મારી અંદર
એ નિરંતર
શોધું અંદર
હુંય નિરંતર
તોય ન મળતાં
અમે ઘડીભર.
હૃદય ભંભોળું
તો મગજની ગલીઓમાં કિલકારી કરતું દોડે
મગજ ફંફોસું
તો હૃદયમાં છબછબ કરતું છાલક મારે
છાલક જરાક રોકું ત્યાં તો છલાંગ મારી બહાર આવે
ઊડવા લાગે
ફરફર ફરફર ફરફર ફરફર
ફરફર કરતું બેસે કટોરે
બેસે ન બેસે
ત્યાં તો ફફડે
ફરફર કરતું ફરે તગારે
પછી અડે
તીકમની ટોચે
ઝાડુની સળી પર ઘડી બે ઘડી ઝૂલે
પોરો ખાતા પરસેવાને
ચપચપ કરતું પીવે
પછી ઊડે છેક અદ્ધર
ફરફર ફરફર ફરફર ફરફર
ફરફર કરતું આવે નીચે
ઉપર નીચે નીચે ઉપર
નીચે ઉપર નીચે ઉપર
ફરફર ફરફર ફરફર ફરફર
ફરફર કરતું ક્યાંક અચાનક
થઈ જાય પાછું છૂમંતર.
લાગે તરત
મારી અંદર
એ નિરંતર.
e.mail : umlomjs@gmail.com