Opinion Magazine
Number of visits: 9957592
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે શબ્દ, નારાયણ દેસાઈના શતાબ્દી પ્રવેશ નિમિત્તે

પ્રકાશ ન. શાહ|Gandhiana, Opinion - Opinion|10 January 2024

કટોકટી વખતે ગૌહત્યા પર પ્રતિબંધ માટે વિનોબા ભાવેએ આમરણ ઉપવાસ શરૂ કર્યા ત્યારે નારાયણ દેસાઈ તેમના પત્ની સાથે વિનોબાને જોવા મહારાષ્ટ્રના પવનાર આશ્રમે ગયા હતા

ગાંધીજી નારાયણ દેસાઈને હંમેશાં ‘બાબલા’ તરીકે જ સંબોધન કરતા

ગાંધીના ‘બાબલા’થી માંડી, વિનોબાના બટુક અને જયપ્રકાશના સાથી સૈનિકથી માંડી છેલ્લા દસકામાં એક લોકાયની કથાકાર લગીના આ સમૃદ્ધ જીવનયાત્રા, સાહિત્ય–શિક્ષણ–સમાજને સંકોરતી, સંઘર્ષ અને રચનાના સાયુજ્યની નાગરિક મથામણ રૂપે વિલસી રહે છે

ગુજરાતી સાહિત્ય પરિષદના ભોપાલ અધિવેશનની એક રૂડી સાંભરણ એ બની રહેશે કે સભાખંડ સાથે નારાયણ દેસાઈનું નામ જોડાયું હતું. પરિષદના પૂર્વ પ્રમુખ નારાયણ મહાદેવ દેસાઈ (24-12-1924 : 15-3-2015)ના શતાબ્દી વર્ષની એ નાંદી ઘટના લેખાશે.

હમણાં મેં પરિષદના પૂર્વ પ્રમુખ તરીકે એમનો ઉલ્લેખ કર્યો, અને એ ઠીક જ છે. પણ નારાયણ દેસાઈની ઓળખ એટલા પૂરતી સમેટાઈ જાય તે ચોક્કસ જ સાવ સપાટબયાની બની રહેશે. એ લેખક જરૂર હતા. પરિષદ પ્રમુખ તો એ મોડેથી થયા, 2008-2009ના બે વરસ માટે, ચોરાસીમે વરસે, પણ એના ખાસા ચારેક દાયકા પર એ એમનાં ગાંધીસંભારણાંની નાનીશી કિતાબ ‘સંત સેવતાં સુકૃત વાધે’ લઈ આવ્યા ત્યારે જ પ્રકાશક ભાઈદાસ પરીખે મોકલેલા છપાતા ફરમા વાંચી આપણા એકના એક સ્વામી આનંદે લખેલું કે ‘મન કૂદકો મારીને ઝડપી લે એવી ચોપડી વર્ષો કે દાયકાઓ પછી મેં વાંચી હોય તો તે આ.’ પછી તો, ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ એ મહાદેવ દેસાઈ ચરિત્ર સાથે એમની હાજરી બરાબરની પુરાઈ ગઈ. મહાદેવભાઈની ડાયરી આમ તો વિશ્વવિશ્રુત – પણ એમાં ‘બાબલા’(નારાયણ)ની નોંધ જ ન મળે, કેમ કે એ તો ગાંધીચર્યા અંગે હતી. બાબલાએ મોટપણે એનું વેર બરોબર લીધું, અધિકૃત પિતૃચરિત્ર આપીને! અને આગળ ચાલતાં ત્રિખંડવ્યાપી એવું આકર ગાંધીચરિત્ર આપી ગાંધીજીની પોતાની ભાષામાં વિગતવિશદ, સ્વાધ્યાયસમૃદ્ધ ચરિત્ર નથી એ મહેણું પણ ભાંગ્યું.

નારાયણ દેસાઈને વિરલ વિભૂતિઓ સાથે જીવન વ્યતીત કરવાનો, યથાશક્તિમતિ પ્રવૃત્ત રહેવાનો મળતા મળે એવો પડકાર અવસર મળી રહ્યો. તારુણ્યને ઉંબરે પહોંચતા સુધીનાં વર્ષો બાપુ સાથે સાબરમતી આશ્રમ ને સેવાગ્રામમાં, પછી ભૂદાન આંદોલનમાં વિનોબા સાથે – અને આગળ ચાલતાં જયપ્રકાશ સાથે, શાંતિ સેનાથી માંડી બીજા સ્વરાજની લડાઈ સહિત. જે પરિવર્તનની રાજનીતિમાં એમણે લોકનીતિ ભણી સહજ ઝુકાવ સાથે શ્વસવું પસંદ કર્યું. એણે જ એમને સીધા સાહિત્યિક નહીં એવા લેખન તરફ પણ દોર્યા – ‘ચેક ઉઠાવ, ટેંક સામે લોક’ હોય કે પછી બાંગ્લા મુક્તિસંગ્રામ હોય. બાંગ્લાદેશે, પાછળથી જે કેટલાક સંગ્રામમિત્રોને માનભેર પોંખ્યા એમાંના એક નારાયણ દેસાઈ પણ હતા. સામાન્યપણે સરકારી માનઅકરામથી પરહેજ કરતા રહેલા નારાયણભાઈને અંતિમ યાત્રા વખતે સરકારી માન અપાયું – કાં તો સરકારના સ્વવિવેકથી હોય, કે પછી કોઈ અદક પાંસળી રજૂઆતથી – પણ પરિવારે બહુ જ વિવેકપૂર્વક બંદૂક ફોડી અંતિમ સલામ આપવાની વાત તો ખાળી જ. મરણોત્તર પદ્મસન્માન વાસ્તે સરકારી દરખાસ્ત આવી ત્યારે પણ પરિવારે એનો સાભાર અસ્વીકાર કરી ‘જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયા’નો નારાયણભાઈનો હૃદયભાવ પાળી જાણ્યો.

જીવનના છેલ્લા દસકામાં એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની તેમ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ (ચાન્સેલર) તરીકેની જવાબદારી બખૂબી નભાવી જાણી. પરિષદની વ્યાસપીઠ પરથી એમણે 2002ના મહાપાતક વિશે અને અકાદમીની સ્વાયત્તતા સરી ગઈ એ ‘ઓશિયાળી’ પરિસ્થિતિ વિશે અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું તો જિલ્લે જિલ્લે વાંચનયાત્રા યોજી એક જુદો જ લોકતાંતણો સાંધ્યો.

નારાયણ દેસાઈ

નારાયણ દેસાઈની કારકિર્દીનો આ આલેખ, એનું ઓઠું વ્યક્તિગત હોવા છતાં એક આખી તરુણાઈ અને એની પ્રૌઢિ ને પરિણત વર્ષોની જદ્દોજહતનો ચિતાર આપે છે. સ્વરાજ સૈનિક હોવું, સ્વરાજનો મેદ ને કાટ ન ચડે તે જોવું અને સ્વરાજ નિર્માણના રચનાકાર્યમાં નિજને પ્રોવું, સ્વરાજની બીજી લડતનો પડકાર ઝીલવો, સરવાળે સંઘર્ષ અને રચનાનું સાયુજ્ય.

ગાંધીથી શરૂ કરી વાયા વિનોબા, જયપ્રકાશ સુધી પહોંચવું એ સાધારણ યાત્રા અલબત્ત નથી. જો કે, નારાયણભાઈ કે એમના જેવા બીજા મિત્રો તો સરળતાથી કહેવાના કે આમાં અમારી કોઈ સિદ્ધિ નથી. સત્સંગતિથી જે થાય તે થયું. મને યાદ છે, જયપ્રકાશજીએ ભરબિહાર આંદોલને જે ચાર સાથીઓને પટણા નોંતર્યા ને જોતર્યા એમાંના એક ના.દે. પણ હતા. અમે જયપ્રકાશજીની રજાથી એમને ગુજરાત નોંતર્યા, બિહાર આંદોલનનું પ્રત્યક્ષ ને પ્રમાણભૂત ચિત્ર આપવા, ત્યારે અમે બધા સહજ જ તાનમાં આવી ગયા હતા અને ચંપારણના દિવસોમાં જેમ ગાંધી ને મહાદેવ સાથે હતા તેમ આજે જયપ્રકાશ ને નારાયણ સાથે છે એવો પેરેલલ પણ લગીર રોમેન્ટિક રુશનાઈથી પેશ કર્યો હતો. એ વખતે, ના.દે. જેનું નામ, એમણે અકબર ઈલાહાબાદીનું ઓઠું લઈને પોતાની પ્રશંસા વિશે અમને ઠમઠોર્યા ને ટપાર્યા હતા : ભાઈ, આ તો બુદ્ધુમિયાં જેવું છે, હૈ તો વો રાસ્તે કી ધૂલ લેકિન આંધી કે સાથ હૈ. પછી કહ્યું, આમાં આંધીને બદલે ગાંધી કરી નાખો એટલે હિસાબ બરોબર થઈ જશે!

પાછો છેલ્લા દાયકા પર આવું. વિદ્યાપીઠના કુલપતિ તરીકે સરકારથી સ્વતંત્ર ભૂમિકા લેવી – આજના કથિત ‘ગવર્નર રાજ’થી વિપરીત – એ એમની વિશેષતા રહી તેમ યુ.જી.સી.નાં ધોરણો ને આગ્રહો વચ્ચે ગાંધી પરંપરાના વિકસન સાથે બરકરાર રહેવું એ એમની કોશિશ રહી, જેનું સાતત્ય તમને ઈલાબહેન ભટ્ટના કાર્યકાળમાં પણ જોવા મળશે.

પણ છેલ્લે, જો કે અંગ્રેજીમાં કહે છે તેમ લાસ્ટ બટ નોટ લીસ્ટ, એમનું જે સ્વરૂપ નિખરી આવ્યું એ તો એક લોકાયની તરીકેનું. કથા સ્વરૂપે લોક સમક્ષ જવું ને જીવન દેવતા ગાંધીની કથા માંડવી અલબત્ત સાંપ્રત અનુબંધ સાથે, એમાં એમણે પોતાનો ધર્મ જોયો. વોટ્સએપ યુનિવર્સિટીમાં ત્યારે ઊઠવા લાગેલા ને અત્યારે ત્રણે પાળીમાં અંધાધૂંધ ફેંકાતા રહેલા ગચિયા સામે આ આર્ત ને આર્ષ એટલો જ અધ્યયનપુત અવાજ આપણી મોંઘેરી મિરાત છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 જાન્યુઆરી 2024

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૪) : મમ્મટ 

સુમન શાહ|Opinion - Opinion|10 January 2024

સુમન શાહ

આજે, મમ્મટ વિશે —

એમનો સમય છે, અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ. એમનો ગ્રન્થ છે, “કાવ્યપ્રકાશ”. 

કાવ્યાચાર્ય મમ્મટ કાવ્યશાસ્ત્રના એક મુદ્દા માટે પ્રસિદ્ધ છે, અને એ મુદ્દો છે, કાવ્યપ્રયોજનનો. 

તેઓ જણાવે છે : 

કાવ્યમ્ યશસેડઅર્થકૃતે વ્યવહારવિદે શિવેતરક્ષતયે / 

સદ્ય:પરનિર્વૃતયે કાન્તાસમ્મિતતયોપદેશયુજે.

એટલે કે યશપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, વ્યવહારજ્ઞાન, શિવથી ઇતર એવા રોગ વગેરે અનિષ્ટોનું નિવારણ, સદ્ય આનન્દાનુભવ, અને કાન્તાસમ્મિત ઉપદેશ. એમ એમણે ૬ કાવ્યપ્રયોજનો ગણાવ્યાં છે. તેઓ કહે છે કે આ પ્રયોજનો માટે કાવ્ય-ગ્રન્થ ઉપાદેય છે, પ્રયોજનીય છે. 

એમણે દૃષ્ટાન્તો આપ્યાં છે : કાલિદાસાદિ કવિઓને યશ, શ્રીહર્ષાદિ કવિઓને ધન, રાજાદિ સાથેના વ્યવહારનું જ્ઞાન, મયૂરાદિ કવિઓના રોગાદિ અનિષ્ટોનું નિવારણ (કવિ મયૂરે ‘સૂર્યશતક’ લખેલું, એથી એનો કોઢ મટી ગયેલો), સદ્ય: પરનિર્વૃતિ એટલે કે રસાસ્વાદથી થતો આનન્દનો અનુભવ. કાન્તાસમ્મિત ઉપદેશ પ્રયોજનનો સંકેતાર્થ એ કે કાવ્યથી મળતો ઉપદેશ કાન્તા કહેતાં, પ્રિયાની જેમ કાવ્યમાં અનુરાગ ઉત્પન્ન કરીને લોકોને પોતાના પ્રતિ આકર્ષે છે, અને સૂચવે છે કે રામચન્દ્રાદિ જેવો વ્યવહાર કરજે, રાવણાદિ જેવો નહીં. 

આ ૬ પ્રયોજનોમાં ‘સદ્ય: પરનિર્વૃતિ’-ને એમણે સૌથી શ્રેષ્ઠ ગણ્યું છે – ‘સકલ પ્રયોજનોમાં મૌલિભૂતમ્. કેમ કે રસાસ્વાદથી મળતા આનન્દાનુભવ દરમ્યાન સર્વ જ્ઞેય વસ્તુઓનું જ્ઞાન વિગલિત થઈ જતું હોય છે. પ્રભુ કહેતાં, અધિકારી જને કહેલા શબ્દપ્રધાન વેદો વગેરે શાસ્ત્રોથી એ વિલક્ષણ હોય છે. મિત્રએ કહેલા અર્થપ્રધાન કે તાત્પર્યપરક ઇતિહાસ-પુરાણથી પણ ભિન્ન હોય છે. એ કાવ્ય-જ્ઞાન હોય છે અને તેની પ્રાપ્તિ માટે સૌએ યત્નશીલ રહેવું ઘટે.

આમાં શબ્દ જોડાયો છે, ‘પરનિર્વૃતિ’, નહીં કે ‘પરનિવૃત્તિ’. આ ફર્કને અનેક અધ્યાપકો અને સમીક્ષકો પણ ગળી જતા હોય છે. શૈવ દર્શનમાં ‘પરનિર્વૃતિ’-નો અર્થ છે, મુક્તિ. શાક્ત દર્શનમાં અર્થ છે, માયાથી મુક્તિ. એ દર્શનોના માર્ગે એ મુક્તિ મળે, પણ આ તો સાહિત્યકલા વડે મળે, અને તુર્ત જ મળે, સદ્ય, એવી મુક્તિ છે. સાહિત્યકલામાં ‘મુક્તિ’-નો સંકેત બદલાઈ જાય છે, જેને કાવ્યાચાર્યો ઉચિત રીતે જ ‘ચેતોવિસ્તાર’ અને ‘અ-લૌકિક આનન્દ’ જેવા આગવા સંકેતોથી ઓળખાવે છે. 

++

કાવ્યપ્રયોજન વિશે ચાર નવતર મુદ્દા રજૂ કરું. એથી ચર્ચાલાભ થાય અને સંભવ છે કે સાહિત્ય તેમ જ અન્ય કલાઓનાં પરમ સત્યને પામી શકાય.

૧ :

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર હું ભણતો હતો ત્યારે અને તે પછી ભણાવતો હતો ત્યારે પણ, મને આ પ્રયોજનોના સંકેતાર્થોને વિસ્તારવાની જરૂરત લાગેલી :  

જેમ કે, યશ અને ધન તો સ્થૂળ છે, પણ વ્યવહારજ્ઞાન પ્રયોજનને રાજાદિ સાથેના વ્યવહાર સાથે ન જોડી રાખવું જોઇએ. સાહિત્યકલા તો જીવન દરમ્યાન અન્ય મનુષ્યો જોડે તેમ જ અન્ય સજીવો જોડે પણ કેવોક વ્યવહાર કરવો તે સૂચવે છે. સાહિત્યસર્જન દ્વારા મયૂરાદિ કવિઓનાં અનિષ્ટોનું જ નિવારણ નથી થતું પણ સંસારનાં અનેક અનિષ્ટોનું નિવારણ થાય છે. જાણીતું છે કે વૉલ્ટેર અને રૂસોની કે ગાંધીજીની સમર્થ વાણીથી જે તે દેશકાળે અસરકારક પરિવર્તનો પ્રગટેલાં. છેલ્લા બે દાયકા દરમ્યાન, આનન્દના પ્રયોજનને હું જુદી દૃષ્ટિએ જોતો થયો છું, એ કે સાહિત્ય જો આપણને સદ્ય આનન્દ જ આપ્યા કરે અને પરસ્પરને પ્રેમ કરતાં ન શીખવે તો શા કામનું? આપણે સૌને પ્રેમ કરીએ એ જ છે કાન્તાસમ્મિત ઉપદેશનો સર્વસાર.   

૨ :

ત્યારે મને એક પ્રશ્ન એ થયેલો કે કાવ્યનાં આ પ્રયોજનો છે કે પરિણામો -? :

કાલિદાસાદિએ પોતાની સૃષ્ટિ માત્ર યશપ્રયોજનથી થોડી સરજેલી? યશ તો જે સરજ્યું અને ઝીલાયું તેને પરિણામે મળતો હોય છે. પ્રારમ્ભે તો બધા સામાન્ય કવિ હોય છે, પણ પછી નિત્યવર્ધમાન એવા સદ્ યશના પરિણામે કરીને મહાકવિ કહેવાતા હોય છે. ધનપ્રયોજનથી લખનારા લેખકો ભારતમાં ધનવાન ન થઈ શકે. તળાવગાહી દૃષ્ટિએ વિચારીએ તો સમજાશે કે વ્યવહારજ્ઞાન, આનન્દ કે ઉપદેશ પણ પરિણામો હોય છે.  

૩ :

સૂચવાય છે એમ કે પ્રયોજનબુદ્ધિથી થતાં સાહિત્ય કે કલાનાં સર્જનો પ્રયોજનસિદ્ધિ બાબતે જ નિષ્ફળ નીવડે છે :

જેમ કે, કાવ્યનું પ્રયોજન નક્કી કરીને લખવા જઈએ તો પ્રયોજન બીબું બની જાય. સરકારી કવિઓ – ‘ગરીબી હઠાવો’, ‘અમે બે, અમારાં બે’ જેવા સરકારી સંદેશા માટે નાટકો કે કાવ્યનામી જોડકણાં રચી કાઢે એટલે એ પ્રયોજન તો સિદ્ધ થાય, પણ દેખીતું છે કે એને કોઈ સાહિત્યકલા નહીં ગણે. સ્ટાલિનના સમયનું સરકારી સાહિત્ય એવું જ હતું. ત્યારે સાચા લેખકોએ પોતાનાં લેખન ડ્રૉઅર્સમાં સંતાડી રાખેલાં. પાછળના સમયમાં તેઓ ‘ડ્રૉઅર રાઇટર્સ’ રૂપે પ્રગટ થયા. એ સાહિત્યમાં અસલી રશિયા ધબકતું’તું અને કલાનો સાચો પરચો અનુભવાતો હતો. પ્રયોજન સ્વીકારવાથી પ્રયોજનને વળગી રહેવું અનિવાર્ય બની જાય છે અને તેથી કૃતક કલાઓ જનમે છે. 

એટલું જ નહીં, કૃતક કલાઓ દુષ્પ્રયોજનોને કારણે સદ્ કલાઓને હડસેલી મૂકે છે. વર્તમાનમાં એ જ થઈ રહ્યું છે. લોકલાગણીને પંપાળનારાં અને એ માટે ઉપજાવી કાઢેલાં જૂઠાણાં આજે સત્ય ઠરે છે – પોસ્ટ ટ્રુથ. સત્તાના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હકીકત રૂપ સત્યોને સ્વાર્થે મચડી નાખે છે. ઇતિહાસમાં નજર કરીએ તો પોસ્ટ ટ્રુથ ઊભાં કરીને નર્મદનાં સત્યોને હણી નંખાયેલાં, આજે સુરેશ જોષીનાં સત્યોને પોસ્ટ ટ્રુથના હથિયારથી હણવાના પ્રયાસ ચાલુ છે. ફ્રાન્સમાં એક જમાનામાં વાઇનને લોહી જેવા લાલ રંગનો કહીને એને અપવિત્ર અને ત્યાજ્ય ગણવાનું વલણ વિકસેલું. વાઇન-કમ્પનીઓએ જાહેરાતો કરવા માંડેલી કે ના, વાઇન તો સ્વાસ્થ્યવર્ધક છે. રોલાં બાર્થે એવી જાહેરાતોને નવા જમાનાની મિથ ગણી છે. 

પ્રયોજન પાર પડે અને વસ્તુ ઉપયોગી નીવડે એવી કારીગરી એક જમાનામાં કલાઓ ગણાતી હતી : જેમ કે, નદીમાં ઝાડનું થડિયું તરતું જોઈને માણસને હોડીનો વિચાર આવ્યો. પણ શિલ્પીએ આરસની હોડી બનાવી. એ હોડીનો ઉપયોગ નથી, નદીમાં મૂકીએ તો ડૂબી જાય. આગળના સમયમાં વાંસની ચીપોની સાદડીઓ હતી, એવા પંખા પણ હતા. અસમના અવનિયતિ સત્રમાં આયોજકોએ મને હાથીદાંતની ચીપોની સાદડી બતાવેલી. એ પર બેસાય થોડું? કાન્ટે કલાઓના ઉપયોગી અને બિનઉપયોગી એવા ભેદ દર્શાવ્યા છે.

૪:

ઉપયોગ કે પ્રયોજન કાઢી નાખો એટલે કલાના પ્રાગટ્યની ભૂમિકા રચાય. એટલું જ નહીં, પ્રયોજનવાદીઓ ઉપયોગપરક સુષ્ઠુ સુષ્ઠુ પ્રયોજનોથી જ પ્રવૃત્ત થવાના :

એટલે એમની સર્જકતાને મનુષ્યજીવનની નકારાત્મક બાજુઓ દેખાવાની જ નહીં. એ અર્થમાં કલા પોલી, પક્ષીલ અને એકાંગી રહી જવાની. બાકી, નક્કી પ્રયોજનને નહીં વરેલી કલાઓ આઘાત આપીને આપણને ટેવોથી નહીં પણ જગતને જુદી જ રીતે જોવાની તાજપભરી રસીલી દૃષ્ટિ આપે છે.

ફ્રૅન્ચ ફિલસૂફ સાર્ત્રે એક ચર્ચામાં (૧૯૦૫-૧૯૮૦) – ‘બટર હૉ’ર્સ-ની વાત કરેલી. બટરનો ઘોડો. એમાં, બટર હતું પણ ખાવા માટે ન્હૉતું. કોઈ જડભરત એને તવા પર મૂકે તો નરી સર્જકતાથી બનાવેલો એ ઘોડો મરી જાય. વળી, એ ઘોડા પર સવારી ન થઈ શકે, ગાડીએ જોડીને ઘોડાગાડી ન બનાવાય. એમાં, એવા સંસારી ઉપયોગનું પ્રયોજન છે જ નહીં.

ફ્રૅન્ચ ચિત્રકાર અને શિલ્પી માર્સલ દુશામ્પે (૧૮૮૭-૧૯૬૮) ૧૯૨૧માં બનાવેલું એક શિલ્પ છે, જેમાં બર્ડકેજ છે, પંખીનું પાંજરું. એમાં, ૧૫૨ સાકરના જેવા સફેદ દાણા છે, પણ આરસના બનાવેલા છે. એમાં એક મૅડિકલ થર્મોમીટર પણ છે, એક કટલબોનફિશ પણ છે, અને પોર્સેલિનની એક નાની ડિશ પણ છે. ઉપયોગી વસ્તુઓના બનેલા એ શિલ્પનો કશો જ ઉપયોગ નથી.

ઇટાલિયન પેઇન્ટર જિઓર્જિઓ મોરાંદીએ (૧૮૯૦-૧૯૬૪) દોરેલાં શીશીઓનાં ચિત્રનું દૃષ્ટાન્ત પણ સમજવા જેવું છે. સ્ટીલ લાઇફ છે. જીવનભર એણે એનાં જ સર્જન કર્યાં. નાનીમોટી, જાતભાતની રંગબેરંગી શીશીઓનાં ચિત્ર. એણે પોતાના સ્ટુડિયોમાં ફ્લાવરવાઝ, ઘડા, ફળફળાદિ માટેની ડિશો, વગેરે રોજિંદા વપરાશની વસ્તુઓ એકઠી મૂકેલી. વસ્તુઓનાં કાયમી સ્થાનો કે તેમનાં ઉપયોગો યાદ જ ન આવે. શો હેતુ? કયું પ્રયોજન?

એ દુશામ્પે લિયોનાર્ડો દ વિન્સીના જગવિખ્યાત ચિત્ર મોના લિસાનું ઠઠ્ઠાચિત્ર બનાવ્યું છે. મોનાને એણે મૂછો સાથે ચીતરી. આછી દાઢીની ચોટલી પણ ઉમેરી. નામ આપ્યું – L.H.O.O.Q. જેનો ફ્રૅન્ચમાં વિસ્તૃત અર્થ છે, ‘શી હૅઝ હૉટ ઍસ’. મતલબ, જાતીયતાથી ઉશ્કેરાયેલી અને તેથી ઉપલબ્ધ વ્યક્તિની મનોવસ્થા. 

Marcel Duchamp’s L.H.O.O.Q  (1919)

આવી નિષ્પ્રયોજન કલાઓથી પરિચિતથી અપરિચિતની દિશા ખૂલે છે. એક હોય છે, વસ્તુઓનું ચવાઈ ચૂકેલું રૂપ અને બીજું હોય છે, કલાકાર વ્યક્તિએ સરજેલું નવ્ય રૂપ. સામાન્યપણે લોકોને જીવનભર ખબર જ નથી પડતી કે એમની આસપાસની બધી જ ચીજો નિષ્પ્રાણ હતી, કેટલીક વ્યક્તિઓ પણ …

સ્પૅનિશ ચિત્રકાર સાલ્વાડોર ડાલિના (૧૯૦૪-૧૯૮૯) જગવિખ્યાત પેઇન્ટિન્ગનું શીર્ષક છે, ‘ધ પર્સિસ્ટન્સ ઑફ મૅમરિ’ – ‘સ્મૃતિનું દૃઢ સાતત્ય’. 

એ ચિત્ર સર્રીયલ આર્ટનો ઉત્તમ નમૂનો મનાય છે. ડાલિ પણ સર્રીયાલિઝમના મહાન ઉદ્ગાતા કહેવાયા છે. જાતીય વાસના અને અસમ્પ્રજ્ઞાત મનના, અન્કૉન્સિયસના, આવિષ્કારો એમની સૃષ્ટિમાં કલારૂપે પ્રગટ્યા છે. ડાલિ કહેતા કે હું મદીરા-પાન નથી કરતો, પણ હું પોતે જ મદીરા છું, મારી કલાકૃતિઓ જોઈને લોકોનાં દિમાગ ખૂલી જાય છે, કેમ કે એમાં અસમ્પ્રજ્ઞાતને જાગ્રત કરવાની તાકાત છે. 

એ ચિત્રમાં કેટલાંક પૉકેટ વૉચીસ છે – ખિસ્સામાં રાખવાનાં ઘડિયાળ. પણ એ પોચાં છે, પલળેલાં છે, ભીનાં છે, અને કલાકાર ડાલિએ એને ઝાડની ડાળ પર સૂક્વ્યાં છે. એ સંયોજન વિલક્ષણ તો છે જ પણ અ-પૂર્વ છે. સમય અને સ્થળને અમુક જ રીતે જોવા ટેવાયેલી આપણી આંખોને એથી એક નવ્ય અપરિચિત દૃશ્ય નિહાળવા મળે છે. 

કલા પરિચિતથી અ-પરિચિત સૃષ્ટિમાં લઈ જાય છે એ વાતનું આ ચિત્ર ચોખ્ખું નિદર્શન છે. કેમ કે, ઝાડ પર કપડાં સૂકવાય, ઘડિયાળ નહીં. ઘડિયાળ અને ઝાડ પરિચિત પદાર્થો છે. પણ ડાલિનાં એ ઘડિયાળ અને તેનું એ ઝાડ અને તે પરનું એ સૂકવણું અ-ભૂતપૂર્વ છે.

‘ભીનો’ સમય, સમય ‘વહી’ ગયો, પ્રયોગોમાં સમયનું પ્રવાહી રૂપ છે પણ રોજિન્દી ઘટમાળમાં આપણે એને વીસરી ગયા છીએ. ‘ટાઇમ ઇઝ મનિ’ જપ્યા કરીએ છીએ. ચિત્ર આપણી એ જડતા સામે પણ ઇશારો કરે છે.

વિદ્વાનોએ એ ચિત્રમાં સ્થળ-કાળની સાપેક્ષતા જોઈ, તો ડાલિએ કહેલું, ના ના, આ તો, કૅમેમબર્ટ – ગાયના દૂધમાંથી બનાવાયેલી ચીઝની સપાટી – તડકામાં ઑગળી જાય છે એ જાણીતી હકીકતનું મારું સર્રીયાલિસ્ટ દર્શન છે.

મારા મતે, ખરેખર તો ડાલિએ આપણી સ્મૃતિના હઠીલા સાતત્યને, દૃઢ સાતત્યને, પર્સિસ્ટન્સને, સમયના એવા જ સાતત્ય સાથે સરખાવ્યું છે. કોઈની ય તમા રાખ્યા વિના સ્મૃતિ અને સમય વહ્યા જ કરે છે. સ્મૃતિમાં સમય વહે છે કે સમયમાં સ્મૃતિ વહે છે, કહી શકાતું નથી. અને, સ્મૃતિ હમેશાં ભીની હોય છે, મોટે ભાગે આંસુભીની, અને, કદી સૂકાતી નથી, અને, એનાં કશાં ચૉક્કસ ઠેકાણાં પણ હોતાં નથી. એને આપણે ડાલિની જેમ ઝાડ પર કે ઠીક લાગે એ પર સૂકવવા મૂકીએ તો પણ એ કદી ન સૂકાય એવી હઠીલી વસ્તુ છે.

કલાકૃતિ તો એમ પણ પૂછી શકે – તમારી પાસે આવી હઠીલી સ્મૃ્તિ છે ખરી? કે કોરામોરા જ છો?

સાહિત્યસર્જકોએ અને સમીક્ષકોએ આટલા ફર્ક સમજવા જરૂરી છે : ૧ : ઉપયોગી અને બિન-ઉપયોગી કલાઓ : ૨ :  પરિચિતથી અપરિચિત : ૩ : કારીગરી અને કલા : ૪ : સર્જકતા અને જુક્તિઓ : ૫ : જાગ્રત, અર્ધજાગ્રત, અજાગ્રત ચિત્ત. એમાં, કલાનો અજાગ્રત ચિત્ત સાથેનો સમ્બન્ધ. 

++

લેખનો સાર એ છે કે પ્રયોજન નહીં એ જ પ્રયોજન. કલા સરજવી છે એ જ પ્રયોજન. પણ સવાલ એ છે કે શું સાહિત્યમાં આ હદની નિષ્પ્રયોજનતા શક્ય છે -? અથવા કશા જ પ્રયોજન વિના કલા સરજી શકાય? હું કહીશ કે કાવ્ય કરવું એ જ પ્રયોજન. કેમ કે કલાનું પ્રયોજન, કલાનો હેતુ, સમજવાની જરૂર છે. એમાં, હેતુ નથી પણ હેતુ-તા છે. જર્મન ચિન્તક કાન્ટે (૧૭૨૪-૧૮૦૪) કહેલું, આ તો હેતુ વગરની હેતુ-તા છે – પર્પઝલેસ પર્પઝિવનેસ. 

પરન્તુ આ બધી લલિતકલાઓમાં જોવા મળે છે એ હદની નિષ્પ્રયોજનતા સાહિત્યકલામાં શક્ય નહીં બને, કેમ કે ભાષા માત્રનો કે ગુજરાતી ભાષાનો દરેક શબ્દ પોતાનો અર્થ લઈને આવ્યો હોય છે, એટલું જ નહીં, એ અર્થ સહિયારો હોય છે, તે ભાષાના ભાષકોનો હોય છે, લોકો વડે પ્રયોજનો, ઉપયોગો, હેતુઓ વડે વપરાઇને વપરાઈને ઘસાઈ ગયો હોય છે. એ એવી સામાજિકતાથી ખરડાયેલો હોય છે. 

સાહિત્યકારે એને સ્વચ્છ કરવાનો હોય છે, તોડીફોડીને નવો કરવાનો હોય છે – જેથી સર્જનના પ્રયોજનને પાર પાડી શકાય.

= = =

(01/09/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શું ન્યાય, પીડિત કે ગુનેગારના ધર્મ / જાતિના આધારે લાગુ થાય તો તે બંધારણની હત્યા નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|9 January 2024

આજીવન કેદની સજા ગોધરા સબજેલમાં ભોગવતા 11 બળાત્કારીઓ / હત્યારાઓને ગુજરાત સરકારે ‘સજામાફીની નીતિ’ હેઠળ 15 ઓગસ્ટ 2023ના રોજ વહેલા મુક્ત કર્યા હતા, તે અંગે દેશભરમાં ઊહાપોહ થયો હતો ! સજામાફીની પેનલે એવો અભિપ્રાય આપેલ કે “ગુનેગારો ‘સંસ્કારી બ્રાહ્મણ’ છે અને તેમણે જેલમાં 14 વર્ષ જેટલો સમય વીતાવ્યો છે તથા તેમનું જેલમાં સારું વર્તન રહ્યું છે.” આ બાબતે સરકારની તીવ્ર આલોચના થઈ હતી ! દોષિતો જસવંતલાલ નાઈ / ગોવિંદ નાઈ / શૈલેશ ભટ્ટ / રાધેશ્યામ શાહ / બિપિનચંદ્ર જોશી / કેસરભાઈ વોહાણિયા / પ્રદીપ મોરઢિયા / બકાભાઈ વોહાણિયા / રાજુભાઈ સોની / મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાનાને છોડી મૂકાયા હતા. દોષિતો જેલમાંથી બહાર આવતાં જ તેમનું હારતોરાથી સ્વાગત થયું હતું, તિલક કરવામાં આવ્યા હતાં અને મીઠાઈ વહેંચવામાં આવી હતી ! જેથી ભારે વિરોધ થયો હતો ! તેમાંથી ઘણા દોષિતો સત્તાપક્ષના સાંસદો અને ધારાસભ્યો સાથે અનેક કાર્યક્રમોમાં સ્ટેજ પર શોભામાં અભિવૃદ્ધિ કરી હતી !

8 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રિમકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે ઠરાવેલ છે કે ‘કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો હતો તેથી ગુજરાત સરકાર વહેલી સજામુક્તિ આપી શકે નહીં, માત્ર મહારાષ્ટ્ર સરકાર જ આપી શકે !’ સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ્દ કર્યો છે અને બે અઠવાડિયાની અંદર 11 દોષિતોને જેલ ઓથોરિટી સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો છે.

વર્ષ 2002માં ગુજરાતના રમખાણો દરમિયાન દોષિતોએ બિલકીસ બાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. તે વેળાએ બિલકીસની ઉંમર 20 વરસની હતી.

બળાત્કારીઓ / હત્યારાઓની સજામાફી સામે ભોગ બનનાર બિલકીસ બાનો, ઉપરાંત સી.પી.આઈ.(એમ)નાં નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લૌલ, લખનૌ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપ રેખા વર્મા અને તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારના નિર્ણયને પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ મામલો CBI ને સોંપ્યા બાદ 2004માં કેસમાં પ્રથમ ધરપકડ કરાઈ હતી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને 21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની CBI અદાલતે આરોપીઓને આજીવન કેદની સજા થઈ હતી. બોમ્બે હાઈકોર્ટે સજા યથાવત રાખી હતી. એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસ બાનોને વળતર પેટે રુપિયા 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો અને બિલકીસ બાનોને સરકારી નોકરી તથા તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. બિલકીસ પર સામૂહિક બળાત્કારની ઘટનામાં પુરાવા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરનાર પોલીસ અધિકારીઓને સજા થતાં તેમના પેન્શન વગેરે લાભો સરકારે પરત લઈ લીધાં હતા.

બિલકીસની વેદના છે કે “પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે !”

થોડાં પ્રશ્નો : 

[1] બળાત્કારીઓ / હત્યારાઓને ફરી જેલમાં જવું પડે, તે ગુજરાત સરકાર માટે શરમજનક ઘટના કહેવાય ! સુપ્રિમ કોર્ટનો આ ચૂકાદો સત્તાપક્ષની મહિલાઓ પ્રત્યે ઘોર અવગણના છતી નથી કરતો? હાલ મહારાષ્ટ્રમાં સત્તા પક્ષની સરકાર છે એટલે બે અઠવાડિયામાં આ 11 ‘સંસ્કારી’ ગુનેગારોની જેલમુક્તિને બહાલ કરી પણ આપે ! આ તો મામા નહીં પીરસે, માસી પીરસશે, એવો ખેલ નહીં થાય? શું સુપ્રિમ કોર્ટને આવો અંદાજ નહીં હોય? 

[2] સુપ્રિમકોર્ટનો આ ચૂકાદો, હત્યારાઓ / બળાત્કારીઓને જેમણે હારતોરા પહેરાવ્યાં / તિલક કરી, મીઠાઈ વહેંચી સન્માન કર્યું; તેમના ગાલ પર તમાચો નથી? 

[3] શું ગુનેગારો ‘સંસ્કારી બ્રાહ્મણ’ હોય એટલે માફ કરવાના? દોષિત ગુનેગારોને ‘સંસ્કારી’નું સર્ટિફિકેટ આપવું તે સજા કરનાર કોર્ટનું અપમાન નથી? 

[4] સત્તાપક્ષ બળાત્કારીઓને / હત્યારાઓને શા માટે પોતાના કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડતા હશે? શું બહુમતી હિન્દુઓને ખુશ કરી તેમના વોટ મેળવવા? 15 ઓગસ્ટ 2022ના રોજ સજામાફી કરી અને ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષે 182માંથી 156 બેઠકો મેળવી લીધી ! 

[5] સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે “CrPC કલમ-432 મુજબ જ્યાં ગુનો બન્યો, જ્યાં ગુનેગારો જેલમાં છે, તે irrelevant છે; પરંતુ જ્યાં ટ્રાયલ થઈ, જ્યાં સજા થઈ, ત્યાંની સરકાર જ appropriate government છે. સજા મુંબઈની અદાલતે કરી છે તેથી ગુજરાત સરકાર સજામાફીનો નિર્ણય ન કરી શકે. કલમ-432 / 433 મુજબ સજા કરનાર કોર્ટનો અભિપ્રાય લેવો જોઈએ તે પણ ગુજરાત સરકારે લીધેલ નથી. ગુજરાત સરકાર ગુનેગારો સાથે મળી ગઈ હતી. દોષિત રાધેશ્યામ શાહે સુપ્રિમ કોર્ટ સાથે છેતરપિંડી કરી છે, તેણે મહત્ત્વના તથ્યો છૂપાવ્યા હતા. દોષિતો 14 વરસ જેલમાં રહ્યા પરંતુ તેમને બહુ ઉદારતાથી ફર્લો / પેરોલ પર છોડવામાં આવ્યા હતા, તે બાબત ધ્યાને લેવી જોઈએ. ગુજરાત સરકારે પોતાના અધિકારની બહાર કામ કર્યું. સત્તાનો ખોટો ઉપયોગ કર્યો.” શું ગુજરાત સરકાર શરમ અનુભવશે? આજીવન સજાના કેદીઓને કઈ જેલમાં રાખવા તે પણ જેલ મેન્યુઅલમાં છે. સેન્ટ્રલ જેલ સિવાય તેમને રાખી શકાય નહીં. છતાં તેમને ગોધરાની સબ-જેલમાં રાખેલ હતા ! ગુજરાત સરકારની કૃપા જ કહી શકાય ને? 

[6] ઘટના બની 3 માર્ચ 2002ના રોજ અને આરોપીઓની ધરપકડ CBI ને કેસ સોંપ્યા બાદ 2004માં થઈ ! 2002થી 2004 સુધી ગુજરાત પોલીસે આરોપીઓને છાવર્યા, શું ગુજરાત પોલીસ માટે આ શરમજનક નથી? ગુજરાતની કોર્ટ બિલકીસને ન્યાય આપી શકે તેમ નહતી તેથી જ સુપ્રિમકોર્ટે આ કેસ મહારાષ્ટ્રની કોર્ટને સોંપ્યો હતો, શું આ બાબત ગુજરાતના ન્યાયતંત્ર માટે શરમજન ન કહેવાય? ગુજરાત સરકારે 50 લાખનું વળતર એટલે ચૂકવવું પડ્યું કે સરકારે / તંત્રએ બિલકીસને હેરાન-પરેશાન કરી મૂકી હતી; શું સરકાર માટે આ શરમજનક નથી? કોઈ પણ સરકાર આટલી સંવેદનહીન હોઈ શકે? ‘પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે !’ બિલકીસની આ વેદનામાં ભારોભાર સત્ય નથી? યાદ રહે, આ બધી ઘટનાઓ બની ત્યારે હાલના વડા પ્રધાન, એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ! 

[7] શું ન્યાય, પીડિત કે ગુનેગારના ધર્મ / જાતિના આધારે લાગુ થાય તો તે બંધારણની હત્યા નથી?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...912913914915...920930940...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved