Opinion Magazine
Number of visits: 9953531
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તરુણોના સોશિયલ મીડિયા ઉપયોગ પર બંધીનાં વખાણ અને વિરોધ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 March 2025

ચંદુ મહેરિયા

તાજેતરની ગુજરાતના અરવલ્લી જિલ્લાની છાપે ચઢેલી એક સત્ય ઘટના. પાંચમીમાં ભણતી દસ વરસની બાળકી ઈન્સ્ટાગ્રામને કારણે સોળ વરસના કિશોરના પરિચયમાં આવી. પરિચય વધતાં એક દિવસ બાળા ભાગીને કિશોર પાસે પહોંચી ગઈ. છત્રીસ કલાકના સહવાસ દરમિયાન બંનેએ લગ્ન પણ કરી લીધા અને પતિ-પત્નીની જેમ શરીર સંબંધ પણ બાંધ્યો. સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાની તરુણો પરની ભયાનક અસરનો આ કોઈ એકલદોકલ કિસ્સો નથી. અને એટલે જ દુનિયામાં ટીનેજર્સના સોશિયલ મીડિયા વપરાશ પર પ્રતિબંધની માંગ બળવત્તર બની છે. કેટલાક દેશોએ તો તેનો અમલ પણ શરૂ કર્યો છે.

અમેરિકી સેનેટ સમક્ષની સુનાવણીમાં મેટાના સી.ઈ.ઓ. માર્ક ઝુકરબર્ગે વાલીઓની માફી માંગતા કહ્યું હતું કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે ઘણા બાળકો-કિશોરો અને તેમનાં માબાપોને વેઠવું પડ્યું છે. તેમને મોટું નુકસાન થયું છે. આ ખરેખર ન થવું જોઈએ. 

૨૦૨૪નો ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ થયેલો શબ્દ બ્રેન રોટ (Brain rot) છે. મગજનો સડો  જેવો શાબ્દિક અર્થ ધરાવતો આ શબ્દ સોશિયલ મીડિયાના અત્યાધિક ઉપયોગ અને તેને લીધે ત્યાં જોવા મળતી નકામી કે અર્થહીન સામગ્રીની મગજ પર થતી ખરાબ અસરને  વ્યક્ત કરે છે, તેમ જ તે અંગેની વૈશ્વિક ચિંતાને પ્રતિબિંબિત કરે છે. 

ઓસ્ટ્રેલિયા દુનિયાનો પહેલો દેશ છે જેણે બા-કાયદા સોળ વરસથી ઓછી વયનાં બાળકો-કિશોરોના સોશિયલ મીડિયા ઉપયોગ પર બંધી ફરમાવી છે. ઓસ્ટ્રેલિયન સેનેટમાં ૩૪ વિરુદ્ધ ૧૯ મતે પસાર થયેલ સોશિયલ મીડિયા સેફ્ટી અમેન્ડમેન્ટ બિલ કે સોશિયલ મીડિયા મિનિમમ એજ બિલની જોગવાઈ મુજબ, સોળ વરસ કે તેથી ઓછી વયનાં બાળકો-તરુણોનો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ, સ્નેપચેટ, અને ટિકટોકનો ઉપયોગ ગુનો ગણાશે. જો કે ટીનેજર્સ કે તેનાં માતા-પિતાને બદલે કાયદામાં કંપનીઓને દોષિત ઠેરવવવામાં આવી છે અને આકરો દંડ નક્કી કર્યો છે. 

વધુ સ્ક્રીન ટાઈમ આરોગ્ય માટે હાનિકારક હોઈ, સિંગાપોર સરકારે હેલ્થ પ્લાનનું આયોજન કરવું પડ્યું છે. નોર્વે સરકાર અલ્ગોરિધમની પ્રચંડ તાકાત સામે બાળકોને સલામતીનું કવચ પૂરું પાડવા તેર વરસ કરતાં વધુ વય સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ઠરાવવાની છે. ફ્રાન્સ ગવર્નમેન્ટ પંદર વરસથી ઓછી વયનાં બાળકો માટે માબાપની સંમતિ જરૂરી કરવાની છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં પ્રતિબંધ અમલી છે. સ્પેનમાં તો ત્રણ વરસ સુધીનાં બાળકોના સ્માર્ટફોન વપરાશ પર પૂર્ણ અને ત્રણથી છ વરસ માટે અંશત: પ્રતિબંધ છે. 

ભારતમાં હાલમાં પ્રતિબંધની બાબત વિચારણામાં ન હોવાનું આઈ.ટી. મંત્રાલયના સચિવે કહ્યું છે. પરંતુ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન એક્ટ ૨૦૨૩ના નિયમોના મુસદ્દામાં અઢાર વરસથી નાની વયનાં કિશોરોના સોશિયલ મીડિયાના ઉપયોગ માટે માબાપની સંમતિ અનિવાર્ય બનાવી છે. ગુજરાતમાં સરકાર માર્ગદર્શિકા તૈયાર કરવાની છે. 

સ્માર્ટ ફોનનો વપરાશ અને સોશિયલ મીડિયાનો વ્યાપ ઘણો મોટો અને સાર્વત્રિક છે. તેના લાભાલાભ પણ છે. એટલે બાળકો તથા કિશોરોના ઉપયોગ પર કેટલાક દેશોએ પ્રતિબંધ લાદ્યો તો કેટલાકે નિયંત્રણો મૂક્યા તે પગલાંની સરાહના ખૂબ થઈ છે. કંપનીઓ સિવાયનો એક વર્ગ તેનો તાર્કિક વિરોધ પણ કરે છે. 

અભ્યાસો દર્શાવે છે કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે માનસિક અને શારીરિક આરોગ્ય સંબંધી સમસ્યાઓ જન્મે છે. વળી ટીનેજર્સમાં તો તેનું પ્રમાણ વધુ છે. સોશિયલ મીડિયાનું વળગણ તેમને સ્માર્ટ ફોનના વ્યસની બનાવી દે છે. ચીડિયાપણું, મેદસ્વિતા, એકાગ્રતાનો અભાવ, ઓછી ઊંઘ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. કરોડરજ્જુ અને આંખોની મુશ્કેલી જોવા મળે છે. અભ્યાસ અને વાચન પ્રત્યે દુર્લક્ષ સેવે છે. વ્યાયામથી દૂર થાય છે. સામાજિક સંબંધો પર અસર પડે છે. માતાપિતા સાથેનો સંવાદ ઘટ્યો છે. અશ્લીલ સામગ્રી સરળ રીતે હાથવગી થતાં તરુણો પર નકારાત્મક અસર ઊભી થાય છે. બાળકો શાંત અને સિંગલ માઈન્ડેડ બની જાય છે. અધિક ઉપયોગ અને અધિક નિર્ભરતા સંવાદની ક્ષમતા ઘટાડે છે. તરુણોમાં જોવા મળતા ચિંતા અને તણાવ સોશિયલ મીડિયાના અત્યાધિક ઉપયોગને લીધે છે. આ તમામ બાબતોના નિવારણ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર કડક નિયંત્રણો કે પ્રતિબંધ એક જ વિકલ્પ લાગે છે. આ પ્રકારના વિચારો ધરાવતા લોકો (જે બહુમતીમાં છે) બંધીને વાજબી ઠરાવી તેના વખાણ કરે છે. 

સોશિયલ મીડિયા પર બંધીના કાયદા અને નિયંત્રણો માટેના નિયમોનો સૌથી ઉગ્ર અને મુખર વિરોધ કંપનીઓએ કર્યો છે. એલન મસ્કના મતે આ બંધી નાગરિકોને માહિતી સુધી પહોંચતા અટકાવવાનો પ્રયાસ છે. કંપનીઓને સજા કે દંડ પણ તેમને અસ્વીકાર્ય છે. એ ખરું કે હાલના કાયદા અને નિયંત્રણો ઘણાં મર્યાદિત છે અને તે બૂરી અસરને ખાળવાનો પ્રયાસ છે. તે કિશોરોને ઈન્ટરનેટ કે માહિતી સુધી પહોંચતા પૂર્ણપણે અટકાવતો નથી. સોશિયલ મીડિયા વિચારોના આદાનપ્રદાનનું મૂલ્યવાન સાધન છે. જેમનો અવાજ કથિત મુખ્યધારામાં ગૌણ છે તે સબળ રીતે આ માધ્યમનો ઉપયોગ કરી શકે છે અને કરે પણ છે. અમેરિકામાં આફ્રો-અમેરિકન યુવકની હત્યાની ઘટના કે અરબવસંતમાં તેણે જાગ્રતિ માટે મોટો રોલ ભજવ્યો હતો. સોશિયલ મીડિયા અફવા ફેલાવે છે, દુ:શ્મની વધારે છે તો તે બૌદ્ધિક દુનિયાનું નિર્માણ પણ કરી શકે છે. વંચિતો, દુભાયેલા લોકો અને અન્યના સંઘર્ષોમાં તે ધારદાર હથિયાર બની શકે છે. લોકજાગ્રતિ કે આંદોલન માટે તેમ ધંધા રોજગાર માટે પણ તે કામનું છે. કિશોરોના સ્ક્રીન ટાઈમને ઘટાડીને કે તેમને જાગ્રત કરીને આ કામ થઈ શકે છે. પ્રતિબંધ યોગ્ય ઉકેલ નથી એમ માનનારો એક વર્ગ છે. 

ટીનેજર્સને સોશિયલ મિડીયાની નકારાત્મક અસરોથી બચાવવા માટે મોટેરાંઓએ પહેલ કરવી પડશે. એક અંદાજ મુજબ મોટેરાં સરેરાશ પાંચ કલાક અને તે પણ મોટેભાગે બાળકોની હાજરીમાં સોશિયલ મીડિયા પર ગાળે તો તેની અસર બાળકો પર થવાની જ છે. એટલે બાળકો પર બંધી મૂકતા પહેલાં મોટેરાં સ્વયં નિયંત્રણ કરે તે જરૂરી છે. એક સર્વે પ્રમાણે ભારતમાં સ્માર્ટફોન યુઝર્સ સરેરાશ ૨.૪ કલાક સોશિયલ મીડિયા પાછળ ખર્ચે છે. દુનિયામાં સૌથી વધુ દૈનિક સરેરાશ ચાર કલાક ફિલિપાઈન્સના લોકો ખર્ચે છે, પરંતુ જાપાનીઓ માત્ર પોણો કલાક જ ખર્ચે છે. તેના પરથી જાપાન કેમ દુનિયાનો અગ્રણી દેશ છે તે સમજાવું જોઈએ. 

કોરોનાએ સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાના આપણને આદિ બનાવી દીધા છે. ઓનલાઈન શિક્ષણે બાળકો અને કિશોરોને પણ તેનો વધુ ઉપયોગ કરતા કર્યાં  અને હવે તેના વ્યસની થઈ ગયાં છે. આજકાલ પુસ્તકોનું સ્થાન સ્માર્ટફોને, કાગળનું સ્થાન સ્ક્રીને અને પેનનું સ્થાન કી બોર્ડે લઈ લીધું છે. એટલે તેના વળગણથી પૂર્ણ છૂટકારો તો શક્ય લાગતો નથી, પરંતુ વિવેકસરનો ઉપયોગ તેની માઠી અસરો જરૂર ઓછી કરી શકે છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

મહાદેવીના જવાહરભાઈ :

હિદાયત પરમાર|Opinion - Opinion|26 March 2025

મહાદેવી વર્મા

મહાદેવી વર્મા દ્વારા લખાયેલાં રેખાચિત્ર અને સંસ્મરણો ભારતીય સાહિત્યનો વારસો છે. તેમની પાસે જવાહરલાલ નેહરુ વિશે એક એવું સંસ્મરણ પણ છે, જેનું શીર્ષક છે : ‘જવાહરભાઈ’. 

મહાદેવી નેહરુ સાથેની તેમની પ્રથમ મુલાકાત વિશે લખે છે કે તે સમયે તે અલ્હાબાદમાં ક્રાસ્થવેટ ગર્લ્સ કોલેજમાં ધોરણ 7ની વિદ્યાર્થિની હતી. એક દિવસ તેને આચાર્ય કુમારી તુલાસકર સાથે આનંદ ભવન જવાનો મોકો મળ્યો અને તે શાળાના ગણવેશમાં જ બિસ્તરા લઈ તેની શિક્ષિકા સાથે આનંદ ભવન જવા રવાના થઈ. નેહરુ સાથેની આ પ્રથમ મુલાકાતમાં, મહાદેવી તેમના મનમાં પડેલી ઊંડી છાપ વિશે લખે છે કે ‘તેમની દૃષ્ટિમાં સ્વપ્નિલ વિશેષતા હતી. સામે ઊભેલી વ્યક્તિને લાગ્યું કે જાણે એ આંખો તેની બહાર કંઈક જોઈ રહી છે.’ 

જ્યારે તે તેની શિક્ષિકા સાથે આનંદ ભવનથી પરત ફરવા લાગી, ત્યારે તે બેગ ભૂલીને બહાર આવી ગઈ. નેહરુ મહાદેવીનો થેલો બહાર લાવ્યા અને તેમને પૂછ્યું, ‘આ પુસ્તકો તમારા છે?’ જ્યારે મહાદેવીએ સ્વિકાર કરતાં માથું હલાવ્યું, ત્યારે નેહરુએ ઠપકો આપ્યો અને કહ્યું – ‘શું હાસ્યાસ્પદ વાત છે! પુસ્તકો ફેંકતા ફરી રહ્યાં છો. વાંચતા શું ધૂળ હશો?’

મહાદેવી લખે છે કે ‘શું હાસ્યાસ્પદ વાત છે’ વાળો ઠપકો તેમને નેહરુ દ્વારા પછી પણ ઘણી વખત સાંભળવા મળ્યો હતો. 

એક મોટર અકસ્માતમાં મહાદેવીનો પગ ભાંગી ગયો, નેહરુએ કહ્યું ‘કેટલી હાસ્યાસ્પદ વાત છે, તમે તમારો પગ જ ભાંગી નાખ્યો.’ જ્યારે મહાદેવી ઘણા મહિનાઓ સુધી અસ્વસ્થ રહ્યાં ત્યારે નેહરુએ કહ્યું હતું કે ‘શું હાસ્યાસ્પદ વાત છે, તમે વારંવાર બીમાર પડો છો.’ મહાદેવી લખે છે કે તેણે ત્યારથી નહેરુને સેંકડો વખત જોયા હતા, પરંતુ ‘કોઈપણ સંજોગોમાં તેમના માનવીય રૂપમાં કોઈ ફરક જોવા મળ્યો નહીં.’

તેમણે વડા પ્રધાન તરીકે નેહરુની મુલાકાતનો રસપ્રદ અહેવાલ આપ્યો છે. બન્યું એવું કે લેખકોના કોપીરાઈટ સંબંધિત મુદ્દા અંગે મૌલાના આઝાદ સાથે વાત કરવા મહાદેવીને દિલ્હી જવું પડ્યું. તેમણે નેહરુને મળવાનું પણ નક્કી કર્યું, પરંતુ મહાદેવીએ આ મુલાકાતનો સમય અગાઉથી નક્કી કર્યો ન હતો. જ્યારે તે નેહરુને મળવા તીન મૂર્તિ પહોંચ્યાં, ત્યારે તેમના અંગત સચિવે કહ્યું કે પૂર્વ-નિર્ધારિત સમય વિના તેમને મળવું શક્ય નથી, અને ‘અહીં તો લોકો 10-10 દિવસ રાહ જોઈ પડ્યા રહે છે’.

વાત મહાદેવીને ચુભી ગઈ. તેણે વળતો જવાબ આપ્યો, ‘તે વડા પ્રધાનની વ્યસ્તતાનો પુરાવો હોઈ શકે છે, પરંતુ જેઓ 10-10 દિવસ પડ્યા રહે છે, તેમની નવરાઈનો ચોક્કસ પુરાવો છે. તમે જાઓ અને તેમને જાણ કરો કે મહાદેવી પ્રયાગથી આવ્યાં છે અને તેમને આજે જ પાછા ફરવાનું છે. તેમને મળવાની રાહ જોવામાં તે જીવનના કિંમતી 10 દિવસ ગુમાવી શકે તેવી સ્થિતિમાં નથી.’ 

પછી તો શું ! જવાહરલાલ પોતે બહાર આવ્યા અને મહાદેવીને પોતાની સાથે અંદર લઈ ગયા અને કહ્યું, ‘અહીં બેસો, મને અલ્હાબાદની સ્થિતિ કહો. તને કોણે શું કહ્યું? ‘એના પછી મને જીદનું ન યાદ રહ્યું કે ન ફરિયાદ કરવાનું. પોતે વ્યસ્ત હોવા છતાં બીજાના આત્મવિશ્વાસ અને સુવિધાની ચિંતા કરવાનું તેઓ ભાગ્યે જ ભૂલતા હતા.’

એક રસપ્રદ ઘટના ભોજનના આમંત્રણ સાથે પણ જોડાયેલી છે, જે કદાચ વર્તમાન સમયમાં વધુ સુસંગત છે. એકવાર મહાદેવી અને મૈથિલીશરણ ગુપ્ત નેહરુને મળવા ગયાં. નેહરુએ બંનેને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું. જ્યારે તેમને ખબર પડી કે મહાદેવી મૈથિલીશરણ ગુપ્તની જેમ શાકાહારી છે, ત્યારે નહેરુએ મહાદેવીને મજાકમાં કહ્યું, ‘શું તમે હજુ પણ ઘાસપાત ખાઓ છો’. મૈથિલીશરણજીએ જવાબ આપ્યો, ‘તમે બધાએ અમારા માટે શું બાકી રાખ્યું છે.’ પછી નેહરુએ શાકાહારી ભોજન તૈયાર કરવાની વ્યવસ્થા કરી. રાત્રિભોજનમાં શાકાહારી અને માંસાહારી બંને વ્યવસ્થા હતી. નેહરુએ મહાદેવીની થાળી પોતાની પાસે રાખી અને તેમને આત્મીયતાથી કહ્યું, ‘તમે જે નથી ખાતાં, તે બીજાને ખાતા જોઈને નાક ન ચડાવો, બરાબર!’

મહાદેવી આ અનોખા સંસ્મરણના અંતે લખે છે : ‘આજે તેઓ તેમના સ્વપ્નદૃષ્ટિ સાથે અદૃશ્ય થઈ ગયા છે, તેમણે સ્વપ્નદૃષ્ટા હોવાની કિંમત ચૂકવી છે અને દેશે એક સ્વપ્નદૃષ્ટા મેળવવાનો.’

[સંદર્ભ : મહાદેવી સાહિત્ય સમગ્ર, ખંડ-2.]
સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અમદાવાદ અધિવેશન : નવા પડકારો આપશે કે તાકાત મેળવશે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 March 2025

આજની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલથી છેક કોચરબ લગી પથરાયેલ એ અધિવેશનનું આખું આયોજન વલ્લભભાઈના અધ્યક્ષ પદે રચાયેલ સ્વાગત સમિતિએ સાત્યું હતું

Rare photo of Ahmedabad Congress 1921

બસ, હવે થોડા દિવસ અને અમદાવાદ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું યજમાન બનશે. અમદાવાદમાં અધિવેશનનું મળવું 1921 પછી પહેલી વારનું એટલે કે પૂરાં એકસો ચાર વરસે હશે. આજની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલથી છેક કોચરબ લગી પથરાયેલ આ અધિવેશનનું આખું આયોજન વલ્લભભાઈના અધ્યક્ષ પદે રચાયેલ સ્વાગત સમિતિએ સાત્યું હતું : સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતમાં ઉભરેલા એકના એક આંદોલન પુરુષ ઇન્દુલાલ યાજ્ઞિક સ્વાગત મંત્રીઓ હતા.

પ્રકાશ ન. શાહ

કાઁગ્રેસનાં આ બધાં વરસો નકરા રાજકીય પક્ષમાંથી ઊગીને એમાં જ આથમતાં નહોતા. એ એક નેશનલ પ્લેટફોર્મ શું વ્યાપક સામાજિક-સાંસ્કૃતિક આંદોલન હતું. એ જે મિજાજ, એ જે માહોલ એની સુરેખ છબી એ પ્રસંગે યોજાયેલ પ્રદર્શનમાં સ્વાગતવચનો ઉચ્ચારતા વલ્લભભાઈના ઉદ્દગારોમાંથી ઊપસી રહે છે : ‘ભર્તૃહરિએ કહ્યું છે કે સાહિત્ય, સંગીત અને કળા એ મનુષ્યનું લક્ષણ છે. એ ત્રણેયનો યોગ મહાસભા (કાઁગ્રેસ) સાથે કરીને આપણે આપણું મનુષ્યત્વ સિદ્ધ કરી રહ્યા છીએ.’

સ્વરાજ લડતની રીતે આ કાઁગ્રેસનું અદકેરું મહત્ત્વ હતું. અસહકાર આંદોલનની અસાધારણ સફળતાપૂર્વક એ મળી રહી હતી અને 1920માં તિલકની અર્થીને ખભો આપવા સાથે ગાંધીજી સમતા-સ્વતંત્રતાને સાંકળતા અભિગમપૂર્વક જે રીતે કેન્દ્રવર્તી ભૂમિકામાં ઉભર્યા હતા એનીયે તે સાહેદી હતી. વરાયેલા પ્રમુખ ચિત્તરંજન દાસ અટકાયતમાં લેવાતા પહોંચી શક્યા નહોતા અને હકીમ અજમલખાને અધ્યક્ષતા કરી હતી. પૂર્ણ સ્વરાજનો મુદ્દો ઉઠાવનારામાં મૌલાના હસરત મોહાની મુખ્ય હતા તો રશિયાબેઠે ઉદ્દામ દૃષ્ટિબિંદુપૂર્વક વૈકલ્પિક વિચારસામગ્રી વહેંચવા થકી ક્રાંતિકાર માનવેન્દ્ર નાથ રાય(એમ.એન. રોય)ની નીચે પરોક્ષ હાજરી હતી.

આ તો 1921ની એક આછીપાતળી ઝાંખી છે, પણ એનાયે ઓગણીસ વરસ પૂર્વે 1902માં અમદાવાદે કાઁગ્રેસ અધિવેશનની યજમાની સાહી હતી. અધ્યક્ષતા સુરેન્દ્રનાથ બેનરજીએ સંભાળી હતી. એમની ગર્જનઘેરી વક્તૃતા, અંગ્રેજ જીભે ઉચ્ચાર મુશ્કેલીવશ, સુરેન્દ્રનાથને ‘સરેન્ડર નૉટ’ તરીકે ઓળખાવતી. સ્વાગત પ્રમુખ ત્યારે અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા, જેમની શાંતિદાસના જોડાની વારતા પલટાતી અર્થવ્યવસ્થા વચ્ચે ભાંગતાં ગામડાની દિલસોજ દાસ્તાં છે. એ ગયા ત્યારે રામાનંદ બાબુના ‘મોડર્ન રિવ્યૂ’માં અંજલિ રૂપ એવી એક ટિપ્પણી લખાવાની હતી કે કેટલીક બાબતોમાં એ ગાંધીપૂર્વ હતા.

હમણાં જ કહ્યું ને સ્વાતંત્ર્ય ચળવળના વડા કરણ રૂપ કાઁગ્રેસ ત્યારે એક સામાજિક-સાંસ્કૃતિક ચળવળ શી હતી. 1902ના અધિવેશનમાં ગુજરાતના જિલ્લે જિલ્લેથી લોક સામેલ થાય એની ઝુંબેશમાં જોડાયેલાઓમાં ગોવર્ધનરામ ને મણિલાલ નભુભાઈ જેવા સાક્ષરો પણ હતા. ત્યારે માંડ દસેકના ઇન્દુલાલને આત્મકથામાં સંભાર્યું છે કે ગોવર્ધનરામે એક નાનકડી સભામાં પાકી ચરોતરિયા બોલીમાં કાઁગ્રેસનું કાર્ય સમજાવેલું અને એક એક રૂપિયાની ફી ભરી એ બેઠકમાં જવા એલાન કરેલું.

1920ની આ કાઁગ્રેસ સાથે યોજાયેલ ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્દઘાટન સયાજીરાવ ગાયકવાડે કર્યું હતું તે આ લખતાં સાંભરે છે. વડોદરાની ગાયકવાડ રાજવટે 1857થી કિનારો કર્યો હતો, પણ એ જ રાજવટ કાઁગ્રેસના ઉગમ સાથે પરોક્ષ પણ સંકળાઈ શકતી હતી. મુદ્દે, સત્તાવનનો સ્વાભાવિક મહિમા છતાં એનું સ્વરૂપ સર્વજનસમાવેશી ને અખિલ હિંદ નહોતું – અથવા મુકાબલે ઓછું, ખાસું ઓછું હતું. પૂર્વે અંગ્રેજ રાજવટ જામતી ગઈ તેમાં વેપારી વર્ગની ખાસી સામેલગીરી ને કંઈક મેળાપીપણું પણ ભાગ ભજવી ગયું હશે. દિલ્હી સલ્તનતથી ઉફરાટે હિંદવી સ્વરાજનો નેજો શિવાજીએ સોજ્જો લહેરાવ્યો હશે, પણ પેશવાઈ આવતે અટકથી કટકનો કબજો છતાં એમાં એ સમાવેશી અભિગમ રહ્યો ન હતો જે ક્યારેક શિવ છત્રપતિમાં હોઈ શકતો હતો.

અંગ્રેજી રાજને સાંસ્થાનિક હકૂમત માત્ર લેખ ખતવી દેવું ખોટું અલબત્ત નથી, પણ અધૂરું અલબત્ત છે, કેમ કે એની રાજવટ કંઈક વ્યવસ્થા બાંધી આપનારી હતી. વેપારી વર્ગને, વ્યવસ્થા સ્થપાય તો, પલટાતી રાજવટનો કદાચ એવો ને એટલો વાંધો પણ નહોતો.

1857 જેમ સંગ્રામનું તેમ યુનિવર્સિટી-સ્થાપનનુંયે વર્ષ છે. જે નવશિક્ષિત વર્ગ આવ્યો એને ભણતરમાં આ રાજ થકી સુવાણનો અનુભવ થયો ને નવી દુનિયાનો પરિચય પણ. ફાર્બસનિમંત્ર્યા દલપતરામ વઢવાણથી પગે ચાલતા અમદાવાદ પહોંચ્યા, ચાંદા-સૂરજના મહેલમાં – આજના ખાનપુરના હોલી ડે ઈન વિસ્તારમાં – ત્યારે ઇતિહાસવસ્તુ તરીકે એમણે કાપેલું અંતર ગાઉમાં નહીં એટલું સૈકાઓમાં હતું – અને એ ઘટના સત્તાવન પૂર્વે બની હતી. દુર્ગારામ મહેતાજી માનવ ધર્મ સભા લઈને આવ્યા એ પણ સત્તાવન પૂર્વ સીમાઘટના હતી. અતિશયોક્તિ વગર, એવો ને એટલો વ્યાપ હો કે ન હો, રેનેસાંના નકશા પર કોલકાતા પછી કોઈ શહેર આવ્યું હોય તો તે સુરત હતું – અને મુંબઈ પણ તે પછી, જરી મોડેથી.

હવે આ જે નવો જમાનો બેસતો આવતો હતો એનું અચ્છું ચિત્ર મંડળી મળવા ને સભા રૂપે મળવા વિશે તરુણ નર્મદના નિબંધમાંથી મળી રહે છે – એ નિબંધ પણ સત્તાવનનાં ત્રણ-ચાર વરસ પર વંચાયેલો છે. ‘ડાંડિયો’ કાઢવાનાં એના પ્રાસ્તાવિક વચનોમાંયે ‘ટેબલ ટાંક’નું મહિમામંડન તમને જોવા મળશે.

એક રીતે જોતાં, કાઁગ્રસની 1885ની શરૂઆત આજના હિસાબે મોળી લાગે, પણ નવયુગના પદચાપ તરીકે તે ન તો મોળી હતી – ન તો મોડી  પણ હતી.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 માર્ચ 2025

Loading

...102030...422423424425...430440450...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved