બે શતવર્ષી
હિંદુ સંગઠનની રાજનીતિ
સાથેલગી બબ્બે શતવર્ષીનો કોઈ સારસંદેશ હોય તો તે એ છે કે જ્યાં લગી મુસ્લિમ વણછાની કળ ન વળે અને ધર્મની વ્યાપક સમજ ન કેળવાય ત્યાં લગી બધો વ્યાયામ છતી સત્તાએ વ્યર્થ જવાને નિર્માયેલ છે : કાશ, ભાગવત વિજ્ઞાનભવન વ્યાખ્યાનોનો દોર ધોરણસર આગળ ચલાવી શકે !

પ્રકાશ ન. શાહ
થાય છે, થોડી ચર્ચા અટલબિહારી વાજપેયી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બેઉની શતવર્ષીને મિશે કરી જ લઉં. અલબત્ત, શતવર્ષીની ચર્ચાનો સીધો સંદર્ભ વિશેષે કરીને જનસંઘ અને ભા.જ.પ. એ બે રાજકીય પક્ષોનો જ હશે, કેમ કે વાજપેયી સ્વયંસેવક હતા પણ એમની જાહેર ઓળખ સંઘ કેન્દ્રી નહીં એટલી સ્વાભાવિક જ જનસંઘ અને ભા.જ.પ. થકી ઉપસેલી છે.
વાજપેયીનું નામ જાહેરમાં ગાજવા લાગ્યું તે 1957માં એમના લોકસભા પ્રવેશ સાથે. શ્યામા પ્રસાદ મુખરજીના નિધન પછી લોકસભામાં જનસંઘ પાસે કોઈ સક્ષમ અવાજ નહોતો અને તક મળે તો ક્ષમતા દાખવી શકે એવો અવાજ તરુણ વાજપેયીનો ચોક્કસ હતો. હું ધારું છું, બલરામપુર-ગોંડાથી એ પહેલીવાર લોકસભામાં પહોંચ્યા.
1947થી 1957 આસપાસનો ગાળો સમજવા જેવો છે. સ્વરાજ અને વિભાજન સાથે આવ્યાં. કાઁગ્રેસ સ્વરાજની વડી પાર્ટી તરીકે સત્તારૂઢ થઈ. સમાજવાદીઓએ એમના આદર્શ અને સમજ મુજબ સ્વતંત્ર રાહ લીધો, પણ મૂળભૂતપૂણે બંને હતાં તો સ્વાતંત્ર્યસંગ્રામની સરજત. ગાંધી ને નેહરુ, જ્યાં પણ હોય બેઉ પક્ષો છતે મતભેદે એમની છાયામાં હતા. એટલે વિભાજન અર્થાત્ હિંદુ-મુસ્લિમ સંબંધ એ એક એવો મુદ્દો હતો, જેમાં કદાચ જુદા પ્લેટફોર્મની ગુંજાશ હતી. હિંદુ સંગઠનની રાજનીતિ, ભલે એક દેખીતા બિનપક્ષીય સંગઠન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હતી. હિંદુ મહાસભાની તો કોઈ ખાસ જગ્યા નહોતી અને એની સાથે ગાઢ સંબંધ છતાં અસરકારક નવું પ્લેટફોર્મ જરૂરી હતું. ગાંધીહત્યા સાથે એકલા પડી ગયેલા સંઘ માટે, આ જરૂરમાંથી જનસંઘ આવ્યો. મુખર્જી કેબિનેટમાંથી છૂટા તો થયા, પણ પાછા હિંદુ મહાસભામાં (એકલા હિંદુ સભ્યોવાળા પક્ષમાં) જવું અનુકૂળ નહોતું અને સંઘને રાજકીય સથવારો જોઈતો હતો. આ સંધાનમાંથી જનસંઘ આવ્યો, અને વક્તૃત્વના ધણી, બચ્ચનની ‘હાલા જીવન, હાલા પરિચય’ની ધારીએ ‘રગ રગ હિંદુ મેરા પરિચય’ના કવિ લોકસભામાં દાખલ થયા.
1962 સુધી એમનો સહજક્રમે ચઢતો ગ્રાફ તો રહ્યો પણ કેવળ હિંદુ-મુસ્લિમ મુદ્દે પ્લેટફોર્મ બનાવવાની સ્વાભાવિક જ એક હદ હતી. 1965માં શાસ્ત્રીકાળમાં પાક યુદ્ધને કારણે એક શક્યતા હતી એ ચોક્કસ. ચીન ઘટના પછી રાષ્ટ્રભક્તિને મુદ્દે વ્યાપની શક્યતા ઊભી થઈ હતી. તેમાં પાક યુદ્ધ ભળ્યું. દરમિયાન, એ યુદ્ધગાળાના વારાથી જ લોહિયાના સંપર્કે નાના દેખમુખ, દીનદયાલ ઉપાધ્યાય, વાજપેયી સૌ ભારત-પાક અર્ધસમવાય જેવી કોઈક ફોર્મ્યુલાની રીતે વિચારતા થયા. હિંદુ સરસાઈ સાથેના અખંડ ભારતના ખયાલથી ખસીને ફેડરેશન કે કોન્ફેડરેશન જેવી પરિકલ્પના ઘોર મુસ્લિમકેન્દ્રી ચિંતનથી હટવાનો અવસર અને પડકાર લઈને આવી હતી.
દરમિયાન, દીનદયાલ ઉપાધ્યાયે ‘એકાત્મ માનવ’નો જે વૈચારિક અભિગમ વિકસાવ્યો એમાં પણ નિતાન્ત મુસ્લિમકેન્દ્રી (મુસ્લિમવિરોધી) વારસાથી હટવાની ગુંજાશ હતી. રાષ્ટ્ર અતિહિંદુ વ્યાખ્યાથી હટી વ્યાપક ધર્મવિચારને ધોરણે વિકસાવેલું એ દર્શન હતું. 1967માં એથી બિનકાઁગ્રેસવાદના પ્રયોગમાં પણ સગવડ રહી.
લોહિયા અને દીનદયાલ એ જ ગાળામાં અણચિંતવ્યા એક સાથે જ લગભગ ગયા. વ્યાપક રાજનીતિની સંભાવનાને એક મોચ વાગી, પણ જયપ્રકાશ પરત્વે આદરવચનો ઉચ્ચારતા વાજપેયીએ કહ્યું કે અમે મધ્યમવર્ગી લોકો આવા જનઆંદોલન સાથે જોડાઈએ છીએ ત્યારે અમારી સમજમાં અને લોકસંધાનમાં નિખાર આવે છે – બલકે, હમારા ચરિત્ર બદલ રહા હૈ.
લાંબી દાસ્તાંમાં નહીં જતાં કહું કે જનતા પક્ષ બન્યો અને એમાંથી છૂટા પડવાનું થયું ત્યારે પણ પેલા મુસ્લિમ વણછાથી અને હટવા અને વ્યાપક વલણની દૃષ્ટિએ સકારાત્મક બિનસાંપ્રદાયિકતા તેમ જ ગાંધીવાદી સમાજવાદના આદર્શો નવા પક્ષરૂપે આગળ કર્યા.
1984 સાથે ચોક્કસ સંજોગોમાં હવા નીકળી ગઈ અને સંઘ-અડવાણી ધરીએ રામ જન્મભૂમિ આંદોલન તરેહનો રસ્તો પકડ્યો. વાજપેયીએ જે તે પ્રસંગે ઘટતા અવાજોની કોશિશ જરૂર કીધી પણ પેલું જે જંતરડું તે તો 1925ની ઘાટીએ રાબેતા મુજબ ચાલ્યું. વાજપેયીની પ્રતિભા, છતી સત્તા-સુવિધાએ (કદાચ, એટલે જ) ઠીંગરાઈ ગઈ.
શતવર્ષીએ સંઘ પરિવારને આ વાનું પકડાશે? પમાશે?
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 ડિસેમ્બર 2024