Opinion Magazine
Number of visits: 9957401
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજ કપૂરે  ‘ચિઠ્ઠી આઈ હૈ’ સાંભળીને કહ્યું હતું, “પંકજ ઉધાસ અમર હો ગયા!”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 March 2024

રાજ ગોસ્વામી

તાજેતરમાં અવસાન પામેલા ગઝલ ગાયક પંકજ ઉધાસ જે ફિલ્મની ગઝલ ‘ચિઠ્ઠી આઈ હૈ, વતન સે ચિઠ્ઠી આઈ હૈ’થી મશહૂર થયા, તે ‘નામ’ બહુ બધા લોકો માટે એક વિશેષ ફિલ્મ છે. ‘નામ’ 1986ની સાલની બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ટોચની દસ ફિલ્મોમાં સાતમા સ્થાને હતી (દિલીપ કુમારની ‘કર્મા, ‘શ્રીદેવીની ‘નગિના’ અને અમિતાભ બચ્ચનની ‘આખરી રાસ્તા’ પ્રથમ ત્રણમાં હતી).

એક તો આ સુપરહિટ ગઝલથી, પંકજ ઉધાસ તેમના જ્યેષ્ઠ ગાયક બંધુ, મનહર ઉધાસના પડછાયામાંથી બહાર નીકળીને એક આગવી ઓળખ સાથે ફિલ્મ ગાયિકીમાં છવાઈ ગયા. એ પહેલાં તેમણે, એક દાયકા સુધી સ્ટેજ શો અને મહેફિલો કરીને તેમણે ગઝલ ગાયિકીમાં તેમનું નામ મજબૂત કર્યું હતું.

વાસ્તવમાં, ફિલ્મમાં પંકજ ઉધાસ પાસે ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગવાડવાનો વિચાર ફિલ્મના લેખક સલીમ ખાનનો જ હતો. ફિલ્મમાં આ ગઝલ એવા તબક્કે આવે છે, જ્યારે સંજય દત્તને ભાન થયું હોય છે કે તે દુબઈમાં ગેરકાયદે ઘૂસીને પરેશ રાવલની અપરાધની દુનિયામાં વિચિત્ર રીતે ફસાઈ ગયો છે અને તે પાછા ભારત જવા માટે તડપી રહ્યો છે.

મહેશ ભટ્ટ એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે, “અમારે એ તબક્કે એક ગીતની જરૂર હતી, અને શું ગીત હતું આ! 80ના દાયકાની ફિલ્મોમાં ગઝલોની ફેશન હતી. એ સલીમ ખાનનું જ સૂચન હતું કે આપણે જો અસલી ગઝલ ગાયકને ફિલ્મમાં લઇ આવીએ તો મજા પડી જાય. અમે પંકજ ઉધાસ પર પસંદગી ઉતારી હતી. એ વહેલી સવારે સેટ પર આવતા અને બપોર પછી નીકળી જતા. એ બહુ મોટા સ્ટાર હતા. સાંજે અને રાત્રે તેમના શો રહેતા હતા. મને ખબર નથી કે આ બધું કેવી રીતે મેનેજ કરતા હતા!”

પંકજ ઉધાસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મને એ લોકો ગઝલ ગાયક તરીકે ફિલ્મમાં લેવા માંગે છે એવું નહોતું કહ્યું. રાજેન્દ્ર કુમારે મને એટલું જ કહ્યું હતું કે મારે તેમની ફિલ્મમાં કામ કરવાનું છે. હું ગભરાઈ ગયો. મને ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા નહોતી. હું તો ગાવા માટે મુંબઈ આવ્યો હતો.”

તેમણે રાજેન્દ્ર કુમારને વળતો ફોન જ ના કર્યો. એમાં કુમાર ભડક્યા અને તેમણે મોટાભાઈ મનહર ઉધાસને ફરિયાદ કરી કે, “તમારો ભાઈ કેટલો બદતમીઝ છે કે જવાબી ફોન પણ કરતો નથી!” મનહરભાઈએ પંકજને પૂછ્યું કે મામલો શું છે, તો તેમણે કહ્યું કે મારી પાસે એ લોકો એક્ટિંગ કરાવવા માંગે છે અને મારે એ ગાળિયામાં ફસાવું નથી.

મનહરભાઈએ કહ્યું કે જે હોય તે પણ તારે સીધી વાત કરીને ચોખવટ કરવી જોઇએ ને! એટલે પંકજભાઈએ રાજેન્દ્ર કુમારને ફોન કરીને માફી માંગી અને કહ્યું કે મારે ફિલ્મમાં એક્ટિંગ નથી કરવી. રાજેન્દ્ર કુમારે વળતું પૂછ્યું, “પણ તમને કોણે એક્ટિંગ કરવાનું કહ્યું છે? તમારે તો પંકજ ઉધાસ તરીકે એક ગઝલ ગાવાની છે!”

અને એ રીતે પંકજ ઉધાસ ‘નામ’માં દેખાયા. એ ગીતે ઇતિહાસ રચ્યો.

એ ‘ઇતિહાસ’નો એક કિસ્સો છે. આ ગઝલ અત્યંત લોકોપ્રિય થઇ તેનું કારણ એ હતું કે તે વખતે ખાડી દેશોમાં રોજગારી માટે જવાનું બહુ ચલણ હતું એટલે ત્યાં (અને યુ.કે. – અમેરિકામાં) એન.આર.આઈ.નો એક મોટો વર્ગ હતો. ફિલ્મમાં પણ એવા જ એક યુવાનની વાત હતી અને તેની મજબૂરી અને પીડાનો પડઘો આ ગઝલમાં હતો.

પંકજભાઈ એકવાર જયપુરમાં એક શો કરી રહ્યા હતા, ત્યાં એક ભાઈ આવ્યા અને તેમને એક પુસ્તક આપીને કહ્યું, ‘સા’બ. મેં આ પુસ્તક લખ્યું છે અને તમારે તે વાંચવું જ જોઈએ. મેં આ પુસ્તક તમને સમર્પિત કર્યું છે.”

પંકજભાઈએ કહ્યું હતું, “તે ભાઈ તેઓ સિલિકોન વેલીમાં આઇ.ટી. ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. તે દરરોજ 1.500 ડોલર કમાતા હતા, પરંતુ જ્યારે તેણે મારું ગીત ‘ચિઠ્ઠી આઈ હૈ’ સાંભળ્યું, ત્યારે ખબર નહીં તેમને શું પ્રેરણા મળી પણ સિલિકોન વેલીની ઉત્તમ નોકરી છોડીને ભારત પાછા આવીને આઇ.ટી. ઉદ્યોગમાં પોતાનું કામ કરવા લાગ્યા હતા. આજે તે અબજોપતિ છે અને જ્યારે પણ મને મળે છે ત્યારે કહે છે કે જો હું ‘ચિઠ્ઠી આઈ હૈ’ ના સાંભળત તો ક્યારે ય ભારત પાછો આવ્યો નહોત.”

પંકજ ઉધાસના મખમલી અવાજમાં કેવો જાદૂ છે, તેનો સૌથી પહેલો પરિચય બે જણને હતો; એક, શોમેન રાજ કપૂરને અને બીજો ખુદ પંકજ ઉધાસને.

ફિલ્મ તૈયાર થઇ ગઈ હતી, પણ હજુ રિલીઝ થઇ નહોતી. પંકજ ઉધાસ એક કાર્યક્રમ માટે જયપુર જઈ રહ્યા હતા. ફ્લાઈટમાં તેમની આગળ જ સીટમાં રાજ કપૂર હતા. પંકજભાઈ તેમની પાસે ગયા અને તેમનો ચરણસ્પર્શ કર્યો.

રાજ કપૂર તો રાજ કપૂર હતા. તેમણે નિરાળા અંદાજમાં આશીર્વાદ આપ્યા; 

“પંકજ ઉધાસ અમર હો ગયા.”

પંકજભાઈએ આશ્ચર્યથી રાજજી સામે જોયું. રાજજી હસ્યા અને બોલ્યા,

“ચિઠ્ઠી આઈ હૈ.”

‘નામ’ ફિલ્મના નિર્માતા, અભિનેતા રાજેન્દ્ર કુમાર રાજજીના સમકાલીન અને ખાસ દોસ્ત હતા. ચાર દિવસ પહેલાં તેમણે તેમના ઘરે રાજ કપૂરને ડિનર પર બોલાવ્યા હતા, અને તેમના હોમ થિયેટર ‘ડિમ્પલ’માં તેમને ‘નામ’ ફિલ્મનું “ચિઠ્ઠી આઈ હૈ” ગીત બતાવ્યું હતું. ગીત જોઈ /સાંભળીને રાજ કપૂરની આંખો છલકાઈ ગઈ હતી. રાજજીનું હૃદય ભરાયેલું જોઈને રાજેન્દ્ર કુમારને અહેસાસ થઇ ગયો કે આ ગઝલ કેટલી લોકપ્રિય થવાની છે!

પંકજ ઉધાસને તેમની કારકિર્દીનું ટેઈક ઓફ એ ગઝલથી થશે તેની પહેલી નિશાની જયપુર માટે ટેઈક ઓફ થયેલી એ ફ્લાઈટમાં મળી હતી, પણ તેમના અવાજમાં દમ છે એવો અહેસાસ તેમને બાળપણથી હતો. 

1994માં, રાજ્યસભા ટી.વી. પર ‘ગુફતેગૂ’ નામના કાર્યક્રમમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેઓ મશહૂર ઇંગ્લિશ રોક બેન્ડ ‘ધ બીટલ્સ’ના બાળપણથી જ ચાહક હતા. જોહ્ન લેનોન, પોલ મેકાર્થી, જ્યોર્જ હેરિસન અને રિંગો સ્ટારના બનેલું આ બેન્ડ ‘એપલ’ નામની તેમની ખુદની એક સંગીત કંપનીના લેબલ હેઠળ એલ.પી. (લોંગ પ્લ્યેઇંગ રેકોર્ડ) બનાવતા હતા. 

તેમની એ રેકોર્ડમાં બરાબર વચ્ચે લીલા રંગનો ‘એપલ’ લોગો આવતો હતો. પંકજ કહે છે, “હું મારા સ્કૂલના દિવસોમાં એ રેકોર્ડ્સ ખરીદી લાવતો હતો, અને એ એપલ જોઇને મને થતું હતું કે મારું પણ આવું જ એક લેબલ હોવું જોઈએ.”

પછી તો મોટા થયા પછી, મોટાભાગ મનહર ઉધાસના નકશે-કદમ પર તે મુંબઈ આવ્યા અને ગઝલ ગાયિકાના કાર્યક્રમો કરવા લાગ્યા. તે દરમિયાન તે અલગ અલગ સંગીત કંપનીઓ સાથે પણ કામ કરતા હતા, અને તેમની કારકિર્દી પાટે ચઢી, પછી 1990માં તેમણે ‘વેલ્વેટ વોઈસ’ (મખમલી અવાજ) નામની એક લેબલ બનાવ્યું અને પછી રેકોર્ડ્સ બનાવાનું શરૂ કર્યું. 

અલબત્ત, એમાં ધક્કો વાગ્યો હતો ‘નામ’ ફિલ્મની ગઝલથી.

(સુપરહિટ, સંદેશ, 06-03-2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લોકશાહી વ્યવસ્થામાં Fairનું મહત્ત્વ Freeથી વધુ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 March 2024

રમેશ ઓઝા

‘શું ભારત સરમુખત્યારશાહી ધરાવતો દેશ બની રહ્યો છે?” જાણીતા યુ ટ્યુબર ધ્રુવ રાઠીએ આવો સવાલ કરીને તેનાં પ્રમાણ આપતો અડધો કલાકનો વીડિયો યુ ટ્યુબ પર વાયરલ કર્યો, અને એની એટલી અસર થઈ કે શાસકોએ તેની નોંધ લેવી પડી. એક જ અઠવાડિયામાં એક કરોડ ૬૦ લાખ લોકોએ તેને જોયો અને આજે જોનારાઓની સંખ્યા લગભગ બે કરોડ લોકો સુધી પહોંચી ગઈ છે. પોતાને નરેન્દ્ર મોદીના ફેન ગણાવતા એક ભાઈ સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયા. નરેન્દ્ર મોદીને તાનાશાહ તરીકે સિદ્ધ કરવામાં આવ્યા એ જોઇને તેમનું દિલ દુભાયું હતું. ગાંધીજી અને નેહરુની બાબતે સાવ જૂઠો, નીચતાપૂર્વકનો અને પાછો મર્દાનગી વિનાનો નનામો પ્રચાર કરવામાં જેમને શરમ નથી આવતી એ લોકો વળી દિલ ધરાવે છે! તેમને જાણ છે કે આ દેશમાં હજુ મોટી સંખ્યામાં હિંદુ છે જેમને વિચારવામાં ડર નથી લાગતો અને ટોળે વળીને (હા, ટોળે વળીને) મુસલમાનોને ડરાવવા જેટલી નીચતા નથી આચરતા. તેઓ ભારતનાં નાગરિક છે, મતદાર છે અને સમયાન્તરે ચૂંટણીઓ લડવી પડતી હોવાથી તેમના મતનો ખપ છે.

વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે લોકતંત્ર આદર્શ શાસન વ્યવસ્થા તો નથી, પરંતુ જેટલી શાસનવ્યવસ્થા ઉપલબ્ધ છે તેમાં તે શ્રેષ્ઠ છે. આ કથનને સમજવા જેવું છે. શ્રેષ્ઠ મુખ્યત્વે એ અર્થમાં કે તેમાં નાગરિકને અધિકાર મળે છે અને અધિકાર માત્ર બહુમૂલ્ય હોય છે. કોઈ મૂર્ખ હોય એ જ પોતાના અધિકારનું જતન ન કરે અને આ જગતમાં મૂર્ખાઓની સંખ્યા પણ ઘણી મોટી છે અને એ અર્થમાં તે આદર્શ વ્યવસ્થા નથી. લોકતંત્રમાં પ્રજાને મૂર્ખ બનાવી શકાય છે, પ્રજાને મૂર્ખ બનાવવા માટેની પ્રચારયંત્રણા વિકસાવી શકાય છે, સમૂહ માધ્યમોને ખરીદી શકાય છે, પત્રકારો અને વિચારનારાઓને કે વિચારતા કરનારાઓને ડરાવી શકાય છે, જે તે અસ્મિતાના કેફ ચડાવી શકાય છે, પ્રજાને ડરાવી, રડાવી અને પોરસાવી શકાય છે.

ધ્રુવ રાઠી

આવું એ લોકો કરે છે જે પ્રચંડ માત્રામાં સત્તા ભૂખ ધરાવતા હોય અથવા તેમની કોઈ વિચારધારા હોય. તેમની કલ્પનાના દેશની રચના કરવા માટે તેઓ આ બધું કરતા હોય છે, કારણ કે તેમને ડર હોય છે કે મુક્ત તેમ જ ન્યાયી લોકતંત્રમાં એ લોકો પણ પાછા સત્તામાં આવી શકે જેમની સમાજ તેમ જ દેશની કલ્પના તેમની કલ્પનાથી અલગ છે. જો પ્રતિસ્પર્ધીને નેસ્તનાબૂદ કરી દેવામાં આવે તો સત્તાભૂખ પણ સંતોષાય અને ખાસ વિચારધારા આધારિત રાષ્ટ્ર કે સમાજનો એજન્ડા પણ દાયકાઓ સુધી ટકાવી શકાય. માટે ચૂંટણી મુક્ત (free) હોવી જોઈએ કે જેથી લોકોને અને દુનિયાને એમ લાગે કે ભારત લોકતાંત્રિક દેશ છે, પરંતુ તે દરેકને એક સમાન તક આપનારી ન્યાયી (fair) ન હોવી જોઈએ. ધ્રુવ રાઠીએ તેમના વીડિયોમાં આ વાત ઊઠાવી છે અને કઈ રીતે અન્યાયી વર્તણુક (unfair practices) દ્વારા પ્રતિસ્પર્ધીઓને નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યા છે તેની વિગતો આપી છે. કોઈ મતાંધ મૂર્ખ પણ ધ્યાનપૂર્વક સાંભળે તો હકીકત સમજી શકે એ રીતે સરળ ભાષામાં અને જડબાતોડ વિગતો તેમાં આપવામાં આવી છે. માટે શાસકોને તેની નોંધ લેવી પડી છે.

સમસ્યા એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી સો કરતાં વધુ દેશો સ્વતંત્ર થયા એમાંથી જે દેશોમાં સરમુખત્યારશાહી આવી એ સરમુખત્યારશાહીનું સ્વરૂપ સ્થૂળ હતું. લશ્કર બળવો કરે, ચૂંટાયેલી સરકારને બરતરફ કરે, શાસકોને કેદ કરે કે મારી નાખે, રસ્તાઓ ઉપર રણગાડીઓ ફરે, રેડિયો અને ટી.વી.નો કબજો લઈ લેવામાં આવે, પ્રતિનિધિગૃહને બરખાસ્ત કરવામાં આવે, બંધારણ સ્થગિત કરવામાં આવે, અખબારો પર સેન્સોર્શિપ લાદવામાં આવે, વગેરે. પાકિસ્તાન સહિત આપણા પાડોશી દેશોમાં આવું અનેકવાર બન્યું છે. આને કારણે લોકશાહી જગતમાં લોકો એવું માનતા થયા છે કે જ્યાં સુધી લોકતંત્ર પર આવો સ્થૂળ હુમલો ન થાય ત્યાં સુધી લોકતંત્ર સલામત છે. ચૂંટણીઓ યોજાય છે, આપણને મતદાન કરવાનો અબાધિત અધિકાર છે, કોઈ રોકટોક નથી, જે લોકો રાજ કરી રહ્યા છે એ પ્રજાએ ચૂંટેલા છે એટલે લોકતંત્ર સલામત છે. તેમને free અને fair વચ્ચેનો ફરક જ ખબર નથી. free અલગ છે અને fair અલગ છે. લોકશાહી વ્યવસ્થામાં fair હકીકતમાં free કરતાં પણ વધુ મહત્ત્વ ધરાવે છે.

સમર્થકોને નશામાં રાખો, તેમની અંદર રહેલા વેરભાવને સંતોષો અને વિરોધીઓને લંગડા કરો. ધનથી કરો, ઈ.ડી. અને સી.બી.આઈ. જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને કરો, સરકારો તોડીને કરો, પક્ષોને તોડીને કરો, પેગાસસ જેવા પ્રોગ્રામ દ્વારા જાસૂસી કરીને કરો, લોકતાંત્રિક સંસ્થાઓ પર કબજો કરીને કરો. ખરીદીને કરો, ડરાવીને કરો. બરોબર સમય આવ્યે ચૂંટણી યોજીને ખુલ્લી લોકતાંત્રિક સ્પર્ધા યોજવાની, જેમાં પ્રતિસ્પર્ધી હોય પણ એ લંગડો હોય. આ સિવાય ચૂંટણીઓને મોંઘી કરતી જવાની. એટલી મોંઘી કે લંગડો ટકી જ ન શકે. એક બાજુ કેફ ચડાવેલા મતદાતાઓ, વિવેકનો કોઈ શબ્દ કાને ન પડે એવો જાણીબૂજીને મચાવવામાં આવતો ઘોંઘાટ અને બીજી બાજુ અપંગ પ્રતિસ્પર્ધી. હા, ચૂંટણી સમયસર યોજવાની.

લોકતંત્રનું કલેવર જાળવી રાખવાનું અને પ્રાણ હરી લેવાના. ધ્રુવ રાઠીએ એક એક રમતની ક્લીપ બતાવીને આખો ખેલ ઊઘાડો કરી આપ્યો એટલે તેઓ ડરી ગયા છે. તેમને જાગેલાઓનો ડર છે એનાં કરતાં વધુ સૂતેલા જાગી જાય એનો ડર છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 માર્ચ 2024

સૂચિત વીડિયોની આ રહી આ કડી : 

Loading

તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે : કવિતા

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|6 March 2024

સ્પેનના આંતરવિગ્રહમાં લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા એક નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ ‘ધીમંત ક્રીડા‘ નથી, પ્રેમનું અફીણડોડું નથી; પણ માનવીય બિરાદરીમાં ન્યાય અને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે

તાજેતરમાં બે વાત, લગરીક આગળપાછળ પણ લગભગ એક સાથે બની. સિતાંશુ યશશ્ચંદ્રે આજના જગતની કવિતામાં સહુની સહિયારી તોયે એકેએકની પોતાની સફર લઈને આવતો કાવ્યસંચય ‘संगच्छध्वम्’ હાથમાં મૂક્યો. એમ જ પાનાં ફેરવતાં હું પ્યોર્તોરિકન કવિ માર્તિન એસ્પાદાની રચના ‘બગીચામાં બંદૂકધારીઓ’ આગળ અટકી પડ્યો. ચીલે(ચીલી)ના વિશ્વવિશ્રુત ને નોબેલ પુરસ્કૃત કવિ-રાજપુરુષ પાબ્લો નેરૂદાના અંતિમ પર્વને સ્પર્શતી એ કૃતિના થોડા અંશો :

તખ્તાપલટ પછી

નેરૂદાના બગીચામાં, એક રાતે

સોલ્જરો તૈનાત કરવામાં આવ્યા

* * *

કવિ મરતા જતા હતા

કેન્સરે એમના બદનમાં આગ લગાડી દીધી હતી

* * *

તો પણ જ્યારે લેફ્ટેનન્ટ ઉપલે માળે ધસી આવ્યા 

ત્યારે નેરૂદાએ એમની બરાબર સામે જોઈને કહ્યું :

તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે : કવિતા

લેફ્ટેનન્ટે અદબથી પોતાને માથેથી ટોપો ઉતાર્યો

સેનોર નેરૂદાની માફી માગી

ને દાદરા ઊતરી ગયો.

* * *

આજકાલ કરતાં ત્રીસ વરસથી

અમે ગોત કરીએ છીએ

એવા બીજા એક મંત્રની

જેને બોલતાં

બગીચામાંથી બંદૂકધારીઓ છૂ થઈ જાય.

પાબ્લો નેરૂદા

કવિ પાબ્લો નેરૂદા મૂડીવાદ ને સરમુખત્યારી શાસનના ઘોર વિરોધી હતા. ચીલેમાં ક્યારેક સેનેટર રહ્યા હતા, તો પરદેશમાં વખતોવખત રાજનયિક (ડિપ્લોમેટિક) કામગીરી પણ બજાવી હતી. વચ્ચે કેટલાંક વરસ દેશનિકાલ પણ વેઠ્યો હતો. 1970માં જ્યારે સમાજવાદી-માર્ક્સવાદી ઝુકાવ સાથે ઉદાર લોકશાહી વલણોવાળી સાલ્વાદોર આયંદેની સરકાર બની ત્યારે નેરૂદા પેરિસ ખાતે ચીલેના રાજદૂત પણ હતા. 

1971માં એમને નોબેલ પારિતોષિક મળ્યું. એ સ્વીકારીને તે જ્યારે પરત ફર્યા ત્યારે એમના અભિવાદન સારુ સ્ટેડિયમ સિત્તેર હજાર લોકોથી ઉભરાઈ ઊઠ્યું હતું. 1973માં મિલિટરી કૂ(પ)થી આયંદે સરકાર ગઈ ને જમણેરી સરમુખત્યારી શાસન સ્થપાયું ત્યારે નેરૂદા કેન્સરની સારવાર હેઠળ હતા. સરમુખત્યાર પિનોશેના ઈશારે ભળતા ઈન્જેક્શન થકી એમનું મોત નીપજ્યાની ત્યારે લાગણી હતી. 

હમણાં, એસ્પાદાની ઉપર ઉતારી તે પંક્તિઓ વાંચતો હોઈશ એવામાં એક સમાચાર તરફ ધ્યાન ગયું કે ચીલેની અદાલતમાં નેરૂદાના મૃત્યુને લગતો કેસ ખૂલ્યો છે અને એના શંકાસ્પદ સંજોગોનો ભેદ ખૂલે એવી શક્યતા છે.

કિશોરાવસ્થા અને તારુણ્યના સંક્રાન્તિકાળે ઉત્કટ પ્રણયકાવ્યોથી ઊંચકાયેલા કવિની દલિત-દમિત માનવતા માટેની લાગણી 1936ના સ્પેનિશ આંતરવિગ્રહ સાથે જાણે કે એક નવું જ બેપ્ટિઝમ પામી એમ અભ્યાસીઓ કહે છે.

પોતે ત્યારે સ્પેનમાં ચીલેના કોન્સલ હતા, અને ફેડરિક ગાર્સિયા લોર્કા સાથે એમના મૈત્રીબંધનને નવો પુટ ચડ્યો હતો. આ લોર્કા સ્પેનની લોકશાહી રુઝાનવાળી સરકાર સામે જમણેરી લશ્કરી બળોની સામે અવાજ ઉઠાવવામાં સક્રિય હતા. આ બળોનું નેતૃત્વ ફાસીવાદી જનરલ ફ્રાન્કો કરતા હતા. લોર્કાને આ લશ્કરી બળોએ ઝબ્બે કર્યો ત્યારે જવાબદાર અધિકારીએ કહ્યું હતું કે એણે પોતાની પેનથી એવો દેકારો બોલાવ્યો હતો જે પિસ્તોલથીયે ન મચ્યો હોત.

સ્પેનિશ આંતરવિગ્રહના અનુભવ અને લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા એક નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ ‘ધીમંત ક્રીડા’ નથી પણ માનવીય બિરાદરીમાં ન્યાય ને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે. એ કંઈ પ્રેમનું અફીણડોડું નથી. સાંભરે છે, લોર્કા વિશે પેલા સ્પેનિશ લશ્કરખોરની ટિપ્પણી કે કલમ ને કવિતા, પિસ્તોલથી ક્યાં ય ચડિયાતી હાણ પહોંચાડે છે!

કદાચ, કોઈ એક રચનાંશ વાસ્તે નેરૂદા સતત સંભારાશે તો તે ‘હાઈટ્સ ઓફ મચ્છુપિચ્છુ’ હશે. પેરુમાં મચ્છુપિચ્છુ ખાતે 7,970 ફૂટની ઊંચાઈએ તેરમી-ચૌદમી સદીમાં રચાયેલી વસાહત બે’ક સૈકામાં લુપ્ત પામ્યા પછી પણ લાંબા સમય લગી વિદેશી આક્રાન્તાઓથી અસ્પૃષ્ટ, એ રીતે અજેય જેવી રહી, એમાંથી અનુભવાતા એક અવિનાશી જીવનની આ દાસ્તાં છે. દેવહુમાની પેઠે, ‘રાઈઝ અપ ઍન્ડ બી બોર્ન’ એ જાણે કે સ્થાનિક જન જનને, લેટિન અમેરિકા માત્રને જગવતો યુગમંત્ર છે.

લેખિકા સુવર્ણાએ 2005માં પ્રકાશિત વાર્તાસંગ્રહ ‘પોતાનું નામ’ની પ્રસ્તાવનામાં નેરૂદા અને લોર્કાને અનાયાસ જ એક સાથે સરસ સંભાર્યા છે. ‘લલિત’ પણ લખતાં પોતે દલિતોને સમર્પિત છે એમ કહેતાં એમણે આ મથામણ ક્યાં સુધી એવા પ્રશ્નનો ઉત્તર નેરૂદાના સપનામાં જોયો છે : ‘ચાલો, આપણે ચાંદા જેવડી મોટી પોળી બનાવીએ, જેમાંથી જાતિ-ધર્મ-દેશ-વેશના ભેદથી પર થઈ, એકબીજામાં ભળી જઈ, બધાં એક જ થાળીમાં જમીએ.’ અને પછી જાણે આ પ્રક્રિયાનું વાર્તિક કરતાં હોય તેમ લોર્કાને સંભાર્યો છે : ‘જ્યારે શોષિત મુક્ત થશે ત્યારે ખરેખર તો શોષક મુક્ત થયો હશે. શોષણે શોષિતને જ નહીં શોષકને પણ અમાનવીય બનાવી દીધો છે. અત્યારે ગુલામ અને ગુલામધારક બંને બેડીમાં છે. ગુલામની બેડી તૂટે તો જ માલિકનીયે તૂટે.’

નેરૂદા સામ્યવાદી પક્ષને આજીવન વફાદાર રહ્યા પણ પ્રસંગે ઢાંચાઢાળ વફાદારીથી ઊંચે પણ ઊઠી શકતા. કોઈક સંદર્ભે એમને સોવિયેત યુનિયન માટે પ્રીતિવશ પક્ષપાત કઠ્યો ને ખૂંચ્યો પણ હશે. ક્રાંતિકારી ચે ગુવેરાના અતોનાત ચાહક છતાં શાંતિમય પરિવર્તનની શક્યતાઓ માટે કંઈક કૂણા પણ હશે.

ચીનની મુલાકાત પછી ભરીબંદૂક કહ્યું હતું એમણે કે મને માઓ ગમે તેથી માઓવાદ પણ ગમે એવું ચોક્કસ નહીં. એમના મિત્ર મેક્સિકન કવિ ઓક્ટેવિયો પાઝે (જેઓ ભારતમાં મેક્સિકી રાજદૂત હતા, એમણે) ક્યારેક સ્તાલિન ભણી અઢળક ઢળિયા નેરૂદાને ટપાર્યા પણ હશે. નેરૂદાની અપીલ હમણેના દાયકાઓમાં એવી જ બરકરાર છે.

એકાદ દાયકા પર ‘અરબ વસંત’ના દિવસોમાં કેરોની સડકો ને દીવાલો પર નેરૂદાની એ પંક્તિ ચીતરાયેલી હતી કે તમે સઘળાં પુષ્પોને સંહાર્યા પછી પણ વસંતને ખાળી શકતા નથી.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 06 માર્ચ 2024

Loading

...102030...854855856857...860870880...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved