Opinion Magazine
Number of visits: 9663125
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે અખબારોને અખબાર ન માનો !

રમેશ સવાણી|Opinion - Opinion|17 December 2025

રમેશ સવાણી

ગુજરાતમાં મોંઘવારી બિલકુલ નથી, ઘી દૂધ બની નદીઓ વહે છે. બેરોજગારી નથી. શાળા કોલેજોની સમસ્યા નથી. સરકારી હોસ્પિટલોમાં સારવારની બધી સુવિધાઓ છે. દરેક નદી ખનિજ માફિયાઓથી અને પ્રદૂષણ માફિયાઓથી મુક્ત છે ! એટલે અખબારો ક્રિકેટની રમત અને ખેલાડીઓની હરરાજીના સમાચાર પ્રથમ પાને આઠ કોલમમાં છાપે છે ! 

ભલે ગુજરાતમાં ફૂટબોલની રમતનું ઠેકાણું ન હોય પરંતુ વૈશ્વિક ફૂટબોલ આઈકોનિક લિયોનેલ મેસી અનંત અંબાણીના વનતારાની મુલાકાત લે તેથી અખબારો આખું પાનું ભરી દે છે !

વિપક્ષો મતચોરી સામે દિલ્હીના રામલીલા મેદાનમાં લાખો લોકો સમક્ષ જે વાત કરે છે, તે ‘મેટર’ અખબારોને સમાચાર લાગતી નથી ! એટલું જ નહીં ખેડૂતોની સમસ્યા પણ અખબારોને દેખાતી નથી. 

અખબારો લોકોને ગેરમાર્ગે દોરે છે, વાસ્તવિક સમસ્યાઓને નકારે છે, કેમ કે એથી તંત્રને સરકાર દિગમ્બર થઈ જાય છે. 

હવે અખબારોને અખબાર ન માનો, તે સરકારના પાવરફૂલ હથિયાર છે. ધારે તે નેરેટિવ ઘડે છે અને લોકોને ભ્રમિત કરે છે. નોન-ઈશ્યુને ઈશ્યુ બનાવે છે. 

ગાંધીજીની દૃષ્ટિએ અખબારોનાં મુખ્ય કર્તવ્યો આ પ્રમાણે છે : 

[1] લોકોની લાગણીઓને સમજવી અને તેનો પડઘો પાડવો. અખબારે લોકોના વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવી જોઈએ. 

[2] સારા વિચારો અને આદર્શોને જગાડવા. લોકોમાં ઇચ્છનીય ભાવનાઓ (જેમ કે સત્ય, અહિંસા, સ્વાવલંબન) પ્રગટાવવી અને તેને પ્રોત્સાહન આપવું. 

[3] લોકોની ખામીઓને નિર્ભયતાથી ઉજાગર કરવી. સમાજના દોષોને બિન્દાસ્ત વ્યક્ત કરીને સુધારાનો માર્ગ બતાવવો. અખબારો એ મહાન શક્તિ છે, પરંતુ જેમ વહેતા પાણીનો પ્રવાહ નિયંત્રણ વગરનો હોય તો ખેતરોને ડૂબાડી દે છે, તેમ નિયંત્રણ વગરની કલમ પણ વિનાશ કરે છે !

ડૉ. બાબાસાહેબ આંબેડકરની દૃષ્ટિએ અખબારોનું મુખ્ય કર્તવ્ય સમાજમાં ન્યાય, સમાનતા અને જાગૃતિ ફેલાવવાનું છે. તેઓ માનતા હતા કે દલિતોનું કોઈ અખબાર નથી અને મુખ્યધારાના અખબારો તેમના અત્યાચારોને આવરી લેતા નથી અથવા તો તેમને દબાવી દે છે. અખબારોએ તથ્યો આધારિત રિપોર્ટિંગ કરવું જોઈએ, સનસનાટીભર્યા સમાચારો કે વ્યક્તિપૂજા નહીં. અખબારોએ જાતિવાદ, સાંપ્રદાયિકતા અને અંધશ્રદ્ધાનો વિરોધ કરીને રાષ્ટ્રવાદ અને તર્કશક્તિને પ્રોત્સાહન આપવું જોઈએ. તેઓ માનતા કે અખબારોએ લોકોની લાગણીઓને ઉશ્કેરવાને બદલે તેમના વિવેકને જગાડવો જોઈએ. પત્રકારત્વ હવે વેપાર બની ગયું છે. તે જાહેર જનતાના જવાબદાર સલાહકાર તરીકે પોતાને માનતું નથી. 

હસમુખ ગાંધી ગુજરાતી પત્રકારત્વના પ્રખર અને નીડર તંત્રી હતા. તેઓ કહેતા કે અખબારોનું કર્તવ્ય મુખ્યત્વે સત્યની વાત કરવી, નીડરતાથી વિવેચન કરવું અને કોઈની પરવા કર્યા વિના સમાજના પ્રશ્નો ઉઠાવવાનું છે. 

અખબારોનું મુખ્ય કર્તવ્ય લોકોને સચોટ, નિષ્પક્ષ અને સમયસરની માહિતી પૂરી પાડવાનું છે. અખબારોને લોકશાહીનું ચોથો સ્તંભ કહેવામાં આવે છે, કારણ કે તે સરકાર અને સત્તાધીશોને જવાબદાર રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અખબારોએ ભ્રષ્ટાચાર, અન્યાય, સામાજિક સમસ્યાઓ વગેરેને બહાર લાવીને લોકોને જાગૃત કરવા જોઈએ. શું અખબારો આ ભૂમિકા ભજવે છે?

16 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|17 December 2025

जो वादा किया सो निभाना पड़ेगा એ RSSને લાગુ પડતું નથી! જય શ્રી રામ! 

મહાત્મા ગાંધીની હત્યા બાદ સરદાર પટેલે RSS પર પ્રતિબંધ મૂકેલો. સાથે સાથે અનેક સંઘીઓની અને  RSSના બીજા ક્રમના સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરની ધરપકડ કરીને સરકાર દ્વારા જેલમાં નાખવામાં આવેલા. આ પ્રતિબંધ ઉઠાવી લેવા માટે સરકાર પર દબાણ લાવવા સંઘના લોકો દ્વારા સત્યાગ્રહ અને જેલ ભરો આંદોલન કરવામાં આવ્યાં હતાં. એ નિષ્ફળ ગયેલાં. ગોલવલકર પોતાની જેલમુક્તિ માટે હકીકતમાં તરફડતા હતા.

એવા માહોલમાં તત્કાલીન ગૃહ પ્રધાન સરદાર પટેલે તા.૨૯-૦૧-૧૯૪૯ના રોજ તે વખતના પ્રાંતોની એક પરિષદ બોલાવી હતી. આ પરિષદમાં RSS પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા માટે અને સંઘીઓને જેલમાંથી છોડવા માટે આ ચાર શરતો મૂકવામાં આવી હતી :

(૧) RSS તેનું બંધારણ ઘડશે અને તે જાહેર કરશે.

(૨) RSS તમામ ગુપ્તતા અને ગેરબંધારણીય પદ્ધતિઓનો ત્યાગ કરશે.

(૩) તિરંગા રાષ્ટ્રધ્વજ પ્રત્યે RSS પોતાની સ્પષ્ટ સ્વીકૃતિ જાહેર કરશે. 

(૪) ધર્મનિરપેક્ષ લોકશાહી રાજ્ય તરીકેની ભારતની વિભાવનાને RSS સ્વીકારશે. 

આ શરતો પોતે સ્વીકારે છે એવો જે પત્ર ગોલવલકર દ્વારા લખવામાં આવ્યો હતો તે સરદાર પટેલને તા.૧૧-૦૭-૧૯૪૯ના રોજ સુપરત કરવામાં આવ્યો હતો. સરદાર તે બરાબર વાંચી ગયા અને તેમણે નેહરુને ફોન કર્યો અને એમ કહ્યું કે ગોલવલકર સરકારની બધી શરતો સાથે સંમત છે. અને પછી બીજે દિવસે સવારે એટલે કે તા.૧૨-૦૭-૧૯૪૯ના રોજ પ્રતિબંધ હટાવી દેવાયો અને ગોલવલકરને ૧૩મી જુલાઈએ જેલમુક્ત કરાયા હતા. 

આ ચાર શરતો માટે ગોલવલકરે લેખિત સંમતિ આપીને પોતાની સહી કરી હતી. છતાં શું RSS દ્વારા એ શરતોનું પાલન થયું ખરું? ના, સહેજે નહીં. 

જવાહરલાલ નેહરુએ તા.૨૬-૦૧-૧૯૪૯ના રોજ દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે જંગી જાહેર સભામાં  આપેલા પ્રવચનમાં RSSના સત્યાગ્રહીઓને જેલમુક્ત કરવા તત્પરતા દાખવી હતી કારણ કે એમાં શાળાઓ અને કોલેજોમાં ભણતા યુવાનો હતા. પરંતુ ત્રીજી ફેબ્રુઆરી-૧૯૪૯ના રોજ નેહરુએ જે પત્ર રાજ્યોના મુખ્ય પ્રધાનોને લખ્યો હતો તેમાં આમ લખ્યું હતું :

“આપણે એટલું યાદ રાખવું જોઈએ કે RSS એક એવું સંગઠન છે કે જે હંમેશાં બોલે છે કંઈક અને કરે છે કંઈક.”

બોલો, નેહરુ સાચા હતા કે નહીં? 

જે ચાર શરતો પાળવાનું ગોલવલકર દ્વારા સરદાર પટેલને વચન આપવામાં આવ્યું હતું, એ ખુદ ગોલવલકરે જ પાળ્યું નહોતું. તો પછી એમના ચેલાઓ કેવી રીતે પાળે? અને આ ચેલાઓ હવે સરદાર પટેલના નામનું ભજન ગાતાં થાકતા નથી! 

જુઓ, શું થયું છે એ ચાર શરતોનું :

(૧) સંઘ ટ્રસ્ટ કાયદા હેઠળ એક નોંધાયેલી સંસ્થા છે જ નહીં, માટે એનું કોઈ બંધારણ છે જ નહીં. કાયદાની ભાષામાં કોઈ સંસ્થાના બંધારણને આર્ટિકલ્સ ઓફ એસોસીએશન કહેવામાં આવે છે અને તેનું એવું કશું છે જ નહીં. 

(૨) ગુપ્તતા અને ગેરબંધારણીય પદ્ધતિઓ અમલમાં છે જ, કારણ કે સંઘની સંસ્થાઓ હિંસાની વકીલાત કરે જ છે.

(૩) કહેવાય છે કે બાવન વર્ષ સુધી સંઘના નાગપુર ખાતેના વડા મથકે તિરંગો લહેરાવવામાં આવ્યો નહોતો.

(૪) હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાની વાત કર્યા કરવી એ ભારતના બંધારણીય મૂલ્યોનો અનાદર અને ઇનકાર છે. 

संघकुल रीति सदा चली आई

वचन जाई पर प्राण न जाई। 

તા.૧૬-૧૨-૨૦૨૫
(સ્રોત: ‘Golwalkar: The Myth Behind The Man and Man Behind The Machine’, લેખક: ધીરેન્દ્ર કે. ઝા)
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નારી વિમર્શ અને એવું બધું … પર્સનલ ઈઝ પોલિટિકલ!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 December 2025

રુકૈયા સખાવત હુસેનનાં વિલક્ષણ જીવન અને ‘સુલતાના‘ઝ ડ્રીમ‘ થકી સ્ત્રી અધિકારોનો ઇતિહાસ આજે પણ રાજકીય વાસ્તવિકતામાં ગૂંજે છે

રુકૈયા સખાવત

(9 ડિસેમ્બર 1880 : 9 ડિસેમ્બર 1932)

હમણાં માનવ અધિકાર દિવસ ગયો, ત્યારે ત્રણ દાયકા (ખરું જોતાં તેંત્રીસ વરસ) પરની એ સાંભરણ ઝંકૃત થઈ ઊઠી કે 1992ની છઠ્ઠી ડિસેમ્બર સાથે જે કોમી ધ્રુવીકૃત માહોલ બન્યો હતો એને સ્થાને નાતજાતકોમલિંગથી હટી માનવીય ધોરણે કંઈક કરવાની ગણતરીએ નાગરિક કર્મશીલોએ દસમી ડિસેમ્બર મનાવવા પર વધુ ભાર મૂકવાનો વ્યૂહ વિચાર્યો હતો.

પ્રકાશ ન. શાહ

એ વખતે જે બધાં સૂત્રો ઉચ્ચારાતાં ને આગળ કરાતાં એમાં ‘અવાજ’નાં ઇલાબહેન પાઠકના આગ્રહથી એક સૂત્ર ખાસ દાખલ થયું કે સ્ત્રીના અધિકાર, માનવ અધિકાર અભિપ્રેત મુદ્દો એ હતો કે માનવ અધિકારની વાત વિશેષે કરીને વંચિત ને ઉપેક્ષિત તબકા વાસ્તે તો ખાસ થવી જોઈએ – તેથી જેમ દલિત કે બીજા હાંસિયા માંહેલાઓ તેમ મહિલાઓનાયે અધિકાર બાબતે બુલંદપણે બોલવું જોઈએ.

ડિસેમ્બર અધવચ આ લખી રહ્યો છું એની પાછળનો એક ધક્કો ગુજરાતમાં નવ્ય નારીવાદી ચળવળ દરમ્યાન જે અવનવાં ઇતિહાસપાત્રોનો પરિચય થયો તેનો પણ છે. અવનવીન એવું એક પાત્ર હાલના બાંગ્લાદેશમાં 19મી સદી ઊતરતે જન્મેલાં રુકૈયા સખાવત હુસેન(9 ડિસેમ્બર 1880 : 9 ડિસેમ્બર 1932)નું છે. જેનાં જન્મ અને મૃત્યુ બેઉ કલ્યાણક એક જ તારીખનાં હોય એવી આ વિલક્ષણ પ્રતિભા એવા સમયમાં એક મુસ્લિમ પરિવારમાં ઉછરી હતી જ્યારે ઉર્દૂનો એક ભદ્ર ભાષા તરીકે દબદબો હતો ને બંગાળી આમ ભાષા લેખાતી.

અંગ્રેજી દાખલ તો થયું હતું – આમે ય અંગ્રેજી રાજની પહેલી રાજધાની તો બંગાળમાં જ હતી ને! પણ છોકરીઓને વળી અંગ્રેજીનું શું કામ? જો કે, મોટાભાઈએ પિતાથી ખાનગી રાહે રુકૈયાને અંગ્રેજીનો કંઈક પરિચય કરાવ્યો. લગ્ન પછી રુકૈયા એ વિકસાવી શકી, કેમ કે એના પતિમાં એક ખુલ્લાપણું હતું. પતિની સ્મૃતિમાં રુકૈયાએ કોલકાતામાં શરૂ કરેલી કન્યા શાળા લૉર્ડ સિંહા રોડ પર હજુયે કાર્યરત છે.

રુકૈયાની આછી ઝલક મેં આપી પણ એનો સાક્ષાત્કારક પરિચય તો નારીવાદી વર્તુળોમાં એ દિવસોમાં ચર્ચાતી વાર્તા ‘સુલતાના’ઝ ડ્રીમ’ થકી થયો હતો એ ખાસ લખવું જોઈએ. સુલતાના સપનામાં જુએ છે કે એક એવું રાજ્ય છે જેમાં ઉપદ્રવ નથી – શાંતિ જ શાંતિ છે, કેમ કે એમાં મહિલાઓ જનાનખાનામાં નથી, પણ પુરુષો માટે મર્દાનખાના ખસૂસ છે. પુરુષો પાબંદીમાં હોઈ રાજ્યમાં ઉપદ્રવ તો હોય જ નહીં ને!

આ લખી રહ્યો છું ત્યારે વર્ષો પછી ‘લિસિસ્ટ્રાટા’ સહેજે સ્મરણમાં ધસી આવે છે. 1976ના મિસાવાસમાં વિશાળકાય રૂસી નવલકથાઓ અને એને મુકાબલે તનુકાય ગ્રીક નાટકો વાંચવાનો મળતાં મળે એવો અવસર મળ્યો ત્યારે એરિસ્ટોફનીસનું ‘લિસિસ્ટ્રાટા’ વાંચવાનું બન્યું હતું. આમ છે તો એ કોમેડી, પણ સંદેશે કરીને અલબત્ત મજબૂત જ મજબૂત છે. એથેન્સ ને સ્પાર્ટા વચ્ચે જંગનો છેડો નથી. ખુવારી જારી છે. તે વખતે લિસિસ્ટ્રાટા એક અહિંસક ઉપચાર વિચારી કાઢે છે – આપણે ઓરતો આપણા મરદોને રાતવરત સોડમાં ઢૂંકવા જ ન દઈએ તો કેવું! કહીએ કે યુદ્ધ મેલો ને પછી પથારીમાં પધારો.

એક રીતે હમણેના દાયકાઓમાં બહુ ગાજેલ સૂત્ર ‘પર્સનલ ઈઝ પોલિટિકલ’ની સાહેદી આપતું એરિસ્ટોફનીસની કલમે આલેખાયેલું આ ઈસવી પૂર્વેનું ગ્રીનક નાટક છે. સ્ત્રી-પુરુષ સંબંધ (માત્ર એ જ શા માટે, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો સંબંધ) બીજાં અનેક પરિબળોથી પરિચાલિત હોય છે. એટલે વ્યક્તિગત નિયતિ હો કે વ્યક્તિગત નિર્ણય, તે રાજકીય ને સામાજિક વાસ્તવથી છેક જ ઉફરાટે શક્ય નથી.

પર્સનલ ઈઝ પોલિટિકલ’ એ સૂત્ર સાંભર્યું તે સાથે ધસી આવતું સ્મરણ અરુણા રોયની વરસેક પર પ્રકાશિત આત્મકથાના શીર્ષકનું છે – ‘ધ પર્સનલ ઈઝ પોલિટિકલ.’ દોમ દોમ આઈ.એસ. પરહરી અરુણા રોયે માહિતી અધિકારનો અલખ જગવ્યો : એને સોનિયા ગાંધીની સલાહકાર સમિતિ મારફતે મનમોહન સરકારનો વિધાયક પ્રતિસાદ મળ્યો એ ક્યારેક કટોકટીખ્યાત કાઁગ્રેસ થકી બની આવેલી અચ્છી ઘટના છે, અને માહિતી અધિકારનું વર્તમાન શાસન હસ્તકનું સંકોચન ક્યારેક કટોકટીના પ્રતિકાર સારુ મશહૂર પક્ષ પરિવાર હસ્તકની પ્રતિગામી ઘટના છે.

કટોકટી થકી ખ્યાત અને તેના પ્રતિકાર થકી પ્રખ્યાત, બેઉનાં જે તે સમયને મુકાબલે સુધરેલાં ને બગડેલાં કામોની તપસીલની રીતે જોઉં છું તો એક વિલક્ષણ સ્મરણ નરસિંહ રાવના શાસનકાળ દરમ્યાન શક્ય બનેલ માનવ અધિકાર પંચનું છે. ખરું જોતાં જે.પી. આંદોલને જગવેલ ને સંસ્કારેલ લોકમાંગ એની પૂંઠે કામ કરી ગઈ હતી. પણ જે જનતા સરકારમાં શક્ય ન બન્યું તે કાળક્રમે કાઁગ્રેસ સરકારમાં બની આવ્યું – એ એક મનોરમ ઇતિહાસ વૈચિત્ર્ય છે.

જેમનો સ્મૃતિ દિવસ (15મી ડિસેમ્બર) હજુ હમણે જ ગયો તે સાર્ધ શતાબ્દી પુરુષ સરદાર પટેલની ખાસ તરેહની આવૃત્તિ ને આકૃતિ વર્તમાન શાસનસેવી પક્ષ પરિવારે ઊભી કરી છે. ભાગલા પછી એક-બે વરસે પશ્ચિમ બંગાળમાં પૂર્વ બંગાળમાંથી હિંદુ લઘુમતીનો જે પ્રવાહ શરૂ થયો તે સંદર્ભે સરહદની બંને બાજુએ લઘુમતી પંચની રચનાની પ્રસ્તુતતા સમજાવી બંગાળને વિશ્વાસમાં લેવાની સિંહ જવાબદારી સરદારે બજાવી હતી તે ઇતિહાસવસ્તુ છે. આ જ સરદારને સદૈવ સદાસર્વદા જવાહરલાલના વિકલ્પે ઉછાળતું નેતૃત્વ 2002માં ગુજરાતમાં લઘુમતી પંચ બાબતે ‘અહીં એનું શું કામ છે?’ કહેતું સંભળાયું હતું. બંધારણ સભામાં લઘુમતીના અધિકારો પરની સમગ્ર કાર્યવાહીમાં સરદાર પટેલની અગ્ર ભૂમિકા હતી, પણ સરદાર કરતાં વધુ સરદારવાદી મંડળીને એની કદર ને સમજ હશે? ન જાને.

તરતમાં ડિસેમ્બર સંકેલાશે અને 2026નો પહેલો મહિનો, 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ સોતો આપણી સામે આવશે. માનવ અધિકાર દિવસને સારુ પાયાની ભૂમિકા સર્જનાર 26મી જાન્યુઆરીએ આપણે શો હિસાબ આપી શકવાના હતા, કહો જોઉં … હશે ભાઈ, આવાતેવા દિવસફિવસ તો આવે ને જાય, એમ સ્તો!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 ડિસેમ્બર  2025

Loading

...102030...39404142...506070...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved