
રવીન્દ્ર પારેખ
મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં ગયા સોમવારે સાંજે 6.38 કલાકે 90 વર્ષના શ્યામ બેનેગલે કિડનીની બીમારીથી છૂટકારો અપાવતા અંતિમ શ્વાસ લીધા, એ સાથે જ સમાંતર સિનેમાનો યુગ આથમી ગયો. ફિલ્મો આમ તો કલ્પનાને સાકાર કરતું માધ્યમ છે, તેને શ્યામ બેનેગલે એવું વાસ્તવિક રૂપ આપ્યું કે ફિલ્મી પડદો સાંસારિક જીવન દર્શન લઈને પ્રગટ્યો. બેનેગલે દિગ્દર્શનમાં ઝંપલાવ્યું ત્યારે તેમને દિગ્દર્શનનો અનુભવ ન હતો. તેમનું માનવું હતું કે તમારી પાસે અશક્ય સ્વપ્નું હોવું જોઈએ, જેને તમારે શક્ય બનાવવાનું છે. ફિલ્મમાં એમ વિચારવું અઘરું હોય છે, પણ બેનેગલે અશક્ય લાગતાં સ્વપ્નોને જ સાકાર કરવાની કોશિશ કરી છે.
શ્યામ બેનેગલ સત્યજિત રેની ‘પથેર પાંચાલી’થી ખાસા પ્રભાવિત હતા ને તેણે જ કદાચ બેનેગલને પોતાની કેડી કંડારવા પ્રેર્યા હોય એમ બને. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘શ્યામબાબુ’થી જાણીતા શ્યામ બેનેગલે ગઈ સદીના સાતમા-આઠમા દાયકામાં ‘અંકુર’, ‘નિશાંત’, ‘મંથન’, ‘મંડી’ જેવી ફિલ્મોથી સમાંતર સિનેમાનું આંદોલન શરૂ કર્યું. ગરીબી, જાતિવાદ, વ્યભિચાર જેવા મુદ્દાઓને વાચા આપતી 1974માં આવેલી પહેલી જ ફિલ્મ ‘અંકુર’થી 39ની ઉંમરે બેનેગલે ફિલ્મ રસિકોને સામાજિક પ્રતિબદ્ધતાનો રણકો, સણકો થઈને ઊઠતો સંભળાવ્યો. ફિલ્મને અંતે, ગામનો છોકરો, બારીનો કાચ તોડતો પથ્થર ફેંકીને સામાજિક ન્યાય માટેના વિદ્રોહનો ‘અંકુર’ ફોડે છે, એમાં ક્રાંતિની કમાલ છે.
‘અંકુર’ના ફૂટવાથી થયો ‘નિશાંત’ !
શ્યામ બેનેગલે ‘મંથન’ બનાવી અને ડેરી ઉદ્યોગમાં ક્રાંતિનો સૂર ઊઠયો. 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘મંથન’ પ્રદર્શિત થઈ. સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ, અમરીશ પૂરી, કુલભૂષણ ખરબંદા અભિનિત ‘મંથન’ ભારતની પહેલી ક્રાઉડ ફંડેડ ફિલ્મ હતી. એમાં રોકાણ એ 5 લાખ ખેડૂતોનું હતું જે પૂરી કહાણીની પ્રેરણા હતા અને ભારતની ‘શ્વેત ક્રાંતિ’(ડૉ. વર્ગીસ કુરિયન)નાં દૂધ સહકારી આંદોલનનો હિસ્સો હતા.
બેનેગલની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં ‘ભૂમિકા’, ‘જુનૂન’, ‘મંડી’, ‘મમ્મો’, ‘સરદારી બેગમ’, ‘ઝુબેદા’, ‘કલયુગ’, ‘વેલકમ ટુ સજ્જનપુર’ ગણાવી શકાય. એમણે છેલ્લી ફિલ્મ ‘મુજીબ: ધ મેકિંગ ઓફ એ નેશન’ કરી, જે બાંગ્લાદેશના શેખ મુજીબુર રહેમાન પરની બાયોપિક હતી. પચાસેક વર્ષની લાંબી કેરિયરમાં શ્યામ બેનેગલે ‘ભારત એક ખોજ’, ‘સંવિધાન’, ‘યાત્રા’ જેવી સિરિયલો પણ કરી. એમણે 24 ફિલ્મો, 45 વૃત્તચિત્ર અને 1,500 જેટલી એડ ફિલ્મો બનાવી. એમને 1975થી 1979 સુધી સતત પાંચ વખત નેશનલ એવોર્ડ્સ મળ્યા. ભારત સરકારે એમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા. 2018માં તેમને વ્હી. શાંતારામ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો.
14 ડિસેમ્બર, 2024ને રોજ બેનેગલે ફિલ્મી કલાકારો સાથે વર્ષગાંઠ ઊજવી ત્યારે કોઈને કલ્પના નહીં કે એ છેલ્લી જ ઊજવણી હશે. 1934માં હૈદરાબાદમાં જન્મેલા શ્યામ, કોંકણી ભાષી ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ કુટુંબ સાથે સંલગ્ન હતા. પિતા શ્રીધર બેનેગલ કર્ણાટકમાં રહેતા હતા. તે ફોટોગ્રાફર હતા. 12ની ઉંમરે શ્યામને કેમેરાનો ઉપયોગ કરવાની પિતાએ અનુમતિ આપી. શ્યામે રજાઓમાં કેમેરાનો ઉપયોગ, ઘરમાં બનતી ઘટનાઓ રેકોર્ડ કરવામાં કર્યો. હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી શ્યામે અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી ને હૈદરાબાદ ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી જે તેમના ફિલ્મી જગતમાં પ્રવેશની શરૂઆત હતી. ઘણી મથામણ અને સંઘર્ષ પછી બેનેગલ ‘અંકુર’ સુધી પહોંચ્યા. તેમની પારખુ નજરે શબાના આઝમી, સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ, ગિરીશ કરનાડ જેવા કલાકારોને શોધ્યા ને ઘડ્યા પણ !
એ પણ કેવું છે કે ‘અંકુર’ને પસંદ કરનાર ઇન્દિરા સરકારે ઇમરજન્સી દરમિયાન એ જ બેનેગલની 1976ની ‘નિશાંત’ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતમાં એ ફિલ્મ પ્રતિબંધિત હતી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ભરપૂર પ્રશંસા થઈ હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તો એ ફિલ્મને ઓડિયન્સ એવોર્ડ પણ મળ્યો હતો. ‘નિશાંત’ને ભારતમાં પ્રદર્શિત કરવા સત્યજિત રેએ ઇન્દિરા ગાંધીને પત્ર લખ્યો હતો ને શ્રીમતી ગાંધીએ એ ફિલ્મ જોઈ ને પછી તો એ ભારતમાં દર્શાવવાનું પણ શક્ય બન્યું. શ્યામ બેનેગલને સ્વતંત્રતા આંદોલન(જૂનૂન)થી માંડીને વેશ્યાવૃત્તિ (મંડી) સુધીના અનેક વિષયો ઊંડાણપૂર્વક ખેડવાની ગજબની કુનેહ હતી, પણ તેમણે જે ઉપેક્ષિત પાત્રો ઘડ્યાં છે તે જે તે સમાજનું આબેહૂબ પ્રતિનિધિત્વ કરે છે, તેમાં પણ કેટલાંક સ્ત્રી પાત્રોને ઉપસાવવામાં જે ઝીણવટ ભરેલું નકશીકામ થયું છે તે યાદગાર છે. એક જ પાત્ર(હંસા વાડકર)ની વાત કરીએ તો સ્મિતા પાટિલે તેની જુદી જુદી ફિલ્મોમાં ભજવેલી ‘ભૂમિકા’ એટલું વૈવિધ્ય ધરાવે છે કે એક જ ફિલ્મમાં આટલી નાયિકાઓ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ લાગે. એમાં પણ ફિલ્મોની અને જીવનની ભૂમિકાઓને અલગ અલગ ઉપસાવવાનું કપરું હતું. સ્મિતા પાટિલ તો કુશળ અભિનેત્રી હતી જ, પણ બેનેગલે પણ ચરિત્રના સઘન અભ્યાસથી એ અભિનેત્રીની અભિનય ક્ષમતાને ચરમસીમાએ પહોંચાડી. એવી જ રીતે શબાના આઝમી ‘અંકુર’માં ગરીબ ગૃહિણીની અને વ્યભિચારી સ્ત્રીની ભૂમિકાને સાવ નોખી રીતે પ્રગટ કરે છે. એ જ શબાના ‘મંડી’માં કોઠાવાળી બાઈને જે ઠસ્સાથી પ્રગટ કરે છે કે અંતે કોઠો છોડવાની વ્યથાને જે આંસુ આપે છે એમાં અભિનય અને દિગ્દર્શન તંતોતંત સ્પર્ધામાં રહે છે. વેશ્યા વ્યવસાય નવી જગ્યાએ ચાલશે કે કેમ તેની ચિંતા છે તેનો ઉકેલ બહુ સૂચક રીતે ધર્મના પ્રાગટ્ય દ્વારા બેનેગલે ફિલ્મમાં આપ્યો છે.
ફિલ્મમાં કથા, સ્ક્રીનપ્લે, એડિટિંગ, ગીત, સંગીત, અભિનય, લોકાલ .. વગેરેનું બહુ મહત્ત્વ છે, પણ દિગ્દર્શક ફિલ્મનો પ્રાણ છે. એ નબળો હોય તો અલગ અલગ પાસાંઓની નોંધ લેવાય, પણ સમગ્ર ફિલ્મ એટલી પ્રભાવક ન બને એમ બને. એ રીતે શ્યામ બેનેગલ સમગ્રને સજીવ કરનારો જીવ હતા તે નોંધવું ઘટે. તેમણે જે સમાજ અને તેની સમસ્યાઓને વાચા આપી છે તેનો વિગતે અભ્યાસ કરવા જેવો છે.
દક્ષિણ ભારતીય સમાજ, તેના રીતરિવાજો, તેનાં મંદિરો, તેનાં લોકો, તેની ટેવ-કુટેવ, તેમનો પહેરવેશ, તેમની ભાષા ‘અંકુર’ કે ‘સુસમન’ જેવી ફિલ્મોમાં જોઈ શકાય. ‘અંકુર’માં શોષિત સમાજ માથું ઊંચકે છે તેની વાત છે, તો ‘સુસમન’માં પોચમપલ્લી ને અન્ય સાડીઓ બનાવતા કારીગર વર્ગને બેનેગલે વિષય કર્યો છે. વણકર સમાજની સમસ્યાઓની સાથે સાથે વ્યવસાય માટે રચાયેલી સોસાયટીઓની ‘રમત’ પણ દર્શાવાઈ છે. ‘મંથન’માં સોસાયટીની તરફેણનો સૂર ‘સુસમન’માં બદલાય છે. ઓમપુરીનો વણકર તરીકેનો દેખાવ ને તેની દક્ષિણ ભારતીય ઉચ્ચારોની વિશિષ્ટતા, તેનો સાળ પર ચાલતો હાથ વગેરે જે તે પાત્રને એકદમ સજીવ કરી મૂકે છે. એ જ બેનેગલ જ્યારે ઉત્તર ગુજરાતની ડેરી ઉદ્યોગની કથા માંડે છે ત્યારે એક્ટર્સ એ જ રહે છે, પણ પાત્રોના ચહેરા મહોરા બદલાઈ જાય છે. ઉત્તર ગુજરાતની બોલી, તેનો હરિજન વાસ, ગામનો મુખી, તેની બીડી ફૂંકતી મતલબી નજર, લોકોના પહેરવેશ, ડેરીની સ્થાપનામાં વ્યસ્ત અધિકારીઓ, તેનું ગુજરાતી લહેકાવાવાળું ગીત, નસીરુદ્દીન અને સ્મિતાનો હરિજન તરીકેનો અભિનય એ વાત ભુલાવી દે છે કે આ ફિલ્મ પણ ‘સુસમન’વાળા શ્યામ બેનેગલે જ બનાવી છે. ‘ભૂમિકા’માં મરાઠી સમાજ, તેના રીતરિવાજો સાથે બતાવાયો છે ને તેમાં ઉછરતી આવતી ફિલ્મ અભિનેત્રીનું જીવન કેન્દ્રમાં છે. મરાઠી ગીતો ને તેની લઢણો ધ્યાન ખેંચે છે. પતિ અને પછી તેના સેક્રેટરી જેવી ભૂમિકા કરતા આધેડ અમોલ પાલેકરનો દેખાવ કદાચ પહેલી વખત ફિલ્મમાં ખલનાયક જેવો પ્રગટ થયો છે.
શ્યામ બેનેગલે પટકથા લેખક અને પત્રકાર ખાલિદ મોહમ્મદ સાથે મળીને મુસ્લિમ મહિલાઓનાં સંઘર્ષપૂર્ણ જીવન પર ત્રણ ફિલ્મો બનાવી – ‘મમ્મો’ (1994), ‘સરદારી બેગમ’ (1996) અને ‘ઝુબૈદા’ (2001). ત્રણેમાં મુસ્લિમ સમાજની બદલાતી તરાહો ને તેની તહેઝીબનું વિગતે આલેખન થયું છે. ‘સરદારી બેગમ’માં તો એક પાત્રનું નામ જ તહેઝીબ છે. એમાં પણ ‘મંડી’ની જેમ કોઠાની જ કથા છે. પણ જે તે પ્રદેશ મુજબ ઝીણી ઝીણી વિગતો બદલાય છે. ‘મમ્મો’નો સમય અને ‘ઝુબૈદા’નો સમય અલગ છે. બન્નેમાં મુસ્લિમ સંસ્કૃતિ છે, પણ ‘ઝુબૈદા’માં રજપૂત રાજા અને તેની મુસ્લિમ રાણીને હિસાબે જે ફેરફારો અનિવાર્ય હતા તે પણ બેનેગલે ખૂબીપૂર્વક કર્યા છે.
એક જ સંગીતકાર વનરાજ ભાટિયા ‘સુસમન’ ‘સરદારી બેગમ’ અને ‘મંથન’માં છે, પણ દક્ષિણ ભારતીય સંગીત, ઉત્તર ગુજરાતનાં ગીત-સંગીત અને કોઠા પર ગવાતી ઠુમરીનો ફરક નીવડેલો સંગીતકાર કેવી રીતે ઉપસાવે છે તે આ ફિલ્મોમાં પામી શકાય છે ને આ બધું કઈ રીતે પ્રભાવક બને એ શ્યામ બેનેગલે બારીકાઈથી જોયું છે. આ બધું જ પાછું હિન્દી ફિલ્મમાં બન્યું છે તે નવાઈની વાત છે. બેનેગલે કાચી, પણ સાચી કથાઓ ફિલ્મી પડદે મૂકી છે.
શ્યામ બેનેગલ સમાંતર અને સાર્થક સિનેમાના સકળ અને સફળ સર્જક હતા …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ડિસેમ્બર 2024