કવિ ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’નું સાહિત્ય સર્જન

ભદ્રા વડગામા
15-10-2019

ડાહ્યાભાઈ લેખક કરતાં કવિ તરીકે વધુ પ્રખ્યાત છે કેમ કે એ એમના નામની આગળ હંમેશ કવિ લખતા. 'દિનેશ’નું ઉપનામ શા માટે ચૂંટ્યું એની ઝાઝી ખબર નથી.

શરૂઆતમાં એમના જીવન વિષે થોડી માહિતી આપું. ડાહ્યાભાઈનો જન્મ 3/4/1920 તરીકે નોંધાયેલો છે, પણ એમની ખરી જન્મ તારીખ 3/4/1917 છે. સુણાવમાં એમનો જન્મ. તેમની એક વર્ષની કુમળી વયે તેમના પિતા મૃત્યુ પામ્યા, પછી તેમની માતાએ કરેલા ઘડતરની ડાહ્યાભાઈ પર ખૂબ અસર રહી હતી. તેમનો ગીતો પ્રત્યેનો, ગાંધીજી પ્રત્યેનો, તેમ જ તેમની વાર્તાઓમાં સ્ત્રી પાત્રોને મહત્ત્વ આપવાનો મહાવરો, એ બધું એ એમની માતા પાસેથી શીખ્યા હશે એવું લાગે છે. ભારતમાં નાની ઉંમરે જ રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લઈ એ 1938માં કમ્પાલા - યુગાન્ડા આવ્યા. બીજા વિશ્વ યુદ્ધને લીધે બેરિસ્ટર થવાની તેમની ઈચ્છા છેક 1946માં પૂરી થઈ. 1946-1948 સુધી ભણીને તેમણે લંડનમાંથી 'બેરિસ્ટર એટ લૉ'ની પદવી મેળવી, અને કમ્પાલા પરત થઈ, વકીલાતનો ધંધો આદર્યો. 

એમનું લગ્ન પુષ્પાવતીબહેન જોડે 1954માં થયું. ત્યાં સુધીમાં તેમની પ્રવૃત્તિઓ દ્વારા એક સમાજલક્ષી, સાહિત્યલક્ષી તથા રાજયલક્ષી ક્ષેત્રે તે જાણીતા થઈ ચૂક્યા હતા. એમણે યુવક સંઘ આફ્રિકા, ઇન્ડિયન એસોશિયેશન, સતનામ સાહિત્ય મંડળ, એશિયન વેલ્ફેર સોસાયટી, કમ્પાલા કલા કેન્દ્ર અને યુગાન્ડા લો સોસાયટીના પ્રમુખ પદે રહી યુગાન્ડાની એશિયન પ્રજાને તેમના હક મેળવવામાં સક્રિય યોગદાન આપ્યું હતું. આફ્રિકા નિવાસ દરમિયાન જ તેમના દશેક નવલિકાસંગ્રહો પ્રકટ થયા હતા. કવિતા, નાટક અને ‘મોહન ગાંધી મહાકાવ્ય’ની શરૂઆત પણ અહીંથી કરી હતી.

1971માં યુગાન્ડા સ્વતંત્ર થયું, જેના બંધારણ ઘડતરમાં પણ ડાહ્યાભાઈનો ફાળો હતો. એ કાબેલ 'પૉલિટિશ્યન' હતા અને  ત્યાંની પાર્લામેન્ટના સભ્ય રહ્યા હતા. તેમની સેવા બદલ યુગાન્ડા સરકારે તેમને મેડલ પણ આપેલો.

યુગાન્ડામાં હતા ત્યારે પણ એમનું સાહિત્યસેવન, લેખન, સાહિત્યકારોનું બહુમાન અને સાહિત્યિક કાર્યક્રમ માટે પ્રોત્સાહન એમના વ્યક્તિત્વનું હૃદયસ્પર્શી પાસું હતું. કમ્પાલામાં તેમણે 'જાગૃતિ’ નામનું માસિક શરૂ કર્યું અને ચલાવ્યું. એમની વાર્તાઓનો વિશેષાંક તૈયાર કરાવ્યો હતો, તેને કદાચ આપણે ગુજરાતી સાહિત્યનો પહેલો ડાયાસ્પોરિક વાર્તા વિશેષાંક ને સંગ્રહ ગણી શકીએ.

1972ની સાલમાં યુગાન્ડામાંથી એશિયન એકસોડ્સમાં એ લંડન આવ્યા, પછી અહીંના સાહિત્યક્ષેત્રે પણ બહુ કામ કર્યું અને 14/8/2008માં તેમનું નિધન થયું, ત્યાં સુધી આ ક્ષેત્રે એ સક્રિય રહ્યા. આજે આપણે તેમની નોંધાયેલી જન્મ તારીખના હિસાબે, તેમની શતાબ્દીની ઉજવણી કરવા એકઠાં થયાં છીએ. એમની શુક્રવારની બેઠકો વિષે વિપુલભાઈએ આરંબે અહેવાલ આપ્યો અને નિરંજનાબહેન દેસાઈએ પણ આ વિષે ડિસેમ્બર 2008ના 'ઓપિનિયન'માંના તેમના લેખમાં વિગતવાર લખ્યું છે.

અહીં આવ્યા પછી 1974માં તેમણે ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ સ્થાપ્યું, જેમાંથી પરિવર્તન થઈને 1977માં સ્થપાઈ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’. અકાદમીના તેમના યોગદાન વિષે વિપુલભાઈએ આપણને માહિતી આપી. અકાદમીની સ્થાપનાની સાથેસાથે ગાંધીજી પ્રત્યેના તેમના પ્રેમને લીધે તેમણે ‘મહાત્મા ગાંધી ફાઉન્ડેશન’ પણ સ્થાપ્યું અને અને ગાંધી મહાકાવ્યના બે બૃહદ્‌ ગ્રંથો 'વિગ્રહ પર્વ’ અને 'વિજય પર્વ ' લખ્યા. આ બે ગ્રંથોના લોકાર્પણ સમયે મુરારિ બાપુએ તેમને 'ગુજરાતી ગીરાનાં અમૂલ્ય આભૂષણ' તરીકે બિરદાવ્યા હતા.

એમના સાહિત્ય સર્જન વિષે જે માહિતી આજે તમારી સમક્ષ રજૂ કરીશ તે બૃહદ્દ અંશે વંદનાબહેન છોટાલાલ રવૈયાએ ડાહ્યાભાઈ વિષે લખેલા એક મહા નિબંધમાંથી લીધેલી છે, કેમ કે તેમની બધી કૃતિઓ ઉપલબ્ધ ન હોઈ, તે મેળવવાની તેમ જ વાંચવાની મુશ્કેલી છે; અને ન વાંચી હોય તેવી કૃતિઓમાંથી ઉદાહરણો આપું તો કદાચ અરસિક બની જવાનો ભય રહે છે. એટલે  તેમના સાહિત્યમાં રહેલી વિવિધતા વિષે સમાવેશક માહિતી આપીશ અને એકાદ બે ઉદાહરણો પણ ક્યાંક ટાંકીશ.

ડાહ્યાભાઈને બધાં ભલે કવિ તરીકે વધારે ઓળખતાં હોય, પણ એમનું સાહિત્ય બહુવિધ હતું. એમની 1954થી 1996 સુધી પ્રકટ થયેલી 11 નવલકથાઓ છે : તેમાં દિલાવરી, વનની વાટે, અતીત આલિંગન, નવા કલેવર ધરો હંસલા, અનુરાગ અને ઉત્થાન, ઉષા અને અરુણ, વિભૂતિ, તિમિરનું તેજ, ઊર્જિત, ઉત્સવી, અને કંચન ભયો કથીરનો સમાવેશ થાય છે.

તેમના 10 નવલિકા સંગ્રહો છે : શાલિની, છેલ્લો અભિનય, પદ્માવતી, શર્મિષ્ઠા, પુન:મિલન, આગમન, અમરપ્રેમી, કલાવતી, કેતકી, અને મીનાક્ષી. આ 10માંથી 6 શીર્ષકો સ્ત્રીઓનાં નામો છે, જે પરથી એમનાં સ્ત્રીપાત્રો પ્રત્યે રહેલો આદર અને એમને ઉચ્ચ કક્ષાએ આલેખવાનું મહત્ત્વ આપણને સમજાય. તેમના 8 કાવ્યસંગ્રહોમાં છે : અંકુર, કાવ્ય પરિમલ, સ્ફુર્ણા, દર્દીલ ઝરણાં, મોહનભક્તિ પદાવલિ, સત્યેશ્વર સ્તવન સ્ત્રોતાવલી, વિક્રમાદિત્ય સરદાર પટેલ, સત્યાગ્રહી સંત ચાલીસા અને સત્યેશ્વર વચનામૃતો. એમનો 1 નાટ્ય-લેખ સંગ્રહ પણ છે. મોહન ગાંધી મહાકાવ્યના 1 થી 12 ગ્રંથો લખાઈ ગયા છે અને હજુ 3 ગ્રંથો અપૂર્ણ છે. એમના 4 સંપાદનો અંગ્રેજીમાં છે, જેમાંના 3 જેઠાલાલ ત્રિવેદી સાથે અને એક રશીદ મીર અને ગોપાલ શાસ્ત્રી સાથેના છે. વળી, એમની સોનેટ, ગઝલો, અને અન્ય કવિતાના છ સાત ગ્રંથો પણ પ્રકાશિત છે.

ડાહ્યાભાઈના પ્રિય વિષયો છે પ્રણય, ભક્તિ, માનવતા અને સાહસ. દેશભક્તિનાં બલિદાનો પ્રત્યે તેમની કૂણી લાગણી છે. એમની દ્રષ્ટિએ 'ભયંકર સ્થિતિમાંથી સાંગોપાંગ ઉતરતો વાર્તાનાયક વાચકને મન 'હીરો' બની ગયો છે. દુષ્ટતાને ડારતો, તન મન કે ધનની પરવા કર્યા સિવાય ઝઝૂમતો નાયક ખાસ કરીને કિશોર વયના વાચકોનો પ્રિય હોય છે.’ આ વિચારધારા તેમની વાર્તાઓમાં પડઘો પાડે છે.

વંદનાબહેન રવૈયા તેમના મહાનિબંધમાં કહે છે તેમ 'ડાહ્યાભાઈનું સાહિત્ય જેટલું વૈવિધ્યપૂર્ણ છે એટલું જ સત્ત્વશીલ પણ છે. તેમની નવલકથાઓમાંથી ભારતીય સમાજના પ્રશ્નો અને વિદેશમાં કેવા મુકાબલાનો સામનો કરવો પડે છે, તેનો પરિચય પ્રાપ્ત થાય છે, જ્યારે તેમની કવિતામાંથી તેમનું છન્દકૌશલ્ય દ્રષ્ટિગોચર થાય છે. ગાંધી મહાકાવ્યમાં એકાદ લાખ જેટલી છંદોબદ્ધ કડીઓ છે. ગાંધીજીના વ્યક્તિત્વ વિષે લખાયેલી આ કવિતા સાહિત્ય જગતની એક અદ્દભુત ઘટના છે.'

ડાહ્યાભાઈની નવલિકાઓનું ક્ષેત્ર મોટે ભાગે ભારતની બહારનું રહ્યું છે. એમની નવલિકાઓમાં નિયતિનું પ્રાબલ્ય જોવા મળે તેવી પ્રણય કથાઓ છે. બળવંતભાઈ જાનીએ તેમની પ્રણય કથાઓને 4 ભાગમાં વહેંચી છે : સુખાંત પ્રણય કથાઓ, 'લવ ટ્રાયેન્ગલ' અને વિફળ પ્રેમ કથાઓ, સંગીત કે પ્રાણીપ્રેમની પ્રણય કથાઓ અને પ્રેતયોનિની પ્રેમ કથાઓ. ભારતીય જીવનમૂલ્યો ધરાવતી કથાઓમાં માનવપ્રેમ પ્રગટાવતી અને સ્નેહસંબંધ પ્રગટાવતી સમાજકથાઓ છે. એમણે  એમની વાર્તાઓમાં ઘટનાક્રમ, પાત્રાલેખન અને પ્રસંગોની ગૂંથણી એવી સુંદર રીતે કરી છે કે તેમની વાર્તાઓ વાચકને રસિક લાગે છે.

વંદનાબહેન કહે છે તેમ ડાહ્યાભાઈનાં વાર્તા સર્જન પર ‘ધૂમકેતુ’ની ભાવનાશીલ અને સંવેદનપૂર્ણ  વાર્તાઓનો ભારે પ્રભાવ હતો. એમની વાર્તાઓ ગત શ્રદ્ધા, છેલ્લો અભિનય,  હરદ્વાર, અને સોનામહોરની નાયિકાઓ જાણે ‘ધૂમકેતુ’નાં એવાં પાત્રોની સ્પર્ધામાં ઉતરતી ન હોય એમ લાગે છે. વિખ્યાત વિવેચક અનંતરાય રાવળે ડાહ્યાભાઈની વાર્તાઓને "કૌતુકપ્રધાન" ગણાવી છે. શક્ય છે કે ગુજરાતી સાહિત્યમાં આફ્રિકન સમાજને વણેલી વાર્તાઓ ભારતીય વાંચકો માટે કૌતુક ઉપજાવે તેવી હોઈ શકે, તો વળી અમુક વાર્તાઓમાં પ્રેતસૃષ્ટિનો પણ અનુભવ વાચકને થાય છે.

યુગાન્ડાને પૂર્વ આફ્રિકાના 'emerald' તરીકે ઓળખવામાં આવે છે, એટલે કુદરતી છે કે ત્યાં લખાયેલી તેમની વાર્તાઓમાં પ્રકૃતિ વર્ણન કલાત્મક રીતે કરેલું હોય, જ્યારે બ્રિટનનું નૈસર્ગિક સૌંદર્ય પણ એટલું જ આનંદપ્રિય છે. તેનું વર્ણન પણ ડાહ્યાભાઈની વાર્તાઓમાં વાંચી શકાય છે.

(ડાબેથી) પુષ્પાબહેન ડાહ્યાભાઈ પટેલ, ડાહ્યાભાઈ પટેલનાં પુત્રી ઇલાબહેન પંડ્યા, મુખ્ય વક્તા ભદ્રાબહેન વડગામા તથા અકાદમીપ્રમુખ વિપુલ કલ્યાણી

ડાહ્યાભાઈએ ગુજરાતી ઉપરાંત પાશ્ચાત્ય લેખકોને પણ વાંચ્યા છે, જેમના લેખનની અસર તેમની કૃતિઓ પર પડી છે. ફ્રેન્ચ નવલકથાકાર અને નાટ્યલેખક Balzac, ટૂંકી વાર્તાઓના સમ્રાટ Guy de Maupassant અને Prosper Merimeeને તેમણે વાંચ્યા અને વાગોળ્યા છે. પણ એ અન્ય લેખકોને ચેતવે છે કે પરદેશી classic સાહિત્યકારોની કૃતિઓની અસર નીચે આવી જઈ પોતાની મૌલિકતા ન ગુમાવવી જોઈએ. એમનું માનવું હતું કે વાર્તા એવી રીતે લખાવી જોઈએ કે એ વાંચવા માટે નહીં પણ માંડીને વાત કહેવાની હોય એ રીતે લખાઈ હોય. આ રીત એમણે એમની વાર્તાઓમાં અપનાવી છે, પણ વચ્ચે વચ્ચે એ ચિંતન કણિકાઓ પણ મૂકતાં આવ્યા છે. મારા મંતવ્ય સાથે સહમત થતાં વંદનાબહેન કહે છે તેમ, આ પ્રકારના લેખનથી ડાહ્યાભાઈની વાર્તાઓમાં ક્યારે કે એકવિધતા આવી જાય છે, જેથી તેમાં થોડી મર્યાદા આવી જાય છે, તો ક્યારેક વળી જ્યારે "હું" વાર્તા કહેવા માંડે છે ત્યારે એ ટૂંકી વાર્તામાંથી લાંબી વાર્તા બની જાય છે. અને ક્યારેક મૂળ વાર્તાના રસથી હઠીને અન્ય રસદાયક પ્રસંગોનું બયાન જોવા મળે છે. એ વળી, એમ પણ કહે છે કે ગુજરાતી સાહિત્યમાં લઘુનવલ અને લાંબી વાર્તા વચ્ચેની તાત્ત્વિક અને સમીક્ષાત્મક વિવેચના ઘણી છે પણ ડાહ્યાભાઈને એનો ખ્યાલ નથી એનો ખેદ છે.

એમની ઘણી વાર્તાઓ સત્યઘટના પર આધારિત છે અને તેમાં તેમણે પોતાની કલ્પનાસૃષ્ટિમાંથી સર્જેલાં રંગો પૂરીને વધુ રસિક બનાવી છે.

બળવંત જાનીએ ડાહ્યાભાઈની 'ડાયસ્પોરિક વાર્તાઓ'ના પુરોવચનમાં આ તત્ત્વો તારવ્યાં છે:

1. બ્રિટિશ ગુજરાતી પ્રવાસી લેખક તરીકેની અનેક વિશિષ્ટતાઓ આ વાર્તાઓમાં છે

2. મોટા ભાગની વાર્તાઓ પ્રણય ભાવની અભિવ્યક્તિ છે

3. વિશ્વના કોઈ પણ ખંડમાં પ્રણયભાવના કેવી શાશ્વત-સનાતન છે તેનો પરિચય આપે છે

4. વાર્તાઓમાં ક્યારેક ક્યારેક પાત્રોની સાથેસાથે લેખકની હાજરી અનુભવાય છે, તો ક્યારેક અન્ય પાત્ર દ્વારા એમની અનુભૂતિ વાંચવા મળે છે. દા.ત. આ વાક્ય દ્વારા એ જોઈ શકાય છે : 'માણસ ધર્માંધ બને તો કેટલો પાગલ બની જાય છે'. ક્યારેક વાર્તાઓ પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી છે, તો ક્યારેક સમૂહગોષ્ઠિમાં ઉપસ્થિત ચરિત્રો પણ તેમણે રચ્યાં  છે.

5. ક્યાંક સંવાદ અને વર્ણનો નાટ્યાત્મક કે ઊર્મિકાવ્યની સમીપ પહોંચાડે છે.

વંદનાબહેને ડાહ્યાભાઈના ડાયસ્પોરિક સાહિત્ય વિષે જે લખ્યું છે તે જોવાતપાસવા સમ છે :

"ડાહ્યાભાઇ પટેલનું ડાયસ્પોરિક કથા સાહિત્ય આસ્વાદીએ ત્યારે અવશ્ય અનુભવીએ છીએ કે તેઓ માનવીય સંવેદનાના હૃદયસ્પર્શી લેખક છે. જે અનુભવો, પ્રવાસ દરમિયાનની પ્રત્યક્ષ પરિસ્થિતિઓમાંથી પસાર થયા હોય, એનો તેઓ વાર્તાલેખનમાં ઉપયોગ કરે છે. અનુભવોનું યથાતથ આલેખન નહીં પણ પ્રત્યક્ષીકરણ સંવેદનતંત્રમાંથી પસાર થઈને જે નીપજી આવે એનું હૃદયસ્પર્શી આલેખન, એમના કથા સર્જનનું એક આગવું પાસું છે."

હવે ડિસેમ્બર 2008ના 'ઑપિનિયન’ માસિકમાં નીરુબહેન દેસાઈએ ડાહ્યાભાઈને કવિના રૂપે નિહાળીને લખેલા લેખ 'સદાબહાર કવિ ડાહ્યાભાઈ પટેલ'માંથી અમુક નોંધો રજૂ કરું છું. નીરુબહેન કહે છે કે 'ડાહ્યાભાઈને યાદ કરવા હોય તો તેમનાં પ્રણયનાં, પ્રેમ-સૌંદર્યનાં ગીતોનો આનંદ માણવો'. આ ઉપરથી હું કહી શકું કે 'પ્રણય' વિષય પરનો તેમનો પ્રણય તેમના સાહિત્ય સર્જનમાં બહુ મહત્ત્વનો છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. એમના ગાંધીપ્રેમ વિષે નીરુબહેન કહે છે કે ‘ડાહ્યાભાઈ ગાંધીવિચારધારાના ઊંડા અભ્યાસુ હતા, એટલે જ ગાંધીજીના શબ્દોને 'ગાંધી મહાકાવ્ય' દ્વારા 15 ગ્રંથોમાં મઢી શક્યા છે’. ડાહ્યાભાઈ એક પદ બહુ ભાવવિભોર થઈ ગાતા જે નીરુબહેને એ લેખમાં ટાંક્યું છે:

'મોહન તારી નયન કટારી ઉરમાં એવી વાગી 
'દિનેશ' પ્યારી દરદની મારી ભર નીંદરથી જાગી રે.'

સૌંદર્ય અને પ્રણયના રસિક કવિનાં કાવ્યો, પછી ભલે તે ગાંધીજી વિષે હોય, પણ તેમાં ય શૃંગાર રસ છલકાતો દેખાય છે. પહેલાં કહ્યું તેમ પ્રણય વિશેની એમની ભાવના 'ત્યાગ’ વાર્તાના નાયક પ્રભાકરના મુખે તેઓ બોલે છે : "પ્રણય એ સ્વર્ગીય ઉજ્જવળ પ્રકાશ છે, જે જીવનને અજવાળી દે છે. પૃથ્વી પરથી મનુષ્યજાતને કોઈ વસ્તુએ સ્વર્ગ તરફ ઊર્ધ્વગમન કરાવ્યું હોય તો એ પ્રણય છે."

એ જ વાર્તામાં આપણે તેમના બ્રિટનના નૈસર્ગિક સૌંદર્ય પ્રત્યેનો પ્રેમ પણ જોઈએ શકીએ છીએ : "શિયાળો ઊતરતાં, એટલે એપ્રિલની શરૂઆતમાં, સુવર્ણરંગી ડેફોડિલ્સ અને ટ્યૂલિપ્સ પુષ્પો હસિત મુખે આવકારતાં ધરતીનાં અંતરની શોભા સમાં ઊગી નીકળે."

ફરી એમનો શૃંગાર રસ અહીં ડોકિયું કરે છે: "ટ્યૂલિપ પુષ્પોનો આકર્ષક રંગ કોઈ રંગીલી યૌવનની કામણગારી આંખો સમો દિલને હચમચાવી મૂકે. શિયાળાની ઠંડીને લીધે પર્ણહીન બની ગયેલાં શોભાહીન લાગતાં વૃક્ષો ઉપર એકાએક નવપલ્લવોની રોશની રેલાય, ઊગતા સૂર્યનાં ચમકતાં કિરણો પ્રત્યેક નવપલ્લવને નાનો શો અરીસો બનાવી દે. દરેક અરીસામાં ભગવાન સવિતાદેવ આસન લઈ ઝૂલતાં ઝૂલતાં હસે.”

'આદિવાસીના આક્રન્દ'માં લેખક ગાંધીપ્રેમ આ પ્રમાણે વ્યક્ત કરે છે: ' .... મનુષ્ય પ્રત્યેનાં પ્રત્યેક માનવના પ્રેમ, સ્નેહ, બંધુત્વ અને આત્મીયતાથી દેવો રીઝશે. એ માનવતા માટે, એ વિશ્વબંધુત્વની ભાવના માટે, પ્યારા બાપુએ જે રાહ ચીંધ્યો છે તે સત્યના, અન્ય માટે સર્વસ્વ અર્પણ કરવાના, પ્રાણીમાત્ર પ્રત્યે દયા અને સ્નેહથી વર્તવાના રાહ પર જવાથી જ દેવો સંતુષ્ટ બનશે.' 

માનવજીવનને ઊર્ધ્વગામી બનાવવાના ડાહ્યાભાઈના આ સંદેશથી એમની સાહિત્ય સર્જકતાને દાદ આપી એમને અંતરથી નીરુબહેનની આ પંક્તિઓ વડે અંજલિ આપું છું :

વાગોળીશું કવન-કવિતા હર્ષઉલ્લાસ સાથે,
સંભારીશું સુરભિત સ્મૃતિ અંતરે આવરી જે.
આવતા રે'જો, કોક દિ તમે હળવે ડગલે આવતા રે’જો.

સાચે જ સૂક્ષ્મરૂપે એ તેમ અઢળક સાહિત્ય ગ્રંથો થકી કવિ ડાહ્યાભાઈ પટેલ 'દિનેશ' આપણી વચ્ચે હરહંમેશ જીવંત રહેશે.

[‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, વેમ્બલીસ્થિત માંધાતા યૂથ એન્ડ કમ્યુનિટી એસોસિયેશન સભાખંડમાં, શનિવાર, 21 સપ્ટેમ્બર 2019ના દિવસે, ‘શતાબ્દી વર્ષ ઓચ્છવ’ નામે અવસરે રજૂ થયેલું વક્તવ્ય]

http://glauk.org/programmes/centennial-celebrations-sep-19/

Category :- Diaspora / Features