અમદાવાદ જેવા મહાનગરમાં ડગલેને પગલે વઘતી વસતીમાં ભૂંસાતા માણસમાં મને એક ગમતી પ્રિય ગઝલ જેવા માણસ ચિનુ મોદી મળી ગયા હતા. ચિનુ મોદીને હું વ્હાલથી ચિનુકાકા કહેતો. ચિનુકાકાનો મારા પ્રત્યે અઢળક પ્રેમ! આ પ્રેમ ફકત ખાલી દેખાવ પૂરતો નહિ! મને જ્યારે પણ મળે, જ્યાં પણ મળે ત્યારે એમનો સ્નેહ આંખમાંથી ઝરવા માંડે, આવા પ્રેમાળ ચીનુકાકા આજે જ્યારે આપણી વચ્ચે નથી, ત્યારે ગમતી ગઝલ જેવા માણસ વિશે કાગળ પર લખવા કરતાં તેના સ્મરણમાં ખોવાઈ જવાનું, તેમની સ્મૃતિમાં ડૂબી જવાની ઈચ્છા હોવા છતાં મનની બે ચાર વાતને કાગળ પર લખવા બેઠો છું.
લગભગ ૧૯૮૮ના ગાળામાં હું અમેરિકાથી અમદાવાદ મારા બહેનના ઘરે છ અઠવાડિયા માટે આવ્યો હતો. તે ગાળામાં મારા મોટા ભાઈ સમા અને અંગત વડીલ મિત્ર કૈલાસ પંડિત ચિનું મોદી સાથે ગુજરાતી ગઝલકારોની ગઝલનું સુખનવર શ્રેણી નામે સંપાદન કરી રહ્યા હતા, તે કામ નિમિત્તે કૈલાસભાઈ અમદાવાદ આવેલા. એક સવારે મને કૈલાસભાઈનો ફોન આવ્યો. પ્રીતમ, આજે સાંજે જો તું કાંઈ ન કરતો હોય તો આપણે સાબરમાં ડીનર માટે મળીએ, ઈશ્વરની ઈચ્છાથી તે સાંજે હું સાવ નવરો ધૂપ જેવો હતો એટલે મેં કૈલાસભાઈને કહ્યું કે જરૂર આપણે સાંજે મળીએ છીએ. હું સાંજના સાતેક વાગે સાબર રેસ્ટોરન્ટ પર ગયો તો કૈલાસભાઈ એક વ્યક્તિ સાથે મારી રાહ જોતા ઊભા હતા. મને જોતા જ કૈલાસભાઈ મને ભેટી પડ્યા, અને સાથે આવેલી વ્યક્તિને કૈલાસભાઈ કહે કે આજ મારા જિગરને હું ચારપાંચ વરસ બાદ મળું છું. અને પછી તે વ્યક્તિનો મને પરિચય કરાવતા કહે પ્રીતમ, તું આ માણસના નામથી અને તેની ગઝલથી તો પરિચિત હોઈશ. આ છે આપણા જાણીતા અને માનીતા મશહૂર ગઝલકાર ચિનુ મોદી … મારી સાથે હાથ મિલાવતા ચિનુ મોદીએ કૈલાસભાઈને કહ્યું, કૈલાસ તારો આ જિગર, આ છોકરો, તને એક સાચી વાત કહું, આપણા ગુજરાતી પિકચરમાં અભિનેતા તરીકે ચાલી જાય. અને તે પછી હું ચિનુકાકાને જ્યારે પણ, જ્યાં મળ્યો છું, ત્યારે મારી કોઈ સાથે ઓળખાણ કરાવતા ચિનુકાકાએ મારી ઓળખાણમાં હંમેશાં પ્રથમ વાકય સામેની વ્યક્તિને ઓળખાણ કરાવતા કહ્યું છે કે આ છોકરો છે પ્રીતમ લખલાણી …
અમેરિકામાં મને લગભગ ચાર દાયકા થયા અને મારો ગુજરાતી સાહિત્ય જગત સાથે નાતો લગભગ ત્રણ દાયકાથી. આ ત્રણ દાયકામાં અમેરિકા પધારેલાં આપણા મોટા ભાગના સર્જક મિત્રો મારે ઘરે આવી ગયા છે. મોટા ભાગના સર્જક મિત્રોએ મને ઘણું બઘું શીખવી દીઘું છે કે ભૂતને પીપળો દેખાડવા જેવો નથી. આ મિત્રો જ્યારે હું અમેરિકાથી ભારત જાઉં છું, ત્યારે મને છાસવારે તેમના શહેરોમાં મળે છે ત્યારે આંખ આડા કાન કરી લે છે. પણ ચિનુ કાકા આ બઘામાં જુદા પડી આવતા. આ માણસ જેટલા ઉત્તમ ગઝલકાર હતા એટલા જ મૂઠી ઊંચેરા માણસ હતા. ચિનુકાકા મનથી, એક અઘકચરા, ફકીર માણસ હતા. આ ગઝલકાર ઓલિયો આપણા બીજા ગુજરાતી સર્જકો કરતાં સાવ એક જુદા પ્રકારના માણસ હતા. અમદાવાદમાં કોઈ કાર્યક્રમમાં મને દૂરથી કોઈ દસ બારના ટોળાંમાં નિહાળી લે તો ચિનુકાકા ઘીમાં ડગ ભરતા, ભીડ વચ્ચેથી માર્ગ કરતા, મારી પાસે આવી, મારે ખભે હાથ મૂકી વ્હાલથી પૂછે, દીકરા, અમદાવાદ ક્યારે આવ્યો? અને મારાથી કહેવાઈ જાય કે ચિનુકાકા, ત્રણ ચાર અઠવાડિયા થયા અને ચિનુકાકા મને કહે, અરે દીકરા, ત્રણ ચાર અઠવાડિયા થયા અને તું મને ફોન કરીને જણાવતો પણ નથી કે હું અમદાવાદમાં છું. ખેર અત્યારે તારો શું કાર્યક્રમ છે? બસ કાકા, ખાસ કહીં નથી. બેચાર મિત્રોને અહીં મળીને પછી બહેનના ઘરે જાઉં છું. તો પછી, ચાલ મારી સાથે. આજની સાંજ ચિનુકાકાને નામ, ઘરે જઇને થોડું પીશું અને પછી બહાર જમવા જશું. પછી હું તને મણિનગર બહેનના ઘરે મૂકી જાઈશ’ ….
ગયા વરસે, ૨૦૧૫ના માર્ચ મહિનામાં, તેમના નેજા તળે ગુજરાત યુનિવર્સિટીનાં એક વૃક્ષ તળે, દર શનિવારે સાંજે યોજાતી કાવ્ય સભામાં, મને ચિનુ કાકા મળી ગયા. દર વખતની જેમ મારે ખભે હાથ મૂકી મને કહે કે સભા બાદ તું હરદ્વાર અને માશુંગ ચૌઘરી સાથે ઘરે આવ. અમે ત્રણે જણા ચિનુ કાકાના ઘરે ગયા. મેં, અને માશુંગ ચૌઘરીએ ચિનુ કાકા સાથે મન ભરીને પીઘું. એ વખતે મારાથી ચિનુકાકાને પૂછાઈ જવાયું કે કાકા, આ લત તમને કોણે લગાડી? મને કહે કે આદિલ મનસુરીએ. અને પછી આદિલ તેમને ક્યાં અને કેવી રીતે મળ્યા. આદિલે પેલો શેર ગુજરાતીમાં ક્યો લખ્યો, વગેરે વાત કરી એટલે મેં પૂછયું આદિલે પહેલો શેર કયો લખ્યો અને તેમણે મને કહ્યું,”એ જ હાથોમાં છે મારી જિંદગી, સાચવી જે ના શક્યા મેંદીનો રંગ”. આ શેર આદિલનો પ્રથમ ગુજરાતી શેર અને આ શેર બચુભાઈ રાવતે ‘કુમાર’માં પ્રગટ કર્યો હતો. વાતને આગળ ચલાવતા ચિનુકાકા કહે કે મારી બા આદિલ પર ગુસ્સો કરતી કે આ મિંયો મારા દીકરાને બગાડી નાખશે. હું આદિલ, લાભશંકર અને મનહર મોદી રોજ ભઠયારી ગલીમાં સાંજે જતા અને ત્યાં ખાવું પીવું અને શેર શાયરીની સંગત કરતા. સમય જતા આ લતમાંથી આદિલ છૂટી ગયો. હું અને લાભશંકર વઘારેને વઘારે ડૂબતા ગયા ….
૨૦૧૦માં શિકાગોમાં અશરફ ડબાવાલાએ બે દિવસનો ગુજરાતી સાહિત્યનો કવિતા તેમ જ સુગમ સંગીતનો કાર્યક્રમ શિકાગો કલા કેન્દ્રના ઉપક્ર્મે રાખેલો. કવિ સંમેલનમાં ખાસ ભારતથી ચિનુમોદી, અનિલ જોશી, વિનોદ જોશી અને કૃષ્ણ દવે આવેલા. અમેરિકાથી મને તેમ જ ચંદ્રકાન્ત શાહ ને આમંત્રણ મળેલું. સાથે અશરફ ડબાવાલા, મઘુમતિ મહેતા, ઘરના કાયક્રમમાં તો હોય જ! પ્રથમ સાંજે કવિ સંમેલન તો ધાર્યા કરતાં વિનોદ જોશીના સંચાલનમાં વધારે સફળ રહ્યું. બઘા કવિઓ શિકાગોના ભવ્ય શ્રોતાગણ સામે ધોધમાર વરસ્યા. કાર્યક્રમના મઘ્યાન્તરમાં ચિનુકાકા અને અનિલ જોશી મારી પાસે આવ્યા. અનિલ જોશીએ મને કહ્યું, પ્રીતમ તારાં લઘુ કાવ્યો મને ગમ્યાં. લખતો રહેજે અને ચીનું કાકાએ મને કહ્યું, ઓપનિંગ બેસ્ટમેન તે તો રંગત જમાવી દીઘી. દીકરા, મેં મારી જિંદગીમાં આજ લગી કોઈ કવિને અછાંદસ કાવ્યો કવિ સંમેલનમાં કાગળમાં જોયા વિના વાંચતો જોયો નથી. તે તો દીકરા કમાલ કરી નાંખી. બહુ જ સરળતાથી કાવ્યો રજૂ કર્યા. મજા આવી ગઈ.
બીજે દિવસે સુગમ સંગીતના કાર્યક્રમમાં શ્યામલ, સૌમિલ અને આરતી મુનશીને ભારતથી બોલાવેલાં. કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં એક ખૂણે હું બેઠો હતો અને બીજા ખૂણે ચિનુકાકા બેઠા હતા. સાંજ ઢળી રહી હતી અને ચિનુકાકાનો પીવાનો સમય થઈ ગયો હતો. ચિનુકાકા મારી પાસે આવ્યા અને મને કહે દીકરા, આ સાંજ શું લુખી કાઢવાની છે? મેં કહ્યું કાકા, સુરાની વ્યવસ્થા તો થઈ જાય તેમ છે, પણ એક મોટી મુશ્કેલી એ છે કે આપણે પીશું કયાં? મને ચિનુ કાકા કહે, અહિંયા બેસીને મજેથી પીશું. કાકા, અહિંયા ના પીવાય? કેમ ના પીવાય? કાકા આ જૈન દેરાસર છે અને તેના સભાગૃહમાં કાર્યક્રમ છે. જો કોઈ આપણને અહીં પીતા જોઈ જાય અને આપણી ફરિયાદ દેરાસરની કમિટીને કરી દે તો? બીજું બઘું તો ઠીક છે અશરફને બીજી વાર આ લોકો આ હોલ કાર્યક્રમ માટે નહિ આપે અને અશરફ આપણને પાછા કયારે ય શિકાગો કાર્યક્રમમાં આમંત્રણ નહીં આપે. મને કહે તું આવી ચિંતા ન કર. બસ, તું પીવાની વ્યવસ્થા કર. બાકી બઘું પછી જોવાઈ જશે! આજે તો આપણે એક નવી ક્રાંતિ કરીએ. લોક કહેશે કે ચિનુ મોદી અને પ્રીતમ લખલાણીએ મન ભરીને અશરફના કાર્યક્રમમાં પીધું, અને તે પણ દેરાસરના ચોકમાં! મેં મારા યુવાન મિત્ર અને શિકાગો ટૂંક સમય પહેલા વડોદરાથી આવેલા નવોદિત ગઝલકાર ભરત દેસાઈને વ્યવસ્થાની વાત કરી, જે શિકાગોમાં એક લીકર સ્ટોરમાં કામ કરતા હતા. ચપટીક વગાડતાની સાથે ભરત દેસાઈ બે બ્લેક લેબલ જોની વોકરની બોટલ લઈને હાજર થયા. અને અમે ત્રણે જણાયે એટલું દિલથી પીઘું કે ઘડીના ભાગમાં એ પણ ભૂલી ગયા કે અમે કોણ છીએ!
ચિનુ મોદી ગઝલની એક મહાવિદ્યાલય હતા. તેમણે ગઝલ માટે શું નથી કર્યુ? તે પણ એક સવાલ છે. આજે ગઝલના લીલા દુકાળમાં પણ આપણને બે પાંચ યુવાન ઉત્તમ ગઝલકારો વાંચવા અને સાંભળવા મળે છે તે ગુજરાતી ગઝલને ચિનુ મોદી તરફથી મળેલ ભેટ છે. ઘણી વાર મને એવું લાગ્યું છે કે ચિનુકાકાનો જન્મ, ગઝલનો પાયો ગુજરાતમાં નાંખવા માટે જ થયો હતો. ચિનુ મોદીએ ‘રે’મઠથી જિંદગીના છેલ્લા શ્વાસ લગી યુવાન ગઝલકારોને ગઝલ અને કાવ્ય લખવા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપી છે. મારું આ સદ્ભાગ્ય છે કે હું કયારે ય ગઝલ લખતો નહીં, પરંતુ ચિનુકાકાની અલવિદાના બેચાર મહિના પહેલાં મે ગઝલના નામે આડા ઊભા લીટા કરી, ફેસબુક પર મારી દીવાલ પર મૂક્યા. ચિનુકાકા ને જ્યારે પણ મારા શેર કે ગઝલ ફેસબુક પર વાંચવા મળે, ત્યારે ફકત ગમતાનો ગુલાલ જ ના કરે અને જો તેમને કદી કહેવાનું મન થાય તો મને વ્હાલથી મારા મેલ બોકસમાં લખે. એક વાર મેં ચિનુકાકાને કહ્યું, ચિનુકાકા મને ગઝલના બે પાંચ છંદમાં ગાલગાગા વઘારે ફાવવા કરતાં ગમે છે અને અનાયાસે મારાથી કોઈ શેર અથવા ગઝલ બસ ગાલગાગામાં રચાઈ જાય છે .કાકા, મને ખબર નથી પડતી આ પ્રયોગ / પ્રયાસ કેટલો લાંબો ચાલશે! ચિનુકાકા હસતાં હસતાં મને કહે કે, ‘દીકરા ચિનુકાકાની દુકાન ગઝલમાં ગાલગાગાથી ચાલી તો તારી દુકાન શું કામ આ એક છંદે ના ચાલે? ૨૦૧૩માં કૃષ્ણ દવેએ ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન ભવનમાં મારો, દલપત પઢિયાર અને હરકિશન જોશીનો કાવ્ય સંપદાના નેજા હેઠળ કાવ્ય વાંચનનો કાર્યક્રમ રાખેલો. તે વખતે મેં કાવ્ય વાંચનમાં કહ્યું કે, ઉમાશંકર જોશી કહેતા કે જયાં સુઘી તમે એકાદ ગીત ના લખો ત્યાં લગી તમે કવિ નહિ, એટલે મેં કવિના વાડામાં પ્રવેશ કરવા એક ગીત લખ્યું છે, તે હું આજ તમારી સમક્ષ રજૂ કરું છું. ત્યારે પ્રથમ હરોળમાં રાજેન્દ્ર શુકલ, તુષાર શુકલ, અમર ભટ્ટ સાથે બેઠેલા ચિનુકાકાએ ઊભા થઈને કહ્યું કે આ છોકરો કવિ થવા ગીત લખે છે તો હવે આવનારા દિવસોમાં તે ગઝલ લખે તેવી હું આશા રાખું છું. હવે જે દિવસે તે ગઝલ લખે તે દિવસે મારે મન કવિ. ચિનુકાકા, તમારી પ્રેરણાએ મને ગઝલ લખતો કર્યો, પરંતુ મારા આ શેર અને ગઝલને તમારા વિના સાચું માર્ગદર્શન કોણ આપશે?
ચિનુકાકા, વરસે બે વરસે હું અમદાવાદ આવીશ, મિત્રોનાં ટોળાં મળશે. અવાર નવાર કવિ સંમેલન મુશાયરામાં જવાનું થશે. અગણિત કવિ મિત્રોને તેમ જ શ્રોતાઓને મળવાનું થશે. પણ આ બાવરી આંખ તમને શોધતી રહેશે. આ અમદાવાદ શહેરમાં હું ટોળાંમાં વાતોના વડા કરતો હોઈશ, ત્યારે કોઈ પાછળથી આવી મારે ખભે હાથ મૂકીને કહેશે કે દીકરા, તું કયારે અમદાવાદ આવ્યો? ચિનુ કાકા, તમારા આ પ્રેમાળ શબ્દો ફકત મારા કાન જ નહિ, પણ મારો ખભો પણ સાંભળવા કાન માંડીને બેઠો હશે!
e.mail : preetam.lakhlani@gmail.com