો ઇજ્જતની વીરતા હતી” આ પછી તેઓ લખે છે : “જેઓની મૃત્યુ-ખાંભી ઉપર બેધડક આટલી પંક્તિઓ લખી શકીએ, તેવા પુરુષો આજની અખબારી દુનિયામાં ક્યાં છે? કેટલાક છે? થઈ ગયા છે કોઈ?” મેઘાણી જે પ્રશ્નો પૂછે છે તે સ્થિતિ તે સમય કરતાં વધુ ખરાબ થઈ છે. મેઘાણીનો આ લેખ ઇંગ્લેડના પત્રકાર સી.પી. સ્કોટને સમર્પિત છે. તેમાં મેઘાણીએ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ અખબારમાં સ્કોટની તંત્રી તરીકેનું કાર્ય દર્શાવીને તેઓએ કેવી રીતે કાર્ય કરવું તે જાણે દિશાનિર્દેશ કરી આપ્યો છે. તંત્રી સ્કોટ વિશે તેઓ લખે છે : “લશ્કરી કડકાઈથી કામ લેતો છતાં તે કડકાઈને પોતાની શોભારૂપ ન સમજતો, શબ્દ કરતાં સૂચન વડે જ શાસન કરતો, સ્ટાફ પ્રત્યે સભ્ય તેમ જ ભદ્ર અને સ્વતંત્ર વિચારણાને, ટીકાને, વિરોધને વધાવતો, ચર્ચા માટે હંમેશાં તૈયાર, પોતાના સાથીઓના ઢચુપચુ નિર્ણયોને નાપસંદ કરનાર, જેવો પોતે આગ્રહી તેવો જ સામાના આગ્રહીપણાનો પ્રશંસક.”
“… કટ્ટર નિર્ણયબુદ્ધિ, એ હતી એના જીવનની ગુરુચાવી અને વિજયનું મર્મબિંદુ. વિચાર કરીને એકવાર લીધેલા નિર્ણયમાંથી ડગલું પણ ચારતવું, ન બીવું, વિરોધનો સામનો કરવા તત્પર રહેવું, મિત્રોની કે પ્રજાની ચાહે તેટલી મોટી ખફગી વહોરવાને ભોગે પણ નિર્ણયને વળગી રહેવું.” મેઘાણી જે પત્રકારત્વની ઉમેદ રાખે છે તે ઘટના આજે તો વધુ દુર્લભ બની છે.
(28 ઑગસ્ટ 2023)
મેઘાણીની જન્મજંયતિ વિશેષ: “દૈનિક પત્રકારત્વ પોતાના ધ્વંસ પર જાહેર પ્રજાની રસવૃત્તિને ચણે છે”: મેઘાણી