Opinion Magazine
Number of visits: 9955801
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંઘના સાથથી સત્તા-સુવિધા મળી હશે : વાજપેયીની  વિકાસવાર્તા ટુંપાઈ ગઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 December 2024

બે શતવર્ષી

હિંદુ સંગઠનની રાજનીતિ

સાથેલગી બબ્બે શતવર્ષીનો કોઈ સારસંદેશ હોય તો તે એ છે કે જ્યાં લગી મુસ્લિમ વણછાની કળ ન વળે અને ધર્મની વ્યાપક સમજ ન કેળવાય ત્યાં લગી  બધો  વ્યાયામ છતી સત્તાએ વ્યર્થ જવાને નિર્માયેલ છે : કાશ, ભાગવત વિજ્ઞાનભવન  વ્યાખ્યાનોનો દોર ધોરણસર આગળ ચલાવી શકે !

પ્રકાશ ન. શાહ

થાય છે, થોડી ચર્ચા અટલબિહારી વાજપેયી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બેઉની શતવર્ષીને મિશે કરી જ લઉં. અલબત્ત, શતવર્ષીની ચર્ચાનો સીધો સંદર્ભ વિશેષે કરીને જનસંઘ અને ભા.જ.પ. એ બે રાજકીય પક્ષોનો જ હશે, કેમ કે વાજપેયી સ્વયંસેવક હતા પણ એમની જાહેર ઓળખ સંઘ કેન્દ્રી નહીં એટલી સ્વાભાવિક જ જનસંઘ અને ભા.જ.પ. થકી ઉપસેલી છે.

વાજપેયીનું નામ જાહેરમાં ગાજવા લાગ્યું તે 1957માં એમના લોકસભા પ્રવેશ સાથે. શ્યામા પ્રસાદ મુખરજીના નિધન પછી લોકસભામાં જનસંઘ પાસે કોઈ સક્ષમ અવાજ નહોતો અને તક મળે તો ક્ષમતા દાખવી શકે એવો અવાજ તરુણ વાજપેયીનો ચોક્કસ હતો. હું ધારું છું, બલરામપુર-ગોંડાથી એ પહેલીવાર લોકસભામાં પહોંચ્યા.

1947થી 1957 આસપાસનો ગાળો સમજવા જેવો છે. સ્વરાજ અને વિભાજન સાથે આવ્યાં. કાઁગ્રેસ સ્વરાજની વડી પાર્ટી તરીકે સત્તારૂઢ થઈ. સમાજવાદીઓએ એમના આદર્શ અને સમજ મુજબ સ્વતંત્ર રાહ લીધો, પણ મૂળભૂતપૂણે બંને હતાં તો સ્વાતંત્ર્યસંગ્રામની સરજત. ગાંધી ને નેહરુ, જ્યાં પણ હોય બેઉ પક્ષો છતે મતભેદે એમની છાયામાં હતા. એટલે વિભાજન અર્થાત્ હિંદુ-મુસ્લિમ સંબંધ એ એક એવો મુદ્દો હતો, જેમાં કદાચ જુદા પ્લેટફોર્મની ગુંજાશ હતી. હિંદુ સંગઠનની રાજનીતિ, ભલે એક દેખીતા બિનપક્ષીય સંગઠન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હતી. હિંદુ મહાસભાની તો કોઈ ખાસ જગ્યા નહોતી અને એની સાથે ગાઢ સંબંધ છતાં અસરકારક નવું પ્લેટફોર્મ જરૂરી હતું. ગાંધીહત્યા સાથે એકલા પડી ગયેલા સંઘ માટે, આ જરૂરમાંથી જનસંઘ આવ્યો. મુખર્જી કેબિનેટમાંથી છૂટા તો થયા, પણ પાછા હિંદુ મહાસભામાં (એકલા હિંદુ સભ્યોવાળા પક્ષમાં) જવું અનુકૂળ નહોતું અને સંઘને રાજકીય સથવારો જોઈતો હતો. આ સંધાનમાંથી જનસંઘ આવ્યો, અને વક્તૃત્વના ધણી, બચ્ચનની ‘હાલા જીવન, હાલા પરિચય’ની ધારીએ ‘રગ રગ હિંદુ મેરા પરિચય’ના કવિ લોકસભામાં દાખલ થયા.

1962 સુધી એમનો સહજક્રમે ચઢતો ગ્રાફ તો રહ્યો પણ કેવળ હિંદુ-મુસ્લિમ મુદ્દે પ્લેટફોર્મ બનાવવાની સ્વાભાવિક જ એક હદ હતી. 1965માં શાસ્ત્રીકાળમાં પાક યુદ્ધને કારણે એક શક્યતા હતી એ ચોક્કસ. ચીન ઘટના પછી રાષ્ટ્રભક્તિને મુદ્દે વ્યાપની શક્યતા ઊભી થઈ હતી. તેમાં પાક યુદ્ધ ભળ્યું. દરમિયાન, એ યુદ્ધગાળાના વારાથી જ લોહિયાના સંપર્કે નાના દેખમુખ, દીનદયાલ ઉપાધ્યાય, વાજપેયી સૌ ભારત-પાક અર્ધસમવાય જેવી કોઈક ફોર્મ્યુલાની રીતે વિચારતા થયા. હિંદુ સરસાઈ સાથેના અખંડ ભારતના ખયાલથી ખસીને ફેડરેશન કે કોન્ફેડરેશન જેવી પરિકલ્પના ઘોર મુસ્લિમકેન્દ્રી ચિંતનથી હટવાનો અવસર અને પડકાર લઈને આવી હતી.

દરમિયાન, દીનદયાલ ઉપાધ્યાયે ‘એકાત્મ માનવ’નો જે વૈચારિક અભિગમ વિકસાવ્યો એમાં પણ નિતાન્ત મુસ્લિમકેન્દ્રી (મુસ્લિમવિરોધી) વારસાથી હટવાની ગુંજાશ હતી. રાષ્ટ્ર અતિહિંદુ વ્યાખ્યાથી હટી વ્યાપક ધર્મવિચારને ધોરણે વિકસાવેલું એ દર્શન હતું. 1967માં એથી બિનકાઁગ્રેસવાદના પ્રયોગમાં પણ સગવડ રહી.

લોહિયા અને દીનદયાલ એ જ ગાળામાં અણચિંતવ્યા એક સાથે જ લગભગ ગયા. વ્યાપક રાજનીતિની સંભાવનાને એક મોચ વાગી, પણ જયપ્રકાશ પરત્વે આદરવચનો ઉચ્ચારતા વાજપેયીએ કહ્યું કે અમે મધ્યમવર્ગી લોકો આવા જનઆંદોલન સાથે જોડાઈએ છીએ ત્યારે અમારી સમજમાં અને લોકસંધાનમાં નિખાર આવે છે – બલકે, હમારા ચરિત્ર બદલ રહા હૈ.

લાંબી દાસ્તાંમાં નહીં જતાં કહું કે જનતા પક્ષ બન્યો અને એમાંથી છૂટા પડવાનું થયું ત્યારે પણ પેલા મુસ્લિમ વણછાથી અને હટવા અને વ્યાપક વલણની દૃષ્ટિએ સકારાત્મક બિનસાંપ્રદાયિકતા તેમ જ ગાંધીવાદી સમાજવાદના આદર્શો નવા પક્ષરૂપે આગળ કર્યા.

1984 સાથે ચોક્કસ સંજોગોમાં હવા નીકળી ગઈ અને સંઘ-અડવાણી ધરીએ રામ જન્મભૂમિ આંદોલન તરેહનો રસ્તો પકડ્યો. વાજપેયીએ જે તે પ્રસંગે ઘટતા અવાજોની કોશિશ જરૂર કીધી પણ પેલું જે જંતરડું તે તો 1925ની ઘાટીએ રાબેતા મુજબ ચાલ્યું. વાજપેયીની પ્રતિભા, છતી સત્તા-સુવિધાએ (કદાચ, એટલે જ) ઠીંગરાઈ ગઈ.

શતવર્ષીએ સંઘ પરિવારને આ વાનું પકડાશે? પમાશે?

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 ડિસેમ્બર 2024

Loading

સમાંતર અને સાર્થક સિનેમાના સર્જક : શ્યામ બેનેગલ 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 December 2024

રવીન્દ્ર પારેખ

મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં ગયા સોમવારે સાંજે 6.38 કલાકે 90 વર્ષના શ્યામ બેનેગલે કિડનીની બીમારીથી છૂટકારો અપાવતા અંતિમ શ્વાસ લીધા, એ સાથે જ સમાંતર સિનેમાનો યુગ આથમી ગયો. ફિલ્મો આમ તો કલ્પનાને સાકાર કરતું માધ્યમ છે, તેને શ્યામ બેનેગલે એવું વાસ્તવિક રૂપ આપ્યું કે ફિલ્મી પડદો સાંસારિક જીવન દર્શન લઈને પ્રગટ્યો. બેનેગલે દિગ્દર્શનમાં ઝંપલાવ્યું ત્યારે તેમને દિગ્દર્શનનો અનુભવ ન હતો. તેમનું માનવું હતું કે તમારી પાસે અશક્ય સ્વપ્નું હોવું જોઈએ, જેને તમારે શક્ય બનાવવાનું છે. ફિલ્મમાં એમ વિચારવું અઘરું હોય છે, પણ બેનેગલે અશક્ય લાગતાં સ્વપ્નોને જ સાકાર કરવાની કોશિશ કરી છે. 

શ્યામ બેનેગલ સત્યજિત રેની ‘પથેર પાંચાલી’થી ખાસા પ્રભાવિત હતા ને તેણે જ કદાચ બેનેગલને પોતાની કેડી કંડારવા પ્રેર્યા હોય એમ બને. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘શ્યામબાબુ’થી જાણીતા શ્યામ બેનેગલે ગઈ સદીના સાતમા-આઠમા દાયકામાં ‘અંકુર’, ‘નિશાંત’, ‘મંથન’, ‘મંડી’ જેવી ફિલ્મોથી સમાંતર સિનેમાનું આંદોલન શરૂ કર્યું. ગરીબી, જાતિવાદ, વ્યભિચાર જેવા મુદ્દાઓને વાચા આપતી 1974માં આવેલી પહેલી જ ફિલ્મ ‘અંકુર’થી 39ની ઉંમરે બેનેગલે ફિલ્મ રસિકોને સામાજિક પ્રતિબદ્ધતાનો રણકો, સણકો થઈને ઊઠતો સંભળાવ્યો. ફિલ્મને અંતે, ગામનો છોકરો, બારીનો કાચ તોડતો પથ્થર ફેંકીને સામાજિક ન્યાય માટેના વિદ્રોહનો ‘અંકુર’ ફોડે છે, એમાં ક્રાંતિની કમાલ છે. 

‘અંકુર’ના ફૂટવાથી થયો ‘નિશાંત’ ! 

શ્યામ બેનેગલે ‘મંથન’ બનાવી અને ડેરી ઉદ્યોગમાં ક્રાંતિનો સૂર ઊઠયો. 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘મંથન’ પ્રદર્શિત થઈ. સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ, અમરીશ પૂરી, કુલભૂષણ ખરબંદા અભિનિત ‘મંથન’ ભારતની પહેલી ક્રાઉડ ફંડેડ ફિલ્મ હતી. એમાં રોકાણ એ 5 લાખ ખેડૂતોનું હતું જે પૂરી કહાણીની પ્રેરણા હતા અને ભારતની ‘શ્વેત ક્રાંતિ’(ડૉ. વર્ગીસ કુરિયન)નાં દૂધ સહકારી આંદોલનનો હિસ્સો હતા. 

બેનેગલની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં ‘ભૂમિકા’, ‘જુનૂન’, ‘મંડી’, ‘મમ્મો’, ‘સરદારી બેગમ’, ‘ઝુબેદા’, ‘કલયુગ’, ‘વેલકમ ટુ સજ્જનપુર’ ગણાવી શકાય. એમણે છેલ્લી ફિલ્મ ‘મુજીબ: ધ મેકિંગ ઓફ એ નેશન’ કરી, જે બાંગ્લાદેશના શેખ મુજીબુર રહેમાન પરની બાયોપિક હતી. પચાસેક વર્ષની લાંબી કેરિયરમાં શ્યામ બેનેગલે ‘ભારત એક ખોજ’, ‘સંવિધાન’, ‘યાત્રા’  જેવી સિરિયલો પણ કરી. એમણે 24 ફિલ્મો, 45 વૃત્તચિત્ર અને 1,500 જેટલી એડ ફિલ્મો બનાવી. એમને 1975થી 1979 સુધી સતત પાંચ વખત નેશનલ એવોર્ડ્સ મળ્યા. ભારત સરકારે એમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા. 2018માં તેમને વ્હી. શાંતારામ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો.

14 ડિસેમ્બર, 2024ને રોજ બેનેગલે ફિલ્મી કલાકારો સાથે વર્ષગાંઠ ઊજવી ત્યારે કોઈને કલ્પના નહીં કે એ છેલ્લી જ ઊજવણી હશે. 1934માં હૈદરાબાદમાં જન્મેલા શ્યામ, કોંકણી ભાષી ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ કુટુંબ સાથે સંલગ્ન હતા. પિતા શ્રીધર બેનેગલ કર્ણાટકમાં રહેતા હતા. તે ફોટોગ્રાફર હતા. 12ની ઉંમરે શ્યામને કેમેરાનો ઉપયોગ કરવાની પિતાએ અનુમતિ આપી. શ્યામે રજાઓમાં કેમેરાનો ઉપયોગ, ઘરમાં બનતી ઘટનાઓ રેકોર્ડ કરવામાં કર્યો. હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી શ્યામે અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી ને હૈદરાબાદ ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી જે તેમના ફિલ્મી જગતમાં પ્રવેશની શરૂઆત હતી. ઘણી મથામણ અને સંઘર્ષ પછી બેનેગલ ‘અંકુર’ સુધી પહોંચ્યા. તેમની પારખુ નજરે શબાના આઝમી, સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ, ગિરીશ કરનાડ જેવા કલાકારોને શોધ્યા ને ઘડ્યા પણ !   

એ પણ કેવું છે કે ‘અંકુર’ને પસંદ કરનાર ઇન્દિરા સરકારે ઇમરજન્સી દરમિયાન એ જ બેનેગલની 1976ની ‘નિશાંત’ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતમાં એ ફિલ્મ પ્રતિબંધિત હતી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ભરપૂર પ્રશંસા થઈ હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તો એ ફિલ્મને ઓડિયન્સ એવોર્ડ પણ મળ્યો હતો. ‘નિશાંત’ને ભારતમાં પ્રદર્શિત કરવા સત્યજિત રેએ ઇન્દિરા ગાંધીને પત્ર લખ્યો હતો ને  શ્રીમતી ગાંધીએ એ ફિલ્મ જોઈ ને પછી તો એ ભારતમાં દર્શાવવાનું પણ શક્ય બન્યું. શ્યામ બેનેગલને સ્વતંત્રતા આંદોલન(જૂનૂન)થી માંડીને વેશ્યાવૃત્તિ (મંડી) સુધીના અનેક વિષયો ઊંડાણપૂર્વક ખેડવાની ગજબની કુનેહ હતી, પણ તેમણે જે ઉપેક્ષિત પાત્રો ઘડ્યાં છે તે જે તે સમાજનું આબેહૂબ પ્રતિનિધિત્વ કરે છે, તેમાં પણ કેટલાંક સ્ત્રી પાત્રોને ઉપસાવવામાં જે ઝીણવટ ભરેલું નકશીકામ થયું છે તે યાદગાર છે. એક જ પાત્ર(હંસા વાડકર)ની વાત કરીએ તો સ્મિતા પાટિલે તેની જુદી જુદી ફિલ્મોમાં ભજવેલી ‘ભૂમિકા’ એટલું વૈવિધ્ય ધરાવે છે કે એક જ ફિલ્મમાં આટલી નાયિકાઓ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ લાગે. એમાં પણ ફિલ્મોની અને જીવનની ભૂમિકાઓને અલગ અલગ ઉપસાવવાનું કપરું હતું. સ્મિતા પાટિલ તો કુશળ અભિનેત્રી હતી જ, પણ બેનેગલે પણ ચરિત્રના સઘન અભ્યાસથી એ અભિનેત્રીની અભિનય ક્ષમતાને ચરમસીમાએ પહોંચાડી. એવી જ રીતે શબાના આઝમી ‘અંકુર’માં ગરીબ ગૃહિણીની અને વ્યભિચારી સ્ત્રીની ભૂમિકાને સાવ નોખી રીતે પ્રગટ કરે છે. એ જ શબાના ‘મંડી’માં કોઠાવાળી બાઈને જે ઠસ્સાથી પ્રગટ કરે છે કે અંતે કોઠો છોડવાની વ્યથાને જે આંસુ આપે છે એમાં અભિનય અને દિગ્દર્શન તંતોતંત સ્પર્ધામાં રહે છે. વેશ્યા વ્યવસાય નવી જગ્યાએ ચાલશે કે કેમ તેની ચિંતા છે તેનો ઉકેલ બહુ સૂચક રીતે ધર્મના પ્રાગટ્ય દ્વારા બેનેગલે ફિલ્મમાં આપ્યો છે. 

ફિલ્મમાં કથા, સ્ક્રીનપ્લે, એડિટિંગ, ગીત, સંગીત, અભિનય, લોકાલ .. વગેરેનું બહુ મહત્ત્વ છે, પણ દિગ્દર્શક ફિલ્મનો પ્રાણ છે. એ નબળો હોય તો અલગ અલગ પાસાંઓની નોંધ લેવાય, પણ સમગ્ર ફિલ્મ એટલી પ્રભાવક ન બને એમ બને. એ રીતે શ્યામ બેનેગલ સમગ્રને સજીવ કરનારો જીવ હતા તે નોંધવું ઘટે. તેમણે જે સમાજ અને તેની સમસ્યાઓને વાચા આપી છે તેનો વિગતે અભ્યાસ કરવા જેવો છે. 

દક્ષિણ ભારતીય સમાજ, તેના રીતરિવાજો, તેનાં મંદિરો, તેનાં લોકો, તેની ટેવ-કુટેવ, તેમનો પહેરવેશ, તેમની ભાષા ‘અંકુર’ કે ‘સુસમન’ જેવી ફિલ્મોમાં જોઈ શકાય. ‘અંકુર’માં શોષિત સમાજ માથું ઊંચકે છે તેની વાત છે, તો ‘સુસમન’માં પોચમપલ્લી ને અન્ય સાડીઓ બનાવતા કારીગર વર્ગને બેનેગલે વિષય કર્યો છે. વણકર સમાજની સમસ્યાઓની સાથે સાથે વ્યવસાય માટે રચાયેલી સોસાયટીઓની ‘રમત’ પણ દર્શાવાઈ છે. ‘મંથન’માં સોસાયટીની તરફેણનો સૂર ‘સુસમન’માં બદલાય છે. ઓમપુરીનો વણકર તરીકેનો દેખાવ ને તેની દક્ષિણ ભારતીય ઉચ્ચારોની વિશિષ્ટતા, તેનો સાળ પર ચાલતો હાથ વગેરે જે તે પાત્રને એકદમ સજીવ કરી મૂકે છે. એ જ બેનેગલ જ્યારે ઉત્તર ગુજરાતની ડેરી ઉદ્યોગની કથા માંડે છે ત્યારે એક્ટર્સ એ જ રહે છે, પણ પાત્રોના ચહેરા મહોરા બદલાઈ જાય છે. ઉત્તર ગુજરાતની બોલી, તેનો હરિજન વાસ, ગામનો મુખી, તેની બીડી ફૂંકતી મતલબી નજર, લોકોના પહેરવેશ, ડેરીની સ્થાપનામાં વ્યસ્ત અધિકારીઓ, તેનું ગુજરાતી લહેકાવાવાળું ગીત, નસીરુદ્દીન અને સ્મિતાનો હરિજન તરીકેનો અભિનય એ વાત ભુલાવી દે છે કે આ ફિલ્મ પણ ‘સુસમન’વાળા શ્યામ બેનેગલે જ બનાવી છે. ‘ભૂમિકા’માં મરાઠી સમાજ, તેના રીતરિવાજો સાથે બતાવાયો છે ને તેમાં ઉછરતી આવતી ફિલ્મ અભિનેત્રીનું જીવન કેન્દ્રમાં છે. મરાઠી ગીતો ને તેની લઢણો ધ્યાન ખેંચે છે. પતિ અને પછી તેના સેક્રેટરી જેવી ભૂમિકા કરતા આધેડ અમોલ પાલેકરનો દેખાવ કદાચ પહેલી વખત ફિલ્મમાં ખલનાયક જેવો પ્રગટ થયો છે. 

શ્યામ બેનેગલે પટકથા લેખક અને પત્રકાર ખાલિદ મોહમ્મદ સાથે મળીને મુસ્લિમ મહિલાઓનાં સંઘર્ષપૂર્ણ જીવન પર ત્રણ ફિલ્મો બનાવી – ‘મમ્મો’ (1994), ‘સરદારી બેગમ’ (1996) અને ‘ઝુબૈદા’ (2001). ત્રણેમાં મુસ્લિમ સમાજની બદલાતી તરાહો ને તેની તહેઝીબનું વિગતે આલેખન થયું છે. ‘સરદારી બેગમ’માં તો એક પાત્રનું નામ જ તહેઝીબ છે. એમાં પણ ‘મંડી’ની જેમ કોઠાની જ કથા છે. પણ જે તે પ્રદેશ મુજબ ઝીણી ઝીણી વિગતો બદલાય છે. ‘મમ્મો’નો સમય અને ‘ઝુબૈદા’નો સમય અલગ છે. બન્નેમાં મુસ્લિમ સંસ્કૃતિ છે, પણ ‘ઝુબૈદા’માં રજપૂત રાજા અને તેની મુસ્લિમ રાણીને હિસાબે જે ફેરફારો અનિવાર્ય હતા તે પણ બેનેગલે ખૂબીપૂર્વક કર્યા છે. 

એક જ સંગીતકાર વનરાજ ભાટિયા ‘સુસમન’ ‘સરદારી બેગમ’ અને ‘મંથન’માં છે, પણ દક્ષિણ ભારતીય સંગીત, ઉત્તર ગુજરાતનાં ગીત-સંગીત અને કોઠા પર ગવાતી ઠુમરીનો ફરક નીવડેલો સંગીતકાર કેવી રીતે ઉપસાવે છે તે આ ફિલ્મોમાં પામી શકાય છે ને આ બધું કઈ રીતે પ્રભાવક બને એ શ્યામ બેનેગલે બારીકાઈથી જોયું છે. આ બધું જ પાછું હિન્દી ફિલ્મમાં બન્યું છે તે નવાઈની વાત છે. બેનેગલે કાચી, પણ સાચી કથાઓ ફિલ્મી પડદે મૂકી છે. 

શ્યામ બેનેગલ સમાંતર અને સાર્થક સિનેમાના સકળ અને સફળ સર્જક હતા … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ડિસેમ્બર 2024

Loading

આપણે માણસ મટી જવાનું નથી !

રમેશ સવાણી|Opinion - Opinion|26 December 2024

રમેશ સવાણી

પત્રકારનું શું મહત્ત્વ છે તે અંગે એક કથા છે. એક પત્રકારનું મૃત્યુ થતાં તેનો જીવ પહોંચ્યો સ્વર્ગના દ્વારે. દ્વારપાળે ઝાટકીને કહી દીધું કે ‘મહાશય ! તમારા માટે અહીં દ્વાર બંધ છે !’ પત્રકાર ગાંઠે તેવો ન હતો, એ પહોંચ્યો નરકના દ્વારે. દ્વારપાળ કહે : ‘મહાશય, અહીં પણ તમારા માટે જગ્યા નથી !’ એ પત્રકાર એવો હતો જેણે રાજકીય / ધાર્મિક / સામાજિક નેતાઓની રીમાન્ડ લીધી હતી. તે મૂંઝાયો નહીં. તેણે આજુબાજુ નજર કરી. ત્યાં એક અલગ નિર્જન ટાપુ હતો. પત્રકારનો જીવ ત્યાં પહોંચ્યો અને છાપખાનું ઊભું કરી અખબાર શરૂ કર્યું. એક મહિનામાં તેને સ્વર્ગના અને નરકના મફત આજીવન પાસ મળી ગયાં !

પત્રકારત્વમાં ગ્લેમર છે. લોકો પત્રકારને માનપાન આપે છે. રાજકીય / ધાર્મિક / સામાજિક નેતાઓ પત્રકારને સાચવે છે. પરંતુ આ પ્રકારનું માન પ્રાપ્ત કરવા પરિશ્રમ કરવો પડે, ત્યાગ કરવો પડે. પત્રકારત્વ બે પ્રકારનું છે : સામાજિક અને અસામાજિક ! સામાજિક પત્રકારત્વ સમાજને / લોકોને / માનવમૂલ્યોને પ્રતિબદ્ધ હોય છે. અસામાજિક પત્રકારત્વ તોડ-પાણીનું હોય છે. તેને ‘યલો જર્નાલિઝમ’ પણ કહેવાય છે. તેમાં બ્લેક મેઈલનું તત્ત્વ વધુ હોય છે. પોલીસ લોકો પાસેથી તોડ કરે છે, પત્રકાર પોલીસનો તોડ કરે છે ! તમારે નક્કી કરવાનું છે કે સામાજિક પત્રકાર બનવું છે કે અસામાજિક? તમારે સુધીર ચૌધરી / મહેશ લાંગા / સૌરભ શાહની જેમ જેલમાં જવું છે કે પ્રશાંત દયાળની જેમ સત્યનિષ્ઠ પત્રકારત્વ કરવું છે? 

પત્રકારત્વ એક વ્યવસાય છે. દરેક વ્યવસાય માટે આચારસંહિતા જરૂરી છે. આચારસંહિતા એટલે શું કરવું અને શું ન કરવું? શું સાચું અને શું ખોટું? દરેકને નૈતિક બંધન હોય છે. સાધ્ય જ નહીં સાધનશુદ્ધિ પણ હોવી જોઈએ.

જો કે પત્રકારો માટે કોઈ લેખિત આચારસંહિતા નથી. આવી લેખિત આચારસંહિતાની જરૂર પણ નથી. વાંચક / શ્રાતાઓનું હિત જોવું પડે. સત્યનું રક્ષણ કરવું પડે. અમેરિકામાં પત્રકારોએ મળીને આચારસંહિતા ઘડી કાઢી છે, તેની વિગત બ્રુસ સ્વાઈને ‘રીપોર્ટર્સ એથિક્સ’ પુસ્તકમાં આપી છે.

પત્રકાર ધારે તો આગ લગાડી શકે છે અને આગ ઠારી શકે છે. પત્રકાર ધારે તો ન્યાય અપાવી શકે છે. તટસ્થતા ભ્રામક છે. તટસ્થતા એ સત્ય આચરણમાંથી છટકવાની છટકબારી છે. તટસ્થતા નહીં, સત્યનિષ્ઠા. સિદ્ધાંતનિષ્ઠા વિનાની સ્વતંત્રતા અર્થહીન છે. નિરંકુશ ધોધ વિનાશ સર્જે છે. 

કરસનદાસ મૂળજી સત્યનિષ્ઠ પત્રકાર હતો. 22 એપ્રિલ 1862ના રોજ, મહારાજ લાઈબલ કેસમાં ચૂકાદો આપતા જજ સર જોસેફ આર્નોલ્ડે લખ્યું હતું : “A public journalist is a public teacher ! To expose and denounce evil and barbarous practices, to attack usages and customs inconsistent with moral purity and social progress, is one of its highest, its most imperative duties. પત્રકાર તો જાહેર શિક્ષક છે ! દુષ્ટ અને અસંસ્કારી પ્રથાઓનો પર્દાફાશ કરવો અને તેની નિંદા કરવી, નૈતિક શુદ્ધતા અને સામાજિક પ્રગતિ સાથે અસંગત ઉપયોગો અને રિવાજો પર હુમલો કરવો; તે તેની સર્વોચ્ચ, સૌથી આવશ્યક ફરજોમાંની એક છે.”

દરેક પત્રકારે યાદ રાખવાનું છે કે ‘પત્રકારે માણસ મટી જવાનું નથી ! આમાં દુનિયાની સઘળી આચારસંહિતા આવી ગઈ !

ક્રાઈમ રીપોર્ટિંગ એટલે? પોલીસ કાર્યવાહી / અદાલતની કાર્યવાહીનું રીપોર્ટિંગ. આમાં શું તકેદારી રાખવી જોઈએ? 

[1] કાયદાઓનું ધ્યાન રાખવાનું છે. બાળ ગુનેગારો / સગીરના નામ જાહેર કરવાના નથી. યૌન શોષણના કેસમાં પીડિતાનું નામ /ઓળખ જાહેર કરવાનું નથી. 

[2] પીડિતો સાથે માનવીય વ્યવહાર કરવાનો છે. માનવ ગૌરવ જાળવવાનું છે. પીડિતનો વિશ્વાસ જીતવાનો છે. 

[3] ગુનાની મોડસ ઓપરેન્ડી / ગુનાનો મોટિવ / ગુના પહેલાનું વર્તન અને ગુના પછીનું વર્તન / ઓળખ પરેડ / ચાર્જશીટ / કોર્ટના આદેશો વગેરેની સમજણ હોવી જોઈએ. 

[4] સંશયની સાધના કરવી પડે. આંખ કાન ઉઘાડા રાખવા પડે. Nose for the News-સમાચાર સૂંઘવાની કળા વિકસિત કરવી પડે. 

[5] પત્રકારત્વના 7 C’s યાદ રાખો : Clear, Concise, Concrete, Correct, Coherent, Complete, and Courteous – સ્પષ્ટ, સંક્ષિપ્ત, નક્કર, સાચો, સુસંગત, સંપૂર્ણ અને નમ્ર. 

[6] વાંચકો શું જાણવા ઈચ્છે તે સઘળા મુદ્દાઓ આવરી લેવા પડે. મોં-માથા વગરનું રીપોર્ટિંગ વેઠ કહેવાય. એક વખત રીપોર્ટને રસ્તામાં સાંભળ્યું કે તિલક ગુજરી ગયા ! રીપોર્ટર પરત ફર્યો. ફ્રન્ટ પેજ પર આઠ કોલમમાં તિલકના મૃત્યુના સમાચાર છાપી નાખ્યા ! એ પછી તિલક 15 દિવસ સુધી જીવતા રહ્યા હતા ! ચોક્કસાઈ રાખવી પડે. અનુમાન ન ચાલે. 

[7] સ્રોતની ગોપનીયતા જાળવવી પડે. 

[8] પક્ષપાત નહીં. સિલેક્ટિવ રિપોર્ટિંગ નહીં. સત્યને વળગી રહેવું. સત્યની જાણ કરો તો બદનક્ષી ન થાય. 

[9] સરકાર પોતાને દેશ માને છે. એટલે રાજદ્રોહનું શસ્ત્ર પત્રકાર સામે ઉપાડે છે. UAPA-Unlawful Activities (Prevention) Act, 1967માં ફિટ કરે છે. એટલે ખોટી માહિતીથી ચેતો. બાઈટ લો. રીપોર્ટને આધારભૂત બનાવો. 

[10] ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે હિંમતની / સાહસની જરૂર પડે. એક્ટિવિસ્ટ, વ્હિસલ બ્લોઅરનો વિશ્વાસ સંપાદન કરવો પડે. 

[11] વિવેક જાળવો : કુટણખાનાનું રીપોર્ટિંગ એની ગાઈડ ન બનવી જોઈએ !

[નવજીવન પત્રકારત્વ સ્કૂલ, 25 ડિસેમ્બર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...525526527528...540550560...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved