‘આપણે કંઇ આવા 3,000 એકરની જમીનના આસામી નથી યાર’, એવું બોલીને ઇર્ષ્યાનો બળાપો કાઢતાં પહેલાં એવું યાદ કરવું કે રસ્તે શાંતિથી બેઠેલા શેરીના કૂતરાંને વગર કારણ કે કાંકરીચાળો કરનારા અથવા તો પોતાની પરપીડનવૃત્તિને સંતોષ આપવા મૂંગા પ્રાણીને શારીરિક અને માનસિક ત્રાસ આપનારાઓને મૂળભૂત સંસ્કાર અને કરુણા જરૂર હોય છે, 3,000 એકર જમીનની નહીં.

ચિરંતના ભટ્ટ
છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહેલી અનેક બાબતોની સાથે અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીના ઇન્ટરવ્યુઝ, તેના નવા પ્રોજેક્ટને લગતી વિગતો પણ વાઇરલ થઇ રહી છે. આ ઉપરાંત રાધિકા મર્ચન્ટ સાથે તેના લગ્ન પહેલાંની ઉજવણીની વિગતો પણ સતત ચર્ચામાં છે. અંબાણી પરિવાર ભારતનો એક એવો પરિવાર છે જેને વિશે જાણવાની ઉત્સુકતા ન હોય એવું ભાગ્યે જ કોઇ હશે.
ધીરુભાઇ અંબાણીની જિંદગી પર આધારિત ફિલ્મ ‘ગુરુ’ જોયા પછી તેમનો ફેનબેઝ વધી ગયો હતો એમ કહેવામાં કંઇ ખોટું નથી. મૂકેશ અંબાણીએ પિતાના એમ્પાયરને ત્રણ લોકમાં વિસ્તાર્યું છે અને હવે ત્રીજી પેઢી સુકાન સંભાળી રહી છે. વળી નીતા અંબાણીએ પણ કલા-વારસાને NMACC દ્વારા નવો ભવ્ય મંચ આપ્યો, કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબલિટીને ધ્યાનમાં રાખીને કામ કરતું રિલાયન્સ ફાઉન્ડેશન આંતરિયાળ વિસ્તારોમાં કામ કરે છે, વળી રિલાયન્સની HNRF હૉસ્પિટલ પણ મુંબઈમાં કેટલાક વર્ષોથી ચાલે છે. અંબાણી પરિવારની પહોંચ, ધન-વૈભવથી માંડીને તેમના કનેક્શન્સ વિશે અસંખ્ય વખત વાતો થઇ છે, સોશ્યલ મીડિયામાં મીમ્સ સુદ્ધાં બન્યાં છે અને તેમની ઠેકડી ઉડાડીને હસવામાં વાત કાઢી નાખનારા દરેક માણસના મનમાં તેઓ જે પણ કરે તેના પ્રત્યે અહોભાવ તો હોય જ છે. આજે વાત આખા અંબાણી પરિવારની નહીં પણ અનંત અંબાણીની કરવાની છે કારણ કે અગાઉ જણાવ્યું તેમ તે આજકાલ ચર્ચામાં છે.
ઘણા લાંબા સમય સુધી અનંત અંબાણી ‘લાઇમ લાઇટ’માં નહોતા દેખાયા. તેમની ચર્ચા કદાચ ત્યારે સૌથી વધારે થઇ હતી, જ્યારે તેમને મોટિવેશન આપવા માટે નીતા અંબાણીએ પણ વજન ઉતાર્યું હતું. અનંત અંબાણીની વાત તેમના વજનને લઇને અનેકવાર થઇ, પણ ભાગ્યે જ કોઈએ ગંભીરતાથી એ વાતને ગણતરીમાં લીધી કે નાનપણથી શારીરિક કોમ્પેલિકેશન્સ સાથે જન્મેલા અનંત અંબાણીને અનેક દવાઓ, સારવારનો સહારો લેવો પડ્યો જેની આડ અસર હતી, સતત ફિટ ન રહી શકે તેવું શરીર! ઇશા અને આકાશ અંબાણીએ જ્યારે અંબાણી એમ્પાયરમાં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે એ.જી.એમ.થી માંડીને નવી જાહેરાતો દરમિયાન તે ચર્ચામાં રહ્યા. આ તરફ અનંત અંબાણીએ એકાદ બે વાર કંપનીના સ્થાપના દિવસના કાર્યક્રમ અથવા તો આઇ.પી.એલ.ની મેચ દરમિયાન ક્યારેક પોતાનાં મમ્મીની બાજુમાં દેખાવા સિવાય ભાગ્યે જ કોઇ નોંધનીય હાજરી આપી. હવે એમ થયું છે કે અનંત અંબાણીના અમુક મીડિયા હાઉસને અપાયેલા ઇન્ટરવ્યુઝના હિસ્સા વાઇરલ થઇ રહ્યા છે, કેટલીક જાણીતી ચેનલ્સ પર તેમની એન્કર સાથેની વાતોમાંથી નાના-મોટા સમાચાર બની રહ્યા છે. દુનિયા આખીમાં વન્ય જીવો અને માણસો વચ્ચેના સંઘર્ષને કારણે પ્રશ્નો ખડા થઇ રહ્યાં છે, જંગલો પાંખા થઇ રહ્યા છે, પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થઇ રહી છે અને આવામાં જામનગરમાં 3,000 એકર જેટલી જમીનમાં વન્ય જીવો માટેના રેસ્ક્યુ સેન્ટરની શરૂઆત કરાઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન હેઠળ લૉન્ચ થયેલો ‘વનતારા’ પ્રોજેક્ટ એક એવી પહેલ છે જ્યાં વન્ય જીવોની સારવાર, સંભાળ અને પુનર્વસન માટે કામ થઇ રહ્યું છે. 200 જેટલા હાથીઓ, 300થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, 300થી વધુ શાકાહારી પ્રાણીઓ અને 1,200થી વધુ મગર, સાપ અને કાચબા જેવાં પ્રાણીઓ આ વનતારામાં અત્યારે રહી રહ્યાં છે. અહીં હાથીઓ માટેની ખાસ હૉસ્પિટલ છે તો રેસક્યુ કરેલાં પ્રાણીઓને શારીરિક અને માનસિક રીતે સાજા કરવા માટેના મોટા કુદરતી એનક્લોઝર્સ, પ્રાણીઓનાં સ્વાસ્થ્ય માટે થતા રિસર્ચની વ્યવસ્થાથી માંડીને અનેક સવલતો છે. અનંત અંબાણીએ પોતાના ઇન્ટરવ્યુઝમાં હાથીઓનો બચાવ તેમને માટે ખાસ છે તે વાત કરી છે, અહીં લવાયેલા હાથીઓને આકરી સ્થિતિમાંથી બચાવી લેવાયા છે અને દરેકની સાથે તેમના મહાવતોને સુદ્ધાં અહીં રાખવામાં આવ્યા છે. આ પ્રાણીઓને રાહત મળે એવી રીતે ખડી કરાયેલી એક દુનિયા છે. ક્રૂરતા અને નિર્દયતાની સામે આ એક હૂંફ ભરેલો માહોલ છે જે એક જવાબદારી ભર્યા અભિગમનું પરિણામ છે.
પ્રાણીઓ આપણી સૃષ્ટિનો એક અહમ હિસ્સો હોવા છતાં અમુક જ સમુદાયો તેમની કાળજી, તેમની સમસ્યાઓ પ્રત્યે કોઇ નિસબત ધરાવતા હોય છે. મૂંગા પ્રાણીઓને જે વેદનામાંથી પસાર થવું પડે છે તેની હકીકત ભાગ્યે જ લોકો સુધી પહોંચતી હોય છે. ‘વનતારા’ એટલે કે ‘જંગલના સિતારા’ – આ એક એવી પહેલ છે જેમાં અવગણના અને ત્રાસ વેઠેલા પ્રાણીઓને નવું ઘર મળી રહ્યું છે. ધર્મને નામે દેકારા કરનારાઓએ યાદ રાખવું જોઇએ કે પ્રાણીઓ આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં હંમેશાં બહુ અગત્યનાં પાત્રો રહ્યાં છે.
અનંત અંબાણી જે વનતારા પ્રોજેક્ટની સુકાન સંભાળે છે તેમણે ઇન્ટરવ્યુ અને પ્રેસ કોન્ફરન્સિઝમાં કહ્યું છે કે તેમને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ તેમનામાં નાનપણથી જ હતો અને પોતાનાં માતાની પ્રેરણાથી જીવદયા અને પ્રાણી સેવાની દિશામાં તે આગળ વધ્યા છે. વનતારાની ચર્ચા થઇ રહી છે અને થતી રહેશે કારણ કે પ્રાણીઓને અહીં મળતી સવલતો અને કાળજી સમાજમાં એક દાખલો બેસાડશે કે પ્રાણીઓ સાથે કેવો યોગ્ય વહેવાર થવો જોઇએ. વળી કઇ રીતે સફેદ વાઘથી માંડીને ઇજાગ્રસ્ત હાથીઓને બેઠા કરાયા છે-ના સમાચારો પણ વીડિયો સાથે માધ્યમોમાં આવી ચૂક્યા છે.
અહીં વનતારાથી અચંબિત થવા કરતાં એ જોવું જરૂરી છે કે વિશ્વના ધનિકોમાં જે પરિવારનું નામ મોખરે છે એ પરિવારનું એક એવું સંતાન જેને શારીરિક વ્યાધિઓ હોવાને કારણે ચર્ચામાં રહ્યું છે તેને સ્વતંત્ર થવા માટેની મોકળાશ આપવાનો રસ્તો માતા-પિતાએ ઘડ્યો. આ વાંચવામાં કદાચ સામાન્ય કે નગણ્ય લાગે એવી બાબત હોઇ શકે છે પણ તમે એક વાલી તરીકે, એક એવા વાલી તરીકે વિચારો કે જેની હિલચાલ પર આખી દુનિયાની નજર હોય છે તો કદાચ આ સમજી શકાશે. ગામને મોઢે ગરણાં નથી બાંધી શકાતા એટલે બોલનારા તો એમ પણ કહી શકે કે આટલી સંપત્તિ હોય તો કોઇ કંઇપણ કરી શકે પણ જોવાનું એ છે કે સંપત્તિવાન માણસોના સંતાનો ‘કંઇપણ’ જ કરતા હોય અથવા તો કંઇ નોંધનીય ન કરતા હોય એવું પણ થયું છે. અનંત અંબાણી હજી 30 વર્ષનાં પણ નથી પણ તે પોતાની શારીરિક વ્યાધિઓ વિશે, પોતાને વિશે થતી ટકોરો વિશે, પોતાના માતા-પિતા કે દાદા-દાદી કે નાના-નાની પાસેથી મળેલી સમજ વિશે કોઇપણ સંકોચ વગર એકદમ નિર્દોષતાથી વાત કરી શકે છે. અનંત અંબાણી અત્યાર સુધી મીડિયામાં જે પણ બોલ્યા છે તેમાં એક નિર્ભેળતા છે – હા સ્વાભાવિક છે કે મીડિયા સાથે વાત કરવા અંગે તેમને તાલીમ અપાઇ હોય પણ, એમાં ખોટું શું છે? દૂધમાંથી પોરા કાઢનારાઓ માટે આ દરજ્જાના પરિવારોના ફરજંદોએ કરેલી ભૂલો ગણાવવા બેસી જ શકે છે, સવાલ ઉઠાવી જ શકે છે પણ ધનિક હોવાથી ભૂલ કરવાનો અધિકાર ન છીનવી શકાય. જોવાનું એ છે કે આ બધાથી પર જઇને નક્કર કામ થઇ રહ્યું છે. ‘આપણે કંઇ આવા 3,000 એકરની જમીનના આસામી નથી યાર’, એવું બોલીને ઇર્ષ્યાનો બળાપો કાઢતાં પહેલાં એવું યાદ કરવું કે રસ્તે શાંતિથી બેઠેલા શેરીના કૂતરાંને વગર કારણ કે કાંકરીચાળો કરનારા અથવા તો પોતાની પરપીડનવૃત્તિને સંતોષ આપવા મૂંગા પ્રાણીને શારીરિક અને માનસિક ત્રાસ આપનારાઓને મૂળભૂત સંસ્કાર અને કરુણા જરૂર હોય છે, 3,000 એકર જમીનની નહીં.
અનંત અંબાણીની આ પહેલ કોઇ નાની બાબત નથી. વનતારા પ્રોજેક્ટની કોઇને કોઇ કારણોસર ટીકા કરનારા પણ હશે જો કે વનતારામાં સાર સંભાળ મેળવીને નિશ્ચિંત થઇને જીવનારાં પ્રાણીઓને જે શાતા અને રાહત મળી રહી છે તેની સામે એ બળાપા ટકી જાય એવી કોઇ શક્યતા જ નથી. સંપત્તિ હોવી એક બાબત છે અને તેનો યોગ્ય ઉપયોગ કરવો બીજી બાબત છે – અનંત અંબાણીનું ‘વનતારા’ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જ્યાં સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે. અંબાણી પરિવારના પ્રસંગોની ભવ્યતા ચર્ચાનારાઓએ એ પણ જોવું જોઇએ કે પોતાની સામાજિક જવાબદારીની સીમાઓ તેઓ ક્યાં સુધી વિસ્તારી રહ્યા છે.
‘વનતારા’ને કારણે જામનગરને હવે નવી ઓળખાણ પણ મળી છે અને આ એક એવું અભયારણ્ય છે જ્યાં હેરાન થયેલા પ્રાણીઓને સારવાર બાદ ફરી જીવવાનો મોકો મળશે. તેમનું સંવર્ધન કરાશે અને યોગ્ય સમયે તેમને પોતાના કુદરતી માહોલમાં ફરી છોડી દેવામાં આવશે.
બાય ધી વેઃ
નેટફ્લિક્સ પર ‘પાબ્લો એસ્કોબાર’ નામના ડ્રગ લોર્ડ પર એક સિરીઝ છે. એસ્કોબાર પ્રાણી પ્રેમી હતો અને તેના અંગત ઝૂમાં 200 જેટલા પ્રાણી હતા. ગુનાઇતોથી પ્રભાવિત થનારાઓને એક ડ્રગ લોર્ડનો પ્રાણી પ્રેમ યોગ્ય લાગતો હોય છે તો પછી બિલકુલ નેક ઇરાદાથી શરૂ કરાયેલી વનતારા જેવી તોતિંગ પહેલને વખોડવામાં કોઇ સાર નથી. અનંત અંબાણી છેલ્લા થોડાક જ વખતથી જાહેરમાં પોતાની વાગદત્તા રાધિકા મર્ચન્ટ સાથે અથવા તેના સિવાય દેખાયા છે અને તેમણે મીડિયા સાથે વાત કરી છે. માતા-પિતાને પોતાના સંતાનને કોઇ કંઇ કહેશે તેની બહુ જ ચિંતા હોય છે પણ એ ચિંતાને દૂર કરીને દીકરાની પહેલમાં એડી ચોટીનું જોર લગાડી, પોતાના આશ્રયની બહાર જઇ એક સ્વતંત્ર ઓળખાણ ઘડવાની દિશામાં મૂકેશ અને નીતા અંબાણીએ જે રરસ્તો અપનાવ્યો છે તેની પરથી સંતાનોને કોટે વળગાડી ચિંતાને નામે તેમના વ્યક્તિત્વને રુંધી નાખનારા વાલીઓએ બોધપાઠ લેવો રહ્યો. વળી રતન તાતા જેવા કુટુંબકબીલા વગરની વ્યક્તિએ પણ હંમેશાં પ્રાણી સેવા કરી છે, તેમણે તાજેતરમાં જ પ્રાણીઓ માટેની હૉસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી છે. પોતાની પાસે હોય તેમાંથી જે પોતાના માટે કંઇ નથી કરી શકતા તેમને માટે કંઇ કરવાનો ઇરાદો ઇશ્વરને પહોંચતી પ્રાર્થના બની જાય છે એ ચોક્કસ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 માર્ચ 2024