આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન થવાનું છે ત્યારે ચર્ચાનો, ચિંતાનો અને શંકાનો વિષય ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) છે.
ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં પાલિકાઓની ચૂંટણીમાં બે ભાતનાં પરિણામો આવ્યાં એ પછીથી કેટલાક લોકોનો ભરોસો ઊઠી ગયો છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં EVM દ્વારા મતદાન થયું હતું એ મહાનગરપાલિકાઓમાં BJPએ ભવ્ય વિજય મેળવ્યો હતો અને જ્યાં EVMની જગ્યાએ મતપત્રક (બૅલટ પેપર) દ્વારા મતદાન થયું હતું એ નગરપરિષદો અને નગરપંચાયતોની ચૂંટણીમાં BJPનો પરાજય થયો હતો. જ્યાં મશીન વપરાયાં ત્યાં વિજય પણ ભવ્ય છે અને મશીનના અભાવમાં પરાજય પણ કમર ભાંગી નાખે એવો છે.
તો શું આ બે અંતિમોવાળાં પરિણામોનું કારણ EVM છે? ઘણું કરીને એવું નહીં જ હોય. ઘણું કરીને શું, એવું બિલકુલ નહીં હોય; કારણ કે આ ભારત દેશ છે જેણે લોકશાહીનું જતન કર્યું છે. જ્યારે ભલભલા દેશોએ લોકશાહી ગુમાવી દીધી ત્યારે ભારત જેવા ગરીબ અને એ સમયે સાવ નિરક્ષર મતદાતાઓના દેશે લોકશાહી અપનાવીને તેમ જ લોકતંત્રને સોળે કળાએ વિકસાવીને જગતને અચંબિત કરી મૂક્યું હતું. આજે ભારત જગતના સૌથી મોટા લોકશાહી દેશ તરીકેની ખ્યાતિ ધરાવે છે. આમ EVM પરિણામો નક્કી કરવામાં કોઈ ભાગ ભજવે છે કે ભજવી શકે એમ માનવાનું મન નથી થતું.
આમ છતાં ય લોકતાંત્રિક પ્રક્રિયામાંથી લોકોનો જ્યારે ભરોસો ઊઠી જાય ત્યારે એને ગંભીરતાથી લેવાની જરૂર છે. આ વરસના પ્રારંભમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં અણધાર્યા પરિણામ આવ્યાં એ પછીથી EVM વિશે શંકા થવા લાગી હતી. આમ આદમી પાર્ટીએ પત્રકાર-પરિષદ બોલાવીને EVMમાં કઈ રીતે ચેડાં શક્ય છે એનો લાઇવ ડેમો આપ્યો હતો. ભારે વિવાદ પછી લોકોની શંકાનું નિરાકરણ કરવા ચૂંટણીપંચે કહ્યું હતું કે હવે પછી દરેક ચૂંટણી વખતે વોટર-વેરિફાઇડ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT) નામનું પ્રિન્ટર EVM સાથે જોડવામાં આવશે અને એમાંથી નીકળનારી પ્રિન્ટ મતદાતાને ખાતરી કરાવશે કે તેણે આપેલો મત તે જેને આપવા માગે છે તેને ગયો કે નહીં.
VVPAT અટૅચ્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એ પછી પહેલી ચૂંટણી ઉત્તર પ્રદેશમાં પાલિકાઓની યોજાઈ હતી અને બીજી આજે ગુજરાતમાં યોજાઈ રહી છે. પહેલી ચૂંટણીનાં પરિણામો ઉપર કહ્યું એવાં બે અંતિમોવાળાં છે અને ગુજરાતમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે એ પહેલા EVM અને VVPATના લેવામાં આવેલા ટ્રાયલ-રનમાં ભૂલો નજરે પડી હતી. બટન એકનું દબાવવામાં આવે અને સ્લિપ કોઈ બીજા જ ઉમેદવારની તરફેણમાં નીકળે એવું જોવા મળ્યું હતું. આવી કેટલીક ઘટનાઓ બહાર આવ્યા પછી નરવા લોકતંત્ર માટે EVMની ઉપયોગિતા વિશે ઊહાપોહ થઈ રહ્યો છે.
અત્યાર સુધી મેં EVMનો વિરોધ નથી કર્યો. ઝડપી પરિણામો માટે EVM ઉપયોગી છે. ચૂંટણીપ્રક્રિયા સરળ બને છે, કાગળનો વપરાશ ઘટે છે, મતગણતરી ઝડપથી થાય છે, ફેરચૂંટણી અને ફેરગણતરી ભાગ્યે જ કરવી પડે છે એમ ફાયદાઓ અનેક છે. સવાલ શ્રદ્ધાનો છે અને લોકતંત્રમાં નાગરિકની શ્રદ્ધા લાખેણી છે. ચૂંટણીઓ તો ચીન અને પાકિસ્તાન સહિત જગતના મોટા ભાગના દેશોમાં થાય છે, પરંતુ એને લોકતાંત્રિક દેશ તરીકે નથી ઓળખાવવામાં આવતા, કારણ કે ત્યાં નાગરિક સત્તાધીશને ચૂંટવા જેટલો સ્વતંત્ર નથી. લોકતંત્રનો અર્થ છે વિકલ્પ અને જો નાગરિક પાસેથી વિકલ્પ છીનવી લેવામાં આવે તો એને લોકતંત્ર ન કહેવાય. હવે મને એમ લાગવા માંડ્યું છે કે EVM આજે નહીં તો કાલે મતદાતાને મળતા વિકલ્પ અને ગુપ્તતા સાથે ચેડાં કરવામાં સહાયભૂત થઈ શકે છે.
ત્રણ મુખ્ય કારણો છે – એક તો જગતમાં આજ સુધી એવું એક પણ મશીન નથી બન્યું જે બગડે નહીં અને જેની સાથે ચેડાં થઈ શકે નહીં. મશીન માત્રની આ મર્યાદા છે. બીજું કારણ એવું છે કે ચૂંટણીપંચ અને ચૂંટણીતંત્ર સાથે સંકળાયેલા લોકો તટસ્થ છે અને કાયમ તટસ્થ રહેશે એની કોઈ ખાતરી નથી. અત્યારના મુખ્ય ચૂંટણી કમિશનરની તટસ્થતા વિશે જ શંકા થઈ રહી છે. તેમણે ગુજરાતમાં મતદાતાઓને રીઝવનારી યોજનાઓ જાહેર કરવાનો સરકારને મોકો મળે એ માટે ચૂંટણી મોડી જાહેર કરી હતી. કારણ એવું આપવામાં આવ્યું હતું કે ગુજરાતમાં પૂરરાહતનું કામ ચાલી રહ્યું છે માટે સરકારને સમયની જરૂર છે. ૨૦૧૪માં આ જ ચૂંટણીપંચે જમ્મુ અને કાશ્મીરની સરકારને પૂરરાહતની કામગીરી માટે સમય નહોતો આપ્યો જેમાં વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર અચલકુમાર જ્યોતિ નંબર ટૂ હતા.
ત્રીજું કારણ મતદાનમાં હોવી જોઈતી અને જળવાવી જોઈતી ગુપ્તતાનું છે. EVMમાં આવી હોવી જોઈતી ગુપ્તતા જળવાતી નથી. સમર્થ માણસને ડરાવી પણ શકાય છે અને ખરીદી પણ શકાય છે. આજે ભારતીય મીડિયા જે રીતે ડરેલાં અને ખરીદાયેલાં છે એ એનું પ્રમાણ છે. બીજી બાજુ અદના નાગરિકને અર્થાત મતદાતાને ડરાવવો એ અઘરું કામ છે. માત્ર બે ચીજની બાંયધરી આપવામાં આવે; એક વિકલ્પની અને બીજી ગુપ્તતાની. મતદાતા પાસે પસંદગીનો વિકલ્પ હોવો જોઈએ અને તે કોને પસંદ કરી રહ્યો છે એની ગુપ્તતા જળવાવી જોઈએ. લોકતંત્ર આ બન્ને ચીજ આપે છે અને એ નાગરિકની શક્તિ છે. EVMને કારણે નાગરિકની શક્તિ હણાતી હોય તો એને તિલાંજલિ આપવી જોઈએ. ચૂંટણીકીય સુલભતા કરતાં લોકતંત્રનો પ્રાણ (વિકલ્પ અને ગુપ્તતા) અને નાગરિકની શ્રદ્ધા જળવાઈ રહે એનું વધારે મૂલ્ય છે.
આમ પણ જગતના બહુ ઓછા દેશોમાં EVMનો ઉપયોગ થાય છે. આખા જગતમાં માત્ર ૧૮ દેશોમાં EVMનો ઉપયોગ થાય છે. જે દેશોમાં ટકોરાબંધ પરિપક્વ લોકતંત્ર છે એવા દેશોમાં ભારત, ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને બ્રિટનમાં જ EVM વાપરવામાં આવે છે, બાકીના દેશોમાં EVMનો ઉપયોગ કરવામાં નથી આવતો. કારણ બહુ સ્પષ્ટ છે – નાગરિકની લોકતંત્રમાં શ્રદ્ધા જળવાઈ રહેવી જોઈએ અને શ્રદ્ધા જાળવવી હોય તો નાગરિકને મળતા વિકલ્પ અને ગુપ્તતાનાં કવચ જળવાઈ રહેવાં જોઈએ. EVM આની કોઈ ખાતરી નથી આપતું એટલે સમય આવી ગયો છે કે EVMને તિલાંજલિ આપવામાં આવે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 ડિસેમ્બર 2017