Opinion Magazine
Number of visits: 9457949
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભેદ ખોલી દે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|4 August 2023

રહસ્ય ક્યારેક ભેદ ખોલી દે,

ધર્મના ચાર વેદ બોલી દે.

જિંદગી કંટકો ભરી વિતી,

ઈશ દરદને સખેદ તોલી દે.

માન-સન્માન રાખજે ઈશ્વર,

આત્મ ગુમાન, મેદ છોલી દે.

હું કદી કોઈને નહીં બોલું,

જીભ મૂંગી અછેદ પો’લી દે.

જીવડો રોજ જીવ બાળે છે,

જીવડાને પ્રસ્વેદ ઝોલી દે.

e.mail : addave68@gmail.com

Loading

નખશિખ માણસ 

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|4 August 2023

નાનામોટા હરેકને આદરપૂર્વક બોલાવતા ખાદીધારી ગુરુજીના પ્રવેશ સાથે અમારા માળાની બંધ ઓરડીનાં બારણાં ફટાફટ ખૂલી જતાં. ઘડી બે ઘડીમાં ગુરુજીના આગમનના સમાચાર વાયુવેગે ત્રણે માળામાં ફેલાઈ જતા. બાળકો હડી કાઢતાં આવી તેમની આસપાસમાં ઘેરાઈ જતાં. ગુરુજી ખભે ઝૂલતા બગલથેલામાંથી નાનીમોટી વસ્તુઓ કાઢી પ્રેમથી બાળકો વચ્ચે લહાણી કરે. પળવારમાં બાળકોના કિલકિલાટથી માળામાં ખુશીનો સાગર છલકાઈ જતો.

રસોડામાં રસોઈ કરતી મારી બા, પૂજાપાઠમાં ગૂંથાયેલ મારા બાપુજીને પૂછતી, “માળામાં આ શેનો શોરબકોર થઈ રહ્યો છે?” બાપુજી બાને કહેતા, “તું તારી રસોઈમાં ધ્યાન રાખ, માળામાં વીરજીભાઈનો ઓટીવાળ શાંતિ આવ્યો છે.” કયારેક બાપુજી ઘરે ન હોય અને ગુરુજી માળામાં આવી ચઢ્યા હોય તો હું મારી બાને પૂછતો, “બા, આ ગુરુજી કેટલા માયાળુ અને પ્રેમાળ સ્વભાવના વ્યકિત છે? આખું સંઘાણી ગામ તેમને બેહદ ચાહે છે! પણ મને એક બાબતની હજી સુઘી ખબર પડતી નથી કે આ ભલા માણસને બાપુજી કેમ વાતવાતમાં ઓટીવાળ કહીને સંબોધે છે?”

મારો આવો અટપટો સવાલ સાંભળી મારી બા તેમ જ મારી મોટી બહેનો ખડખડાટ હસતી. તેઓ મને તેમની રીતે સમજાવવાની કોશિશ કરતાં કહેતાં કે ગુરુજીએ આખી જિંદગીમાં કોઈ દિવસ બે પૈસા ભેગા કરીને પોતાનું ઘર ન વસાવ્યું. તેઓ જે કંઈ કમાતા તેમાંથી ગામનાં છોકરાંઓને ખવડાવે રાખ્યુંઃ જાણે પોતે નરસિંહ મહેતાનો અવતાર! ગુરુજીના આવા વર્તનથી ત્રાસી ગયેલ પત્નીએ આવા અલગારી પતિથી છેડો ફાડી નાખ્યો. તારા બાપુજી લોહીને નાતે ગુરુજીના કાકા થાય કે એમ.એ. સુધી ભણેલગણેલ આ માણસે ગામને માટે ઘર બાળીને તીરથ કર્યુ.

ગુરુજીનું વ્યકિતત્વ બહુ જ પ્રભાવશાળી હતું. ગોળમટોળ રુપાળો ચહેરો, આંખમાં બારે માસ છલકાતો સ્નેહનો દરિયો, સંપૂર્ણ ખાદીનો સ્વચ્છ સફેદ બગલા જેવો ઝભ્ભો, સુરવાલ, માથે શોભતી ગાંઘી ટોપી અને જાકીટમાં હસતું ગુલાબ.

લગભગ આજથી સીત્તેર વર્ષ પહેલાં ઘાટકોપરમાં જ્યાં આગળ આજે સંઘાણી એસ્ટેટ વસેલું છે ત્યાં એક કાળે ઘોર જંગલ હતું. ચારેબાજુ ઘટાદાર વૃક્ષોની ઝાડીઓ. કડ સમાય એટલાં લીલાંસૂકાં ઘાસનાં છૂટાંછવાયાં મેદાનો. આજુબાજુમાં જ્યાં નજર કરો ત્યાં કાળી મોટી શિલાઓના ઢગ. પાણીથી ફાટફાટ છલકાતાં નાનાંમોટાં ખાબોચિયાંની ગોદમાં લહેરાતાં ખેતરો. જાણે પશ્ચિમ ઘાટની નાનીમોટી ટેકરીઓ વચ્ચે પ્રકૃતિના ખોળે રમતું એક નાનકડું ગામ. આજુબાજુ બેપાંચ મકાનોને લીધે આપણને લાગે કે આસપાસમાં ક્યાંક શહેરનું પરગણું હશે. મુંબઈ શહેરમાં આવેલ આ ગ્રામપ્રદેશમાં ગામડાની જેમ કોઈ શાળા નહીં. જે બે ચાર શાળાઓ હતી તે પણ ગામથી ઘણી દૂર. માબાપને એક વિકટ પ્રશ્ન હતો કે નાનાં ભૂલકાંઓને ભણવા કયાં મોકલવાં.

લોકોની મુશ્કેલીને પોતાની મુશ્કેલી સમજીને ગુરુજીએ ગામમાં વનશાળા શરૂ કરી. સવારે આઠનવ વાગ્યે ગુરુજી આસપાસની શેરીનાં બાળકોને પોતાના ફળિયામાં ભેગાં કરી બબ્બેની જોડીમાં લગભગ સિત્તેરથી એંસી બાળકોને વનવગડે લીલાં વૃક્ષોની છાયામાં ભણાવવા લઈ જાય. બાળકો કુદરતના ખોળે રમતાંભમતાં આનંદના કિલકિલાટ સાથે હસતાંગાતાં ભણે. બપોરટાણે ગુરુજી બાળકોને એક મોટા વર્તુળમાં બેસાડી, ઘરેથી સાથે લાવેલ ટિનના મોટા ડબ્બામાંથી ચણા, મમરાનો નાસ્તો આપે. ટાઢા પહોરે બાળકોને રમત રમાડતાં ગીતો ગવડાવે. સાંજ પડતાં સામેની પશ્ચિમ ઘાટની ટેકરીઓ પછવાડે સૂરજ હળતો હોય ત્યારે રમતાંભમતાં બાળકોને પાછા સંઘાણી ગામ તરફ લઈ આવે. બાળકો જાણે મનગમતા પર્યટન પર જઈને પાછાં ફર્યા હોય, એટલા આનંદઉત્સાહ સાથે ગુરુજીના ફળિયામાંથી છૂટાં પડે. ગુરુજીનું જીવન રાષ્ટ્રીય રંગે રંગાયેલું હતું. પંદરમી ઑગસ્ટ, છવ્વીસમી જાન્યુઆરી અને ગાંધીજયંતી તેમને મન એક પર્વ સમાન હતી. આ પવિત્ર દિવસે તેઓ હોંશેહોંશે ઘાટકોપરની શેરીમાં પ્રભાતફેરીનું આયોજન કરતા.

નાનાંમોટા લગભગ બસોથી ત્રણસો બાળકો કોઈ નાતજાતના બંધન વિના ગુરુજીના નેજા તળે ભારતમાતાનાં ગુણગાન ગાતાં પ્રભાતફેરીમાં નીકળતાં. પ્રભાતફેરીમાં સર્વથી મોખરે અખિલ ભારતનાં તમામ રાજયોના લોકોના પહેરવેશમાં પરિધાન થયેલાં બાળકોના હાથમાં લહેરાતો રાષ્ટ્રીય ધ્વજ. તેમની પાછળ લેજીમ, ઢોલનગારાં વગાડતા શાળાના વિધાર્થીઓની કદમકૂચ. અને સર્વથી છેલ્લે બાળકોને માર્ગદર્શન આપતા રાષ્ટ્રીય ગીત ઉત્સાહભેર લલકારતા ગુરુજી ચાલતા હોય.

સવારે દસેક વાગ્યે આખી પ્રભાતફેરી ઘાટકોપરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ સંઘાણી એસ્ટેટના ચોકમાં પાછી ફરતી. સેવાદળના સ્વયંસેવકો, બાળકો અને સામાજિક કાર્યકરો સંગે ગુરુજી ધ્વજવંદન કરી બાળકોને હર્ષઆનંદ સાથે મીઠાઈ વહેંચતા.

બાળકોનો આનંદ તેમની જિંદગી હતી. બાળકો તેમની અમૂલ્ય મૂડી હતી. બાળકોનાં રમકડાં, કસરત તેમ જ વ્યાયામનાં સાધનો અને પુસ્તકોથી તેમનું નાનકડું ઘર છલકાતું. તેમના ઘરની દીવાલ મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની છબીઓથી શોભતું.

ગુરુજીનું જીવન બહુ જ સાદું અને પરોપકારી હતું. તેમના રોજિંદા ઉપયોગમાં ફકત બેચાર ખાદીનાં સ્વચ્છ કપડાંની જોડી. સૂવાબેસવા માટે એક ચટાઈ, બેચાર રજાઈ અને એકાદ બે તકિયાને જો આપણે તેમની જીવનજરૂરિયાત વસ્તુઓમાંથી બાદ કરી નાખીએ તો તેમનું સંપૂર્ણ જીવન એક ગાંધીવાદી સમાન હતું.

બાળકોના આ પ્રિય ગુરુજીના જીવનનો અંત બહુ જ કરુણ રીતે આવ્યો. ફકત છેતાલીસ વર્ષની નાની વયે ફકત એકાદબે દિવસની સામાન્ય તાવ જેવી બીમારીથી મુંબઈ સરકારી સાયન હૉસ્પિટલમાં એકાએક મૃત્યુને ભેટ્યા ત્યારે તેમની પથારીની આસપાસ કોઈ સગુંસંબધી કે કોઈ એકાદ મિત્ર પણ ન હતો.

ગુરુજી એક સારા કવિ, લેખક અને પ્રવીણ ચિત્રકાર હતા તેમના અક્ષરો સ્વામી આનંદ અને મહાદેવ દેસાઈ સમા સુંદર અને મરોડદાર હતા. જગતમાઁ જેમ બનતું આવ્યું છે તેમ તેમના મૃત્યુ બાદ બન્યું. તેમનાં ઘણાં હસ્તલિખિત પુસ્તકો, તેમની જીવન રોજનીશી, અને તેમનાં ચિત્રો કમનસીબે એવી ગેરલાયક વ્યકિતઓ પાસે ગયાં કે જેની કિંમત તેઓ કયારે ય ન સમજી શકી.

“વાંચવું, વિચારવું અને લખવું” આ ત્રને શબ્દોનું મહત્ત્વ ગુરુજીને મન જીવનમાં ખૂબ જ હતું. ઘણી વાર તેઓ અમને કહેતા કે આ ત્રણે શબ્દો મને ગોવર્ઘનરામ માધવરામ ત્રિપાઠીનો એક લેખ વાંચતા મળી ગયા. આ ત્રણ શબ્દો થકી ભલે હું ક્યારે ય ધનવાન ન થઈ શકયો પણ જીવનમાં અમીર તો થઈ શક્યો તે બદલ હું જન્મોજન્મ તેમનો ઋણી રહીશ.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

સ્ત્રી સશક્તિકરણ અને અશક્તિકરણ સાથે સાથે ચાલે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 August 2023

રવીન્દ્ર પારેખ

જ્યારે સ્ત્રીઓ સમૃદ્ધ થાય છે, ત્યારે વિશ્વ સમૃદ્ધ થાય છે – જેવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણ પર, G-20 મંત્રીસ્તરીય સંમેલનમાં વીડિયો સંબોધનમાં કહ્યું. વડા પ્રધાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંદર્ભે પણ યોગ્ય રીતે જ કહ્યું કે આદિવાસી પૃષ્ઠભૂ ધરાવતાં આ સન્નારી વિશ્વની સૌથી મોટી લોકશાહીનું નેતૃત્વ કરે છે. મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ G-20 એમ્પાવર સમિટમાં મહિલાઓની આગેવાનીમાં વિકાસનો અભિગમ પ્રશંસનીય ગણાવ્યો. એ સાચું કે સુનિતા વિલિયમ્સ જેવી સન્નારી અવકાશી સિદ્ધિનો વૈશ્વિક માનદંડ રોપે છે, તો દેશ-વિદેશમાં એવું કોઈ ક્ષેત્ર મહિલાઓએ સર કરવામાં બાકી નથી રાખ્યું એ પણ એટલું જ સાચું ને એની જેટલી નોંધ લેવાય એટલી ઓછી છે.

એ સાથે જ માનવીય અધોગતિની ચરમસીમા એ પણ છે કે એવો કોઈ ગુનો માણસ જાતે સ્ત્રીઓ સંદર્ભે કરવાનો બાકી નથી રાખ્યો જેની રાહ જોવી પડે. મહિલાઓ નવા શિક્ષિત સમાજમાં આગળ વધી છે એની ના નથી, પણ એ જ શિક્ષિત સમાજે સ્ત્રીઓનાં શોષણની વધુ સૂક્ષ્મ યુક્તિઓ વિકસાવી છે, એની પણ નોંધ લેવી ઘટે. શિક્ષણે વિકાસના અનેક માર્ગો ખોલ્યા એ સાથે જ શોષણની પણ અનેક રીતો વિકસાવી. એ વિકસાવવામાં સ્ત્રીઓ પણ બાકાત નથી. હકો પ્રત્યેની વિશેષ સભાનતાએ સ્ત્રીઓમાં પણ શોષણની સમજ વિકસાવી છે. સ્ત્રીઓને લગ્ન, પ્રેમની બાબતે પસંદગીની તકો વધી છે, તો બીજી તરફ એના ઉપયોગ-દુરુપયોગની તકો પણ વિકસી છે.

ગઈ કાલના જ સુરત સિટીલાઇટના સમાચાર છે, જેમાં તબીબ સ્ત્રીને તેનો પતિ છરી મારી દેતાં અચકાતો નથી, તો થોડા મહિનાઓ પર વલસાડમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધાના સમાચાર પણ છે જ ! ટૂંકમાં, શિક્ષણે વિકાસની તકો ઊભી કરી છે તે સાથે જ વિનાશની યુક્તિઓ પણ વિકસાવી છે. એ ય ખરું કે ક્યાંક પત્ની પીડિત યુનિયનો પણ રચાયાં છે. એ બધાં પછી પણ સ્ત્રીઓ તરફે થતા ગુનાઓનું પલ્લું નમેલું જ રહે છે તે સ્વયં સ્પષ્ટ છે, મહિલા વિકાસની અનેક સિદ્ધિઓ સ્વીકાર્યા પછી પણ, મહિલાઓ ગુમ થવાના જે આંકડાઓ બહાર આવ્યા છે તે ચામડી તતડાવી દેનારા છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો(NCRB)ના સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓમાં જણાવાયું છે કે આખા દેશમાં 2019થી 2021 સુધીમાં 18 વર્ષથી વધુ વયની 10,61,648 મહિલાઓ અને તેથી ઓછી વયની 2,51,430 કન્યાઓ ગુમ થઈ છે. એમાં મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 1,60,180 મહિલાઓ અને 38,234 છોકરીઓ ગુમ થઈ છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો એ આંકડાઓ અનુક્રમે 1,56,905 અને 36,606 પર બીજા નંબરે છે, તો મહારાષ્ટ્રમાં એ આંકડાઓ અનુક્રમે 1,78,400 ને 13,033 છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી મોખરે છે, ત્યાં 2019થી ‘21 દરમિયાન 61,054 મહિલાઓ અને 22,919 છોકરીઓ ગુમ થઈ છે. રહી વાત ગુજરાતની તો 2019 અને 2021 વચ્ચે 37,576 સ્ત્રીઓ અને 4,222 છોકરીઓ ગુમ થઈ છે. સંસદમાં એવું પણ જણાવાયું છે કે મહિલાઓની સલામતી માટે, ખાસ તો જાતીય ગુનાઓ સામે અવરોધ ઊભો કરવા ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ, 2013નો સમાવેશ થાય છે. વધુમાં ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) 2018 પણ ઘડાયો છે, જેમાં 12 વર્ષથી ઓછી વયની બાળકીના બળાત્કારના કેસમાં મોતની આકરી સજાનો સમાવેશ પણ થાય છે. આ કાયદામાં બે મહિનાની અંદર ચાર્જશીટ ફાઇલ કરવાનું અને અદાલતમાં બે મહિનામાં કેસનો નિકાલ લાવવાનું ફરજિયાત કરાયું છે. આ ઉપરાંત સરકારે આખા દેશ માટે 112 નંબર જાહેર કર્યો છે, જેના પર ગમે ત્યાંથી ફરિયાદ થઈ શકે છે.

સરકાર એની રીતે તો પ્રયત્નો કરે જ છે. કાયદા કડક થયા છે. ફાંસી જેવી સજાનો અમલ પણ થયો છે. કાલે જ 23 વર્ષના આરોપીને બે વર્ષની બાળાને પીંખીને મારી નાખવા બદલ, સૂરતની અદાલતે, રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે. એ સાથે સુરતમાં જ આ દસમી ફાંસીની સજા છે. એવા તો એટલા જઘન્ય અપરાધો સ્ત્રીઓ સંદર્ભે ગુજરાતમાં ને દેશમાં થાય છે કે ગુનેગારને ફાંસી જેવી સજાનો પણ ખોફ રહ્યો હોય એવું લાગતું નથી. ગઇકાલના જ સમાચાર છે કે ગુજરાતમાં 18 વર્ષથી નીચેની 4 છોકરીઓ રોજ ગુમ થાય છે ને 5 છોકરીઓ પર દુષ્કર્મ થાય છે. આ બધું જોતાં સ્ત્રી સશક્તિકરણની સમાંતરે સ્ત્રી અશક્તિકરણનો ઉપક્રમ પણ ચાલતો હોવાનો વહેમ પડે છે. સ્ત્રીને અપમાનિત કરીને જ પોતાનું માન જાળવી શકાય એવું માનનારો એક વર્ગ શિક્ષિતોમાં પણ છે તે દુ:ખદ છે.

થોડા મહિનાઓ પર 2016થી 2020 દરમિયાન ગુજરાતમાં 18થી ઉપરની 41,621 મહિલાઓ ગુમ થવાના સમાચાર હતા. તે અંગે ગુજરાત પોલીસે એવો ખુલાસો કરેલો કે 94.90 ટકા મહિલાઓ પરત આવી ગઈ છે  અને 2,124 મહિલાઓ જ ગુમ છે. એની સામે ગૃહ મંત્રાલય દ્વારા એવું પણ કહેવાયું છે કે 2020માં 4,984 મહિલાઓની કોઈ ભાળ મળી નથી. આમાં કોણ સાચું છે તે નક્કી થઈ શકે એમ નથી, પણ, ક્યાંક કોઈક સ્તરે સરકાર હકીકતો છુપાવી રહી હોવાનો વહેમ પડે છે. લોકસભા કહે છે તેમ 2021 સુધીનાં પાંચ વર્ષમાં ગુજરાતની 7,430 બાળાઓ ગુમ છે. સુરતની જ વાત કરીએ તો છેલ્લાં બે વર્ષમાં દુષ્કર્મની 508 ઘટનાઓ સામે આવી છે. વધુ આંકડાઓમાં પડવા જેવું એટલે પણ નથી કે લોકસભાના અને ગુજરાત વિધાનસભાના આંકડાઓ વચ્ચે તફાવત મોટો છે અને કોણ કોને છાવરે છે એ નક્કી કરવાનું મુશ્કેલ છે.

એક વાત સ્પષ્ટ છે કે કોઈ સરકાર પોતાની નબળાઈ છતી કરે એમ નથી. જે આંકડાઓ આપવામાં આવે છે એ અંતિમ સત્ય નથી જ, પણ એટલું ચોક્કસ છે કે દેશમાંથી સ્ત્રીઓ ને છોકરીઓ ગુમ થાય છે ને સારી એવી સંખ્યામાં ગુમ થાય છે. એ પણ છે કે એટલી સંખ્યામાં પુરુષો ગુમ થતા નથી. એવું પણ નથી કે એમ ગુમ થવામાં દરેક વખતે સ્ત્રીઓ જ જવાબદાર છે. સાચું તો એ છે કે સ્ત્રીઓ કે છોકરીઓનાં ગુમ થવામાં પુરુષોનો હાથ હોવાની શક્યતાઓ વિશેષ છે. એ પણ સમજી શકાય એવું છે કે સ્ત્રીઓ કે છોકરીઓ આપમેળે અલોપ થતી નથી. તેને અલોપ કરવામાં આવે છે. તેને ઉઠાવી જવામાં આવે છે ને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. તેને જાતીય પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે છે ને તે કામ તેની પાસે બળજબરીએ કરાવવામાં આવે છે. બે વર્ષની છોકરીથી માંડીને ડોશી સુધીની કોઈ પણ સ્ત્રીને સમજાવીને કે બળજબરીએ, જાતીય પ્રવૃત્તિઓમાં જોતરવામાં આવે છે. એ હેતુસર તેને દેશમાં કે વિદેશમાં વેચી દેવાનું પણ ચાલે છે. આવું કરનારાં તંત્રોનું આખું નેટવર્ક ગોઠવાયેલું હોય છે ને તે પોલીસતંત્ર જેટલું જ સક્રિય હોય છે.

બીજી તરફ એકલદોકલ સ્ત્રી કે છોકરી કોઈ માણસની યુક્તિ કે બળજબરીનો ભોગ બનતી હોય છે ને જો ત્યાંથી ન છટકી શકે તો અંતહીન પીડા વેઠવા લાચાર બને છે. માણસ જો હેવાનિયત પર ઊતરી આવે તો એ સ્ત્રી કે છોકરીનો મર્યે જ છૂટકો થાય છે. હવે તો પુરુષ ભોગવીને અટકી જતો નથી, કરપીણ હત્યા પણ કરતો હોય છે, તે એટલે કે પીડિતા કોઇની સામે પોતાનું નામ ન ફોડી દે. હત્યા પછી ખૂની વધુ વિચારતો થાય છે, તે એ રીતે કે લાશ પોતાની ઓળખ છતી ન કરી દે. કોઈ પુરાવો જ ન રહે એ રીતે હત્યારો લાશનો નિકાલ કરે છે. તેનાં એટલા ટુકડા કરે છે કે જંગલમાં કે દૂર ક્યાંક નિકાલ સરળ થઈ જાય. એટલાથી પણ એ અટકતો નથી એટલે એ લાશને રાંધવા-બાફવા મૂકે છે ને બફાયેલા ટુકડા કૂતરાને ખવડાવી દે છે કે સ્ત્રીનું કૈં બાકી જ ન રહે. આટલું કર્યાં પછી પણ એ પકડાય તો છે જ ને એ બહાર આવે છે કે એક માણસ કેટલી હદે બર્બર કે નીચ થઈ શકે છે !

અહીં કહેવાનું એ જ છે કે સ્ત્રી સાથે કઇ હદે પુરુષ જઇ શકે છે. જેને એ ચાહે છે એનો જ એ સર્વનાશ પણ કરી શકે છે. આટલી હિંસક વૃત્તિ કદાચ અભણમાં ન હતી. અગાઉના સમયમાં સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર નથી થયો એવું નથી, પણ એનું ઘાતકીપણું આજના સમયમાં ભયંકર રીતે અનુભવાય છે ને તે બધી રીતે અક્ષમ્ય છે. એ જોતાં લાખોની સંખ્યામાં સ્ત્રીઓ દેશમાંથી ગુમ થાય ત્યારે એની સાથે શું થયું હશે એ વિચારતાં લાગે છે કે કહેવાતી સ્ત્રી સમાનતા કે સશક્તિકરણની વાતો પરપોટા જેવી છે. વધારે સાચું તો એ છે કે સ્ત્રીઓની સુરક્ષા હજી પણ સળગતો ને વણઉકલ્યો પ્રશ્ન જ છે – બિલકુલ મણિપુર જેવો જ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઑગસ્ટ 2023

Loading

...102030...905906907908...920930940...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved