
રવીન્દ્ર પારેખ
21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ગયો. આમ તો વિશ્વની માતૃભાષા એક ન હોય ને હોય તો તે મૌન હોય, પણ એ દિવસે બહુ બોલાયું ને એમાં સાચો અવાજ દબાઈ પણ ગયો. જો કે, ગુજરાતની માતૃભાષા ગુજરાતી હોવા અંગે શંકા એટલે છે, કારણ શિક્ષણ વિભાગે જે નીતિ અપનાવી છે એ જોતાં તો સ્કૂલોમાં ગુજરાતી નહીં ટકે એમ બને. છેલ્લાં ત્રણ વર્ષના આંકડા જોઈએ તો ગુજરાતી માધ્યમની 475થી વધુ માધ્યમિક શાળાઓનાં કાયમી ધોરણે શટર્સ પડી ગયાં છે. 2022થી 2024 સુધીમાં અનુક્રમે 250, 155 અને 70થી વધુ સ્કૂલો બંધ થઈ છે. એને માટે સરકાર જેટલા જ વાલીઓ પણ જવાબદાર છે. કમનસીબી એ છે કે અલ્પ શિક્ષિત કે અભણ વાલી પણ તેનું બાળક અંગ્રેજીમાં જ ભણે એવી ઘેલછાથી પીડાય છે, એવી ઘેલછા ભલે હોય, પણ એટલી કાળજી ગુજરાતી માટે લેવાતી નથી, એટલે જ કદાચ 2022માં ગુજરાતી વિષયમાં 6,64,553 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને 1,18,623 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એ જ રીતે 2023માં ગુજરાતીમાં 6,25,290માંથી 1,16,286 અને 2024માં 5,83,718માંથી 46,178 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એ ખરું કે નાપાસ થનારની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી આવે છે, પણ ગુજરાતીમાં પરીક્ષા આપનારની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાયો છે. એનો અર્થ એ થયો કે ગુજરાતી સાથે પરીક્ષા આપનારા ઘટતા જ આવે છે. ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં પ્રવેશ 90.9 ટકાથી ઘટીને 86.5 ટકા થયો છે. આ ગતિ રહી તો જતે દિવસે ગુજરાતમાં ગુજરાતી ભણનારા નહીં રહે એમ બને. વારુ, 475 બંધ થઈ એની સામે ગુજરાતી માધ્યમની શરૂ થયેલી નવી શાળાઓ 230 જ છે, બીજી તરફ અંગ્રેજી માધ્યમની 75 સ્કૂલો બંધ થઈ છે ને એની સામે નવી સ્કૂલો 180 શરૂ થઈ છે. એનો અર્થ થયો કે અંગ્રેજીની તુલનામાં ગુજરાતી સ્કૂલો વધુ ને વધુ બંધ થઈ રહી છે.
વળી જે ગુજરાતી ભણી રહ્યા છે એ કવુંક ભણી રહ્યા છે એ પણ જોવા જેવું છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ-2024 મુજબ ગુજરાતના ગ્રામ વિસ્તારનાં ધોરણ 5નાં 53.7 ટકા બાળકો ધોરણ 2નાં પુસ્તક વાંચી શકતાં નથી. ધોરણ 8ની વાત કરીએ તો 75.9 ટકા બાળકો ધોરણ 2નું પુસ્તક વાંચી શકે છે, એનો અર્થ એવો પણ થાય કે ધોરણ 8નાં 24.1 ટકા બાળકો, ધોરણ 2નું પુસ્તક વાંચી પણ શકતાં નથી અને 8માં ધોરણમાં પહોંચી ગયાં છે. આંકડામાં ન પડીએ તો પણ ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓની ભાષાકીય સજ્જતા દયનીય છે.
એવું નથી કે સરકાર આ મામલે કૈં કરતી નથી. પ્રયત્નો તો થાય છે, પણ કેવાક થાય છે, તે જોઈએ.
નવી શિક્ષણ નીતિ સાથે સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ હાઈટેક બનીને સ્માર્ટ ક્લાસમાં ભણી શકે એટલે રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા એક જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરાયો. આમ તો આ ‘જ્ઞાન’નું શિક્ષણ વિભાગને વળગણ છે, એટલે જ્ઞાન સહાયક, જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ, જ્ઞાનકુંજ, જ્ઞાનશક્તિ જેવાં સ્ટિકર્સ ચોંટાડ્યાં કરે છે, પણ ‘જ્ઞાન’ની આગળ ‘અ’ સાઇલન્ટ છે તેની ખબર તો આપણને મોડી મોડી પડે છે. તો, એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સુરત જિલ્લામાં આવેલી 8 ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 50થી વધુ વર્ગોમાં સ્માર્ટ ક્લાસ માટે ટી.વી. સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી. એમાં પ્રાઈમરીની 4 સ્કૂલો કામરેજની, બે સ્કૂલો માંગરોળની અને બે સ્કૂલો પલસાણાની હતી. આનો લાભ ત્રણેક મહિના સુધી 1,500થી વધુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા હતા ને સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણતા પણ હતા. સરકારનો હેતુ કે વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં ભણે તે પણ બર આવી રહ્યો હતો, ત્યાં જેણે આ વર્ગો શરૂ કરાવ્યા તે સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા જ 12 ફેબ્રુઆરી, 2025 ને રોજ એવો પરિપત્ર બહાર પડાયો કે કોઈ પણ સ્કૂલમાં જૂની યાદી મુજબ સ્માર્ટ ક્લાસ બન્યા હોય તો તેને બદલે નવી સુધારેલી યાદી મુજબની સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ ઇન્સ્ટોલ કરવા અને જૂની યાદી મુજબ ઇન્સ્ટોલ થયેલ સિસ્ટમ પરત કરવી. આવો ઓર્ડર જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષાધિકારીને કરાયો. તઘલખી ઉતાવળ તો એટલી કે જૂની સ્કૂલોમાંથી સ્માર્ટ ક્લાસની સિસ્ટમ ડિ-ઇન્સ્ટોલ કરવાનો કોન્ટ્રાક્ટ પણ કોઈ એજન્સીને સોંપી દેવાયો. એજન્સીના ટેક્નિશિયનો ડિ-ઈન્સ્ટોલેશન માટે ગયા તો સ્કૂલ સંચાલકોએ તેમને અટકાવ્યા ને ડિ-ઇન્સ્ટોલેશનની ચોખ્ખી ના પાડી દીધી.
મામલો સુરત જિલ્લા શિક્ષણાધિકારી પાસે પહોંચતા, તેમણે આદેશને વશ થઈને પરિપત્ર કરી સ્માર્ટ ક્લાસની ડિ-ઇન્સ્ટોલેશનની કામગીરી કરવા દેવાનો શાળાઓને આદેશ કર્યો, પણ સ્કૂલ સંચાલકો ગાંઠ્યા નહીં. ડિ-ઇન્સ્ટોલેશનની ફરી ના પાડી. મામલો છેવટે રાજ્ય શિક્ષણ મંત્રી પાસે પહોંચ્યો ને અહીં પણ હજી કોઈ નિવેડો આવ્યો નથી. સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે ત્રણ મહિનાથી, 50 વર્ગોમાં 6થી 8 ધોરણના 1,500થી વધુ વિદ્યાર્થીઓ સારી રીતે ભણી રહ્યા છે, ત્યારે આ ડિ-ઈન્સ્ટોલેશન કોઈ રીતે યોગ્ય નથી. આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં સ્કૂલોને પાંચેક લાખનો ખર્ચ થયો છે. આ સ્કિમ વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ સાબિત થઈ છે, ત્યારે સિસ્ટમ પરત લેવાનો નિર્ણય દુ:ખદ છે ને તેની વિદ્યાર્થીઓ પર વિપરીત અસર થઈ શકે એમ છે.
આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા આદેશ થયો તે મુજબ પરિપત્ર કરીને સ્કૂલોને સિસ્ટમ પરત કરવા કહ્યું, પણ ટેક્નિશિયનોને સિસ્ટમ પરત કરવાની શાળા સંચાલકોએ ના પાડી તો ફરી પરિપત્ર કરીને સ્કૂલોને સિસ્ટમ પરત કરવા આગ્રહ કરાયો, તો સંચાલકોએ વિદ્યાર્થીઓના લાભમાં આ સિસ્ટમ હોવાનું જણાવી, તે ઇન્સ્ટોલ કરવામાં પાંચેક લાખનો ખર્ચ કરાયો હોવાની વાત આગળ કરી. આ વાત ધ્યાને લઈને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ પણ રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગને વિદ્યાર્થીઓનાં હિતની અને થયેલ ખર્ચની રજૂઆત કરી છે. આશા છે આનો સુખદ ઉકેલ આવશે.
પણ, આ આખી ઘટના તરફ ફરી નજર નાખવા જેવી છે. લેખની શરૂઆતમાં વિદ્યાર્થીઓ ગુજરાતી નથી શીખતા અને બોર્ડની પરીક્ષામાં હજારોની સંખ્યામાં નાપાસ થાય છે તે જોયું, તો જેમને ગુજરાતી ભણવાનું થયું છે તે ધોરણ 8ના વિદ્યાર્થીઓ બીજા ધોરણનું પુસ્તક પણ વાંચી નથી શકતા તે પણ જોયું. એવામાં વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસનો અનુભવ મળે એનો પ્રશસ્ય પ્રયત્ન સમગ્ર શિક્ષા વિભાગ કરે છે ને તેનું સારું પરિણામ પણ મળે છે, તો તે ચાલુ રાખવાને બદલે થાય છે શું, તો કે સમગ્ર શિક્ષા વિભાગ ફતવો બહાર પાડીને સ્માર્ટ ક્લાસ માટે ઇન્સ્ટોલ થયેલ સિસ્ટમ ડિ-ઇન્સ્ટોલ કરવાની વાહિયાત વાત કરે છે. કેમ? તો, કે એ સિસ્ટમ બીજે ઇન્સ્ટોલ થઈ શકે. તો, સવાલ એ થાય કે અહીં થાય તો વાંધો શું? આ વિદ્યાર્થીઓનો શો વાંક છે કે તેમને મળતા લાભથી વંચિત કરવા પડે?
વારુ, આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની વાત શાળા સંચાલકો કે વિદ્યાર્થીઓએ સમગ્ર શિક્ષા વિભાગને અગાઉ કરી નથી. કોઈએ વિભાગને ચોખા મૂક્યા નથી કે કોઈએ વિનંતી કરી નથી ને વિભાગને પોતાને જ આઠ સ્કૂલોમાં સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની ઈચ્છા થઈ ને સિસ્ટમ ઇન્સ્ટોલ કરી. વળી એ કરતી વખતે કોઈ સૂચના આપવામાં નથી આવી કે આ યોજના કાયમી નથી ને ત્રણ મહિને, જ્યારે 1,500 વિદ્યાર્થીઓ એનાથી ટેવાવા લાગ્યા છે, ત્યારે જ શેખચલ્લીની જેમ સમગ્ર શિક્ષા વિભાગ ડોકું ધૂણાવીને નન્નો ભણે છે ને સિસ્ટમ પરત લેવાના હુકમો બહાર પાડે છે. સમગ્ર શિક્ષા વિભાગનું આ પગલું સમગ્ર રીતે નકામું ને વખોડવા લાયક છે. કૈં પણ થઈ જાય શાળા સંચાલકોએ આ સિસ્ટમ ડિ-ઇન્સ્ટોલ ન જ કરવા દેવી જોઈએ. સુરતના જ રાજ્ય શિક્ષણ મંત્રી તેમના દરબારમાં આવેલ આ મામલાને સમભાવ અને સહનુભૂતિપૂર્વક જુએ તે અપેક્ષિત છે ને સાથે એ પણ જુએ કે શિક્ષા વિભાગ તરફથી આવા ફાલતુ ને અધકચરો નિર્ણય લેનારા અધિકારીઓ મનમાની ન કરે.
એ અત્યંત દુ:ખદ છે કે પ્રાઇમરી, મરી જવા તરફ સરકાર જ ધકેલે છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ફેબ્રુઆરી 2025