(છંદ : મિશ્ર ઘનાક્ષરી)
———
આવ-જાવ કોઈની ય હવે નથી મારી કને !
બાંકડો ને હું કરીએ મનભરી વાતચીત,
વાતચીતમાં ય નથી; લા’વ જેવું કૈં જ અને,
એની એ જ વારતાઓ; કહી-સુણી રોજ – રોજ;
રોજ-રોજ આયખું આ આમ પૂરું કરવાનું,
ખોટું શું છે ? આવે મોત તો તરત મરવાનું ?
સાથ ને સંગાથ ગયો; એકલતા ઘેરી વળી,
નીરવતા ઘોર રહી; મારી આસપાસમાં.
શ્વાસ હવે થાકી ગયા; વાળ હવે પાકી ગયા,
કરચલી ચામડીમાં અઢળક પડી ગઈ;
ઘડી નહીં જીવવાની; મોજ ને મજાહ ભરી,
રહી હવે વાટ જોવી; થંભે ક્યારે શ્વાસ !
મરેલા સમયને જીવાડવાનો રોજ રોજ,
રાત-દિન હાંફી રહ્યા; પળ પાયમાલ છે;
ખ્યાલ હવે ઝાંખા પાંખા; ભૂંસાવાની સ્થિતિમાં છે,
ગીત હવે હોઠ મારા; ક્યાં ગાવાની સ્થિતિમાં છે ?
મૌન આઠે પો’ર હવે માણવાનું મનભરી,
જીવવાનું યાદ વિષે; દિન-રાત વનભરી.
આસપાસથી પસાર; થાય લોક લાખ લાખ,
સામું કોઈ જૂએ નહીં; “કેમ છો ?“ યે પૂછે નહીં !
સમજાવું મનને હું, સંસારની રીતભાત,
કામ વિના નકામાને ; કોણ પૂછે હાલચાલ ?
વાંક બધો બુઢાપાનો; લાચારીના કાળ તણો,
શાપ વેઠવાના બધા, આયખાના એક સાથ !
દીકરા ને દીકરી ; પોતરા ને પોતરીઓ,
દોહિત્ર ને દોહિત્રીઓ; વંશ-વિસ્તાર બધો;
જોઈ જોઈ રાજી થવું; રાખવી ન આશ જરી,
આઘાતથી બચવાનું; તો જ બને થોડુંઘણું;
પોતપોતામાં જ બધા ખોવાયેલ હોય અહીં;
કોણ જૂએ સામે કદી; કોણ પૂછે હાલચાલ ?
તા. ૧૦-૦૫-૨૦૨૨
(ઘનાક્ષરી છંદ [સંખ્યામેળ છંદ] બંધારણ : અક્ષરો – ૩૨, ચરણ – ૨ ૧૬ અક્ષર + ૧૬ અક્ષર)