Opinion Magazine
Number of visits: 9845215
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાદગી, સંઘર્ષ, પ્રામાણિકતા, પારદર્શિતા અને બૌદ્ધિકતાનું પ્રતીક મધુ દંડવતે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 August 2024

માર્ચ ૧૯૭૭.

ચંદુ મહેરિયા

ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી ઉઠ્યા પછીની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીનો વિજય થયો હતો. એવા સમયે કેટલાક અધિકારીઓ અને રાજનેતાઓએ રાજધાનીના વી.પી. હાઉસના ફ્લેટ નંબર ૪૦૩નો દરવાજો ખખડાવ્યો. કાર્યકરે દરવાજો ખોલ્યો તો તેમણે પ્રો. મધુ દંડવતે ક્યાં?-ની પૃચ્છા કરી. કાર્યકરે પૃચ્છાના જવાબમાં બાથરૂમ તરફ ઈશારો કર્યો. પ્રોફેસર અને નવનિર્વાચિત સાંસદ બાથરૂમમાં કપડાં ધોતાં હતા! મધુ દંડવતે મહારાષ્ટ્રના રાજાપુર મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. કોઈ આવ્યાનું જણાતા એ ભીના લૂગડે ચશ્માંની દાંડી નાક પર ચઢાવતા બહાર આવ્યા. આગંતુકોના આશ્ચર્ય અને આઘાતમિશ્રિત ચહેરા નીરખીને તે બોલ્યા, ‘ચૂંટણીમાં  બધાં લૂગડાં બહુ મેલા થઈ ગયાં હતા. આજે મોકો મળ્યો તે ધોવાનો.’ અફસરો અને નેતાઓએ તેમને નવી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જોડાવા શપથવિધિમાં પહોંચવાનું ઈજન દીધું. જનતા સરકારના રાજ્યારોહણની તૈયારીમાં દિલ્હી વ્યસ્ત હતું ત્યારે એ બધાથી જાણે કે બેખબર, સાદગી અને સ્વાશ્રયને વરેલા પ્રો. દંડવતે કપડાં ધોવામાં મસ્ત હતા.

મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પક્ષની સરકારના રેલવે મંત્રી અને સંનિષ્ઠ એટલા સમર્પિત સમાજવાદી મધુ દંડવતે(૨૧ જાન્યુઆરી ૧૯૨૪ – ૧૨ નવેમ્બર ૨૦૦૫)નું આ જન્મ શતાબ્દી વરસ છે. લાલબત્તીવાળી સરકારી ગાડી તો જાણે કે પહેલીવાર ૧૯૭૭માં મળી પણ સમાજવાદી હોવાના નાતે જેલના તો એ આદિ. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ લોકોના જીવનમાં મૂળભૂત ફેરફાર લાવનારા જૂજ રાજકીય નેતાઓ પૈકીના એક તેમને ગણાવ્યા છે.  રેલવેના બીજા વર્ગની બર્થ એટલે લાકડાનું પાટિયું. રેલવે મંત્રી દંડવતેએ  તેને  બે ઈંચ ફોમથી મઢ્યું અને સેકન્ડ કલાસના રેલયાત્રીઓની મુસાફરી આરામદાયક બનાવી. રેલવેના મૂળભૂત માળખામાં તેમણે મહત્ત્વના સુધારા કર્યા. રેલવેનું કમ્યુટરીકરણ પણ મધુ દંડવતેની જ દેન છે. દંડવતે જે રાજાપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા તે મહારાષ્ટ્રના કોંકણમાં રેલવે પહોંચી નહોતી. તેમના પુરોગામી સમાજવાદી સાંસદ નાથ પૈ જ્યારે આ પ્રશ્ન સંસદમાં ઉઠાવતા ત્યારે તેમને મળતો સરકારી જવાબ, ‘અસંભવ કામ માટેનો મૂર્ખતાપૂર્ણ પ્રયાસ’નો રહેતો. પરંતુ દંડવતે એ કોંકણને રેલવે આપી અસંભવ કામ સંભવ કર્યું હતું. રેલવે કર્મચારીઓની લાંબી હડતાળ પછી સરકાર અને રેલવે યુનિયનો વચ્ચે અંતર વધ્યું હતું. દંડવતે એ તે અંતર ઘટાડ્યું હતું.

મધુ દંડવતે

મહારાષ્ટ્ર્ના અહમદનગરમાં જન્મેલા મધુ દંડવતેના દાદા સાહિત્યકાર હતા અને પિતા ઈજનેર. પિતા દીકરાને ઈજનેર બનાવવા માંગતા હતા. પરંતુ દીકરો કોઈ જુદા જ દેવ માંડી બેઠેલો. મુંબઈની પ્રતિષ્ઠિત રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી ફિઝિક્સમાં એમ.એસસી. કર્યું. ૧૯૪૬માં બાવીસ વરસના મધુ દંડવતે ડો. બાબાસાહેબ આંબેડકર સ્થાપિત સિદ્ધાર્થ કોલેજમાં ફિઝિક્સના અધ્યાપક બન્યા હતા.  અઢાર વરસની વયે  ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટમાં જોડાયા ત્યારથી એમના જાહેરજીવનની શરૂઆત થઈ હતી. પાંચવારના આ લોકસભા સભ્યે તેમની બે દાયકા લાંબી સંસદીય કારકિર્દીનો આરંભ ૧૯૭૦માં  મહારાષ્ટ્ર વિધાના પરિષદના સભ્ય તરીકે કર્યો હતો. દંડવતે મોરારજી સરકારના રેલવે મંત્રી હતા તો વી.પી. સિંઘ સરકારના નાણાં મંત્રી, અને હા દેવગૌડા સરકારના પ્લાનિંગ કમિશનના વાઈસ ચેરપર્સન પણ હતા.

સરકારી હોદ્દા અને મંત્રી પદ એમણે પૂર્ણ લાયકાતના ધોરણે મેળવ્યું હતું. હાડના તો એ સંઘર્ષશીલ કર્મશીલ હતા. એટલે ગોવા મુક્તિ આંદોલનમાં કમરનું હાડકું પણ ભંગાવ્યું હતું. કટોકટી દરમિયાન બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં તે લાંબો સમય રહ્યા. તે સમયના તેમના બેરેક સાથી અટલ બિહારી વાજપાઈ હતા. સમાજવાદને વરેલાં કર્મશીલ જીવન સાથી પ્રમિલા દંડવતે પણ કટોકટીમાં જેલમાં હતાં. મધુ બંગલુરુમાં તો પ્રમિલા યરવડામાં. જેલવાસ દરમિયાન  દંડવતે દંપતી વચ્ચે થયેલો પત્ર વ્યવહાર ઠીક ઠીક ઉલ્લેખાય છે, પરંતુ જેલમાંથી જ મધુ દંડવતે એ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને પણ તેમની આપખુદ રસમો માટે લલકારતા અને ઠપકારતા બસો જેટલા પત્રો નીડરપણે લખ્યા હતા. એ ન જાને કેટલાને યાદ હશે ?

દંડવતેના નામ સાથે પ્રોફેસરનું લટકણિયું કંઈ અમસ્તું નથી. ડોં. આંબેડકરે નાતજાતના ધોરણે નહીં, પણ પૂર્ણ લાયકાતના ધોરણે સિદ્ધાર્થ કોલેજમાં અધ્યાપકોની નિમણૂક કરી હતી. ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે એમને દંડવતે જડ્યા એ પણ એવા કે જે ન્યૂક્લિયર ફિઝિક્સ સ્થાનિક અને સરળ ભાષામાં ભણાવે. “વિજ્ઞાનના કઠિન કહેવાતા પારિભાષિક શબ્દો હિંદી કે ભારતીય ભાષામાં શક્ય છે. હું આખું પરમાણુ ભૌતિકી હિંદી-મરાઠીમાં ભણાવી શકું છું,’ તેમ અદબ અને અભિમાનથી લખતા મધુ દંડવતે કંઈ અમથા પ્રોફેસર કહેવાયા હશે?

સિદ્ધાર્થ કોલેજના અધ્યાપકને નાતે દંડવતેને ડો. આંબેડકર સાથે પણ સારો નાતો બંધાયો હતો. તેમની સાથેના સંવાદે દંડવતેના મનમાં સામાજિક ન્યાયનો ખ્યાલ વધુ દૃઢ થયો હતો. વાજબી રીતે જ બંધારણના ઘડવૈયા કહેવાતા ડો. આંબેડકરના વિચારો પ્રમાણેનું વર્તમાન બંધારણ કેટલું તેનો દંડવતે જ આપી શકે તેવો જવાબ હતો કે, “બંધારણની એક નકલનાં પાનાં પર ડો. આંબેડકરે પોતાની સમાલોચના લખી છે. બંધારણના એક એક પરિચ્છેદ પર ટિપ્પણી સ્વરૂપે. એ પ્રકાશિત થાય તો બાબાસાહેબની યુગદૃષ્ટિની ઝલક જોવા મળે.”

જેમ દંડવતેની બૌદ્ધિકતા, પ્રામાણિકતા અને પારદર્શિતાની દુહાઈ દેવાય છે તેમ તેમની તટસ્થતા પણ વખણાય છે. એટલે પક્ષે ઘણી મહત્ત્વની ચૂંટણીઓના તેમને ચૂંટણી અધિકારી બનાવ્યા હતા. જો કે વી.પી.સિંઘની વડા પ્રધાન તરીકેની પસંદગી ચૂંટણી અધિકારી દંડવતેની તટસ્થતા પર સવાલો કરે તેવી હતી. જનતા દળના સંસદીય પક્ષના નેતાની ચૂંટણીમાં ચન્દ્રશેખર ઝંપલાવવાના હતા. પરંતુ તેમને દેવીલાલના નામે મનાવી લેવાયા. પછી દેવીલાલે “હું તો તાઉ જ ભલો” એમ કહીને વિશ્વનાથ પ્રતાપ સિંઘને પસંદ કર્યા. આ સઘળુ ચન્દ્રશેખરને અંધારામાં રાખીને થયું હતું અને મધુ દંડવતેએ થવા દીધું હતું. આ ઘટનામાં મધુ દંડવતેની ભૂમિકા સંદર્ભે ચન્દ્રશેખરે આત્મકથા “જીવન જૈસા જિયામાં લખ્યું છે, “મધુ દંડવતે ઈસ તરહ કી તિકડમ કે સાઝીદાર હોંગે, ઈસકા મુઝે કભી વિશ્વાસ નહીં હુઆ.” (પૃષ્ઠ- ૧૬૩) દંડવતેની તટસ્થતાનું આથી મોટું પ્રમાણ બીજું શું હોઈ શકે?

૧૯૯૧ અને ૧૯૯૬ની સામાન્ય ચૂંટણીઓમાં દંડવતેની હાર થઈ હતી. એટલે ૧૯૭૧થી ૧૯૯૧ની તેમની દીર્ઘ સંસદીય કારકિર્દીનો અંત આવ્યો. જો કે ૧૯૯૬માં જ્યારે તેઓ ચૂંટણી હાર્યા હતા ત્યારે જ વડા પ્રધાન પદ માટે તેમના નામની વિચારણા ચાલી હતી. પોતે લોકસભાના સભ્ય જ નથી એટલે તેમણે વાતને ઊગતી ડામી દીધી હતી. કહેવાય છે કે તે પછી દેવગૌડાની પ્રધાન મંત્રી તરીકેની પસંદગી દંડવતેની હતી. દેવગૌડાએ તેમને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા એટલે ઘણાંને વાતમાં તથ્ય પણ લાગ્યું.

એક્યાસીની વયે ૨૦૦૫માં એમનો દેહવિલય થયો. વાંચતી, લખતી, લડતી, ઝઘડતી અને તર્કવિતર્ક સાથે વિચારવિમર્શ કરતી સમાજવાદીઓની ગઈ પેઢીનું મધુ દંડવતે અણમોલ સંતાન હતા.

e.mail : maheriyachandu@gmail.com

Loading

હું કેવળ કવિ છું, હું નથી તત્ત્વજ્ઞાની, નથી …

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 August 2024

આજે ઑગસ્ટની સાતમી તારીખ છે : 1941માં આ તારીખે (શ્રાવણી પૂર્ણિમાએ) કોલકાતામાં કવિગુરુ રવીન્દ્રનાથે જોડાસાંકોની ઠાકુરવાડીમાં, જ્યાં જન્મ્યા’તા ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા. એમની પૂર્વાજ્ઞા પ્રમાણે ત્યારે ગવાયેલી રચના હતી : 

‘સંમુખે શાંતિ પારાવાર

ભાસાઓ તરણી હે કર્ણધાર…’ 

(‘મારી સન્મુખ શાંતિનો પારાવાર લહેરાય છે. હે કર્ણધાર, હવે નૌકાને તરતી મૂકો.’

કવિએ પસંદ કરી રાખેલું અંતિમ ગાન જો ‘શાંતિ પારાવાર’નું હતું તો એમનું છેલ્લું જાહેર વ્યાખ્યાન હજુ બે-ત્રણ માસ પૂર્વે અપાયું એનું વસ્તુ ‘સભ્યતાર સંકટ’ (‘ક્રાઈસિસ ઈન સિવિલાઈઝેશન’) હતું. પહેલા વિશ્વયુદ્ધની વિભીષિકા વારાથી એ રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો બાબતે સચિંત રહ્યા છે અને 1941નું વરસ બીજા વિશ્વયુદ્ધના સમયગાળાનું છે એટલે એ સભ્યતા પર એમને જે સંકટ વરતાય છે તેને વિશે બોલ્યા વિના રહી શક્યા નથી. જીવન સહજ ક્રમે સંકેલાવામાં છે, મૃત્યુને પોતે જગતજનની એક એક થાનલેથી બીજે થાનલે લેતી હોય એવા વત્સલ ભાવે વધાવ્યું છે, સામે શાંતિ પારાવાર છે, પણ વિશ્વમાનવતા પરનું જે સંકટ છે એને વિશે બોલ્યા વિના રહેવાય શાનું.

ત્યારે જે સ્વાભાવિક જ સામ્રાજ્યવાદવશ અક્ષરશ: આદર્શ લેખાતું હતું એ પશ્ચિમનું ઓઠું લઈને કવિએ સભ્યતાની ચીલેચાલુ વ્યાખ્યાની અસલિયતને અસંદિગ્ધ શબ્દોમાં પકડી છે કે આ તો લોભ, હિંસા, પશુબળ અને અહંકાર પર ઊભેલી ઈમારત છે.

કવિ સ્વદેશવત્સલ છે, માનવતાના અનુરાગી છે. 1905માં બંગભંગ વખતે હિંદુ-મુસ્લિમ ભાગલાની અંગ્રેજ રાજવટની કોશિશ વરતી જઈ એ ‘રાખીબંધન’નું ગાન કરતા કોલકાતાના રાજમાર્ગો પર અવિશ્રાન્ત ચાલ્યા છે. ગાંધીએ જ્યારે વિરાટ આંદોલન જગવ્યું ત્યારે ઊછળતા રાષ્ટ્રવાદની મર્યાદા વિશે ચિંતા વ્યક્ત કર્યા વિના એ રહી શક્યા નથી. બીજી પાસ આ જ કવિ 1919માં અમાનુષી જલિયાંવાલા હત્યાકાંડ વખતે અંગ્રેજ સરકારને કહે છે, પાછું લઈ લો તમે મને આપેલું નાઈટહુડ.

સ્વાભાવિક જ એ સ્વરાજ આંદોલનની સાથે છે – અલબત્ત, કંઈક ભાવનાત્મક ધોરણે. પણ એમાં શીલ ને સંયમ પરનો એમનો ભાર છે જે ગાંધીને ગમે પણ છે. એ રીતે 1920-21માં અસહકાર આંદોલનના વારામાં કવિનો જે પ્રત્યાઘાત હતો એના કરતાં 1930માં દાંડીકૂચના વારામાં ચોક્કસ જ ન્યારો છે. પોતે ઇંગ્લેન્ડમાં છે અને ત્યાંનો સ્થાપિત મત આ કૂચની જે ટીકા કરે છે એ કેમ ઠીક નથી એવો પ્રતિભાવ એમણે ખખડાવીને ત્યાંના પ્રસાર માધ્યમોમાં આપ્યો છે.

તો, સંમુખે શાંતિ પારાવાર છે. સિત્તેરમે 1931માં શાંતિનિકેતનના આમ્રકુંજમાં કેફિયતનુમા અંદાજમાં કહ્યું છે : ‘હું કેવળ કવિ છું. હું નથી તત્ત્વજ્ઞાની, નથી શાસ્ત્રજ્ઞાની, નથી ગુરુ કે નથી નેતા, હું નવબંગાળમાં નવયુગનો ચાલક પણ નથી. હું તો વિચિત્રનો દૂત છું. હું નાચું છું, નચાવું છું, હસું છું, હસાવું છું, ગાન કરું છું, ચિત્રો ચીતરું છું. જે લોકો મને શંખ વગાડી ઊંચે માંચડે બેસાડવા ઈચ્છે છે તેમને હું કહું છું કે હું તો નીચું સ્થાન લઈને જ જન્મ્યો છું. હું સૌનો બંધુ છું. હું છું કવિ! આ જ મારો એકમાત્ર પરિચય છે.’

જો કે, આ પરિચય જરી ખોલીને સમજવા જોગ છે. તે માટે ‘પ્રાન્તિક’ પાસે જઈશું જરી? 1937ના સપ્ટેમ્બરમાં એક સાંજે વાત કરતાં કરતાં એ અચાનક જ બેભાન થઈ ગયા. પૂરા બે દિવસ પછી ભાનમાં આવ્યા ત્યારે આ મૃત્યુવત અનુભૂતિ અને નવજીવનની સંપ્રાપ્તિનાં જે કાવ્યો લઈને આવ્યા તે ‘પ્રાન્તિક.’

ઉમાશંકર જોશીએ ‘પ્રાન્તિક’નાં છેલ્લાં ચાર કાવ્યોનું વિવરણ કરતાં કહ્યું છે કે આ ચાર કાવ્યો રવીન્દ્રનાથના વસિયતનામા રૂપ વ્યાખ્યાન ‘સભ્યતાર સંકટ’નાં આગોતરાં કાવ્યરૂપ સમાં છે.

‘કવિની વાણી’, ઉમાશંકર કહે છે, ‘વગર અવાજે અનંતની છાબમાં ભલે સરી પડશે, પણ તે પૂર્વે મૃત્યુ લગોલગના પ્રાન્તિક પ્રદેશથી પાછા ફરેલા કવિને આસુરી બળો સામે તૈયાર થતાં સૌને બારણે બારણે હાક મારતા જવું એવો સ્વધર્મ સમજાય છે, જેથી તેઓ સૌ ઉદ્યુક્ત રહે, સાવધ રહે, પીઠબળ અનુભવે, ખપી ખૂટવામાં પાછી પાની ન કરે. વિજયી નીવડીને રહે. જીવન છે ત્યાં સુધી, શ્વાસ ચાલે છે ત્યાં સુધી, સત-અસતના સંઘર્ષમાં સક્રિયપણે સંડોવાવાનું રહે છે જ …’

સત-અસત વચ્ચેના સંઘર્ષનો રોડમેપ, ખરું જોતાં જો કે કવિપથ એમની અમર ‘ભારત-પ્રાર્થના’માં આબાદ ઝીલાયો છે :

‘ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત છે, 

જ્ઞાન જ્યાં મુક્ત છે, ઘર ઘરના વાડાઓએ જ્યાં રાત–દિવસ 

વસુધાના નાના નાના ટુકડા કરી મૂક્યા નથી,

વાણી જ્યાં હૃદયના ઝરણામાંથી સીધી વહે છે,

કર્મનો પ્રવાહ જ્યાં રૂંધાયા વિના દેશે દેશે અને 

દિશાએ દિશાએ સતત સહસ્રવિધ સફળતા પ્રતિ ધસે છે,

તુચ્છ આચારરૂપી રણની રેતીએ જ્યાં વિચારનાં ઝરણાંને ગ્રસી લીધું નથી, 

અને પૌરુષના લાખ લાખ ટુકડા કરી નાખ્યા નથી,

જ્યાં હંમેશાં તું સકળ કર્મ, વિચાર અને આનંદનો નેતા છે,

ત્યાં, ત્યાં જ, તે સ્વર્ગમાં, તારે પોતાને હાથે નિર્દય આઘાત કરી 

હે પિતા, તું ભારતને જગાડ.’

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 ઑગસ્ટ 2024

Loading

હે ભગવાન ! આ ‘વિભૂતિ’ ક્યારે જશે?

જય  કાંત|Opinion - Short Stories|7 August 2024

ડોર બેલ રણક્યો !

મને થયું ‘લોક્ડાઉનના સમયગાળામાં કોઇના ઘરે મળવા જવાનું ના હોય, કોઇને આવકારવાનું પણ ના હોય, ને આ વળી કોણ ટપકી પડ્યું’ ! અમને નવાઇ લાગી. મેં મારી પત્ની નિમા સામે જોયું.

એણે કહ્યું : ‘અરે, રવિ, શું ઊભા છો !  બારણું ખોલીને જુઓ તો ખરા કે કોણ છે? ટપાલી છે કે બીજું કોઇ છે?’

મોં પર માસ્ક પહેરીને બારણું ખોલ્યું તો સામે ‘ભમતારામ’ પ્રેમાનંદી હસતા ઊભા હતા! બોલ્યાઃ  ‘કેમ છે?’ એમના મોં પર માસ્ક નો’તું. પીઢ ‘એન્ટિ-માસ્કર’ અને ‘કોવિડિયેટ’ના હાસ્યપ્રકાશને લીધે મારો ચહેરો ઝંખવાઇ ગયો.

તમને થશે આ ‘એન્ટિ-માસ્કર’ અને ‘કોવિડિયેટ’ વળી શું? અત્યારના કોરોનાકાળમાં ઘણાં નવા શબ્દો ચલણી બન્યા છે તેમાંના આ બે શબ્દો છે. ‘એન્ટિ-માસ્કર’ એટલે જે કોઇ ‘માસ્ક વિરોધી’ હોય તે અને ‘કોવિડિયેટ’ એટલે કોરોના અંગેની ગાઇડલાઇન ન માનનાર (ઈડિયટ) !

એમને જોઇને હું અવઢવમાં પડ્યો. મારી ચૂપકીદીથી બોલ્યા : ‘કેમ અલ્યા, ઇંગ્લેંડ આવીને આપણા ભારતીય સંસ્કાર, સંસ્કૄતિ, પરંપરા, અને આદર્શ પણ ભૂલી ગયો?’

મેં કહ્યું : ‘મને સમજાયું નહીં.’

પ્રેમાનંદી બોલ્યા : ‘અતિથિ દેવો ભવ !’ અતિથિ દેવ સમાન ગણાય, એમને આવકાર આપવાનો હોય.’

મેં કહ્યું : ‘હા, બરાબર, પણ ફોન નહીં, વોટ્સએપ પર મેસેજ પણ નહીં, ને કોરોનાકાળમાં તમે અચાનક આવ્યા તેથી મને  જરા ….’

‘અલ્યા, મેં શું કહ્યું? અતિથિ દેવો ભવ, ‘અતિથિ’ શબ્દનો અર્થ  જ ‘જેને આવવાની તિથિ નક્કી ના હોય તે અતિથિ’. અતિથિ ગમે તે દિવસે, ગમે તે સમયે આવે, એને હસતા મોંએ જ આવકારવાના હોય.’

હું વિચાર કરતો ઊભો હતો, મને હિંદી ફિલ્મ ‘અતિથિ, કબ ઘર જાઓગે?’ મારા સ્મરણપટ પર છવાઇ ગઇ.  મને વિચાર આવ્યો આ બલાને કઇ રીતે ટાળવી!

મેં કહ્યું : ‘અત્યારે લેસ્ટરમાં લોકડાઉન છે, એની તો તમને ખબર છે ને? એના રૂલ પ્રમાણે આપણાથી કોઇના આંગણે ના જવાય, કોઇના ઘરમાં પણ ના જવાય, તેથી હું …’

મહાશય બોલ્યા, ‘અલ્યા, સરકાર એનું કામ કરે, આપણે આપણી રીતે જીવવાનું હોય, આપણે આપણો અમૂલ્ય સંસ્કાર વારસો ગુમાવવાનો ના હોય. આપણું લેસ્ટર તો મીની ગુજરાત કહેવાય છે ! આપણા કવિ દુલા ભાયા ‘કાગ’ લલકારી ગયા છે તે તો યાદ છે ને? એમ કહી લલકારવા લાગ્યા :

‘એ જી તારા આંગણિયે પૂછીને કોઇ આવે રે,

આવકારો મીઠો આપજે રે જી ….’

દુલા ભાયાના લલકારની મને ચિંતા નો’તી પણ પ્રેમાનંદીના નાટકીય લલકારથી ચિંતિત થઇ, એમના કલ્ચરલ અને ઇમોશનલ બ્લેકમેઇલિંગ સામે નમતું મૂકી, મોં પર કુદરતી હાસ્ય લાવવાનો સફળ અભિનય કરતો જ હતો ને એમણે ધસી જઇને ગૄહપ્રવેશ કરી દીધો. મેં એમને બીતા બીતા, કાયદેસરની ગુનાહિત લાગણી અનુભવતાં ઘરમાં આવકાર્યા.

એમને દૂર એક સોફા પર બેસાડ્યા.

નિમાએ માસ્ક પહેરી લીધું ને એમને કમને પૂછ્યું, ‘ચા લેશો કે કોફી?’

પ્રેમાનંદીએ કહ્યું, ‘જો આ છે આપણા ભારતીય સંસ્કાર! હું તો ચા લઇશ અને તે પણ આદુ ને મસાલાવાળી, સાથે થોડો નાસ્તો પણ લઇશ. સાથે સામે બેસીને બે વાત પણ કરીશ.’

એમની બે વાત એટલે કેવી ને કેટલી તેનો અમને અનુભવ હતો, એટલે અમારા મોતિયા મરી ગયા પણ મોં પર જિજ્ઞાસા ધારણ કરી કહ્યું, ‘બોલો શી વાત કરવી છે?’

પ્રેમાનંદી બોલ્યા : ‘આપણી ટોરી સરકાર દેખાદેખીને લીધે, બીજા દેશોને રવાડે ચઢી લોકડાઉન લાવે ને લોકો હરતાં ફરતાં બંધ થાય તે ઠીક ના કહેવાય.’

મેં કહ્યું ‘લો, કરો વાત ! તમે પણ શું યાર! કોવિડ 19 એટલે કે કોરોના વાઇરસ ડીઝિઝ 2019ની મહામારીએ જગતભરમાં માઝા મૂકી છે અને તમને લોકોના હરવા ફરવાની ચિંતા છે! કરોડો લોકો એને લીધે માર્યા ગયા છે ને મરે છે ને કેટલા મરશે તેની ગણતરી નહીં, ને……’

મને આગળ બોલતો અટકાવી બોલ્યા, ‘જે જન્મે તે મરે, વહેલા કે મોડા. ભાગ્યમાં લખાયા પ્રમાણે જ થાય, બધાએ મરવાનું જ છે, તો આનંદથી હરીફરીને મોજમજા કરીને શા માટે ના મરીએ?  ડરી ડરીને થોડું જીવવાનું હોય? જિંદગી લાંબી નહીં, બિંદાસ્ત હોવી જોઇએ !’

‘આપણે કાળજી રાખી જીવીએ તો કમોતે તો ના મરીએને? પરિવાર માટે રોટલો રળનાર ઘરનો મોભ, ઘરનો આધાર હોય, એ તેની પોતાની કે કોઇ બીજાની બેકાળજીને લીધે કસમયે મરે તો એના પરિવારનું શું? એટલે…….’

મને ફરી અટકાવી બોલ્યા : ‘ભાઇ, તારા જેવા બીકણ ઘણાં છે પણ આ દેશમાં ને દુનિયાના અનેક દેશોમાં બિંદાસ્ત માણસો પણ પડ્યા છે, જેઓ લોક્ડાઉનના રૂલની પરવા કરતા નથી.  આમજનતાના સભ્યો, પ્રસિદ્ધ માણસો અને ખુદ કાયદા-કાનૂન બનાવરા પોલિટિશિયનોનો પણ તેમાં સમાવેશ થાય છે, તેનું શું?’

એમના સવાલથી મને ચીડ ચઢી. મેં કહ્યું ‘એ લોકો બિંદાસ્ત ના કહેવાય. અક્કલ વગરના કહેવાય. તેથી તો ખુલ્લેઆમ નફકરા બનીને હરેફરે છે.’

‘અલ્યા, આ શું બોલ્યો? વિશ્વની મહાસત્તા અમેરિકાના મહાન, બુદ્ધિશાળી, બહાદુર, પીઢ બિઝનેસમેન, બહુમુખી પ્રતિભા ધરાવતા નેતા ડોનાલ્ડ ટ્રમ્પ પોતે માસ્ક પહેરતા નથી કે કોઇને માસ્ક પહેરવાની ફરજ પણ પાડતા નથી! બે મિટરનું અંતર રાખવાની વાત પણ કરતા નથી.  અમેરિકા તો ફ્રી કંટ્રી છે એટલે જ તો અમેરિકામાં ઘણા લોકો મસ્ત બનીને ફરે છે, પાંચપંદર મિત્રોને બોલાવી પાર્ટી પણ કરે છે.’

‘અમેરિકામાં કંઇ બધા લોકો એવા અવિચારી નથી ને ડોનાલ્ડ ટ્રમ્પ…….’ મેં જોયું તો એમનું ધ્યાન મારી દલીલ કરતાં નિમાએ સામે મૂકેલાં ચા-નાસ્તા તરફ વધારે હતું.’

‘નિમા, આ શું જીરામીઠાવાળા બિસ્કિટ? અત્યારે વિંટર છે ને મગજ કે અડદિયા નથી બનાવ્યા?’

નિમા બોલી : ‘અમે ઘી તેલવાળી વસ્તુ ખાતા નથી.  એ હેલ્થ માટે નુકસાનકારક છે.’

‘લો કરો વાત ! તમે લોકો પરદેશ આવીને આપણી પરંપરા ભૂલી ગયા.  ચાલો, કોઇ વાત નહીં.’ એમ બોલી, અતિથિ ચા-નાસ્તો કરતાં કરતાં બોલ્યા : ‘બિચારા ટ્ર્મ્પને લોકો સમજતા જ નથી, એ બિઝનેસમેન છે, પ્રેસિડેંટ છે ને મોટો સાયંટિસ્ટ પણ છે એટલે જ તો એણે કોવિડ મટાડવાનો નુસ્ખો ય બતાવ્યો હતો પણ લોકો એને સાંભળવા ય રાજી નો’તા.’

‘ડોનાલ્ડ ટ્રમ્પ ને સાયંટિસ્ટ!? ટ્રમ્પ ડિસઇંકેટંટના ઇંજેકશન આપવાની વાત કરે છે એટલે તમે એને  સાયંટિસ્ટ કહો છો !? લોકો એને ક્યાંથી સાંભળે, તમે પણ યાર….’

મારી વાત કાપી પ્રેમાનંદીને દલીલ કરતા અટકાવવા માટે નિમાએ એમને પૂછ્યું : ‘આપણા લેસ્ટરની શું નવાજૂની છે?  અમે તો બહાર નીકળતા જ નથી.’

‘જોયું ને, ઘરની બહાર નીકળો તો ખબર પડે ને કે શહેરમાં શું થઇ રહ્યું છે. લેસ્ટરમાં પણ લોકો લંડન, લિવરપુલ, નોટીંગહામની જેમ એ…ય આરામથી ફરે છે! મોજમજા કરે છે, પાન, માવો ખાતા ખાતા પિચકારી મારતા જુવાનિયાઓ પણ પાંચછના  ટોળામાં હાહાટીટી કરતા રસ્તા પર, પાર્કમાં બિંદાસ્ત બનીને ફરે છે.’

‘હે ભગવાન, એ જુવાનિયાઓને કોણ સમજાવે કે આ કોરોનાકાળના સમયગાળામાં કાળજી રાખી જીવન જીવવાનું હોય છે.’ હું બોલ્યો.

‘અરે, રવિ, તું તદ્દન વેદિયો જ રહ્યો. અલ્યા ફક્ત જુવાનિયાઓ જ નહીં, મોટી ઉંમરના બુઢિયાઓ પણ લાકડી લઇને રસ્ત્તા પર ફરે છે ને ગ્રોસરી સ્ટોરમાં પણ શોપિંગ કરવા નિરાંતે જાય છે.’

‘જુવાનિયાઓ રૂલ અનુસાર, ન છૂટકે, ખાસ જરૂરી કામ હોય તો જ બહાર જતા હોય, મોં પર માસ્ક બાંધે, બે મિટરનું અંતર રાખી ચાલે, ટોળામાં ન જાય પણ એકલા જ જાય, પાન માવો ખાઇને રસ્તા પર પિચકારી ના મારે તો કોને વાંધો હોય? તેઓ સલામત રહે ને બીજાઓ પણ સલામત રહે. પણ પાન, માવો ખાતા ખાતા પિચકારી મારતા પાંચછના ટોળામાં હાહાટીટી કરતા રસ્તા પર ફરતા હોય એ તો ઠીક ના કહેવાય. એથી કોરોના વાયરસ વધે ને કામધંધો કરતા લોકો બીમાર પડે ને અનેક માણસો માર્યા પણ જાય એ તો ઠીક નથી. એથી એમની ને બીજાની પણ સલામતી જોખમાય છે, એમને કોરોના વાયરસ લાગી ગયો તો એમને સહેવું પડે ને એમની ફેમિલીને પણ સહન કરવું પડે અને આપણી નેશનલ હેલ્થ સર્વિસ પર પણ બિનજરૂરી બોજો પડે તેનું શું? આપણે એ પણ વિચારવાનું હોય. આપણા દેશની ઇકોનોમીનું શું? આપણી બેકાળજીથી દેશની ઇકોનોમી પર માઠી અસર…. ’

મને અટકાવી અતિથિ બોલ્યા : ‘અરે .. ઇકોનોમીની માને પરણે, સરકાર તો ઇકોનોમી સંભાળવા બેઠી છે. તો આપણે શી ચિંતા? આપણે ટેક્સ ભરીએ છીએ ને સરકારને પોષીએ છીએ એટલે ઇકોનોમીની ચિંતા સરકાર કરે.’

નિમા અમારી વાતચીતથી ઊંચીનીચી થતી હતી. એણે મને મારા મોબાઇલ પર મેસેજ મોકલી અતિથિને ખબર ન પડે તેમ ઇશારો કરી મેસેજ વાંચવા જણાવ્યું. મેં મોબાઇલ ચેક કર્યો.

નિમાનો મેસેજ હતો, ‘આ ભૂત સાથે દલીલબાજી ના કરો, ને એને ટાળવાનો ઉપાય કરીએ. હું તમને જે કહીશ તે સાંભળીને મને કોઇ પણ સવાલ પૂછ્યા વિના એકટિંગ કરો.’

મેં કહ્યું, ‘આ દેશના નાગરિક તરીકે આપણે…..’

મને આગળ બોલતો અટકાવી, નિમા બોલી : ‘ અરે, તમે બેઠા બેઠા વાત કર્યા કરો છો, તે આજે તમારે શશીભાઇને અગિયાર વાગે તેમના અંગત કામ માટે ફોન કરવાનો છે તે તો યાદ છે ને?  જુઓ, અગિયારમાં દસ થયા છે.’

‘ઓહ હા, એ તો હું તો ભૂલી જ ગયો હતો, તેં યાદ કરાવ્યું તે સારું કર્યું.

‘જુઓ, બાપુજીને લંચ પહોંચાડવા હું જાઉં છું. આપણું ને બાપુજીને માટે પણ શોપિંગ કરવાનું છે, મને આવતા વાર લાગશે’. બોલી નિમા બહાર જવાની તૈયારી કરવા લાગી.

પ્રેમાનંદીએ પૂછ્યું, ‘નિમા, તું કારમાં જાય છે? હું પણ તારા બાપૂજીને મળી લઇશ….’

નિમાએ કહ્યું, ‘માફ કરજો. લોકડાઉનના નિયમ પ્રમાણે, મારા બાપૂજીને મારા સિવાય બીજું કોઇ મળી શકતું નથી. રવિ પણ મળી શકતા નથી. મારા બાપૂજી એકલા છે અને એમને ડાયાબિટિસ ને હાર્ટની તકલીફ છે, એટલે લોક્ડાઉનના નિયમ અનુસાર હું બાપૂજીને તેમનું ખાવાનું, દવા અને જરૂરી વસ્તુ પહોંચાડવા અને તેમની કાળજી રાખવા માટે ‘સપોર્ટ બબલ’માં છું એટલે માત્ર હું જ તેમને મળું છું.’

પ્રેમાનંદી બોલ્યા, ‘જો બે’ન, હું તો માણસભૂખ્યો છું, મને માણસોને મળવાનું ને તેમની સાથે વાત કરવાનું ગમે એટલે એમને મળવાનો વિચાર થયો. ભલે તું જા.’

મને મનમાં થયું, ‘તમે માત્ર માણસભૂખ્યા નથી, પણ માનવ-મગજ ને ભોજનભૂખ્યા પણ છો તે અમારાથી કયાં છૂપું છે!’

નિમાએ બારણાં બહાર જતાં જતાં ફરી યાદ કરાવ્યું, ‘જો જો રવિ, તમે શશીભાઇને ફોન કરવાનું ના ભૂલતા.’

‘તું ચિંતા ના કર, નિમા, હું બેઠો છું, હું રવિને યાદ કરાવીશ,’ અતિથિ બોલ્યા.

‘જુઓ પ્રેમાનંદી, શશીને મને કોઇ અંગત વાત કરવી છે અને મારા મિત્રોની અંગત તકલીફોની વાત હું નિમાની હાજરીમાં પણ કરતો નથી. મિત્રોની કોન્ફિડેંશિયાલિટિ જાળવવાની હોય છે તેથી તમારી જ નહીં, કોઇ બીજાની હાજરીમાં પણ એની સાથે તેની કોઇ અંગત વાત ના થાય. માફ કરજો. આપણે ફરી કયારેક મળીશું, આવજો’. મેં હિંમત કરી કહ્યું.

‘હા હા વાંધો નહીં, આવતા શનિવારે મળીશું’ ‘અતિથિ’એ ઊભા થતાં થતાં તિથિ નક્કી કરી!’

‘આવતા શનિવારે નહીં, કોરોના વાયરસ જતો રહે પછી જ મળીશું, એ જ અમારા ને તમારા હિતમાં છે,’ કહી સ્પષ્ટવકતા બનવામાં મેં સફળતા મેળવી.

‘અરે યાર…તું પણ….જવા દે વાત, આવજે…’ બોલી અમારા ‘અતિથિ-વાયરસ’ ઘર બહાર નીક્ળ્યા ને મેં બારણું બંધ કર્યું. સેનેટાઇઝર વડે અતિથિવાળા સોફાને સાફ કર્યો ને બીજા સોફા પર લંબાવી મેં નિરાંતનો શ્વાસ લીધો.

(લેસ્ટર)
e.mail : j.kant@ntlworld.com

Loading

...102030...661662663664...670680690...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved