હસાવતું કોમળ મુક્ત હાસ્ય
આનંદ વર્ષા ઝડીઓ ઝરી રહે.
આંખે ભર્યો પ્રેમ તણો પ્રકાશ
ચમકાવતો માનવ મેદની વહે
અને અંતરેથી તપ વારિ કેરા
અનેક ધારે ઊડતા ફૂવારા

સુશીલા મ. ગાંધી
એ પ્રેમળ મુક્ત હાસ્ય આપણી સમક્ષથી સદાને માટે લુપ્ત થયું. અને પંચ મહાભૂતોમાં વિલિન થયું. મહાત્મા ગાંધીને જગતે ઘણી અંજલિઓ આપી. એમના જીવન જેટલા જ એમના બલિદાને એમને મહાન બનાવ્યા, એમની મહત્તા વધી. લોકોએ એમની મહત્તા જોઈજાણી હતી. એમનું જીવન ઉઘાડી કિતાબ હતું. જો કે ઘણા તેમના વિચારો, તેમનાં કાર્યો, લખાણો, સમજી નહોતા શક્તા. છતાં સર્વેને મન તેઓ એક મહાન અદ્ભભુત વ્યક્તિ – મહાત્મા ગાંધી હતા.
બાપુને જેમ જગત મહાન યુગ પુરુષ માને છે તેમ અમે પણ માનીએ છીએ. બાપુ જ્યારે ટોળાંઓથી ઘેરાએલા હોય અથવા કામ કરતા હોય ત્યારે અમને એમ લાગતું કે બાપુ અમારાથી ઘણા દૂર છે—બાપુ મહાત્મા છે—તેઓ એવી ટોચ ઉપર છે કે જ્યાં જવું અમારે માટે અશક્ય છે ત્યારે શ્રદ્ધાથી તેમનાં ચરણોમાં અમે બેસતાં, અને જ્ઞાન શ્રવણ કરતાં. પણ જ્યારે બાપુ સૂવા જતા અથવા જમતા એકલા હોય ત્યારે અમે પાસે બેસતાં, પગ દાબતાં, ત્યારે અમને લાગતું કે અમે અમારા બાપુ પાસે છીએ. ત્યારે અનેક મીઠી મશ્કરીઓ જેમ બાળક મા પાસે કરે તેવી કરતાં. અનેક લાડ કરતાં. આવે સમયે જ બાપુ પાસે રહેનારને બાપુનો મીઠો પ્રેમ મળતો.
ગાંધીજીના બે રૂપ હતાં. એક મહાત્મા ગાંધીનું વિશાળ રૂપ અને બીજું અમારા વ્હાલસોયા બાપુનું સુક્ષ્મ રૂપ. મહાત્મા ગાંધીને ઘણાએ જાણ્યા છે. પણ બાપુને જાણવાનો લ્હાવો થોડાને મળ્યો છે.
બાપુ અમારાં બાળકોના પ્રેમાળ દાદા હતા, અંધકારમાં ઘેરાએલા માર્ગના તે માર્ગદર્શક દીપક હતા. અને અમારા કુટુંબના—અને કુટુંબ એટલે ફકત અમે જ નહીં પણ તેમનો વિશાળ પરિવાર – કે જેઓએ તેમને બાપુ માન્યા હતા તેમના – પૂજનીય વડીલ હતા.
બાપુ હંમેશાં ઘણાં કામમાં રહેતા. અમને વાતો કરવાનો ભાગ્યે જ વખત મળતો. ઘણી વાર અમને એવી ભ્રમણા થતી કે અમારા બાપુને જનતાએ અમારી પાસેથી ખૂંચવી લીધા છે. પણ તેમનો અમારા પ્રત્યેનો અતૂટ પ્રેમ – અમારે માટેની તેમની ચિંતા અમારી ભ્રમણા ભાંગતી. અસંખ્ય કામમાં પણ અમે ક્યાં જઈ રહ્યાં છીએ, શું કરીએ છીએ, અમારાં બાળકો કેમ ઊછરે છે, તેમના ખાવાપીવા-શરીર આરોગ્ય અને ભણતર વિગેરેની સતત કાળજી રાખતા. અને જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યારે અમને સલાહ, ઠપકો કે હિમ્મત આપતા. અમારા ખબરો જાણવા તેઓ હંમેશાં આતુર રહેતા. નોઆખલીની યાત્રા વખતે ઘણે લાંબે ગાળે મેં પત્ર લખ્યો. અને તેમાં ઘણે વખતે પત્ર લખ્યાનું કારણ જણાવ્યું, કે “આપ ઘણા કામમાં રહો છે. પત્ર લખી તસ્દી આપવાની ઈચ્છા ન થઈ.”
તેના જવાબમાં બાપુએ લખ્યું કે “મારા ઉપર દયા ખાઈને કાગળ લખવામાં સંકોચ ન રાખો. કોઈ બાપને મેં જાણ્યો નથી જે પોતાના દીકરા દીકરીના કાગળોથી કંટાળે. તમારા કાગળોથી અને તમને મળીને સ્વાભાવિક જ મને આનંદ થાય.”
આમાં તેમનો કેટલો પ્રેમ નીતરે છે! આજે એવા અસંખ્ય મીઠા પ્રસંગો આંખ આગળ તરે છે અને આંખ ભીની થાય છે.
[11 ફેબ્રુઆરી 2025]
•
સૌથી પહેલું મીઠું સ્મરણ મેં નવા સંબંધી તરીકે આશ્રમમાં પ્રવેશ કર્યો, ત્યારનું આજે આંખ આગળ ખડું થાય છે. બાપુ સાથે સંકળાયેલાં મારાં છેલ્લાં એકવીસ વર્ષનાં જીવન સ્મરણો આંખ સામેથી ચિત્રપટની જેમ સરી જાય છે. મેં જ્યારે નવવધૂ તરીકે આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે અનેક કામમાં હોવા છતાં બાપુએ જોઈ લીધું કે ત્યાંની બાફેલી રસોઈ મારે ગળે નથી ઊતરતી. મને નજીક બોલાવી પ્રેમભરી વાણીમાં જણાવ્યું : “સુશીલા, હું તારો સસરો નથી. બાપુ જ છું. તારે મને વગર સંકોચે તારી જરૂરિયાતો જણાવવી જોઈએ.” મારા પતિને બોલાવી મીઠો ઠપકો આપતા કહ્યું, “મેં તને પરણાવ્યો. હવે તારે સુશીલાને સંભાળવી જોઈએ. પારકી દીકરી લાવ્યા છીએ. તે કોચવાય નહીં એ જોવાનું તારે રહ્યું.”

મણિલાલ અને સુશીલા ગાંધી
હું ક્ષણભર વિચારમાં પડી. બાપુને આ પ્રસ્તાવના કરવાની શી જરૂર પડી ? ત્યાં બાપુએ મને કહ્યું, “હું જોઈ રહ્યો છું કે તું અહીં બરાબર ખાઈ નથી શકતી. તને આવું ખાવાની ટેવ નહીં’ હોય.” પછી હાસ્ય સાથે, વિનોદ કરતાં કહ્યું, ‘તું તો મોટા ઘરની દીકરી, રોજ પંચ પકવાન ખાતી હશે. પણ મેં તો તને પહેલાં જ જણાવ્યું છે ના કે હું ફકીર છું ?!” અને ગંભીર થતાં ઉમેર્યું : “તને આ ન ફાવે એ હું સમજી શકું છું. અહીં જે ખાનગી રસોડાં છે તેમાં તારી ગોઠવણ હું કરી દઈશ.” મેં સંકોચ સાથે જણાવ્યું : “બાપુ, હું અહીં જ જમીશ. ધીમે ધીમે ભાવતું થશે.” બાપુના ચહેરા ઉપર આનંદ ઝળહળી ઊઠ્યો. તેમણે સંતોષ સાથે કહ્યું : “મને એ બહુ ગમ્યું.”
એમનો એ આનંદ, એ હાસ્ય, અમને ઘણાં કામો કરવા પ્રેરતાં. એ બાફેલી રસોઈ મને મિષ્ટાન્નથી યે વધારે મીઠી લાગવા માંડી.
અમારાં બાળકોને પ્રેમથી પડખામાં બેસાડતાં. હાસ્ય વિનોદ કરતા, શિખામણો આપતા – ભલે ને બે મિનિટ જ; પણ અમને એ મિનિટો ધન્ય લાગતી. અમે હિન્દુસ્તાનમાં હતાં ત્યારે અમારા બે મોટાં બાળકો – સીતા અને અરુણની – અભ્યાસની જાતે પરીક્ષા લીધી; અને શું શું સારું છે ,શું શું સુધારવાની જરૂર છે એની નાની મોટી સૂચનાઓ આપી.
અમારી સૌથી નાની દીકરી હંમેશાં બાપુ પાસે દોડી જતી અને વિનોદ કરી આવતી. એક વાર બાપુ લખી રહ્યા હતા. ઇલાએ જઈ બાપુને પૂછ્યું, “બાપુજી, તમે નાના હતા ત્યારે પણ બધાં તમને બાપુ કહેતાં?”
બાપુ હસ્યા, અને રમૂજથી કહ્યું. “ના, ત્યારે તો કોઈ મોહન કહે તો કોઈ મોહનિયો કહે.” ઇલાને ખૂબ મજા પડી. તેણે તો “મોહનિયો, મોહનિયો” કહી નાચવા માંડ્યું. તેનો વિનોદ જોઈ બાપુનું મુક્ત હાસ્ય ૫ણ ખીલી ઊઠ્યું.
[12 ફેબ્રુઆરી 2025]
•
આશ્રમમાં અમારાં એક બાળકને તાવ આવ્યો. બાપુને ખબર પડતાં જ મને બોલાવી, ઝીણી ઝીણી ખાવાપીવાની અનેક સૂચનાઓ આપી. તાવ સાવ સાધારણ હતો; છતાં બાપુની ચિંતા મેં જોઈ. તાવે તો બીજે જ દિવસે અરુણને છોડ્યો. પણ બાપુના પંજામાંથી તે પાંચ છ દિવસ ન છૂટ્યો. પાંચ છ દિવસ ઉપવાસ કે અર્ધ ઉપવાસ ઉપર તેને રાખ્યો હતો. મહા મહેનતે કજિયા કરી છઠ્ઠે દિવસે તેણે બાપુના ખાખરામાંથી એક ખાખરો ખાવાની રજા મેળવી. મેં વિનોદમાં બાપુને કહ્યું, “બાપુ! હું જો માંદી પડું તો તમને તો જણાવું જ નહીં.” બાપુએ ફક્ત હસતાં હસતાં ડોક હલાવી. જાણે કહેતા ન હોય, “જોઈ લઈશ.”
બાપુ આજે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. આપણે ફરી કદી તેમને જોવા નથી પામવાના. તેમનો પ્રેમાળ હાથ આશીર્વાદ આપતો ફરી આપણા વાંસાને ઠપકારવાનો નથી. છતાં બાપુ આપણાં હૃદયમાં સદા અમર જ રહેશે.
બાપુ પાસે રહેનારને હંમેશાં તલવારની ધારે ચાલવું ૫ડતું. તેઓની ભૂલોનું પ્રાયશ્ચિત બાપુ પોતે જ કરતા. આવા અનેક પ્રસંગોએ સાથીઓને આંસુ પણ સારવા પડતા. સદ્ગત મહાદેવભાઈ જેવાને પણ આંસુ સારવા પડ્યા હતા. સાથીની ભૂલથી બાપુને ઘણું દુ:ખ થતું. તેઓ કદી ગુસ્સે ન થતા. પણ તેમનાં દુઃખભર્યાં વેણ હૃદયમાં સોંસરવા ઊતરી જતાં અને માણસને હંમેશ જાગૃત રાખતા. પોતાની પાસે રહેનારની ઉપર તેઓ ખૂબ કડક રહેતા. એ જ ન્યાય તેમણે હિન્દુ-મુસ્લિમ ઐક્ય માટે લીધો, અને તે એમનો પ્રાણ હરનાર થઈ પડ્યો. મારનારે ધર્મની રક્ષા જરૂર કરી; પણ તે હિન્દુ ધર્મની નહી પણ કંસના ધર્મની.
શ્રીકૃષ્ણને બાળપણથી અનેક કાવતરાં કરી મારવાનો પ્રયત્ન થયો હતો. પણ અંતકાળે પારધીના બાણથી તેમનો દીપક બુઝાયો.
બાપુ માટે પણ તેમ જ બન્યું. આ દેશમાં (દક્ષિણ આફ્રિકામાં) સેવા સ્વીકારી ત્યારથી તેમના ઉપર પ્રાણ હરનારા અનેક હુમલાઓ આ દેશમાં અને હિન્દમાં થયા. પણ આ બલિદાને તેમને કૃષ્ણ અને ઈશુની પંક્તિમાં બેસાડી તેમની અમરતા ઉપર મહોર મારી; અને બાપુ અમર થયા. બાપુને અનેક રૂપે જનતાએ નિહાળ્યા એમ એક કવિ કહે છે :
“પિતા છો દિવ્ય ક્રાંતિના વિરાટ નવયુગના,
ને છો માતા, અહિંસાની ગોદે જગ લપેટતા,
બધું છો સૌ ગુલામોના, દેવ છો દુ:ખીયા તણા,
આશા છો વિશ્વ આખાની, છો સર્વસ્વ જ હિંદના.”
અમારા પણ સર્વસ્વ જ હતા તે જતાં અમે આજે અનાથ થયાં છીએ.
એમનાં અનેક મીઠાં સ્મરણો અમારે માટે અને અમારાં બાળકો માટે એક અમૂલ્ય ખજાનો છે; તે સદા અમને બળ અને પ્રોત્સાહન આપતો રહેશે અને અમારી શ્રદ્ધાને અચળ રાખશે. આવા યુગપુરુષના યુગમાં જન્મવા માટે અને તેમની થોડી સેવા કરવા માટે અમે ખરે જ ભાગ્યશાળી છીએ. પણ ખરાં ભાગ્યશાળી ત્યારે જ થશું જ્યારે તેમણે બતાવેલે માર્ગે ડગ ભરતાં ભરતાં તેમના આશીર્વાદને લાયક થઈશું.
13 ફેબ્રુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 238, 239 તેમ જ 240