Opinion Magazine
Number of visits: 9954724
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લગ્ન સંસ્થાના ગબડતા પથ્થર પર જામેલો કચરો 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 December 2024

રાજ ગોસ્વામી

દિગ્ગજ ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે તાજેતરમાં લગ્ન અને અભિનેત્રી શબાના આઝમી સાથેના તેમના સંબંધો વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. એક ઇન્ટરવ્યુમાં, જાવેદે લગ્નની સામાજિક રચના કરતાં પરસ્પર આદર અને બંધનની પ્રવાહિતા પર ભાર મૂકતાં સૂચક રીતે કહ્યું હતું કે, “વાસ્તવમાં, અમે પતિ-પત્ની કરતાં મિત્રો વધુ છીએ.”

પત્રકાર બરખા દત્ત સાથે વાતચીત કરતાં, તેમણે કહ્યું હતું કે, “શાદી-વાદી તો બેકાર કામ હૈ. આ એક સદીઓ જૂની પરંપરા છે. લગ્ન એક એવો પથ્થર છે જે સદીઓથી પર્વતો પરથી નીચે ગબડી રહ્યો છે અને જેમ જેમ તે નીચે આવે છે, તેમ તેમ તેના પર ઘણો શેવાળ, કચરો અને ગંદકી એકઠી થઈ ગયો છે. બે લોકો, એક બીજાના સાથમાં કેવી રીતે સુખી રહી શકે? એકસાથે રહેવા માટે, સૌ પ્રથમ, પરસ્પર આદર, પરસ્પરના લિહાજ અને એકબીજાને મોકળાશ આપવી સૌથી મહત્ત્વપૂર્ણ છે.”

જાવેદે કહ્યું કે આપણે એ સમજવું જરૂરી છે કે દરેક માણસ, ચાહે તે જીવનસાથી હોય, એક સ્વતંત્ર વ્યક્તિ છે. તેનું પોતાનું અંગત જીવન છે, તેની વિચારસરણી તમારાથી અલગ હોઈ શકે છે, તેનાં અમુક સપનાં હોઈ શકે છે. લગ્ન કોઈ રોકેટ સાયન્સ નથી. જો તમે ખુશ છો, તો લગ્ન સરળ છે. લગ્ન માત્ર એક પરંપરા છે.

જાવેદ અખ્તરે સુખી અને સફળ લગ્ન અંગેની તેમની વાતોમાં ત્રણ મહત્ત્વના વિચારો આપ્યા છે. 

(૧) પતિ-પત્ની વચ્ચે મિત્રતાનો ભાવ હોવો જોઈએ 

(૨) લગ્નની વ્યવસ્થામાં ઘણો કચરો ભરાઈ ગયો છે 

(૩) પતિ-પત્ની પણ આખરે એક સ્વતંત્રત વ્યક્તિ છે. આ ત્રણે વિચારોને ગહેરાઈમાંથી સમજવા જેવા છે.

‘મહાભારત’ના અરણ્ય પર્વમાં, પાંડવોના જ્યેષ્ઠ બંધ યુધિષ્ઠિરને, યક્ષ (વન આત્મા) એક પ્રશ્ન કરે છે; ‘કિમસ્વિન મિત્રં ગૃહેસ્થા?’ (ઘરમાં મિત્ર કોણ છે?) અને યુધિષ્ઠિર જવાબમાં કહે છે, “ભાર્યા મિત્રં ગૃહેસ્થા’ (ઘરમાં પત્ની મિત્ર છે).

લગ્નની વ્યવસ્થા સદીઓ જૂની છે, અને તે વખતે પણ તેમાં આપસી ટકરાવ અને અડચણો આવતી હતી. તે વખતના ડાહ્યા લોકોએ લગ્નો ટકી રહે અને સુખી સાબિત થાય તે માટે તેમના અનુભવોના આધારે અમુક નિર્દેશો ઘડ્યા હતા. તેમાંનો એક નોંધપાત્ર નિર્દેશ એ હતો કે પતિ-પત્નીએ એકબીજાના મિત્ર બનીને રહેવું જોઈએ.

સપ્તપદીમાં એટલા માટે જ મંત્ર છે, ‘સખા-સપ્તપદી ભવ, સખ્યમ તે ગમેયમ, સખ્યમ તે મયોશાહ, સખ્યમ તે મયોસ્તહ.’ અર્થાત્ ‘આ સાત પગલાં ભરીને તું મારો મિત્ર બન્યો છે / બની છે. હું તારી મિત્રતાને લાયક ઠરું તેવી આશા. મારી મિત્રતા મને તારામાં એકાકાર કરે. તારી મિત્રતા તને મારામાં એકાકાર કરે.’ 

એટલે, જો કોઈ એમ કહેતું હોય કે લગ્નમાં મિત્રતાની ધારણા આધુનિક છે અથવા પશ્ચિમનું ફીતુર છે, તો તેઓ ગલત છે. હિંદુ સંસ્કૃતિ પર ઘણું લેખન કરનાર લેખક એ.વી. શ્રીનિવાસન તેમના પુસ્તક ‘ધ વેદિક વેડિંગ બૂક’માં લખે છે કે સફળ લગ્ન માટે મિત્રતા જરૂરી છે તેવો વિચાર ખ્રિસ્તી ધર્મમાં જોવા મળે છે. 

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પ્રોફેસર અને ‘ધ સેવન પ્રિન્સિપલ્સ ફોર મેકિંગ મેરેજ વર્ક’ના લેખક જ્હોન ગોટમેન કહે છે કે, ‘સુખી લગ્ન ગાઢ મિત્રતા પર આધારિત હોય છે’ ગોટમેનનું સંશોધન દર્શાવે છે કે લગ્નમાં મિત્રતા રોમેન્ટિક અને શારીરિક સંતોષ માટે મહત્ત્વપૂર્ણ છે.

તેવી જ રીતે, જૂન 1988માં, ‘રીડર્સ ડાયજેસ્ટે’ બે મનોવૈજ્ઞાનિકોનો ‘સર્પ્રાઇઝિંગ કી ટુ ધ હેપ્પીએસ્ટ કપલ્સ’ નામનો એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘રોમાન્સમાં પ્રેમની વાત તો હોય છે, પરંતુ તેની અસલી કસોટી મિત્રતા છે.’

જાવેદનો બીજો મુદ્દો લગ્ન વ્યવસ્થાની કમજોરીઓ અંગે છે. 2020માં, એક સર્વેમાં ખબર પડી હતી કે ભારતની મિલેનિયલ (1981 અને 1996 વચ્ચે જન્મેલી) પેઢીના 19 ટકા લોકોને બાળકો કે લગ્નમાં રસ નથી. અન્ય 8 ટકા લોકોને બાળકો જોઇતાં હતાં, પરંતુ તેમને લગ્નમાં રસ નહોતો. પોસ્ટ મિલેનિયલ્સ (1996 પછીના) પેઢીના 23 ટકા લોકોને બાળકો અથવા લગ્નમાં રસ નહોતો. આ વલણોમાં સ્ત્રી-પુરુષો સરખાં ભાગીદાર હતા.

નવી પેઢીના લોકોમાં લગ્ન પ્રાથમિકતા નથી તેનાં બીજાં અનેક કારણો છે, પણ એક કારણ એ છે કે તેમને પરંપરાગત લગ્ન વ્યવસ્થામાં વિશ્વાસ નથી રહ્યો. થોડા સમય પહેલાં, કેરળ હાઈકોર્ટે નોંધ્યું હતું કે નવી પેઢી લગ્નને દુષ્ટ ગણે છે અને લિવ-ઇન સંબંધો વધી રહ્યા છે. ભણેલા-ગણેલા, આધુનિક સમાજનો એક વર્ગ લવ-ઇન રિલેશન જેવી વૈકલ્પિક વ્યવસ્થાનો પ્રયોગ કરે છે. એક વર્ગ એવો ય છે જે લગ્ન વ્યવસ્થાનો વિરોધી છે.

2009માં એક્ટર કમલા હસનને ‘વોક ધ ટોક’ ટી.વી. કાર્યક્રમમાં વિવાહ વ્યવસ્થા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એણે કહ્યું હતું કે આ પરંપરા ‘સડી’ ગઇ છે. એની સમકાલીન એક્ટ્રેસ ખુશ્બૂ લિવ-ઇન રિલેશનશિપને લઇને છેક સુપ્રીમ કોર્ટ સુધી ભરાઇ પડી હતી. 2005માં ખુશ્બૂએ વિવાહ પૂર્વે સેક્સને યોગ્ય ગણાવ્યો હતો અને તમિલનાડુમાં એની સામે 22 કોર્ટ કેસ થયા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટ પાસે આવ્યો ત્યારે ‘ડાહ્યા’ જજોએ મહત્ત્વનો ચુકાદો આપીને કહ્યું હતું કે, ‘લગ્ન વગર સાથે રહેવું કે લગ્ન પહેલાં સેક્સ સંબંધ બાંધવો એ ગુનો નથી.’

કમલા અને ખુશ્બૂ જેવા ઘણા લોકો છે જે પારંપારિક વિવાહ વ્યવસ્થામાંથી શ્રદ્ધા ગુમાવી બેઠા છે. એક તો, પ્રેમ કે સેક્સ માત્ર વિવાહમાં જ સંભવ છે એ હકીકત બદલાઇ ચૂકી છે. બીજું, વિવાહલાયક સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા વધી છે એટલે ‘ગરીબ ગાય’ બનીને વિવાહમાં જોડાવાની એમની મજબૂરી ઘટી ગઇ છે અને ત્રીજું, ‘ના ફાવે તો એકલા રહી શકાય છે’ એવી માન્યતા દીવાસ્વપ્ન નહીં, હકીકત બની રહી છે. આ ત્રણ કારણોસર ભારતીય વ્યવસ્થા વિવાહમાં જબ્બર બદલાવ આવ્યો છે.

આ અને અન્ય કારણોથી જ, જાવેદ કહે છે તેમ, પતિ-પત્નીએ તેમનાં એ લેબલોની પાર જઈને એકબીજાને સ્વતંત્ર વ્યક્તિ ગણવાં જોઈએ. લગ્નમાં માલિકી ભોગવવાને બદલે મિત્રતા હોવી જોઇએ એવું આધુનિક કાઉન્સેલરો શીખવાડે છે.

જ્યાં સુધી સ્ત્રી-પુરુષમાં એકબીજા પર અધિકાર સ્થાપવાનો ભાવ છે ત્યાં સુધી, ગમે તેટલો મીઠો સંબંધ હોય, તેમાં કડવાશ આવી જ જાય. માણસો ટેલિવિઝન સેટ, પાળતું પ્રાણી કે ફૂલ-ઝાડના પ્લાન્ટ નથી કે તેના પર એકાધિકાર સ્થાપી શકાય, પરંતુ ઇન્ટિમેટ સંબંધોમાં એ ભાવ આવી જ જાય છે કારણ કે ઇન્ટિમસીની ફીલિંગ ઈગો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલી છે, અને ઈગોમાંથી અસમાનતા અને માલિકી આવે છે.

રોમેન્ટિક પ્રેમ લોકતાંત્રિક નથી હોતો. એ સરમુખત્યારશાહીમાં માનતો હોય છે. એક્સલૂઝીવિટી તેનો ગુણ હોય છે, એટલે તે વ્યક્તિ પર તેનો એકાધિકાર સ્થાપે છે; “મારા સિવાય તારું કોઈ નહીં.” તેમાંથી જ ઓબ્સેશન અને માલિકીભાવ આવતો હોય છે.

આપણે સામાજિક, પારિવારિક, આર્થિક, શારીરિક કે ભાવનાત્મક કારણોસર એ કડવાશને નજર અંદાજ કરી દઈએ તે અલગ વાત છે, બાકી જો એવી સ્વાર્થી જરૂરિયાતો ન હોય તો 99 ટકા લગ્નો ખતમ થઈ જાય. 

(પ્રગટ : “ગુજરાતમિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેલ”; 08 ડિસેમ્બર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હિન્દુ દેવી-દેવતાઓનું આવું ઘોર અપમાન અસહ્ય છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 December 2024

રવીન્દ્ર પારેખ

અમેરિકામાં વૉલમાર્ટની વેબસાઇટ પર ભગવાન ગણેશની છબીઓ-પેન્ટ, ચપ્પલ, સ્વિમ સૂટ પર લગાવીને વેચવાને મામલે, અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયે વિરોધ કરતાં ભારે હોબાળો થયો હતો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ તસ્વીરોવાળાં ઉત્પાદનોનાં વેચાણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરતાં કંપનીએ ખેદ વ્યક્ત કરીને ઓનલાઈન વેચાણ બંધ કર્યું હતું. વૉલમાર્ટે એ પણ સ્વીકાર્યું કે આ રીતની તસ્વીરો ધાર્મિક ભાવનાઓ અને ભરોસાને ઠેસ પહોંચાડનારી છે. વૉલમાર્ટે એની પણ ખાતરી આપી કે તે આવી વિવાદિત સામગ્રી વેચતી કંપનીના સંપર્કમાં છે ને શક્ય તેટલી વહેલી આ સામગ્રી ન વેચાય તેની કોશિશ કરશે. જો કે, કંપનીએ 48 કલાકમાં જ એવી સામગ્રી હટાવી દીધી હતી ને એવી ખાતરી આપી હતી કે હવે પછી આવું નહીં થાય. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને વૉલમાર્ટનો તાત્કાલિક પરિણામ આપવા બદલ આભાર માન્યો હતો. વૉલમાર્ટની વેબસાઇટ પર ચૈપ્સ નામની કંપની આ પ્રોડક્ટ વેચી રહી હતી. ગણેશને દુનિયામાં 1 અબજથી વધુ લોકો વિઘ્નહર્તા દેવ તરીકે પૂજતા હોય તો તેને આમ ચંપલ કે સ્વિમ સૂટ પર છાપીને કોઈ પણ કંપની વેચે તો તેનો સાર્વત્રિક વિરોધ થવો જોઈએ. જો ભારતીય કંપનીઓ અન્ય ધર્મના દેવી-દેવતાઓનું માન જાળવતી હોય તો અન્ય કોઈ પણ વિદેશી કંપનીને ગણેશ, લક્ષ્મી કે અન્ય કોઈ પણ દેવી-દેવતાઓની છબીઓનો હીન હેતુઓથી ઉપયોગ કરવાનો અધિકાર નથી ને એ બધી રીતે વખોડવાને પાત્ર છે. કેટલીક કંપનીઓ આવું વેચાણ બંધ તો કરતી હોય છે, પણ તે બંધ થાય એ દરમિયાન થોડું વેચાણ તો થઈ જ ચૂક્યું હોય છે ને વેચાયેલી વસ્તુઓ કૈં પરત ખેંચાતી નથી એટલે થોડે ઘણે અંશે તો કંપનીઓ તેના બદઈરાદામાં સફળ થાય જ છે. ખરેખર તો કોઈ પણ કંપનીને કોઈ પણ ધર્મનાં દેવી-દેવતાઓનાં આવાં હીન વેચાણનો અધિકાર જ ન હોવો જોઈએ. 

આવું કૈં પહેલી વખત બન્યું નથી. આ અગાઉ પણ હિન્દુ દેવી-દેવતાઓને ચંપલ પર, દારૂની બોટલો પર, પેન્ટ, અન્ડરવેર પર છાપીને વિદેશી કંપનીઓએ અપમાનિત કરવામાં કોઈ કસર છોડી નથી, એ તો ઠીક, પણ હિન્દુ દેવી-દેવતાઓનાં મંદિરો તોડવામાં કે તેમની મૂર્તિઓ ખંડિત કરવામાં દેશમાં કે વિદેશમાં કેટલાંક વિધર્મીઓને ભારે ઝનૂન ચડતું હોય છે. તે ભયંકર છે ને પૂરેપૂરું લાજ શરમ વગરનું છે. પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને કે મંદિરને ખંડિત કરવામાં અગ્રેસર છે. આમ તો પેટ ચોળીને ભારતે જ ઊભું કરેલું શૂળ છે – બાંગ્લાદેશ ! 1971માં ભારતે જ બાંગ્લાદેશનાં સ્વતંત્ર સર્જનમાં ભાગ ભજવેલો ને તે હવે ભારત સામે જ શિંગડાં ભરાવી રહ્યું છે. દુનિયાના કાજી બનીને ફરતાં  ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ કે મણિપુરનો પ્રશ્ન મૂંઝવતો નથી તેનું આશ્ચર્ય છે. પાકિસ્તાનમાં મંદિરોની તોડફોડ થાય છે કે મણિપુર હિંસક આંદોલનમાં ભડકે બળે છે કે બાંગ્લાદેશી પૂર્વ પ્રધાન મંત્રી શેખ હસીનાને કારણે થતાં મંદિરો પરનાં ને લઘુમતી હિન્દુઓ પરના હિંસક હુમલાઓને ભારત હળવાશથી લઈ રહ્યું હોય તો તે યોગ્ય નથી. 

ગયા ઓગસ્ટમાં બાંગ્લાદેશના યુવાનોએ બળવો કર્યો અને વડાં પ્રધાન શેખ હસીનાએ ભાગીને ભારતમાં શરણું શોધ્યું. તેનું પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓનો તે પછી શિકાર થઈ રહ્યો છે. ભારત સરકારનું એ મામલે વલણ મોળું છે. શેખ હસીના બાંગ્લાદેશના ગુનેગાર છે તો ભારતે તેમને અહીં પોષીને ત્યાંનાં હિન્દુઓ પરનું જોખમ વધારવા કરતાં વધારે સારું તો એ છે કે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દે અને બાંગ્લાદેશની સરકારને સમજાવવાની કોશિશ કરે. તેમ ન થાય તો વિશ્વનો મત મેળવીને બાંગ્લાદેશ પર દબાણ ઊભું કરે, પણ વિશ્વ, ભારત સાથે ન આવે એમ બને, કારણ કે તે જો મુસ્લિમ વિરોધી ભારતીય વલણ અંગે કે બુલડોઝર ન્યાય અંગેની કુંડળી કાઢે તો ભારતને જવાબ આપવાનું ભારે પડે, જ્યારે બાંગ્લાદેશને એ ચિંતા નથી કે તેનાં હિન્દુ વિરોધી વલણનો ભારતના મુસ્લિમો પર કેવોક પ્રભાવ પડે છે? ખરું તો એ છે કે સત્તાધીશો હિન્દુ અને મુસ્લિમ નામનાં રમકડાંથી રમે છે ને રમકડાંનું તો એવું છે કે એ તો તૂટે પણ ખરું ને તૂટે તો નવું ય આવે. એ આવે કે ન આવે રમત ચાલવી જોઈએ. શો મસ્ટ ગો ઓન …

કેટલાંક કટ્ટરવાદી તત્ત્વોએ ઢાકા નજીકના ઇસ્કોન મંદિરને શુક્ર-શનિવારની રાત્રે, 2થી 3નાં ગાળામાં, પેટ્રોલ અને ઑકટેનનો ઉપયોગ કરીને આગ લગાડી દેતાં મંદિરની મૂર્તિઓ અને સાધન-સામગ્રીઓની રાખ થઈ ગઈ હતી. ઇસ્કોન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસ 25 નવેમ્બરથી રાજદ્રોહના આરોપમાં પોલીસ કસ્ટડીમાં છે. ઇસ્કોન કોલકાતાના ઉપપ્રમુખ રાધારામણ દાસનું કહેવું છે કે સમુદાયના સભ્યો અને વૈષ્ણવપંથી સભ્યોને ટાર્ગેટ કરીને કટ્ટરવાદીઓના હુમલાઓ વિના રોકટોક ચાલી રહ્યા છે. કેટલાક વીડિયોમાં એવી ધમકીઓ પણ અપાઈ છે કે સરકાર ઇસ્કોનપર પ્રતિબંધ નહીં મૂકે તો અમે પોતે જ તેમને મારીશું. 

ભારતના કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળના ભા.જ.પ. અધ્યક્ષ સુકાંત મજુમદારે ગુનેગારો સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે, પણ પ્રતિભાવ મોળો છે. બાંગ્લાદેશમાં ઢાકામાં આવેલું નમહટ્ટા સેન્ટર બળીને ખાખ થઈ ગયું હતું ને સેન્ટરમાં આવેલાં રાધાકૃષ્ણ મંદિર, લક્ષ્મી નારાયણ મંદિરને સળગાવી દેવામાં આવ્યું હતું. મંદિરની પાછળના ભાગની ટીનની છત ઉઘાડીને, તેમાંથી પેટ્રોલ અને જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાવવામાં આવી હતી. આ અંગે વચગાળાની સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પોલીસ અને વહીવટી તંત્રો ઇરાદાપૂર્વક નિષ્ક્રિય રહ્યાં છે. ઇસ્કોન ઇન્ડિયાએ બાંગ્લાદેશમાંના હિન્દુઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે ને ત્યાંનાં સાધુઓ અને તેમના અનુયાયીઓને તિલક ન લગાવીને ઓળખ છુપાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં સત્તાપલટા પછી નોબેલ પારિતોષિક મેળવનાર મોહમ્મદ યુનૂસની સરકાર અસ્તિત્વમાં આવી છે, ત્યારથી ભારત સાથેના તેના સંબંધો ઠીક નથી. છેલ્લા કેટલાક સમયથી ત્યાંના કટ્ટરવાદીઓ હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે ને તેને કારણે પણ ભારતનો વિરોધ વધુ તીવ્ર થયો છે. જો કે સેનાની છાયામાં કામ કરી રહેલી મોહમ્મદ યુનૂસની સરકાર પર તેની કોઈ અસર નથી. 

ભારત, ઓગસ્ટથી બાંગ્લાદેશના હિન્દુઓ અને અલ્પસંખ્યકોની ચિંતા કરી રહ્યું છે, પણ યુનૂસની સરકાર એમ વર્તી રહી છે કે ક્યાં ય કૈં અણગમતું બન્યું જ નથી. એથી વધુ વિચિત્ર તો એ છે કે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસક હુમલાઓ યુનૂસ સરકારને નગણ્ય લાગે છે, એટલું જ નહીં, તેને ભારતની ચિંતા તેમના આંતરિક મામલાઓમાં દખલ રૂપ લાગે છે. ભારતે રોકડું કરી દેવું જોઈએ કે મંદિરો અને હિન્દુઓ પરના હુમલાઓ બાંગ્લાદેશની આંતરિક બાબત નથી, કારણ તેઓ અવિભાજિત ભારતના જ નાગરિકો છે. એ દુ:ખદ છે કે મોહમ્મદ યુનૂસની સરકાર નથી તો હુમલાઓ રોકી શકતી કે નથી તો જેહાદી તત્ત્વોને કાબૂ કરી શકતી. આ તત્ત્વોનું દુસ્સાહસ એ છે કે તે ભારતને ધમકીઓ આપે છે. આવું સાહસ તો જ થાય, જો તેને સેના અને સરકારનું રક્ષણ હોય. યુનૂસની સરકાર એટલી તો રીઢી થઈ ગઈ છે કે તેને આંતરરાષ્ટ્રીય દખલની પણ પરવા નથી. ભારત પ્રતાડિત હિન્દુઓની એટલી ચિંતા કરીને રહી જાય કે તેઓ ભારતમાં ઘૂસી ન આવે, તો તેટલું પૂરતું નથી. તેણે એ પણ જોવું જોઈએ કે લઘુમતી હિન્દુઓ ત્યાં જ સુરક્ષિત રહે. ટૂંકમાં, ભારતે, લઘુમતીઓ ત્યાં સુરક્ષિત રહે એ માટે તમામ પ્રયત્નો કરવા જ જોઈએ. દુ:ખદ તો એ પણ છે કે ભારત સરકારે હિન્દુ લઘુમતીની સુરક્ષાની વાત કરી છે ત્યારે વિપક્ષો તેની પડખે ભાગ્યે જ ઊભા રહ્યા છે. 

લાગે છે તો એવું કે શેખ હસીનાને સુરક્ષિત કરવામાં ભારતે બાંગ્લાદેશનાં હિન્દુઓ અને અલ્પસંખ્યકોને અસુરક્ષિત કરી મૂક્યા છે. ખરેખર તો ભારતે વેચાતી લેવાની જરૂર જ ન હતી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ડિસેમ્બર 2024

Loading

બાંગ્લાદેશની ભડકેલી આગમાં ભારતે દાઝવાનું ટાળવું હોય તો મુત્સદ્દી વહેવાર અનિવાર્ય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 December 2024

બન્ને દેશોના અંતિમવાદીઓને મોજ પડી જાય એવી મોકળાશ આપવાને બદલે ઠરેલ અભિગમથી બન્ને સરકારોએ કામ પાર પાડવું રહ્યું.

ચિરંતના ભટ્ટ

એક દેશ તરીકે સુરક્ષાની વાત આવે ત્યારે આપણે પાકિસ્તાન અને ચીન સાથે એક કરતાં વધુ વાર ઝિંક ઝીલવી પડી છે. બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જે હોળી સળગી છે અને વાત જે દિશામાં ફંટાઇ છે એ જોતાં હવે બાંગ્લાદેશથી પણ આપણે ચેતવું પડે એવા દિવસો આવી ગયા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય વાક્યુદ્ધ હવે કાબૂની બહાર જશે એવું લાગી રહ્યું છે. વિરોધો અને પ્રતિ વિરોધો સાથે ત્યાં હિંદુ લઘુમતીઓ સાથે થતા દુરવ્યવહારનો વિવાદ વકરી રહ્યો છે.

ઑગસ્ટમાં આ સંબંધો વણસવાના શરૂ થયા જ્યારે બાંગ્લાદેશમાં ‘વિદ્યાર્થી આંદોલન’ કાબૂની બહાર ગયું, સરકાર ઉથલાવી દેવાઇ અને ત્યાંના તત્કાલીન વડા પ્રધાન શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારતની શરણે આવી ગયાં. બાંગ્લાદેશમાં ઇસ્કોનનો અગ્રણી ચહેરો ગણાતા હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસે હિંદુઓ વિરુદ્ધ હિંસાના કેસમાં ન્યાયની માગણી કરતી રેલી યોજી જેમાં આરોપ મુકાયો કે તેમણે બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું અને તેમની ધરપકડ કરાઇ. આ મામલો બિચક્યો, તેમની સુનાવણીમાં પણ કોઇ વકીલ કોર્ટમાં ન જઇ શક્યા અને તે મહિના સુધી જેલમાં રહેશે. આ તરફ ભારતમાં આ ઘટનાના વિરોધ કરનારા બેઠા થયા જેમાં ભા.જ.પા.ના સભ્યો પણ છે. અગરતલામાં વિરોધીઓ બાંગ્લાદેશ કોન્સ્યુલેટ પર ફરી વળ્યા અને તોડફોડ કરી. આ તોડફોડની જવાબ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરીને આપ્યો. ટૂંકમાં બન્ને તરફથી સંજોગોમાં તણાવ વધી રહ્યો છે. બન્ને તરફની સરકારો પણ જે વ્યૂહાત્મક પ્રતિભાવ આપવા જોઇએ તે આપી રહી છે.  ભારત અને બાંગ્લાદેશના સંબંધો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, પરંતુ ત્યાં લઘુમતી પર થતા હુમલા, ભારતમાં શેખ હસીનાને મળેલી શરણ અને વિરોધોને કારણે આ સંબંધો વણસી ગયા છે. આપણે ત્યાંથી બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓને સલામતી મળે તેના પોકાર નંખાઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં મોહંમ્મદ યુનૂસે વચગાળાની સરકાર બનાવી, પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધો બગડવા માંડ્યા. બાંગ્લાદેશમાં જે વિદ્યાર્થી આંદોલન હતું તેમાં કોમી તણાવ ઉમેરાયો અને આખરે આ આ મુદ્દો બે દેશોના સંબંધોના પ્રશ્ન સુધી પહોંચ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી પર થતા હુમલાઓ સામે અત્યારની વચગાળાની સરકારે તત્કાળ પગલાં લેવા જોઇએ, એવી માગને પૂરી કરવા કંઇ નક્કર નથી થઇ રહ્યું.

ઐતિહાસિક રીતે આપણા દેશોની કડી મજબૂત રીતે જોડાયેલી રહી છે. 1857નો વિપ્લવ બંગાળથી જ શરૂ થયો હતો. અંગ્રેજોની કોમવાદી નીતિને પરિણામે 1905માં બંગાળના ભાગલા થયા. ભારતને સ્વતંત્રતા મળી અને બંગાળના બીજા બે ભાગલા થયા, પાકિસ્તાનથી છુટવા ભારતની મદદ લઇ પૂર્વ પાકિસ્તાને (બાંગ્લાદેશ) 1971માં સ્વતંત્રતાની લડત કરી અને બાંગ્લાદેશની રચના થઇ. નાટ્યાત્મક વળાંકો અને સત્તા પલટાઓ વચ્ચે બાંગ્લાદેશને નેવુંના દાયકા પછી સ્થિરતા મળી અને ભારત સાથે સંબંધો બહેતર બન્યા. આજે જે પાકિસ્તાનથી છુટવા માટે ભારતની મદદ લીધી હતી તેની સાથે બાંગ્લાદેશ હાથ મેળવી રહ્યો છે. જે આપણી સુરક્ષા માટે જોખમી છે.

બાંગ્લાદેશની 94 ટકા સરહદ ભારત સાથે જોડાયેલી છે. સુરક્ષા અને વ્યાપાર બન્ને મામલે બાંગ્લાદેશ ભારત પર નિર્ભર છે. બાંગ્લાદેશના સંબધો ભારત સાથે આથી વધુ બગડ્યા તો નિકાસ પર અસર થશે, જી.ડી.પી. પર અસર થશે અને જે મોંઘાવરી, બેરોજગારીનો બોજો વધશે તેનાથી બાંગ્લાદેશમાં વિરોધો ઉગ્ર બનતા જશે એ ચોક્કસ. બાંગ્લાદેશ પાસે ભારત સિવાય બીજો શું વિકલ્પ હોઇ શકે? 1971માં બાંગ્લાદેશ મુક્ત થયો તે પછી ગયા મહિને પહેલીવાર પાકિસ્તાનનું એક માલવાહક જહાજ કરાચીથી ચિત્તગોંગ બંદરે પહોંચ્યું હતું. આ બન્ને દેશો વચ્ચે દરિયાઇ માર્ગે થયેલા વ્યાપારની આ પહેલી ઘટના છે. આ દર્શાવે છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ એકબીજાની નજીક આવી રહ્યા છે. આ તરફ ચીને બાંગ્લદેશમાં તગડું રોકાણ કર્યું છે, જેની ચર્ચા આપણે ભૂતકાળમાં પણ કરી છે. સીધું ગણિત એ છે કે બાંગ્લાદેશ પણ જો પાકિસ્તાનની માફક આડોડાઈ કરીને ભારત સાથે સંબંધ બગડવા દેશે તો નુકસાન બાંગ્લાદેશને જવાનું છે. પાકિસ્તાન અને ભારતના રાજદ્વારી સંબંધો સાત વર્ષથી બંધ છે અને તેની અસર ભારત પર નહીં પણ પાકિસ્તાન પર પડી છે. પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ત્રિરાશી મજબૂત થશે તો ભારતને માટે સલામતીના પ્રશ્નો વધી જશે. જે વહોરવાની જરૂર નથી તે ટાળવું કેવી રીતે તે જ મુત્સદ્દી વલણ ભારતને કામ લાગશે તે નિશ્ચિત છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે વાંકું પાડી ભારતે જોખમ નોતરવાનું ટાળવું જોઇએ.

વળી ભારતની હિંદુલક્ષી નીતિ ચીન સામેની તેની સ્થિતિ પર નબળી પાડી શકે છે કારણ કે ચીને દક્ષિણ એશિયામાં તટસ્થ સંબંધો રાખ્યા છે. આ તરફ બાંગ્લાદેશ તો ભારતના આંતરિક ધાર્મિક તણાવોને કારણે આંગળી ચીંધતો રહ્યો છે. આવામાં ભારતે ધર્મને આધારે બીજા દેશો સાથેના સંબંધોને લગતા કૂટનૈતિક, રાજદ્વારી નિર્ણય લેવાની ભૂલ ન કરવી જોઇએ. જો આમ થાય તો તેની સીધી અસર ભારતની વૈશ્વિક છબી પર પણ પડે.

હવે બે દેશો એકબીજા સાથેના સંવાદમાં ઉકેલને બદલે રાજકીય મુદ્દાઓ ઉછાળે છે જેની અસર ભારતના સ્થાનિક રાજકારણ પર પણ પડશે. આપણી આસપાસ ઝિંક ઝીલવા માટે પાકિસ્તાન અને ચીન જેવા દેશો છે જ ત્યારે આપણે બાંગ્લાદેશની પૂર્વ સરકાર સાથેની સંબંધોને આધારે અત્યારની વચગાળાની સરકાર સાથેનો અભિગમ ન બાંધવો જોઇએ. સત્તા પર જે છે તેની સાથે, અન્ય પક્ષો સાથે વાતચીત થાય અને કૂટનીતિ કામે લગાડાય તો જ કોઇ રચનાત્મક ઉકેલ આવશે.

પ્રત્યાઘાત આપવા સહેલા છે, જેમ કે ઇસ્કોનના સંતની ધરપકડને પગલે ભા.જ.પા.ના નેતા સુવેન્દુ અધિકારીએ બોર્ડર બ્લોકેડની વાત કરી અને બાંગ્લાદેશ સાથે વ્યાપાર અટકાવી દેવાની માંગ કરી, સામે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતને પોતાના પ્રશ્નોમાં ચંચુપાત કરવાની ના પાડતું નિવેદન બહાર પાડ્યું. આવી કૂટનીતિનો કોઇ અંત નહીં હોય અને તે પરિણામ લક્ષી નથી હોતી. ભારત અને બાંગ્લાદેશે સાંપ્રદાયિક રાજકારણને તેમના સંબંધો પર હાવી ન થવા દેવું જોઇએ કારણ કે તે બન્ને દેશોના સંબંધો અસ્થિર કરશે, આમ પણ આ સંબંધોને સ્થિર થવામાં વર્ષો લાગ્યાં છે ત્યારે આ તકેદારી અનિવાર્ય છે.

એક સમયે બાંગ્લાદેશની કુલ વસ્તીનો વીસ ટકા હિસ્સો ભારતીયો હતા પણ હવે તે આંકડો નવ ટકાએ પહોંચ્યો છે. જેમ અન્ય દેશોમાં હોય છે તેમ બાંગ્લાદેશમાં પણ લધુમતિઓ હુમલા અને વિરોધના સરળ નિશાન બને છે. હસીનાની સરકારે હિંદુઓને સલામત રાખવા બનતા પ્રયાસ કર્યા પણ વચગાળાની યુનૂસ સરાકરે એટલાં બધાં સ્થળે આગ ઠારવાની છે કે લઘુમતિઓને સલામત રાખવામાં તે નિષ્ફળ ગયા છે. જો કે તેમણે ભૂતકાળમાં એક ઇન્ટરવ્યુમાં એવી ચોખવટ પણ કરી હતી કે હિંદુઓ પર થતા હુમલા કોમી નથી, પણ રાજકીય અરાજકતાનું પરિણામ છે. જેમણે શેખ હસીનાનો વિરોધ કર્યો તેમણે એ તમામને ટાર્ગેટ કર્યા જે એ પક્ષની છત્રછાયામાં હતા. તેમના મતે ભારતે આ સંજોગોને કોમી બનાવોનું છોગું પહેરાવી મોટા બનાવવાનું ટાળવું જોઇએ.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના અરાજક સંજોગો સાથે બાંગ્લાદેશની સ્થિતિને સરખાવાઇ રહી છે. બાંગ્લાદેશમાં રાજકીય સ્તરે મજબૂતાઇ નહીં દેખાય તો અંતિમવાદીઓ એ ખાલીપાનો લાભ લઇ વધુ અરાજકતા ફેલાવશે જેની અસર બીજા દેશના સંબંધો પર પણ પડશે એ નક્કી છે. વચગાળાની સરકાર અને સૈન્યનો કાબૂ બાંગ્લાદેશને પાકિસ્તાન જેવા સંજોગોમાં મૂકી દે એ પહેલાં તાર્કિક ઉકેલની દિશામાં કામ થાય તે અનિવાર્ય છે. બાંગ્લાદેશનો મુદ્દો ભારતનો આંતરિક રાજકીય મુદ્દો નથી એ યાદ રાખીને બાંગ્લાદેશ કે મુસ્લિમ વિરોધી વલણને આગળ કરવાની ભૂલ ભારતે ન કરવી જોઇએ. બન્ને દેશોના અંતિમવાદીઓને મોજ પડી જાય એવી મોકળાશ આપવાને બદલે ઠરેલ અભિગમથી બન્ને સરકારોએ કામ પાર પાડવું રહ્યું.

બાય ધી વેઃ 

ખોટી માહિતીઓ ફેલાતી રોકાય અને રાજકીય પૂર્વગ્રહ ન વધે તે દિશામાં બન્ને દેશોની સરકારે કામ કરવાની જરૂર છે. શેખ હસીના સાથે સારા સંબધ હોવાને કારણે અત્યારે જેની સત્તા છે તેની સામે થવાની બાલિશ ભૂલ ભારત કરે તો એને મૂર્ખામી કહેવાય. જે લડાઈ આપણી છે જ નહીં ત્યાં મોરચો ન ખોલી, મુત્સદ્દી વાપરીને બાંગ્લાદેશમાં રહેતા ભારતીયો સચવાય તે રીતે ભારતે વાટાઘાટો કરવી જોઇએ. બીજા ઘરની હોળીમાં આપણે કૂદીને ભડકે બળવાને બદલે, દેકારાઓની પાર જેને બચાવની જરૂર છે, જ્યાં સ્થિર તર્કની જરૂર છે, જ્યાં તટસ્થ અભિગમની જરૂર છે તે પૂરા પાડવાની પહેલ એક સમજુ, વિકાસ શીલ રાષ્ટ્ર તરીકે આપણે કરવી જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ડિસેમ્બર 2024

Loading

...102030...544545546547...550560570...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved