
રમેશ સવાણી
દેશના વડા પ્રધાનમાં ભલે કોઈ ચમત્કારિક શક્તિ ન હોય, વિશેષ આવડત ન હોય તો પણ ચાલે. માત્ર તે એક સારા નાગરિક હોય તેટલું પૂરતું છે. વડા પાસે અર્થતંત્રના નિષ્ણાતો હોય છે / વૈજ્ઞાનિકો હોય છે / ઉત્તમ શિક્ષણશાસ્ત્રીઓ હોય છે / સમાજશાસ્ત્રીઓ હોય છે / કાનૂન વિદ્વાનો હોય છે. એટલે વડા પ્રધાન જો માત્ર સારા નાગરિક બને તો પણ તેમની પાસેના વિદ્વાનો થકી પ્રચંડ કામ કરી શકે છે.
પરંતુ વડા પ્રધાન કોઈની સલાહ લેવાને બદલે ‘હું બધું જાણું છું, હું સૌને સલાહ આપી શકું છું, હું બીજા કોઈની સલાહ પ્રમાણે ચાલું તો મારું દૈવત્વ ઝાંખું પડી જાય’; એવી માનસિકતા હોય તો પરિણામ બહુ ખરાબ આવે છે. આનું ઉદાહરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. તેમણે આપેલ એક પણ વચન 11 વરસમાં પૂર્ણ થયેલ નથી. અચ્છે દિન આને વાલે હૈ – એવા સૂત્ર સાથે સત્તા પ્રાપ્ત કરી લીધી, પરંતુ દેશની હાલત વધારે ખરાબ કરી મૂકી. મોંઘવારી / બેરોજગારી ઘટવાને બદલે વધી ! શિક્ષણ અને આરોગ્ય ગરીબ અને મધ્યમ વર્ગ માટે અતિ મોંઘું બન્યું. ડોલરના મુકાબલે રૂપિયો સતત નબળો પડ્યો. પેટ્રોલ-ડીઝલ-રાંધણ ગેસના ભાવો આકાશે આંબ્યા ! 2014માં 55 લાખ કરોડનું દેવું હતું તે દેવું 2025માં, 205 લાખ કરોડ સુધી વધારી મૂક્યું ! સ્માર્ટ સિટી / દત્તક ગામની યોજનાઓ અભરાઈએ ચડી. યૌન શોષણની ફરિયાદ નોંધાવવા છેક સુપ્રીમ કોર્ટ જવું પડે તેવી સ્થિતિ કરી મૂકી. ભ્રષ્ટાચારે તો હિમાલયને નાનકડો કરી મૂક્યો. જે નેતાઓ પર CBI / IT / EDની રેડ પડેલ તેમને પોતાની સાથે લઈને ભ્રષ્ટાચારને સર્ટિફાઈડ કરી દીધો ! જેટલો વધુ ભ્રષ્ટ નેતા એટલો વઘુ દેવદૂત; આ પોલિસી અમલમાં મૂકી ! 107 ગુનાના આરોપીને પ્રકાશ પ્રમુખ બનાવ્યા અને કેન્દ્રમાં મિનિસ્ટર પણ બનાવી દીધા. તડિપારને ગૃહખાતુ સોંપી સરદાર પટેલનું અપમાન કર્યું ! પોતાની આજુબાજુ માત્ર સ્તુતિ કરનારા / આંગળી ઊંચી કરનારા / તૈયાર ટ્વિટ ફોરવર્ડ કરનારાઓને રાખ્યા, પોતાના જ પક્ષના વિદ્વાન નેતાઓને સાઈઝ પ્રમાણે વેતરી નાખ્યાં ! પરિણામ એ આવ્યું કે ચારે તરફથી નિષ્ફળતાઓનો સામનો કરવાનો વારો આવ્યો. ગોદી મીડિયા ગમે તેટલી કલઈ કરે તે તરત જ ઉખડી જાય છે. ઢોળ હવે ચડતો નથી. ઢોળ ચડાવવા જાય છે પણ ગંદકી વધારે દેખાતી થાય છે. આ સ્થિતમાં વડા પ્રધાન સતત જુઠ્ઠું બોલી રહ્યા છે. વિશ્વના સૌથી જુઠ્ઠા વડા પ્રધાન બની ગયા છે !
21 જુલાઈ 2025ના રોજ, સંસદનું ચોમાસું સત્ર શરૂ થતાં પહેલાં વડા પ્રધાને પત્રકારોને 18 મિનિટ એકતરફી ભાષણ આપ્યું તેમાં જૂઠાણાંનો પહાડ ઊભો કરી કહ્યું : “દેશમાં 2014 પહેલા મોંઘવારીનો દર ડબલ આંકડામાં રહેતો હતો. આજે 2 ટકાની આસપાસ આવતા દેશના સામાન્ય લોકોના જીવનમાં રાહત થઈ છે !”
ગોદી મીડિયા અને દૂરદર્શને આ ભાષણ પ્રસારિત કર્યું. પરંતુ લોકોને સવાલ એ થયો કે નોટબંધી કર્યા પછી અર્થતંત્રની કમર તૂટી ગઈ છે; નાના ઉદ્યોગો લાખોની સંખ્યામાં બંધ થયા છે અથવા બિમાર પડ્યા છે; ગરીબ / મધ્યમ વર્ગના લોકો પોતાનું ઘર ચલાવવા ફાંફાં મારી રહ્યાં છે; લોકો સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે; તે સંજોગોમાં ક્યા આંકડા આધારિત વડા પ્રધાન સાવ જુઠ્ઠું બોલી રહ્યા હશે? સત્તાપક્ષના પ્રત્યેક સંસદસભ્ય / ધારાસભ્ય મોદીજીના જૂઠાણાંને અમૃત તુલ્ય માને છે ! દેશના પ્રબુદ્ધ નાગરિકો પણ પદ્મશ્રી / પદ્મભૂષણની લાલચે મૌન સેવે છે.
સવાલ એ છે કે વડા પ્રધાન સાવ / ભયંકર જૂઠું કેમ બોલે છે? કેમ કે તેમની પાસે સ્થિતિ સુધારી શકે તેવો બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. પક્ષના સમજદાર નેતા મૌન છે અને તેઓ માને છે કે આ જૂઠાણાનો ભાર વધુ સમય સુધી ટકશે નહીં. પક્ષમાં તો ભયંકર તાનાશાહી સ્થાપી દીધી છે, કોઈ આંખ ઊંચી કરીને જૂએ એટલે તરત જ તેને અપમાનિત કરી ખૂણામાં બેસાડી દે છે. કેશુભાઈ પટેલ / અડવાણી વગેરે અનેક ઉદાહરણો છે.
કોરોના કાળમાં ભારતમાં 47 લાખ લોકોના જીવ ગયા, મોતના આંકડા છૂપાવ્યા. મોદીજીએ સંસદમાં જૂઠનો મહાગોળો ફેંક્યો કે ‘એક પણ મૃત્યુ ઓક્સિજનની અછતના કારણે થયું નથી !’ લોકો આ જૂઠ પચાવી ગયા હતા. ‘મોંઘવારીનો દર આજે 2 ટકાની આસપાસ આવતા દેશના સામાન્ય લોકોના જીવનમાં રાહત થઈ છે !’ આ મહાજૂઠ પણ લોકો પચાવી જશે !
સવાલ એ છે કે વડા પ્રધાન સતત જુઠ્ઠું બોલી રહ્યા છે છતાં તેમને કોઈ ચિંતા કેમ થતી નહીં હોય? લોકો સતત જૂઠ પચાવી રહ્યા છે; છતાં તેમને અપચો કેમ થતો નથી? આવો ચમત્કાર કેમ થતો હશે? ધર્મ નામની જડીબુટ્ટી આ ચમત્કાર કરી શકે છે !
[કાર્ટૂન સૌજન્ય : આલોક / સતીષ આચાર્ય]
25 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર