
રમેશ ઓઝા
ભારતનાં વિભાજન માટે ગાંધીજી જવાબદાર હતા એવી એક માન્યતા રૂઢ કરવામાં આવી છે અને હવે તો તમે પણ આમ માનતા હશો. કુપ્રચાર કરનારાઓને એક વાતની જાણ છે કે સામાન્ય લોકો ખાતરી કરવાની તસ્દી લેતા નથી અને જો અનેક મોઢેથી એકની એક વાત અલગ અલગ રીતે અને સતત કહેવામાં આવે તો સામાન્ય માણસને ખરાખોટાની ખાતરી કરવાની જરૂર લાગતી પણ નથી. આ તરકીબ વાપરીને હિટલરે અને હિટલરના પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સે જર્મનીને પહેલા વિશ્વયુદ્ધ પછી ફરી બેઠા થવાના વિકાસના પાટા પરથી ઉતારીને બરબાદ કરી નાખ્યું હતું.
પણ શું ભારતનું વિભાજન ગાંધીજીએ થવા દીધું હતું અને રોકવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો અથવા તેઓ મુસ્લિમ તરફી હતા એટલે અલગતાવાદી મુસલમાનોને પાકિસ્તાન આપ્યું હતું? શું ગાંધીજીએ કાઁગ્રેસના નેતાઓને પાકિસ્તાનનો સ્વીકાર કરવા મજબૂર કર્યા હતા? સત્ય શું છે?
આનો જવાબ ખુદ સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી જ મળે છે. આજકાલ સરદાર હિન્દુત્વવાદીઓના લાડકા છે, પણ અહીં એક યાદ અપાવી દઉં કે નાથુરામ ગોડસે પૂનાથી ‘અગ્રણી’ નામનું એક મરાઠી સામયિક કાઢતો હતો જેમાં ૧૯૪૫નાં એક અંકમાં મુખપૃષ્ઠ પર એક કાર્ટૂન છપાયું હતું. એ કાર્ટૂનમાં હિન્દુત્વવાદીઓના આરાધ્યદેવ વિનાયક દામોદર સાવરકર અને હિંદુ મહાસભાના એ સમયના અધ્યક્ષ શ્યામા પ્રસાદ મુખર્જી દસ માથા વાળા રાવણ(ગાંધીજી)નો વધ કરે છે. એ દસ માથામાં ગાંધી, નેહરુ, મૌલાના આઝાદ, આચાર્ય કૃપાલાની, રાજાજી વગેરે તો છે જ, પણ સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝ પણ છે. ગાંધીનો વધ કરવાનું આ કાર્ટૂન ૧૯૪૫નું છે, જ્યારે પાકિસ્તાનની માગણી તો કરવામાં આવી હતી, પણ પાકિસ્તાન હજુ ઘણું દૂર હતું. અને બીજું ૧૯૪૦માં મુસ્લિમ લીગે ભારતના વિભાજનની માગણી કરી એના ત્રણ વરસ પહેલાં ખુદ સાવરકરે હિંદુ મહાસભાના અમદાવાદ અધિવેશનમાં વિભાજનની માગણી કરી હતી. અને થોભો, હિંદુ મહાસભાના સ્થાપક લાલા લાજપત રાયે મુસ્લિમ લીગે વિભાજનની માગણી કરી એનાં ૧૬ વરસ પહેલાં ૧૯૨૪માં ભારતનાં કોમી વિભાજનની માગણી કરી હતી. પણ લોકો ખરાખોટાની ખાતરી કરતા નથી જેનો ખોટો પ્રચાર કરનારાઓ લોકો લાભ લે છે.
તો સરદાર પટેલ ૧૯૪૫માં ગાંધીજીની સાથે વધ કરવાને લાયક હતા, પણ અત્યારે આરાધ્યદેવ છે. વર્તમાનમાં હિન્દુત્વવાદીઓના આરાધ્યદેવ સરદાર પટેલને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ૨૫મી નવેમ્બર ૧૯૪૮નાં રોજ પદવીદાન સમારંભમાં બોલાવવામાં આવે છે. એમાં પોતાનું વક્તવ્ય આપતાં સરદાર કહે છે: “… હું બીજા લાખો લોકોની જેમ ગાંધીજીનો એક વફાદાર સિપાહી માત્ર છું, જેણે ગાંધીજીનો પડ્યો બોલ જીત્યો છે. એવો એક સમય હતો જ્યારે દરેક લોકો મને ગાંધીજીના આંધળા અનુયાયી તરીકે ઓળખાવતા હતા, પણ હું અને ગાંધીજી બન્ને જાણતા હતા કે અમારી વચ્ચેની સંમતિ વિચારપૂર્વકની હતી. …. ઘણાં વર્ષો સુધી ગાંધીજી અને મારા વિચાર સંપૂર્ણપણે મળતા હતા અને તેમાં એક પ્રકારની સહજતા હતી. પણ જ્યારે ભારતની આઝાદી વિશેનો મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો, ત્યારે અમારી વચ્ચે મતભેદ થયા. મને એમ લાગતું હતું કે આપણે અત્યારે ને અત્યારે આઝાદી મેળવી લેવી જોઈએ, પછી ભલે દેશનું વિભાજન કબૂલ કરવું પડે. હું ભારે મનોમંથન અને ઊંડા દુ:ખ સાથે આવા તારણ પર આવ્યો હતો. જો વિભાજન કબૂલ કરવામાં ન આવે તો દેશના હજુ વધુ ટૂકડા થઈ શકે છે એમ મને લાગતું હતું. … પણ ગાંધીજી મારા અભિપ્રાય સાથે સંમત નહોતા. પરંતુ તેમણે મને એમ કહ્યું હતું કે જો તમારો અંતરાત્મા તમારા તારણને પુષ્ટિ આપતો હોય તો તમે તમારા માર્ગે આગળ વધી શકો છો. ગાંધીજીએ જેમને પોતાના વારસદાર અને ઉત્તરાધિકારી જાહેર કર્યા છે એ આપણા નેતા (જવાહરલાલ નેહરુ) પણ મારી સાથે સંમત હતા. ગાંધીજીએ અમારો (સરદાર અને નેહરુ) વિરોધ નહોતો કર્યો અને સંમતિ પણ નહોતી આપી. આજે હું પાછા વળીને જોઉં છું તો મને મારો નિર્ણય ખોટો હતો એમ લાગતું નથી.
“એમાં કોઈ શંકા નથી કે અમે ઘણી ભૂલો કરી છે. … પરંતુ વિભાજન વિશેનો અમારો નિર્ણય ખોટો નહોતો. લોકો જાણતા નથી કે વિભાજન જો કબૂલ ન રાખ્યું હોત તો તેનું શું પરિણામ આવત. એ સાથે અમે એમ પણ માનતા થયા હતા કે જો વિદેશી શક્તિથી છૂટકારો મળતો હોય તો વિભાજન બહુ મોટી કીમત નથી. માટે અમે શરત મૂકી હતી કે જો અંગ્રેજો છથી આઠ અઠવાડિયામાં ભારત છોડે તો અમે વિભાજન સ્વીકારવા તૈયાર છીએ” (Sardar Patel—In Tune With The Millions – 1. પૃષ્ઠ; ૨૭૭-૭૮ તેમનું આખું ભાષણ શબ્દશઃ અહીં વાંચવા મળશે.)
આમ કોણ કહે છે? હિન્દુત્વવાદીઓના વર્તમાનમાં આરાધ્યદેવ સરદાર પટેલ. ક્યારે કહે છે? ૧૯૪૮ના નવેમ્બર મહિનામાં જ્યારે વિભાજનનું થરથરી જવાય એવું બર્બર પરિણામ સામે હતું અને છતાં ય સરદાર કહે છે મને મારો નિર્ણય ખોટો લાગતો નથી. અને ભારતનાં વિભાજનની બાબતે ગાંધીજી સાથે મતભેદ થયા તો એ કઈ બાબતે થયા હતા? એ મતભેદનું કારણ ગાંધીજીની અંગ્રેજમુક્ત ભૂમિકા હતી. ગાંધીજીનું કહેવાનું એમ હતું કે સાથે રહેવું કે અલગ થવું એ ભારતની પ્રજાનો પ્રશ્ન છે અને તેનો નિર્ણય પ્રજા લેશે, અંગ્રેજો શા માટે લે? પહેલાં અંગ્રેજો વિદાય લે પછી અમે અમારું ફોડી લેશું. સાચી આઝાદી આ છે. કોઈ ત્રીજો પક્ષ અને એ પણ વિદેશી તમારું ભાગ્ય નક્કી કરે એને આઝાદી ન કહેવાય. પણ સરદાર અને નેહરુ સહિત મોટાભાગના કાઁગ્રેસીઓને વિભાજનના ભોગે પણ આઝાદી જોઈતી હતી. ભલે અંગ્રેજો અમારું વિભાજન કરીને જાય. સરદારે પોતે કહ્યું છે : “અમે એમ પણ માનતા થયા હતા કે જો વિદેશી શક્તિથી છૂટકારો મળતો હોય તો વિભાજન બહુ મોટી કીમત નથી.”
એ તો જાણીતી ઘટના છે કે વિભાજનનો નિર્ણય લીધા પછી કાઁગ્રેસ કારોબારીમાં મહાત્મા ગાંધીને બોલાવવામાં આવ્યા હતા અને તેમને નિર્ણયની જાણ કરવામાં આવી હતી. અને પછી કહેવામાં આવ્યું હતું કે આપને આરામની જરૂર છે, આપ આરામ કરવા જઈ શકો છો અને એ રીતે બેઠકમાંથી વિદાય આપવામાં આવી હતી. પણ મોટાભાગના લોકો આ બધું જાણતા હોતા નથી અને જાણવાની તસ્દી લેતા નથી એટલે જૂઠાણા ફેલાવનારા લોકો તેનો લાભ લે છે. અનેકવાર બોલો, અનેક રીતે બોલો અને અને અનેક મોઢે બોલો અને પછી જુઓ, સામાન્ય માણસ ડબ્બામાં આવી જશે.
અને છેલ્લી વાત. ગાંધીજીની હત્યા શું વિભાજન માટે કરવામાં આવી હતી? નહીં. તેમને ખબર હતી કે ગાંધીજી વિભાજનનો વિરોધ કરતા હતા. જો વિભાજનના ગુના માટે હત્યા કરવી જ હોત તો તેઓ મહમ્મદ અલી ઝીણાની કરત, પણ તેમનો તો કોઈ દેશભક્ત રાષ્ટ્રવાદી હિંદુએ વાળ પણ વાંકો નહોતો કર્યો. તેઓ જેટલી ગાંધીજીને ગાળો આપે છે અને બદનામ કરે છે એટલા ઝીણાને નથી કરતા. દુ:શ્મની ગાંધીજી સાથે છે, ઝીણા સાથે નથી. આ સિવાય ઝીણાએ વિભાજનની માંગણી કરી એ પહેલા લાલા લાજપત રાય અને સાવરકરે માગણી કરી હતી. આનો અર્થ એ થયો કે તેઓ ઝીણા અને સાવરકર એક સ્થાને ઊભા હતા.
તો પછી ગાંધીજીની હત્યા અને હત્યા પહેલાં હત્યાના પ્રયાસ શા માટે કરવામાં આવ્યા? ગાંધીજીની હત્યાનો પહેલો પ્રયાસ ૧૯૩૪ની સાલમાં પૂનામાં કરવામાં આવ્યો હતો જ્યારે પાકિસ્તાન કોઈનાં સપનાંમાં પણ નહોતું. એ પછી બીજા ચાર પ્રયાસ કરવામાં આવ્યા અને છેવટે હત્યા કરવામાં આવી. આમ એક વાત નક્કી છે કે ગાંધીજીની હત્યા અને હત્યાના પ્રયાસનું કારણ ભારતનું વિભાજન નહોતું. હત્યા કરવા માટે બીજાં બે કારણ હતાં અને એ બન્ને કારણ હિંદુઓનાં પોતાનાં હતાં. એક કારણ હતું ગાંધીજીનો અસ્પૃશ્યતા નિવારણનો આગ્રહ અને તેનો ચાતુરવર્ણ્યમાં માનનારા સનાતની હિંદુઓ વિરોધ. ૧૯૩૪માં ગાંધીજીનો હત્યાનો પ્રયાસ સનાતની હિન્દુઓએ કર્યો હતો. હત્યાનું બીજું અને વધારે મહત્ત્વનું કારણ હતું જાહેરજીવનમાં માણસાઈને તેની ટોચે લઈ જવાનો ગાંધીજીનો પ્રયાસ. હિંદુ જો માણસાઈના મેરુ પર્વતના શિખરે હોય તો મુસલમાનને પાઠ કેવી રીતે ભણાવવો? જ્યાં સુધી ગાંધી સદેહે જીવે છે ત્યાં સુધી હિંદુને માણસાઈના શિખરેથી નીચે ઉતારવો મુશ્કેલ છે. માટે તેમની હત્યા કરવામાં આવી હતી. અને જ્યાં સુધી ગાંધીનું તપ અને ગાંધીના વિચારોનો પ્રભાવ રહેશે ત્યાં સુધી હિન્દુને માણસાઈના મેરુ પર્વતનાં શિખરેથી નીચે ઉતારવો મુશ્કેલ છે માટે ગાંધીજીની હત્યા કર્યા પછી તેમને બદનામ કરવામાં આવે છે.
આખો ખેલ હિંદુને માણસાઈના મેરુ પર્વત પરથી નીચે ખાઈમાં ધકેલવાનો છે જે વિવિધ ઓળખો આધારિત વિદ્વેષ, વેરઝેર, ડંખ, પ્રતિશોધથી ખદબદે છે. હિંદુ માણસાઈના મેરુ પર્વત પર રહેશે તો વિધર્મીઓનું વેર કેમ વાળશે! સાવરકર પોતે કહીને ગયા છે કે હિન્દુની માણસાઈ હિન્દુની કમજોરી છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ઑક્ટોબર 2023