Opinion Magazine
Number of visits: 9843878
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહામૃત્યુમાંથી અમૃત સમીપે : ‘જિગરના ચીરા’ની ફળશ્રુતિ 

સોનલ પરીખ|Gandhiana, Opinion - Opinion|13 February 2025

‘જિગરના ચીરા’ની શરૂઆત નોઆખલીમાં એકલા ફરતા ગાંધીજીથી થાય છે અને અંત ગાંધીહત્યાથી આવે છે, પણ પુસ્તકના કેન્દ્રમાં છે 1940નો આખો દાયકો – કઈ હતી એ વિરાટ દિલધડક ઘટનાઓ જેનો અંજામ ભાગલા, ભીષણ હત્યાકાંડ અને છેવટે ગાંધીહત્યામાં આવ્યો?

આજે 26 જાન્યુઆરી-પ્રજાસત્તાક દિન. 30મી જાન્યુઆરીએ આવશે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ. નારાયણ દેસાઈના પુસ્તક ‘જિગરના ચીરા’(યજ્ઞ પ્રકાશન)માંથી પસાર થઈ રહી છું. આજના લેખ માટે આ પુસ્તકની વાત કરવાથી ઉત્તમ વિકલ્પ બીજો હોઈ ન શકે કેમ કે તેમાં ગાંધીજીના જીવનના અંતિમ તબક્કાની વાત છે અને જેમના રક્તમાંસમાં, શ્વાસ-ઉચ્છવાસમાં અને જીવન-કાર્યમાં ગાંધીજી અભિન્ન રીતે વણાયેલા છે એવા નારાયણ દેસાઇ આ પુસ્તકના લેખક છે. આશિષ નાંદીએ એમને માટે ‘થનગનતી, બળવાખોર અને હરતીફરતી જંગમ વિદ્યાપીઠ’ એવાં શબ્દો વાપર્યા છે. 

‘જિગરના ચીરા’ની શરૂઆત નોઆખલીમાં એકલા ફરતા ગાંધીજીથી થાય છે અને અંત ગાંધીહત્યાથી આવે છે, પણ પુસ્તકના કેન્દ્રમાં છે 1940નો આખો દાયકો – ભારતમાં આઝાદીની લડતનો, બ્રિટિશ શાસનનો અંતિમ તબક્કો. વિશ્વના તખતા પર પણ મોટાં પરિવર્તનો આકાર લઇ રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં જોડાયેલું બ્રિટન યેનકેનપ્રકારેણ ભારતને વિશ્વયુદ્ધમાં જોતરવા માગતું હતું, પણ સ્વતંત્રતા આપવાની વાતમાં ઠાગાઠૈયા કરતું હતું એવે વખતે ઇંગ્લેન્ડથી ક્રિપ્સ યોજના આવી. એની નિષ્ફળતાએ 1942ના ‘ક્વિટ ઇન્ડિયા’ આંદોલનનો પાયો મૂક્યો. પછી શું થયું – કઈ હતી એ વિરાટ દિલધડક ઘટનાઓ જેનો અંજામ ભાગલા, ભીષણ હત્યાકાંડ અને છેવટે ગાંધીહત્યામાં આવ્યો? ભારતના દરેક નાગરિકે જાણવી જ જોઈએ એવી તમામ સિલસિલાબંધ ઐતિહાસિક વિગતો ખૂબ સુંદર શૈલીમાં અને સાચા ગાંધીજનને શોભે એવી નિર્ભય તટસ્થતાથી આ પુસ્તકમાં 22 પ્રકરણોમાં મુકાઇ છે. 

વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને તરત વાઈસરૉય લીનલિથગોએ જાહેર કર્યું કે ભારત મિત્રરાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાશે. કાઁગ્રેસે કહ્યું, ‘અમારી સંમતિ વિના? યુદ્ધના ઉદ્દેશો જાહેર કરો.’ ઉદ્દેશ જાહેર કરવા જાય તો બ્રિટનને કહેવું પડે કે તેઓ દુનિયાને (નાઝીવાદની) ગુલામીમાંથી મુક્ત કરવા માટે રણે ચડ્યા છે. તો તરત ભારત એમ કહી શકે કે તમારે સ્વતંત્રતા માટે લડવું છે તો પહેલા અમને સ્વતંત્ર તો કરો. બ્રિટને કશું જાહેર કર્યું નહીં, કાઁગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં. 

1942ના માર્ચ મહિનામાં સર સ્ટેફર્ડ ક્રિપ્સ પોતાની યોજના લઈને ભારત આવ્યા. પુસ્તકમાં એક આખું પ્રકરણ આ યોજના પર છે. આપણે જાણવા પામીએ છીએ કે જે સમજવામાં બીજાઓને એક મહિનો ગયો એ ગાંધીજીએ બે કલાકમાં સમજી લીધું, ક્રિપ્સને પાછા જવાનું કહી તેમણે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો અને જોતજોતામાં 23,000 વ્યક્તિગત સત્યાગ્રહીઓ જેલભેગા થયા. 

1942ના ઑગસ્ટમાં હિન્દ છોડો ઠરાવ પસાર થયો. ગાંધીજીએ કહ્યું, ‘આજથી ભારતનો દરેક નાગરિક પોતાને સ્વતંત્ર સમજે અને પોતે જ પોતાનો નેતા બની આંદોલન ચાલુ રાખે. આપણે જીવીશું તો આઝાદી માટે ને એના જ માટે પ્રાણ આપીશું – કરેંગે યા મરેંગે.’ બીજા દિવસે ગાંધીજી અને અન્ય મોટાં નેતાઓની ધરપકડ થઈ. લોકોના પક્ષે ભાંગફોડ અને સરકારના પક્ષે ક્રૂર દમનનો દોર ચાલ્યો. વાઈસરૉયે આ બધાનો ટોપલો જેલમાં બેઠેલા ગાંધીજી પર ઢોળ્યો. ગાંધીજીએ ઉપવાસ કર્યા. 

પરિસ્થિતિ ઝડપથી પલટાતી હતી. લીનલિથગો ગયા અને ‘બ્રેકડાઉન પ્લાન’ લઇ જનરલ વેવેલ આવ્યા. તેમણે જેલમાં રહેલા નેતાઓને મુક્ત કરી સિમલા વાટાઘાટ (1945) યોજી, પણ કહાણી તો બે ઝગડતી બિલાડી અને ફાવી જતા વાંદરાની જ હતી. દેશ આરાજકતા અને કોમી હિંસાચારથી ઘેરાતો હતો. કાઁગ્રેસને ગાંધીજીની જરૂર ન હતી. ગાંધીજીને જે અનિવાર્ય અને આવકારવા જેવુ લાગતું હતું તે કાઁગ્રેસને અવ્યવહારુ અને જૂનવાણી લાગતું હતું. એકલવાયા અને ઉપેક્ષિત ગાંધીજી કોમી એકતાનું દક્ષિણ આફ્રિકાના દિવસોથી જોયેલું સ્વપ્ન આંખમાં આંજીને ભારતના ગૂંચવાયેલા કોકડાને ઉકેલવા મથતા નોઆખલી, બિહાર, કલકત્તા અને દિલ્હી દોડતા હતા. 

એ દિવસોમાં એમની પાસે લોકોની ચેતનાને ઢંઢોળવા એક જ સાધન હતું, સાંજની પ્રાર્થના પછીનું પ્રવચન. તેમાં ગાંધીજી પોતાનું દિલ રેડી દેતા. કોઈ ને કોઈ અખબાર બીજે દિવસે પ્રવચન છાપી દેતું. છેલ્લા દિવસોમાં એ પ્રવચનો રેકોર્ડ કરી આકાશવાણી પરથી સાંભળવવામાં આવતાં. દિલ્હી લાખો શરણાર્થીઓથી ઉભરાતું હતું. એમાના ઘણા પોતાની અવદશા માટે ગાંધીજીને જવાબદાર ઠેરવતા.

વેવેલ પછી માઉન્ટબેટન આવ્યા. ભારત વિષે ખાસ કઈં ન જાણતા રેડક્લિફે ટેબલ પર નકશો પાથરી એક લીટી દોરી દેશને બે ભાગમાં વહેંચી દીધો. અકળાયેલા કાઁગ્રેસી નેતાઓએ દેશના ભાગલા સ્વીકાર્યા. તોફાનો શમાવવા ફરતા ગાંધીજીને સમાચાર છાપામાં આવ્યા ત્યારે મળ્યા. મહામના સરદારે અથાક પ્રયત્નો કરી દેશના સાડા પાંચસો રજવાડાઓને ભારતમાં ભેળવ્યાં. 

જૂન 1948માં અંગ્રેજો ભારત છોડી જાય એવું નક્કી થયું હતું, પણ ઘરમાં દિવાસળી મૂકી ને બળતું ઘર કૃષ્ણાર્પણ કરી તેઓ ઓગસ્ટ 1947માં જ ચાલ્યા ગયા. 15 ઓગસ્ટે દેશ સ્વતંત્રતા મળ્યાનો ઉત્સવ ઉજવતો હતો ત્યારે 78 વર્ષના ગાંધીબાપુ ભડકે બળતા કલકત્તાને ઠારતા હતા. 

ચાર મહિના પછી તેમની હત્યા થઈ. ગાંધીજીની હત્યા ક્ષણિક આવેશનું પરિણામ ન હતી. 30 જાન્યુઆરી 1948 પહેલા, ગાંધીહત્યાના પાંચ પ્રયાસ થઈ ચૂક્યા હતા, જેમાંના ત્રણમાં ગાંધીજીના ખૂનીની સીધી સંડોવણી હતી. પહેલો પ્રયાસ 1934માં ગાંધીજીની ગાડી પર બોમ્બ ફેંકવાથી થયો. એ જ વર્ષે એમણે લઇ જતી ટ્રેનને ઉથલાવી નાખવાનો પ્રયાસ થયો. 1944માં ગાંધીજી જેલમાંથી છૂટ્યા પછી પંચગીનીમાં એક તોફાને ચડેલા ટોળામાં ગિરફતાર થયેલા માણસોમાંના એક પાસે સાડાસાત ઇંચ લાંબો છરો મળ્યો. એ માણસનું નામ નથુરામ ગોડસે. કાવતરાના સૂત્રધાર તરીકે એની સાથે વિનાયક આપ્ટેનું નામ બહાર આવ્યું હતું. આપ્ટે ‘હિન્દુ રાષ્ટ્ર’ નામના અખબારનો તંત્રી હતો. ગાંધીજીએ 125 વર્ષ જીવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આ અખબારમાં ‘પણ જીવવા દેશે કોણ?’ મથાળા હેઠળ આગ ઝરતો લેખ છપાયો હતો. 

એ જ વર્ષે ગાંધીજી અને ઝીણાની મુલાકાત મુંબઇમાં ગોઠવાઈ ત્યારે પુનાથી એક કટ્ટર મુસ્લિમવિરોધી જૂથ ‘આ મુલાકાત થવા જ નહીં દઈએ’ની ઘોષણા કરતું વર્ધા પહોંચી ગયું હતું. જૂથના સભ્યોની તપાસ કરતાં થત્તે નામના માણસ પાસે મોટો છરો મળ્યો. તેણે કહ્યું, ‘ગાંધીજીની હત્યા થશે ત્યારે જ અમને સંતોષ થશે.’ પોલીસ અધિકારીએ પૂછ્યું, ‘તો પછી તમારા નેતા એ કામ કેમ કરતા નથી?’ થત્તે તુચ્છકારથી બોલ્યો, ‘એ તો ગાંધીજીને વધારે પડતું માન આપ્યું ગણાય. એ કામ તો આ જમાદાર પણ પતાવી શકે.’ તેણે જમાદાર તરીકે જે માણસને બતાવ્યો તે નાથુરામ ગોડસે હતો.

1948ની વીસમી જાન્યુઆરીએ પ્રાર્થનાસભામાં બોમ્બ ફૂટ્યો. અંધાધૂંધીનો લાભ લઈ ગાંધીજીને ગોળી મારી દેવાની હતી, પણ એમ થયું નહીં. બોમ્બ ફોડનાર મદનલાલ પાહવાએ ટોળકીના સભ્યોનું વર્ણન આપ્યું, ‘તેઓ પાછા આવશે’ એમ કહ્યું, કાવતરાખોરોના સગડ મેળવવા એટલા મુશ્કેલ ન હતા, પણ દિલ્હીની પોલીસ, મુંબઈની પોલીસ, સરકારી સલામતી-વ્યવસ્થા, ગાંધીજીના પટ્ટશિષ્યોની બનેલી સરકાર બધા ઊણા ઊતર્યા. ગાંધીજીનું મૃત્યુ તો એવું જ થયું જેવું તેમના જેવા મહાપુરુષનું થવું ઘટે. પણ દેશની સ્વતંત્રતા અને અખંડતા માટે જીવનભર મથતા રહેલા એ વયોવૃદ્ધ નેતાને આપણે સ્વતંત્રતા મળ્યા પછી થોડા મહિના પણ જીવવા ન દીધા એ શરમ, એ લાંછન કાયમ માટે આપણા કપાળે લખાઈ ચૂક્યું. 

‘જિગરના ચીરા’ ખુદાઇ ખિદમતગારોને અર્પણ થયું છે, કેમ કે આખી ઘટનામાં એમનું બહુ મોટું સ્વાર્પણ છે. આપણે જાણીએ છીએ કે ક્વેટાની  હોસ્પિટલમાં ઝીણાએ સ્વીકાર્યું હતું કે પાર્ટીશન ઑફ ઇન્ડિયા ઈઝ ધ બિગેસ્ટ મિસ્ટેક ઑફ માય લાઈફ? આપણને ખબર છે કે ગાંધીજીએ માઉન્ટબેટનને ચેતવ્યા હતા કે વસતીની ફેરબદલી કરશો તો લોહીની નદીઓ વહેશે? લેખક કહે છે, ‘દિલના ભાગલા ન થાય તેવી ગાંધીજીની પ્રાર્થના, મહામૃત્યુમાંથી આપણને અમૃત સમીપે લઇ જવા તલસે છે.’ આ કલ્યાણકારી તલસાટ આપણા હૃદયને પ્રેરે એ જ ઈચ્છીએ. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 જાન્યુઆરી  2025

Loading

નો ડિટેન્શન પોલિસી અંગે રાજ્યો એકમત નથી !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 February 2025

ચંદુ મહેરિયા

સોળમી ડિસેમ્બર ૨૦૨૪ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના ગેઝેટમાં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું એક નોટિફિકેશન પ્રગટ થયું હતું. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર (સુધારો) નિયમ, ૨૦૨૪ શીર્ષક હેઠળની આ અધિસૂચના અનુસાર કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓમાં હવેથી નો ડિટેન્શન પોલિસી ખતમ કરવામાં આવી છે. અર્થાત ધોરણ ૫ અને ૮ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને હવે ઉપલા ધોરણમાં ચઢાવી શકાશે નહીં. સરકારે અનુતીર્ણ થનાર વિદ્યાર્થી ધોરણ આઠ સુધીનું શિક્ષણ મેળવતો રહે તે માટેના સુધારાત્મક પગલાંની આવશ્યકતા અધિસૂચનામાં ભાર દઈને જણાવી છે. પરંતુ તે તરફ દુર્લક્ષ સેવીને પ્રાથમિક શાળાઓમાં પાંચમા-આઠમામાં પણ બાળકોને નાપાસ કરી શકાશે તેની જ સર્વત્ર ચર્ચા છે.

છ્યાંસીમા બંધારણ સુધારા(વર્ષ ૨૦૦૨)થી છથી ચૌદ વર્ષનાં બાળકોને અનુચ્છેદ ૨૧-એ-થી શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ની ધારા -૧૬માં દેશના તમામ બાળકો ધોરણ આઠ સુધીનું પ્રારંભિક શિક્ષણ કોઈ પણ પ્રકારની  બાધા, અવરોધ કે અટકાવ વિના મેળવે તેવી જોગવાઈ કરી હતી. કોઈ પણ બાળકને પ્રારંભિક શિક્ષણ મેળવતું અટકાવવું નહીં અને તે આઠમા ધોરણ સુધીનું શિક્ષણ નિ:શુલ્ક અને ફરજિયાત મેળવે અને તેને શાળામાંથી તગેડી મૂકવામાં ના આવે તે માટેની આ જોગવાઈ હતી. પરંતુ શાળાઓએ ડિટેન્શન પોલિસીનો અર્થ બાળકોને નાપાસ ના કરવા તેવો કર્યો અને પોતાની જવાબદારીથી હાથ ખંખેરી નાંખ્યા.  

તણાવમુક્ત શિક્ષણનો માહોલ ઊભો કરવો, માત્ર વાર્ષિક પરીક્ષાનાં મૂલ્યાંકનથી દૂર રહેવું, શાળામાં દાખલ થતાં બાળકોનું પ્રમાણ વધારવું, શાળા છોડી જતાં બાળકોનું પ્રમાણ ઘટાડવું, ભિન્નભિન્ન સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતાં બાળકોને શિક્ષણ મેળવવાનો સમાન અવસર પૂરો પાડવો, અનેક પડકારો છતાં બાળક પાંચમા કે આઠમા ધોરણ સુધી તો ટકી રહે અને નબળાં વિદ્યાર્થી પણ પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તેવો ઉદ્દેશ નો ડિટેન્શન પોલિસી પાછળ રહેલો હતો.

બાળકોને શાળાની બહાર નહીં ધકેલવાની આ નીતિ પાછળ બાળકોને અનુરૂપ શિક્ષણ પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિ શોધવી અને અપનાવવી તેવો મુખ્ય હેતુ સ્વાભાવિક હતો. પરંતુ ખોટા અર્થઘટન અને અમલીકરણના પડકારોને કારણે તે નીતિએ શિક્ષણને વધુ નબળુ બનાવ્યું છે. એટલે અમલના થોડાંક જ વરસો પછી ઘણા રાજ્યોએ નો ડિટેન્શન પોલિસીને દફન કરવા અવાજ ઉઠાવ્યો હતો. શિક્ષણ પહેલા માત્ર રાજ્યોનો વિષય હતો. પરંતુ આંતરિક કટોકટીના વરસોમાં ૧૯૭૬ના બેતાળીસમા સુધારાથી તેને સમવર્તી કે સંયુક્ત સૂચિમાં સમાવવામાં આવેલ છે. એટલે શિક્ષણ સંબધી કાયદા કેન્દ્ર અને રાજ્યો બંને ઘડી શકે છે. કેન્દ્રના કાયદા કે નિયમો રાજ્યો માટે બંધનકર્તા નથી હોતા. 

૨૦૧૦-૧૧થી અમલી બનેલી નો ડિટેન્શન પોલિસી સામે ૨૦૧૫ની કેન્દ્રિય શિક્ષણ સલાહકાર બોર્ડની બેઠકમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. બાળકોને નાપાસ નહીં કરવાને કારણે શિક્ષણ કથળ્યું હોવાનું અને તેને લીધે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ એકઝામનું રિઝલ્ટ પણ નબળું આવી રહ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આમે ય ભારતનાં બાળકો બુનિયાદી સાક્ષરતા અને ગણિતમાં એટલે લેખન, વાચન,  ગણનમાં નબળાં છે. તેમને પાંચમા-આઠમામાં નાપાસ નહીં કરવાની સરકારી નીતિને કારણે તેમની આ નબળાઈમાં ઓર વધારો થયો છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ, અસર(ASER)ની હકીકતો પણ વિરોધીઓના સમર્થનમાં હતી. ૨૦૨૨માં ધોરણ ૫ના ૨૫.૬ ટકા વિદ્યાર્થી ધોરણ- ૨ના બે અંકોના સરવાળા બાદબાકીના દાખલા ગણી શકતા નહોતા. તો ૪૨.૮ ટકા બીજા ધોરણનું વાંચી શકતા નહોતા. ચૌદથી અઢાર વરસના ચોથા ભાગના વિદ્યાર્થી પોતાની માતૃભાષાનો કોઈ પાઠ અસ્ખલિત વાંચી શકતા નહોતા. ૨૦૨૩માં દેશના સાઠ જેટલા પરીક્ષા બોર્ડની દસમી-બારમીની પરીક્ષામાં આશરે ૬૫ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ બધા માટે બાળકોને વગર પાસ થયે કે આપમેળે ઉપલા ધોરણમાં ચઢાવવાની નીતિને જવાબદાર ઠેરવવામાં આવી હતી.

 વિદ્યાર્થીઓને આપમેળે ઉપર ચઢાવી દેવાતાં બાળકો, વાલીઓ અને ખુદ શિક્ષકો શિક્ષણ પ્રત્યે બેજવાબદાર બન્યા હતા. ભણાવો તો ય શું અને ન ભણાવો તોય શું, ભણો તો ય ઠીક અને ના ભણો તો ય ઠીક, બાળક્ને નિશાળે મોકલીએ કે ના મોકલી બધું સરખું જ છે, તેવું વલણ સમાજમાં પ્રવર્તવા માંડ્યું હતું. એટલે સરકારે સંસદમાં ૨૦૧૯માં ૨૦૦૯ના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં સુધારો કરીને નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી હતી. 

જો કે તે અંગેના નિયમો છેક ૨૦૨૪માં સુધાર્યા અને નીતિને દફનાવી દીધી છે. કેન્દ્ર સરકાર સંચાલિત સેન્ટ્રલ સ્કૂલ્સ, નવોદય વિદ્યાલયો, એકલવ્ય શાળાઓ, સૈનિક સ્કૂલ્સ વગેરે મળીને ત્રણ હજાર શાળાઓમાં હવે આ વરસથી ધોરણ ૫ અને ૮માં કોઈને આપમેળે પ્રમોશન મળશે નહીં. જો કે સરકારે અનુતીર્ણ થનાર બાળકોની બે મહિનામાં પુન:પરીક્ષા લેવાની અને તેમાં જો તે પાસ થાય તો ઉપલા ધોરણમાં મોક્લવાની જોગવાઈ કરી છે. આચાર્યો, શિક્ષકો અને સંચાલકોને નાપાસ થનાર કે અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓની માહિતી તૈયાર રાખવા અને તેમના પર વિશેષ ધ્યાન આપવા પણ જણાવ્યું છે.

પ્રાથમિક શાળાના બાળકોને આપમેળે ઉપલા ધોરણમાં ચઢાવવાની કે વગર પાસ થયે ઉપરના ધોરણમાં નહીં ચઢાવવાની નીતિ અંગે રાજ્યોનો મત વહેંચાયેલો છે. વળી કેન્દ્રે નો ડિટેન્શન પોલિસી પરત ખેંચી છે, એટલે બી.જે.પી.શાસિત તમામ રાજ્ય સરકારો તેને અનુસરશે તેવું પણ જોવા મળતું નથી. દેશના અડધા રાજ્યો આ નીતિની તરફેણમાં છે તો અડધા વિરોધમાં છે. વિપક્ષશાસિત રાજ્યોએ નો ડિટેન્શન પોલિસીને ખરાબ ગણી તિલાંજલી આપી હોય તેમ છે તો ભા.જ.પા.શાસિત રાજ્યોએ હજુ પણ આ નીતિ જારી રાખી છે. દેશનું સૌથી મોટું અને બી.જે.પી.ની રાજવટ ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ નો ડિટેન્શન પોલિસીની તરફેણમાં છે. ભા.જ.પ.ના વિરોધમાં કાયમ રહેતી દિલ્હીની આમ આદમી પાર્ટીની કે મમતા બેનરજીની તૃણમૂલ કાઁગ્રેસની બંગાળ સરકાર કેન્દ્રની નીતિના સમર્થનમાં છે અને તેનો અમલ કર્યો છે. આવું જ દેશના સૌથી શિક્ષિત અને ડાબેરી શાસન ધરાવતા કેરળની સરકારનું છે.  ભા.જ.પ.ના શાસન હેઠળના રાજ્યો મહારાષ્ટ્ર, ઓડિશા, છતીસગઢ અને ગોવામાં નો ડિટેન્શન પોલિસી અમલમાં છે. કાઁગ્રેસશાસિત રાજ્યોમાં પણ આમ જ છે. સંયુક્ત યાદીનો શિક્ષણ પરનો કેન્દ્રનો નિર્ણય રાજ્યોને બાધ્યકારી નથી એ ખરું પણ આવા મહત્ત્વના વિષયે દેશમાં સર્વસંમતિ ન હોય તે બાબત વિચારણીય છે.

ગુજરાતમાં ૨૦૨૩થી ધોરણ ૫ અને ૮માં નાપાસ વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવતા નથી. જો કે ધોરણ ૧થી ૪ અને ૬-૭ માં નાપાસ થાય તો ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવે છે. એટલે શિક્ષણની ગુણવતા કથળવાની હોય તો તે પાંચમા –આઠમાં નાપાસ થવાથી જ કથળે કે કોઈપણ ધોરણમાં ? હાલની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીના શિક્ષણનું મૂલ્યાંકન છે કે ગોખણપટ્ટીનું ? તે સવાલ પણ ઊભો જ છે. નો ડિટેન્શન પોલિસીનો ઉદ્દેશ ઉમદા હતો પણ તેના અમલમાં ગોબાચારી હતી. સતત પરીક્ષણ અને મૂલ્યાંકન નિષ્ફળ રહ્યું હતું. હાલની પરીક્ષા પદ્ધતિનો વિકલ્પ શોધવામાં કોઈને રસ ન પડ્યો. એટલે જેમ રાજ્યોનો મત આ નીતિ અંગે વહેંચાયેલો છે તેમ આ નીતિના લાભાલાભ અંગે પણ સમજવું રહ્યું. 

e.mail : maheriyachandu@Fgmail.com

Loading

ઓળખાણ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|13 February 2025

સંતુ નાના ગામમાં મોટી થઈ હતી. રૂઢિચુસ્ત ગામ અને ગામમાં માન્યતા એવી હતી કે દીકરીઓને ભણાવાય નહીં. દીકરીઓને ભણીને શું કામ છે. દીકરીઓને ક્યાં ક્યાં ય કમાવા જવાનું છે? એટલે સંતુને ભણવાનો મોકો મળ્યો નહોતો. જ્યારે ગગજી ચાર ચોપડી ભણી બાપા સાથે ખેતીનાં કામે લાગી ગયો હતો. ખેતી બહુ મોટી નહોતી એટલે ભાગિયા રાખવા પોસાય એમ નહોતા એટલે બાપાને મદદ કરવા અભ્યાસ છોડી ખેતી કરવા લાગ્યો હતો. સંતુને પોતે ભણી શકી નહોતી, તેનો અફસોસ હતો, એટલે દીકરા ગોપુને ખૂબ ભણાવી મોટો ઓફિસર બનાવવાની ઈચ્છા હતી.

“સાંભળો છો.” “હા, બોલ.” “આપણે ગોપુને ખૂબ ભણાવવો છે. હું ન ભણી શકી. તમે પણ ચાર ચોપડી ભણ્યા. આપણું તો ગાડું જેમ તેમ કરીને ગબડી ગયું પણ ગોપુને મારે ખેતી નથી કરાવવી.” “અરે! ગાંડી, આપણી એટલી હેસિયત ક્યાં છે કે ગોપુને શહેરમાં ભણવા મોકલી શકીએ. મારી ઈચ્છા તો તેને મારી સાથે ખેતીમાં કામે લગાડવાની છે એટલે એક મજૂરનાં પૈસા બચી જાય.” 

“ના, હો! મારે તો ભણાવવો છે. આપણે વધારે કામ કરીશું. હું પણ તમને મદદ કરીશ. મને કચ્છીભરત, સારું આવડે છે અને બધાને પસંદ પડે છે, એટલે એ કામ કરી હું તમને મદદ કરીશ. એમ કરીને ગોપુનો ભણવાનો ખર્ચ કાઢી લેશું. થોડી કરકસર કરીશું. મારે તો આગળ ભણવા માટે શહેરમાં મોકલવો છે.” “જેવી તારી ઈચ્છા.”

સંતુ અને ગગજી ખૂબ મહેનત કરવા લાગ્યા ને ગોપુને અભ્યાસમાં અને શહેરમાં રહેવાની કોઈ આર્થિક તકલીફ ન પડે એટલે પોતાની જરૂરિયાત ઓછી કરી કરકસરથી રહેતા હતા. શરૂ શરૂમાં ગોપુ વેકેશનમાં, રજામાં ઘરે આવતો જેથી ખર્ચમાં બચાવ થાય અને ગગજીને ખેતીમાં મદદ પણ કરતો. સંતુ અને ગગજી બંને ખૂબ ખુશ હતા.

ઘણા સમયથી ગોપુ ઘરે આવ્યો નહોતો અને કાંઈ ખબર પણ નહોતા. સંતુને ચિંતા થવા લાગી. “તમે ગોપુ પાસે આંટો મારી આવોને, મને ચિંતા થાય છે. હું તમને ગોપુને ભાવતો નાસ્તો બનાવી આપું.” “મારે અહીં ઘણું કામ છે ગોપુ અભ્યાસને લીધે નહીં આવ્યો હોય.” “ભલે તમે ગમે તે કહો મારું મન નથી માનતું તમે જાવ તો સારું.” “ભલે તારું મન કહે તેમ હું ગોપુ પાસે જઈ આવું.” સંતુએ ગોપુને ભાવતો નાસ્તો બનાવ્યો ગગજીને તાકીદ કરી કે ગોપુને નાસ્તો તમારા હાથે ખવરાવજો અને પૂછજો તારી માએ કેવો નાસ્તો બનાવ્યો છે? પૂછજો હો, દીકરાને વહાલ કરવામાં ભૂલી ન જતા.”

ગગજી ગોપુને મળવા શહેર જવા નીકળી ગયો. સંતુ ઘરમાં એકલી પડીને ભાવિ સપનાંમાં સરી પડી કે મારો ગોપુ મોટો ઓફિસર બની જશે પછી હું આ ખેતીનું કામ નહીં કરું અને ગગજીને પણ નહીં કરવા દઉં. દીકરાને ભણાવવા માટે આ તનને તોડી નાખ્યું છે, હવે સુખનાં દાડા આવે એટલે સુખ ભોગવી લેવાનું. મહેનત, મજૂરીમાં પોણી જિંદગી ખર્ચી નાખી છે. પછી તો ગોપુ માટે મોટા મોટા ઘરનાં માગા આવશે પણ હું એમ જલદી મારા ગોપુ માટે કન્યાની પસંદગી નહીં કરું. કન્યા પણ ગોપુની સાથે શોભે એવી હોવી જોઈએ. હવે અમારું ઘર પણ પાંચમાં પૂછાતું થઈ જશે! આમ સંતુ, ગગજી આવ્યો ત્યાં સુધી સપનામાં વિહરતી રહી, રાચતી રહી.

ગગજી પાસે ગોપુએ આપેલું સરનામું હતું એટલે હોસ્ટેલને શોધતા બહુ વાર ન લાગી. ઓફીસમાં ગોપુનો રુમ નંબર પૂછી ગગજી રુમ પાસે પહોંચી અંદર ડોકિયું કર્યું. ગોપુ પાંચ–સાત મિત્રો પાસે બેઠો હતો, ગગજીને જોઈને કહ્યું “બહાર બેસો હમણાં આવું છું.” ગગજી રુમ બહાર બાંકડા ઉપર બેઠો. “ગોપુ, કોણ આવ્યું છે?” “મારા ગામનાં મારા બાપનાં ઓળખીતા છે.” “શું કામ આવ્યા છે?” “ખબર નથી?” “ગોપુ તારા બાપા તો નથી ને?” “ના, રે! ના.” “તો તારા બાપાએ આવા લઘરવઘર ગામડિયાંને શું કામ તને મળવા મોકલ્યો?” ગગજીએ આ વાત સાંભળી અને સમજી ગયો કે ગોપુએ મારી ઓળખાણ બાપા તરીકે નહીં પણ ગામનાં બાપાના ઓળખીતા તરીકે આપી છે. ખૂબ ગુસ્સો આવ્યો. અંદર જઈને બે ધોલ મારીને કહેવાનું મન થયું કે હું તારા બાપનો ઓળખીતો ગામડિયો નહીં ખુદ તારો બાપ છું. પછી વિચાર્યું કે ખુદ દીકરો જ જો મારી સાચી ઓળખાણ આપવા માગતો ન હોય તો બીજા ક્યાંથી ઓળખશે. અમારા સંસ્કારમાં ક્યાં કચાશ રહી ગઈ, લાગે છે. નહીંતર આવું ન બને. ગગજીનું મન ખાટું થઈ ગયું હતું.

ગગજી ગોપુને મળ્યા વગર ઊભો થયો અને સડેડાટ દોડી બસ સ્ટેન્ડે પહોંચી ગામ જતી બસમાં બેસી ગયો. બસમાં વિચારતો હતો કે સંતુને શું જવાબ આપીશ, નાસ્તા વિશે, ગોપુ વિશે, અને અભ્યાસ વિશે પૂછશે તો? આ બધાં સવાલના જવાબ મારી પાસે ક્યાં છે. આ ગડમથલ અને વિચારમાં ગામ ક્યારે આવી ગયું ખબર ન પડી.

ગામના પાદરે ઉતરી લીમડાનાં થડે બેસી વિચારતો હતો ત્યાં મહાદેવનાં મંદિરનાં ઘંટનો અવાજ સંભળાયો, વિચાર્યું, ચાલ મહાદેવને પૂછું કે અમારી ગોપુ માટેની તપસ્યાનું આવું ફળ કેમ મળ્યું? અમારા ઉછેરમાં શું ભૂલ થઈ? સંતુનાં સપનાંનાં વાવેતરમાં કાંટા કેમ ઉગ્યા? મહાદેવને ફરિયાદ કરી પગથિયા ઉતરતા ઉતરતા ગગજીની નજર લાઈનમાં બેઠેલા ભિક્ષુકો ઉપર પડી અને તેને સંતુએ ગોપુ માટે આપેલા નાસ્તાનું શું કરવું એ રસ્તો સુજી ગયો. ગગજીએ બધો નાસ્તો ભિક્ષુકોમાં વહેંચી દીધો. ભિક્ષુકોને સંતુએ ગોપુ માટે બનાવેલો નાસ્તો ખાતા જોઈને મન તૃપ્ત થઈ ગયું.

“આવી ગયા? કેમ છે મારા ગોપુ ને? નાસ્તો ભાવ્યો ને? ગોપુને નાસ્તો ભાવ્યો જ હોય. માના હાથનો નાસ્તો કોને ન ભાવે. તબિયત સારી છે ને?” “અરે! અરે! મને શ્વાસ તો લેવા દે.” ગગજીએ સંતુને નિરાંત થાય એવી વાત કરી પણ સાચી વાત ન કરી. ગગજી સંતુનો ભ્રમ અને ગોપુ ઉપરનો વિશ્વાસ તોડવા નહોતો માગતો, બસ આમ જ “બાંધી મુઠ્ઠી લાખની” રાખવા માગતો હતો.

સંતુએ આજે જીદ્દ કરી મારે ગોપુને મળવા જવું જ છે ઘણા દિવસથી આવ્યો નથી કે મળ્યો નથી. ગગજી મુંઝાણો હવે શું! કરવું. સંતુ માટેની ગોપુ જે ઓળખાણ આપશે એ સંતુ સહન નહીં કરી શકે અને શહેરથી ગામ લાવવી ભારે પડશે. ગગજીએ સંતુને સમજાવવા બહુ પ્રયત્ન કર્યા પણ સંતુ એકની બે ન થઈ! અંતે ગગજીએ સંતુને સાચી હકીકત કહી દેવાનું નક્કી કર્યુ.

ગગજીએ સંતુને પાસે બેસાડી, “જો સંતુ, તું ગોપુને મળવા જવાની જીદ્દ છોડી દે. આપણો ગોપુ શહેરની ભીડમાં ખોવાઈ ગયો છે. એ તને અને મને નહીં ઓળખે.” ગગજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. “કેમ એમ બોલો છો? મને માંડીને વાત કરો.” ગગજીએ બધી વાત કરી. સંતુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. “મારી જીદે તમારી જિંદગીનો આનંદ લૂંટી લીધો. તમારી પાસે એકલું કામ જ કરાવ્યું. મને માફ કરી દ્યો.” “અરે! તું શું કામ માફી માગે છે. સપનું તો આપણા બંનેનું હતું, ન પૂરું થયું. બધાં સપનાં પૂરા થાય જ એવું થોડું છે. તું ને હું ક્યાં જુદા છીએ. હજી મારા બાવડામાં બળ છે. આપણે બે સાથે જીવીશું ને મરીશું.” સંતુ દોડીને ગગજીની બાહોમાં સમાઈ ગઈ, ગગજીએ મન મૂકીને સંતુને રડવા દીધી, જેથી તેનું મન હળવું થઈ જાય. પણ દીકરાએ આપેલ ઓળખાણમાં અટવાયેલો ગગજી મન હળવું કરવા ક્યાં જાય …..

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

...102030...438439440441...450460470...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved