Opinion Magazine
Number of visits: 9953528
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રાર્થનાસ્થળ અંગેના ખરડા વિશે રાજમોહનજીનું ‘એ’ ભાષણ

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|25 March 2025

રામચંદ્ર ગુહા

હું છેલ્લાં અનેક વર્ષોથી ઇતિહાસકાર તેમ જ ચરિત્રલેખક રાજમોહન ગાંધીનો પ્રશંસક રહ્યો છું. તેમના લખેલાં પુસ્તકો તેમ જ લોકશાહી અને બહુમતીવાદ વચ્ચે થાક્યા વિના તેમણે રજૂ કરેલ જોડાણ – આ બન્ને બાબતોને લીધે તેમને માટે મને ઘણો આદર છે. તેમના સંપાદન હેઠળ પ્રકાશિત થનારું ‘હિમ્મત’ સાપ્તાહિક કટોકટી કાળમાં પોતાની કરોડરજ્જુ સીધી રાખનાર જે ગણ્યાંગાંઠ્યાં મેગેઝિનો હતાં તેમાંનું એક હતું. ભયના વાતાવરણને એક પડકાર આપવાની નિર્ભયતા આ સાપ્તાહિકે બતાવી હતી (જેવી ‘ભૂમિપુત્ર’એ પણ બતાવી હતી). તે પછીના કાળમાં રાજમોહનજીએ આધુનિક ભારત વિશે ઊંડા સંશોધન સાથેનાં એવાં જ કેટલાંક પુસ્તકો પણ આપણને આપ્યાં. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને સી.રાજગોપાલાચારી ઉપરનાં અત્યંત પ્રમાણભૂત એવાં ચરિત્રોનો સમાવેશ થાય છે. આવાં ભારેખમ અને અભ્યાસપૂર્ણ પુસ્તકો લખવાની સાથેસાથે એમણે રોજના સમાચારપત્રોમાં પણ નિયમિત રૂપે કોલમો લખીને સાર્વજનિક ચર્ચાના વિશ્વમાં પોતાનું આગવું યોગદાન આપ્યું. તેમના આ લેખો દર વખતે નવી વિગતો આપનારા અને વિચારપૂર્વકનું લોજીક રજૂ કરનારા રહ્યા છે.

રાજમોહન ગાંધીના એકંદર કામનું પૂરતું અને સર્વાંગી આકલન મને છે એવું હું માનતો હતો. પરંતુ, એક વિદ્વાન મિત્રે હાલમાં જ રાજમોહનના એક વ્યાખ્યાન તરફ મારું ધ્યાન ખેંચ્યું, જે મેં અગાઉ ક્યારે ય વાંચ્યું ન હતું. રાજમોહન જ્યારે થોડા વખત માટે રાજ્ય સભાના સદસ્ય હતા ત્યારે સપ્ટેમ્બર ૧૯૯૧માં તેમણે આ વ્યાખ્યાન આપ્યું હતું. આજની ભારતીય પ્રજાસત્તાકની પરિસ્થિતિ જોતાં  રાજમોહનજીના આ ભાષણના મુદ્દાઓ ખૂબ જ પ્રસ્તુત સાબિત થઈ શકે તેમ છે.

રાજ્ય સભામાં પ્રાર્થનાસ્થળ વિશેના ખરડાની પ્રસ્તુતિ સંદર્ભે થયેલી ચર્ચામાં રાજમોહનજીએ પોતાની વાત મૂકી હતી. કોઈ પણ પ્રાર્થનાસ્થળના ધર્માંતર પર પ્રતિબંધ હોવો જોઈએ અને કોઈ પણ પ્રાર્થનાસ્થળનું ધાર્મિક સ્વરૂપ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ને દિવસે જેવું હતું તેવું જ ટકાવી રાખવા માટે જરૂરી તજવીજ કરવી જોઈએ. આ માટે પ્રસ્તુત ખરડો રજૂ કરાયો હતો. પરંતુ, આ ખરડામાં અયોધ્યામાં બાબરી મસ્જિદ જ્યાં ઊભી હતી, તે સ્થળને અપવાદ માનવામાં આવ્યો હતો. એ જગ્યાને ભગવાન રામનું જન્મસ્થળ હોવાનું અનેક હિંદુઓ માને છે.

તે વખતે કેન્દ્રમાં કાઁગ્રેસની સરકાર સત્તામાં હતી. પ્રાર્થનાસ્થળ વિશેના બિલને લોકસભામાં મંજૂરી મળી હતી. ભા.જ.પે. આ વિધેયકનો વિરોધ કર્યો હતો. આ ખરડો સંઘ રાજ્ય પ્રણાલીનાં તત્ત્વોનું ઉલ્લંઘન કરનારો હોઈ રાજ્ય સરકારોને તેમના નેજા હેઠળમાં જે પ્રાર્થનાસ્થાનો છે તે બાબતે તેમની ઇચ્છા અનુસાર કાર્યવાહી કરવાનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ એવી દલીલ ભા.જ.પે. કરી હતી. તે પછી એ ખરડો ચર્ચા માટે રાજ્ય સભામાં આવ્યો હતો.

રાજમોહન ગાંધી

તે સમયે રાજમોહન ગાંધી જનતા દળના સભ્ય હતા. એમણે આ ખરડા અંગેની ચર્ચાની શરૂઆત રાજ્ય સભામાં કરી. જૂના જખમો પરના પોપડા ફરીથી ઉખાડવાથી કયાં કયાં જોખમ ઊભાં થઈ શકે તે અંગે ઇશારો કરીને તેમણે ભારતના ભૂતકાળ વિશે તેમનું જે ઊંડું આકલન હતું તે રજૂ કર્યું. બદલા અને દ્વેષની ભાવનાને કારણે લાખો લોકોએ જાન ગુમાવ્યાનો દાખલો આપણને મહાભારતમાં મળી આવે છે. તેવા વિનાશનો દાખલો રાજમોહનજીએ ભાષણની શરૂઆતમાં આપ્યો. “ઇતિહાસની ભૂલો દ્વેષ ભાવનાથી સુધારવા માંગતા લોકો માત્ર વિનાશ વિનાશ અને અધિકાધિક વિનાશ જ નોતરશે, મહાભારતમાંથી આટલાં વર્ષોથી આપણને શીખવા મળેલો આ પાઠ છે” એવું તેમણે કહ્યું હતું.

વિરોધ પક્ષમાં હોવા છતાં રાજમોહનજીએ પ્રાર્થનાસ્થળ અંગેના ખરડાને પોતાનું સમર્થન આપ્યું હતું. ભા.જ.પ.ના કેટલાક લોકોએ આ બિલને ‘હિંદુ વિરોધી’ કહ્યો હતો. પરંતુ, એમ કહેવું એટલે ‘આપણા દેશમાંનાં નવા અલગાવવાદીઓનો અવાજ છે’ એવી ટિપ્પણી તેમણે કરી હતી. આ લોકો અમે નવો રાષ્ટ્રવાદ દેશ સામે મૂકી રહ્યા છીએ એમ કહી રહ્યા હોય તો પણ હકીકતમાં એ નવો અલગાવવાદ છે. આ હિંદુ અલગાવવાદ એ હિંદુ ધર્મનો કમનસીબ અને વિકૃત અવતાર છે, આવું માનનારા લોકો હિંદુધર્મના તત્ત્વને સમર્પિત છે એની મને ખાતરી છે, પણ એમની આ તીવ્ર ભાવનાને લીધે તેમની દિશાભૂલ થઈ છે એવું હું માનું છું. તેઓ ભારતમાં હિંદુ પાકિસ્તાન, હિંદુ સાઉદી અરેબિયાનું નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભૂતકાળના (વાસ્તવિક કે કાલ્પનિક) ગુનાઓ પર આટલા ભ્રમિત થઈને ધ્યાન કેન્દ્રિત કરનારો આ ‘નવો અલગાવવાદી હિંદુત્વવાદ’ વર્તમાનકાળના પ્રશ્નો , જેમ કે ભૂખમરો, અંધત્વ, ભ્રષ્ટાચાર અને હિંસાચાર તરફ જાણી જોઈને દુર્લક્ષ કરે છે, એવું રાજમોહનજીએ કહ્યું હતું. હિંદુત્વવાદી શક્તિઓ હિંદુ સ્વાભિમાનની અને હિંદુ સન્માનની પુન:સ્થાપના અંગે વાત કરતી હતી. પોતાને મુસ્લિમ વિરોધી દેખાડીને પોતાનું હિંદુત્વ સાબિત કરી બતાવવું એ કેમ જાણે નવા હિંદુ અલગતાવાદના સમર્થકોની કસોટી બની ગઈ છે, એવું પણ તેમણે કહ્યું હતું.

આ ખરડાનો વિરોધ કરનારાઓ માટે જોખમ અંગેની ચેતવણી આપતાં રાજમોહનજીએ કહ્યું હતું કે, “ખૂબ જૂના ભૂતકાળમાંના મુદ્દાઓને લઈને આજે લડવા બેસવું એ કદાચ તમને નાના કે મોટા યશ પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં આવે ય ખરા, પરંતુ તેમાંથી નવી ભાવનાઓ ઉત્પન્ન થશે અને ભારતના પ્રાચીન કાળની નવી નવી ભૂલો શોધીને તે સુધારવાના પ્રયત્નો થશે અને તે સુધારવા માટે અનેક સંઘર્ષો પેદા થશે.” તેમણે માર્મિકપણે આગળ કહ્યું, “હિંદુ સ્વાભિમાનની ભાવનાનું અસ્તિત્ત્વ આપણે પૈસામાં, મતોમાં, ડરાવવા-ધમકાવવાની તાકાત દ્વારા અને બંદૂકમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ – આ એક હિંદુત્વને લાંછન લાગે એવું વર્તન આપણે કરીએ છીએ.

ભાષણના અંતે રાજમોહનજીએ ભારતીય જનતા પક્ષ અને તેના સમર્થકોને આ મુદ્દો યોગ્ય દૃષ્ટિકોણથી વિચારવા આહ્વાન કર્યું હતું, “પ્રસ્તુત ખરડો સભાગૃહમાં કઈ પ્રેરણાથી મુકાયો છે તેને સમજી લેવો જરૂરી છે. આ સમસ્યા અહીંથી આગળ ટકે જ નહીં એ માટે આપણે રાષ્ટ્રીય ધોરણે નિર્ધાર કરવો જોઈએ. વાદ-વિવાદ તો ચાલતા રહેશે પરંતુ હિંસક સંઘર્ષ ટાળવો જ જોઈએ. આપણે આજે ભૂતકાળને બદલે વર્તમાનકાળ અને ભવિષ્યકાળનો વિચાર એકત્રિત થઈને કરવો જોઈશે.”

રાજમોહન ગાંધીનું આ સુજ્ઞ ભાષણ આજે ફરી સાંભળવા જેવું છે. હવે તો ખુદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશોએ જ પ્રાર્થનાસ્થળ અંગેના ખરડાનું ગંભીર અવમૂલ્યન કર્યું છે. બનારસ સ્થિત જ્ઞાનવાપી મસ્જિદમાં ઘણા સમય પહેલાંથી હિંદુ મૂર્તિ હોવાના કારણે ત્યાં આપણને પ્રાર્થના કરવાનો અધિકાર મળવો જ જોઈએ એવો દાવો કેટલાક હિંદુઓએ વર્ષ ૨૦૨૧ના ઓગસ્ટ મહિનામાં કર્યો હતો. તે પહેલાં એક સ્થાનિક ન્યાયાલયે, પછી અલાહાબાદના ઉચ્ચ ન્યાયાલયે આ મસ્જિદ બાબતે સર્વેક્ષણ કરવાની લીલીઝંડી આપી હતી. તે ચુકાદાઓના વિરોધમાં ૨૦૨૨ના મે મહિનામાં સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી દાખલ કરવામાં આવી. તે વખતના ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડએ એવો દાવો કર્યો કે ૧૯૯૧ના ખરડા ‘પ્રાર્થનાસ્થળના ભૂતકાળના કોઈ પણ તબક્કે ધાર્મિક સ્વરૂપ નક્કી કરવા’ પર પ્રતિબંધ કરવામાં આવ્યો  નથી. એટલે કે નીચલી અદાલતોને અને નીચેના ન્યાયાધીશોને (વાસ્તવિક કે કાલ્પનિક) ઇતિહાસમાં થયેલી ભૂલો સુધારવા માટે પ્રોત્સાહન આપવું હોય તો તેઓ તેમ કરી શકે છે, એવો સર્વોચ્ચ ન્યાયાધીશના વિધાનનો અર્થ હતો.

લેખક હર્ષ મંદરે નોંધ્યું છે તેમ, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના અવલોકનથી સંભલ (ઉત્તર પ્રદેશ) ખાતે દીવાની ન્યાયાધીશને સંબંધિત સર્વેક્ષણનો આદેશ આપવાની છૂટ મળી ગઈ. આ બાબતે આગળ ઘટેલા ઘટનાક્રમમાં છ માણસોનાં મૃત્યુ થયાં હતાં. જ્ઞાનવાપીની ભૂમિકાને આધારે ‘પ્રાર્થના સ્થાનોના ધાર્મિક સ્વરૂપ સામે ઘણા પડકાર’ ઊભા થયા અને તેમને આ વિધાનને કારણે પીઠબળ મળ્યું એવું ‘સુપ્રિમ કોર્ટ ઓબ્ઝર્વર’એ નિયતકાલીને નોંધ્યું હતું.

ભા.જ.પ. શાસિત રાજ્યોમાં નીચલી અદાલતોના ન્યાયાધીશોને હિંદુત્વવાદીઓથી ડરીને જીવવું પડે છે અને તેથી તેઓ કાયદાનું અર્થઘટન કરવાની બાબતે હંમેશાં વિશ્વાસપૂર્ણ રીતે વર્તે છે તેવું ન કહી શકાય. એટલું જ નહીં, તેઓ ડરથી અથવા તેમના પર સત્તાધીશોની કૃપાદૃષ્ટિ રહે તેવો (તે માટે) નિર્ણય લે તેવી શક્યતા વધુ હોય છે. આમ આવાં સ્થાનોએ પડકારો વધુ તીવ્ર બન્યા છે.

આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે એટલે કે ૧૨મી ડિસેમ્બર ૨૦૨૪એ સર્વોચ્ચ ન્યાયાલયે પ્રાર્થનાસ્થળના ખરડાને પડકાર આપતી એક નવી અરજી અંગેની સુનાવણીની શરૂઆત કરી છે. ન્યાયાલયની બહારનું આજનું વ્યાપક રાજકીય વાતાવરણ જોઈએ તો પણ રાજમોહનજીએ ૧૯૯૧માં આપેલી તોળાઈ રહેલા જોખમની ચેતવણી ફરી યાદ કરવી જરૂરી લાગે છે. સત્તાધારી પક્ષોએ આ વર્ષે (૨૦૨૪) વિવિધ ચૂંટણીઓમાં કરેલા પ્રચાર અંગે વિચારી જુઓ. આ પ્રચારઅભિયાનમાં ભારતીય મુસલમાનોને સાતત્યપૂર્વક વિલન રૂપે ચીતરવાનો પ્રયત્ન કરાયો છે.

રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની સરકાર ૧૯૮૪થી ૨૦૦૪ દરમ્યાન પ્રથમ વાર સળંગ રીતે સત્તા પર આવી ત્યારે સત્તાપક્ષના ઉચ્ચ પદે બેઠેલા નેતાઓ ભાગ્યે જ કોઈ દ્વેષ કે કટ્ટરતા વિશે કશું ખુલ્લી રીતે બોલતા હતા. હા, લાલકૃષ્ણ અડવાણીએ ૧૯૯૦માં કાઢેલી રથયાત્રાને કારણે હિંસા થઈ અને લોહી રેડાયું એ એક હકીકત છે. (અલબત્ત, આ રથયાત્રા માટે આ લેખક અડવાણીને કદી પણ માફ કરી શકશે નહીં) પરંતુ જ્યારે તેઓ ૧૯૯૮થી ૨૦૦૪ દરમ્યાન કેન્દ્રના ગૃહ પ્રધાન હતા તે વખતે અડવાણીજીએ જાહેર નિવેદનોમાં સંયમિત ભાષાનો ઉપયોગ કર્યો હતો (રણનીતિના ભાગરૂપે અથવા અન્ય કારણોસર). આ સિવાય અન્ય કેબિનેટ મંત્રીઓ અને તત્કાલીન વડા પ્રધાન પણ સંયમિત ભાષામાં જ વાતો કરતા હતા.

અલબત્ત, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના પ્રથમ કાર્યકાળ દરમિયાન સંઘપરિવારના ઘણાં લોકો મુસ્લિમોનો વિરોધ કરીને પોતાનું હિંદુત્વ બતાવવાનો (સાબિત કરવાનો) પ્રયત્ન કરતા હતા. જેમાં કેટલાક સાંસદોનો પણ સમાવેશ થાય છે. પરંતુ, આજે પરિસ્થિતિ એવી છે કે દેશના સૌથી શક્તિશાળી રાજકીય નેતાઓ પણ હિંદુ ન હોય તેવા ભારતીયો પ્રત્યે નફરત વ્યક્ત કરીને પોતાના હિંદુત્વને સાબિત કરવા લાગ્યા છે. કેંદ્રીય મંત્રીઓ તેમ જ કેટલાંક રાજ્યોના મુખ્ય મંત્રીઓ પોતાનાં ભાષણોમાં નિયમિત રીતે ભારતીય મુસ્લિમોની નિંદા કરે છે. દેશના વડાએ પણ અનેક વખત આવા અર્થનાં નિવેદનો જાહેરમાં આપ્યાં છે.

હિંદુત્વમાંથી જન્મેલા આ દ્વેષના સત્તાકાંક્ષી સમર્થકો સુધરવાની હદને પાર કરી ગયા છે. પરંતુ હજુ પણ જે હિંદુઓ નિષ્પક્ષ અભિપ્રાય સાંભળીને કંઈક શીખવા માટે ખુલ્લા હોય તેમણે રાજમોહન ગાંધીના મહાભારત અંગેનાં અવલોકનો ધ્યાનમાં લેવાં જોઈએ – “ઇતિહાસમાં થયેલી ભૂલોને વેરની ભાવનાથી બીજાને બદલવા / સુધારવાનો પ્રયત્ન કરવાથી વિનાશ, વિનાશ અને વધુ વિનાશ જ થાય છે. આટલાં વર્ષોમાં મહાભારતમાંથી શીખવા મળતો આ પાઠ છે.”

(૨૮ ડિસેમ્બર ૨૦૨૪ના ‘સાધના’ના– રામચંદ્ર ગુહા, બેંગલુરુ અંકમાંથી સાભાર અનુવાદિત)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2025; પૃ. 09-10 

Loading

‘હું તણખો પેદા કરનારો માણસ છું !’

રમેશ સવાણી|Opinion - Opinion|24 March 2025

મિત્ર રમેશ સવાણીનું ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ થયેલું છે … પણ તેમની તેજાબી કલમ અટકી નથી. રોજ તેમનાં લખાણો મિત્રોની વોલ પર જોવા મળે જ છે. મારા કાવ્યસંગ્રહ વિશેનું ગઈકાલે લખાયેલું લખાણ મિત્રની વોલ પરથી અહીં મૂકતાં આનંદ અનુભવું છું.

— મનીષી જાની

•••

કવિ દીર્ઘદૃષ્ટા હોય છે, ભવિષ્યવેત્તા હોય છે. સામાજિક નિસબત હોય છે એટલે વેદના અનુભવે છે અને એટલે સ્વાભાવિક રીતે તેનામાં આક્રોશ જોવા મળે છે. ભ્રષ્ટ રાજકારણ, સામાજિક ન્યાયથી વેગળો વિકાસ, ખાડે ગયેલું શિક્ષણ, કથળેલી આર્થિક-સામાજિક સ્થિતિ, ભરડો લેતી જતી કોમવાદી રાજનીતિ, જૂઠાણા અને ગેરપ્રચાર, ધર્મવાદ-રાષ્ટ્રવાદનો નશો; અને બુદ્ધિજીવીઓની / સાહિત્યકારોની શાહમૃગવૃતિ ! કેટકેટલા અંધારા? જે સાહિત્યકારો પ્રેમ / સ્નેહ / આધુનિકતા / ગાંધીજીના સત્યાગ્રહ વિશે લખે છે, તેઓ ગુજરાત સરકારે બળાત્કારીઓને છોડી મૂક્યા, તેમનું જાહેર સન્માન થયું, ત્યારે ચૂપ કેમ રહી શક્યા હશે? આ બધું કવિને અકળાવે છે. કવિ સાંપ્રત સમયના સવાલો ઊઠાવે છે. પોતાના સમયના અંધકારને એટલે નિરુપે છે કે કોઈક તો જાગશે ! 

આ કવિ છે Manishi Jani. એમણે નવજીવન ખાતે 8 ફેબ્રુઆરી 2025ના રોજ પોતાનો કવિતા સંગ્રહ ‘મને અંધારા બોલાવે’ મને ભેટ આપ્યો હતો. આ સંગ્રહની કવિતાઓ વાંચી રહ્યો છું. કવિતા સમજ આપે છે, કવિતા માણસ બનાવે છે. 

અડધી આલમ-મહિલાઓના હકની વાત સાથે શરૂ થતી કવિતા – ‘બંગડીબંધન’માં કવિ આપણને ક્યાં ખેંચી જાય છે? વ્યક્ત થયેલ આક્રોશ જૂઓ : 

જેમ અડધી આલમને

બંધનની બંગડીઓમાં પૂરી રખાઈ છે,

એમ જ મારા દેશની લોકશાહીને

બંગડી આકારના પાર્લામેન્ટમાં પૂરી દેવાઈ છે …

એ બંગડીમાં બેઠેલા બગલા જેવા સફેદ વસ્ત્રધારીઓ

એકબીજાને કલંકિત કાળામેશ વસ્ત્રધારી કહીને બસ,

ભાંડ્યા કરે છે,

એક દળ બીજા દળને ચોર કહે છે,

બીજું દળ પહેલા દળને ચોર કહે છે,

પછી એકબીજા પર માઈકો ફેંકવાની રમત રમે છે

પછી એકબીજાને ભેટીને ખાધું પીધું ને રાજ કરે છે ! 

બંગડીની બહાર દલ દલ કાદવમાં

બેરોજગાર ઊછળતું લોહી ખૂંપી રહ્યું છે,

પેટ્રોલના ઊંચા ઊછળતાં ભાવ મોંઘવારીના નશામાં ચકચૂર છે,

નીચે ને નીચે પડી રહેલો, 

ખાંસતો, ગબડતો, બબડતો રૂપિયો …

મોંઘીદાટ કૉલેજોની દુકાનોની બહાર ઊભાં ઊભાં

ચમકદાર, ભભકદાર શોકૅસને જોયાં કરતાં યુવક યુવતીઓ,

વિન્ડો શોપિંગમાં ખોવાઈ ગયેલાં છાત્ર-છાત્રાઓ !

ડૉક્ટરોએ લખી આપેલાં દવાઓનાં લાંબાં પ્રિસ્ક્રિપ્શનના

કાગળોને સુંઘી રહેલાં વૃદ્ધો ને વૃદ્ધાઓ …

ખિસ્સામાં અફવાઓનાં ટોળાં લઈ ફરતા ચહેરાઓ

જે મરેલી ગાયનાં ચામડાં ઊતરડનારને 

અસ્પૃશ્ય ગણી પાણીના છાંટે સ્નાન કરે છે

એ જીવતા માણસની ચામડી ઉતરડી નાખવાના

સામૂહિક આનંદના મેળા યોજે છે …

બધું જ દલદલમાં ખૂંપી રહ્યું છે …

ભૂખ્યાં તરસ્યાં લોકોની ખાલી થાળીઓની

ઉઠાંતરી કરી ભક્તો થાળીઓનાં મંજીરાં બનાવી

લોકશાહીનાં ભજનો ભસી રહ્યાં છે …

મારા દેશની લોકશાહી

બંગડી આકારના પાર્લામેન્ટનાં બંધનમાં

બંધાઈ ગઈ છે …

pastedGraphic.png

કવિ માત્ર દેશસ્થિતિની વાત કરતા નથી. ‘કપડાં’ કવિતામાં માણસમાં રહેલી મેલીવૃત્તિ સામે પણ કવિએ સવાલ ઊઠાવ્યો છે :

મેલાં, ગંદાં, ડાઘા પડી ગયેલાં હોય 

તો ય કપડાં ધોવાઈ જાય.

પથરા પર પછડાઈને 

કે ધોકાથી ધીબાઈને 

કે વોશિંગમશીનમાં નંખાઈને કપડાં ધોવાઈ જાય, તાર પર ટીંગાઈને હસતાં હસતાં સૂકાઈ જાય.

ગડી વાળીને મૂકાઈ જાય.

ઈસ્ત્રી કરો તો ય પહેરાય

ને ના કરો તો ય પહેરાઈ જાય.

ફાટે તો સંધાઈ જાય,

થીંગડાં મારો તો મરાઈ જાય … 

કપડાં પહેરનારા આટલા 

સહજ અને સરળ કેમ નહીં હોય?

pastedGraphic.png

આપણામાં સ્પષ્ટતાનો જ અભાવ છે. કવિ બિલકુલ સ્પષ્ટ છે. ‘આઝાદી’ કવિતામાં કહે છે :

કોઈ કાંકરીચાળો કરે ને સામે પથરા ફેંકું

એવો લડનારો હું નથી. 

કોઈ નફરતથી ભરચક બોમ્બ ફેંકે 

ને એના ઘરમાં બોમ્બ મૂકું

એવો લડનારો હું નથી.

હું પથ્થરથી પથ્થર ટકરાવી તણખો પેદા કરનારો માણસ છું.

હું વિચારથી વિચાર ટકરાવી આઝાદી પેદા કરનારો માણસ છું.

હું લડનારો છું. 

હું માણસ છું.

pastedGraphic.png

કવિ, અખા ભગતની જેમ દંભને પડકારે છે :

હા, પણ ગાયને અમે માતા કહીએ છીએ.

ગૌમાતા, ગાયને અમે ખાતા નથી.

હા, પણ ગૌચરની જમીન અમે

ભચડક ભચડક ચાવી જઈએ છીએ …

આઠ વરસની આસિફા

કે ત્રણ છોકરાંની મા

કે ગંગાસ્વરૂપ એંસી વરસની ડોસીને

અમે રસોડે ને ખાટલે પછાડવાની વસ્તુ માનીએ છીએ.

હા, પણ મંદિરમાં પથ્થરની, ચાંદીની, સોનાની,

પ્લાસ્ટિકની, રેતીની, માટીની કે રબ્બરની

લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, અંબા, જગદંબા માતાજી માટે,

અમે પવિત્ર પુરુષો

તેમના કાનને ઝંકૃત કરવા ઘંટ વગાડીએ છીએ,

અમે પવિત્ર પુરુષો ઘંટડીઓ વગાડીએ છીએ.

હા, પણ અમે મંદિરમાં ખાટલા પણ રાખીએ છીએ …

અમે પવિત્ર પુરુષો …

pastedGraphic.png

ફિલ્મ સર્ટિફિકેટ બોર્ડે અમર્ત્ય સેન ઉપરની ડોક્યુમેન્ટરી ફિલ્મમાંથી ગાય, ગુજરાત જેવા શબ્દો કાઢી નાંખવા કહ્યું ત્યારે કવિએ લખ્યું :

તમે વિચાર લઈને આવો,

તો કહે તમે આ વિચાર કેમ કર્યો?…

લડનારી, ઝઝૂમનારી

કે મુઠ્ઠી ઊંચેરી વ્યક્તિઓ

કદી કોઈની મુઠ્ઠીમાં હોય કે?

ઝબકતા ચમકતા ભભકતા 

દીવડાને મુઠ્ઠીમાં બંધ કરાય કે?…

લોકશાહી,

તને ઘડિયાળના ઊંધા ફરતા કાંટા સાથે દોડાવી દોડાવી

દ્રોપદી બનાવી દીધી છે …

લોકશાહી તું કેવી કેવી એવી?

બહુમતીની રાત્રે કચાકચ ખચાખચ 

લોકોની જીભ કાપતી ફરે?

સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એક ન્યાયતંત્ર જ બાકી હતું, તે ય શંકાના ઘેરામાં આવી ગયું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 March 2025

રવીન્દ્ર પારેખ

14 માર્ચ, 2025 ને રોજ હોળીની રાત્રે, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે, સાડા અગિયારે લાગેલી આગમાં ફાયર બ્રિગેડને 15 કરોડથી વધુ રોકડ રકમનો જથ્થો હાથ લાગ્યો. 

6 જાન્યુઆરી, 1969ને રોજ અલ્હાબાદમાં જન્મેલા જસ્ટિસ વર્મા દિલ્હી હાઈકોર્ટના સૌથી મોટા બીજા ન્યાયાધીશ છે. તેઓ 2016થી 2021 સુધી અલ્હાબાદ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી ત્યારે તેઓ ઘરે ન હતા એટલે પરિવારે ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયરબ્રિગેડને ઘરના એક રૂમમાંથી રોકડ નોટોનો ઢગલો મળ્યો. આગ તો 15 મિનિટમાં કાબૂમાં આવી ગઈ, પણ 15 કરોડનો ધુમાડો દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો પહોંચ્યો જ ને કોઈક રીતે આ સમાચાર લીક થતાં દેશ ભરમાં પણ ફેલાયો. 

આ દરમિયાન 20 માર્ચે સુપ્રીમના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ 5 સભ્યોના કોલેજિયમની એક બેઠક કરી અને જસ્ટિસ વર્માને ફરી અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ મૂક્યો. 21 માર્ચે સુપ્રીમે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે જસ્ટિસ વર્માની ટ્રાન્સફરના પ્રસ્તાવને અને બંગલામાંથી મળી આવેલ રોકડને કોઈ સંબંધ નથી. બંનેની આંતરિક તપાસ અલગ અલગ છે. તપાસનું તો એવું છે કે સુપ્રીમના કે હાઈકોર્ટના જસ્ટિસ સામે કાર્યવાહી કરવા માટે સુપ્રીમ પાસે આંતરિક તપાસ સમિતિ (ઇન હાઉસ) છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઉપાધ્યાયે આ મામલે તપાસ કરીને 21 માર્ચે સુપ્રીમના સી.જે.આઈ. સંજીવ ખન્નાને રિપોર્ટ સોંપી પણ દીધો.

જો કે, જજો પર આઇ.પી.સી.ની કલમ 77 અને બી.એન.એસ. એક્ટની કલમ 15 મુજબ સામાન્ય માણસની જેમ ફોજદારી કેસ કરી શકાતો નથી. આમાં તો ન્યાયાધીશ રાજીનામું આપે અથવા તો મહાઅભિયોગથી તેમને દૂર કરી શકાય, એટલું જ થઈ શકે. 1999માં સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી ગાઈડ લાઇન મુજબ સુપ્રીમના ચીફ જસ્ટિસ સંબંધિત જજ પાસેથી જવાબ માંગે છે. જવાબ સંતોષકારક ન હોય તો આંતરિક તપાસ સમિતિની રચના કરવામાં આવે છે. તપાસમાં જજ દોષિત ઠરે તો સુપ્રીમના ચીફ જસ્ટિસ તેમને રાજીનામું આપવાનું કહી શકે. જજ તેમ કરવા ન માંગે તો સુપ્રીમના સી.જે.આઈ. તેમની સામે મહાઅભિયોગની ભલામણ સરકારને કરી શકે. સંસદમાં મહાભિયોગ પસાર થાય તો રાષ્ટ્રપતિના આદેશથી જજને તેમના પદ પરથી દૂર કરવામાં આવે છે. 

સી.જે.આઈ. ખન્નાએ જસ્ટિસ વર્માની અલ્હાબાદ હાઇકોર્ટમાં બદલીની દરખાસ્ત મૂકી તો હાઇકોર્ટ બાર એસોસિયેશને તેનો એમ કહીને વિરોધ કર્યો કે અલ્હાબાદ હાઈકોર્ટ ડસ્ટબિન નથી કે ભ્રષ્ટ લોકોને ન્યાય આપવા અહીં મોકલી આપવામાં આવે. ટૂંકમાં, બાર એસોસિયેશન જસ્ટિસ વર્માના સ્વાગત માટે ઉત્સુક નથી. જસ્ટિસ વર્મા અત્યારે તો રજા પર છે, પણ તેમનું નામ અગાઉ સી.બી.આઈ.ની એફ.આઇ.આર.માં પણ ખૂલ્યું હતું. 2018માં યશવંત વર્મા સામે કેસ નોંધાયો હતો. તે વખતે તેઓ સિમ્ભોલી સુગર્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સે મિલમાં ગોટાળાઓ અંગે એવી ફરિયાદ કરી હતી કે સુગર મિલ દ્વારા બેન્ક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. 

15 કરોડની રોકડ મળવા અંગે દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે પહેલાં તો નન્નો ભણ્યો, પણ પછી તેમણે નિવેદન પાછું ખેંચ્યું ને એમ કહ્યું કે રોકડ ન મળવા અંગેનું નિવેદન તેમણે આપ્યું નથી. એની સામે આગના ફોટો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં 500ની નોટનાં બળેલાં બંડલો ફાયર બ્રિગેડના માણસો દ્વારા બહાર કઢાતાં દેખાય છે. જસ્ટિસ વર્માનું કહેવું છે કે મેં કે મારા પરિવારના કોઈ સભ્યે ક્યારે ય સ્ટોર રૂમમાં રોકડ રાખી નથી. આ રકમ મારી નથી. ઘટનાના દિવસે હું ને મારી પત્ની ભોપાલ હતા. મારી પુત્રી અને વૃદ્ધ માતા ઘરે હતાં. હું 15 માર્ચે પત્ની સાથે દિલ્હી પાછો ફર્યો. આ તો મને ફસાવવાનું ષડયંત્ર છે. એમને ષડયંત્ર કઈ રીતે લાગે છે એનો ફોડ એમણે પાડ્યો નથી. આ રકમ તેમની ન હોય, તો કોઈ આટલી રકમ શું કામ મૂકી જાય? એ દ્વારા રોકડ મૂકનારે શું મેળવવું હોય એના જવાબો મળતા નથી. જો કે, 22 માર્ચે સુપ્રીમના સી.જે.આઈ. સંજીવ ખન્નાએ જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની આંતરિક તપાસ માટે 3 સભ્યોની કમિટી બનાવી છે ને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાયને જસ્ટિસ વર્માને કોઈ ન્યાયિક કાર્ય ન સોંપવા જણાવ્યું છે.

એક બાબત સ્પષ્ટ છે કે કશુંક ધૂંધળું છે. સી.બી.આઈ. કે ઇ.ડી.ના દરોડા પડ્યા ત્યારે વર્મા સાહેબના ઘરેથી રોકડ નહોતી પકડાઈ, તે આગ લાગવાથી બહાર આવી. કોલેજિયમમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે આગોતરી તકેદારી પણ કશુંક ધૂંધળું છે તેનો જ સંકેત આપે છે. જસ્ટિસ વર્માની ટ્રાન્સફર અને કોલેજિયમનો નિર્ણય એકબીજા સાથે સંબંધિત નથી કે અફવાઓથી દૂર રહેવાની વાતો પારદર્શી જણાતી નથી. વર્મા સાહેબને ત્યાં સી.બી.આઈ. કે ઇ.ડી.ના દરોડા પડવાનું એમ જ બન્યું હતું? એ તો ઠીક સુગર મિલ મામલામાં તેમની સામે સી.બી.આઈ.એ એફ.આઇ.આર. કરી છે તે પણ એમ જ થઈ છે? સી.બી.આઇ.ની એફ.આઇ.આર.માં તેમનું દસમું નામ હતું ને આરોપ એવો હતો કે ખેડૂતો માટે લેવાયેલી લોન અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી. સવાલ તો એ પણ છે કે 14 માર્ચની મધરાતની આ ઘટનાની જાણ સુપ્રીમને છેક 20 માર્ચે થાય છે, કેમ? 15 કરોડ જેવી રકમ રાખ થઈ છે ને તે તો હવે હાથમાં રહી નથી, તો વર્મા સાહેબ તે રકમ પોતાની છે એવું કબૂલવાનું ડહાપણ પણ કેમ દાખવે, ખાસ તો વાત દુનિયામાં ચોળાઈ ચૂકી હોય? 

એ જે હોય તે, વધુ તો તપાસ પૂરી થયે ખબર પડશે, પણ સુપ્રીમનો, બદલી અને રોકડ વચ્ચે કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો ગળે ઉતારવાનું મુશ્કેલ છે. વારુ, બદલી પણ અલ્હાબાદ હાઇકોર્ટમાં જ કેમ? ત્યાંથી જ તો દિલ્હી હાઇકોર્ટ આવ્યા હતા ! સુપ્રીમ કોલેજિયમે તો જે નિર્ણય કરવો હોય તે ભલે કરે, પણ માત્ર બદલી તો સજાને બદલે સંરક્ષણ પૂરું પાડવા જેવું થશે. સ્પષ્ટ વાત તો એ જ હોય કે બદલી કે કામ ન કરાવવાને બદલે રાજીનામું માંગી લેવાય કે મહાઅભિયોગના પ્રસ્તાવ દ્વારા તેમને હટાવવામાં આવે. 

આશ્ચર્ય તો એનું પણ છે કે અનેક વિસંગતિઓ છતાં કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં છે. આ સિસ્ટમ ન્યાયિક સ્વતંત્રતા માટે હોય તેનો તો શો વાંધો હોય, પણ તેમાં ન્યાય સંદર્ભે જ બીજા પ્રશ્નો પણ ઊઠ્યા છે. વડા પ્રધાનથી માંડીને ક્લાર્ક સુધીની નિમણૂક પારદર્શી હોય, તો એવી પારદર્શિતા ન્યાયાધીશોની નિમણૂક બાબતે પણ અપેક્ષિત હોય. 15 કરોડ કોઈ ક્લાર્કના ઘરમાંથી મળે તો તેની બદલી કરવાથી ચાલી જશે? તો, ન્યાયાધીશને ત્યાંથી 15 કરોડ મળે તો તેની બદલીથી જ બધું સમેટાઈ જવું ન જોઈએ.

કોલેજિયમ સિસ્ટમમ, સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ, અને અન્ય ચાર કે પાંચ ન્યાયાધીશોની બોડી છે. તેનું મૂળ કામ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિમણૂક કરવાનું છે. આમ તો એ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પણ તે ઔપચારિકતા જ વધુ છે. કોલેજિયમ ન્યાયાધીશોનાં નામની ભલામણ કેન્દ્ર સરકારને કરે છે. કાયદા મંત્રી તે નામો વડા પ્રધાનને મોકલે છે. વડા પ્રધાન તે નામો રાષ્ટ્રપતિને મોકલે છે. રાષ્ટ્રપતિ તે પછી નોટિફિકેશન બહાર પાડીને જે તે નામની ન્યાયાધીશ તરીકે નિમણૂક કરે છે. આમાં સરકારની ભૂમિકા, ઇન્ટેલિજન્સ બ્યૂરો-IB દ્વારા ચકાસણી બાદ, નામો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાથી વિશેષ નથી. સરકારને કોઈ નામ ઠીક ન લાગે તો તે પુનર્વિચારણા માટે કોલેજિયમને મોકલી શકે ને કોલેજિયમ એ જ નામ ફરી મોકલે તો, સરકાર તેની નિમણૂક કરવા બંધાયેલી છે. એક તબક્કે નિમણૂકનો અંતિમ નિર્ણય સરકાર પાસે હતો, પણ સરકારનો નિર્ણય રાજકીય હેતુઓ યુક્ત હોય તો ન્યાયિક સ્વતંત્રતા પ્રભાવિત થાય, એટલે કોલેજીયમનો મહિમા જળવાઈ રહે એ પણ જરૂરી હતું, પણ એમાં ય વિસંગતિઓ પ્રવેશી છે, તો કોલેજિયમ સિસ્ટમ અંગે પુનર્વિચાર થવો ઘટે.

આશ્ચર્ય તો એ વાતે પણ છે કે વિસંગતિઓ જાણવા છતાં જજોની નિયુક્તિની પ્રક્રિયામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. એક તબક્કે ભા.જ.પ.ની કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ બનાવવાની કોશિશ કરી જોઈ, પણ સર્વોચ્ચ ન્યાયાલયે તેને અસંવૈધાનિક ઠેરવીને છેદ ઉડાડી દીધો. આયોગમાં ફેરફાર કરવાને બદલે તેનો છેદ એટલે ઉડાવાયો કે જજની નિમણૂક જજ જ કરે એવું વધુ યોગ્ય લાગ્યું હોય, પણ કોલેજિયમ દ્વારા થતી નિયુક્તિ ઉપરાંત ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર સંદર્ભે સવાલો ઉદભવ્યા છે. એવું તો નથી કે ન્યાયતંત્ર ભ્રષ્ટતાથી પર છે? બીજું કૈં નહીં તો, સાધારણ માણસનો ભરોસો ન્યાયતંત્ર પર ટકી રહે એટલી ચિંતા તો થવી જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 માર્ચ 2025

Loading

...102030...423424425426...430440450...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved