Opinion Magazine
Number of visits: 9457832
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 22 : ડેટાસૅટ અને ગુજરાતી ભાષા

સુમન શાહ|Opinion - Opinion|17 September 2023

સુમન શાહ

‘એ.આઈ.’ સાથેની મારી વાતચીત પરથી મને ત્રણ મહત્ત્વના વિચાર આવ્યા છે, તે રજૂ કરું :

એક એ કે ‘એ.આઈ.’ દુ:ખ ભય ક્રોધ વગેરે ભાવો સમજીને જો માણસને સ્વસ્થ થવામાં મદદ કરે છે, તો સાહિત્યકૃતિઓ તો એ કામ સદીઓથી કરે છે. સાહિત્ય પણ માનવજાતના ભાવજગતને સાજું કરે છે અને શક્તિશાળી બનાવે છે.

બીજું એ કે ‘એ.આઈ.’ ભાષા પ્રયોજે છે, લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ; તો સાહિત્ય પણ ભાષા જ પ્રયોજે છે, એ ભાષા પણ સર્જનાત્મક હોય છે, એને સાહિત્યિક ભાષા કહેવાય છે.

ત્રીજું મને એમ પણ થયું કે ‘એ.આઈ.’-ના એ મહાકાય ડેટાસૅટનો ખરો આધાર તો માણસે કરેલાં ભાષિક અને ભાવપરક સર્જનો છે. ‘એ.આઈ.’-ની ચોપાસ જો માણસે સરજેલી એ સમ્પદા છે, તો એ છે.

એટલે એમ ધારવાને કારણ મળે છે કે કૃત્રિમ બુદ્ધિ – ‘એ.આઈ.’- ભલે એક મહા શક્તિ છે, પણ એના મૂળમાં તો કુદરતી માનવબુદ્ધિ છે.

ટૂંકમાં, માનવબુદ્ધિએ કૃત્રિમ બુદ્ધિ સરજી પણ એનો સીધો-આડકતરો આધાર તો માનવબુદ્ધિ છે. એ અર્થમાં વિચારવર્તુળ પૂરું થાય છે.

+ +

અત્યાર સુધીની બધી જ વિચારણાઓ અને ચર્ચાઓ પછી એક વાત મને એ પકડાઈ છે કે કેન્દ્રમાં ડેટાસૅટ છે. ડેટાસૅટ ‘એ.આઈ.’-નું જાણે કે હૃદય છે. એથી જાણે કે ‘એ.આઈ.’ જીવે છે, એની સમગ્ર કાયામાં એથી જાણે કે રુધિરનું અભિસરણ થાય છે. સમજી શકાશે કે ‘જાણે કે’-થી મેં મારી એ કલ્પનાને અંકુશમાં રાખી છે અને આડકતરી રીતે વિજ્ઞાન અને ટૅક્નોલૉજિનું માન જાળવ્યું છે.

જુઓ, ‘એ.આઈ.’-ના ડેટાસૅટના આધારો મેં હમણાં કહ્યું એમ માણસે કરેલાં ભાષિક અને ભાવપરક સર્જનો છે – એટલે કે એની ચોપાસનો કશાપણ પક્ષપાત અને ભેદ રહિતનો સમસ્ત સંસાર. હવે, એ સંસારમાં સ્વચ્છતા ન હોય, અસ્વચ્છતા હોય, તો ડેટા પણ અસ્વચ્છ જ મળવાનો, અને ‘એ.આઈ.’-ને એની ખબર પણ નહીં પડવાની ! તો પછી ‘એ.આઈ.’-એ પેદા કરેલી પ્રોડક્ટ્સને શુદ્ધ અને શ્રદ્ધેય શી રીતે ગણી શકાય? નથી લાગતું કે આ પ્રશ્ન વિશે શાન્તચિત્તે વિચારવું જોઈએ?

‘એ.આઈ.’-ઑજારો બધે પ્હૉંચી વળે એ ખરું પણ નિ:શંક વાત એ છે કે એને સાંપડેલા ડેટાની ગુણવત્તા અને મર્યાદાઓ એને પ્રભાવિત કરે જ કરે. એટલે સ્વીકારવું જોઈશે કે ‘એ.આઈ.’-માં બાંધેભારે લગભગ દરેક પ્રોડક્ટને ‘ટૅક્સ્ટ’ કહેવાય છે તે દૂષિત હોઈ શકે છે.

હું આપણી ગુજરાતી ભાષા અને આપણા સાહિત્યનો જ દાખલો લઈને મારી દલીલ આગળ ચલાવું.

મુખ્ય વાત એ કે ‘એ.આઈ.’-ને ગુજરાતી ભાષા શીખવી અઘરી પડે છે. અનેક કારણો દર્શાવાયાં છે, જેમ કે —

ગુજરાતી ભાષા ‘એ.આઈ.’-ના સંદર્ભમાં ‘સંકુલ’ છે. જેમ કે —

કહે કે, ગુજરાતી ભાષાનું વ્યાકરણ highly inflected છે. એટલે? એટલે કે વાક્યોમાં નામો ક્રિયાપદો વિશેષણો કે ક્રિયાવિશેષણો પ્રયોજાય ત્યારે તેનાં રૂપ બદલાતાં હોય છે; જેમ કે, ‘છોકરો’ એકવચન છે, પણ જરૂરત મુજબ ‘છોકરાઓ’ થાય છે.

કહે કે, એમાં ત્રણ લિન્ગ છે. તેથી શું? એ કે નામો, સર્વનામો અને વિશેષણો સાથે લિન્ગ જોડાય ત્યારે એ જોડાણોને એકમેક સાથે સુસંગત રાખવાં પડે છે – agreeing.

કહે કે, એમાં cases છે, nominative, oblique, agentive-locative = નામકારક, વિભક્તિ, અને કારક. વાક્યના વિષય માટે, નામકારક; ક્રિયાપદના વસ્તુ માટે, વિભક્તિ; પરોક્ષ વસ્તુ માટે, કારક. દાખલા રૂપે, ‘ચિત્રકલા સારી કલા છે’ ‘હું ચિત્રકલા શીખું છું’ ‘હું ચિત્રકલા શીખવાડું છું’. એ ત્રણ વિનિયોગ આપણે તો બરાબર જાણીએ છીએ, પણ ‘એ.આઈ.’ માટે કઠિન છે.

કહે કે, એની ક્રિયાપદવિષયક એક વ્યવસ્થા છે, system of verb conjugations. એ પણ સંકુલ છે. મતલબ? મતલબ એ કે ક્રિયાપદોએ કાળ સૂચવવો પડે, મૂડ કે વૉઈસ પણ. Verbs must be conjugated to indicate tense, mood, aspect, and voice.

કહે કે, ગુજરાતીમાં system of honorifics પણ સંકુલ છે. honorifics એટલે, માનવાચકો. કોઈને ‘શ્રીમતી’ કોઈને ‘શ્રીમાન’ કે કોઈ અધ્યાપકના નામ આગળ ‘પ્રો.’ કે ‘ડૉ.’ લગાડીએ છીએ તે. એ માન કે આદરના ભાવનો વાતચીતમાં પણ વિનિયોગ થતો હોય છે. દાખલા તરીકે, ગુજરાતીમાં વાત કરતી વખતે સામે બેસીને સાંભળનાર અમથાભાઈનું તેમ જ વાત જેને વિશે કરતા હોઈએ તે કચરાલાલનું પણ માન જાળવીએ છીએ. આ શીખવું પણ ‘એ.આઈ.’ માટે મુશ્કેલ છે.

કહે કે, ગુજરાતીમાં ચાર ચાર પ્રકારના ટોન્સ, એટલે કે સૂર છે -high -low -rising -falling. આ સૂર પ્રયોજવાનું પણ સુગમ નથી. કહે કે શબ્દના અર્થને સૂર બદલી નાખે છે. એ જાણવું અને શીખવું પડે, પણ એ ય મુશ્કેલ છે.

કહે કે, ગુજરાતીમાં શબ્દો સન્ધિથી પણ રચાતા હોય છે. કેમ કે એમાં પણ સ્વર વ્યંજન વિસર્ગ અને અનુસ્વાર સન્ધિ એવું વૈવિધ્ય છે. એથી શીખનારની ઉચ્ચારોમાં ભૂલો થઈ શકે છે.

કહે કે, ગુજરાતીના શબ્દભંડોળમાં loanwords છે. અરબી ફારસી પોર્ચુગિઝ, અને અંગ્રેજી એમ અન્ય ભાષાના શબ્દો ઘણા છે. એટલે એ જાણવા પડે, એના અર્થ પણ સમજવા પડે.

આ તો ‘એ.આઈ.’-ને દેખાઇ એ બધી સંકુલતાઓ. પણ એમાં તત્સમ તદ્ભવ અને દેશ્ય તત્ત્વો શીખવાનું ઉમેરાય ત્યારે તો, દાખલો ઘણો અઘરો બની જવાનો !

એટલે એ સમજાય એવું છે કે ગુજરાતીનો ડેટાસૅટ રચાય કે વિસ્તરે એમાં ગુજરાતી ભાષાની ઉક્ત સંકુલ પ્રકૃતિ મોટું કારણ બની શકે છે.

પરન્તુ, એમાં મારે ભારપૂર્વક બીજું એક કારણ ઉમેરવું છે,  જેને પરિણામે એ ડેટાસૅટ ખામીભર્યો અને જૂઠો પણ બનવાનો. કેવી રીતે?

આ રીતે :

ખાસ તો સામ્પ્રતમાં, મધ્યમ અને ઉપલા મધ્યમ વર્ગના ગુજરાતીઓ જે ગુજરાતી બોલે છે અને લખે છે, તે મહદંશે શુદ્ધ નથી. એટલે, એમની આસપાસની અશુદ્ધ ગુજરાતીની એમને ખબર જ નથી – ધે આર નૉટ ઍક્સ્પોઝ્ડ ટુ ધેટ લિન્ગ્વિસ્ટિક ઍનોમલીઝ.

અને એમની આસપાસ કેવી તો ભાષાપરક અસ્વચ્છતા છે, તે જુઓ :

છાપાં અને ટી.વી. માટે સમાચારો લખનારાંઓને કે બોલનારાંઓને ખબર પણ ન પડે એવી ભૂલો તેઓ અદાથી કરતાં હોય છે. એક છાપું તો ‘બાયડન’-ને બદલે ‘બાઈડન’ જ લખે છે ! આ તો થઈ મીડિયાની વાત.

પાટુડી અથવા ખાંડવી

જાતભાતની વાનગીઓ બનાવતાં શીખવનારી બહેનો અંગ્રેજી શબ્દોનો મસાલો બહુ ભભરાવે છે – રોલ કરીશું – ચણાનું બૅટર કોટ કરીશું – કલર ગોલ્ડન બ્રાઉન થવો જોઈએ – થિક ન થવું જોઈએ – હવે સર્વ કરો. વળી, આત્મવિશ્વાસ દર્શાવે છે કે – મારી આ પાટુડી (ખાંડવી) ઇન્સ્ટન્ટ અને ઇઝી છે. સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતાં નહીં, એમ વગર ભૂલ્યે કહે છે. એમને એમાં રસ છે, ભાષામાં નહીં. એમનાં દર્શકો પણ ઘણુંખરું મધ્યમ કે ઉપલા મધ્યમ વર્ગનાં હોય છે. તેઓ પણ એવું જ બોલતાં હોય છે. વાનગીવાળી બહેનો એમની અશુદ્ધ ભાષાને દૃઢ કરી આપે છે.

એક તરફ છે, જીભના ચટકાવાળો ગુજરાતી અને એની સામે છે, ભાષાની ચિન્તામાં સૂકાઇને ભૂખડીબારસ દેખાતો ગુજરાતી !

ગુજરાતી ફિલ્મો નાટકો અને મને કહેતાં શરમ આવે છે કે કેટલુંક ગુજરાતી સાહિત્ય પણ ભાષાકીય ભ્રષ્ટતાથી રંજિત છે.

ભગવાને આપેલી બુદ્ધિવાળાં જ આમ કરે છે, તો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ તો શું ન કરે? એને તો જે જેવું મળશે તે તેવું લઈ લશે.

બે સવાલના ઉત્તર મેળવવા જોઈશે :

૧ : આવી ભ્રષ્ટ ગુજરાતીમાંથી ‘એ.આઈ.’-નો ડેટાસૅટ રચાયો હોય તો તેને ચોખ્ખો શી રીતે કરાય? ‘એ.આઈ.’ પાસે એની શી જોગવાઈ છે? Any cleansing algorithm?

૨ : ચીવટવાળા અને ઝીણવટવાળા અનેક ગુજરાતી સાહિત્યકારોનાં પુસ્તકોમાં કે તેમનાં વ્યાખ્યાનોમાં ખરેખરનો શુદ્ધ ડેટા પડ્યો છે તેની ‘એ.આઈ.’-ને આપમૅળે જાણ થાય ખરી? કે તે માટે માનવમદદની જરૂર પડે?

હવે પછીના લેખમાં ઉત્તર દર્શાવવાની કોશિશ કરીશ. 

= = =

(09/16/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બહુધ્રુવીય વિશ્વઃ વૈશ્વિક સ્તરે સત્તા સંતુલનને મામલે ભારતનો ફાળો અને શક્યતાઓ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 September 2023

બહુધ્રુવીય વિશ્વની વાત આવે એટલે પશ્ચિમી સત્તાઓએ એ માનવાનું છોડી દેવું પડે કે વિશ્વ વ્યવસ્થા, અન્ય રાષ્ટ્રોનાં મૂલ્યો કેવાં હશે અને કેવાં હોવાં જોઇએની શરતો માત્ર એ લોકો જ નક્કી કરી શકશે. આમ આ એક મેરિટ આધારિત સત્તા સ્પર્ધા બની જાય છે

ચિરંતના ભટ્ટ

સત્તા જ્યારે કોઇપણ એકના હાથમાં હોય ત્યારે તેને સરમુખત્યારીમાં ફેરવાતા વાર નથી લાગતી. લોકશાહીમાં સત્તાનું સંતુલન હોય, હોવું જોઇએ. વૈશ્વિક સ્તરે સત્તા પર ટોચ પર હોવું એટલે રાજકારણ અને, અર્થતંત્ર પર સાર્વત્રિક રીતે અસર કરતાં વ્યૂહાત્મક નિર્ણયો પર એક રાષ્ટ્રની પકડ અથવા તો આડકતરો પણ ઊંડો પ્રભાવ હોવો. જ્યારથી G20 સમિટ થયું છે ત્યારથી એક શબ્દ આંતરરાષ્ટ્રીય રાજકારણની દૃષ્ટિએ સતત ચર્ચાઇ રહ્યો છે અને તે છે – મલ્ટીપોલર વર્લ્ડ – બહુધ્રુવીય વિશ્વ – જેની ધરી એકથી વધુ હોય તેવી દુનિયા. આ બહુધ્રુવીય વિશ્વ એટલે એવી સ્થિતિ જ્યાં વિવિધ દેશો એકબીજા સામે શક્તિ અને પ્રભાવ માટે સંઘર્ષ કરે, પણ વ્યૂહાત્મક રીતે. આ સંજોગોમાં પશ્ચિમી સત્તાઓએ એ માનવાનું છોડી દેવું પડે કે વિશ્વ વ્યવસ્થા, અન્ય રાષ્ટ્રોનાં મૂલ્યો કેવાં હશે અને કેવાં હોવાં જોઇએની શરતો માત્ર એ લોકો જ નક્કી કરી શકશે. આમ આ એક મેરિટ આધારિત સત્તા સ્પર્ધા બની જાય છે અને જે યોગ્ય રીતે વ્યૂહરચનાની ત્રિરાશી માંડે એ જ રાજકીય-ભૌગોલિક સ્પર્ધામાં આગળ રહે.

G20 સમિટમાં આમ તો ઘણું બધું થયું પણ એક ઘટના આંખે ઉડીને વળગી. G20 સમિટ દરમિયાન જે સંયુક્ત ઘોષણા પત્ર રજૂ થયું તેમાં અન્ય બાબતો સાથે યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વાત પણ હતી. પરંતુ એ વાત એ રીતે મુકવામાં આવી હતી કે પશ્ચિમી રાષ્ટ્રો અને રશિયાએ આ નિવેદન પર સાથે હસ્તાક્ષર કર્યા. આ નિવેદનમાં મોસ્કોએ યુદ્ધ છેડ્યું હોવાની કોઇ વાત ન કરાઇ અને યુક્રેનમાં યુદ્ધ એવો શબ્દપ્રયોગ કરાયો નહીં કે યુક્રેન વિરુદ્ધ યુદ્ધ કારણ કે આ પહેલાં બાલીમાં G20 સમિટમાં એ રીતે વાતની રજૂઆત થઈ હતી. પશ્ચિમી દેશોને આમ તો આ પસંદ નહોતું પણ જે દેશ G20 સમિટનો યજમાન હોય તેનાથી અળગા રહેવાનું પણ ન પોસાય એટલે તેમણે પણ આ ઘોષણા પત્રમાં યુક્રેન-રશિયાના સંઘર્ષને જે રીતે રજૂ કરાયો હતો તે સ્વીકાર્યું. મૂળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નરોવા, કૂંજ રોવા’વાળી કૂટનીતિ અપનાવી અને રશિયા યુક્રેનને મામલે સંતુલન જાળવ્યું. પુતિન અને ઝેલેન્સ્કી બન્નેને મોદીએ સાચવી લીધા. નિવેદનના શબ્દો ભવિષ્યમાં થનારા વૈશ્વિક વાટાઘાટોની એક બ્લૂ પ્રિન્ટ સાબિત થાય એમ પણ બને.

પશ્ચિમી રાષ્ટ્રો જે હંમેશાં અગ્રણી રહ્યા છે તેમને હવે આખા વિશ્વના બદલાઇ રહેલા સમીકરણોનો નજરે ચઢી રહ્યા છે. BRICSમાં નવા છ સભ્યો ગયા મહિને જ ઉમેરાયા. ભારતની વ્યૂહરચના એવી છે જેમાં તે પોતાની જાતને ગ્લોબલ-સાઉથના નેતા રાષ્ટ્ર તરીકે રજૂ તો કરે છે પણ છતાં ય તે રશિયા કે ચીન કેમ્પ્સ સાથે સજ્જડ નથી ઊભો. આ એક એવું ઇમેજ-બિલ્ડિંગ છે જેને કારણે ભારતનો હાથ હંમેશાં ઉપર રહે કારણ કે બે ખેપાની રાષ્ટ્રો જેની આપણને જરૂર તો છે પણ અન્ય પશ્ચિમી દેશો સાથેના તેમના અરાજકતાભર્યા સંબંધો અને આપણી સાથે ક્યારેક તંગ (ખાસ કરીને ચીન સાથેના સંબંધો) હોવાને કારણે એક દેશ તરીકે આપણે તેમની સીધી તરફેણ કરી જ ન શકીએ. G20 સમિટમાં બીજાં પણ કેટલાંક એવાં પગલાં લેવાયાં જે નોંધપાત્ર છે તે પણ ખાસ કરીને મલ્ટી-પોલર વર્લ્ડ ઓર્ડર માટે. જેમ કે આફ્રિકી યુનિયન – 1999ની સાલમાં અસ્તિત્વમાં આવેલું 55 સભ્યોવાળો સમૂહ – પણ હવે G20નો હિસ્સો છે, આ જે રીતે EU પોતાના સભ્ય રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કરે છે એવી જ વ્યવસ્થા છે. આફ્રિકી સંગઠનને G20માં ઉમેરવાનું સૂચન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામાં આપ્યું હતું. વર્લ્ડ બૅંક આર્થિક રીતે મધ્ય અને નિમ્ન સ્તરના દેશોને વધુ ટેકો આપી શકે તે રીતે તેની ક્ષમતા અને નીતિમાં ફેરબદલ કરવાની વાત પણ સમિટમાં થઇ. જેમાં દિશા સૂચન હતું કે વર્લ્ડ બૅંકે પોતાની દૃષ્ટિમાં પરિવર્તન લાવવાની જરૂર છે. વર્લ્ડ બૅંકે ઑગસ્ટની શરૂઆતમાં ઘાનાને નાણાં ધીરવાની ના પાડી હતી કારણ કે સજાતીયતા વિરોધી ઘાનાના વિચારો સાથે વર્લ્ડ બૅંકનાં મૂલ્યો મેળ નથી ખાતા. પરંતુ હવે આવા વલણ બદલાય તે જરૂરી છે એવી હાકલ ભારત તરફથી કરાઈ છે જેથી નબળા અને સંવેદનશીલ દેશો અને પ્રદેશોને આર્થિક ટેકો મળી રહે અને વિકાસનો પ્રભાવ વૈશ્વિક સ્તરે વર્તાય.

ભારત બહુધ્રુવીય વિશ્વ બને તે દિશામાં ધીમા અને મક્કમ પગલાં ભરે છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ભારત પશ્ચિમી દેશો સાથે અને BRICS+ રાષ્ટ્રો સાથે સંબંધ એ રીતે સાચવે છે કે તે ગ્લોબલ સાઉથના હિતમાં જેટલી સત્તા અને સહકાર મેળવી શકાતા હોય તે મેળવી લે. પશ્ચિમી દેશોને આ બહુ ગમે એવી વાત નથી પણ જો તેઓ આ મામલે સહકાર નહીં આપે તો ભારત અને આફ્રિકી સંગઠનના દેશો BRICS+માં જોડાવા ચાલ્યા જશે તો તેમની પાસે કોઈ મજબૂત ટેકેદારો નહીં બચે. ભારત પૂરી રીતે પશ્ચિમી દેશો તરફ થાય એ પણ શક્ય નથી કારણ કે ચીન સાથે ભલે સરહદે સંઘર્ષ ચાલતો હોય પણ વેપાર-વાણીજ્યને મામલે ભારત અને ચીનના સંબંધો બહુ જ સારા છે અને એટલે જ તાઇવાનના મુદ્દે ચીનને ટપારવામાં ભારતને કોઈ રસ નથી.

આર્થિક બાબતોને ગણતરીમાં લઈએ તો મોર્ગન સ્ટેનલીના એશિયા એન્ડ ઇમર્જિંગ માર્કેટ ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ જોનાથન ગાર્નરે કહ્યા મુજબ રૂપિયાનું મૂલ્ય વધી રહ્યું છે, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ઇન્ડસ્ટ્રી પણ બહેતર થઇ રહી છે, તે જોતાં એશિયાઇ માર્કેટમાં ભારતમાં લાંબા ગાળાની તેજી આવી શકે છે. તેમના મતે ભારતનું ભવિષ્ય ચીનના ભૂતકાળ જેવું છે એટલે કે વર્તમાન સંજોગો અનુસાર ભવિષ્યમાં ભારત ચીનને પાછળ પાડી દઈ શકે છે.

વિશ્વમાં સલામતી અને સુરક્ષાને મુદ્દે પણ યુ.એન. સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારા માગનારા દેશોમાં ભારત આગળ પડતો છે.

બહુધ્રુવીય વિશ્વ ઘડાય તે માટે ભારતના જે પણ પ્રયાસો અગત્યના છે કારણ કે વિશ્વમાં સલામતીના પ્રશ્નો પણ મોટા છે, જેમ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતો સંઘર્ષ તથા ઇન્ડો-પેસિફિકમાં ચીનનું વર્ચસ્વ. વળી ઇન્ડો-પેસિફિક એવો વિસ્તાર છે જે જાપાનના પૂર્વીય કિનારાથી માંડીને આફ્રિકાના પૂર્વીય કિનારા સુધી વિસ્તરેલો છે. ભારત ક્વૉડનો પણ હિસ્સો છે જેમાં યુ.એસ.એ., જાપાન, ઑસ્ટ્રેલિયા જેવા રાષ્ટ્રો બેઇજિંગની લડાઈને ધ્યાનમાં લઇને મુક્ત ઇન્ડો-પેસિફિકની દિશામાં કામ કરી રહ્યા છે.

અંદરખાને જે ચાલતું હોય એ પણ G20 સમિટમાં દિલ્હીમાં સતત એ દૃષ્ટિકોણ પર ભાર મુકાયો જેમાં કહેવાયું કે, ‘આજનો યુગ યુદ્ધનો ન હોવો જોઇએ.’

બાય ધી વેઃ

ભારત વસ્તીને મામલે આગળ છે, આપણો વિકાસ દર પણ અંદાજે 6 ટકાની આસપાસ છે. દેખીતી રીતે બધું સારું છે પણ ઊર્જાસ્રોતોને મામલે આપણે સદ્ધર નથી. ગરીબો અને ધનીકો વચ્ચેનું અંતર ઊંડું અને પહોળું છે, જાતિવાદ અને કોમવાદની જાળમાંથી આપણે મુક્ત નથી, ક્લાઇમેટ ચેન્જની સમસ્યાઓ પણ ઘેરી બની રહી છે, વૈશ્વિક સ્તરે આપણે જ્યાં પહોંચવા માગીએ છીએ તે માટે આપણી શૈક્ષણિક વ્યવસ્થાઓમાં બહુ મોટા ફેરફાર કરવાની જરૂર છે. આપણો સોફ્ટ-પાવર હજી નબળો છે, આપણે ભાષાઓને મામલે અંદરોઅંદર લડ્યાં કરીએ છીએ, કલા-સાહિત્યમાં આપણે વૈશ્વિક સ્તરે જેટલો પ્રભાવ પેદા કરવો જોઇએ એટલો કરી નથી શક્યા. પેકેજિંગ સારું હોય એટલે બધું જોશીલું લાગે એ સાચું પણ નક્કરતા અંદરથી આવે ત્યારે તેનો પ્રભાવ પણ કાયમી નહીં તો કમ સે કમ લાંબા ગાળાનો તો હોઈ જ શકે છે. આપણે બહુધ્રુવીય વિશ્વની રચનામાં ભાગ તો ભજવી જ શકીએ છીએ અને ભજવવો જ જોઈએ કારણ કે આપણે ખૂબ સમૃદ્ધ રાષ્ટ્ર છીએ. બસ આપણા આંતરીક ધ્રુવોને ઓઇલિંગ કરીને સ્થિરતા આપવાનું રહી ન જાય તે જરૂરી છે.

એક સરતૂચક વાળું બાય ધી વે એ કે ઇન્ડિયા સંદતર કાઢીને ભારત કરવાનો ખર્ચો 14,000 કરોડ થશે હં, આ જરા ગયા અઠવાડિયે આંકડામાં લોચા પડી ગયેલા તો ચોખવટ કરી દીધી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 સપ્ટેમ્બર 2023

Loading

જે દેખાય છે એ સત્ય નથી હોતું

રમેશ ઓઝા|Opinion - Opinion|17 September 2023

રમેશ ઓઝા

સરકારમાં ઉચ્ચ સ્થાને કામ કરી ચુકેલા અધિકારીઓનાં સંસ્મરણો મજેદાર હોય છે. તેઓ નિવૃત્ત થઈ ગયા હોય અને જેની સાથે તેમણે કામ કર્યું હોય, એ સ્વર્ગવાસી થઈ ગયા હોય એટલે તેઓ ડર્યા વિના જે તે શાસકોની સમજદારી (કે બેવકૂફી), કાર્યશૈલી, તેમનાં વળગણો વગેરે વિષે લખી જતા હોય છે. જેમ કે અટલ બિહારી વાજપેયી વિષે હવે જાણવા મળી રહ્યું છે કે તેમને વાંચવાનો અને વિગતોમાં ઊંડા ઉતરવામાં કંટાળો આવતો હતો. તેમના અંગત મિત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રા પર તેમનો ભરોસો હતો. જ્યારે પણ કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય કે દસ્તાવેજ પર સહી કરવાની હોય ત્યારે તેઓ બ્રજેશ મિશ્રાની સલાહ લેતા કે આ બાબતે શું કરવું? સહી કરતા પહેલાં તેઓ બ્રજેશ મિશ્રાને પૂછતા : “પંડિતજી જેલ મેં તો નહીં જાના પડેગા ને?” બ્રજેશ મિશ્રા જ્યારે કહે કે મેં બધી બાબતોનો અભ્યાસ કરી લીધો છે અને સહી કરવામાં કોઈ જોખમ નથી ત્યારે તેઓ સહી કરતા. પણ આ જ કવિહ્રદયી અટલ બિહારી વાજપેયી પક્ષ અંતર્ગત રાજકીય કાવાદાવામાં અને હરીફોને હાંસિયામાં ધકેલવામાં સૌથી વધુ ચતુર અને દક્ષ હતા.

ભારતની વિદેશ સેવામાં કામ કરી ચુકેલા ચિન્મય ઘારેખાનનાં સંસ્મરણોનું પુસ્તક ‘સેન્ટર્સ ઑફ પાવર; માય યર્સ ઇન ધ પ્રાઈમ મિનીસ્ટર્સ ઑફિસ ઍન્ડ સિક્યુરિટી કાઉન્સિલ’ તાજેતરમાં પ્રકાશિત થયું છે અને તેમણે પી.એમ.ઓ.માં કામ કર્યું હોવાથી દેખીતી રીતે મહત્ત્વનું છે. તેમની પી.એમ.ઓ.માં એ સમયે નિમણૂક થઈ હતી જ્યારે ઇન્દિરા ગાંધીનાં વડાં પ્રધાન તરીકેનાં છેલ્લાં વર્ષો હતાં અને ભારતમાં તેમ જ દુનિયામાં અનેક પ્રકારની નવાજૂની થઈ રહી હતી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને તેમની જગ્યાએ રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા હતા. ચિન્મય ઘારેખાને તેમની સાથે પણ કામ કર્યું હતું. અહીં એક વાત નોંધવી જોઈએ. તેમને જ્યારે પી.એમ.ઓ.માં ટ્રાન્સફર કરવામાં આવ્યા ત્યારે તેઓ થોડા નર્વસ હતા. ઇન્દિરા ગાંધીની ઈમેજ દૃઢ સંકલ્પધારી ટફ વ્યક્તિ તરીકેની હતી. તેમણે એ સમયના વિદેશ સચિવ એસ.કે. સિંહની સલાહ લીધી કે પી.એમ.ઓ.માં મારે મેડમની નારાજગીનો ભોગ ન બનવું પડે અને ટકી રહેવા માટે શું કરવું જોઈએ? તેમણે માત્ર ચાર શબ્દોમાં સલાહ આપી : બી વ્હોટ યુ આર.

બી વ્હોટ યુ આર. ચિન્મય ઘારેખાનનાં પી.એમ.ઓ.માંનાં વર્ષોમાં તેમની બી વ્હોટ યુ આરવાળી ખુદવફાઇ જોવા મળે છે. તેમનામાં પ્રમાણિકતા, પારદર્શકતા અને સત્યનિષ્ઠા નજરે પડે છે. દેશહિતમાં વડા પ્રધાનને પણ જો ચેતવવાના હોય કે આગળ વધતા રોકવાના હોય તો તે કામ તેઓ કરતા. મોટાભાગે સિનિયરોની મદદ લઈને અને વ્યવસ્થિત રીતે દલીલો દ્વારા રજૂઆત કરીને. આમ કરવામાં જેની પણ મદદ લીધી હોય તેનો નામોલ્લેખ કરવામાં અને શ્રેય આપવામાં તેમણે કંજુસાઈ કરી નથી. નિવૃત્તિ પછીના લાભો માટે હામાં હા મેળવતા કે ખુશામત કરતા તેમને આવડતું નથી.

એક ઘટના (એક ઘટના નહીં, આમ તો ઘટનાઓની શ્રુંખલા) અહીં નોધવા જેવી છે. રાજીવ ગાંધી ૧૯૮૪ના અંતમાં ભારતના વડા પ્રધાન બન્યા. વડા પ્રધાન બન્યા પછી તેમણે તેમના પહેલા જ પ્રવચનમાં કહ્યું કે ભારત આધુનિકતાનો માર્ગ અપનાવશે અને વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા ૨૧મી સદીમાં વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન બનાવવા પ્રયત્ન કરશે વગેરે. રાજીવ ગાંધીએ આધુનિકતાની, વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવવાની, કોમ્પુટરાઈઝેશનની વાત અનેક પ્રસંગે અનેકવાર દોહરાવી હતી.

રાજીવ ગાંધીનાં વક્તવ્યો પરથી અમેરિકનોને લાગ્યું કે ભારતને રશિયાની પાંખમાંથી બહાર કાઢવાનો અને આપણી પાંખમાં લેવાનો અવસર આવી ગયો છે. રાજીવ ગાંધી યુવાન છે, યુવાનીવશ આધુનિકતાનું આકર્ષણ છે, ઉત્સાહી છે અને રાજકીય રીતે બિનઅનુભવી તેમ જ  અપરિપક્વ છે. ખાસ કરીને કોપ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન માટેની રાજીવ ગાંધીની ઘેલછાનો લાભ ઉઠાવવો જોઈએ. રશિયા આ બાબતે અમેરિકાથી ક્યાં ય પાછળ છે. અને પછી અમેરિકનોનાં ધાડાં દિલ્હી આવવા લાગ્યા. સત્તાવાર અને બિન સત્તાવાર એમ બન્ને પ્રકારનાં. આઇ.બી.એમ. જેવી કંપનીઓ માટે લોબિંગ કરનારા સેનેટરો અને કાઁગ્રેસમેન આવવા લાગ્યા. દરેકનો ઈરાદો રાજીવ ગાંધીને પલાળવાનો હતો. તેઓ રાજીવ ગાંધીનાં વખાણ કરતા થાકતા નહોતા. એક ભાઈએ કહ્યું કે ભારતને આઝાદી ભલે ચાર દાયકા પહેલાં મળી, પણ સૂર્યોદય તો હવે થઇ રહ્યો છે. ભારત આવતીકાલના વિશ્વમાં પ્રવેશી રહ્યું છે. અમેરિકન સેનેટર ચાર્લ્સ પર્સીએ રાજીવ ગાંધીને કહ્યું કે જો વડા પ્રધાન ઈચ્છતા હોય અને અનુમતી હોય તો તેઓ અહીંથી સીધા ઇસ્લામાબાદ જવા તૈયાર છે અને ત્યાં જનરલ ઝિયાને મળીને તેમને મોઢા પર કહી દેશે કે બહુ થયું, હવે ભારતના માર્ગમાં અવરોધ પેદા કરવાના નથી. પાકિસ્તાને નવી વાસ્તવિકતા સ્વીકારવી જ રહી. તેમણે રાજીવ ગાંધીને અમેરિકાની મુલાકાતે આવવાનું કહ્યું અને એમ પણ કહ્યું કે તેમનું ત્યાં એવું ભવ્ય સ્વાગત કરવામાં આવશે કે આજ સુધી કોઈનું નહીં થયું હોય. પાકિસ્તાનને અને જગતને એ દ્વારા બતાવી આપવામાં આવશે કે ભારત અને રાજીવ ગાંધી અમેરિકા માટે કેટલું મહત્ત્વ ધરાવે છે.

રાજીવ ગાંધીને થયું કે જો અમેરિકા પાકિસ્તાનને ખખડાવીને સખણા રહેવાની સલાહ આપતું હોય તો અનુમતી આપવામાં શો વાંધો છે. તેમણે ત્યાં હાજર ઘારેખાન સામે જોયું અને ઘારેખાને હિન્દીમાં કહ્યું કે ભારત આ વિષે વિચારશે એમ કહીને પર્સીને રજા આપો. એ પછી ઘારેખાને અને ઘારેખાનના કહેવાથી બીજા અધિકારીઓએ રાજીવ ગાંધીને સલાહ આપી કે આ અમેરિકાની રમત છે અને તેમાં પડવા જેવું નથી. રાજીવ ગાંધીને હજુ પણ એમ લાગતું હતું કે અમેરિકનો ભારત વતી પાકિસ્તાન ઉપર દબાવ લાવતા હોય અને ઠપકો આપતા હોય તો એમાં શું ખોટું છે? તેમણે ઘારેખાન અને બીજા અધિકારીઓને કહ્યું કે આ વિષે પી.વી. નરસિંહરાવ સાથે વાત કરો અને તેમનો શું અભિપ્રાય છે એ મને જણાવો. પી.વી. નરસિંહરાવે પણ સાવધાન રહેવાની સલાહ આપી અને એ વાત ત્યાં પૂરી થઈ. જો કે પૂરી નહોતી, અમેરિકન એલચી કચેરી વારંવાર ચાર્લ્સ પર્સીને ઇસ્લામાબાદ મોકલવાની અનુમતી માગતી હતી.

આના પરથી તમે કલ્પના કરી શકો છો કે દુનિયામાં વિદેશ વહેવાર કઈ રીતે ચાલે છે. જે તે નેતાની કમજોરી કે વળગણ નજરે પડે કે તરત તેનો ઉપયોગ કરવામાં આવે. જેને જે ગમે તે આપવાનું. કોઈને વખાણ ગમતાં હોય તો બેશુમાર વખાણ કરવાનાં, કોઈને આધુનિક ટેકનોલોજીનું વળગણ હોય તો તેનો મારો કરવાનો, જેવો ઘરાક. માટે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે દેખાય છે એ સત્ય નથી હોતું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 સપ્ટેમ્બર 2023

Loading

...102030...855856857858...870880890...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved