‘જિગરના ચીરા’ની શરૂઆત નોઆખલીમાં એકલા ફરતા ગાંધીજીથી થાય છે અને અંત ગાંધીહત્યાથી આવે છે, પણ પુસ્તકના કેન્દ્રમાં છે 1940નો આખો દાયકો – કઈ હતી એ વિરાટ દિલધડક ઘટનાઓ જેનો અંજામ ભાગલા, ભીષણ હત્યાકાંડ અને છેવટે ગાંધીહત્યામાં આવ્યો?
આજે 26 જાન્યુઆરી-પ્રજાસત્તાક દિન. 30મી જાન્યુઆરીએ આવશે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ. નારાયણ દેસાઈના પુસ્તક ‘જિગરના ચીરા’(યજ્ઞ પ્રકાશન)માંથી પસાર થઈ રહી છું. આજના લેખ માટે આ પુસ્તકની વાત કરવાથી ઉત્તમ વિકલ્પ બીજો હોઈ ન શકે કેમ કે તેમાં ગાંધીજીના જીવનના અંતિમ તબક્કાની વાત છે અને જેમના રક્તમાંસમાં, શ્વાસ-ઉચ્છવાસમાં અને જીવન-કાર્યમાં ગાંધીજી અભિન્ન રીતે વણાયેલા છે એવા નારાયણ દેસાઇ આ પુસ્તકના લેખક છે. આશિષ નાંદીએ એમને માટે ‘થનગનતી, બળવાખોર અને હરતીફરતી જંગમ વિદ્યાપીઠ’ એવાં શબ્દો વાપર્યા છે.
‘જિગરના ચીરા’ની શરૂઆત નોઆખલીમાં એકલા ફરતા ગાંધીજીથી થાય છે અને અંત ગાંધીહત્યાથી આવે છે, પણ પુસ્તકના કેન્દ્રમાં છે 1940નો આખો દાયકો – ભારતમાં આઝાદીની લડતનો, બ્રિટિશ શાસનનો અંતિમ તબક્કો. વિશ્વના તખતા પર પણ મોટાં પરિવર્તનો આકાર લઇ રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં જોડાયેલું બ્રિટન યેનકેનપ્રકારેણ ભારતને વિશ્વયુદ્ધમાં જોતરવા માગતું હતું, પણ સ્વતંત્રતા આપવાની વાતમાં ઠાગાઠૈયા કરતું હતું એવે વખતે ઇંગ્લેન્ડથી ક્રિપ્સ યોજના આવી. એની નિષ્ફળતાએ 1942ના ‘ક્વિટ ઇન્ડિયા’ આંદોલનનો પાયો મૂક્યો. પછી શું થયું – કઈ હતી એ વિરાટ દિલધડક ઘટનાઓ જેનો અંજામ ભાગલા, ભીષણ હત્યાકાંડ અને છેવટે ગાંધીહત્યામાં આવ્યો? ભારતના દરેક નાગરિકે જાણવી જ જોઈએ એવી તમામ સિલસિલાબંધ ઐતિહાસિક વિગતો ખૂબ સુંદર શૈલીમાં અને સાચા ગાંધીજનને શોભે એવી નિર્ભય તટસ્થતાથી આ પુસ્તકમાં 22 પ્રકરણોમાં મુકાઇ છે.
વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને તરત વાઈસરૉય લીનલિથગોએ જાહેર કર્યું કે ભારત મિત્રરાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાશે. કાઁગ્રેસે કહ્યું, ‘અમારી સંમતિ વિના? યુદ્ધના ઉદ્દેશો જાહેર કરો.’ ઉદ્દેશ જાહેર કરવા જાય તો બ્રિટનને કહેવું પડે કે તેઓ દુનિયાને (નાઝીવાદની) ગુલામીમાંથી મુક્ત કરવા માટે રણે ચડ્યા છે. તો તરત ભારત એમ કહી શકે કે તમારે સ્વતંત્રતા માટે લડવું છે તો પહેલા અમને સ્વતંત્ર તો કરો. બ્રિટને કશું જાહેર કર્યું નહીં, કાઁગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં.
1942ના માર્ચ મહિનામાં સર સ્ટેફર્ડ ક્રિપ્સ પોતાની યોજના લઈને ભારત આવ્યા. પુસ્તકમાં એક આખું પ્રકરણ આ યોજના પર છે. આપણે જાણવા પામીએ છીએ કે જે સમજવામાં બીજાઓને એક મહિનો ગયો એ ગાંધીજીએ બે કલાકમાં સમજી લીધું, ક્રિપ્સને પાછા જવાનું કહી તેમણે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો અને જોતજોતામાં 23,000 વ્યક્તિગત સત્યાગ્રહીઓ જેલભેગા થયા.
1942ના ઑગસ્ટમાં હિન્દ છોડો ઠરાવ પસાર થયો. ગાંધીજીએ કહ્યું, ‘આજથી ભારતનો દરેક નાગરિક પોતાને સ્વતંત્ર સમજે અને પોતે જ પોતાનો નેતા બની આંદોલન ચાલુ રાખે. આપણે જીવીશું તો આઝાદી માટે ને એના જ માટે પ્રાણ આપીશું – કરેંગે યા મરેંગે.’ બીજા દિવસે ગાંધીજી અને અન્ય મોટાં નેતાઓની ધરપકડ થઈ. લોકોના પક્ષે ભાંગફોડ અને સરકારના પક્ષે ક્રૂર દમનનો દોર ચાલ્યો. વાઈસરૉયે આ બધાનો ટોપલો જેલમાં બેઠેલા ગાંધીજી પર ઢોળ્યો. ગાંધીજીએ ઉપવાસ કર્યા.
પરિસ્થિતિ ઝડપથી પલટાતી હતી. લીનલિથગો ગયા અને ‘બ્રેકડાઉન પ્લાન’ લઇ જનરલ વેવેલ આવ્યા. તેમણે જેલમાં રહેલા નેતાઓને મુક્ત કરી સિમલા વાટાઘાટ (1945) યોજી, પણ કહાણી તો બે ઝગડતી બિલાડી અને ફાવી જતા વાંદરાની જ હતી. દેશ આરાજકતા અને કોમી હિંસાચારથી ઘેરાતો હતો. કાઁગ્રેસને ગાંધીજીની જરૂર ન હતી. ગાંધીજીને જે અનિવાર્ય અને આવકારવા જેવુ લાગતું હતું તે કાઁગ્રેસને અવ્યવહારુ અને જૂનવાણી લાગતું હતું. એકલવાયા અને ઉપેક્ષિત ગાંધીજી કોમી એકતાનું દક્ષિણ આફ્રિકાના દિવસોથી જોયેલું સ્વપ્ન આંખમાં આંજીને ભારતના ગૂંચવાયેલા કોકડાને ઉકેલવા મથતા નોઆખલી, બિહાર, કલકત્તા અને દિલ્હી દોડતા હતા.
એ દિવસોમાં એમની પાસે લોકોની ચેતનાને ઢંઢોળવા એક જ સાધન હતું, સાંજની પ્રાર્થના પછીનું પ્રવચન. તેમાં ગાંધીજી પોતાનું દિલ રેડી દેતા. કોઈ ને કોઈ અખબાર બીજે દિવસે પ્રવચન છાપી દેતું. છેલ્લા દિવસોમાં એ પ્રવચનો રેકોર્ડ કરી આકાશવાણી પરથી સાંભળવવામાં આવતાં. દિલ્હી લાખો શરણાર્થીઓથી ઉભરાતું હતું. એમાના ઘણા પોતાની અવદશા માટે ગાંધીજીને જવાબદાર ઠેરવતા.
વેવેલ પછી માઉન્ટબેટન આવ્યા. ભારત વિષે ખાસ કઈં ન જાણતા રેડક્લિફે ટેબલ પર નકશો પાથરી એક લીટી દોરી દેશને બે ભાગમાં વહેંચી દીધો. અકળાયેલા કાઁગ્રેસી નેતાઓએ દેશના ભાગલા સ્વીકાર્યા. તોફાનો શમાવવા ફરતા ગાંધીજીને સમાચાર છાપામાં આવ્યા ત્યારે મળ્યા. મહામના સરદારે અથાક પ્રયત્નો કરી દેશના સાડા પાંચસો રજવાડાઓને ભારતમાં ભેળવ્યાં.
જૂન 1948માં અંગ્રેજો ભારત છોડી જાય એવું નક્કી થયું હતું, પણ ઘરમાં દિવાસળી મૂકી ને બળતું ઘર કૃષ્ણાર્પણ કરી તેઓ ઓગસ્ટ 1947માં જ ચાલ્યા ગયા. 15 ઓગસ્ટે દેશ સ્વતંત્રતા મળ્યાનો ઉત્સવ ઉજવતો હતો ત્યારે 78 વર્ષના ગાંધીબાપુ ભડકે બળતા કલકત્તાને ઠારતા હતા.
ચાર મહિના પછી તેમની હત્યા થઈ. ગાંધીજીની હત્યા ક્ષણિક આવેશનું પરિણામ ન હતી. 30 જાન્યુઆરી 1948 પહેલા, ગાંધીહત્યાના પાંચ પ્રયાસ થઈ ચૂક્યા હતા, જેમાંના ત્રણમાં ગાંધીજીના ખૂનીની સીધી સંડોવણી હતી. પહેલો પ્રયાસ 1934માં ગાંધીજીની ગાડી પર બોમ્બ ફેંકવાથી થયો. એ જ વર્ષે એમણે લઇ જતી ટ્રેનને ઉથલાવી નાખવાનો પ્રયાસ થયો. 1944માં ગાંધીજી જેલમાંથી છૂટ્યા પછી પંચગીનીમાં એક તોફાને ચડેલા ટોળામાં ગિરફતાર થયેલા માણસોમાંના એક પાસે સાડાસાત ઇંચ લાંબો છરો મળ્યો. એ માણસનું નામ નથુરામ ગોડસે. કાવતરાના સૂત્રધાર તરીકે એની સાથે વિનાયક આપ્ટેનું નામ બહાર આવ્યું હતું. આપ્ટે ‘હિન્દુ રાષ્ટ્ર’ નામના અખબારનો તંત્રી હતો. ગાંધીજીએ 125 વર્ષ જીવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આ અખબારમાં ‘પણ જીવવા દેશે કોણ?’ મથાળા હેઠળ આગ ઝરતો લેખ છપાયો હતો.
એ જ વર્ષે ગાંધીજી અને ઝીણાની મુલાકાત મુંબઇમાં ગોઠવાઈ ત્યારે પુનાથી એક કટ્ટર મુસ્લિમવિરોધી જૂથ ‘આ મુલાકાત થવા જ નહીં દઈએ’ની ઘોષણા કરતું વર્ધા પહોંચી ગયું હતું. જૂથના સભ્યોની તપાસ કરતાં થત્તે નામના માણસ પાસે મોટો છરો મળ્યો. તેણે કહ્યું, ‘ગાંધીજીની હત્યા થશે ત્યારે જ અમને સંતોષ થશે.’ પોલીસ અધિકારીએ પૂછ્યું, ‘તો પછી તમારા નેતા એ કામ કેમ કરતા નથી?’ થત્તે તુચ્છકારથી બોલ્યો, ‘એ તો ગાંધીજીને વધારે પડતું માન આપ્યું ગણાય. એ કામ તો આ જમાદાર પણ પતાવી શકે.’ તેણે જમાદાર તરીકે જે માણસને બતાવ્યો તે નાથુરામ ગોડસે હતો.
1948ની વીસમી જાન્યુઆરીએ પ્રાર્થનાસભામાં બોમ્બ ફૂટ્યો. અંધાધૂંધીનો લાભ લઈ ગાંધીજીને ગોળી મારી દેવાની હતી, પણ એમ થયું નહીં. બોમ્બ ફોડનાર મદનલાલ પાહવાએ ટોળકીના સભ્યોનું વર્ણન આપ્યું, ‘તેઓ પાછા આવશે’ એમ કહ્યું, કાવતરાખોરોના સગડ મેળવવા એટલા મુશ્કેલ ન હતા, પણ દિલ્હીની પોલીસ, મુંબઈની પોલીસ, સરકારી સલામતી-વ્યવસ્થા, ગાંધીજીના પટ્ટશિષ્યોની બનેલી સરકાર બધા ઊણા ઊતર્યા. ગાંધીજીનું મૃત્યુ તો એવું જ થયું જેવું તેમના જેવા મહાપુરુષનું થવું ઘટે. પણ દેશની સ્વતંત્રતા અને અખંડતા માટે જીવનભર મથતા રહેલા એ વયોવૃદ્ધ નેતાને આપણે સ્વતંત્રતા મળ્યા પછી થોડા મહિના પણ જીવવા ન દીધા એ શરમ, એ લાંછન કાયમ માટે આપણા કપાળે લખાઈ ચૂક્યું.
‘જિગરના ચીરા’ ખુદાઇ ખિદમતગારોને અર્પણ થયું છે, કેમ કે આખી ઘટનામાં એમનું બહુ મોટું સ્વાર્પણ છે. આપણે જાણીએ છીએ કે ક્વેટાની હોસ્પિટલમાં ઝીણાએ સ્વીકાર્યું હતું કે પાર્ટીશન ઑફ ઇન્ડિયા ઈઝ ધ બિગેસ્ટ મિસ્ટેક ઑફ માય લાઈફ? આપણને ખબર છે કે ગાંધીજીએ માઉન્ટબેટનને ચેતવ્યા હતા કે વસતીની ફેરબદલી કરશો તો લોહીની નદીઓ વહેશે? લેખક કહે છે, ‘દિલના ભાગલા ન થાય તેવી ગાંધીજીની પ્રાર્થના, મહામૃત્યુમાંથી આપણને અમૃત સમીપે લઇ જવા તલસે છે.’ આ કલ્યાણકારી તલસાટ આપણા હૃદયને પ્રેરે એ જ ઈચ્છીએ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 જાન્યુઆરી 2025