Opinion Magazine
Number of visits: 9843968
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યક્તિમાત્રનું ગૌરવ થતું હોય તેવા સમાજ માટે શું કરવું જોઈએ?

રમેશ સવાણી|Opinion - Opinion|13 February 2025

જયંતીલાલ કે પટેલ

જ્યાં સુધી વ્યક્તિએ સેક્યુલર વલણ આત્મસાત્ કર્યું ન હોય, સમાજની પ્રથાઓ સેક્યુલર ન હોય; તો રાજ્ય ક્યાં સુધી, કેટલાં અંશે અને કેવી રીતે સેક્યુલર રહી શકે? હકીકતમાં જ્યાં સુધી સમાજમાં તથા એકંદર માનવીના વૈયક્તિક જીવનમાં ધર્મ ગૌણ ન બન્યો હોય, તેના પ્રત્યેની પ્રતિબદ્ધતા પાતળી પડી ન હોય, ધર્મ સમાજજીવનમાં માર્જિનલાઈઝ્ડ બન્યો ન હોય અથવા સમાજના મુખ્ય પ્રવાહ પરથી તેનો પ્રભાવ દૂર થયો ન હોય ત્યાં સુધી સેક્યુલર રાજ્ય પણ સંભવિત નથી. યુરોપીય દેશોમાં બધી વ્યક્તિઓએ ધર્મ ત્યજ્યો છે તેવું નથી, પણ ધર્મ તથા ધાર્મિક માન્યતાઓ, મુખ્ય પ્રવાહના અંગરૂપ નથી, ધાર્મિક રિવાજો પણ ઔપચારિક ઉજવણી – તે પણ વર્ષમાં માંડ બે–એક પ્રસંગે જોવા મળે. ધર્મ તથા ધર્મની વાતોને ગંભીરતાથી લેનારી વ્યક્તિઓ ત્યાં પણ છે, પરન્તુ તેમની સંખ્યા જૂજ છે અને તેઓ ભાગ્યે જ ધાર્મિક આદેશો અનુસાર કાયદા ઘડવા જોઈએ તેવો આગ્રહ કરી શકે છે. ટૂંકમાં, ત્યાં ધાર્મિક વ્યક્તિઓ અને ધર્મ માર્જિનલાઈઝ્ડ થઈ ગયાં છે. 

અહીં, પ્રથમ એ સવાલ થાય કે ધર્મને આવી રીતે દેશનિકાલ કરવાની શી જરૂર પડી? ધર્મની વાતોમાં એવું શું છે કે સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજ રચવા માટે તેને બાજુએ રાખવાનું મુનાસીબ ગણવામાં આવ્યું? ધર્મના કારણે એવી તો કેવી પરિસ્થિતિ પેદા થઈ કે તેને કોરાણે મૂકવાનું આવશ્યક બન્યું? અને સેક્યુલર વ્યવસ્થાની હિમાયત કરવાની જરૂર કેમ પડી? માનવજાતના ઇતિહાસ પર નજર કરતાં આ પ્રશ્નોના ઉત્તર સરળતાથી મળી રહે છે; ઉપરાંત, ધર્મના કારણે વૈચારિક ક્ષેત્રે તેમ જ, જ્ઞાનપ્રાપ્તિના ક્ષેત્રો જે બંધિયાર તથા અવરોધક સ્થિતિ સર્જાઈ હતી, તેમાં આ ધાર્મિક વર્ચસ્વ સામેના વિદ્રોહનો પાયો જોઈ શકાય છે. ધાર્મિક વાડાઓને કારણે માનવસમૂહોમાં ફાલેલી જૂથબંધી, વેર–ઝેર, દમન અને અન્યાય (વર્ણવ્યવસ્થા, સ્ત્રી–પુરુષ સમાનતા) તથા માનવએકતા, અરે, એક રાષ્ટ્રનિર્માણના કાર્યમાં પણ જે મુસીબતો પડતી હતી તેને કારણે ધર્મને જાકારો આપવો જરૂરી બન્યું હતું. અલબત્ત, ધર્મે બધું ખોટું જ કર્યું છે એમ ના કહી શકાય. એક સમયે તેણે માનવસમાજને આવશ્યક સ્થિરતા, નિયમપાલન વગેરેમાં ફાળો આપ્યો હતો, પરન્તુ ધીરે ધીરે તેણે જે સ્વરૂપ અખત્યાર કર્યું તથા તેની કામગીરી વધુ કાર્યક્ષમ રીતે ઉપાડી લે તેવાં તંત્ર રચાતાં તેની ઉપયોગિતા ઘટી અને હાનિકારક પાસું જ તેમની પાસે રહ્યું. 

પ્રથમ તો આપણે કેવો સમાજ નિર્માણ કરવા માગીએ છીએ તેની સ્પષ્ટ કલ્પના હોવી જોઈએ. આ સમાજનાં લક્ષ્યો, આદર્શો અને સંબંધો તથા વ્યવહારો વિશેનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. ત્યારબાદ તે કેટલે અંશે સેક્યુલર વ્યવસ્થા અને સંસ્કારો સાથે સુસંગત છે તે જોવું જોઈએ. તદુપરાંત, આવા સમાજ માટે માનવીમાં કેવાં સંસ્કારો અને વલણ દૃઢ કરવાં જોઈએ તે સમજી લેવું જોઈએ; કારણ કે, છેવટે વ્યક્તિનાં વલણો અને સંસ્કારો તેના વર્તન અને વ્યવહારને ઘડે છે. વ્યક્તિના વર્તન દ્વારા સમાજનાં વ્યવહારો, તંત્ર અને પ્રથાઓ સંચાલિત થાય છે. એટલે કે, વ્યક્તિમાં આપણે એવાં સંસ્કાર અને વલણ સિંચવાં જોઈએ, પ્રેરવાં જોઈએ, જે આપણી કલ્પના અનુસારના સમાજને સમર્થક હોય. જો આપણે એવા સમાજની કલ્પના કરતાં હોઈએ કે જેમાં વ્યક્તિમાત્રની શક્તિઓને મુખરીત થવાની મોકળાશ હોય; વ્યક્તિમાત્રનું ગૌરવ થતું હોય; સૌ સમાન હોય; દરેક વૈચારિક મુક્તિ ધરાવતો હોય; કોઈનું શોષણ કે દમન ન થતું હોય; દરેક વ્યક્તિને પોતાની આવશ્યકતાઓ સંતોષવા માટે માર્ગો સુલભ હોય; ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, પ્રદેશ, રાષ્ટ્ર જેવાં જન્મજાત બંધનોથી ઊભા થતા સંકીર્ણ વાડાઓમાં માનવીનું વિભાગીકરણ થયું ન હોય; વ્યક્તિનું મૂલ્યાંકન જન્મજાત લક્ષણોથી નહીં, પરન્તુ તેણે પ્રાપ્ત કરેલા ગુણો દ્વારા થતું હોય. જૂથવાદના પૂર્વગ્રહો કે વેરઝેર ન હોય. માનવી પરસ્પર સહયોગ અને ભાઈચારાથી જીવતો હોય. મતભેદ હોય પણ મનભેદ ન હોય. માનવી માનવી વચ્ચે, તેના હાથ બહારનાં કે જન્મગત લક્ષણોને કારણે વેરો–આંતરો ન હોય. આ એક વિશ્વસમાજનું કલ્પન છે, વિશ્વમાનવનું કલ્પન છે. આ કલ્પનમાં સેક્યુલર સમાજ વ્યવસ્થાના, સેક્યુલર વલણ ધરાવતાં માનવીનાં, લક્ષણો સૂચિત છે. સેક્યુલર રચનાનું આપણું કલ્પન આ ચિત્ર સાથે સુસંગત હોય તો આપણે એવી તંત્રરચનાઓ (સ્ટ્રક્ટર્સ), પ્રથાઓ (ઈન્સ્ટિટ્યૂશન્સ) અને વલણ તથા સંસ્કારોને (કલ્ચર) દૃઢ કરવાં જોઈએ, પ્રેરવા જોઈએ, જે આ ચિત્રને યથાર્થ બનાવે. સમાજની તંત્રત્રરચના અને પ્રથાઓ તથા વ્યક્તિનાં વલણ અને સંસ્કારો એકબીજાને પ્રભાવિત કરતાં હોય છે. આ ત્રણેની ગુંથણીમાંથી સમાજનું પોત રચાય છે, સામાજિક સ્થિરતા સર્જાય છે; પરન્તુ આ ગુંથણીથી રચાતી વ્યવસ્થા માનવપ્રગતિ માટે આવશ્યક પાયાનાં મૂલ્યો સાથે સુસંગત ન હોય ત્યારે વ્યક્તિ વિદ્રોહ કરી નવાં મૂલ્યો અને તેને અનુરૂપ તંત્ર અને પ્રથાઓ સ્થાપવા સંઘર્ષ કરે છે. તેમ જ બાહ્ય પરિબળો કે નવી અપેક્ષાઓ તથા ઉપરથી આવતા તંત્રગત પરિવર્તનને કારણે પણ પરિવર્તનનાં ચક્રો ગતિશીલ બને છે. ક્યારેક આ બન્ને એક સાથે પણ આવે છે, પરન્તુ છેવટે સમાજની રચના કે પ્રથાઓ પાછળનાં મૂલ્યો અને વ્યક્તિનાં વલણ તથા સંસ્કારો માનવ પ્રગતિને પ્રેરક હોય; સ્વતંત્રત્રતા, સમાનતા અને બંધુત્વને સમર્થક હોય તો જ સ્થિર અને ન્યાયી સમાજ રચી શકાય. સેક્યુલર સમાજ કે માનવીને આકાર આપવા માગતી વ્યક્તિઓએ એવાં તંત્ર કે પ્રથાઓનું સમર્થન કે નિર્માણ કરવું જોઈએ, જે સેક્યુલર મૂલ્યોની નિકટ હોય; વ્યક્તિમાં એવાં વલણો કે સંસ્કારોનું સમર્થન નિર્માણ કરવું જોઈએ, જે સેક્યુલર હોય, તેમ જ સેક્યુલર લક્ષ્યથી વિરોધી કે તેને અવરોધક પરિબળોને નાબૂદ કરવા મથવું જોઈએ. તંત્રની રચના અને તેનું સંચાલન કરતી પ્રથાઓ માનવ નિર્મિત છે. વ્યક્તિનાં વલણો અને સંસ્કારો પણ માનવી દ્વારા ઘડાય છે, આમ બન્નેમાં કેન્દ્રસ્થાને માનવી છે. આથી, વ્યક્તિનાં વલણો અને સંસ્કારોમાં પરિવર્તન લાવવામાં આવે તો ક્રાંતિકારી પરિવર્તન માટેનાં દ્વાર ખૂલી જાય છે. તંત્ર અને પ્રથાઓ મહત્ત્વનાં છે, તેમની શક્તિ ઓછી આંકવી જોઈએ નહીં.  

[પ્રાધ્યાપક જયંતી પટેલ]

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એને અજવાળે 

સુશીલા મણિલાલ ગાંધી|Gandhiana|13 February 2025

હસાવતું કોમળ મુક્ત હાસ્ય 

આનંદ વર્ષા ઝડીઓ ઝરી રહે. 

આંખે ભર્યો પ્રેમ તણો પ્રકાશ

ચમકાવતો માનવ મેદની વહે 

અને અંતરેથી તપ વારિ કેરા

અનેક ધારે ઊડતા ફૂવારા

સુશીલા મ. ગાંધી

એ પ્રેમળ મુક્ત હાસ્ય આપણી સમક્ષથી સદાને માટે લુપ્ત થયું. અને પંચ મહાભૂતોમાં વિલિન થયું. મહાત્મા ગાંધીને જગતે ઘણી અંજલિઓ આપી. એમના જીવન જેટલા જ એમના બલિદાને એમને મહાન બનાવ્યા, એમની મહત્તા વધી. લોકોએ એમની મહત્તા જોઈજાણી હતી. એમનું જીવન ઉઘાડી કિતાબ હતું. જો કે ઘણા તેમના વિચારો, તેમનાં કાર્યો, લખાણો, સમજી નહોતા શક્તા. છતાં સર્વેને મન તેઓ એક મહાન અદ્ભભુત વ્યક્તિ – મહાત્મા ગાંધી હતા.

બાપુને જેમ જગત મહાન યુગ પુરુષ માને છે તેમ અમે પણ માનીએ છીએ. બાપુ જ્યારે ટોળાંઓથી ઘેરાએલા હોય અથવા કામ કરતા હોય ત્યારે અમને એમ લાગતું કે બાપુ અમારાથી ઘણા દૂર છે—બાપુ મહાત્મા છે—તેઓ એવી ટોચ ઉપર છે કે જ્યાં જવું અમારે માટે અશક્ય છે ત્યારે શ્રદ્ધાથી તેમનાં ચરણોમાં અમે બેસતાં, અને જ્ઞાન શ્રવણ કરતાં. પણ જ્યારે બાપુ સૂવા જતા અથવા જમતા એકલા હોય ત્યારે અમે પાસે બેસતાં, પગ દાબતાં, ત્યારે અમને લાગતું કે અમે અમારા બાપુ પાસે છીએ. ત્યારે અનેક મીઠી મશ્કરીઓ જેમ બાળક મા પાસે કરે તેવી કરતાં. અનેક લાડ કરતાં. આવે સમયે જ બાપુ પાસે રહેનારને બાપુનો મીઠો પ્રેમ મળતો.

ગાંધીજીના બે રૂપ હતાં. એક મહાત્મા ગાંધીનું વિશાળ રૂપ અને બીજું અમારા વ્હાલસોયા બાપુનું સુક્ષ્મ રૂપ. મહાત્મા ગાંધીને ઘણાએ જાણ્યા છે. પણ બાપુને જાણવાનો લ્હાવો થોડાને મળ્યો છે.

બાપુ અમારાં બાળકોના પ્રેમાળ દાદા હતા, અંધકારમાં ઘેરાએલા માર્ગના તે માર્ગદર્શક દીપક હતા. અને અમારા કુટુંબના—અને કુટુંબ એટલે ફકત અમે જ નહીં પણ તેમનો વિશાળ પરિવાર – કે જેઓએ તેમને બાપુ માન્યા હતા તેમના – પૂજનીય વડીલ હતા.

બાપુ હંમેશાં ઘણાં કામમાં રહેતા. અમને વાતો કરવાનો ભાગ્યે જ વખત મળતો. ઘણી વાર અમને એવી ભ્રમણા થતી કે અમારા બાપુને જનતાએ અમારી પાસેથી ખૂંચવી લીધા છે. પણ તેમનો અમારા પ્રત્યેનો અતૂટ પ્રેમ – અમારે માટેની તેમની ચિંતા અમારી ભ્રમણા ભાંગતી. અસંખ્ય કામમાં પણ અમે ક્યાં જઈ રહ્યાં છીએ, શું કરીએ છીએ, અમારાં બાળકો કેમ ઊછરે છે, તેમના ખાવાપીવા-શરીર આરોગ્ય અને ભણતર વિગેરેની સતત કાળજી રાખતા. અને જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યારે અમને સલાહ, ઠપકો કે હિમ્મત આપતા. અમારા ખબરો જાણવા તેઓ હંમેશાં આતુર રહેતા. નોઆખલીની યાત્રા વખતે ઘણે લાંબે ગાળે મેં પત્ર લખ્યો. અને તેમાં ઘણે વખતે પત્ર લખ્યાનું કારણ જણાવ્યું, કે “આપ ઘણા કામમાં રહો છે. પત્ર લખી તસ્દી આપવાની ઈચ્છા ન થઈ.”

તેના જવાબમાં બાપુએ લખ્યું કે “મારા ઉપર દયા ખાઈને કાગળ લખવામાં સંકોચ ન રાખો. કોઈ બાપને મેં જાણ્યો નથી જે પોતાના દીકરા દીકરીના કાગળોથી કંટાળે. તમારા કાગળોથી અને તમને મળીને સ્વાભાવિક જ મને આનંદ થાય.”

આમાં તેમનો કેટલો પ્રેમ નીતરે છે! આજે એવા અસંખ્ય મીઠા પ્રસંગો આંખ આગળ તરે છે અને આંખ ભીની થાય છે.

[11 ફેબ્રુઆરી 2025]

•

સૌથી પહેલું મીઠું સ્મરણ મેં નવા સંબંધી તરીકે આશ્રમમાં પ્રવેશ કર્યો, ત્યારનું આજે આંખ આગળ ખડું થાય છે. બાપુ સાથે સંકળાયેલાં મારાં છેલ્લાં એકવીસ વર્ષનાં જીવન સ્મરણો આંખ સામેથી ચિત્રપટની જેમ સરી જાય છે. મેં જ્યારે નવવધૂ તરીકે આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે અનેક કામમાં હોવા છતાં બાપુએ જોઈ લીધું કે ત્યાંની બાફેલી રસોઈ મારે ગળે નથી ઊતરતી. મને નજીક બોલાવી પ્રેમભરી વાણીમાં જણાવ્યું : “સુશીલા, હું તારો સસરો નથી. બાપુ જ છું. તારે મને વગર સંકોચે તારી જરૂરિયાતો જણાવવી જોઈએ.” મારા પતિને બોલાવી મીઠો ઠપકો આપતા કહ્યું, “મેં તને પરણાવ્યો. હવે તારે સુશીલાને સંભાળવી જોઈએ. પારકી દીકરી લાવ્યા છીએ. તે કોચવાય નહીં એ જોવાનું તારે રહ્યું.”

મણિલાલ અને સુશીલા ગાંધી

હું ક્ષણભર વિચારમાં પડી. બાપુને આ પ્રસ્તાવના કરવાની શી જરૂર પડી ? ત્યાં બાપુએ મને કહ્યું, “હું જોઈ રહ્યો છું કે તું અહીં બરાબર ખાઈ નથી શકતી. તને આવું ખાવાની ટેવ નહીં’ હોય.” પછી હાસ્ય સાથે, વિનોદ કરતાં કહ્યું, ‘તું તો મોટા ઘરની દીકરી, રોજ પંચ પકવાન ખાતી હશે. પણ મેં તો તને પહેલાં જ જણાવ્યું છે ના કે હું ફકીર છું ?!” અને ગંભીર થતાં ઉમેર્યું : “તને આ ન ફાવે એ હું સમજી શકું છું. અહીં જે ખાનગી રસોડાં છે તેમાં તારી ગોઠવણ હું કરી દઈશ.” મેં સંકોચ સાથે જણાવ્યું : “બાપુ, હું અહીં જ જમીશ. ધીમે ધીમે ભાવતું થશે.” બાપુના ચહેરા ઉપર આનંદ ઝળહળી ઊઠ્યો. તેમણે સંતોષ સાથે કહ્યું : “મને એ બહુ ગમ્યું.” 

એમનો એ આનંદ, એ હાસ્ય, અમને ઘણાં કામો કરવા પ્રેરતાં. એ બાફેલી રસોઈ મને મિષ્ટાન્નથી યે વધારે મીઠી લાગવા માંડી.

અમારાં બાળકોને પ્રેમથી પડખામાં બેસાડતાં. હાસ્ય વિનોદ કરતા, શિખામણો આપતા – ભલે ને બે મિનિટ જ; પણ અમને એ મિનિટો ધન્ય લાગતી. અમે હિન્દુસ્તાનમાં હતાં ત્યારે અમારા બે મોટાં બાળકો – સીતા અને અરુણની – અભ્યાસની જાતે પરીક્ષા લીધી; અને શું શું સારું છે ,શું શું સુધારવાની જરૂર છે એની નાની મોટી સૂચનાઓ આપી. 

અમારી સૌથી નાની દીકરી હંમેશાં બાપુ પાસે દોડી જતી અને વિનોદ કરી આવતી. એક વાર બાપુ લખી રહ્યા હતા. ઇલાએ જઈ બાપુને પૂછ્યું, “બાપુજી, તમે નાના હતા ત્યારે પણ બધાં તમને બાપુ કહેતાં?”

બાપુ હસ્યા, અને રમૂજથી કહ્યું. “ના, ત્યારે તો કોઈ મોહન કહે તો કોઈ મોહનિયો કહે.” ઇલાને ખૂબ મજા પડી. તેણે તો “મોહનિયો, મોહનિયો” કહી નાચવા માંડ્યું. તેનો વિનોદ જોઈ બાપુનું મુક્ત હાસ્ય ૫ણ ખીલી ઊઠ્યું.

[12 ફેબ્રુઆરી 2025]

•

આશ્રમમાં અમારાં એક બાળકને તાવ આવ્યો. બાપુને ખબર પડતાં જ મને બોલાવી, ઝીણી ઝીણી ખાવાપીવાની અનેક સૂચનાઓ આપી. તાવ સાવ સાધારણ હતો; છતાં બાપુની ચિંતા મેં જોઈ. તાવે તો બીજે જ દિવસે અરુણને છોડ્યો. પણ બાપુના પંજામાંથી તે પાંચ છ દિવસ ન છૂટ્યો. પાંચ છ દિવસ ઉપવાસ કે અર્ધ ઉપવાસ ઉપર તેને રાખ્યો હતો. મહા મહેનતે કજિયા કરી છઠ્ઠે દિવસે તેણે બાપુના ખાખરામાંથી એક ખાખરો ખાવાની રજા મેળવી. મેં વિનોદમાં બાપુને કહ્યું, “બાપુ!  હું જો માંદી પડું તો તમને તો જણાવું જ નહીં.” બાપુએ ફક્ત હસતાં હસતાં ડોક હલાવી. જાણે કહેતા ન હોય, “જોઈ લઈશ.”

બાપુ આજે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. આપણે ફરી કદી તેમને જોવા નથી પામવાના. તેમનો પ્રેમાળ હાથ આશીર્વાદ આપતો ફરી આપણા વાંસાને ઠપકારવાનો નથી. છતાં બાપુ આપણાં હૃદયમાં સદા અમર જ રહેશે.

બાપુ પાસે રહેનારને હંમેશાં તલવારની ધારે ચાલવું ૫ડતું. તેઓની ભૂલોનું પ્રાયશ્ચિત બાપુ પોતે જ કરતા. આવા અનેક પ્રસંગોએ સાથીઓને આંસુ પણ સારવા પડતા. સદ્ગત મહાદેવભાઈ જેવાને પણ આંસુ સારવા પડ્યા હતા. સાથીની ભૂલથી બાપુને ઘણું દુ:ખ થતું. તેઓ કદી ગુસ્સે ન થતા. પણ તેમનાં દુઃખભર્યાં વેણ હૃદયમાં સોંસરવા ઊતરી જતાં અને માણસને હંમેશ જાગૃત રાખતા. પોતાની પાસે રહેનારની ઉપર તેઓ ખૂબ કડક રહેતા. એ જ ન્યાય તેમણે હિન્દુ-મુસ્લિમ ઐક્ય માટે લીધો, અને તે એમનો પ્રાણ હરનાર થઈ પડ્યો. મારનારે ધર્મની રક્ષા જરૂર કરી; પણ તે હિન્દુ ધર્મની નહી પણ કંસના ધર્મની.

શ્રીકૃષ્ણને બાળપણથી અનેક કાવતરાં કરી મારવાનો પ્રયત્ન થયો હતો. પણ અંતકાળે પારધીના બાણથી તેમનો દીપક બુઝાયો.

બાપુ માટે પણ તેમ જ બન્યું. આ દેશમાં (દક્ષિણ આફ્રિકામાં) સેવા સ્વીકારી ત્યારથી તેમના ઉપર પ્રાણ હરનારા અનેક હુમલાઓ આ દેશમાં અને હિન્દમાં થયા. પણ આ બલિદાને તેમને કૃષ્ણ અને ઈશુની પંક્તિમાં બેસાડી તેમની અમરતા ઉપર મહોર મારી; અને બાપુ અમર થયા. બાપુને અનેક રૂપે જનતાએ નિહાળ્યા એમ એક કવિ કહે છે :

“પિતા છો દિવ્ય ક્રાંતિના વિરાટ નવયુગના, 

ને છો માતા, અહિંસાની ગોદે જગ લપેટતા, 

બધું છો સૌ ગુલામોના, દેવ છો દુ:ખીયા તણા,

આશા છો વિશ્વ આખાની, છો સર્વસ્વ જ હિંદના.”

અમારા પણ સર્વસ્વ જ હતા તે જતાં અમે આજે અનાથ થયાં છીએ.

એમનાં અનેક મીઠાં સ્મરણો અમારે માટે અને અમારાં બાળકો માટે એક અમૂલ્ય ખજાનો છે; તે સદા અમને બળ અને પ્રોત્સાહન આપતો રહેશે અને અમારી શ્રદ્ધાને અચળ રાખશે. આવા યુગપુરુષના યુગમાં જન્મવા માટે અને તેમની થોડી સેવા કરવા માટે અમે ખરે જ ભાગ્યશાળી છીએ. પણ ખરાં ભાગ્યશાળી ત્યારે જ થશું જ્યારે તેમણે બતાવેલે માર્ગે ડગ ભરતાં ભરતાં તેમના આશીર્વાદને લાયક થઈશું.

13 ફેબ્રુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 238, 239 તેમ જ 240

Loading

ઉમદા માનવવાદીની વિદાય !

રમેશ સવાણી|Opinion - Opinion|13 February 2025

જ્યારે કોઈ ક્રૂર ઘટના બને ત્યારે આપણા મોઢામાંથી શબ્દો સરી પડે છે કે ‘એનામાં જરા પણ માનવતા નથી !’ આ માનવતા એટલે સંવેદના / લાગણી / દયા. શું માનવતામાં માનવવાદ આવી જાય છે? ના; પરંતુ માનવતા / દયા / કરુણા વગેરે સારા ગુણો માનવવાદી વિચારધારામાં છે જ. માનવતા-humanity’ અને ‘માનવવાદ-Humanism’માં મોટો ફરક છે ! માનવવાદ અને માનવતાને કેટલાંક લોકો એક જ માને છે; તે ગેરસમજ છે. માનવવાદી સંકીર્ણ હોતો નથી; જ્યારે માનવતા સંકીર્ણ હોઈ શકે છે. માનવવાદમાં સીમા નથી; જ્યારે માનવતામાં સીમાઓ જોવા મળે છે. માનવવાદીઓ માટે આફ્રિકન / અમેરિકન / યુરોપિયન / રશિયન / કોરિયન એવા ભાગલા હોતા નથી; કાળા-ધોળાના કે ઊંચનીચના ભેદભાવ હોતા નથી; ઊચ્ચ વર્ણ કે શૂદ્ર વર્ણ હોતા નથી. જ્યારે માનવતામાં આવા ભાગલા હોઈ શકે છે. માનવવાદીમાં માનવતાનું તત્ત્વ તો હોય છે; પણ તે વિશાળ હોય છે. સંકુચિત સંપ્રદાયો / સંકુચિત સ્વામિઓ / બાપુઓ પણ માનવતાના કાર્યો કરતા હોય છે; અને તેમાં પોતાના વર્તુળ પૂરતી જ માનવતા દેખાય છે; તેમાં વર્ણ મુજબ ભેદભાવ જોવા મળી શકે. જ્યારે માનવવાદીની દૃષ્ટિએ દરેક માનવ સરખા હોય છે. માનવતા ભેદભાવવાળી હોય છે. મનુસ્મૃતિમાં માનનારાઓમાં પણ માનવતા હોય છે;

પ્રો. જયંતીલાલ કે. પટેલ

પરંતુ માનવવાદી દૃષ્ટિકોણનો અભાવ હોય છે. તેથી માનવવાદીઓ મંદિર / મસ્જિદ / ચર્ચનો વિરોધ કરે છે અને શાળા / મહાશાળા / હોસ્પિટલની તરફેણ કરે છે. પોતાના ધર્મ / વર્ણના લોકોની હત્યા થાય ત્યારે માનવતાવાળાની સંવેદના વધુ જાગે છે ! જ્યારે કોઈની પણ હત્યા થાય ત્યારે માનવવાદી દુ:ખ અનુભવે છે. પૂરમાં / ભૂકંપમાં નિરાધાર થયેલને તેમના ધર્મ / વર્ણના આધારે મદદ કરાય તેમાં માનવતા છે; પણ માનવવાદી દૃષ્ટિકોણની ગેરહાજરી છે. સમસ્યાનો ઉકેલ માનવતા પાસે નથી, માનવવાદ પાસે છે !

પ્રોફેસર જયંતી પટેલ કહે છે : “માનવતાવાળા ઈરરેશનલ હોઈ શકે છે; ધર્મચુસ્ત હોઈ શકે છે; સાંપ્રદાયિક હોઈ શકે છે; કટ્ટર હોઈ શકે છે; હિંસક હોઈ શકે છે. જ્યારે માનવવાદીઓ સેક્યુલર / રેશનલ હોય છે; તે કટ્ટરતા અને હિંસાથી સો કિલોમિટર દૂર રહે છે. માનવવાદીઓ લિંગ, રંગ, ધર્મ, રાષ્ટ્ર, વર્ણ કે તેવા કોઈ ભેદભાવ વિના દરેક વ્યક્તિનું ગૌરવ કરવાનો આગ્રહ રાખે છે. માનવવાદ સમગ્ર માનવજાતના સંદર્ભમાં આચાર-વિચાર કરે છે, તે કોઈ કોમ, ધર્મ, રાષ્ટ્ર જેવી વાડાબંધીને સ્વીકારતું નથી. માનવવાદીઓ કાલ્પનિક ઈશ્વરને બદલે કુદરત / પ્રકૃતિમાં માને છે. જ્યારે માનવતાવાળા ઈશ્વર / ખુદા / ગોડ / માતાજીઓ / દેવ-દેવીઓ /ગુરુઓમાં માનતા હોય છે. ‘માનવવાદીઓ માને છે કે વિશ્વનું તથા માનવીનું સર્જન પ્રાકૃતિક પરિબળોની નીપજ છે. તેમાં કોઈ અલૌકીક વ્યક્તિ કે શક્તિનો હાથ નથી. સૂર્ય હિન્દુ કે મુસ્લિમ માટે ઊગતો નથી. સૂર્યનું ઊગવું અને આથમવું તે પ્રાકૃતિક નિયમો અનુસાર થાય છે; તેમાં કાર્ય-કારણનો સંબંધ રહેલો છે. એટલે કે કોઈ અલૌકિક વ્યક્તિ કે શક્તિની મનસ્વી ઈચ્છા કે આદેશ મુજબ તેનું સંચાલન થતું નથી.”

હું 1998માં અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર હતો ત્યારે એક કૌટુંબિક પ્રસંગે જમવાનું આમંત્રણ મેં જયંતીભાઈને આપ્યું ત્યારે તેમણે પૂછ્યું : ‘કેટલાં સભ્યો હશે જમવામાં?’ મેં કહ્યું કે ‘40 જેટલાં હશે.’ તેમણે કહ્યું કે ‘મેં નિર્ણય કરેલો છે કે કોઈ પણ સામાજિક પ્રસંગમાં 30 સભ્યો સુધી સંખ્યા હોય તો જ હું જમવા જાઉં છું !’

એ સમયે મેં માનવવાદી / રેશનલ વિચારધારાનો વાસ્તવમાં અમલ થતો જોયો. એ પછી જયંતીભાઈને તેમના નિવાસસ્થાને મળવાનું થતું. છેલ્લે 29 ડિસેમ્બર 2022ના રોજ તેમના નિવાસસ્થાને મળવાનું થયું હતું. અને આ વખતે તેમને મળ્યા વિના અમેરિકા જવું નથી એવું નક્કી કર્યું હતું.

આ એ જયંતીભાઈ હતા જેમણે કહેલ કે “ગુજરાત યુનિવર્સિટીમાં હું રાજ્યશાસ્ત્ર વિભાગનો હું વડો હતો અને તે સમયે નરેન્દ્ર મોદી નામના કોઈ વિદ્યાર્થી રાજ્યશાસ્ત્ર વિષયમાં ભણતા ન હતા !”

રાજ્યશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના વિશારદ. વૈજ્ઞાનિક અભિગમને અપનાવી ભણતર અને ગણતર બન્નેનું કાર્ય રાજ્યશાસ્ત્ર અને રેશનાલીઝમ વિષયક પંદરેક પુસ્તકોનાં લેખન દ્વારા તેમણે કર્યું છે. તેમની આત્મકથા ‘ઝૂમવું ને ઝઝૂમવું તે જીવવું’ યુવાનોએ વાંચવા જેવી છે. તેમનું એક પુસ્તક ‘સામુદાયિક રાજકીય હિંસા : પ્રક્રિયા-વિશ્લેષણ’ 1986માં પ્રસિદ્ધ થયેલ જે 2025માં વધુ પ્રસંગિક બન્યું છે. માત્ર લેખનકાર્ય જ નહીં; પણ જ્યાં મનુષ્યનું શોષણ હોય, અન્યાય હોય, અસમાનતા હોય, અંધશ્રદ્ધા હોય ત્યાં લડતોમાં એ અગ્રણી રહ્યા છે / પડખે ઊભા રહ્યા છે. તેમના વિચારોનો નિચોડ એ છે કે તમે માણસને ચાહો; એની જ્ઞાતિ કે હોદ્દાને નહીં ! સાદા / સરળ / સહેજ પણ દંભ-દેખાડો નહીં; માનવવાદી / રેશનાલિસ્ટ / વિદ્વાન એવા જયંતીભાઈએ 92 વર્ષે 12 ફેબ્રુઆરી 2025ના રોજ આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી છે.  

અલવિદા. આદરાંજલિ !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...437438439440...450460470...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved