Opinion Magazine
Number of visits: 9846552
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રોગના સાચા નિદાનનું શાસ્ત્ર : દર્દીને સાંભળો, ‘પૂર્વગ્રહ’થી બચો, ગોટાળા ટાળો

દુર્ગેશ મોદી|Opinion - Opinion|22 December 2023

દુર્ગેશ મોદી

[ડૉ. દુર્ગેશ મોદી; MD Physician (MBBS), DNB (Family Medicine). લેખક વૈજ્ઞાનિક માનસિકતાના પ્રસાર માટે પ્રયત્નશીલ ડૉક્ટર છે.]

મેડિકલ જગતમાં દર્દીના નિદાન માટે એક અંગ્રેજી કહેવત વારંવાર ટાંકવામાં આવે છે, ‘When you hear hoofbeats, think horses, not zebras’.  ડાબલા સંભળાય ત્યારે પહેલાં ઘોડાનો વિચાર કરવો, ઝીબ્રાનો નહીં. એટલે કે, જાણીતાં લક્ષણો દેખા દે ત્યારે સૌથી પહેલાં જાણીતા રોગની દિશામાં વિચારવું — નહીં કે ભાગ્યે જ જોવા મળતા દુર્લભ રોગ વિશે.

આ કહેવત સાચી હોવા છતાં, તેની બીજી બાજુ પણ છે : કેટલીક વખત ડોક્ટરો ડાબલા પારખવામાં એટલા નિષ્ણાત થઈ જાય છે કે પછી તેમને હંમેશાં ઘોડા જ દેખાય છે, ઝીબ્રાનો વિચાર સુદ્ધાં આવતો નથી. અંગ્રેજીમાં એને એન્કરિંગ બાયસ / Anchoring Bias કહેવાય છે—એવો પૂર્વગ્રહ, જેમાં સૌથી પહેલાં મળેલી માહિતી ઉપર જ સૌથી વધારે આધાર રાખવામાં આવે છે. ત્યાર પછી સામે આવતી અને અગાઉની માહિતી કરતાં જુદી સંભાવનાઓ પ્રત્યે નિર્દેશ કરી શકે એવી વિગતોને અવગણવામાં આવે છે.

તબીબી નિદાન વખતે નડતા આ પૂર્વગ્રહ અને તેની વ્યાપકતા અંગે અત્યાર સુધી કોઈ સંશોધન થયું ન હતું. પણ 26 જૂન 2023ના ‘ધ જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન’(JAMA)માં આ વિષય પરનું સંશોધન પ્રકાશિત થયું. તેનાં તારણોની ચર્ચા કરતાં પહેલાં, તેમાં જે બે બીમારીઓની વાત છે, તેની સાવ અછડતી જાણકારી મેળવી લઈએ. આ બંને બીમારીઓનાં લક્ષણ ભેળસેળ અને ગોટાળો પ્રેરી શકે એવાં હોવાથી, અભ્યાસ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.

પહેલી બીમારી હૃદયને લગતી છે. તેમાં લોહીનું પમ્પિંગ કરવાની હૃદયની ક્ષમતા ઉત્તરોત્તર ઘટતી જાય, તેમ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. થોડા જ શ્રમથી થાક લાગી જાય છે અને શરીરમાં પાણીનો ભરાવો થાય છે. હવે તેનું નવું અટપટું નામ પડ્યું છે, પણ આ લેખ પૂરતું આપણે તેને જૂના નામ ‘કોન્જેસ્ટિવ હાર્ટ ફેઇલ્યર’(CHF)થી ઓળખીશું.

સામાન્ય રીતે આ બીમારી લાંબા ગાળાની (ક્રોનિક) અને મહદ્દ અંશે હૃદયરોગના હુમલા પછી જોવા મળે છે. ખોરાકમાં મીઠું (નમક) વધારે લેવાથી, ચેપી રોગમાં તાવ આવવાથી, બી.પી. વધી જવાથી, શરીરમાં લોહીની ઉણપ થવાથી, ફરીથી હૃદયરોગનો હુમલો આવવાથી — આવાં અનેક કારણોથી આ રોગ અચાનક ઊથલો મારી શકે છે. તેને ‘અક્યૂટ ડિકોમ્પનસેશન’ કહેવામાં આવે છે.

તેના દર્દીને નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ શરીરમાંથી વધારાનું પાણી કાઢતી (ડાયુરેટિક) દવાઓ, શરીરમાં વહેતાં લોહીના પ્રવાહમાં અવરોધ ઘટાડતી (વાસોડાઇલેટર) દવાઓ, હૃદયના કાર્યક્ષમતા વધારતી (આઇનોટ્રોપિક) દવાઓ આપવામાં ન આવે તો આ રોગ જીવલેણ નીવડી શકે છે.

બીજી બીમારી લોહીનો ગઠ્ઠો જામી જવાની છે. પગમાંથી અને જૂજ કિસ્સામાં હાથમાંથી ‘અશુદ્ધ’ (ઓછા ઓક્સિજનયુક્ત) લોહીને હૃદય તરફ લઈ જતી મોટી શિરામાં લોહીનો ગઠ્ઠો જામી જાય, તેને ‘ડીપ વેઇન થ્રોમ્બોસિસ’ (ડી.વી.ટી.) કહેવામાં આવે છે. લોહીના જામેલા ગઠ્ઠાને કારણે શિરાના વાલ્વને નુકસાન થાય છે, ‘અશુદ્ધ’ લોહી સરખી રીતે હૃદયમાં પાછું ન ફરી શકે, તો પગમાં લોહીનો ભરાવો થાય છે. તે છેવટે સોજા કે સાંધાના દુઃખાવા તરીકે દેખા દે છે.

આ બિમારી માટે લાંબી મુસાફરી દરમિયાન જકડાઈને બેસી રહેવું, ધૂમ્રપાન, મોટી શસ્ત્રક્રિયા, ગંભીર ઇજા, કેન્સર, ગર્ભાવસ્થા, એસ્ટ્રોજન ધરાવતી ગર્ભનિરોધક દવાઓ, મેનોપોઝ પછીની હોર્મોન રિપ્લેસમેન્ટ દવાઓ અને કેટલીક આનુવંશિક બીમારીઓ જેવાં અનેકવિધ કારણ જવાબદાર હોઈ શકે.

કેટલાક દર્દીઓના પગમાં જામેલો લોહીનો ગઠ્ઠો મૂળ જગ્યાએથી છૂટો પડીને હૃદયમાં થઈને ફેફસાંમાં પહોંચે છે અને ત્યાં અડીંગો જમાવે છે. આ પરિસ્થિતિને PE (પલ્મનરી એમ્બોલિઝમ) કહેવામાં આવે છે. તેના લીધે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે અને સાથે શરીરમાં લોહીનું દબાણ ઘટી જાય. ગઠ્ઠો મોટો હોય તો હાથ-પગની આંગળીઓ ભૂરી પડી જાય કે વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.

આ દર્દ હૃદય અને ફેફસાં—એ બંને મહત્ત્વનાં અવયવો પર અસર કરી શકતું હોવાથી તે જીવલેણ ગણાય છે. તેના સાચા નિદાન પછી યોગ્ય ઉપચાર માટે લોહીના ગઠ્ઠા ઓગાળતી (એન્ટી-કોઆગ્યુલન્ટ) દવાઓ આપવામાં આવે છે. ગઠ્ઠા બહુ મોટા હોય તો તેને તોડવા માટે સર્જરી પણ કરવી પડે.

આમ, બે પ્રકારની બીમારીઓની વાત થઈ : ‘કોન્જેસ્ટિવ હાર્ટ ફેઇલ્યર’ (CHF)—સાદી ભાષામાં, હૃદયની અપૂરતી કાર્યક્ષમતાની બીમારી અને પલ્મનરી એમ્બોલિઝમ (PE)—સાદી ભાષામાં, લોહીના ગઠ્ઠાની બીમારી. આ બંનેનાં બાહ્ય લક્ષણોમાંથી ઘણાં લક્ષણ સરખાં છે. જેમ કે, શ્વાસ લેવામાં તકલીફ, પણ બંને રોગોની સારવાર સાવ જુદી છે.

અલબત્ત CHFની સરખામણીમાં PE ઘણી ઓછી માત્રામાં જોવા મળતો અને એકંદરે નિદાન કરવામાં થોડો કઠિન રોગ છે. એમાં ય જો ડોક્ટર આગળ જણાવેલા પ્રકારના પૂર્વગ્રહ(એન્કરિંગ બાયસ)થી કામ લે અને નિદાન કરવામાં થાપ ખાય, તો દર્દી મુશ્કેલીમાં મુકાઈ શકે.

પણ ખરેખર આવું થાય છે ખરું? ગુંચવાડો પ્રેરી શકે એવા આ બંને રોગોના નિદાનમાં ડોક્ટરોનો એન્કરિંગ બાયસ કામ કરે છે ખરો? અને કરતો હોય તો કેટલી હદે? એવા સવાલના જવાબ મેળવવા માટે અમેરિકામાં સંશોધન હાથ ધરવામાં આવ્યું. તેમાં સંશોધકોએ વર્ષ 2011થી 2013 સુધીના કુલ એક લાખથી પણ વધુ દર્દીઓની માહિતી રાષ્ટ્રવ્યાપી ડેટાબેઝમાંથી મેળવી.

શ્વાસ લેવામાં તકલીફ થાય એવા દર્દીને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કર્યા પછી, તેની બીમારીની ગંભીરતા નક્કી કરીને, તે પ્રમાણે તેની સારવારને પ્રાથમિકતા આપવામાં આવે છે. સંશોધકોને જણાયું કે શ્વાસની તકલીફ સાથે આવેલા દર્દીને દાખલ કરતી વખતે જે ફોર્મ ભરાવવામાં આવે, તેમાં હૃદયની બીમારી (CHF)નો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, તો તેની સારવારમાં નોંધપાત્ર એન્કરિંગ બાયસ જોવા મળે છે. અલબત્ત, એ બીમારીનો ઉલ્લેખ કરવો જરૂરી જ છે. પણ તેનો ઉલ્લેખ થયેલો હોવાને કારણે, દર્દીને બીજાં ઘણાં કારણથી પણ શ્વાસની તકલીફ થઈ શકે, એ સંભાવના તરફ ડોક્ટર (એન્કરિંગ બાયસને કારણે) ઓછું ધ્યાન આપે છે.

તુલનાત્મક અભ્યાસ માટે સંશોધકોએ બે પ્રકારના દર્દીઓના કેસની તપાસ કરી : એક એવા પ્રકારના દર્દી, જેમને હોસ્પિટલમાં દાખલ કરતી વખતે ફોર્મમાં લખ્યું હોય : શ્વાસમાં તકલીફ. બીજા એવા પ્રકારના, જેમના ફોર્મમાં લખ્યું હોય : શ્વાસમાં તકલીફ / CHF.

તેમાંથી જેમના ફોર્મમાં ‘શ્વાસમાં તકલીફ / CHF’ લખ્યું હોય એવા કેટલા લોકોને (એન્કરિંગ બાયસથી મુક્ત રહીને, તેમને બીજી બીમારી પણ હોઈ શકે એવી સંભાવના તપાસવા) લોહીના ગઠ્ઠાની બીમારી(PE)ના ટેસ્ટ કરાવવામાં આવ્યા? એ તપાસનો એક મુદ્દો હતો.

પરિણામમાં જાણવા મળ્યું કે અંદાજે એક લાખ લોકોમાંથી, ‘શ્વાસમાં તકલીફ / CHF’— એવી સ્પષ્ટ નોંધ ધરાવતા લોકો 4,392 હતા. તેમાંથી માત્ર 360 લોકોનું લોહીના ગઠ્ઠા (PE) માટે પરીક્ષણ થયું હતું અને 2 દર્દીને PEની બીમારી નીકળી. ફોર્મમાં ‘શ્વાસમાં તકલીફ / CHF’ એવું લખેલું હોવાથી ડોક્ટરોએ મોટાભાગના દર્દીઓ માટે ધારી લીધું કે આ કેસ CHFના જ હશે.

બીજા 43 જણ એવા હતા, જેમને દાખલ કરતી વખતે PEનું સાચું નિદાન ચૂકી જવાયું. એટલે કે PEની બીમારી ધરાવતા લોકોમાંથી 95 ટકાના કિસ્સામાં સાવ શરૂઆતના તબક્કે રોગનું નિદાન થઈ ન શક્યું અને સાચા નિદાનના તબક્કા સુધી પહોંચતાં એક અઠવાડિયાથી ચાર અઠવાડિયાં જેટલો સમય લાગ્યો. તેનું મુખ્ય કારણ એ કે તેમના ફોર્મમાં ‘શ્વાસમાં તકલીફ / CHF’ લખાયેલું હતું.

ફક્ત ‘શ્વાસમાં તકલીફ’— એવી નોંધ ધરાવતા 1,03,627 લોકો હતા. આ જૂથના દર્દીઓમાં CHFનો ઉલ્લેખ ન હોવાથી, શરૂઆતના તબક્કે જ PEની સંભાવનાને ધ્યાનમાં રાખવામાં આવી હતી અને એ પ્રમાણે દર્દીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેના કારણ, 16 ટકા વધુ દર્દીઓનાં PEના નિદાન મોડાં થવાને બદલે વેળાસર-ઝડપથી થયાં. તેની સીધી અસર તરીકે હોસ્પિટલમાં દર્દીઓના રહેવાનો સમય અને મૃત્યુદર પણ અસરકારક રીતે ઘટાડી શકાયો.

આમ ‘શ્વાસમાં તકલીફ / CHF’ના લેબલ કરતાં ફક્ત ‘શ્વાસમાં તકલીફ’— એવી નોંધ ધરાવતા દર્દીઓનું વધારે સચોટ રીતે અને વેળાસર નિદાન થયું. આ સંશોધનમાં ઘણા લટકતા છેડા છે, ઘણી ધારણાઓ છે. છતાં, એક વાત નક્કી કે આ પ્રકારનાં સંશોધનોથી એન્કરિંગ બાયસ વિશે આધારભૂત અને પ્રયોગના આધારે વધુ જાણકારી મેળવી શકાય છે, જે સરવાળે સચોટ નિદાન માટેની જાગૃતિ આણવામાં ઉપયોગી છે. આ પ્રકારનું પૃથ્થકરણ ડોક્ટરોને અને બીજા લોકોને સૌથી મહત્ત્વનો પ્રશ્ન પૂછવાનું ફરીફરીને યાદ અપાવે છે : ‘આના સિવાય બીજું કોઈ નિદાન પણ હોઈ શકે?’

આપણે ત્યાં સ્વાસ્થ્યસેવાઓને લાગતા પ્રશ્નો મોટા પહાડ જેવા છે. તેમાં આટલા ઝીણવટભર્યા મુદ્દા વિશે, આટલી બારીકાઈથી વાત કરવાનો અવકાશ ભાગ્યે જ હોય છે. દર્દીના સાચા નિદાન સુધી પહોંચવા માટે જેટલી મદદ વિજ્ઞાનની જોઈએ, એટલી જ અનિવાર્ય જરૂરત વ્યક્તિગત ડોક્ટરની આવડત અને કળાની પણ હોય છે. આધુનિક સમયમાં આ પ્રક્રિયામાં મદદરૂપ થવા ફિઝિશિયનની પાસે ઉપલબ્ધ ઓજારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે, તો સામી તરફ તેના કારણે આખી પ્રક્રિયા એટલી જટિલ પણ બનતી જાય છે. એનાથી ઊભી થતી તકો અને પડકારો સભાનપણે ધ્યાનમાં રાખવામાં આવે તો જ સચોટ નિદાનમાં હથોટી આવે.

દર્દીના નિદાનની પ્રક્રિયાની શરૂઆત માહિતી એકઠી કરવાથી થાય છે : દર્દીની તકલીફનું એમના જ શબ્દોમાં વર્ણન અને શારીરિકક તપાસ, એ બેને પાયામાં રાખીને જ આગળ લેબોરેટરી ટેસ્ટ, રેડિયોલોજિક ઈમેજીંગ અને પેથોલોજી અભ્યાસની દિશા નક્કી કરાય. કેટલાક કિસ્સામાં બીમારીની વિગતો લેવાનું શરૂ કરીએ ત્યાં જ નિદાન સામે આવી જાય, તો કેટલીક વખત ખોતરી ખોતરીને દર્દી કે તેનાં સગાં પાસેથી માહિતી કઢાવવી પડે.

એવું જ શારીરિકક તપાસનું છે. ક્યારેક તકલીફદાયક અંગ કે શરીરના ભાગની પેથોલોજી ઊડીને આંખે વળગે, તો ક્યારેક શિસ્તબદ્ધ રીતે આખા શરીરનાં બધાં અંગોની એક પછી એક તપાસ કરવી પડે. ‘નેતિ નેતિ’થી માત્ર બ્રહ્મ જ નહીં, કેટલીક વખત સાચા નિદાન સુધી પણ પહોંચી શકાય છે. મેડિકલ પરિભાષામાં તેને Diagnosis of Exclusion કહે છે : નિદાન સીધું સ્પષ્ટ ન હોય એવા દર્દીઓમાં જોવા મળતાં લક્ષણો સાથે આછોપાતળો પણ મેળ ખાતા સંભવિત રોગોની એક પછી એક કરીને તપાસ કરવી – તેમની હાજરીનું પરીક્ષણ કરવું અને તેમની ગેરહાજરી જણાય એટલે તેમના નામ પર ચોકડી મુકતા જવું. આમ લક્ષણોના આધારે તબક્કાવાર એક પછી એક રોગની સંભાવના બાકાત કરીને, છેલ્લી સંભાવના બચે તે ખરું નિદાન. હાલના સમયમાં કમનસીબે કેટલીક વાર દર્દી અને ડોક્ટર, બંને પક્ષે પાયાના બંને મુદ્દા — બીમારીનાં લક્ષણોનું વર્ણન અને વિગતવાર શારીરિક તપાસ–ની અવગણના થતી હોય છે. આધુનિક તબીબી શાસ્ત્રના પિતામહ ગણાતા ડોક્ટર વિલિયમ ઓસ્લરનું મનાતું એક અવતરણ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે, ‘દર્દીને ધ્યાન દઈને સાંભળો, એ જ તમને એનું નિદાન કહેશે.’

દર્દીઓ શારીરિક તપાસની મહત્તાને અવગણી પોતાના ઓળખીતા ડોક્ટરને whatsapp પર સીધા રિપોર્ટ મોકલી આપે અને પૂછી લે, ‘હવે શું કરવાનું / કઈ દવા લેવાની? અમને થયું કે એક બીજો ઓપિનિયન લઈ લઈએ.’ તો બીજી બાજુ ડોક્ટરો પણ કેટલીક વખત આવા વર્તનને જાણ્યે-અજાણ્યે પ્રોત્સાહન આપતા હોય છે. દર્દીની વાત સાંભળવામાં કે તેની શારીરિક તપાસ માટે પૂરતો સમય આપ્યા વગર, અનેકાનેક ટેસ્ટ કરાવી દેવાની સલાહ આપવાની ‘ભૂલ’ મારા સહિત દરેક ડોક્ટરે ક્યારેક ને ક્યારેક કરી જ હશે.

ઉપરથી હવેના મેડિકલ શિક્ષણની તાલીમ – વિગતવાર જવાબો લખવાને બદલે આપેલ વિકલ્પોમાંથી જવાબ પસંદ કરવાની MCQ આધારિત પરીક્ષાપદ્ધતિ, નિદાન માટે લેબોરેટરી કે રેડિયોલોજિકલ ટેસ્ટ પર વધારે પડતું અવલંબન વગેરે એવી રીતે ગોઠવાઈ છે કે રિપોર્ટ વાંચી જાણકારી મેળવતા ડોક્ટર વધતા જાય છે, પણ માત્ર તપાસથી નિદાન કરી શકતા નિષ્ણાત ફિઝિશિયન ઘટતા જાય છે. અનુભવી ડોક્ટરોને ઘણી વખત આ અંગે બળાપો કાઢતા પણ સાંભળ્યા છે.

શરીરના અલગ અલગ અંગોના સ્પેશિયાલિસ્ટની સંખ્યા વધતી જાય છે (અને તે આવકાર્ય પણ છે), પરંતુ દર્દીના શરીરને સમગ્રપણે જોતા-તપાસતા – તેની તકલીફો સમજતા અને એ રીતે સારવાર ચીંધતા ડોક્ટર ઘટતા જાય છે. આ કોઈ પ્રકારનો બાયસ નહીં, બજારકેન્દ્રી વર્તમાનની કરુણ હકીકત છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(AI)ના ઉદ્ભવ સાથે નવા જ પ્રશ્નો સામે આવશે. અત્યારે પણ રેડિયોલોજી, પેથોલોજી ક્ષેત્રે તથા કેટલાંક સર્જિકલ ક્ષેત્રે AI કે રોબોટિક્સ ડોક્ટરોને સહાયક કે પૂરક તરીકે કામ આપી રહ્યાં છે અને તેમનો વપરાશ સમય સાથે વધવાનો જ છે. પરંતુ માનવીય સ્પર્શ, હૂંફ અને સહાનુભૂતિનો કોઈ વિકલ્પ હાલ તો નથી, એ વાત દરેક ડોક્ટરે ધ્યાનમાં રાખવી જ રહી.

સરખાં લક્ષણો ધરાવતા, પણ જુદાં જુદાં આંતરિક કારણોથી ઊભા થતા રોગોની સંભાવના એક સાથે વિચારવાની અને ધ્યાનમાં રાખવાની માનસિક કસરતને મેડિકલ પરિભાષામાં Differential Diagnosis કહેવામાં આવે છે. તે દર્દીના સાચા નિદાનમાં આડે આવતા બીજા અનેક અવરોધો, ત્રુટિઓ, પૂર્વગ્રહોને પહોંચી વળવાનો જૂનો પણ સમયની એરણે ખરો સાબિત થયેલો રસ્તો છે. આ કસરત એ જ ડોક્ટર કરી શકે, જે દર્દીની ફરિયાદને સમગ્રપણે સમજ્યા હોય, સંભવિત નિદાનને ટેકો આપતાં હાજર અને ગેરહાજર લક્ષણોને જેમણે તપાસ્યાં હોય તથા સાચું નિદાન કયું હોઈ શકે એના વિશે પૂરતું તબીબી જ્ઞાન ધરાવતા હોય. આ મામલે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પણ અમુક હદે મદદરૂપ થઈ શકે.

દોડતી-હાંફતી-દોડતી દુનિયામાં સમય અને મહેનત માગી લેતો માનસિક વ્યાયામ કોઈ પણ ક્ષેત્રમાં ધીમે ધીમે ઓછો થતો જાય છે. તબીબી ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી. એવા સંજોગોમાં હું મારી જાતને નસીબદાર માનું છું કે ભૂતકાળ અને વર્તમાનમાં મને એવા ડોક્ટર-ગુરુ, ડોક્ટર-સાથીઓ મળ્યા છે, જે આગળ જણાવેલી કવાયત નિયમિતપણે કરે છે.

સો વાતની એક વાત : નિદાન કરતી વખતે દરેક પ્રોફેસરે તેના વિદ્યાર્થી ઈન્ટર્ન કે રેસિડેન્ટ ડોક્ટરને, દરેક પ્રેક્ટિશનરે તેના જુનિયર કે સીનિયર સાથી ડોક્ટરને, દરેક દર્દીએ તેના ફિઝિશિયનને અને ખાસ તો દરેક ડોક્ટરે પોતાની જાતને પૂછવાનો સૌથી અગત્યનો સવાલ : નિદાન જે કર્યુ છે તેના સિવાયનું બીજું કોઈ હોઈ શકે? ડોક્ટરની આબરૂ અને દર્દીની હાડમારી એ બંનેને બચાવી લેતો આ સવાલ કદી અપ્રસ્તુત થવાનો નથી. કારણ કે, કદીક ડાબલા ઘોડાને બદલે ઝીબ્રાના પણ હોય અને એ વખતે વારો તમારો પણ હોઈ શકે.

e.mail : durgeshmodi@yahoo.in
[સૌજન્ય : “સાર્થક જલસો”, અંક નં. 19, ઑક્ટોબર 2023]
પ્રગટ : “વિજ્ઞાન ચેતના”; ડિસેમ્બર 2023; પૃ. 07- 10

Loading

મુસ્લિમો માટે દેશનો માહોલ કેટલો બદલાયો છે?

કિરણ કાપુરે|Opinion - Opinion|22 December 2023

‘બિંઇગ મુસ્લિમ ઇન હિંદુ ઇન્ડિયા’ નામનું પુસ્તક હાલ ચર્ચામાં છે અને તે પુસ્તકના લેખક છે ઝિયા ઉસ સલામ. આ પુસ્તકમાં છેલ્લાં વર્ષોમાં ભારતીય મુસ્લિમોની બદલાયેલી સ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હિંદુ અને મુસ્લિમનો વિવાદ આપણા દેશનો સળગતો પ્રશ્ન છે; અને તેના વિશે સતત અભ્યાસ થતો રહે છે. આ અભ્યાસમાં ઝિયા ઉસ સલામનું પુસ્તક અગત્યનું છે કારણ કે તેમણે છેલ્લા દાયકામાં મુસ્લિમોની સ્થિતિને ભારતમાં વધુ કથળતી જોઈ છે. અને એટલે જ તેમના પુસ્તકનું નામે ય એ સ્થિતિ દર્શાવતું રાખ્યું છે : ‘બિંઇગ મુસ્લિમ ઇન હિંદુ ઇન્ડિયા’. લેખક ઝિયા ઉસ સલામ પુસ્તકમાં નોંધે છે કે, “જમણેરી રાજકીય નેતાઓ નવા ભારતમાં શહેરો અને નગરોનાં નામ બદલી રહ્યા છે, પરંતુ તેઓ ભાગ્યે જ અંગ્રેજકાળના નામ બદલે છે. બલકે તેઓ મુસ્લિમ નામોને ભૂંસે છે અને એ રીતે તેઓ દેશના વિવિધભર્યા ઇતિહાસમાંથી મુસ્લિમ યોગદાનને નાબૂદ કરી રહ્યા છે. અંગ્રેજ કાળથી નહીં, પણ સવિશેષ મુસ્લિમ કાળના શાસકોથી તેઓ અસહજતા અનુભવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2014માં જ્યારે પદભાર સંભાળ્યો ત્યારે તેઓ હજાર વર્ષની ગુલામી વિશે બોલ્યા હતા. મારા મતે તેમણે સલ્તનત, મુઘલ અને બ્રિટિશ કાળની ગણતરી માંડીને આ કહ્યું હતું. સમાજ-ભાષાના નિષ્ણાત રિઝવાન અહમદ મુજબ ‘વર્ષ 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશ બારસો વર્ષની ગુલામી માનસિકતાથી મુશ્કેલીમાં મૂકાયું છે. તેમનો અર્થ સ્પષ્ટ હતો બસોએક વર્ષનો અંગ્રેજ કાળ અને મધ્યયુગનો મુસ્લિમ કાળ.’”

આગળ ઝિયા ઉસ સલામ લખે છે : “મોદી માટે બ્રિટિશર્સ અને મુસ્લિમો બંને વિદેશી શાસકો છે. એ જ પ્રમાણે સાવરકર અને ગોલવલકર પિતૃભૂમિ અને પુણ્યભૂમિના વિચારનો ઉલ્લેખ કરતા હતા. 2014 પછી આપણે જ આપણા વૈવિધ્ય અને અન્ય સમુદાયોના યોગદાનને મિટાવી રહ્યા છીએ, જ્યાં એકસમયે બધા જ ધર્મ-સંપ્રદાય સુમેળથી વસતા હતા. એપ્રિલ-2023માં ‘હિંદુ’ અખબારમાં લખાયું હતું કે, ‘કેટલાંક શહેરો તે રાજા અથવા સુલતાનોનાં નામ સાથે જોડાયેલાં છે. આમાંથી કેટલાંકનાં નામો બદલાઈ ચૂક્યાં છે. કેટલાંક નામો બદલાયાં છે માત્ર તે નામો ઉર્દૂમાં હતા માત્ર તે કારણે. આ વક્રોક્તિ છે કે ઉર્દૂ ભાષાનો ઉદ્ભવ ભારતમાં જ થયો છે અને તેને ઝાઝો સમય નથી થયો. ઉર્દૂને કોઈ વિશેષ આસ્થા ધરાવનારા લોકો સાથે જોડવામાં નથી આવતી.’ ‘હિંદુ’ અખબારમાં ફૈઝાબાદનું ઉદાહરણ આપતાં લખ્યું છે કે આ શહેર નવાબ સાદત અલી ખાન દ્વારા 18મી સદીમાં નિર્માણ પામ્યું હતું. આ શહેર પૂર્વ અને મધ્ય અવધના વેપારી માર્ગમાં સ્થિત હતું. અહીંયા વેપારીઓ અને લોકો ખૂબ નફો રળતા અને તેથી તેથી આ જગ્યા માટે ‘ફૈઝ’ શબ્દ ઉપયોગમાં લેવાયો છે, જેનો અર્થ થાય છે ‘સફળ’ અથવા ‘વિજેતા.’”

આ પુસ્તકમાં આપણી માન્યતાઓ તૂટે તેવાં કેટલાંક ઉદાહરણ છે અને તે સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે. જેમ કે, ‘હિંદુ’ અખબારના હવાલેથી પુસ્તકમાં ઝિયા ઉસ સલામ લખે છે : “સદીઓ વીત્યે પણ ક્યારે ય અલ્લાહબાદ અથવા ઔરંગાબાદને લઈને કોઈ પ્રશ્ન ન ઉઠ્યો. અલીગઢ અને ઓસ્માનાબાદને લઈને પણ નહીં. સામાન્ય લોકોને હજુ આ નામોથી કોઈ પરહેજ નથી. તમે અલ્લાહબાદ જશો તો હજુ એ શહેરને લોકો અલ્લાહબાદ તરીકે જ સંબોધે છે. સત્તામાં છે તેઓ આમાં અપવાદ છે, જે બધું જ પોતાનાં ચશ્માંથી જુએ છે. હવે એ વાત મહત્ત્વની નથી રહી કે આ શહેરનું નિર્માણ સુલતાને કર્યું હતું અને તેણે જ આ શહેરને મોંગલના હૂમલાથી સુરક્ષિત રાખ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે દેશના અતિવ્યસ્ત રેલવે સ્ટેશન મુઘલ સરાઈનું નામ પંડિત દિનદયાલ ઉપાધ્યાય કર્યું છે. પંડિત દિનદયાલ ઉપાધ્યાય 1968માં શંકાસ્પદ રીતે કાશ્મીરમાં મૃત્યુ પામ્યા હતા. મુઘલ સરાઈ પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું પણ જન્મસ્થળ છે. 1992માં પણ ભા.જ.પ. દ્વારા મુઘલ સરાઈ નામ બદલાવનો પ્રયાસ થયો હતો, પરંતુ બાબરી મસ્જિદને તોડ્યા બાદ થયેલા રમખાણોમાં તે શક્ય ન બન્યું. જો કે હવે યોગી આદિત્યનાથ પર એવો કોઈ બોજો નથી. વિધાનસભામાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને જંગી બહુમતિ મળી છે.”

યોગી આદિત્યનાથના શાસનમાં ઉત્તર પ્રદેશમાં નામ બદલવાની પ્રક્રિયા જોરશોરથી થઈ અને તે વિશે ઝિયા રસપ્રદ વાત ટાંકે છે : “આદિત્યનાથે તે પછી અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનો ઉત્સાહ દાખવ્યો. અલ્લાહબાદ નામને ‘અલ્લાહના ઘર’ તરીકે અનુવાદ કરી શકાય. આ સ્થળ યમુના અને પૌરાણિક સરસ્વતી નદીનું સંગમ સ્થળ છે. જો કે ઐતિહાસિક દસ્તાવેજ જોતા આ શહેરનું નામ બદલાવના તર્ક પર પ્રશ્ન થાય છે. મુઘલ શાસક અકબર આ શહેરને ‘ઇલ્લાહ-બાદ’ અથવા ‘ઇલ્લાહી-બાસ’એ એમ નામ આપ્યું હતું. ‘ઇલ્લાહ’નો સર્વસામાન્ય અર્થ ઇશ્વર થતો હતો અને ‘ઇલ્લાહ બાસ’નો અર્થ ‘અલ્લાહનું ઘર’ એમ થાય છે. અકબરે આ સ્થળને હિંદુઓનું સ્થાનક ગણાવ્યું છે. તે વખતના ઇતિહાસકાર બૌદોની મુજબ અકબરને હિંદુઓના આ પવિત્ર સ્થળ વિશે જણાવવામાં આવ્યું હતું, જ્યાં નદીઓનો સંગમ થતો હતો અને લોકો અહીંયા મૃત્યુ ઇચ્છતા હતા. એ સ્થળનું મહત્ત્વ જોતા અકબરે તેને ‘ઇલ્લાહ-બાસ’ એવું નામ આપ્યું હતું. આ રીતે એક મુસ્લિમ શાસકે હિંદુઓની લાગણીને અનુસાર તે જગ્યાને નામ આપ્યું હતું. અને તેમણે જૂનું પ્રયાગ નામ બાજુએ રાખ્યું હતું. … મુઘલ કાળમાં પ્રયાગ અને અલ્લાહબાદ બંને નામ ચલણી હતા. પરંતુ આ નવા ભારતમાં અલ્લાહબાદ ભૂંસાઈ રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ડિસેમ્બર 2021માં જાણીતા ઉર્દૂ કવિ સૈયદ અકબર હુસૈન જેઓ ‘અકબર અલ્લાહબાદી’ તરીકે ઓળખ પામ્યા છે. તેમણે પોતાનું નામ બદલીને ‘અકબર પ્રયાગરાજ’ કરી દીધું છે. તેમનું આ નામ અત્યારે ઉત્તર પ્રદેશ સરકારના ‘હાયર એજ્યુકેશન સર્વિસ કમિશન’ની વેબસાઇટ પર જોવા મળે છે.

માન્યતા દૃઢ થઈ જાય પરંતુ જ્યારે તે અંગેનું સત્ય આપણી સમક્ષ આવે ત્યારે તે રુચતું નથી. ‘બિંઇગ મુસ્લિમ ઇન હિંદુ ઇન્ડિયા’ પુસ્તકમાં આવી અનેક વાતો ઝિયા ઉસ સલામે ટાંકી છે. તેમના પુસ્તકનાં કેટલાંક પ્રકરણના નામ વાંચીને ખ્યાલ આવે કે તેમણે વર્તમાન મુસ્લિમોની સ્થિતિને કેવી રીતે બયાન કરી છે. પ્રકરણોના નામ આ પ્રમાણે છે : ‘ધ ડિસેપિઅરિંગ મુસ્લિમ’, ‘ધ મિસિંગ મુસ્લિમ વોટર’, ‘રિકન્સ્ટિટ્યૂટીંગ કન્સ્ટિટ્યૂઅન્સીસ’. લેખક ઝિયાની બધી વાત સાથે સંમત ન થઈ શકાય, પરંતુ તેમણે મૂકેલાં કેટલાંક તથ્યોને જરૂરથી વાંચવા જોઈએ. જેમ કે, તેઓ પ્રસ્તાવનામાં લખે છે : “દેશની સૌથી મોટો રાજકીય પક્ષ ‘ભારતીય જનતા પાર્ટી’ ઝડપથી મુસ્લિમોને એક ખૂણામાં ધકેલી રહ્યા છે. 2014માં ભા.જ.પ. દ્વારા 482 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા, પરંતુ ભા.જ.પ.માંથી માત્ર સાત મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી. અને તેમાંથી સાત ટિકિટ માત્ર જમ્મુ કાશ્મીરમાં આપવામાં આવી હતી, બાકીની ચાર પૂરા દેશમાં. આઝાદી પછી એવું પ્રથમ વખત થયું છે કે શાસક પક્ષમાં ચૂંટાયેલો એક પણ મુસ્લિમ સાંસદ ન હોય. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી લોકસભામાં એક પણ મુસ્લિમ પ્રતિનિધિ નથી. જુલાઈ 2022નું ચિત્ર એવું છે કે ભારત સરકારમાં એવું પ્રથમ વખત બન્યું કે એક પણ મુસ્લિમ મંત્રી ન હોય.”

અહીં તેઓ એમ પણ લખે છે “અનેક સંઘર્ષ છતાં મુસ્લિમોએ હિંદુસ્તાનની ભૂમિને પોતાનું ઘર બનાવ્યું અને તે ખુશીથી તેઓ અહીં વસ્યા છે. અહીંના અનેક સ્થાનિક રાજાઓ સાથે લડ્યાં, કેટલાંક સાથે તેમણે સંધિ કરી. સ્થાનિકો સાથે લગ્ન સંબંધોથી જોડાયા, તેમની સાથે રહ્યાં અને અહીંની સંસ્કૃતિ અપનાવીને તેને ઇસ્લામિક મૂલ્યો સાથે જોડી. આ પરિણામે વિશ્વમાં ઇસ્લામ બહુલક ક્ષેત્રોમાં આજે ય ‘ભારતીય મુસ્લિમો’ જુદા તરી આવે છે. અને તેથી ભારતનો મુસ્લિમ અરબ વિશ્વ કરતાં ભાષા, રીતભાત, પરિધાન અને ઇસ્લામ ધર્મ અંગેના તેમના અર્થઘટનથી પણ વેગળા છે.”

ઘણી ધારણાઓને ધ્વસ્ત કરતું આ પુસ્તક ઇસ્લામનાં મૂળિયાં આપણા દેશમાં કેટલાં ઊંડા છે અને મુસ્લિમો ભારત સાથે કેટલાં હળીમળી ચૂક્યાં છે તે દર્શાવે છે, અને એટલે જ ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી’ના સ્થાપક સૈયદ અહમદ ખાનની વાત આ પુસ્તકમાં ટાંકવામાં આવી છે તે વાતનો ઇનકાર કોઈ દેશવાસી કરી શકશે નહીં કે, હિંદુ અને મુસ્લિમ હિંદુસ્તાનની બે આંખો છે. સૈયદ અહમદ ખાનની વાતને ગાંધીજીએ પણ ટાંકી છે અને આજીવન માની છે.

e.mail : kirankapure@gmail.com 

Loading

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અડવાણી-જોશી અનિવાર્ય છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 December 2023

રવીન્દ્ર પારેખ

1 એપ્રિલ, 2014નો ‘આપ કી અદાલત’નો વીડિયો જોવાનું થયું, જેમાં પ્રશ્નોના ઉત્તરમાં તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી એક પ્રશ્નના જવાબમાં આવું કહેતા જોવા મળ્યા :

‘ઇસ નરેન્દ્ર કો બનાને કા કામ અડવાણીજીને કિયા હૈ … નરેન્દ્ર કા ગુજરાત કે વિકાસ કે લિયે પલ પલ માર્ગદર્શન કિસને કિયા હે, તો અડવાણીજીને કિયા હૈ. ગુજરાત કે હમારે સાંસદ હૈ. ગુજરાત કી વિકાસ યાત્રા કૈસે ચલે, હર પલ હમે ઉંગલી પકડ કે ચલાયા હૈ. જિસ વ્યક્તિને નરેન્દ્ર કો ઇતના ચલાયા હૈ, વહ વ્યક્તિ દેસ કો કિતના બઢીયા ચલા સકતે હૈ? ઇસ કે લિયે કોઈ સબૂત કી જરૂરત નહીં હૈ, સબ સે બડા સબૂત મૈં હૂં ઉનકે લિયે.’

નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રધાન મંત્રી પદના ઉમેદવાર બનશે કે કેમ એવા પ્રશ્નના જવાબમાં એમણે આમ કહ્યું, ‘ભારતીય જનતા પાર્ટી કે પ્રધાન મંત્રી કે ઉમેદવાર શ્રીમાન લાલકૃષ્ણ અડવાણીજી હૈ ઔર હમ સબ પૂરી તાકત સે અડવાણીજી કો પ્રધાન મંત્રી બનાને કે લિયે ખપે હુએ હૈં.’

એ જુદી વાત છે કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી બન્યા ને અડવાણી પછી રાજકારણમાં બહુ દેખાયા નહીં, પણ મોદી પોતે અડવાણીનું મહત્ત્વ ત્યારે પણ પ્રમાણતા હતા અને આજે પણ પ્રમાણે છે, એટલે જ એમની છેલ્લી વર્ષગાંઠ પર વડા પ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમને શુભેચ્છાઓ આપવા તેમના ઘરે ગયા હતા.

આ વિષય અત્યારે કાઢવાનું કારણ એ છે કે આવતી 22 જાન્યુઆરી, 2024ને રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી મુરલી મનોહર જોશીને આમંત્રણ આપવામાં વિવાદ થયો. આમ તો નવા સંસદ ભવનનાં શિલાન્યાસ વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ આમંત્રણ આપવાનું યાદ રખાયું ન હતું, એટલે ક્યારે કોને ભૂલી જવાનું છે તે બરાબર યાદ રખાતું હોય છે, પણ અડવાણી અને જોશીને આમંત્રણ આપવામાં રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે વધુ પડતા આત્મવિશ્વાસને કારણે ભાંગરો વાટ્યો. તેમણે કહ્યું કે અડવાણીજીનું હોવું અનિવાર્ય છે અને અમે એ પણ કહીશું કે તેઓ મહેરબાની કરીને ન આવે. ડો. જોશી સાથે ચંપત રાયે ફોન પર વાત કરતાં કહ્યું કે તમે ન આવશો ને એ જીદ કરતા રહ્યા કે હું તો આવીશ. અડવાણી 96 વર્ષના છે અને જોશી 90ના થવાના. જોશીએ તો ઘૂંટણો બદલાવ્યા છે, એટલે એમની ઉંમરને કારણે 78 વર્ષનાં જનરલ સેક્રેટરીએ ઠંડીમાં તકલીફ ન લેવાનું કહ્યું હોય તે સમજી શકાય એવું છે. આ બંને સાથે ચંપત રાયના સંબંધો ના કહેવાનો અધિકાર ધરાવતા હોય, તેથી તેમણે ‘આવું’ આમંત્રણ આપ્યું હોય એ શક્ય છે, પણ મીડિયામાં એની અસરો કેવી પડશે એનો ખ્યાલ એમણે રાખવો જોઈતો હતો. એમાં કોઈ શંકા નથી કે ચંપત રાયે અડવાણી અને જોશીની તબિયતને લીધે જ ન આવવાનું કહ્યું હશે, પણ તેમના ટોનમાં નમ્રતા અને વિવેકનાં દર્શન ન થયાં, બલકે આધિકારિક તોછડાઈ વધુ જણાઈ. પ્રેસને સંબોધતાં પણ તેમણે એમ કહ્યું કે તમારામાંના ઘણા અડવાણીને જાણતા નહીં હોય, એમ બને, પણ વાત એટલી જ ન હતી, પોતે જાણે છે એવો ભાવ પણ એમાં અછતો રહ્યો ન હતો. અડવાણી કે જોશીને ન આવવાનું ફોન પર કહીને ચંપત રાય અટકી ગયા હોત તો આ મુદ્દે ચર્ચા વધી ન હોત, પણ તેમણે વધુ પડતી સ્પષ્ટતા સાથે પ્રેસને કહ્યું. જનરલ સેક્રેટરી તરીકે કે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે માત્ર આમંત્રણ આપીને તેમણે વિવેક જાળવી લેવાનો હતો. એવું તો હતું નહીં કે તબિયત સારી ન હોય તો પણ અડવાણી-જોશી આવવાની હઠે ચડે. બંને એટલી પાકટ ઉંમરનાં છે કે કયાં જવું અથવા ન જવું તે નક્કી કરવા તેમને કોઇની સલાહની જરૂર ન પડે. એ એટલા નાદાન નથી કે એમના જવા-આવવાનો નિર્ણય ચંપત રાયે કરવો પડે. એ ખરું કે એમનાં મનમાં કશું નહીં હોય, પણ એમના કહેવાની રીતે ઘણાંને દુભવ્યાં હોય એમ બને. ચંપત રાય, અડવાણી અને જોશીને ન જાણતા હોય એવું તો ન જ હોય, પણ એટલું નક્કી કે અડવાણી અને જોશી ન હોત તો રામ મંદિરનું અસ્તિત્વ હોવા વિષે ભારોભાર શંકા જ હોત !

પરિસ્થિતિ કોઈ પણ હોય, પણ જેમણે રામ મંદિર માટે જાત ખર્ચી નાખી હોય, તેમને રામલલ્લાનાં દર્શન કરતાં, 22 મી જાન્યુઆરી, 2024નું આમંત્રણ આપ્યાં પછી, અયોધ્યા આવતાં, મજાકમાં પણ રોકી ન શકાય. વળી હજારેક વર્ષે આવો ભવ્ય મહોત્સવ આવતો હોય, સાતેક હજાર વી.વી.આઇ.પી.ને આમંત્રણ અપાયું હોય ને એમાં 91 વર્ષનાં પૂર્વ પ્રધાન મંત્રી દેવેગૌડા, 88 વર્ષનાં દલાઇ લામા, 81 વર્ષનાં અમિતાભ બચ્ચન ને બીજી અનેક સેલિબ્રિટિઝને આમંત્રણો હોય, એમાં પણ ઘણાં 80ની ઉપરનાં હોય ને કોઇને ન આવવાનું કહેવાયું ન હોય, તો આ બેને જ ન આવવાનું મોં ફોડીને કહેવાનું વિચિત્ર તો લાગે જ છે. સંજોગોવશાત કોઈ ન આવે એ વાત જુદી છે, પણ ન આવવાનું આ બે પાયાના પથ્થરોને જ ભાન કરાવવું યોગ્ય નથી. વારુ, અયોધ્યાથી ચંપત રાયે નન્નો ભણ્યો ને બીજી બાજુએ વી.એચ.પી. નેતાઓ અડવાણીને ઘરે જઈને આમંત્રણ આપી આવ્યા ને એના ફોટા પણ રિલીઝ કરી દેવાયા. અડવાણી-જોશીએ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાની હર સંભવ કોશિશ કરશે એવું આશ્વાસન પણ આપ્યું.

અયોધ્યામાં મંદિર બનાવીશું એવા નારા જેમણે દેશમાં વહેતા કર્યા ને તેને માટે 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રથ યાત્રા કાઢી, એવા બે રથચક્રો અડવાણી-જોશીને ન આવવાનું કહેવાની તો કલ્પના ય ન આવે. ન જ આવવી જોઈએ. ગમ્મત તો એ છે કે વિપક્ષના એક પણ સભ્યને આનું આમંત્રણ નથી. તે એટલે કે એ વિપક્ષ છે. કેમ, વિપક્ષમાં કોઈ હિન્દુ નથી? એમાંનું કોઈ રામ ભક્ત નથી, એવું? આ ઉપેક્ષા અસહ્ય છે.

આ એ જ અડવાણી, જોશી, અશોક સિંઘલ, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, કલ્યાણ સિંહ વગેરે છે, જેમણે 6 ડિસેમ્બર, 1992ને રોજ બાબરી ધ્વંસનાં સાક્ષી બનવાનું સ્વીકાર્યું. અડવાણી-જોશી પર તો બાબરી તોડવાનાં ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ મૂકીને, ત્રણેક દાયકા સુધી ફોજદારી કેસ પણ ચલાવવામાં આવ્યો. રામ મંદિર આંદોલનનું નેતૃત્વ આ સૌએ કર્યું છે. એમાંના ઘણાંને આમંત્રણો છે, પણ, 30 ઓકટોબર, 1990ને રોજ અયોધ્યામાં કારસેવા કરવા ગયેલા કારસેવકોમાંથી 5નાં ગોળીબારમાં મૃત્યુ થયેલાં. એમનાં કુટુંબીજનો બદથી બદતર હાલતમાં અત્યારે જીવે છે, એ તો રામભક્તો હતાને? એમને આ પ્રસંગે યાદ કરવાની જરૂર નથી લાગતી? 2002માં સાબરમતી એક્સપ્રેસના S6 ડબ્બાને આગ લગાવીને, કારસેવા કરીને આયોધ્યાથી પરત આવી રહેલા યાત્રીઓને નિશાન બનાવીને 58 લોકોનાં કોલસા પાડી દેવાયા. રામ મંદિર દર્શનનો એમના કુટુંબી જનોનો હક માન્ય ખરો કે કેમ? એમને પણ આમંત્રિત કરવા જોઈએ, એવું નહીં?

ટૂંકમાં, આ માત્ર અયોધ્યાની જ નહીં, દેશ આખાની ઐતિહાસિક-ધાર્મિક ઘટના છે. યૌવનનો મહત્ત્વનો કાળ રામે વનવિહારમાં-પ્રકૃતિ વચ્ચે ગાળ્યો છે ને સાચું તો એ છે કે સત્તા લાલસા આ ચારે ભાઈઓમાં હતી જ નહીં, એટલે તો રામની પાદુકાએ 14 વર્ષ રાજ કર્યું. જગતના કોઈ ઇતિહાસમાં આવું થયું નથી. શાસન માટે લોહી રેડાયું છે. ભાઈઓ ગાદી માટે લડ્યા છે. દીકરાએ સત્તા માટે બાપની હત્યા કરી છે, જ્યારે રામ પોતાના કોઈ વાંક વગર વનમાં રહ્યા છે. હવે આવા રામ વનમાં રહે, તો મનમાં રહે તેની નવાઈ નથી. પિતાને ત્રણ રાણીઓ હતી, પણ વનમાં મોકલેલી સીતાની અવેજીમાં એ બીજી પત્ની કરતા નથી ને યજ્ઞમાં સીતાની મૂર્તિથી ચલાવે છે. લોકશાહીમાં લોક મહત્ત્વનો છે એટલે બધું જાણવા છતાં, નિર્દોષ સીતાને રાજા રામ ફરી વનમાં મોકલે છે. પતિને કારણે એક વાર નહીં, બબ્બે વાર સીતા વનવાસ વેઠે છે. આમ તો તે મહારાણી હતી, છતાં અયોધ્યામાં સીતા ઓછામાં ઓછું રહી છે. આજના અયોધ્યામાં એ રહેશે કે પછી ધરતીમાં જ સમાશે તે ખબર નથી. જેમ અડવાણી-જોશીનું અયોધ્યાનું નિશ્ચિત નથી, એમ જ સીતાનું ય હોય તો નવાઈ નહીં. જોઈએ, શું થાય છે તે –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ડિસેમ્બર 2023

Loading

...102030...906907908909...920930940...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved