Opinion Magazine
Number of visits: 9957447
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરીક્ષા જ જીવન છે અને જીવન પરીક્ષા સિવાય કૈં નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 March 2024

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ ભણવાનું થાય કે ન થાય, પરીક્ષા ચાલ્યા જ કરે છે. એડમિશન જોઈએ, તો પરીક્ષા. પીએચ.ડી. કરવું છે, તો એન્ટ્રન્સ ટેસ્ટ. નોકરી જોઈએ તો પરીક્ષા. નોકરીમાં પ્રમોશન જોઈએ તો પરીક્ષા, એમ ડગલે ને પગલે વ્યક્તિએ પરીક્ષાનો સામનો કરવાનો આવે છે. આ પરીક્ષાઓ આપનારા ગરબડ કરે એટલું પૂરતું નથી, પરીક્ષા લેનાર પણ છબરડા વાળે છે. એકને બદલે બીજા વિષયનું પેપર અપાઈ જાય કે એકને બદલે પરીક્ષાર્થી બીજું જ પેપર લખી આવે ને પાસ પણ થઈ જાય એની નવાઈ નથી. આ બધું અપવાદોમાં હોય તો પણ, કોઈક સ્તરે ગરબડ ન હોય એવું ભાગ્યે જ બને છે ને એનો વ્યાપ પ્રિ-પ્રાઈમરીથી લઈને યુનિવર્સિટી સુધીનો હોઈ શકે છે. એ તો ઠીક, પણ ખાતાકીય પરીક્ષાઓમાં કે યુ.પી.એસ.સી. (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) કે જી.પી.એસ.સી. (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષાઓમાં પણ ભારોભાર બેદરકારી જોવા મળે છે, ત્યારે પ્રશ્ન થાય કે પરીક્ષા આપનાર કે લેનાર કોઈ વાતે ગંભીર કેમ નથી? કૈં પણ સારું હવે અકસ્માત ગણાય એવી સ્થિતિ છે. લગભગ તમામ સ્તરે ભ્રષ્ટતા, બેદરકારી ને બેફિકરાઈ વખતોવખત જોવા મળે છે. એમાં ક્યાંક પૈસાનો છાક પણ ભાગ ભજવતો હશે, પણ આ બધું એક વિધિ થઈને રહી ગયું છે.

શૈક્ષણિક પરીક્ષાઓમાં છબરડાની નવાઈ નથી, પણ જી.પી.એસ.સી.ની પરીક્ષામાં કયા પ્રકારની બેદરકારી ચાલે છે તેનું એક જાણીતા અખબારે 29 ફેબ્રુઆરી, 2024ને રોજ સંશોધન પ્રગટ કર્યું, તે ચોંકાવનારું છે. યાદ રહે કે આ જોખમ બીજે નહીં, પણ જી.પી.એસ.સી.ની પરીક્ષામાં ઊભું થયું છે, જે કોઇની કેરિયરને દાવ પર લગાવી શકે છે. આમ તો ગુજરાતી જોડણી કોઈ છાપામાં સાચી લખાય તો આઘાત લાગે, પણ પરીક્ષાઓમાં સાચી જોડણીને લગતો સવાલ પુછાય છે, એમ જ જી.પી.એસ.સી.માં પણ પુછાયો. તેના જવાબમાં એક ઉમેદવારનો જવાબ સાચો ગણાયો ને બીજાનો એ જ જવાબ ખોટો ગણાયો. એવો જ એક સવાલ વિધાન વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનો હતો. તેમાં પણ, સાચા જવાબમાં, એકને સાચો ગણાયો ને બીજાને ખોટો ગણાયો. એક સવાલ કોઈ સામયિકના તંત્રીને શુભેછા પત્ર પાઠવવાનો હતો. તેનો જવાબ બરાબર લખાયો, પણ પેપર તપાસનારે તેને ઝીરો આપતા એવી નોંધ મૂકી કે ઉમેદવાર પ્રશ્નને સમજ્યો નથી ને નિબંધની માહિતી પ્રાસંગિક નથી, જ્યારે હકીકત એ છે કે પેપર ચેકર સાહેબ જ પ્રશ્ન સમજ્યા નથી ને પત્રને નિબંધ ગણીને સાચા જવાબને ઝીરો આપ્યો છે. એ પરીક્ષકને શું કહેવું જે લખાયેલ જવાબને જોતાં નથી અને ‘ક્વેશ્ચન નોટ એટેમ્પ્ટેડ’ જેવી વાહિયાત ટિપ્પણી કરે છે. એક ઉમેદવારે અંગ્રેજીના પેપરના સેકશન-એના જવાબમાં સેકશન બી-નો જવાબ લખ્યો તો એને ઝીરો આપ્યો ને સેકશન-બીના જવાબમાં સેકશન એ-નો જવાબ લખ્યો તો એનો જવાબ માન્ય ગણીને 10 માર્ક્સ આપ્યા. આવું કોઈ સાધારણ પરીક્ષક પણ, ભાનમાં હોય તો ન કરે. એક જ જવાબને એક જ પરીક્ષક, એક વિદ્યાર્થીને માટે સાચો ગણે ને બીજા વિદ્યાર્થીને માટે ખોટો ગણે એમાં ઘોર બેદરકારી સિવાય કૈં નથી. આવું એકથી વધુ કિસ્સામાં બને એ શરમજનક છે. આવા પરીક્ષક સામે તાત્કાલિક રીતે કાનૂની રાહે પગલાં ભરાવા જોઈએ. બન્યું તો એવું પણ છે કે જેનો ક્રમાંક આગળ હોય તેવા ઉમેદવારોને વધુ માર્ક્સ અપાયા છે.

જી.પી.એસ.સી.ની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલકી સેવા વર્ગ-1,2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-1,2(2021)ની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોએ લખેલ જવાબો તપાસવામાં ગંભીર બેદરકારી બહાર આવી છે. આ ઉમેદવારોનું મેરિટ મુખ્ય પરીક્ષાનાં પરિણામ અને ઇન્ટરવ્યૂ પરથી નક્કી થાય છે, એમાં પણ પરીક્ષામાં સારો દેખાવ ન હોય તો વાત ઇન્ટરવ્યૂ સુધી પણ પહોંચતી નથી, એ પરથી પણ આ પરીક્ષાઓ કેટલી મહત્ત્વની છે તે સમજી શકાય એમ છે, એવી પરીક્ષામાં એક એક માર્ક માટે તીવ્ર સ્પર્ધા હોય, ત્યારે પેપર ચેકર બેદરકારીથી પેપર તપાસે તો તે અપરાધ છે ને તેવા પરીક્ષકની સાથે તે જ રીતે વર્તવાનું રહે. ખરા જવાબના માર્ક ન અપાય ને ખોટાના અપાય તે બધી રીતે અક્ષમ્ય છે.

આ વાત કેટલાક ઉમેદવારોના ધ્યાને આવી અને ક્લાસ 1-2(મુખ્ય)ના 128 ઉમેદવારોએ ઉત્તરવહીઓ રજૂ કરીને પરિણામ જ હાઇકોર્ટમાં પડકાર્યું ને એમાં જે મેરિટમાં હતા તે ઉમેદવારોએ પણ ટેકો આપ્યો, એટલે કામ થોડું સરળ થયું. ઉમેદવારોએ સામેથી પોતાની ઉત્તરવહીઓ આપી ને એમ 600 ઉત્તરવહીઓ ભેગી કરવામાં આવી. ઉમેદવારોએ એસ.ઓ.પી.ની માંગ કરી ને મોડેલ આન્સર કીને આધારે પેપર તપાસાય તેવો આગ્રહ રાખ્યો. આર.ટી.આઇ. હેઠળ વિગતો માંગવામાં આવી તો જાણવા મળ્યું કે શિક્ષણ બોર્ડની જેમ જ જી.પી.એસ.સી. કે યુ.પી.એસ.સી.માં રિ-એસેસમેન્ટની વ્યવસ્થા નથી. મુખ્ય પરીક્ષા પછી ઉમેદવારોને આન્સર કી અપાય છે ને જે ઉમેદવારો પરિણામથી રાજી ન હોય તે અરજી કરી શકે છે. બોર્ડની પરીક્ષામાં મોડેલ આન્સર કી હોય છે, એવું જી.પી.એસ.સી.ની વર્ગ 1,2ની પરીક્ષામાં નથી. જી.પી.એસ.સી. કોઈ આન્સર કી તૈયાર કરતું નથી. આર.ટી.આઇ.ના જવાબમાં એવું પણ બહાર આવ્યું કે વર્ણનાત્મક પ્રશ્નપત્ર માટે કોઈ મોડેલ આન્સર કી તૈયાર કરવામાં આવતી નથી. જો બોર્ડની પરીક્ષામાં મોડેલ આન્સર કીથી પેપરોની ચકાસણી થતી હોય તો જી.પી.એસ.સી. જેવી પરીક્ષામાં મોડેલ આન્સર કી તૈયાર ન કરાય ને પરીક્ષકની મુનસફી પર ઉમેદવારને છોડી દેવાય એ બરાબર નથી – જો પરીક્ષક એક જ જવાબને, એકને માટે સાચો ને બીજાને માટે ખોટો ગણતો હોય ત્યારે તો ખાસ ! કમ સે કમ મોડેલ આન્સર કી-થી ઉમેદવારોનું મૂલ્યાંકન સરખી પદ્ધતિએ તો થાય. એમ થશે તો મૂલ્યાંકનમાં કોઈ પ્રકારનું સમાન ધોરણ જી.પી.એસ.સી. જેવી મહત્ત્વની પરીક્ષામાં જળવાશે.

એ અત્યંત દુ:ખદ છે કે જી.પી.એસ.સી. જેવી પરીક્ષામાં પરીક્ષક પેપર ચકાસણીની બાબતે જરા પણ ગંભીર નથી. ઉમેદવારોનું ભવિષ્ય જેના પર અવલંબિત છે તેમને અન્યાય ન થાય એની કાળજી જી.પી.એસ.સી.ના આયોજકોએ લેવી જોઈએ. આ બધું મફતમાં થતું નથી. દરેક વખતે ફી ઉઘરાવાય છે. અનેક પ્રકારની ફોર્માલિટીસ પૂરી કરવામાં આવે છે. ઉમેદવારો ખેંચાઈ-તણાઈને દૂર દૂર પરીક્ષાઓ આપવા દોડે છે, એ આશાએ કે પરીક્ષામાં સફળતા મળે તો ઇન્ટરવ્યૂ નીકળે ને તેમાં દા’ડો વળે તો નોકરીનું ઠેકાણે પડે ને વર્ષોની મહેનત રંગ લાવે. આ બધું સાધારણ ઉમેદવાર માટે હાથવગું નથી. હવે તો ઉચ્ચ શિક્ષણનો ખર્ચ લાખોમાં આવતો હોય છે. એ ભણતર માટે લોન લેવાઈ હોય છે. એ ભરપાઈ કરવાની ચિંતા સાધારણ કુટુંબની ઊંઘ હરામ કરતી હોય છે. એમાં વળી એક ભય ઉંમર પુરાઈ જવાનો હોય છે. ઉંમર વીતી જાય તો નોકરીની તકો ઘટી જતી હોય છે. આખું કુટુંબ એ આશ પર બેઠું હોય છે કે દીકરા કે દીકરીને યોગ્ય નોકરી મળી જાય તો વર્ષોથી ઊંચો રહેલો જીવ હેઠો બેસે ને જી.પી.એસ.સી. જેવી પરીક્ષાના પરીક્ષકો ખરાને ખોટું ગણી માર્ક ન આપે ને ખોટાને ખરું ગણી માર્ક આપે તો જે લાયક છે તેનું જાણ્યે-અજાણ્યે કેવું અહિત કરે છે તેની તેમને કલ્પના જ નથી. એવા પરીક્ષકની સામે કડકમાં કડક પગલાં ભરવામાં જી.પી.એસ.સી.ના અધિકારીઓએ જરા જેટલો પણ વિલંબ કરવા જેવો નથી. એ તો સારું છે કે ઉમેદવારો એક થયા ને એમણે ઉત્તરવહીઓ ભેગી કરીને વાત હાઇકોર્ટ સુધી પહોંચાડી. એનો તો જે ચુકાદો આવવાનો હશે તે આવશે, પણ આવી વાતો ઘણુંખરું બહાર આવતી નથી ને આવે તો તેનો યોગ્ય નિકાલ થતો નથી.

એમ લાગે છે કે ઠેર ઠેર નાની મોટી વાતના દેખાડામાં જ પ્રજા એવી વ્યસ્ત થઈ ગઈ છે કે દેખાડો જ જીવન થઈ ગયું છે. જીવન ઉપરછલ્લું થઈ ગયું છે. લોકો જાણે ઉપર ઉપરથી જ જીવે છે ને ઊંડે ઊતરવાની કે સારું-ખરાબ જોવાની કે તેને લગતું ચિંતન કે ચિંતા કરવાની કોઈને પડી જ ન હોય એમ સૌ વર્તે છે. એક તરફ ટેકનોલોજી માણસ પર રાક્ષસી રીતે સવાર થઈ રહી છે ને બીજી તરફ માણસ વધુને વધુ બેફિકર, બેદરકાર અને બેજવાબદાર થઈ રહ્યો છે. આવામાં પણ એક વર્ગ જીવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. જીવનમાં સફળ થવા માટેની તેની કોઈ કારી ફાવતી નથી ને ચોતરફ અન્યાયનો ભોગ બનવાનું આવે છે. એ વર્ગ નાનો નથી ને સહાનુભૂતિની જરૂર એને છે. એને આંસુ આવે તો છે, પણ તે બતાવી શકતો નથી ને ધારો કે બતાવે તો એ જોવાની કોઈને ફુરસદ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 માર્ચ 2024

Loading

કેવી રીતે ઓલ ઇન્ડિયા રેડિયોના તઘલખી નિર્ણયે અમીન સાયાનીનું સર્જન કર્યું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 March 2024

રાજ ગોસ્વામી

આજના સોશિયલ મીડિયા, ટેલિવિઝન અને ઇન્ટરનેટના જમાનામાં, લોકો માટે એ કલ્પના કરવી મુશ્કેલ છે કે ભારતમાં એક સમયે લોકોએ એક અવાજને સાંભળવા માટે 42 વર્ષ સુધી સમય ફાળવ્યો હતો. શહેર હોય કે ગામડું, ઘર હોય કે દુકાન, લાખો લોકો દર બુધવારે રાતે 8 વાગે રેડિયો સામે બેસી જતા હતા અને ‘બહેનો ઔર ભાઈઓ’ના ઉદ્દબોધન સાથે શરૂ થતી અમીન સાયાની ફિલ્મી ગીતોની હિટ-પરેડ સાંભળવા ઉત્સુક રહેતા હતા. અવાજ સાથેનો લોકોનો એ રોમાન્સ અને રેડિયો સાથેની અમીન સાયાનીની એ લૌકિક સફર 21મી ફેબ્રુઆરીએ કાયમ માટે પૂરી થઇ ગઈ. 91 વર્ષના અમીન સાયાની હવે સ્વર્ગમાં તેમની બીજી પાળી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હશે!

બિનાકા ગીતમાલા, અમીન સાયાની અને રેડિયો સિલોન, ભારતના રેડિયો પ્રોગ્રામિંગની દુનિયામાં અમર નામ છે. ત્રણે એકબીજાનાં પૂરક છે, ત્રણે એક બીજા વગર અધૂરાં છે. એક વ્યક્તિ માત્ર તેના અવાજની બહેતરીન શૈલીથી લોકોનાં દિલ જીતી લે તેવું સંગીતની દુનિયામાં બન્યું છે, પરંતુ રેડિયો બ્રોડકાસ્ટિંગની દુનિયામાં અમીન સાયાની ના ભૂતો ના ભવિષ્ય જેવી ઘટના છે.

ત્યાં સુધી કે બિનાકા, જે મૂળે એક ટૂથપેસ્ટની બ્રાંડ હતી, તેનું નામ બદલાઈને સિબાકા કરવામાં આવ્યું હતું છતાં, લોકો અમીન સાયાનીને બિનાકા ગીતમાલાથી જ ઓળખતા રહ્યા હતા. 1989માં, બિનાકા ગીતમાલાને વિવિધ ભારતી પર શિફ્ટ કરવામાં આવી હતી, પરંતુ શ્રોતાઓ ક્યારે ય રેડિયો સિલોનના તેના સોનેરી દિવસોને ભૂલી શક્યા ન હતા.

શ્રીલંકા સ્થિત રેડિયો સિલોન, જે એશિયાનું પહેલું રેડિયો સ્ટેશન હતું, તેના ઇતિહાસમાં બિનાકા ગીતમાલા જેવો બીજો કોઈ લોકપ્રિય કાર્યક્રમ બનાવી શક્યું નહોતું. બિનાકા ગીતમાલા તેની હિન્દી સેવાનો હિસ્સો હતો અને જાહેરખબરના રૂપે તેને કરોડો રૂપિયાની આવક થઇ હતી. રેડિયો સિલોન, બિનાકા ગીતમાલા અને અમીન સાયાનીનો જાદૂ કેવી રીતે છવાયો તેની પણ એક દિલચસ્પ વાર્તા છે.

કેવું કહેવાય કે વડા પ્રધાનથી લઈને વડનગરવાસીઓ આજે અમીન સાયાનીને તેમની જે ફિલ્મી હિટ પરેડ માટે યાદ કરે છે, તેને ભારતમાંથી શ્રીલંકામાં ધકેલી મુકવામાં તત્કાલીન સરકારનો જ હાથ હતો! કેવી રીતે?

દેશની પહેલી નહેરુ સરકારમાં, બાલકૃષ્ણ વિશ્વનાથ કેસકર 1952થી 1962 સુધી માહિતી અને પ્રસારણ મંત્રી હતા. કાશી વિદ્યાપીઠમાં ભણેલા અને બનારસ સંસ્કૃત વિદ્યાપીઠમાં લેકચરર રહી ચુકેલા કેસકર એવું માનતા હતા કે મુસ્લિમ અને અંગ્રેજી શાસન હેઠળ ભારતમાં સંગીતની પડતી થઇ છે અને રેડિયોનું કામ શુદ્ધ શાસ્ત્રીય સંગીતનો પ્રચાર કરવાનું છે. 

તેમણે રેડિયો પર હિન્દી ફિલ્મ ગીતો, ક્રિકેટ કોમેન્ટ્રી અને હારમોનિયમ પર પ્રતિબંધ મૂકી દીધો હતો! તે માનતા હતા કે હિન્દી ગીતો અશ્લીલ બની ગયાં છે અને બ્રિટિશરોએ તેમની સાંસ્કૃતિક ગુરુતા સાબિત કરવા માટે ક્રિકેટને અને હારમોનિયમને ભારતમાં ‘ઘુસાડ્યું’ છે, જે તેમના ગયા પછી ભારતમાં આમ પણ જીવંત રહેવાનું નથી!

તે વખતનાં લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતો, જેવાં કે તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે (ફિલ્મ બાઝી, 1951) અને મૂડ મૂડ કે ના દેખ(શ્રી 420, 1955)માં પશ્ચિમી ઓરકેસ્ટ્રા હતાં અને તેની ગાવાની શૈલી યુરોપિયન જીપ્સી સંગીતની હતી, કેસકરના સેન્સરમાંથી પાસ થયાં નોહતાં. તે માનતા હતા કે ગીતોમાં વાંસળી, તાનપુરા અને સિતારનો ઉપયોગ થવો જોઈએ!

સાંસ્કૃતિક સાફ-સફાઈના નામે તેમણે શરૂઆતમાં ઓલ ઇન્ડિયા રેડિયો પર ‘10 ટકાનું રેશનિંગ’ નાખ્યું. મતલબ કે રેડિયો પર પ્રસારિત થતાં તમામ ગીતોમાં, હિન્દી ફિલ્મોનાં ગીતોનો હિસ્સો 10 ટકા જ રહેશે. બીજું, એ તમામ ગીતોની ચકાસણી થશે અને ‘વાંધાજનક’ ગીતો રદ્દ થશે. ત્રીજું, મંજૂર થયેલાં ગીતોની ફિલ્મોનું નામ બોલવામાં નહીં આવે કારણ કે તેમાં ફિલ્મની જાહેરાત થાય છે. ખાલી ગાયક કલાકારનું નામ જ લેવામાં આવશે!

એમાં ફિલ્મ ઉદ્યોગે શિંગડાં ભરાવ્યાં. જે નિર્માતાઓએ ફિલ્મ ગીતોના હક્કો ઓલ ઇન્ડિયા રેડિયોને આપ્યા હતા, તેમણે તે પાછા ખેંચી લીધા. કદાચ, કેસકર આવું જ ઇચ્છતા હતા. ત્રણ જ મહીનામાં, રેડિયો પરથી હિન્દી ફિલ્મ સંગીત સદંતર અદૃશ્ય થઇ ગયું અને માત્ર શાસ્ત્રીય સંગીતના સૂરો જ રેલાવા લાગ્યા.

તે વખતે, ભારતના ટચુકડા પાડોશી શ્રીલંકામાં, રેડિયો સિલોન (16 ડિસેમ્બર, 1925ના રોજ કોલંબો રેડિયો તરીકે તેની શરૂઆત થઇ હતી) લોકપ્રિય થઇ રહ્યો હતો. તે વખતે, 1952માં, ડેનિયલ મોલિના નામનો એક અમેરિકન સાહસિક, મુંબઈમાં રેડિયો ઍડ્વર્ટાઇઝિંગ સર્વિસ ચલાવતો હતો. તેણે મુંબઈની બિનાકા ટૂથપેસ્ટ બનાવતી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ કંપની માટે રેડિયો સિલોન પર અંગ્રેજી ગીતોની હિટ પરેડ બનાવી હતી. આ શો હમિદ સાયાની નામના બ્રોડકાસ્ટર ચલાવતા હતા.

ડેનિયલને, હિન્દી ફિલ્મ ગીતોની લોકપ્રિયતાના ખભે ચડીને હિન્દી માર્કેટમાં બિનાકા ટૂથપેસ્ટનો પગ જમાવવાનો વિચાર આવ્યો હતો. ઓલ ઇન્ડિયા રેડિયો પર આવો કાર્યક્રમ શક્ય નહોતો એટલે, હમિદ સાયાનીએ તેમના લઘુ બંધુને સૂચન કર્યું કે તું અંગ્રેજી જેવો જ કાર્યક્રમ હિન્દીમાં કર. એ લઘુ બંધુ એટલે અમીન સાયાની! સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તાજા જ ગ્રેજ્યુએટ થયેલા 20 વર્ષના સાયાની જીવનમાં શું કરવું તેની ગડમથલમાં હતા ત્યાં જ અ તક આવી પડી હતી.

બે વર્ષ પહેલાં, એક ઇન્ટરવ્યૂમાં અમીન સાયાનીએ તેને યાદ કરીને કહ્યું હતું, “જાહેરખબરની એજન્સી અઠવાડિયાના એક શો માટે મામૂલી 25 રૂપિયા આપવા તૈયાર હતી અને તેના માટે કોઈ તૈયાર થતું નહોતું એટલે હમિદભાઈએ મને એ કામ વળગાળ્યું. એ રીતે બિનાકા ગીતમાલાની શરૂઆત થઇ હતી.”

મખમલી અવાજના માલિક સાયાનીએ તે વખતના માહોલને ધ્યાનમાં રાખીને, હિન્દી-ઉર્દૂ મિશ્રિત હિન્દુસ્તાની જબાનમાં આ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને તેમાં તેમણે ‘સરતાજ’ અને ‘પાયદાન’ જેવા અસાધારણ શબ્દો વાપરવાનું શરૂ કર્યું હતું. 3જી ડિસેમ્બર 1952ના રોજ, સાત ગીતોની હિટ-પરેડ સાથે પહેલો શો પ્રસારિત થયો અને રાતોરાત હિટ થઇ ગયો. ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રતિબંધના કારણે, ‘ભૂખ્યા’ શ્રોતાઓ રેડિયો સિલોન પર તૂટી પડ્યા. એક જ વર્ષની અંદર, સાયાનીની મુંબઈ સ્થિત ઓફિસમાં દર અઠવાડિયે 65,000 પત્રોનો ઢગલો થઇ ગયો. ફિલ્મ સંગીતના ચાહકોના પત્રો વધ્યા તેમ ગીતો પણ વધ્યાં અને સાતમાંથી 16 સુધી પહોંચ્યાં.

બિનાકા ગીતમાલાની લોકપ્રિયતાની એક ઝલક આપતાં, અમીન સાયાનીએ, 2010માં, એક અન્ય ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “50 અને 60ના દાયકામાં, આખા એશિયામાં થઈને અંદાજે 20 કરોડ લોકો દર અઠવાડિયે બિનાકા ગીતમાલા સાંભળતા હતા. મને એ જાણીને આશ્ચર્ય થાય છે કે આજે પણ એવા હજારો લોકો છે જેમણે તેમની ડાયરીમાં વાર્ષિક કાર્યક્રમનાં ગીતો લખી રાખ્યાં છે એટલું જ નહીં, 46 વર્ષ પહેલાંના અઠવાડિક કાર્યક્રમની યાદી પણ નોંધી રાખી છે.”

ઇન્ટરવ્યૂના અંતે, સાયાનીએ આશાવાદી સ્વરે ઉમેર્યું હતું, “મારા કાર્યક્રમના માધ્યમથી, મેં એક સુખદ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જે દોસ્તી, એકતા, શાંતિ અને ન્યાય માટે અનુકૂળ હોય. હું એક એવી દુનિયા ઈચ્છું છું જે શાંતિપૂર્ણ, સ્વચ્છ, સ્વસ્થ અને સૌમ્ય હોય. તે મને કિશોર કુમારના ગીતની યાદ આપાવે છે – આ ચલ કે તુજે, મૈં લે કે ચલું, એક એસે ગગન કે તલે, જહાં ગમ ભી ના હો, આંસુ ભી ના હો, બસ પ્યાર હી પ્યાર પલે …”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 03 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વસ્તુ અને વ્યક્તિમાં ફરક રખાતો નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 March 2024

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ, પણ આપણે વ્યક્તિને માન આપવામાં સતત કંજૂસાઈ કરીએ છીએ. વ્યક્તિ નાની હોય તો, તે અપમાનને લાયક જ હોય તેમ આપણે વર્તીએ છીએ કે વ્યક્તિ વડીલ હોય તો પણ તેનો વિવેક આપણે ઓછો જ જાળવીએ છીએ. નોકરી ધંધામાં પણ નાના હોદ્દા પર કામ કરતાં માણસો જોડેનું ઉચ્ચ હોદ્દેદારોનું વર્તન ઘણુંખરું અપમાનિત કરનારું જ હોય છે, તો ક્યાંક નીચલા હોદ્દા પરનો માણસ પણ, સાહેબો જોડે દાદાગીરી કરી, પોતાની પહોંચ ઉપર લગીની છે – એવું કહીને ધમકી પણ આપી જતો હોય છે. અપવાદો બધે જ હશે, પણ ઘરમાં કે બહાર સ્ત્રીઓની સ્થિતિ દયનીય હોવાના દાખલા શોધવા દૂર જવું પડે એમ નથી. તો, સ્ત્રીઓ પણ સામેવાળાના મિસબિહેવિયર બાબતે કોઈને પણ બાનમાં લેતી હોય તેવું પણ બને જ છે. ઘરમાં દહેજને નામે પોતાનું શોષણ થયાંની વાત ઉપજાવીને પુરુષો પર તવાઈ લાવતી હોય એવી વહુઓ પણ, એક કહેતાં અનેક મળે એમ છે. ઘણાં ઘરોમાં અને ઘણી ઓફિસોમાં નાનામોટાંની આમન્યા જળવાતી હશે, પણ એકંદરે ચિત્ર બહુ હરખ ઉપજાવનારું નથી.

સ્ત્રીઓ વધારે હક ભોગવતી ને ઓછી ફરજ નિભાવતી હોય તો પણ કે પતિ કે પ્રેમી માટે કોઈનો પણ ભોગ લઈ શકતી હોય તો પણ, તેનું આજે પણ, અમર્યાદ માત્રામાં પાશવી શોષણ થાય છે તેની ના પાડી શકાશે નહીં. છેડતી, બળાત્કાર, હત્યામાં થયેલ વધારો એ વાતની સાક્ષી પૂરે એમ છે કે સ્ત્રીઓને લગતા ગુનાઓ ઘટતા નથી. સ્ત્રીઓને લગતા ગુનાઓ બહુ સહજ બાબત હોય તેમ સ્ત્રીઓ તરફે ધરાર  દુર્લક્ષ સેવાતું હોય છે. મોટે ભાગે તો ગુનેગાર છટકી જ જતો હોય છે અથવા તો કેસ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે ગુનેગારને તેનો લાભ મળે ને પીડિતાને ન્યાય ન જ મળે અથવા મળે તો તેની કોઈ અસર ન રહે. કમનસીબી એ છે કે આવામાં રાજ્ય સરકાર પણ બહુ મદદમાં આવી શકતી નથી, ભલેને પછી મુખ્ય મંત્રી એક મહિલા જ કેમ ન હોય ! એમ પણ લાગે છે કે મુખ્ય મંત્રી મહિલા હોય કે પુરુષ, બંને મહિલાઓ પરત્વે સરખાં જ અસંવેદનશીલ હોય છે.

હા, વાત પશ્ચિમ બંગાળના બહુ ચર્ચિત સંદેશ ખાલીની છે. મુખ્ય મંત્રી મમતા બેનરજી છે ને સંદેશ ખાલીની મહિલાઓ શોષણને મામલે આર્તનાદ કરી રહી છે, પણ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આ લખાય છે, ત્યાં સુધી સરકારને સફળતા મળી નથી – ખુદ મુખ્ય મંત્રીએ ધરપકડ થઈ ચૂકી છે એવું એલાન કર્યું હોવા છતાં ! હાઇકોર્ટે વારંવાર ફટકાર લગાવી છે, છતાં મુખ્ય આરોપી શાહજહાં શેખ ફરાર છે. એ જુદી વાત છે કે તે ગામમાં જ છે ને ક્યાં ય ગયો નથી. આની રાજકીય આંટીઘૂંટીમાં નથી જવું. માત્ર સંદેશ ખાલીની મહિલાઓ પર જે વીત્યું છે, એની વાત કરવી છે. સંદેશ ખાલીની મહિલાઓનો આક્રોશ ટી.એમ.સી.ના જિલ્લા પ્રદેશ પ્રમુખ શાહજહાં શેખ પર બારે મેઘ ખાંગા કરતો વરસ્યો છે. એ અકારણ નથી. રવિવારે પશ્ચિમ બંગાળ સરકારના બે મંત્રીઓ પાર્થ ભૌમિક અને સુજિત બસુ, સંદેશ ખાલીના હાલદારપાડા પહોંચ્યા, ત્યારે પણ મહિલાઓનો આક્રોશ ફૂટી પડ્યો હતો. હાઇકોર્ટે બીજી વખત મમતા સરકારને તાકીદ કરી છે કે શાહજહાંની ધરપકડ કરે, પણ મમતા સરકાર ટી.એમ.સી. (તૃણમૂલ કાઁગ્રેસ) નેતાને છાવરી રહી હોવાનું લાગે છે. કોર્ટે પોલીસને પણ સંભળાવ્યું છે કે એફ.આઇ.આર.ને ચાર્જશીટમાં ફેરવવામાં ચાર વર્ષ લાગ્યાં ! આ હાલત છે ત્યારે મહિલાઓનો આટલો આક્રોશ કેમ છે એ સવાલ થાય. એનો જવાબ એ કે શાહજહાં શેખ અને તેના બે સાથીઓ શિબુ હાજરા અને ઉત્તમ સરદાર પર જમીન હડપવાનો અને મહિલાઓ પર ગેંગ રેપનો આરોપ છે. પોલીસે અઢાર જણાની ધરપકડ કરી છે, પણ શાહજહાં ફરાર છે. રૅશન કૌભાંડમાં, 5 જાન્યુઆરીએ EDએ, શાહજહાંને ત્યાં દરોડા પાડયા, તો તેના 200થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અહેવાલ તો એવો પણ છે કે શાહજહાંની ધરપકડ એટલે નથી થતી કે કોર્ટે તેના પર સ્ટે મૂક્યો છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એવો કોઈ આદેશ અપાયો નથી. આમાં પોલીસની ભૂમિકા વધારે શંકાસ્પદ છે. અનેક પીડિતોનું કહેવું છે કે પોલીસે જ તેમને કહ્યું છે કે શેખ શાહજહાં આજથી તમારા પતિ છે. આમ કોઈને પણ કોઈના પતિ તરીકે ઠઠાડી દેવાની વાતમાં માનવતા નથી. આવું પોલીસ કહી જ કઈ રીતે શકે? આમ વાડ જ ચીભડાં ગળતી હોય તો પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા કોણ જાય? રાજ્ય સરકારના બે મંત્રીઓએ વળતર આપવાની વાત કરી તો મહિલાઓ ગુસ્સે થઈ ગઈ ને બોલી કે મામૂલી રકમ આપીને સરકાર અમારી આબરૂની કિંમત લગાવી રહી છે…

… કારણ કે શાહજહાં શેખ બંગાળ સરકાર સાથે સંબંધિત છે, એટલે તેને બચાવવાની કોશિશ ચાલે છે કે આ વિપક્ષોનું મમતા સરકારને નુકસાન કરવાનું કાવતરું છે, એમાં ન પડીએ, તો પણ મમતા બેનર્જીની સરકારમાં સંદેશ ખાલીમાં જમીનો પડાવી લેવાઈ અને મહિલાઓનું જાતીય શોષણ થયું એ વાતનો કોઈ ઇન્કાર કરી શકે એમ નથી. આરોપી કોઈ પણ જાતિ-ધર્મનો હોય, તે આરોપી છે અને સ્ત્રીઓની સતામણી કરવા બદલ તે જવાબદાર છે અને એ રીતે કાયદાએ તેની સાથે વર્તવું જોઈએ. સંદેશ ખાલીમાં પોલીસની વર્તણૂક પણ ગુનાહિત છે. પોલીસ પોતે જ મહિલાઓને, આરોપીને તેમનો પતિ માનવાની વાત કહેતી હોય તો તે નાગરિકોનાં રક્ષણ માટે છે એવું કઈ રીતે માનવું? આરોપી કે તેના સહયોગીઓ કોઈ પણ ઘરમાંથી મહિલાઓને કાર્યાલયમાં ઉઠાવી જતાં હોય કે કોઈ પણ સુંદર મહિલા કે નવ પરિણીતાને છડેચોક જાહેરાત કરીને ઉપાડી જવાનો અધિકાર રાખતા હોય, તો સ્ત્રી સન્માન કે સુરક્ષાના તમામ આદર્શોનો પૂર્ણ પડે છેદ ઊડે છે. આ રીતે અપહૃત મહિલાઓ જોડે ગેંગ રેપ કે જાતીય સતામણીની ઘટનાઓ સામાન્ય વાત થઈ પડી હોય તો આરોપીની આણ કેવી વર્તાતી હશે તે કહેવાની જરૂર નથી. આવું કોઈ પણ વ્યક્તિ કે સમૂહ દ્વારા કે જાતિ કે ધર્મ દ્વારા થતું હોય તો તે પૂર્ણપણે તિરસ્કારને પાત્ર છે ને એ કમનસીબી છે કે આવું કોઈ પણ રાજ્યમાં થવાની હવે નવાઈ રહી નથી.

કોઈ પણ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ સ્પર્શવાથી અપરાધની શરૂઆત થાય છે ને અહીં તો તેની હત્યા કરવાની પણ કોઈને નાનમ લાગતી નથી. સ્ત્રી ગમે તેટલી નિકૃષ્ટ કોટિની જ કેમ ન હોય, તેની સાથે દુર્વ્યવહારનો હક કોઈને નથી ને કોઈ પણ સ્ત્રીને ઉઠાવી જવાય કે તેની સાથે દુષ્કર્મ થાય કે તે પછી તેની હત્યા થાય કે તેને દાટી દેવાય કે ફૂંકી મરાય તે અપરાધની ચરમસીમા છે. ફાંસી સુધીની સજા થાય છે, પણ હત્યાની યુક્તિઓ ઘટતી નથી, એ બતાવે છે કે સ્ત્રીને વ્યક્તિ નહીં, પણ વસ્તુ ગણવાની વૃત્તિ બળવત્તર બનતી આવે છે. મરઘું પકડતાં હોય તેમ કોઈ પણ સ્ત્રીને બળજબરીએ ખેંચી જવાય ને તેની ઈચ્છા વિરુદ્ધ તેના પર અત્યાચાર ગુજારવાનું શૂરાતન છૂટતું હોય એવા લોકોનો તોટો નથી. વારુ, સ્ત્રી પરિણીત હોય તો પણ આવી સ્થિતિનો સામનો કરવાનું કેટલીક સ્ત્રીઓને આવે જ છે. એમ તો દહેજ કે અન્ય માંગણીને નામે સ્ત્રીઓની સતામણી પણ કેટલાંક કુટુંબોમાં આમ વાત છે. તો, એ પણ સાચું છે કે શિક્ષણ, નોકરી, વ્યવસાયની બાબતે સ્ત્રીઓ ઘણી વિકસી છે, સ્વતંત્ર રીતે સંસ્થાનો સંભાળતી થઈ છે. લગભગ બધી સરકારોએ સ્ત્રીનાં ઉત્કર્ષ માટે ઘણી કોશિશો કરી છે, પણ લોકમાનસ બદલાયું નથી કે તે ઘડવાની કોશિશો ઠીક ઠીક હદે નિષ્ફળ રહી છે. ઉપર ઉપરથી સ્ત્રી સન્માનની વાતો તો ઘણી થાય છે, પણ માનસિકતા વધુને વધુ ઋગ્ણ થતી આવે છે.

આ સમસ્યા કાયદાથી ઊકલે એમ નથી. એ તો નાનેથી જ બાળકોમાં સ્ત્રીઓ પ્રત્યે માનથી જોવાની ટેવ પડે એવું કઈં થાય તો ધીમે ધીમે પરિસ્થિતિ બદલાય. ઘરમાં માતા ને પિતા વચ્ચે લાગણી ન જણાય ને પિતાની જોહુકમીનો જ ભોગ માતા બનતી રહેતી હોય, તો બાળકમાં પણ એ વાત ઘર કરી જતી હોય છે કે સ્ત્રીને અપમાનિત કરી શકાય છે, તેની સાથે દુર્વ્યવહાર થઈ શકે છે, તે ઘરમાં ઢસરડો કરવા જ જન્મી છે … વગેરે. આ વાત બાળપણથી ન બદલાય તો સ્ત્રીઓ ગમે એટલી વિકસે કે સ્વતંત્ર હોય, તેને વ્યક્તિ તરીકેનું મૂલ્ય પ્રાપ્ત થવાનું અઘરું છે. કોઈ પણ વ્યક્તિને, વ્યક્તિ તરીકેનું માન ન મળે કે તેની વ્યક્તિ તરીકેની ઓળખનાં જ પ્રશ્નો હોય તો સમાજ કે દેશ ગમે એટલો આગળ હોય તો પણ, તે પછાત જ છે. કરુણતા એ છે કે સૃષ્ટિ બદલાય છે, પણ દૃષ્ટિ બદલાતી નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 03 માર્ચ 2024

Loading

...102030...856857858859...870880890...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved