ગાંધીજી અને આકાશદર્શન

બકુલા ઘાસવાલા
30-06-2020

પુસ્તક વિશે

‘હું અત્યારે તો આકાશદર્શનના ઘૂંટડા પી રહ્યો છું. ઘડપણે જાગ્યો, આકાશદર્શનમાંથી આત્મદર્શનની ઝાંખી થાય, તો છેલ્લે શ્વાસ લેતી વખતે જાગવામાં શી હરકત હોય? : — ગાંધીજી. (૧૮/૬/૧૯૩૨ના રોજ મથુરદાસ ત્રિકમજીને લખેલ પત્ર)

‘મને આકાશનો અભ્યાસ કરવાની પ્રેરણા થઈ. મને અચાનક એમ લાગ્યું કે એ મારે માટે પરમાત્માનું દર્શન કરવાનું સાધન બની ગયું છે, ત્યારે હું એકદમ એ તરફ વળ્યો. કાકા ( કાકાસાહેબ કાલેલકર) મારી સાથે હતા. એમણે મને ઘણી પ્રેરણા આપી પણ મારું ચિત્ત ચોંટ્યું નહીં. બીજા કામમાંથી ફુરસદ મળશે, ત્યારે હું એ કરીશ એ ભાવ હતો. કેસોપિયા (શર્મિષ્ઠા) જોવા માટે મને ઘણી વાર પ્રેરણા થઈ. સહેજ જોઈ હું બીજા કામમાં લાગી ગયો. અહીં એકાએક એમ થઈ આવ્યું કે આકાશદર્શન એ તો એક ભારે સત્સંગ છે. તારા પણ આપણી સાથે મૂંગી વાત કર્યા કરે છે. હું આ વિચારો પર ધ્યાન દોરવા માંગતો નથી. ટૂંકમાં, હું કહેવા માંગું છું કે એ બધું જ જ્યારે મારા માટે ધર્મનો ભાગ બની ગયું છે, ત્યારે જ હું અંદર ડૂબકી મારું છું; અને હવે હું એમાંથી બહાર આવી શકતો નથી. (૧/૭/૧૯૩૨, કિશોરલાલ મશરુવાળાને પત્ર) અહીં એટલું ઉમેરી દેવું જોઈએ કે કાકાના કારણે ગાંધીજીને પૂરતો રસ જાગૃત થયા બાદ સારું એવું માર્ગદર્શન તો મળ્યું જ હતું.

ઉપરનાં અવતરણો ભાઈ વિકાસ ઉપાધ્યાયે પોતાના પુસ્તક ‘ગાંધીજી અને આકાશદર્શન’ નામના પુસ્તકમાં નોંધ્યાં છે. ગાંધીવિચાર સાહિત્યમાં વિવિધ વિષયો પર જિજ્ઞાસુ સંશોધકોને જ્ઞાનપ્રચુર, રસપ્રદ, જીવન વિષયક માર્ગદર્શક મબલક માહિતી મળે છે તે રીતે આ લેખકને પણ ગાંધીજીના જીવનના આ એક લગભગ વણસ્પર્શ્યા પાસા પર ખાસ્સી માહિતી અને વિચારપ્રેરક સામગ્રી જડે છે. બત્રીસ પાનાંની નાનકડી પુસ્તિકામાં ફક્ત વિષયસંલગ્ન અને સાબિતી- પુરાવાઓમાં તારીખો સાથે માહિતી આપવાનો પુરુષાર્થ વિકાસે કર્યો છે. પોતે ખાસ્સો સંયમ જાળવી ક્યાં ય પણ વિષયાંતર કર્યું નથી. બાપુએ ઢળતી ઉંમરે આકાશદર્શનનો શોખ કેળવેલો અને એમને એ તક યરવડા જેલનિવાસ દરમિયાન મળેલી. આ દરમિયાન એમણે સમય આપીને અધિકૃત જાણકારી સંબંધિત વિષયે પુસ્તકવાંચન, ટેલિસ્કોપિક આકાશદર્શનના અનુભવો અને નરી આંખે અધ્યયન થકી મેળવી જે જ્ઞાન, સમજ અને દૃષ્ટિ કેળવી તે વિશે બે લેખો લખ્યા. આ બે લેખો દીવાદાંડી જેવા સાબિત થયા. અહીં આકાશમાં ગ્રહ-તારા-નક્ષત્રોની સ્થિતિ, સત્યદર્શનની અનુભૂતિ, પિંડ અને બ્રહ્માંડનું તાદાત્મ્ય, વૈજ્ઞાનિક વલણ સાથે પોતાનાં સ્વજનો, મિત્રો અને આશ્રમવાસીઓને એની માહિતી આપવાની વાતો સમાવિષ્ટ છે. ગાંધીજીનું આ દર્શન ફક્ત શોખની વ્યાખ્યામાં બાંધવું ન જોઈએ, કારણ કે એમાં જે અનંત સાથેનું અનુસંધાન છે, તે એમના લખાણમાં સતત અનુભવાય છે. જે સમયમાં બાપુ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય છે, ત્યારે પણ એમનો  સત્યાગ્રહ, હરિજનસેવા, પ્રવૃત્તિનું ચિંતન, ઉપવાસો અને અન્ય કાર્યો થતાં જ રહે છે. વાચક તરીકે યાદ રાખવું જરૂરી છે કે આ સઘળું જેલવાસ દરમિયાન બનતું રહે છે. અહીં જે તેઓ ખગોળશાસ્ત્રને લગતાં નોંધપાત્ર પુસ્તકોનું વાંચન કરતા રહે છે, એની યાદી આ પુસ્તિકામાંથી બનાવી શકાય એમ છે. એમણે કોને પત્રો લખ્યા, શું લખ્યું, કેવું ચિંતન કર્યું, તેનો ચિતાર પણ આ પુસ્તિકામાં છે જ. જો કે એ જાણવા-સમજવા માટે પુસ્તિકામાંથી પસાર થવું જરૂરી છે.

વલ્લભભાઈ પાસે પોતાના લેખની નકલ કરાવવી, નારણદાસ ગાંધીને લેખો મોકલવા અને જરૂરી સૂચનો કરવાં જેવી ઘટનાઓ પણ નોંધનીય બને છે.  જેમાં અગત્યની વાત એ હતી કે જેમને રસ હોય તે વાંચે એ આગ્રહ તો બરાબર, સાથે હસ્તલિખિત અને જાતે બનાવેલ નકશા દ્વારા જે-તે વ્યક્તિ આકાશદર્શનનું મહત્ત્વ સમજે એના પર પણ એમણે ભાર મૂક્યો છે, જેમાં યંત્રો દ્વારા વધારે કૉપી ન કાઢવાનું કારણ તો સમજી જ શકાય. પરંતુ મને તો એ પણ સમજાયું કે જાત વગરની જાત્રા ન કરવી! ગુજરાતીમાં આકાશદર્શનનું પુસ્તક કેવું હોવું જોઈએ, તે વિશે પણ તેઓ સ્પષ્ટ છે. પોતે આ વિષયે નિષ્ણાત નથી, પરંતુ સામાન્ય વ્યક્તિ તરીકે જિજ્ઞાસા સાથે વ્યવહાર જોડી પોતે શું સમજ્યા છે, તે વિશે તો તેઓ સ્પષ્ટ છે. ગાંધીજી વિદ્વાનોને માનસન્માનથી જુએ છે, પરંતુ એમના હૃદયે હરહંમેશ એક સામાન્ય વ્યક્તિનું મહત્ત્વ છે, એટલે એને સમજાય તેવું રસદર્શન કરાવવાનું એમનું વલણ તો ઊપસ્યા જ કરે છે. તે સાથે એમણે પોતાના કામની જે પ્રાથમિકતા નક્કી કરી છે, તેમાં બાંધછોડ ન કરવી અને તે કાર્યોનું મહત્ત્વ સમજાવવાનું પણ તેઓ ચૂકતા નથી. આ વાત એમણે મહાદેવભાઈ જ્યારે કોઈ ગંભીર ચર્ચા સમયે પોતાનું કામ અહીં નથી, એવું સમજી આકાશદર્શન માટે બહાર જાય છે, ત્યારે બાપુએ એમને કરેલી ટકોર પરથી સ્પષ્ટ થાય છે. ( પાનું : ૨૬)

વિકાસે સંદર્ભપુસ્તકો અને વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે, તે સાથે એમની પ્રતિક્રિયાને પણ ધ્યાનમાં લીધી છે, જેમ કે જે.જે. રાવળસાહેબ, પંકજ જોષીજીનાં મંતવ્યો દ્વારા સિદ્ધ કર્યું છે કે ગાંધીજી આ બાબતે કેટલા ગંભીર હતા, એમનું વલણ વૈજ્ઞાનિક હતું અને ધર્મનો અર્થ બાપુ માટે ક્યારે ય સંકુચિત ન હતો. તો અમરેલીના પ્રતાપભાઈ ગિરધરલાલ મહેતાએ ‘હંસપુચ્છ તારાને ગાંધીતારાનું નામાભિધાન’ માટે આઈ.એ.યુ.ને (ઇન્ટરનેશનલ ઍસ્ટ્રોનૉમિકલ યુનિયન) કરેલી અપીલ, એની યથાર્થતા વિશે અને આપણે હજી એ આગ્રહ રાખી હંસપુચ્છને ગાંધીતારા તરીકે ઓળખી જ શકીએ, એવી પોતાની લાગણીને સમાપનમાં સુપેરે વ્યક્ત કરી ગાંધીજીના જીવનના આ મહત્ત્વના પાસાની ન્યાયોચિત રજૂઆત કરી જ છે.

ડૉ. રાવલનું આ વિધાન તેની પુષ્ટિ કરે છે. ‘ગાંધીજીની મહાનતાને નહીં જાણનાર, તેમના બ્રહ્માંડ જેટલા વિસ્તૃત પરિમાણને નહીં જાણનાર, તેમને વિજ્ઞાનીઓના પણ વિજ્ઞાની હતા કે નહીં જાણનાર ઇન્ટરનેશનલ ઍસ્ટ્રોનૉમિકલ યુનિયનના એ ખગોળવિજ્ઞાનીઓને કોણ સમજાવે? પ્રતાપભાઈએ હંસપુચ્છ તારાને ગાંધીજીનું નામ સૂચવ્યું, ત્યારે તેઓએ ગાંધીજી વિશે વાંચવું જોઈતું હતું અને તેમનાં જીવનકાર્યોને તેમણે જાણવા જોઈતાં હતાં. ગાંધીજીના સત્યના પ્રયોગો શું દર્શાવે છે ? તે દર્શાવે છે કે તેઓ વિજ્ઞાની હતા ને વિજ્ઞાનીઓની જેમ માનતા હતા કે થિયરીને પ્રયોગાત્મક, નિરીક્ષણાત્મક ટેકો હોય તો જ થિયરી સાચી ગણાય. આ તેમનું વિજ્ઞાનદર્શન હતું. ગાંધીજીની નિત્ય વિકાસશીલતા, વિજ્ઞાનની કુદરતની નિત્ય વિકાસશીલતા જેવી જ હતી.’ વિકાસ ઉમેરે છે કે ડૉ. રાવલ માને છે કે જો આપણે ઝુંબેશ ઉપાડીએ તો આઈ.એ.યુ. કદાચ હવે માને પણ ખરું. જો કે હું તો માનું છું કે બાપુ કયાં આવી વાતોના મોહતાજ હતા?

આ પુસ્તિકાને પ્રકાશિત કરવામાં સૌજન્ય ચંદ્રકાંતભાઈ, ચિત્રાબહેન, ગૌતમ દેસાઈ પરિવાર, વલસાડ પારડી, વલસાડનું છે, તેની નોંધ લેવી જોઈએ. લેખક ‘દમણગંગા ટાઇમ્સ’ના નિવાસી તંત્રી છે અને વૈજ્ઞાનિક વલણ માટે લેખનકર્તા તરીકે જાણીતા છે.     

E-mail : [email protected]

ગાંધીજી અને આકાશદર્શન : વિકાસ ઉપાધ્યાય, શીતલ પબ્લિકેશન, આશાધળી સ્કૂલ પાછળ, નેશનલ હાઈવે નંબર ૮, વાપી - ૩૯૬ ૧૯૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2020; પૃ. 16 તેમ જ 12

Category :- Gandhiana