Opinion Magazine
Number of visits: 9955050
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસદ બંધ રહે એથી વિપક્ષને કોઈ લાભ નથી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 November 2024

રવીન્દ્ર પારેખ

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું તે અગાઉ 24મી ને રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી, જેમાં 30 પક્ષોના 42 નેતાઓ હાજર રહ્યા હતા. ભા.જ.પ.ના વરિષ્ઠ નેતા અને ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કાઁગ્રેસી નેતા જયરામ રમેશ, ડી.એમ.કે.ના તિરુચિ શિવા જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષોએ અદાણી જૂથની વિરુદ્ધ અમેરિકામાં લાગેલા લાંચના આરોપો પર સંસદમાં ચર્ચા કરવાની માંગ કરી, તો સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ સ્પષ્ટતા કરી કે બંને ગૃહોમાં ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ પર સરકાર ચર્ચા કરવા તૈયાર છે, પણ વિનંતી એટલી જ છે કે બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રૂપથી ચાલવા દેવામાં આવે. બંધારણનાં 75 વર્ષ પૂરાં થતાં તેની ઉજવણી કરાશે અને આ સત્રમાં ચર્ચા માટે 17 બિલો આવી શકે છે. લોકસભામાં કાઁગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઇએ અદાણી સામેના આરોપોને કૌભાંડ ગણાવ્યા હતા ને સરકારે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેનને જેલમાં ધકેલી દીધા, તો હિંસાગ્રસ્ત મણિપુરના મુખ્ય મંત્રી એન. બિરેનસિંહને મામલે ભીનું સંકેલ્યું -જેવા મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા થવી જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો. 

સોમવારે જેવું સત્ર શરૂ થયું કે વિપક્ષોએ અદાણી, મણિપુર જેવા મુદ્દે જે.પી.સી.ની રચનાની માંગ કરતાં ધારણા મુજબ જ હોબાળો શરૂ થયો ને ગણતરીની મિનિટોમાં જ સંસદના બંને ગૃહોની કાર્યવાહી 26મી સુધી સ્થગિત કરવાની ફરજ પડી. જો કે, 26મીએ ભારતીય બંધારણની વર્ષગાંઠ હોવાથી બંને ગૃહોમાં કામકાજ બંધ રહ્યું હતું, પણ 27 નવેમ્બરે લોકસભામાં 11 વાગે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે અદાણી મુદ્દે ફરી હોબાળો મચાવતા લોકસભા અધ્યક્ષે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી. રાહુલ ગાંધીએ સંસદની બહાર કહ્યું કે અદાણી પર અમેરિકામાં 2,200 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે, તેમને જેલમાં ધકેલવા જોઈએ, પણ સરકાર તેમના બચાવમાં ખડી છે. યુનાઈટેડ સ્ટેટ ઍટર્ની ઓફિસે જણાવ્યું હતું કે અદાણીએ ભારતમાં સૌર ઊર્જાને લગતો કોન્ટ્રાક્ટ મેળવવા ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલરની લાંચ આપી હતી અથવા આપવાની યોજના બનાવી હતી. આની સામે અદાણી ગ્રૂપનું કહેવું છે કે ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને સિનિયર એક્ઝિક્યુટિવ વિનીત જૈન પર અમેરિકામાં લાંચ સંબંધિત કોઈ આરોપ નથી. 

રાજ્યસભામાં પણ હોબાળો થતાં અધ્યક્ષ જગદીપ ધનખડેએ ગૃહની કાર્યવાહી 28 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી હતી. સત્રના ત્રીજા દિવસે નવા ચૂંટાયેલા સંસદ સભ્યોનો સોગંદ વિધિ થયો ને પછી અદાણી મુદ્દે એવો હોબાળો થયો કે બંને ગૃહો સ્થગિત કરવાં પડ્યાં. આ જ હાલત ચોમાસુ સત્રમાં પણ થઈ હતી. તેમાં 12 બિલ રજૂ કરવામાં આવ્યાં, પણ પસાર 4 જ થઈ શક્યાં હતાં. 

આ વખતનું શિયાળુ સત્ર 25 નવેમ્બરે શરૂ થયું ને તે 20 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. મહિનાથી પણ ઓછા ગાળાના સત્રમાં હોબાળા જ ચાલવાના હોય તો સંસદ ક્યારે ચાલશે એ સવાલ છે. અત્યારે જે પક્ષ સત્તામાં છે, તે એક કાળે વિપક્ષમાં બેસતો હતો ને તે પણ હોબાળો કરતો હતો ને સંસદની કાર્યવાહી સ્થગિત કરવાની જે તે ગૃહના અધ્યક્ષને ફરજ પડતી હતી. એટલે એટલું સ્પષ્ટ છે કે વિપક્ષનું કાર્ય હોબાળો કરીને જે તે ગૃહની કાર્યવાહી સ્થગિત કરાવવાનું છે. આ સંપૂર્ણ સાચું ન હોય તો પણ તે સત્યથી સાવ વેગળું છે, એવું પણ નથી. એવું નથી કે વિપક્ષ ખોટો હોબાળો કરે છે. તેની પાસે મુદ્દા છે જ. જેમ કે અદાણી કે મણિપુરનો મુદ્દો ખોટો નથી જ ! સરકારની નીતિરીતિ સામે વિપક્ષને વાંધો હોય ને તે પ્રજાહિતમાં અવાજ ઉઠાવે તો તેમાં કૈં ખોટું નથી, પણ અવાજ ઉઠાવવામાં સંસદ સત્ર ખોટકાતું રહે ને ગૃહની કાર્યવાહી સ્થગિત જ થતી રહે તો કામ ન થાય એ નક્કી છે. 

સવાલ એ પણ છે કે જે મુદ્દે અવાજ ઉઠાવવામાં આવે છે એ મુદ્દાઓનો ઉકેલ આવે છે કે વાત કોઈ પરિણામ પર પહોંચે છે? વળી જે મુદ્દાઓ ઉઠાવાય છે તે જનતાને સીધા સ્પર્શતા મુદ્દા છે કે અગાઉથી જ ચર્ચામાં હતા ને તેને શિયાળુ સત્રનું બહાનું મળ્યું છે? મણિપુર, અદાણી જેવા મુદ્દાઓ વિપક્ષની શોધ નથી, તે ઓલરેડી ચર્ચામાં છે જ, પણ સરકારને ઘેરવાનું સહેલું થાય એટલે વિપક્ષ દ્વારા સંસદમાં ઉઠાવવામાં આવે છે. જૂના જ મુદ્દા ઉઠાવવા હોય તો મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય જેવા મુદ્દાઓની ક્યાં ખોટ છે? પણ, એનું આશ્ચર્ય જ છે કે મોંઘવારીની વાત લગભગ સરકાર સમક્ષ આવતી જ નથી. તે એટલે પણ હોય કે વિપક્ષને પગાર અને ભાડાંભથ્થાં ભરપટ્ટે મળતાં હોય તો સરકારની જેમ તેને ય મોંઘવારીનો વાંધો ન પડે તે સમજી શકાય એવું છે. એ જ કારણ છે કે વિપક્ષ તરફ પ્રજા પણ દુર્લક્ષ સેવતી રહે છે. જનતાને ધમાલમાં નહીં, કમાલમાં રસ છે ને એ વિપક્ષથી ભાગ્યે જ બને છે. સરકાર પણ એમ માનીને જ ચાલે છે કે વિપક્ષ તો આમ જ વર્તે. ખરેખર તો સરકારે પણ એ જોવું જોઈએ કે સંસદ યોગ્ય રીતે ચાલે અને એ, વિપક્ષને વિશ્વાસમાં લઈને જ થઈ શકે. 

અગાઉ ન હતી એવી ખોટ, મજબૂત વિપક્ષની આજે ય વર્તાય છે. સ્થિતિ થોડી સુધરી છે, પણ તેનો હેતુ ગૃહની કાર્યવાહી અટકાવવાનો તો ન જ હોય, ન હોવો જોઈએ, પણ એ આદર્શ સ્થિતિ છે. મોટે ભાગે તો વિપક્ષ ધાંધલ-ધમાલ કરીને સ્થિતિ એવી ઊભી કરે છે કે લોકસભા કે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવાની ગૃહના અધ્યક્ષને ફરજ પડે. આમ થતાં પ્રજા હિતનાં કામો તો ખોરંભે ચડે જ છે ને વિપક્ષના હાથમાં પણ હોબાળા સિવાય કૈં આવતું નથી. હેતુ તો એ પણ વિપક્ષનો નથી જ ! તો, તેણે એ સ્થિતિ ઊભી કરવી જોઈએ કે સંસદ ચાલુ રહે ને પોતાના વાજબી મુદ્દાઓનો પ્રજાહિતમાં ઉકેલ આવે. 

વિખ્યાત હિન્દી શાયર દુષ્યંતકુમાર કહે છે :-

સિર્ફ હંગામાં ખડા કરના, મેરા મકસદ નહીં, 

મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ. 

માત્ર હોબાળો કરવાથી કૈં થતું નથી. નથી પ્રજાને એથી કશો લાભ થતો કે નથી તો વિપક્ષ કૈં કમાઈ જતો. મૂળ વાત તો છે, પરિસ્થિતિ બદલવાની. એ બદલાય તો કોઈ અર્થ છે.  જો કે, આ વખતે વિપક્ષ વાંકમાં ઓછો છે. મૂળ વાત એ છે કે અદાણી કે મણિપુર મુદ્દે ગૃહના અધ્યક્ષો જ ચર્ચા કરાવવાના મૂડમાં ન હતા. તેનું કારણ એ હતું કે દિવંગત સાંસદોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી ગૃહની કાર્યવાહી થોડો સમય મોકૂફ રાખવાની પ્રથા છે. વિપક્ષે તેનું અર્થઘટન એવું કર્યું કે અદાણી મામલે ચર્ચા ન કરવી પડે એટલે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. કાઁગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ બંને ગૃહોના અધ્યક્ષોની કાર્યવાહી સ્થગિત કરવા બાબતે ટીકા કરતાં કહ્યું કે સરકારે સત્યને લોકો સમક્ષ ઉજાગર થવા દેવું જોઈએ.

હવે એ જોવાનું રહે કે ગૃહ મોકૂફીનો સમય વીતતા બંને ગૃહોની કાર્યવાહી કઈ દિશામાં આગળ વધે છે? ઈચ્છીએ કે વિપક્ષને તેના મુદ્દાઓની ચર્ચા ગૃહમાં થતી જોવા મળે. થોડા અપવાદો બાદ કરતાં, વિપક્ષનો હેતુ હોબાળો કરવાનો જ રહેતો હોય છે ને તેને પ્રસ્તુત એવી રીતે કરે છે કે જાણે દિગ્વિજય થયો હોય. એટલે જ દિવંગત સાંસદોને શ્રદ્ધાંજલિ પછી તરત જ ધમાલ શરૂ કરવામાં આવી, એમાં વિવેકનો અભાવ હતો. આ વખતનું આગળનું સત્ર હોબાળા વિના પસાર થાય તો એ એક ઉપલબ્ધિ હશે. એવું નથી કે વિપક્ષ પાસે મુદ્દા નથી, પણ તેને હોબાળો કરવા કરતાં ગૃહમાં તેને લગતી ચર્ચા થાય એમાં રસ હોવો જોઈએ, તેને બદલે તેનો રસ સંસદ ન ચાલે એમાં હોય તો વાત પરિણામ પર ન પહોંચે. એવું થાય તો વિપક્ષ કે પ્રજા કોઈ ઉકેલ વગર અધૂરાં જ રહે છે.

સરકાર અને વિપક્ષ સતત સ્પર્ધામાં જ રહે એથી પ્રજાનું કલ્યાણ થતું નથી ને કમનસીબી એ છે કે ન તો સરકાર કે ન તો વિપક્ષ, પ્રજાની મૂળભૂત જરૂરિયાત કે સમસ્યા અંગે ગંભીર છે. દેખાડો તો ઘણો થાય છે, વિકાસ પણ દેખાડાય છે, પણ એનાથી પ્રજાની કોઈ સમસ્યા હલ થાય છે? જો ન થતી હોય તો સરકાર, સરકારને રસ્તે છે ને પ્રજા એને રસ્તે છે. એ બે વચ્ચે સેતુ નથી. હોય તો કેવળ સ્વાર્થ છે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 નવેમ્બર 2024

Loading

સંવિધાન દિવસની પૂર્વસંધ્યાએ સર્વોચ્ચ અદાલતે દાખવેલ ધ્રુવતારકની દિશામાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 November 2024

બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ

ન તો ઇજારાશાહી મૂડીવાદ, ન તો રાજ્યનો મૂડીવાદ, વિવેકસર રાજ્ય અને બજાર વચ્ચેની રમઝટભેર નાગરિકને કેન્દ્રમાં રાખી સમતા–સ્વતંત્રતા–બંધુતાના આદર્શ સાથે આપણા પ્રજાસત્તાક સ્વરાજે આગળ વધવાપણું છે.

પ્રકાશ ન. શાહ

અલબત્ત, હતો તો એ એક જોગાનુજોગ જ, પણ એ નિઃશક સૂચક બની રહેશે. છવ્વીસમી નવેમ્બરના બંધારણ દિવસની પૂર્વસંધ્યાએ સ્વાભાવિક જ યાદ કરવાનું બન્યું હતું કે, બંધારણ પસાર થયું એને આગલે દિવસે, પચીસમી નવેમ્બરે બંધારણ સમિતિના વાસ્તવિક અગ્રપુરુષ આંબેડકરે ચિંતા અને ચેતવણીનાં શાંશાં વચનો ઉચ્ચાર્યા હતા. નાતજાત કોમ ધરમમજહબમાં વહેંચાયેલા આપણે ખરા ને પૂરા અર્થમાં હજુ ‘રાષ્ટ્ર’ બનવાનું છે.

આર્થિક-સામાજિક ખાઈ પણ આપણને ‘રાષ્ટ્ર’ બનતા રોકે, એનીયે એમણે ચિંતા દાખવી હતી. હવે તમે જુઓ, ઓણ બરાબર એ જ તારીખે – પચીસમી નવેમ્બરે – સર્વોચ્ચ અદાલતે રણકતો ચુકાદો આપ્યો કે બંધારણના આમુખમાંથી બિનસાંપ્રદાયિકતા (સેક્યુલરિઝમ) અને સમાજવાદ (સોશલિઝમ) એ શબ્દો કાઢવાનું કોઈ લૉજિક નથી. વડા ન્યાયમૂર્તિ ખન્ના અને ન્યાયમૂર્તિ સંજય કુમારની ખંડપીઠે આ બંને સંજ્ઞાઓની સરળ સમજૂત પણ સુપેરે આપી કે જ્યારે ‘સેક્યુલર’ એ સંજ્ઞા ખપમાં લઈએ છીએ ત્યારે અભિપ્રેત મુદ્દો એ છે કે એક પ્રજાસત્તાકને નાતે આપણે સર્વ ધર્મ પરત્વે સમાદરની ભૂમિકાએ છીએ. ‘સમાજવાદ’ કહેતાં અભિષ્ટ વાનું રાજકીય, આર્થિક, સામાજિક હર શોષણમાંથી મુક્તિનું છે. એક રીતે, આંબેડકરના બંધારણ સભાના વક્તવ્યનું સહજ વાર્તિક હોય એવી આ સુપ્રીમ ટિપ્પણી હતી અને છે.

આમુખમાંથી આ બંને સંજ્ઞાઓ પડતી મૂકવા માટેનો ધક્કો એ વિગતથી લાગતો રહ્યો છે કે ઇંદિરાજીએ તે કટોકટી દરમિયાન દાખલ કરાવી હતી. વાત સાચી, પણ એ બંધારણીય પ્રક્રિયાથી દાખલ થયેલી સંજ્ઞાઓ હતી અને હજુ હમણે જ સર્વોચ્ચ અદાલતે વળી એક વાર સ્પષ્ટ અને સ્ફુટ કર્યો છે તેમ તે બંધારણના મૂળભૂત માળખાને અનુવર્તી છે.

જનસંઘ અને ભા.જ.પ. સ્વરાજની લડત દરમિયાન સેક્યુલરિઝમનો જે ખયાલ વિકસ્યો એને અંગે સલામત અંતરની કંઈક વિરોધની, કંઈક વૈકલ્પિક વિમર્શની ભૂમિકાએ જણાય છે. તેમ છતાં ભા.જ.પે. જનસંઘના જનતાઅવતાર પછી સ્વતંત્ર પક્ષબાંધણીનો રાહ લીધો ત્યારે પોતાની મૂળભૂત નિષ્ઠાઓ તરીકે સકારાત્મક સેક્યુલરિઝ અને ગાંધીવાદી સમાજવાદનો બાકાયદા સ્વીકાર તો જાહેર કર્યો જ હતો. હિંદુરાષ્ટ્રવાદ અગર તો હિંદુત્વ રાજનીતિને કારણે એને અસુખ હોય તો પણ બહુધર્મી દેશમાં એક સમાવેશી અભિગમની અને ધરમમજહબને ધોરણે ‘રાષ્ટ્ર’ની વ્યાખ્યાથી પરહેજ કરવાની જરૂરત છે, હતી અને રહેશે. કાઁગ્રેસ શાસનમાં કે અન્યથા બિનસાંપ્રદાયિકતાના ગેરઅમલ અગર અણઅમલ અંગે તીખાં ટીકાટિપ્પણને અવકાશ હોય તો પણ નાવણિયા સાથે બાળુડાને ય ફગાવી દેવાનું ન જ સ્વીકારી શકાય.

જ્યાં સુધી સમાજવાદનો સવાલ છે, એને સોવિયેત સમાજવાદ સાથે એટલે કે રાજ્ય માલિકી સાથે ગોટવી દેવાનો તો સવાલ જ નથી. નેહરુ શાસનમાં જાહેર સાહસોની જરૂરત સાથે પણ આ રાજ્યનો મૂડીવાદ નથી એ એક સ્પષ્ટતા સતત રહી છે. જરૂર પ્રમાણે રાજ્યની સલાહકારીથી માંડી સામેલગીરીની ભૂમિકા હોઈ શકે પણ તે રાજ્યનો મૂડીવાદ ન હોઈ શકે. રાજ્યવાદ, ઇજારાશાહી મૂડીવાદ, ક્રોની કેપિટલિઝમ કરતાં લોકશાહી સમાજવાદ એ ન્યારો પદારથ છે.

ગોર્બાચેફે ગ્લાસનોંસ્ત(ખુલ્લાપણું) અને નવવિધાન (પેરેસ્ત્રોઇકા)ના રાહે સામ્યવાદી રૂસમાં પરિવર્તન આણ્યું ત્યારે એમની સમક્ષનો વિકલ્પ નેહરુના હિંદ પેઠે મિશ્ર અર્થતંત્રનો સ્તો હતો.

પક્ષો પોતાની સમજ અને જરૂરત પ્રમાણે રાજ્ય અગર સમાજને છેડેથી બાંધછોડ કે ગાંઠ બાંધવાનું કરે ત્યારે પણ એ મૂળ વિચારધારાની ‘મિથ’ને વળગી રહેવું પસંદ કરતાં હોય છે. ક્યારેક આદર્શવાદને ધોરણે ભલે સત્તાલક્ષી ખેંચાણથી પણ જેઓ એકત્ર આવ્યા હોય એમને સૌને ઘટતી બાંધછોડ અગર ગાંઠબાંધ છતાં સાથે રાખવાની દૃષ્ટિએ ‘મિથ’નો કારોબાર ખપ પણ આપતો હોય છે.

મુદ્દે, રાજ્ય મૂડીવાદ અને ઈજારાશાહી મૂડીવાદથી ઉફરાટે નાગરિક માત્ર પઇસે ઓછીવત્તી પણ ખરીદશક્તિ શક્ય બને અને વિષમતા હાલની બેફામ અનવસ્થાને બદલે પ્રમાણસરની બને એટલું તો થવું જ જોઈએ. આવો કોઈ ત્રીજો રસ્તો નથી એવું તો નથી. રાજ્યછેડે અને સમાજછેડેથી યથાસમય યથાર્હ આર્થિક નિર્ણયને અવકાશ ન હોવાનું કારણ નથી.

આમુખનો ધ્રુવતારક સાદ દે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 નવેમ્બર 2024

Loading

શું રણનીતિ હતી ! આભા થઈ જઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 November 2024

રમેશ ઓઝા

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એન.ડી.એ. ગઠબંધનને ભવ્ય વિજય મળ્યો એનો વધુ નહીં તો કમ સેક મ ૩૦ ટકા શ્રેય એકલાં ચૂંટણીપંચને આપવો જોઈએ. ૧૯૯૯ની સાલથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાતી આવી છે. એ જ વિદાય લેતા વરસાદ અને તહેવારોની વચ્ચે. આગળ યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની પાંચ ચૂંટણી વખતે ક્યારે ય ચૂંટણીપંચને એવું લાગ્યું નહોતું કે વરસાદ અને તહેવાર નડતરરૂપ થશે. આ વખતે લાગ્યું કારણ કે તેને આદેશ આપવામાં આવ્યો હતો કે હજુ શાસક મોરચા માટે જોઈએ એવી અનુકૂળતા નથી એટલે વખત આપો. ‘લાડકી બહીણ’ યોજના હજુ લાગુ કરવામાં આવી હતી અને તેનાં ઓછામાં ઓછા ત્રણ હપ્તા મહારાષ્ટ્રની ગરીબ સ્ત્રીઓનાં ખાતામાં જમા ન થાય ત્યાં સુધી ચૂંટણી યોજવામાં ન આવે. ચૂંટણીપંચ તો ગુલામપંચ છે એટલે તહેવારો અને વરસાદનું બહાનું આગળ કરીને સમય કાઢી આપ્યો. પૈસા ધડાધડ ખાતામાં આવવા માંડ્યા અને એ સિવાય બીજી પણ રેવડી આપવામાં આવી. આમ વિજયનો ત્રીસ ટકા શ્રેય એકલાં ચૂંટણીપંચને જાય છે. બાય ધ વે ચૂંટણીપંચ ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજી શકતું નથી ત્યાં વન નેશન વન ઈલેક્શનની વાત કરવામાં આવે છે.  

પણ બાકીનો ૭૦ ટકા શ્રેય ભા.જ.પ.ના રણનીતિકારોને, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓને, મબલખ પૈસાને અને યુતિ સરકારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આપવો જોઈએ. શું રણનીતિ હતી! આભા થઈ જઈએ. પરિણામ એટલાં આશ્ચર્યજનક હતાં કે આ લખનારે મહારાષ્ટ્ર વિધાનસભાની પ્રત્યેક બેઠકનું બેઠકવાર આકલન કર્યું હતું. જ્યાં ઉદ્ધવ ઠકારેની શિવસેનાનો હાથ ઉપર હતો ત્યાં રાજ ઠાકરેના પક્ષના ઉમેદવારને ઉભો કરવામાં આવ્યો હતો. જ્યાં એમ લાગતું હતું કે રાજ ઠાકરે મત કાપી આપે એ પછી પણ ઉદ્ધવ ઠાકરેની સેનાના ઉમેદવારને હરાવવો મુશ્કેલ છે, કારણ કે વિધાનસભાની પાછલી ચૂંટણીમાં શિવસેનાએ પ્રચંડ બહુમતી મળેવી હતી ત્યાં શિવસેનાના જ કોઈ આજી-માજી નેતાને અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો રાખવામાં આવ્યો હતો. આ સિવાય બે-ત્રણ હજાર મત કાપી આપે એ સારુ અનેક અપક્ષ ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા. જ્યાં કાઁગ્રેસનો હાથ ઉપર હતો ત્યાં વંચિત બહુજન આઘાડી, બહુજન સમાજ પાર્ટી, પ્રહાર જનશક્તિ પાર્ટી, રાષ્ટ્રીય સ્વાભિમાન પાર્ટી અને દલિત તેમ જ મુસ્લિમ ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા હતા. કાઁગ્રેસ મોટા ઉપાડે સામાજિક સમાનતાની, અનામતની, સહિયારા ભારતની અને બંધારણની વાત કરે છે તો લો કરો આ બધા મુદ્દાઓ લઈને રાજકારણ કરનારા નાનાનાના પક્ષોના ઉમેદવારોનો મુકાબલો. એ સિવાય જ્યાં કાઁગ્રેસની ગઈ વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ સરસાઈ હતી ત્યાં ઉપર કહ્યું એમ મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા હતા. જ્યાં શરદ પવારના રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષની સરસાઈ હતી ત્યાં તેમના જ પક્ષના કોઈ અસંતુષ્ટને ઊભા કરવામાં આવ્યા હતા. ભાગ્યે જ કોઈ એવું મતદારક્ષેત્ર હશે જ્યાં શરદ પવારને અજીત પવારના ઉમેદવાર ઉપરાંત પોતાના જ પક્ષના અસંતુષ્ટનો સામનો ન કરવો પડ્યો હોય.

યાદ રહે આવું સર્વત્ર જોવા નહોતું મળતું. જ્યાં મહાવિકાસ આઘાડીની તાકાત વધારે હતી એવા મતદારક્ષેત્રોમાં જ અલગ અલગ તીડને ઉતારવામાં આવ્યા હતા. તેમણે મતદાર ક્ષેત્રમાં કયા વિસ્તારમાં પ્રચાર કરવાનો છે એ વિસ્તાર પણ બતાવી આપવામાં આવ્યા હતા. તમે જીતવા માટે ચૂંટણી નથી લડતા, પણ અમે કહીએ એને હરાવવા માટે લડો છો એ ભૂલવાનું નથી. જેમ કે બોરીવલીના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઉમેદવાર કુણાલ મેઈનકરે ગુજરાતી અને ઉત્તર ભારતીય વિસ્તારમાં પગ પણ નહોતો મુક્યો કે નહોતું કોઈ બેનર લગાડ્યું. પૈસા અને કાર્યકર્તાઓની તો તેમની પાસે કોઈ કમી નથી.

પણ વિજયનો શ્રેય જેટલો બી.જે.પી.ના રણનીતિકારોને જાય છે એટલો જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જાય છે. જે માણસ ભોંદુ લાગતો હતો, જે માણસ ચાવી આપેલાં રમકડા જેવો લાગતો હતો એ બહુ ચાલાક નીકળ્યો. એક સમયે બી.જે.પી.ના કેન્દ્રીય નેતાઓને સમજાય ગયું કે આ માણસ ચૂંટણી જીતાડી શકે એમ છે અને તેના જેટલી આવડત મહારાષ્ટ્રના બી.જે.પી.ના કોઈ પણ નેતામાં નથી. એકનાથ શિંદે લોકોની વચ્ચે લોકોના જેવા થઈને હળતામળતા હતા. કોઈ પ્રોટોકોલ નહીં અને મુખ્ય પ્રધાન હોવાનો આવિર્ભાવ નહીં. એક સમયના લાલુ પ્રસાદ યાદવની યાદ આવે. હું તો કહીશ કે તેમનાં કરતાં પણ ચડે. કોઈ વચન નહીં, તાત્કાલિક લાભ પછી ભલે એ લાભ તત્કાલીન હોય. બી.જે.પી.ના નેતાઓ જેને પગલૂછણિયું સમજતા હતા તેમના પગમાં બેસવાનો વખત આવ્યો હતો.

માત્ર બી.જે.પી.એ વિરોધ પક્ષોને પરાજીત નથી કર્યા, વિરોધ પક્ષો પરાજિત થયા પણ છે. છેલ્લે સુધી બેઠકો માટે સમજૂતી નહોતી થતી. વોટકટવાઓનો અને અસંતુષ્ટોનો ઉપયોગ કરવામાં આવશે એની તેમને પણ જાણ હતી, ઊઘાડો ખેલ હતો, પરંતુ તેમણે તેનો ઈલાજ નહોતો કર્યો. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે અને લોકસભાની ચૂંટણી વખતે નાગરિક સમાજનો સહયોગ લેવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે તેમણે ઉદારમતવાદી નાગરિક સમાજને દૂર રાખ્યો હતો. કાંગ્રેસ પાસે તો જમીન પર કામ કરનારા કાર્યકર્તા જ નથી એટલે બૂથ મેનેજમેન્ટ કરી શકતી નથી.

હરિયાણા પછી કાઁગ્રેસને આ બીજો અણધાર્યો ફટકો પડ્યો છે. રાહુલ ગાંધીએ માત્ર નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવાની જગ્યાએ હવે બી.જે.પી.ને ટાર્ગેટ કરવાની જરૂર છે. લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.ને માર પડ્યો હતો, પરંતુ પેટા ચૂંટણીમાં એ જ બી.જે.પી.એ ભવ્ય વિજય મેળવ્યો છે અને બિહારમાં એન.ડી.એ.એ બધી જ ચાર બેઠક જીતી લીધી છે. કારણ બહુ સ્પષ્ટ છે. હરિયાણા મહારાષ્ટ્ર અને અન્યત્ર, ભા.જ.પ. માટે હવે નરેન્દ્ર મોદી ચૂંટણીનો ફેસ નથી, પણ પક્ષ અને સંઘની રણનીતિ છે. સંઘ/બી.જે.પી.એ સુકાનની દિશા બદલી નાખી ત્યારે કાઁગ્રેસે પણ સુકાન બદલવાની જરૂર છે.

 પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 નવેમ્બર 2024

Loading

...102030...554555556557...560570580...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved