ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ
આ સીમથી પેલી સીમ
હું શોધું છું
ક્યાં છે ભારત? ક્યાં છે ભારત?
આંખોમાં ચમકતી આશા લઈ
ગરમ લોહીની ભાષા લઈ
હું શોધું છું
ક્યાં છે ભારત? ક્યાં છે ભારત?
તો મળ્યું ભારત મને
દિલ્હીના દરબારમાં
ગાંધીના ઘેરાવમાં
માર્ક્સના રોકાણમાં
ટાઈના ઘુમાવમાં
ખાખીના ગુમાનમાં
ધર્મના ધીરધારમાં
છાપામાં ઊછળકૂદ કરતા શબ્દોની ભરમારમાં
રોડ પર દોડતા ગોળ-ગોળ આકારમાં
ગામની ગલીઓ પર પડતાં પગલાંના સ્વભાવમાં
ખૂણ્ખાંચરે ઠેકઠેકાણે શોધ્યું
તો લાગ્યું
ભારત શાનો વિવિધતાવાળો દેશ અનૂઠો
ભારત એટલે એક અંગૂઠો
ભારત એટલે એક અંગૂઠો
મેંય હવે માફકસરનું કોર જોડ્યું છે.
ડાબા હાથથી એ જ અનોખું તીર છોડ્યું છે
લે, ડાબા હાથથી એ જ અનોખું તીર છોડ્યું છે.
e.mail : umlomjs@gmail.com