Opinion Magazine
Number of visits: 9957198
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ રચીને પશ્ચિમના ધર્મોનું અનુકરણ કર્યું હતું

રમેશ ઓઝા|Opinion - Opinion|3 March 2024

રમેશ ઓઝા

આ જગતમાં વિવિધ દેશોમાં રહેતા હોવા છતાં ઈસાઈઓ અને મુસલમાનો સંગઠિત છે, કારણ કે તેમનો ધર્મ સંગઠિત અને માળખાબદ્ધ છે. બીજી બાજુ હિંદુઓ એક જ દેશમાં રહેતા હોવા છતાં વિખરાયેલા છે, કારણ કે તેમનો ધર્મ વિખરાયેલો છે. ગમે ત્યારે કોઈ નવો સંપ્રદાય સ્થપાય. ગમે ત્યારે સંપ્રદાયમાં પેટા-સંપ્રદાય રચાય. ગમે ત્યારે કોઈ ઈશ્વરનો અવતાર ફૂટી નીકળે અને પોતાને ભગવાન તરીકે પૂજાવે. પોતાનાં મંદિર બંધાવે. તેમનો વળી ધર્મગ્રંથ અલગ હોય. આ સિવાય કોઈ વળી આ છોડવાની શીખ આપે તો કોઈ વળી ફલાણું અપનાવવાની શીખ આપે. જો હિંદુ ધર્મ આ રીતે બોડી બામણીના ખેતર જેવો હોય તો હિંદુઓ ક્યારે ય સંગઠિત થઈ શકે ખરા?

પહેલી વાત તો એ કે આ જગતમાં ઈસાઈઓ અને મુસલમાનો સંગઠિત છે એવો દયાનંદ સરસ્વતીનો અભિપ્રાય વાસ્તવિકતા પર આધારિત નહોતો. હકીકતમાં તો ઈસાઈઓ અને મુસલમાનો જેટલા આપસમાં લડ્યા છે અને એકબીજાનું લોહી રેડ્યું છે અને આજે પણ રેડી રહ્યા છે એટલા હિંદુઓ આપસમાં નથી લડ્યા. પોતાની ચોક્કસ ધાર્મિક માન્યાતાઓને લઈને તેઓ આપસમાં લડ્યા છે અને લડે છે. મધ્યકાલીન યુરોપમાં અને ઇસ્લામિક દેશોમાં અલગ સૂર કાઢનારાઓની તેમ જ વિજ્ઞાનનિષ્ઠ કથન કરનારાઓની હત્યા કરવામાં આવી છે અને કરવામાં આવે છે. દયાનંદ સરસ્વતીના યુગમાં સંસ્થાનો કબજે કરવા માટે તેઓ આપસમાં લડતા હતા અને ૨૦મી સદીમાં તેમની વચ્ચે બે યુદ્ધ થયાં હતાં જે વિશ્વયુદ્ધ તરીકે ઓળખાય છે. બધું જ તેમની વચ્ચે આપસમાં હતું અને થઈ રહ્યું છે, તેમનો ધર્મ માળખાબદ્ધ હોવા છતાં ય. તેઓ ધર્મને કારણે સંગઠિત હતા અને છે એમ કહેવું એ ભૂલભરેલું છે.

દયાનંદ સરસ્વતીને આની જાણકારી હોય એમ લાગતું નથી. તેમને તો એમ જ લાગતું હતું કે તેઓ સંગઠિત છે અને તેનું કારણ તેમના ધર્મનું સ્વરૂપ છે. તેમના ધ્યાનમાં એ વાત પણ નહોતી આવી કે મુસલમાનો અને ઈસાઈઓ તેમનાં ધર્મના સ્વરૂપને કારણે અંદરોઅંદર એકબીજા પરત્વે અસહિષ્ણુ હતા અને હિંદુ ધર્મ કહેવાતો વિખરાયેલો છે એટલે હિંદુઓ આક્રમક નથી. એકબીજાને સ્વીકારી લે છે અને આગળ વધે છે. હિંદુ ધર્મ શ્રદ્ધાઓનો બગીચો છે.

સ્વામી દયાનંદ સરસ્વતી

શું વિશેષતા છે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં? એક ઈશ્વર, એક ધર્મગ્રન્થ અને એક ધર્મપ્રવર્તક. આમાં ઇસ્લામમાં તો તેમના ખુદાનો કોઈ આકાર પણ નથી. તેમનો ભગવાન સગુણ નિરાકાર છે. મુસલમાનો મૂર્તિપૂજા કરતા નથી અને તેને હીન માને છે. દયાનંદ સરસ્વતીને એમ લાગ્યું કે હિંદુઓએ પણ આવો માર્ગ અપનાવવો જોઈએ. તેમનો એક ઈશ્વર હોય, તેની મૂર્તિપૂજા ન થતી હોય અને એક ધર્મગ્રન્થ હોય. બીજું, ઇસ્લામમાં જેમ ખુદા અને બંદા વચ્ચે જેમ મોક્ષ અને સ્વર્ગની ગેરંટી આપનારા વચેટિયા નથી હોતા એમ હિંન્દુ ધર્મમાં પણ કોઈ આવા વચેટિયા ન હોય. આર્ય સમાજમાં ઈશ્વર નિરાકાર છે. નિરાકાર છે એટલે મૂર્તિપૂજાનો સવાલ પેદા નથી થતો. વેદ એ ઈશ્વર પ્રણિત ધર્મગ્રન્થ છે જે કુરાન અને બાયબલ જેવું સ્થાન ધરાવે છે. તેના એક શબ્દને પણ પડકારી ન શકાય. તેમણે આર્ય સમાજને જે સ્વરૂપ આપ્યું હતું તેને કારણે એક સમયે પંજાબમાં આર્યસમાજનાં ધર્મસ્થાનો મસ્જીદ તરીકે ઓળખાતાં હતાં. લાલા લજપતરાયે તેમની આત્મકથામાં આર્ય સમાજનાં મંદિરોનો ઉલ્લેખ મસ્જીદ તરીકે કર્યો છે. ટૂંકમાં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ રચીને પશ્ચિમના ધર્મોનું અનુકરણ કર્યું હતું. અનુસરણ નહોતું, અક્ષરસ: અનુકરણ.

અનેક છોડની બનેલી હિંદુ વાડીમાં આર્ય સમાજ સ્વીકાર્ય બને એ શક્ય જ નહોતું. ગુજરાતમાં પાખંડી પૂજાય એવો ફિટકાર આપીને દયાનંદ સરસ્વતી ગુજરાત છોડીને જતા રહ્યા હતા, પરંતુ તેમને પંજાબ છોડીને અન્યત્ર આવકાર મળ્યો નહોતો. પંજાબમાં આવકાર મળ્યો એનું કારણ પંજાબની ખાસ સ્થિતિ હતી. અવિભાજિત પંજાબમાં મુસલમાનો બહુમતીમાં હતા અને સીખો પોતાને હિંદુ તરીકે ઓળખાવતા નહોતા, પણ અલગ ખાલસા ધર્મિય તરીકે ઓળખાવતા હતા. સિખોની વસ્તી પણ મોટી હતી. આમ પંજાબ છોડીને દેશભરમાં કોઈ જગ્યાએ આર્ય સમાજનો સ્વીકાર થયો નહોતો. આ સિવાય દયાનંદ સરસ્વતીની ભાષા પણ આક્રમક હતી. ‘સત્યાર્થપ્રકાશ’ નામના ગ્રન્થમાં તેમણે જે ભાષામાં ધર્મવિવેચન કર્યું છે એ જોઇને આપણને આજકાલના ભક્તોની યાદ આવે. ફરક એટલો કે તેમનું વિવેચન એકંદરે તાર્કિક હતું, પણ સંપૂર્ણપણે તો એ તાર્કિક પણ નહોતું.

અહીં એક રસપ્રદ ઘટના નોંધવા જેવી છે. ૧૯૭૦ના દાયકામાં આર્ય સમાજે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી કે આર્ય સમાજ હિંદુ ધર્મનો હિસ્સો નથી. હિંદુ ધર્મ અલગ છે અને આર્ય સમાજ અલગ છે. આર્ય સમાજની સ્થાપનાને હજુ તો સો વરસ પણ નહોતાં થયાં ત્યાં આર્ય સમાજે દાવો કર્યો હતો કે પોતે એક અલગ ધર્મ છે. જવું હતું હિંદુઓની એકતા સાધવા માટે અને પહોંચ્યા અમે અલગ હોવાનો દાવો કરવા! આવું જ સ્વામી વિવેકાનંદ સાથે બન્યું. તેમને પણ હિંદુઓનું જાગરણ કરનારા પ્રહરી તરીકે ઓળખાવવામાં આવે છે, પણ રામકૃષ્ણ મિશનની સ્થાપનાને હજુ સો વરસ પણ નહોતા થયાં એ પહેલા રામકૃષ્ણ મિશને સર્વોચ્ચ અદાલતમાં તે હિંદુઓથી અલગ સ્વતંત્ર ધર્મ હોવાની માન્યતા મેળવવા દાવો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે એ દાવાને નકારી કાઢ્યો હતો. એ બન્ને સંસ્થાઓના અધિપતિઓ લઘુમતી ધાર્મિક કોમ હોવાનો ભૌતિક નાણાંકીય લાભ લેવા માગે છે. આમ બહુમતી રાષ્ટ્રવાદીઓને લઘુમતી ધાર્મિક કોમ તરીકેના લાભ લેવામાં શરમ નથી આવતી.

ખેર, હિંદુઓ પોતાને માળખામાં કેદ કરવા માગતા નહોતા. એ તેમને ફાવે એવી ચીજ જ નથી. જો અનેક છોડની વાડી સેંકડો નહીં, બે-ચાર હજાર વરસ સુધી જીવી શકે, તેને કોઈ મિટાવી ન શકે, નવી નવી કલમ થતી રહે, તેઓ જરૂર મુજબ પોતાને ઢાળી શકે એ જ તો તેની તાકાત છે. હિંદુઓની ધાર્મિક બહુવિધતા હિંદુઓની મર્યાદા નથી, પણ તાકાત છે. દયાનંદ સરસ્વતી આ તાકાત સમજી શક્યા નહોતા. આ સિવાય હિંદુઓને જળોની જેમ વળગેલા બ્રાહ્મણો દરેક પડકારનો ઉપાય શોધી કાઢતા હતા. તેમણે સનાતન ધર્મનો મહિમા કરવાનું શરૂ કર્યું હતું કે જેથી સનાતન સામે પ્રશ્ન કરનારાઓને નિરસ્ત કરી શકાય. સરવાળે દયાનંદ સરસ્વતીનો ઈલાજ નિષ્ફળ નીવડ્યો.

ગયા સપ્તાહના લેખમાં લખ્યું હતું એમ દયાનંદ સરસ્વતી પહેલા માણસ હતા જેમણે હિંદુઓને તેમની ઓળખનું અને તેમની સંખ્યાનું ભાન કરાવ્યું. હિંદુ રાષ્ટ્રવાદના તેઓ પહેલા ઉદ્દગાતા હતા. પણ એ છતાં ય સંઘ પરિવારે તેમની દ્વિશતાબ્દી રાષ્ટ્રીય સ્તરે ઉજવી નથી તેનું કારણ દયાનંદ સરસ્વતીના જલદ વિચારો છે. તેમની ભાષા છે. કોઈ કહેતા કોઈને છોડ્યા નથી. બ્રહ્મણોને નહીં, શૈવોને નહીં, વૈષ્ણવોને નથી, જૈનોને નહીં, બૌદ્ધોને નહીં, સીખોને નહીં, ગોરખ જેવા જે તે પંથોને નહીં વગેરે. ટૂંકમાં કોઈ કહેતા કોઈને નથી છોડ્યા અને એ પણ અભદ્ર ભાષામાં. સંઘપરિવારને એ ક્યાંથી પોસાય. જ્યારે સત્તાનું રાજકારણ નહોતું અને દેશ આઝાદીની લડત લડતો હતો ત્યારે પણ આર્ય સમાજીઓ અને સનાતનીઓ સાથે નહોતા ચાલી શકતા. આર્ય સમાજીઓનાં  આગ્રહ અને આક્રમકતા અકળાવનારાં હતાં.

હિન્દુત્વવાદીઓને આર્ય સમાજ અને દયાનંદ સરસ્વતીનો ખપ માત્ર અને માત્ર મુસ્લિમ પૂરતો છે. બાકી હિંદુ ધર્મિક અને સામાજિક જાગરણની વાત આવે ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી પરવડે એવા નથી. એક વાર ‘સત્યાર્થપ્રકાશ’ વાંચી જોજો.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 માર્ચ 2024

Loading

અનંત અંબાણીનો વનતારા પ્રોજેક્ટઃ વિશ્વમાં સૌથી મોટી પ્રાણીઓની સંભાળ અને સંવર્ધનની સવલત

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|3 March 2024

‘આપણે કંઇ આવા 3,000 એકરની જમીનના આસામી નથી યાર’, એવું બોલીને ઇર્ષ્યાનો બળાપો કાઢતાં પહેલાં એવું યાદ કરવું કે રસ્તે શાંતિથી બેઠેલા શેરીના કૂતરાંને વગર કારણ કે કાંકરીચાળો કરનારા અથવા તો પોતાની પરપીડનવૃત્તિને સંતોષ આપવા મૂંગા પ્રાણીને શારીરિક અને માનસિક ત્રાસ આપનારાઓને મૂળભૂત સંસ્કાર અને કરુણા જરૂર હોય છે, 3,000 એકર જમીનની નહીં. 

ચિરંતના ભટ્ટ

છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહેલી અનેક બાબતોની સાથે અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીના ઇન્ટરવ્યુઝ, તેના નવા પ્રોજેક્ટને લગતી વિગતો પણ વાઇરલ થઇ રહી છે. આ ઉપરાંત રાધિકા મર્ચન્ટ સાથે તેના લગ્ન પહેલાંની ઉજવણીની વિગતો પણ સતત ચર્ચામાં છે. અંબાણી પરિવાર ભારતનો એક એવો પરિવાર છે જેને વિશે જાણવાની ઉત્સુકતા ન હોય એવું ભાગ્યે જ કોઇ હશે.

ધીરુભાઇ અંબાણીની જિંદગી પર આધારિત ફિલ્મ ‘ગુરુ’ જોયા પછી તેમનો ફેનબેઝ વધી ગયો હતો એમ કહેવામાં કંઇ ખોટું નથી. મૂકેશ અંબાણીએ પિતાના એમ્પાયરને ત્રણ લોકમાં વિસ્તાર્યું છે અને હવે ત્રીજી પેઢી સુકાન સંભાળી રહી છે. વળી નીતા અંબાણીએ પણ કલા-વારસાને NMACC દ્વારા નવો ભવ્ય મંચ આપ્યો, કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબલિટીને ધ્યાનમાં રાખીને કામ કરતું રિલાયન્સ ફાઉન્ડેશન આંતરિયાળ વિસ્તારોમાં કામ કરે છે, વળી રિલાયન્સની HNRF હૉસ્પિટલ પણ મુંબઈમાં કેટલાક વર્ષોથી ચાલે છે. અંબાણી પરિવારની પહોંચ, ધન-વૈભવથી માંડીને તેમના કનેક્શન્સ વિશે અસંખ્ય વખત વાતો થઇ છે, સોશ્યલ મીડિયામાં મીમ્સ સુદ્ધાં બન્યાં છે અને તેમની ઠેકડી ઉડાડીને હસવામાં વાત કાઢી નાખનારા દરેક માણસના મનમાં તેઓ જે પણ કરે તેના પ્રત્યે અહોભાવ તો હોય જ છે. આજે વાત આખા અંબાણી પરિવારની નહીં પણ અનંત અંબાણીની કરવાની છે કારણ કે અગાઉ જણાવ્યું તેમ તે આજકાલ ચર્ચામાં છે.

ઘણા લાંબા સમય સુધી અનંત અંબાણી ‘લાઇમ લાઇટ’માં નહોતા દેખાયા. તેમની ચર્ચા કદાચ ત્યારે સૌથી વધારે થઇ હતી, જ્યારે તેમને મોટિવેશન આપવા માટે નીતા અંબાણીએ પણ વજન ઉતાર્યું હતું. અનંત અંબાણીની વાત તેમના વજનને લઇને અનેકવાર થઇ, પણ ભાગ્યે જ કોઈએ ગંભીરતાથી એ વાતને ગણતરીમાં લીધી કે નાનપણથી શારીરિક કોમ્પેલિકેશન્સ સાથે જન્મેલા અનંત અંબાણીને અનેક દવાઓ, સારવારનો સહારો લેવો પડ્યો જેની આડ અસર હતી, સતત ફિટ ન રહી શકે તેવું શરીર! ઇશા અને આકાશ અંબાણીએ જ્યારે અંબાણી એમ્પાયરમાં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે એ.જી.એમ.થી માંડીને નવી જાહેરાતો દરમિયાન તે ચર્ચામાં રહ્યા. આ તરફ અનંત અંબાણીએ એકાદ બે વાર કંપનીના સ્થાપના દિવસના કાર્યક્રમ અથવા તો આઇ.પી.એલ.ની મેચ દરમિયાન ક્યારેક પોતાનાં મમ્મીની બાજુમાં દેખાવા સિવાય ભાગ્યે જ કોઇ નોંધનીય હાજરી આપી. હવે એમ થયું છે કે અનંત અંબાણીના અમુક મીડિયા હાઉસને અપાયેલા ઇન્ટરવ્યુઝના હિસ્સા વાઇરલ થઇ રહ્યા છે, કેટલીક જાણીતી ચેનલ્સ પર તેમની એન્કર સાથેની વાતોમાંથી નાના-મોટા સમાચાર બની રહ્યા છે. દુનિયા આખીમાં વન્ય જીવો અને માણસો વચ્ચેના સંઘર્ષને કારણે પ્રશ્નો ખડા થઇ રહ્યાં છે, જંગલો પાંખા થઇ રહ્યા છે, પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થઇ રહી છે અને આવામાં જામનગરમાં 3,000 એકર જેટલી જમીનમાં વન્ય જીવો માટેના રેસ્ક્યુ સેન્ટરની શરૂઆત કરાઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન હેઠળ લૉન્ચ થયેલો ‘વનતારા’ પ્રોજેક્ટ એક એવી પહેલ છે જ્યાં વન્ય જીવોની સારવાર, સંભાળ અને પુનર્વસન માટે કામ થઇ રહ્યું છે. 200 જેટલા હાથીઓ, 300થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, 300થી વધુ શાકાહારી પ્રાણીઓ અને 1,200થી વધુ મગર, સાપ અને કાચબા જેવાં પ્રાણીઓ આ વનતારામાં અત્યારે રહી રહ્યાં છે. અહીં હાથીઓ માટેની ખાસ હૉસ્પિટલ છે તો રેસક્યુ કરેલાં પ્રાણીઓને શારીરિક અને માનસિક રીતે સાજા કરવા માટેના મોટા કુદરતી એનક્લોઝર્સ, પ્રાણીઓનાં સ્વાસ્થ્ય માટે થતા રિસર્ચની વ્યવસ્થાથી માંડીને અનેક સવલતો છે. અનંત અંબાણીએ પોતાના ઇન્ટરવ્યુઝમાં હાથીઓનો બચાવ તેમને માટે ખાસ છે તે વાત કરી છે, અહીં લવાયેલા હાથીઓને આકરી સ્થિતિમાંથી બચાવી લેવાયા છે અને દરેકની સાથે તેમના મહાવતોને સુદ્ધાં અહીં રાખવામાં આવ્યા છે. આ પ્રાણીઓને રાહત મળે એવી રીતે ખડી કરાયેલી એક દુનિયા છે. ક્રૂરતા અને નિર્દયતાની સામે આ એક હૂંફ ભરેલો માહોલ છે જે એક જવાબદારી ભર્યા અભિગમનું પરિણામ છે.

પ્રાણીઓ આપણી સૃષ્ટિનો એક અહમ હિસ્સો હોવા છતાં અમુક જ સમુદાયો તેમની કાળજી, તેમની સમસ્યાઓ પ્રત્યે કોઇ નિસબત ધરાવતા હોય છે. મૂંગા પ્રાણીઓને જે વેદનામાંથી પસાર થવું પડે છે તેની હકીકત ભાગ્યે જ લોકો સુધી પહોંચતી હોય છે. ‘વનતારા’ એટલે કે ‘જંગલના સિતારા’ – આ એક એવી પહેલ છે જેમાં અવગણના અને ત્રાસ વેઠેલા પ્રાણીઓને નવું ઘર મળી રહ્યું છે.  ધર્મને નામે દેકારા કરનારાઓએ યાદ રાખવું જોઇએ કે પ્રાણીઓ આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં હંમેશાં બહુ અગત્યનાં પાત્રો રહ્યાં છે.

અનંત અંબાણી જે વનતારા પ્રોજેક્ટની સુકાન સંભાળે છે તેમણે ઇન્ટરવ્યુ અને પ્રેસ કોન્ફરન્સિઝમાં કહ્યું છે કે તેમને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ તેમનામાં નાનપણથી જ હતો અને પોતાનાં માતાની પ્રેરણાથી જીવદયા અને પ્રાણી સેવાની દિશામાં તે આગળ વધ્યા છે. વનતારાની ચર્ચા થઇ રહી છે અને થતી રહેશે કારણ કે પ્રાણીઓને અહીં મળતી સવલતો અને કાળજી સમાજમાં એક દાખલો બેસાડશે કે પ્રાણીઓ સાથે કેવો યોગ્ય વહેવાર થવો જોઇએ. વળી કઇ રીતે સફેદ વાઘથી માંડીને ઇજાગ્રસ્ત હાથીઓને બેઠા કરાયા છે-ના સમાચારો પણ વીડિયો સાથે માધ્યમોમાં આવી ચૂક્યા છે.

અહીં વનતારાથી અચંબિત થવા કરતાં એ જોવું જરૂરી છે કે વિશ્વના ધનિકોમાં જે પરિવારનું નામ મોખરે છે એ પરિવારનું એક એવું સંતાન જેને શારીરિક વ્યાધિઓ હોવાને કારણે ચર્ચામાં રહ્યું છે તેને સ્વતંત્ર થવા માટેની મોકળાશ આપવાનો રસ્તો માતા-પિતાએ ઘડ્યો. આ વાંચવામાં કદાચ સામાન્ય કે નગણ્ય લાગે એવી બાબત હોઇ શકે છે પણ તમે એક વાલી તરીકે, એક એવા વાલી તરીકે વિચારો કે જેની હિલચાલ પર આખી દુનિયાની નજર હોય છે તો કદાચ આ સમજી શકાશે. ગામને મોઢે ગરણાં નથી બાંધી શકાતા એટલે બોલનારા તો એમ પણ કહી શકે કે આટલી સંપત્તિ હોય તો કોઇ કંઇપણ કરી શકે પણ જોવાનું એ છે કે સંપત્તિવાન માણસોના સંતાનો ‘કંઇપણ’ જ કરતા હોય અથવા તો કંઇ નોંધનીય ન કરતા હોય એવું પણ થયું છે. અનંત અંબાણી હજી 30 વર્ષનાં પણ નથી પણ તે પોતાની શારીરિક વ્યાધિઓ વિશે, પોતાને વિશે થતી ટકોરો વિશે, પોતાના માતા-પિતા કે દાદા-દાદી કે નાના-નાની પાસેથી મળેલી સમજ વિશે કોઇપણ સંકોચ વગર એકદમ નિર્દોષતાથી વાત કરી શકે છે. અનંત અંબાણી અત્યાર સુધી મીડિયામાં જે પણ બોલ્યા છે તેમાં એક નિર્ભેળતા છે – હા સ્વાભાવિક છે કે મીડિયા સાથે વાત કરવા અંગે તેમને તાલીમ અપાઇ હોય પણ, એમાં ખોટું શું છે? દૂધમાંથી પોરા કાઢનારાઓ માટે આ દરજ્જાના પરિવારોના ફરજંદોએ કરેલી ભૂલો ગણાવવા બેસી જ શકે છે, સવાલ ઉઠાવી જ શકે છે પણ ધનિક હોવાથી ભૂલ કરવાનો અધિકાર ન છીનવી શકાય. જોવાનું એ છે કે આ બધાથી પર જઇને નક્કર કામ થઇ રહ્યું છે. ‘આપણે કંઇ આવા 3,000 એકરની જમીનના આસામી નથી યાર’, એવું બોલીને ઇર્ષ્યાનો બળાપો કાઢતાં પહેલાં એવું યાદ કરવું કે રસ્તે શાંતિથી બેઠેલા શેરીના કૂતરાંને વગર કારણ કે કાંકરીચાળો કરનારા અથવા તો પોતાની પરપીડનવૃત્તિને સંતોષ આપવા મૂંગા પ્રાણીને શારીરિક અને માનસિક ત્રાસ આપનારાઓને મૂળભૂત સંસ્કાર અને કરુણા જરૂર હોય છે, 3,000 એકર જમીનની નહીં.

અનંત અંબાણીની આ પહેલ કોઇ નાની બાબત નથી. વનતારા પ્રોજેક્ટની કોઇને કોઇ કારણોસર ટીકા કરનારા પણ હશે જો કે વનતારામાં સાર સંભાળ મેળવીને નિશ્ચિંત થઇને જીવનારાં પ્રાણીઓને જે શાતા અને રાહત મળી રહી છે તેની સામે એ બળાપા ટકી જાય એવી કોઇ શક્યતા જ નથી. સંપત્તિ હોવી એક બાબત છે અને તેનો યોગ્ય ઉપયોગ કરવો બીજી બાબત છે – અનંત અંબાણીનું ‘વનતારા’ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જ્યાં સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે. અંબાણી પરિવારના પ્રસંગોની ભવ્યતા ચર્ચાનારાઓએ એ પણ જોવું જોઇએ કે પોતાની સામાજિક જવાબદારીની સીમાઓ તેઓ ક્યાં સુધી વિસ્તારી રહ્યા છે.

‘વનતારા’ને કારણે જામનગરને હવે નવી ઓળખાણ પણ મળી છે અને આ એક એવું અભયારણ્ય છે જ્યાં હેરાન થયેલા પ્રાણીઓને સારવાર બાદ ફરી જીવવાનો મોકો મળશે. તેમનું સંવર્ધન કરાશે અને યોગ્ય સમયે તેમને પોતાના કુદરતી માહોલમાં ફરી છોડી દેવામાં આવશે.

બાય ધી વેઃ

નેટફ્લિક્સ પર ‘પાબ્લો એસ્કોબાર’ નામના ડ્રગ લોર્ડ પર એક સિરીઝ છે. એસ્કોબાર પ્રાણી પ્રેમી હતો અને તેના અંગત ઝૂમાં 200 જેટલા પ્રાણી હતા. ગુનાઇતોથી પ્રભાવિત થનારાઓને એક ડ્રગ લોર્ડનો પ્રાણી પ્રેમ યોગ્ય લાગતો હોય છે તો પછી બિલકુલ નેક ઇરાદાથી શરૂ કરાયેલી વનતારા જેવી તોતિંગ પહેલને વખોડવામાં કોઇ સાર નથી. અનંત અંબાણી છેલ્લા થોડાક જ વખતથી જાહેરમાં પોતાની વાગદત્તા રાધિકા મર્ચન્ટ સાથે અથવા તેના સિવાય દેખાયા છે અને તેમણે મીડિયા સાથે વાત કરી છે. માતા-પિતાને પોતાના સંતાનને કોઇ કંઇ કહેશે તેની બહુ જ ચિંતા હોય છે પણ એ ચિંતાને દૂર કરીને દીકરાની પહેલમાં એડી ચોટીનું જોર લગાડી, પોતાના આશ્રયની બહાર જઇ એક સ્વતંત્ર ઓળખાણ ઘડવાની દિશામાં મૂકેશ અને નીતા અંબાણીએ જે રરસ્તો અપનાવ્યો છે તેની પરથી સંતાનોને કોટે વળગાડી ચિંતાને નામે તેમના વ્યક્તિત્વને રુંધી નાખનારા વાલીઓએ બોધપાઠ લેવો રહ્યો. વળી રતન તાતા જેવા કુટુંબકબીલા વગરની વ્યક્તિએ પણ હંમેશાં પ્રાણી સેવા કરી છે, તેમણે તાજેતરમાં જ પ્રાણીઓ માટેની હૉસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી છે. પોતાની પાસે હોય તેમાંથી જે પોતાના માટે કંઇ નથી કરી શકતા તેમને માટે કંઇ કરવાનો ઇરાદો ઇશ્વરને પહોંચતી પ્રાર્થના બની જાય છે એ ચોક્કસ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 માર્ચ 2024

Loading

નીચલી અદાલતો નીચલી જરૂર છે, પણ ગૌણ સ્થાન ધરાવતી ગુલામ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|3 March 2024

રમેશ ઓઝા

૨૦૧૮માં સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોની બેન્ચે સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો કે ફોજદારી અને દીવાની કેસોમાં મનાઈ હુકમ કે સ્થગિતી હુકમ(સ્ટે ઓર્ડર)ની સમયમર્યાદા છ મહિનાથી વધુ લાંબી ન હોવી જોઈએ. જો છ મહિના પછી ગળે ઊતરે એવાં કારણો આપીને સ્ટે લંબાવવામાં ન આવે, તો અદાલતો એની મેળે ખટલો ચલાવી શકે. કોઈ પક્ષકારે સ્ટે ઊઠાવવા ઉપલી અદાલતમાં જવાની જરૂર નથી.

આ ચુકાદા પછી રાહત અનુભવાઈ હતી, કે ચાલો, એક વાત તો સારી થઈ કે ન્યાયના માર્ગમાં અડચણો પેદા કરીને ન્યાયની પ્રક્રિયાને ટલ્લે ચડાવવાની રમત સામર્થ્ય ધરાવનારાઓ નહીં રમી શકે. પણ એ ચુકાફો સાવ નિર્દોષ પણ નહોતો. એની બીજી બાજુ પણ હતી. એવી પણ શક્યતા હતી કે સામર્થ્યવાન પોતાની તાકાતનો ઉપયોગ કરીને કોઈ નિર્દોષ નિર્બળને સતાવતો હોય અને એ નિર્દોષ નિર્બળ માણસને ઉપલી અદાલતમાં જઇને મનાઈ હુકમ દ્વારા એક લાંબા ગાળાની જે રાહત મળતી હોય એ રાહત સર્વોચ્ચ અદાલતના ઉક્ત ચુકાદા દ્વારા રોળાઈ ગઈ. આ સિવાય અદાલતોના કામકાજમાં સ્વતંત્રતા કે સ્વાયત્તતાનો પણ પ્રશ્ન હતો. જે ન્યાય તોળવા બેઠો હોય તેને કેસની ગુણવત્તા અને પ્રાથમિકતા નક્કી કરવાનો અધિકાર ખરો કે નહીં? નીચલી અદાલત ઉપલી અદાલતની ગુલામ નથી. ઉપલી અદાલતનું મુખ્ય કામ નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓની અપીલ સાંભળવાનું છે, નીચલી અદાલતની કામકાજની પ્રક્રિયા અને પ્રાથમિકતા નક્કી કરવાની નથી. દરેક અદાલતોનું પોતાનું કાર્યક્ષેત્ર છે અને દરેકની પોતાની સ્વતંત્રતા છે.

સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોના ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો અને પાંચ જજોની બંધારણીય બેન્ચે તેના આગલા ચુકાદાને રદ્દ કરીને ગુરુવારે ચુકાદો આપ્યો કે નીચલી અદાલતો નીચલી જરૂર છે, પણ ગૌણ સ્થાન ધરાવતી ગુલામ નથી. કયા કેસને કેટલું વજન આપવું અને પ્રાથમિકતા આપવી એ નક્કી કરવાનો અધિકાર તેનો છે. જજોના વિવેક કરવાના અધિકારને કુંઠિત ન કરી શકાય. માટે પ્રત્યેક સ્ટે એની મેળે નિરસ્ત થઈ જાય એવો સર્વોચ્ચ અદાલતનો આગળનો ચુકાદો ન્યાયસંગત નથી. સંબંધિત વડી અદાલતોના જજો પરના વિવેક પર સ્ટે કેટલો સમય આપવો અને લંબાવવો કે નહીં તેનો નિર્ણય છોડવો જોઈએ.

હવે એક રીતે જુઓ તો બન્ને ચુકાદાની કે ચુકાદાજન્ય જોગવાઈની પોતપોતાની ઉપયોગિતા છે. ઉપયોગ અને દુરુપયોગ બન્નેનો થાય છે. મનાઈ હુકમનો કોઈ સામર્થ્યવાન દુરુપયોગ પણ કરે છે અને મનાઈ હુકમ નિર્દોષ અને નિર્બળને રાહત પણ આપે છે. કોણ ક્યાં છે અને કોણ કાયદાનો તેમ જ ન્યાયતંત્રનો ઉપયોગ કે દુરુપયોગ કરી રહ્યું છે તેના પર નિર્ભર છે. જજ ઉપર પણ એ વાત નિર્ભર કરે છે.

આ જ આદરણીય સર્વોચ્ચ અદાલતે કોવીડના સંકટભર્યા દિવસોમાં સઘળાં કામ પડતાં મૂકીને અર્ણવ ગોસ્વામીની જામીન અરજી જે ત્વરાથી અને જે તત્પરતાથી સાંભળી હતી એ હજુ તાજી ઘટના છે. વળી એ કેસ સાંભળનારા બે જજોમાં એક જજ અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ હતા. બેજવાબદાર અને ગામના ઉતાર જેવા પત્રકાર અર્ણવ ગોસ્વામીની જામીન અરજીને તાત્કાલિક એટલા માટે હાથ ધરવામાં આવી હતી કે વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતાનો આદર કરવો જોઈએ. પોલીસ તપાસના નામે કોઈને જેલમાં લાંબો સમય ગોંધીને ન રાખી શકાય. ત્યારે ચન્દ્રચૂડ સાહેબને એ વાતની યાદ ન આવી કે નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૧૪ પછી તેમનો વિરોધ કરનારા સેંકડો લોકોને જેલમાં નાખ્યા છે અને એક કે બીજે બહાને છોડવામાં આવતા નથી. એમાંના કોઈ સાબિત થયેલા ગુનેગાર નથી, આરોપી છે. તેમની જામીન અરજીઓ વડી અદાલતોમાં અને સર્વોચ્ચ અદાલતોમાં પડી છે. તેમનું વ્યક્તિગત સ્વાતંત્ર્ય યાદ નહીં આવ્યું? એકને જામીનની બાબતમાં પ્રાથમિકતા આપવામાં આવે અને બીજાની અરજી સાંભળવામાં પણ ન આવે. આ બધું બીજે ક્યાં ય નહીં, સર્વોચ્ચ અદાલતમાં બની રહ્યું છે.

પણ હા, આપણે જજોના વિવેકનો આદર કરવો જોઈએ અને જ્યાં વિવેકનો અભાવ જોવા મળે તો ઊહાપોહ પણ કરવો જોઈએ. આખરે ન્યાયવ્યવસ્થા પણ એક તંત્ર છે અને તંત્ર માણસ  ચલાવે છે અને માણસ છેવટ માણસ હોય છે. આ સિવાય તંત્રની પણ મર્યાદા હોય છે. સ્ટે અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો કોઈ આખરી ઉકેલ નથી. એનો પણ દુરુપયોગ થવાનો છે. માટે બે વરસમાં લોકોને ન્યાય મળે એવા ચુસ્તદૂરસ્ત ન્યાયતંત્રની દેશને જરૂર છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 માર્ચ 2024

Loading

...102030...857858859860...870880890...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved