Opinion Magazine
Number of visits: 9957596
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બૂટ પોલિશ: “આજ સે અપના હિન્દુસ્તાન આઝાદ હોતા હૈ, ભીખ માંગના બંધ”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 January 2024

રાજ ગોસ્વામી

તમને ખબર છે ભારતમાં (2015ના આંકડા પ્રમાણે) 5 લાખ ભીખારીઓ છે અને તેમાં 3 લાખ બાળકો છે? તમને ખબર છે ભારતમાં ભીખ માંગવી તે અપરાધ છે પણ નિર્ધનતાને દૂર કરવા માટે કોઈ રાષ્ટ્રીય નીતિ નથી? તમને ખબર છે ભારતમાં મોટા ભાગના લોકો એવું માને છે કે બાળકો અને લૂલાં-લંગડાં લોકો પાસે ભીખ મંગાવા પાછળ આપરાધિક નેટવર્ક કામ કરે છે?

ભારતના લોકોમાં દાન-પુણ્યની વૃત્તિ ઘણી મજબૂત છે, પરંતુ ભીખ માંગતાં લોકોને વાત આવે ત્યારે મોટાભાગમાં લોકો તેમને શરમનું પ્રતિક ગણીને ભીખ આપવાથી કતરાતા હોય છે. લોકો એવું માનતા હોય છે તેમને પૈસા આપીશું તો કાં તો તે ગુંડાઓના હાથમાં જશે અથવા દારૂમાં ઉડાવી દેશે. ત્યાં સુધી કે તેમને નિરાધાર ગણવાને બદલે ધંધાદારી ભિખારી ગણવામાં આવે છે.

બેઘર લોકોના પુનર્વસન માટે કામ કરતાં આશ્રય અધિકાર અભિયાન જેવાં સંગઠનોએ એવો દાવો કર્યો હોવા છતાં કે ભારતમાં સાચે જ મોટા પ્રમાણમાં બેઘર અને નિરાધાર લોકોની સમસ્યા છે, સામાન્ય લોકોમાં એવી ધારણા યથાવત છે કે આ ગરીબી નકલી છે. આ કારણથી જ ભારતમાં ભીખારીઓની, અને ખાસ કરીને બાળ ભીખારીઓની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી. ઓસ્કાર વિજેતા “સ્લમડોગ મિલિયોનેર”માં પણ એ જ વાત હતી કે કેવી રીતે બાળકો પર અત્યાચાર કરીને તેમની પાસે ભીખ મંગાવામાં આવે છે.

70 વર્ષ પહેલાં, 1954માં, ફિલ્મ નિર્માતા-નિર્દેશક રાજ કપૂરે ભીખારીઓ અંગેના આવા પ્રચલિત ભ્રમથી વિચલિત થઈને “બૂટ પોલિશ” નામની એક હૃદયસ્પર્શી ફિલ્મનું નિર્માણ કર્યું હતું. અભિનેતા અને નિર્દેશકના રૂપમાં રાજજી દેશના સળગતા સામાજિક મુદ્દાઓ અંગે કેટલા જાગૃત હતા તે તેમની અનેક ફિલ્મોમાં જોવા મળે છે, પણ તેમણે નિર્માતા તરીકે પણ એવી ફિલ્મોમાં પૈસા રોક્યા હતા જેમાં સમાજ ઉપયોગી વાત હોય. 

“બૂટ પોલિશ” એવી જ એક ફિલ્મ હતી. આર.કે. ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને પ્રકાશ અરોરા દ્વારા નિર્દેશિત “બૂટ પોલિશ,” રાજ કપૂર માટે એક વિશેષ ફિલ્મ હતી તેની સાબિતી ફિલ્મની ક્રેડિટ પરથી ખબર પડે છે. “બૂટ પોલિશ”નો ઉઘાડ દૂર આકાશમાં સૂર્યોદય તરફ હાથ લાંબા કરીને ઉભેલાં બે બાળકોથી થાય છે અને પછી તેમની પર ક્રેડિટ રીલ આવે છે; બેબી નાઝ, રતન કુમાર એન્ડ ડેવિડ. ફિલ્મના આ ત્રણ પ્રમુખ પાત્રો માટે સૂર્યોદય એક ઉત્તમ ભવિષ્યનું પ્રતિક છે.

ભોલા (રતન કુમાર) અને બેલૂ (નાઝ) અનાથ ભાઈ-બહેનો છે, જે તેમની દુષ્ટ કાકી કમલા(ચંદ બુર્કે)ના આશરે રહે છે. કાકી વેશ્યાવૃતિ કરે છે અને બાળકો પાસે ભીખ મંગાવે છે. ભોલાને ખબર છે કે જીવનમાં ભીખ માંગવા સિવાય પણ ઘણું છે. તે ટ્રેનમાં આવતા-જતા લોકોનાં જૂતાંની ચમક જોઇને, બૂટ પોલિશનું કામ કરવાનું સપનું સેવે છે. 

આ સમય દરમિયાન, બંનેની ઓળખાણ મહોલ્લાના બૂટલેગર જ્હોન ચાચા (ડેવિડ) સાથે થાય છે. જ્હોન તેમને ભીખ માંગવાની દુષ્ટતાથી વાકેફ કરે છે. આ પછી, ભોલો નક્કી કરે છે કે તે ભીખ નહીં માંગે અને લોકોનાં જૂતાં ચમકાવીને પેટ ભરશે. ભોલા અને બેલુ પૈસા એકઠા કરીને બૂટ પોલિશની પેટી વસાવે છે. તે વખતે બંને ભાઈ-બહેન વચ્ચેનો સંવાદ સાંભળવા જેવો છે;

ભોલા: આજ સે અપના હિન્દુસ્તાન આઝાદ હોતા હૈ, ભીખ માંગના બંધ.

બેલૂ: કામ કરના ચાલુ.

ભોલા: મહાત્મા ગાંધી કી જય.

બેલૂ: જવાહર લાલ નહેરુ કી જય.

ભોલા: દેખના બેલૂ, આજ સે મૈં કિતને પૈસે રોજ કમાતા હૂં!

બેલૂ: ફિર તુ મુજે બેર લા દેગા ન?

ભોલા: અરે બેર હી નહીં, ફિર મૈં તુજે ફ્રાક ભી લા દૂંગા

બેલૂ: લાલ વાલી ફ્રાક!

ફિલ્મ સંદેશ આપે છે કે ભીખ માંગવી નિંદનીય કૃત્ય છે અને જે દિવસે ભારત ભૂખમરો, ગરીબી અને બેરોજગારીથી મુક્ત થશે, તે દિવસ સાચા અર્થમાં આઝાદીનો દિવસ હશે. એવામાં ચોમાસું આવે છે અને લોકો બૂટ પોલિશ કરાવવાનું બંધ કરી દે છે. ભોલાનું આઝાદીનું સપનું રોળાઈ જાય છે.

બીજી બાજુ, પોલીસ ગેરકાયદેસર દારૂના ધંધા માટે જ્હોનની ધરપકડ કરે છે. અહીં, ભોલા અને બેલૂ ખાવા માટે તરસે છે. ભાઈ-બહેનો પર દુઃખનો પહાડ તૂટી પડે છે અને તેઓ રેલવે સ્ટેશન પર એકબીજાથી અલગ થઈ જાય છે. એક નિઃસંતાન દંપતી ટ્રેનમાં બેલૂને બેભાન અવસ્થામાં જુએ છે અને તેને દત્તક લે છે. 

બેલૂ ભણવાનું શરૂ કરે છે. તે એમ માને છે કે ભોલો હવે આ દુનિયામાં નથી. બીજી બાજુ, બેલૂથી વિખુટો પડેલો ભોલો જીવતા રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તે કામ માંગે છે પરંતુ કોઈ તેને કામ આપતું નથી અને છેવટે તેને ફરીથી ભીખ માંગવાની ફરજ પડે છે.

ફિલ્મ તેના પરાકાષ્ઠાએ પહોંચે છે. ભોલા સ્ટેશન પર ભીખ માંગે છે આ વાતથી અજાણ, બેલૂ તેને પૈસા આપવા હાથ લાંબો કરે છે અને જુવે છે તે બીજો કોઈ નહીં પણ તેનો વ્હાલો ભાઈ ભોલા છે. આ દૃશ્ય ખૂબ જ માર્મિક છે. દર્શકોને એવું લાગે છે કે બાળકોની આવી સ્થિતિ માટે ક્યાંક ને ક્યાંક તેઓ બધા દોષી છીએ. 

છેવટે બંને ભાઈ-બહેન ભેગાં થાય છે. પેલું દંપતી ભોલાને પણ દત્તક લે છે અને અંતે, બંને ભાઈ-બહેન શાળાએ જતાં હોય તેવા દૃશ્ય સાથે ફિલ્મ પૂરી થાય છે. એમાં સંદેશ એવો હોય છે કે બાળકોના કોમળ હાથ ભીખ માંગવા માટે નહીં, પરંતુ પુસ્તકો પકડવા માટે છે. 

ફિલ્મનું કથાનક જેટલું આશાવંત હતું, તેનાં ગીતોમાં પણ એવો જ આશાવાદ ભરેલો હતો. ફિલ્મમાં શંકર જયકિશનનું સંગીત હતું અને હસરત જયપૂરી તેમ જ શૈલેન્દ્રએ ગીત લખ્યાં હતાં. તેમાં મહોમ્મદ રફી અને આશા ભોંસલેનું એક આજે પણ એટલું જ લોકપ્રિય છે. તેના શબ્દો ઘણાં માર્મિક હતા;

નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ? 

મુઠ્ઠી મેં હૈ તકદીર હમારી

હમને કિસ્મત કો બસ મેં કિયા હૈ

ભોલી ભાલી મતવાલી આંખો મેં ક્યા હૈ?

આંખો મેં ઝૂમે ઉમ્મીદો કી દિવાલી

આનેવાલી દુનિયા કા સપના સજા હૈ

“બૂટ પોલિશ” ભૂખમરી જેવા નકારાત્મક વિષય પર હતી, પરંતુ તેનો ઉદેશ પ્રેરણાદાયી હતો. આ ગીતમાં જે સંદેશ હતો તેમ, બાળકોની આંખોમાં ઉદાસીને બદલે સપનાં હોવાં જોઈએ, તેમના હાથમાં મજૂરીનાં સાધન નહીં, કલમ હોવી જોઈએ, પણ ભારતીય સમાજની સમાનતા અને ઉદાસીનતા તેમને ભીખ માંગવા માટે મજબૂર કરી દે છે. 

“બૂટ પોલિશ” રિલીઝ થઇ ત્યારે “મેં કેમ આ ફિલ્મ બનાવી” તેવા એક અખબારી લેખમાં રાજ કપૂરે લખ્યું હતું, “’આવારા’ ફિલ્મમાં મેં એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે લોકો જન્મથી બેઘર નથી હોતા, પરંતુ આપણા આધુનિક શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં, ભયંકર ગરીબી અને ખરાબ વાતાવરણમાં તે પેદા થાય છે. ‘બૂટ પોલિશ’ નિરાધાર બાળકોની સમસ્યા, અસ્તિત્વ માટેના તેમના સંઘર્ષ અને સંગઠિત ભિક્ષાવૃતિ સામેના તેમના સંઘર્ષને દર્શાવે છે. આ ફિલ્મનો હેતુ દર્શકોને એ સમજવાનો હતો કે અનાથ બાળકોની જેટલી જવાબદારી સરકારની છે તેટલી જ સમાજની પણ છે. વ્યક્તિગત દાન આ સમસ્યાનું સમાધાન નહીં કરે કારણ કે તેનો એકમાત્ર ઉકેલ રાષ્ટ્રીય સ્તરે સહકારી પ્રયાસ છે.”

(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 24 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉમેદ જગવતી, પરંતુ …

દિલીપ મંડલ [અનુવાદ - નિલય ભાવસાર]|Opinion - Opinion|24 January 2024

સિનેમા, કલા, પુસ્તકો, ગીતો આ બધા જ સમાજનું દર્પણ છે. જેની બે બાજુએ અસર થાય છે. આ તમામ સમાજથી પ્રભાવિત છે અને આ તમામ માધ્યમની અસર સમાજ પર પણ પડે છે. જે પૈકી સિનેમાની અસર સૌથી વધારે છે કારણ કે તેનો દર્શક વર્ગ વધારે છે તેમ જ લોકો સિનેમામાં દેખાડવામાં આવેલી વાતને સાચી માની લે છે. ફિલ્મોની ફેશન અને વિચારો પર પણ ઊંડી અસર પડે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 12th Fail પર એક સમાજશાસ્ત્રીય નજર કરીએ. 

પહેલી નજરે આ ફિલ્મ ગરીબીમાંથી બહાર આવીને ઊંચાઈને સ્પર્શતી તેમ જ સંઘર્ષ કરીને સફળતા પ્રાપ્ત કરતી વાર્તા લાગે છે. જેમાં એક વિદ્યાર્થી હિન્દી મીડિયમની તમામ અડચણોને પાર કરીને અધિકારી બને છે. આ ઉત્સાહ અને જોશ વધારતી ફિલ્મ છે કે જે આશા જગાવે છે. જેમાં એવું પણ દર્શાવાયું છે કે પ્રેમમાં કેવી રીતે કશું કરી દેખાડવાનું જૂનૂન પેદા થાય છે અને આ ફિલ્મ એવો પણ સંદેશ આપે છે કે હાર નહીં માનું. પણ, આ લેખમાં એવું દેખાડવાનો પ્રયાસ કરાશે કે 12th Fail ફિલ્મના હીરો મનોજ શર્માની આ સફરમાં તેને જન્મોથી મળેલા વિશેષાધિકારો એટલે કે પ્રિવિલેજે કેવી ભૂમિકા ભજવી છે, અને જો તેમને આ વિશેષાધિકારો ના મળ્યા હોત તો તેઓ માટે આ તમામ દરવાજા આટલા સરળતાથી ના ખુલ્યા હોત. મનોજ શર્માના જીવન સંઘર્ષમાં તેઓ સાથે એક સપોર્ટ સિસ્ટમ સાથે ચાલી રહી હતી. વિશેષાધિકારો વિના તેમની યાત્રા કદાચ આટલી શાનદાર ના રહી હોત. સાથે જ એ કહેવું પણ એટલું જ જરૂરી છે કે દેશના મોટા ભાગના લોકો પાસે તે વિશેષાધિકારો નથી, માટે જો કોઈ યુવા એવું વિચારતો હોય કે દિલ્હી આવ્યા પછી બધું આટલી સરળતાથી થઈ જશે તો તેને તેનો ભ્રમ માનવામાં આવશે.

હું અહીં વિદ્યાર્થી મનોજ શર્માના કેટલાંક વિશેષાધિકારોનું લિસ્ટ રજૂ કરી રહ્યો છું.

1. દિલ્હી આવ્યા પહેલા મનોજ શર્મા જ્યારે ચંબલના એક ગામમાં રહેતા હતા ત્યારે તેમનો અને તેમના ભાઈનો સ્થાનિક ધારાસભ્યના લોકો સાથે ઝઘડો થયો હતો. કસ્ટડીમાં લીધા પછી તેઓ બંનેને પોલીસ સાથે વિવાદ થાય છે અને મનોજ ભાગીને રાત્રે ડી.એસ.પી.ના સરકારી નિવાસસ્થાનના પ્રાંગણમાં પ્રવેશ કરે છે. તે ડી.એસ.પી.ને પડકારતા સિસ્ટમને અપશબ્દો આપવાનું શરૂ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે ડી.એસ.પી. મનોજને લઈને પોલીસ સ્ટેશને પહોંચે છે અને તેઓ બંનેને મુક્ત કરાવે છે. વર્તમાન વ્યવસ્થામાં આ લગભગ અશક્ય વાત છે. હવે એ સમજવાની વાત છે કે મનોજ શર્માના કેસમાં આ કેવી રીતે શક્ય બન્યું અને એ પણ સમજવું પડશે કે શું રાત્રે ડી.એસ.પી.ના ઘરમાં ઘૂસવાનો આત્મવિશ્વાસ ક્યાંક મનોજ શર્મા જે જ્ઞાતિમાંથી આવે છે તેના કારણે તો નથી ને?

2. ઘણાં વિવેચકો આ ફિલ્મને ગરીબોના સંઘર્ષ તરીકે જોઈ રહ્યા છે. પણ, આ ગરીબ પરિવાર બિલકુલ નથી. મનોજના દાદા આર્મીમાં જુનિયર કમિશન્ડ ઓફિસર હતા. દાદીને પેન્શન મળે છે. પિતા સરકારી કર્મચારી હતા જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને આરોપો સામે હાઈકોર્ટમાં કેસ લડી રહ્યા હતા. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે તેમની પાસે જમીન અને ગાય પણ છે. એટલે કે બી.પી.એલ. પરિવારમાંથી અધિકારી બનવાની આ કોઈ ડ્રીમ સ્ટોરી નથી. એકંદરે તે મધ્યમ વર્ગનું કુટુંબ કહી શકાય.

3. નવાઈની વાત એ પણ છે કે માત્ર મનોજ જ નહીં, સમગ્ર પરિવારને વિશ્વાસ છે કે મનોજ 12મું પાસ થતાં જ તેને સરકારી નોકરી મળી જશે. આ આત્મવિશ્વાસનું કારણ શું છે તે ખબર નથી. આ 1980-1990ની વાત છે અને તે સમયે 12મું પાસ કર્યા પછી નોકરી મેળવવાનો આટલો આત્મવિશ્વાસ હોવો સ્વાભાવિક ન હતો કારણ કે ત્યાં સુધીમાં નોકરીઓ માટેની મારામારી શરૂ થઈ ગઈ હતી. આ આત્મવિશ્વાસનું કારણ અથવા વિશેષાધિકાર શું હશે તે ફિલ્મ જોઈને જાણી શકાતું નથી.

4. જ્યારે મનોજ ગ્વાલિયરથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે છે અને રસ્તામાં તેના પૈસા અને સામાન ચોરાઈ જાય છે, ત્યારે તે એક હોટલમાં ખાવાનું માગે છે અને તેને ટેબલ ખુરશી પર બેસાડવામાં આવે છે અને તેને મફતમાં ભોજન આપવામાં આવે છે. શું આ તમને સ્વાભાવિક લાગે છે? ત્યાં તે શ્રીમાન પાંડેને મળે છે જેઓ મનોજ શર્માને પોતાના ખર્ચે દિલ્હી લઈ જાય છે. દરેકના જીવનમાં આટલા બધા સુખી સંયોગો નથી હોતા.

5. ગૌરી ભૈયા મનોજના જીવનમાં ભગવાનની જેમ આવે છે. તે પોતે ઉમેદવાર છે, પરંતુ અન્યોને મફત કોચિંગ આપે છે. તે મનોજને પોતાના શિષ્ય બનાવે છે. બાદમાં, તે મનોજ માટે પોતાનો રૂમ છોડી દે છે અને તેને 24 કલાકનો સહાયક પણ આપે છે. મનોજ શર્માના જીવનમાં આ પણ એક રસપ્રદ સંયોગ બને છે, પરંતુ કેટલા લોકોના જીવનમાં આવા સંયોગો બને છે? અને પછી પણ કેટલા લોકોના જીવનમાં આ સંયોગો સતત બનતા રહે છે? શું આને અમુક પ્રકારના વિશેષાધિકારનું પરિણામ ગણી શકાય? ગૌરી ભૈયાનું પાત્ર માત્ર એ બતાવવા માટે ઊભું કરાયું છે કે મનોજનો સંઘર્ષ કેટલો મહાન છે કારણ કે ગૌરી ભૈયાને છ અને મનોજને ચાર અટેમ્પટ મળવાના છે.

6. મનોજ શર્મા અને શ્રદ્ધા જોષીની લવસ્ટોરી મસાલા ફિલ્મો જેવી છે. હિન્દી ફિલ્મોમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે પ્રેમ થાય, જેથી લગ્નમાં કોઈ મુશ્કેલી ના આવે. થોડી અનિચ્છા પછી શ્રદ્ધાના પિતા પણ સંમત થાય છે. છેવટે, છોકરો સિવિલ સર્વિસનો ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યો છે અને તે સમુદાયનો પણ છે!

7. ગરીબ મનોજ દિલ્હીની એક પ્રખ્યાત કોચિંગ સંસ્થામાં એડમિશન લે છે. આ પણ એક સંયોગ છે.

8. જ્યારે મનોજ શર્મા મેઈન્સમાં નિષ્ફળ જાય છે, ત્યારે તે કારકિર્દી માર્ગદર્શન માટે સીધા અગાઉના IAS ટોપર પાસે જાય છે, જે હવે વરિષ્ઠ અધિકારી છે. આટલું જ નહીં, અધિકારી બળજબરીથી ઘૂસી આવેલા એક યુવકને બેસાડી તેની સાથે વાત કરે છે અને મહત્ત્વની બાબતો પણ સમજાવે છે. આપણે સમજી શકીએ છીએ કે કયા વિશેષાધિકારને લીધે આ બન્યું હશે. પરંતુ તેને મનોજ શર્માના સંઘર્ષ રૂપે દર્શાવવામાં આવ્યું છે.

9. મનોજ શર્માનો UPSC ઇન્ટરવ્યુ ખૂબ જ નાટકીય અને સનસનાટીભર્યો છે. ઇન્ટરવ્યુ લેનારાઓ તેના જવાબો સાંભળ્યા પછી તેને બહાર કરી દે છે. પછી તેમાંથી એક હસ્તક્ષેપ કરે છે અને મનોજને ફરીથી બોલાવવામાં આવે છે, તેની વાર્તા સાંભળવામાં આવે છે અને તેની પસંદગી કરવામાં આવે છે. આ કાંઈ દરેક લોક સાથે થતો સંયોગ નથી. જે રીતે UPSC ઈન્ટરવ્યુમાં વંચિત વર્ગને નંબર આપવાની પેટર્ન છે તે જોતાં મને નથી લાગતું કે SC, ST કે OBC ઉમેદવારો સાથે આવો સંયોગ બની શકે.

10. હિન્દીના ઉમેદવારોને ઘણી વખત અંગ્રેજી માધ્યમના ઉમેદવારો કરતાં ઓછા આંકવામાં આવે છે. પણ, અન્ય ભારતીય ભાષાઓના મુકાબલે તેઓને સારું પરિણામ મળે છે. દિલ્હીમાં ઈન્ટરવ્યુ થતો હોવાથી અથવા સંરચનાત્મક કારણોથી બોર્ડમાં હિન્દી જાણતા લોકો વધારે હોય છે. માટે મનોજ શર્માની વાત સાંભળવામાં આવી. જો તેઓ તમિલ, તેલુગુ, કન્નડ અથવા ઉડિયા બોલ્યા હોત તો તેમની વાત કોણે સાંભળી હોત?

વાત જાણે એમ છે કે આ ફિલ્મ 12th Failમાં સંઘર્ષ અને પ્રિવિલેજ એટલે કે મહેનત વિના મળેલા વિશેષાધિકારોની અસરનું મિશ્રણ કરવામાં આવ્યું છે. જેથી એ ખ્યાલ નથી આવતો કે આ સંઘર્ષ છે કે પછી પ્રિવિલેજ એટલે કે વિશેષાધિકાર. 

મૂળ લેખ – દિલીપ મંડલ (ThePrint) (દિલીપ મંડલ ‘ઇન્ડિયા ટુડે’ હિન્દી મેગેઝિનના ભૂતપૂર્વ મેનેજિંગ એડિટર છે અને તેમણે મીડિયા અને સમાજશાસ્ત્ર પર પુસ્તકો લખ્યાં છે. વ્યક્ત વિચારો અંગત છે.) અનુવાદ – નિલય ભાવસાર

https://hindi.theprint.in/opinion/12th-fail-gives-hope-but-scratch-the-film-truth-lies-buried-beneath-the-surface/647954/
e.mail : nbhavsarsafri@gmail.com

Loading

સમર્પિત સમાજવાદી મધુ દંડવતે, શતાબ્દી સુમિરન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 January 2024

તેઓ રેલવે પ્રધાન હશે, પણ ચાલુ ગાડીએ ચડી જવા સારુ જાણીતા નહોતા. બીજા–ત્રીજા  વર્ગનાં કષ્ટદદાયક પાટિયાં એમને હસ્તે ફોમવંતાં બન્યાં, ને લાંબા અંતરની સુપરફાસ્ટ ટ્રેનો સુક્કી ટાટ ઓળખને બદલે સાંસ્કૃતિક સોડમ લઈને આવી. મુંબઈ–હાવરાને જોડતી ગાડીને રેલબાબુઓએ ઇસ્ટર્ન એક્સપ્રેસ કહેવા ધારેલું, દંડવતેના જાદુઈ સ્પર્શે તે ગીતાંજલિ બની ગઈ … આગળ ચાલતાં એ જ ધાટીએ નવજીવન આવી અને સર્વોદય પણ! 

મધુ દંડવતેએ રવીન્દ્રનાથ ટાગોરના પુસ્તક ‘ગીતાંજલિ’ના સન્માનમાં ટ્રેનનું નામ ગીતાંજલિ રાખ્યું

રાજકારણના રણમાં વીરડી શી એક સાંભરણમાં ચિત્ત ઠરવા કરે છે. 1974ના નવેમ્બરમાં ભરજે.પી. આંદોલને મધુ દંડવતેને પહેલ પ્રથમ મળવાનું થયું હતું. આંદોલનના એ વાસંતી મહિનાઓમાં, જયપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં નવી દિલ્હીના વિઠ્ઠલભાઈ પટેલ હાઉસમાં મળેલા પક્ષ-અપક્ષ સંમેલન(પાર્ટી-નોન પાર્ટી કન્વેશન)માં ભાગ લઈ વળતે દહાડે અમદાવાદ પાછા ફરવાનું હતું. કન્ફર્મ્ડ ટિકિટનો જોગ નહોતો. પણ લોકસભાની કેન્ટીનમાં પુ.ગ. માવળંકરને શોધું તે પહેલાં અનાયાસ જ એક વડીલ સજ્જન મળી ગયા. એ ય ‘અણ્ણા’(માવળંકર)ની શોધમાં હતા. છાપાકૃપાએ હું એમને ઓળખી ગયો, આ તો દંડવતે. જરી વાત નીકળી ન નીકળી ત્યાં તો એમણે જ મને સાસંદ

પ્રકાશ ન. શાહ

ક્વોટામાંથી ટિકિટ માટેની ભલામણ લખી આપી. એમના શતાબ્દી વર્ષ(21-1-1924 : 12-11-2005)માં જોગાનુજોગવશ આ સંભારણું એટલા વાસ્તે કે તે મિનિટે મને ખબર નહોતી કે હું ભાવિ રેલવે પ્રધાન મારફતે ટિકિટ મેળવી રહ્યો છું!

જનતા રાજ્યારોહણ સાથે મોરારજી દેસાઈ મંત્રીમંડળ(1977-1979)માં રેલવે પ્રધાન અને તે પછી બે’ક દાયકે વિશ્વનાથ પ્રતાપ સિંહ મંત્રીમંડળમાં નાણાં પ્રધાન રહેલા, હાડના સમાજવાદી મધુ દંડવતે રેલવે પ્રધાન હશે પણ ચાલુ ગાડીએ ચડી જવા સારુ જાણીતા કદાપિ નહોતા. નાણાં પ્રધાન હશે પણ નાણાં સારુ જાણીતા નહોતા. મોરારજી મંત્રીમંડળમાં જોડાવાનું કહેવા સરકારી અધિકારી આવ્યા, આ જ વી.પી. હાઉસના એક કમરામાં એમને શોધતા, ત્યારે આપણો વીરનાયક લાંબા ચૂંટણી પ્રવાસ દરમ્યાન ભેગાં થઈ ગયેલાં મેલાં કપડાં ધોવામાં દત્તચિત્ત હતો … અને હા, વિશ્વનાથ પ્રતાપ સિંહનું પ્રધાનમંડળ ઘરે બેઠું ત્યારે દેશના હજુ હમણેનાં નાણાં પ્રધાન બેંકની બારીએ કાર લોન સારુ ઊભેલાં તે પણ ઇતિહાસદર્જ છે.

એક સંઘર્ષશીલ ને સ્વાધ્યાયપુત સમાજવાદી વિશે એના ટૂંકજીવી સત્તાકાળને છેડેથી વાત કરી તે એ વાનું ઉપસાવવા માટે કે આવી વ્યક્તિનું સત્તા પર હોવું એના કેવા તો સાંસ્કૃતિક-સામાજિક આયામ હોઈ શકે છે. એમણે શપથ લીધા ત્યારે આગલી (ઇન્દિરા) સરકારી અને રેલવે યુનિયન વચ્ચે આકરા અવિશ્વાસનો અને ઉગ્રકટુ નાતો હતો. દંડવતેના ન્યાયી અભિગમે વિશ્વાસ અને સહયોગનો સંબંધ ઊભો કરી ખાતું એવું તો ચલાવ્યું કે મોરારજીભાઈ કહેતા કે મેં સંભાળ્યું હોત તો આ હદે જામ્યું ન પણ હોત. બીજા/ત્રીજા વર્ગની લાંબી મુસાફરી લાકડાનાં પાટિયાંને કારણે અંતે કષ્ટદાયક અનુભવાતી. દંડવતે હસ્તક એ પાટિયાં ફોમવંતાં બન્યાં. એ કહેતા કે મારે ફર્સ્ટ ક્લાસને ડિગ્રેડ નથી કરવો પણ સેકન્ડ/થર્ડ અપગ્રેડ તો થઈ શકે ને. લાંબા અંતરની સુપરફાસ્ટો પણ એમને નામે જમા બોલે છે. મુંબઈ-કોલકાતા કે બીજી. રેલબાબુઓ પશ્ચિમ(મુંબઈ)થી પૂર્વ (કોલકાતા) દોડતી ટ્રેઈન વાસ્તે સીધુંસટ ‘ઈસ્ટર્ન રેલવે’ નામ લઈ આવ્યા હતા. દંડવતે હસ્તક એ ‘ગીતાંજલિ’ થઈ ગયું – અને આગળ ચાલતાં એ જ ધાટીએ ‘નવજીવન’ અને ‘સર્વોદય’ પણ આવ્યાં … કામદાર ને ગ્રાહક બેઉ સાથે સૌહાર્દ, નીચલા વર્ગને ફોમ-પથારી અને રેલગાડીને ટાગોર-ગાંધી પરંપરાનાં નામો! સમાજવાદી વહીવટની સાંસ્કૃતિક-સામાજિક પહેચાન તે આનું નામ.

સન બયાલીસનો સ્વાતંત્ર્યપૂર્વ સંઘર્ષ કે સ્વાતંત્ર્યોત્તર ગોવા મુક્તિ ને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન, આ બધા કારા-સંઘર્ષો વચ્ચે મધ દંડવતેનું આજીવિકાનું સાધન મુંબઈની આંબેડકર સ્થાપિત સિદ્ધાર્થ કોલેજમાં ફિઝિક્સ(ભૌતિકશાસ્ત્ર)ની પ્રાધ્યાપકીનું હતું. સમાજવાદી કર્મશીલ ને કટારલેખક હિમ્મત ઝવેરી પાસે સાંભળ્યું છે કે અમે મોટે ઉપાડે સંઘજીવન(કોમ્યુન લાઈફ)નો પ્રયોગ કર્યો પણ અમારામાં એકમાત્ર નિયમિત આવકઠેકાણું મધુની પ્રોફેસરીનું હતું.

અને પ્રમિલાબહેનનું ને એમનું દામ્પત્ય! રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રાથમિક પરિચય પછી સાને ગુરુજીના  રાષ્ટ્ર સેવાદળની શિક્ષાદીક્ષા પામેલાં – ને એમાં પણ એના કલાપથક સાથે વિશેષ લગાવ ધરાવતાં પત્ની પ્રમિલા (1980માં જનતા પક્ષનાં વળતાં પાણી છતાં) મુંબઈથી લોકસભામાં ચૂંટાયેલાં. પતિ-પત્ની બંનેએ કટોકટીકાળમાં બધો વખત, એકે બેંગ્લોર તો બીજાએ યરોડા જેલમાં, અલગ અલગ રહેવાનું નિરમાયેલું હતું. એમની વચ્ચે ત્યારે બસો જેટલા પત્રોની જે આપલે થઈ હતી એમાંથી પસાર થવું તે એક સમર્પિત દામ્પત્યની શીલસુવાસમંડિત જુગલબંદી શો સાક્ષાત્કારક અનુભવ છે. વાંચનલેખનની વાતો, રાત વરત રાગ જય જયંવતીની સંનિધિ, દૂર પડેલાં પતિ-પત્ની જેલ ઓથોરિટીની રજા સાથે કવચિત મળી શકાય એવી હોંશ સેવે છે, પણ સ્વમાનભોગે મળતી રજા નહીં – એવું વલણ, જયપ્રકાશની કિડની ફેઈલ થઈ રહ્યાના સમાચાર વચ્ચે પતિ દાક્તરી સંમતિને ધોરણે પોતાની કિડની ઓફર કરવાનું વિચારે છે ને પત્ની એનાં દૂખણાં લે છે. આપણે બેઉ જેલમાં છીએ ને હજુ ભણતો એકનો એક પુત્ર ઉદય કેમ જાણે પોતાને અનાથવત્ અનુભવતો હશે એ ખયાલે બહુ ચિંતિત છે તો ક્યાંક ચિત્તને ખૂણે એમ પણ છે કે ઉદય પણ ઠીક સંઘર્ષદીક્ષા મેળવી રહ્યો હશે. 1975-1977ના ગાળાની બેંગ્લોર-યરોડા જેલ ફ્રિકવન્સી પરની આ એક ન્યારી સુરાવલિ છે.

પોતે નાણાં પ્રધાન બન્યા પછી એક વાર એમણે વાત વાતમાં વી.પી.ને પૂછ્યું કે તમે મને આ ખાતું સંભાળવા કેમ કહ્યું. વી.પી.એ લાગલું જ કહ્યું કે હું રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં નાણાં ખાતું સંભાળતો હતો ત્યારે તમે વિપક્ષી સંસદસભ્ય તરીકે ગૃહમાં જે પ્રશ્નો ઊભા કરતા એમાં મને આંતરવા જોગ લાગે એવા મુદ્દા પૂંઠે સાચુકલી પૃચ્છા જોતો અને મારા ખાતા અંગેની તમારી ટિપ્પણીઓ પણ હું સંમત હોઉં કે અસમંત, મને સટીક લાગતી. એથી થયું કે આ જવાબદારી તમને જ ભળાવું.

વિજ્ઞાનને સરળ રીતે મૂકી આપતાં ધારાપ્રવાહ મરાઠી વ્યાખ્યાનોથી માંડી રાજકીય પ્રતિભાવો, પ્રશ્નો, પ્રવાહો ને પરિબળો વિશેનું લેખન વળી એક જુદો જ ઈણકો છે, એટલી એક અધૂરીમધુરી નોંધ, આ શતાબ્દી વંદના સમેટતાં.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 જાન્યુઆરી 2024

Loading

...102030...897898899900...910920930...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved