Opinion Magazine
Number of visits: 9664844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રજનન દરમાં ઘટાડો સામાજિક પરિવર્તનનો સંકેત છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 January 2025

ચંદુ મહેરિયા

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તેમની સરકાર બેથી વધુ બાળકો હોય તેને  ખાસ પ્રોત્સાહન આપશે તેમ જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓને ઉમેદવારી કરતાં અટકાવતો કાયદો આંધ્ર સરકાર સુધારશે તેવી પણ જાહેરાત કરી છે. ‘અમે બે અમારા બે’ના શોર અને વસ્તી નિયંત્રણના આકરા પગલાં પર જોર વચ્ચે વધુ બાળકોની અપીલનું કારણ ઘટતો પ્રજનન દર છે. દેશના ૨.૧ ટકા પ્રજનન દરની સરખામણીએ દક્ષિણના રાજ્યોનો પ્રજનન દર ૧.૬ ટકા હોવાથી વસ્તી વૃદ્ધિની અપીલો થઈ રહી છે. 

આંધ્રના સી.એમ.ની અપીલના વળતા દિવસે જ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને  સમૂહ લગ્નના સમારંભમાં કહ્યું કે પહેલાં નવદંપતીને સોળ પ્રકારની સંપત્તિના આશીર્વાદ અપાતા હતા, હવે સોળ સંતાનોના આશીર્વાદ આપવા જોઈએ. નવા પરણેલાં જોડાં નાના કુટુંબોનો ખ્યાલ છોડે તેવી વિનંતી તેમણે કરી છે. 

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે તો વળી આધુનિક વસ્તી વિજ્ઞાનનો હવાલો આપીને જણાવ્યું છે કે જ્યારે કોઈ સમાજનો પ્રજનન દર ૨.૧થી નીચે જાય છે ત્યારે તે આપોઆપ નષ્ટ થઈ જાય છે. આજે ભારત તે સ્થિતિએ છે. એટલે તેમણે લોકોને સમાજને જીવતો રાખવા ઓછામાં ઓછા ત્રણ બચ્ચાં પેદા કરવા અપીલ કરી છે. યાદ રહે મોહન ભાગવત અપરિણીત છે અને તેમને કોઈ સંતાન નથી. આંધ્ર પ્રદેશના સી.એમ.ને એક અને તમિલનાડુના સી.એમ.ને બે જ સંતાનો છે. પરંતુ તેઓ પોતાનાં વોટર્સ ઘટી ન જાય તે માટે પ્રજનન દરના ઘટાડાનો સરળ ઉકેલ વસ્તી વૃદ્ધિમાં જુએ છે અને લોકોને વધુ બાળકો પેદા કરવા જણાવે છે. 

૨૦૨૪ના મધ્યમાં તો ભારત ચીનને આંબીને દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો અને હવે ફરી પ્રજનન દરના ઘટાડાને અટકાવવા વસ્તી વધારાની અપીલો થઈ રહી છે. એક દંપતી દ્વારા જન્મેલાં બાળકોની સરેરાશ સંખ્યા કે એક મહિલાએ તેના જીવનકાળમાં જન્મ આપેલ સંતાનોની સરેરાશ સંખ્યા એટલે ટોટલ ફર્ટિલિટી રેટ ( TFR) કે પ્રજનન દર ગણાય છે. મહિલા તેની ઉમરના ૧૫થી ૪૯ વર્ષના ગાળામાં ગર્ભધારણની ક્ષમતા ધરાવે છે. ૧૫થી ૧૯ વર્ષમાં આ ક્ષમતા વિશેષ હોય છે. ભારતીય મહિલાઓની ગર્ભધારણ  ક્ષમતા, પ્રજનન દર કે જન્મ દર ઘટી રહ્યો છે અને તે ૨.૧ કે ૨-એ પહોંચ્યો  છે. 

માનવ ઇતિહાસના સૌથી મૂળભૂત સામાજિક પરિવર્તન પૈકીનું એક પ્રજનન દરમાં ઘટાડો છે. નિયંત્રિત પ્રજનન દર માટે જાણીતા બાંગ્લાદેશને બેના પ્રજનન દરે પહોંચતા સત્તર વરસ લાગ્યા હતાં પરંતુ ભારતે ચૌદ વરસમાં આ સિદ્ધિ મેળવી છે. તેનાં કારણો જાણીને આ પરિવર્તનને આવકારવાની જરૂર છે. 

શિક્ષણ અને મહિલા શિક્ષણમાં થયેલા વધારાને કારણે વસ્તી વૃદ્ધિની વિપરિત અસરો વિશે જાગ્રતિ વધી છે. વસ્તી વધારા પર નિયંત્રણનું જ પરિણામ પ્રજનન દરનો ઘટાડો છે. જો કે તે નસબંદી કે વધુ બાળકો ધરાવનારને દંડિત કરવાથી નહીં પણ ચોક્કસ આર્થિક-સામાજિક કારણોથી થયો છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળે શિક્ષણના ઊંચા દર દ્વારા આ પ્રજનન દર હાંસલ કર્યો છે. મહિલા જાગ્રતિકરણ કે સ્ત્રી સશક્તિકરણ, શ્રમ શક્તિમાં વધેલી મહિલા ભાગીદારી, કુટુંબના નિર્ણયોમાં મહિલાનો અવાજ, ગર્ભ નિરોધક્ના ઉપયોગને મળેલી સામાજિક સ્વીકૃતિ, લગ્ન વયમાં વધારો, એક્લ અપરિણિત મહિલાઓનું વધતું પ્રમાણ, સમાજનું આધુનિકીકરણ, સંકોચાતા પરિવારો, આરોગ્ય સેવાઓમાં સુધારો, બાળ મૃત્યુનું ઘટતું પ્રમાણ,મહિલા અધિકારોનો અમલ, બાળકોના ઉછેર અને શિક્ષણ આરોગ્યના ખર્ચમાં વધારો, નવા મૂલ્યોનો જન્મ અને શહેરીકરણ જેવાં કારણોથી પ્રજનન દરમાં ઘટાડો થયો છે. 

ટોટલ ફર્ટિલિટી રેટના ઘટાડાની સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળે છે. પ્રજનન દરમાં ઘટાડાથી વસ્તી વૃદ્ધિનો નો દર ઘટ્યો છે. ૧૯૬૩માં વૈશ્વિક વસ્તી વૃદ્ધિ દર ૨.૩ ટકા હતો જે આજે  લગભગ ૧ ટકા છે. ભારતનો પ્રજનન દર અને વસ્તી વૃદ્ધિ દર સમાન એટલે ૨ છે. અધિક મૃત્યુ દરથી નિયંત્રિત થતી વસ્તી વૃદ્ધિ હવે ઓછા પ્રજનન દરથી નિયંત્રિત થશે. હાલમાં ભારતમાં યુવા વસ્તીનું પ્રમાણ વધુ છે. પરંતું પ્રજનન દરમાં ઘટાડાને કારણે યુવા વસ્તીમાં ઘટાડો થશે અને વૃદ્ધ વસ્તીમાં વધારો થશે. વલ્ડ પ્રોસ્પેકટ રિપોર્ટ પ્રમાણે હાલમાં ભારતમાં પાંત્રીસ વરસથી નાની વયની યુવા આબાદી ૬૫ ટકા છે. ટી.એફ.આર.માં ઘટાડો થતાં ત્રીસ વરસ પછી પાંસઠ વરસની વૃદ્ધ વસ્તી ૬૫ ટકા હશે. પ્રજનન દરના ઘટાડાનું આ સૌથી મોટું નકારાત્મક પાસું ગણાય છે. 

એક એવો હાઉ ઊભો કરવામાં આવી રહ્યો છે કે પ્રજનન દરમાં ઘટાડાથી વસ્તીમાં તુરત ઘટાડો થઈ જશે. પરંતુ આગામી કેટલાક દાયકા સુધી તો વસ્તી વધવાની જ છે. તે પછી તેમાં ઘટાડો થવો શરૂ થશે. હાલમાં યુવાઓની જનસંખ્યા વધારે હોવાથી કામ કરતા લોકોમાં વધારો થયો છે તેને કારણે આર્થિક વિકાસ ઝડપી બન્યો છે. ઘરડા લોકો અને બાળકોની વસ્તી વધવાની અસર થઈ શકે છે કેમ કે આ વર્ગ અન્ય પર નિર્ભર છે. એટલે બુઝુર્ગ અને વૃદ્ધ વસ્તીની દેખભાળ મોટી ચેલેન્જ બની શકે છે. 

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ભારતમાં મહિલાઓની ગર્ભધારણ ક્ષમતા રાષ્ટ્રીય લેવલે ૨  છે, પરંતુ ગુજરાતમાં તેનાથી થોડી ઓછી એટલે કે ૧.૯ છે. તેનું કારણ મોડાં લગ્ન, શહેરીકરણ અને ગર્ભનિરોધકનો ઉપયોગ તો છે જ, પરંતુ ગુજરાતમાં ૬૫ ટકા મહિલાઓ કુપોષિત છે. એટલે પ્રજનન દરનો ઘટાડો કુપોષણનું પરિણામ હોય તો તે દૂર કરવાની દિશાના પ્રયત્નો વધારવા પડે. બાળમૃત્યુ દરમાં ઘટાડો, સરેરાશ આયુષ્યમાં વધારો અને ઓછા વજન અને ઊંચાઈ ધરાવતા બાળકોની સર્વાધિક સંખ્યામાં ઘટાડાના સંદર્ભે યોગ્ય પગલાં પણ પ્રજનન દરના ઘટાડાની વિપરિત અસરો ઓછી કરી શકે છે.  

રાજકારણીઓને પ્રજનન દરના ઘટાડાનો સરળ અને તુરત ઉકેલ વસ્તી વધારામાં લાગ્યો છે. પરંતુ આ બાબતને મહિલાઓની દૃષ્ટિએ જોવાની જરૂર છે. ઓગણીસમી સદીમાં સરેરાશ છ બાળકોના પ્રજનન દરને અડધો કે ત્રણ કરતાં યુ.કે.ને ૯૫ વરસ અને અમેરિકાને ૮૨ વરસ થયા હતા. પરંતુ વીસમી સદીમાં બાંગ્લાદેશે ૨૦, સાઉથ કોરિયાએ ૧૮, ચીને ૧૧, ઈરાને ૧૦ વરસમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ધીમા પણ મક્કમ સામાજિક પરિવર્તનને ફટાફટ વધુ બાળકો જણવા માંડો એમ કહીને વેડફી ના નાંખીએ. 

જો અન્ય પર નિર્ભર વૃદ્ધોની વધુ વસ્તી સમસ્યા લાગતી હોય તો વૃદ્ધો લાંબો સમય કામ કરી શકે તેવા તંદુરસ્ત રહે તેવું કરવાની જરૂર છે. વૃદ્ધ વસ્તીને સમસ્યારૂપ માનવાને બદલે તેને સ્વસ્થ રાખી વધુ સમય કામ કરતા કરવાની જરૂર છે. વસ્તી વૃદ્ધિ કે વસ્તી નિયંત્રણને બદલે તંદુરસ્ત અને ખુશહાલ આબાદી દેશને આબાદ બનાવશે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

મારું જીવન એ જ મારી વાણી 

આશા બૂચ|Gandhiana|29 January 2025

દુનિયામાં અસંખ્ય લોકોએ ગાંધીજી વિષે થોકબંધ સાહિત્ય રચ્યું, તેમાંનું ઘણુંખરું વંચાયું, ચર્ચા થઈ, પણ તેમાંથી શીખીને અમલમાં મુકાયું કેટલું?

આજે ધાર્મિક માન્યતાઓના ઓઠા હેઠળ વધતી જતી વિભાજનની નીતિ અને પરિણામે હિંસામાં થતો વધારો, અનેક દેશોમાં જમણેરી વિચારધારાના શાસકોનો થતો પુનઃપ્રવેશ, માનવ અધિકારોનો – ખાસ કરીને મહિલા સ્વાતંત્ર્યનો – થતો ધ્વંસ અને એટલું જાણે પૂરતું ન હોય તેમ પર્યાવરણીય કટોકટીએ મુકેલી માઝા જેવી સમસ્યાઓએ સમગ્ર માનવજાતને ઘેરી લીઘી છે  ત્યારે કોણ જાણે કેમ પણ એ બધાના ઉકેલ માટે ગાંધી તરફ નજર જાય છે. એનું કારણ એ હોઈ શકે કે હજુ આજે પણ ગાંધીજી અને તેઓના વિચારો એટલા જ, કદાચ એથી ય વધુ પ્રસ્તુત છે.

ગાંધીજીનાં લેખન અને કાર્યોમાંથી જે સમજાયું તેના સાર રૂપે કેટલાક મુદ્દા અહીં પ્રસ્તુત છે.

જે જોઈએ, સાંભળીએ અને વાંચીએ તે સત્યની પુષ્ટિ કરતું હોય તો તેનો અમલ કરવો. જો એનો અમલ એક વ્યક્તિ કરી શકે તો સમૂહના બધા લોકો કાં ન કરી શકે તેવી શ્રદ્ધા રાખવી. (એટલે જ તો નાની વયે રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયા પછી ગાંધીજીને “બધા હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી કાં ન થાય?” એવો વિચાર આવ્યો અને એનો અમલ અનેક સત્યાગ્રહો મારફત કર્યો) અહીં બધા શબ્દ પર જોર છે અને એ લોકશક્તિ પરનો વિશ્વાસ સૂચવે છે.

દરેક નાગરિક અને સમુદાયને પોતાને થતા અપમાન તેમ જ અન્યાયનો બદલો લેવાની પૂરી સ્વતંત્રતા છે. માત્ર તેનો માર્ગ અલગ, એટલે કે અહિંસક હોવો ઘટે. સત્ય પોતાના પક્ષે છે તેની ખાતરી કર્યા બાદ તર્કબદ્ધ દલીલો સાથે અપમાન અને અન્યાય કરનાર સાથે પોતાના અધિકારની માંગણી કરવી, સમાધાન કરવા તૈયાર રહેવું અને તેમાં નિષ્ફળતા મળે તો સતેજ પગલાં ભરવાં. તેમ કરવા જતાં પોતાનું અને પ્રતિપક્ષીનું આત્મસન્માન જળવાવું જોઈએ, બીજાનાં માથાં વાઢવા માટે નહીં, પણ તેને પોતાના અન્યાયી વર્તનનું ભાન કરાવીને હૃદય પરિવર્તન કરવા માટે લડાઈ કરવી.

પોતાના અધિકારો માટે વ્યક્તિગત કે સામૂહિક ચળવળ કરવી વ્યાજબી છે, પણ તેમ કરતાં મોતને ભેટવા તૈયાર રહેવું, મારવા માટે હરગીઝ નહીં એ કક્ષાની અહિંસક સૈનિક તરીકે તાલીમ લેવી જરૂરી.

પોતાના પક્ષે જે હકીકત હોય તે પૂર્ણ વિવેકથી, પણ મક્ક્મતાથી અધિકારી વર્ગને પણ કહી શકાય. તેમાં જરૂર પડે તો પોતાના ધર્મ અને સભ્યતાનો ઉલ્લેખ પણ કરી શકાય, પણ તેમાં ઘમંડને બાદ રાખવો.

સ્વાતંત્ર્ય અને પોતાના અધિકારોની રક્ષા ખાતર દેખાવો કરવા, હડતાલ પાડવી અને ભાષણો કરવાથી હેતુ ન સરે તો ધ્યેય પ્રાપ્ત કરવા હિંસક પગલાં સિવાયનાં તમામ પગલાં ભરવાં અને સાચા સત્યાગ્રહી તરીકે પીડા સહન કરવી પણ કોઈને પીડવું નહીં તેનું સ્મરણ રાખવું.

દરેક નાગરિક માટે ન્યાયી કાયદો તોડવો એ ગુનો છે, તેમ અન્યાયી કાયદો પાળવો એ પણ ગુનો છે. અન્યાયી કાયદા તોડવા એ માત્ર આપણો અધિકાર જ નથી, પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ પણ છે.

અહિંસક પ્રતિકાર નિષ્ક્રિય ન હોવો જોઈએ, એ પોતાના અધિકાર મેળવવા માટે સક્રિય પ્રયાસ છે. પ્રતિપક્ષના અન્યાય અને ગુસ્સા સામે લડો, પરંતુ તેને અન્યાયી અને હિંસક વર્તાવ કરવા ઉશ્કેરવાની કોશિશ હરગીઝ ન કરવી. સત્યાગ્રહીના મનમાં વ્યક્તિ, સંગઠન કે સરકારી તંત્રને પોતાના ખોટા અને અન્યાયી કાયદા તેમ જ વર્તાવ માટે મારવાનો નહીં પણ તેના હૃદયને એનો અહેસાસ કરાવીને બદલવાનો હેતુ હોવો જોઈએ. સત્ય પોતાને પક્ષે હતું તેથી જ ગાંધીજી ચંપારણ સત્યાગ્રહ સમયે જજની આંખમાં આંખ પરોવીને વાત કરી શક્યા અને વાઇસરોયને પણ “તમે પારકા ઘરમાં રાજ કરો છો, માટે તમે શાંતિથી અમારો દેશ છોડી જશો, અને તેમાં જ તમારું ડહાપણ કહેવાશે.” એમ કહેવા પાછળ અહિંસક લોક લડતની તાકાત પર અતૂટ શ્રદ્ધા હતી અને લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી જંપ ન લેવાની મક્કમતા હતી.

ગાંધીજીના તમામ રાજકીય અને સામાજિક અભિયાનો પરથી રાજ્યકર્તાઓ અને સામાજિક નેતાઓને શીખ મળી કે સત્યને પક્ષે રહો, નિર્ભય બનો, તો જીત મળશે. પ્રજા માટે કામ કરવું હોય તો પ્રજામાંના એક બનીને જીવન જીવો, તો તેની નાડ પારખી શકશો અને લોકોને પોતાનું હિત જાળવવા સાચા રસ્તે દોરી શકશો.

રિચર્ડ એટીનબરા કહેતા હતા તેમ ગાંધી હજુ પણ આખી દુનિયાને પ્રેરણા આપે છે, બધા તેનું સન્માન કરે છે; કેમ? કેમ કે તેઓ માનતા કે પોતે માઇનોરિટી ઓફ વન (લઘુમતી સંખ્યામાં માત્ર એકલા હશે) તો પણ સત્ય એ જ અંતિમ સાધ્ય છે એમ માનીને જીવશે. એમ કરતાં તેમણે જીવનની અંતિમ કિંમત ચૂકવી. તેમની પાસે કોઈ ધન-દૌલત નહોતી, કોઈ રાજકીય સત્તા નહોતી ભોગવી, તેમનામાં કોઈ કલાકાર જેવી અદ્દભુત સર્જન શક્તિ નહોતી, છતાં તેમની વિદાય સમયે આખી દુનિયા શોકમગ્ન હતી. એમના જીવન અને કાર્યથી સત્ય એક સામ્રાજ્ય કરતાં વધુ બળવાન સાબિત થયું. સત્તાનું સામર્થ્ય જ સાચું છે એ માન્યતા ખોટી ઠરી અને સત્ય વધુ સામર્થ્ય ધરાવે છે એ પુરવાર થયું.

ઈશ્વર આપણને સહુને આવી સરળ સહેલી વિચારધારાને અમલમાં મુકવાની શક્તિ આપે.

e.mail : 71abuch@gmail.com

Loading

દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક

પ્રકાશ ન. શાહ|Diaspora - Features, Opinion - Opinion|29 January 2025

દીપક બારડોલીકર

જન્મ : 23-11-1925, મૃત્યુ: 12-12-2019

બસ હવે બે વરસ માંડ, અને બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી પચાસ વરસ પૂરાં કરશે. પચાસી લગોલગ પહોંચતા બ્રિટનની ગુજરાતી અકાદમીએ કાપેલું અંતર, એની વયસ્કતા/પ્રૌઢિ લગીની મજલ એક વિશ્વગુજરાતી તરીકે બેશક વિચારણીય વિષય બની રહે છે.

પ્રકાશ ન. શાહ

બ્રિટનની અકાદમીએ હજુ ગયે અઠવાડિયે અમદાવાદમાં અદમ ટંકારવીની વિશેષ ઉપસ્થિતિમાં મુસાજી ઈસપજી હાફેસજી કહેતા દીપક બારડોલીકર(1925-2019)નાં પાંચ પુસ્તકોનું મરણોત્તર પ્રકાશન, બરાબર શતાબ્દીટાણું ઝડપીને કર્યું. આ અવસર, પ્રકાશન્તરે, વિદેશવાસી ને કાળક્રમે ડાયસ્પોરી ગુજરાતી સર્જકતા ને વ્યક્તિતા વિશે પણ સહવિચાર નુક્તેચીનીનો બની રહે છે.

મુસાજી મૂળે બારડોલીના. ભાગલા પછી પાકિસ્તાન ગયા, પણ બારડોલી એમ કેડો મેલે શાનું. ગઝલની વાહે એ દીપક બારડોલીકર બની રહ્યા તે બની જ રહ્યા. 1995ના માર્ચમાં ખાસા અંતરાલ પછી એ બારડોલી ગયા ત્યારે જાતરાની રીતે વાત માંડતાં મુખડો બાંધે છે કે ‘બારડોલી એટલે સરફરોશોની ભૂમિ.’ વળી કહે છે કે અહીં ‘સરદાર પટેલનું નામ એટલી હદે ગુંથાઈ ગયું કે પછી લોકો એય  ભૂલી ગયા કે સરદાર મૂળ ખેડા જિલ્લાના કરમસદ ગામના હતા.’ અને હવે રંગભરી આપવીતી શી એક ફરિયાદ : ‘મારા બારડોલીના સરનામે આવતા કેટલા ય કાગળો ખેડા ચાલ્યા જતા.’

પાકિસ્તાનવાસી જિકર લગીર રહીને કરું, પણ નિવૃત્તિ પછી એક તબક્કે પુત્રને ત્યાં માન્ચેસ્ટર રહેવા ચાલી જવાનું અનિવાર્ય બન્યું ત્યારે પોતાના ઈંગ્લેન્ડના વસવાટનો હૃદ્ય ઉઘાડ 1995માં એ બાટલી મુકામે યોજાયેલા ઐતિહાસિકવત્ મુશાઈરા(મુશાયરા)ને સંભારીને કરે છે. અમેરિકાથી આદિલ મનસૂરી ખાસ આવ્યા હતા. એ પણ એક ડાયસ્પોરી શખ્સિયત, અમદાવાદ હતા ત્યારે કરાંચીની ‘રણછોડ લેઈન’ સંભારીને ગણગણતા – અને વખતે અમદાવાદ છોડવાનું બને એવી પરિસ્થિતિ સરજાઈ ત્યારે ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ એ તરજ પર એમનું દર્દ પ્રગટ થયું છે. કાળક્રમે અમેરિકા જઈ વસ્યા અને બાટલીના મુશાઈરામાં જે ત્રૂઠ્યા છે! પણ હિંદ-પાક પછી હવે માન્ચેસ્ટરી દીપકને ત્યારે યાદ રહી ગયેલી આદિલ-પંક્તિઓ છે : 

‘કેવી શું-શાં સાંકળે છે આજે પાંચે ખંડને

એક ગુજરાતી ગઝલ સેતુ બનાવી જાય છે.’

સ્વદેશવત્સલ સીમિત ઓળખે નહીં અટકતાં જે એક વ્યાપક સંધાન ગુજરાતી સર્જકતા અનુભવી શકે તેનું ઉત્તમ નિદર્શન આદિલના ગઝલોદગારમાં તેમ એને અંગેની દીપકની સોલ્લાસ સહૃદય અનુમોદના થકી મળે છે એમ જ કહેવું જોઈશે.

દીપકનો પાકિસ્તાનવાસ ઠીક ઠીક સંઘર્ષનો કાળ છે. એ શિક્ષક તરીકે કામ કર્યા પછી અખબારી કામગીરીમાં જોતરાયા છે અને યુનિયનમાં પણ સક્રિય છે. પ્રેસ ફ્રીડમના મુદ્દા પર એ તવાઈનો ભોગ બન્યા છે. ‘સાંકળોનો સિતમ’ એ આત્મકથામાં ત્યારનું ચિત્ર ઝીલાયું પણ છે.

અદમ ટંકારવી – પ્રકાશ ન. શાહ – રૂપાલી બર્ક

‘ઉછાળા ખાય છે પાણી’ એ એમના બારડોલીકાળનાં સ્મરણો છે, અને ‘સાંકળોનો સિતમ’ પાકિસ્તાનવાસની દાસ્તાં છે. એક તળ ગુજરાતી – કહો કે ગુર્જરભારતી તરીકે પાકિસ્તાનને જોવાના આપણા પરિપ્રેક્ષ્યને દીપક પાક છેડેથી જરી ઝંઝેડે પણ છે. ગાંધીજી માટેનો આદર એકંદરે અકબંધ રાખી એ ઝીણાની નિજહૃદયસ્થિત છબી ખાસ તો પાક બંધારણસભા સમક્ષના એમના ઐતિહાસિક સંબોધનને ટાંકીને સુરેખ મૂકી આપે છે. 1947ની અગિયારમી ઑગસ્ટે ઝીણાએ કહ્યું હતું :

‘તમો મુક્ત છો. તમો તમારાં મંદિરોમાં જવાને મુક્ત છો, તમો તમારી મસ્જિદોમાં, પાકિસ્તાન રાજ્યમાંની અન્ય કોઈ પણ ઈબાદતગાહમાં જવાને મુક્ત છો. તમો કોઈ પણ ધર્મ યા નાતજાત યા સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા હો તેને રાજ્યના વહીવટી કાર્યક્ષેત્ર સાથે કોઈ લેવાદેવા નથી. હવે હું ઈચ્છું છું કે આપણે એ હકીકતને આપણા આદર્શ તરીકે આપણી સમક્ષ રાખવી જોઈએ અને પછી મતે જોશો કે સમય જતાં હિંદુ, હિંદુ રહેશે નહીં અને મુસ્લિમ મુસ્લિમ રહેશે નહીં, પણ ધાર્મિક અર્થમાં નહીં, કેમ કે તે પ્રત્યેક વ્યક્તિની અંગત માન્યતા છે – બલકે (એ એકતા) રાજ્યના શહેરીઓ તરીકે રાજકીય એકતા રહેશે.’

પાક તંત્રવાહકોએ ઝીણાના આ બોલને પ્રકાશનમાં અને વ્યવહારમાં દાબ્યા એની વાત કરતા આપણા આ કવિ-પત્રકારનો મિજાજ ઝાલ્યો રહેતો નથી અને એમને નિ:સંકોચ ‘ગધેડા’ તરીકે ઓળખાવે છે.

જો કે, ભાગલા વખતે પાકિસ્તાન જવાની તક ઝડપતાં એમણે કરેલી એક ટિપ્પણી સમજી શકાય તેવી છતાં સંપૂર્ણ ગ્રાહ્ય નથી તે પણ અહીં કહેવું જોઈએ. એમની દલીલ એ છે કે ઝીણા મુસ્લિમ અધિકાર અને સુવિધાપૂર્વકનું હિંદ ઝંખતા હતા. પણ હિંદુઓની વાત કરતી હિંદુ મહાસભા અને ‘હિંદીઓ’ની વાત કરતી કાઁગ્રેસના માહોલમાં એ શક્ય ન બન્યું. બાકી, એમના શબ્દોમાં ‘કાયદે આઝમ માટે છે એટલું જ માન અમને ગાંધીજી માટે છે.’ બલકે, ‘ગાંધીજી સમગ્ર ઉપખંડના નેતા હતા.’ કેમ કે એ એક ગરવો વડલો હતો જે ‘વેરી હોય કે વાલમો, આપે સૌને છાંય.’

તો, આ એક અજંપ ઉપખંડવાસી, રૂંવે રૂંવે ઈસ્લામને વરેલ – પણ મજહબી હવાલે આતંકવાદનું સમર્થન મુદ્દલ નહીં. લંડનના બોમ્બ વિસ્ફોટ વખતે માન્ચેસ્ટર બેઠા લખે છે : 

‘માનવ તો નહીં જ

નહીં નહીં માનવ તો નહીં જ

શેતાનના સહોદર હોઈ શકે છે

અને ભૂલશો નહીં. શેતાન તો ઉઘાડો શત્રુ છે આદમનો

આદમની ઔલાદોનો.’

બ્રિટનની ગુજરાતી અકાદમી વિશે ને મિશે વિશેષ ચર્ચાને અવશ્ય અવકાશ છે, પણ હમણાં તો એણે રાષ્ટ્રીયતા નિરપેક્ષ ધોરણે ગુજરાતીભાષી માત્રને પોતીકા ગણવાની જે ગરવી પ્રણાલિ વિકસાવી છે, તેને સલામ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 29 જાન્યુઆરી 2025

Loading

...102030...404405406407...410420430...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved