કાળો કાંબળો ઓઢીને અજવાળામાં પડછાયાની જેમ ચાલતી એ વ્યક્તિને રોકવા પોલિસે બૂમ પાડી. “અરે એ, ઊભો રહે, તને સંભળાય છે કે ? રાતના અગિયાર વાગે આમ ક્યાં ચાલ્યો જાય છે ?”
પોલિસ વર્દી પહેરેલો પોલિસ હાથમાં દંડો હલાવતો ચાલનારની પાછળ ઝડપથી દોડ્યો અને ચાલનારાનો ઓઢેલો કાંબળો એણે ખેંચી કાઢ્યો. ફાટેલાં કપડાં પહેરેલાં અને ખભે સૂતેલા ચાર વર્ષના બાળકને લઈને ચાલનારાને એ દબડાવતો હતો. લોકડાઉનનો ભંગ કરનાર અને પોતાની સાથીદાર જોડે વાતોમાં ખલેલ પહોંચાડનારને મારવા એણે દંડાવાળો હાથ ઉગામ્યો, પણ એના ખભે સૂતેલું ચારેક વર્ષનું બાળક જોઈ એનો ઉગામેલો હાથ હવામાં જ અદ્ધર રહી ગયો ! એને આમ મોટા અવાજે કોઈકને ધમકાવતો સાંભળીને પોલીસનો યુનિફોર્મ પહેરેલો એનો સાથીદાર ચોકીમાંથી બહાર આવ્યો ! આમ મોડી રાતે લોકડાઉનનો ભંગ કરનાર કોણ હશે ? એ નજીક જઈને ઊભો રહ્યો, એને જોઈને તે બોલ્યો, “અરે નારાયણ તું ? આમ લોકડાઉનમાં આ છોકરાને લઈને ક્યાં નીકળ્યો ?”
“શું કહું? સારું થયું તમે મને ઓળખ્યો, સુભાષભાઈ, તમારી સોસાયટીમાં શાકભાજી વેચવા આવતો હતો, યાદ છે ને ? પણ આ કોવિડમાં મારો ધંધો ઠપ થઈ ગયો છે. આ છોકરો બે દિવસથી ભૂખ્યો છે ને દૂધની જીદ કરીને રડ્યા કરે છે. ઘરમાં બે દિવસથી રંધાયું નથી અને સાહેબ આ છોકરાને દૂધ ……”
“ઊભો રે, નારાયણ ઊભો રે ! હું પેલી બાજુની ડેરીવાળાને ત્યાંથી મારા ઘર માટે દૂધની બે કોથળી લાવ્યો છું. લે તું એક લઈ જા. ને જો આમ લોકડાઉનમાં નાના છોકરાને સાથે લઈને બહાર નીકળાય નહીં !”
“પણ, સાહેબ ……”
“જો હવે આપણે કોવિડની બહુ ચિંતા કરવા જેવી નથી. આ કદાચ છેલ્લું જ લોકડાઉન હશે પછી બધું બરાબર થઈ જશે.”
“એ કઈ રીતે, સાહેબ ?”
“હવે કોવિડની રસી નીકળી છે, બધાએ એ રસી લેવી પડશે, પછી કોવિડ નહીં, ને આ લોકડાઉન પણ નહીં !”
“પણ સાહેબ, આ ભૂખનું શું ? બે દિવસથી મેં કે મારી ઘરવાળીએ ખાધું નથી. સાહેબ, એક વાત પૂછું ?”
“હા, હા બોલ બીજું કશું જોઈએ ?”
“ના સાહેબ, પણ આ ભૂખ જ ન લાગે એવી કોઈ રસી છે ?” એની આંખમાંથી આંસુ સરી પડ્યાં. સુભાષે અંદર જઈને ગ્લુકોઝના બિસ્કિટના બે પેકેટ એને પકડાવી દીધા. શાકભાજીના લારીવાળાએ આભારવશ એની સામે જોઈને કહ્યું, “સાહેબ, ભૂખ ન લાગે એવી રસી નીકળે તો મને કહેવાનું ભૂલતા નહીં !” ને પછી એ ધીરે પગલે અંધારામાં ગાયબ થઈ ગયો.
સડબરી , બોસ્ટન
e.mail : inamdarvasudha@gmail.com