Opinion Magazine
Number of visits: 9871763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Garibi Aadhaarit Anaamat : Vaartaa re Vaartaa

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|8 September 2015

ગરીબી આધારિત અનામત : વાર્તા રે વાર્તા

દલીલ ખાતર વિચારી જોઈએ કે જ્ઞાતિઆધારિત અનામતને બદલે આર્થિક અનામત લાગુ પાડવામાં આવે તો શું થાય?

અનામત વિશેની ચર્ચામાં છેલ્લા ત્રણેક દાયકાથી ઊભરતો એક મુદ્દો આર્થિક સ્થિતિ આધારિત – ગરીબી આધારિત અનામતનો છે. જ્ઞાતિવાદના વ્યાપથી અજાણ અથવા આંખ આડા કાન કરનારા લોકોને જ્ઞાતિ તથા જ્ઞાતિઆધારિત અનામત અપ્રસ્તુત લાગે છે. આ પ્રકારની અનામત સામે મુખ્ય બે પ્રકારના વાંધા પાડવામાં આવે છે : ૧) દલિતો-પછાતોમાં રહેલો સમૃદ્ધ વર્ગ અનામતનો લાભ લઈ જાય છે. એટલે ખરેખર જરૂરતમંદોને અનામતનો લાભ મળતો નથી. આર્થિક સ્થિતિ આધારિત અનામત કરી નાખવામાં આવે, તો જેમને સૌથી વધુ જરૂર છે એવા ગરીબોને તેનો લાભ મળી શકે. ૨) ગરીબી તો બિનદલિતો – બિનપછાતોમાં પણ છે. તો એમને અનામતનો લાભ શા માટે નહીં? જ્ઞાતિઆધારિત અનામતને કારણે ઉલટા જ્ઞાતિના ભેદભાવ કાયમી બને છે – વેરઝેર વધે છે.

વિશ્વમાં બીજે ક્યાં ય ન હોય એવી વિશિષ્ટ અને પેચીદી જ્ઞાતિપ્રથા ભારતમાં છે. ઊંચ-નીચની અસમાનતા વિશ્વભરમાં છે, પરંતુ ભેદભાવ – અસમાનતાની આટલી ઝીણવટભરી વ્યવસ્થા, તેનો ધર્મમાંથી મેળવી શકાતો આધાર અને થોડા લોકો તળે દબાયેલી બહુમતી — એવી ગોઠવણનો જોટો જડવો મુશ્કેલ છે. થોડા હજાર અંગ્રેજો કરોડો ભારતીયો પર રાજ કરી શક્યા, એ ‘સિદ્ધિ’નો અંગ્રેજોને આપણે વધુ પડતો જશ આપી દઈએ છીએ. તેમના આગમનનાં સેંકડો વર્ષ પહેલાં ભારતની ઉજળિયાત કહેવાતી મુઠ્ઠીભર જ્ઞાતિઓ લાખો ‘શુદ્રો’ પર રાજ ભોગવતી આવી હતી.

તોપ-બંદૂકની તાકાત છતાં અંગ્રેજોનું રાજ માંડ બે સદી પણ ન ચાલ્યું, જ્યારે ઉજળિયાત કહેવાતા સમુદાયોએ માત્ર જન્મની જ્ઞાતિના આધારે ઓછામાં ઓછા એકાદ હજાર વર્ષ સુધી રાજ ચલાવ્યું. હોદ્દા-વિશેષાધિકાર-સ્થાપિત હિતોની અનામત ભોગવી. ગાંધીજી અને તેમના ઘણા સાથીદારોના સુખદ અપવાદને બાદ કરતાં, ઊજળિયાત કહેવાતા વર્ગમાંથી આવતા ભારતના ઘણા મહાન નેતાઓ – સમાજસુધારકો જ્ઞાતિવાદ – જ્ઞાતિદ્વેષના મામલે એકદમ રૂઢિચુસ્ત હતા. (એક ઉદાહરણ : લોકમાન્ય ટિળક અને તેમનું સાથીમંડળ)

આઝાદી પછી બંધારણમાં પહેલી વાર અસ્પૃશ્યતા નાબૂદ થઈ. દલિત-આદિવાસી સમુદાયોને મુખ્ય ધારામાં સામેલ કરવા – તેમને સમાન તક આપવા માટે તેમની વસ્તીના પ્રમાણ જેટલી અનામતની જોગવાઈ કરવામાં આવી. (ત્યાં સુધી શિક્ષણ-નોકરી-રાજકારણમાં ઉપલી ગણાતી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ તેમની વસ્તીના પ્રમાણ કરતાં ઘણું વધારે હતું.) રાજકીય પ્રતિનિધિત્વમાં અનામતની સમીક્ષા દસ વર્ષ પછી કરવાની હતી.

દસ વર્ષમાં સ્થિતિ સંતોષકારક લાગે તો, રાજકીય ક્ષેત્રે અનામત નાબૂદ કરી શકાય એમ હતી. પરંતુ એ વાત શિક્ષણ અને નોકરીની અનામતને લાગુ પડતી ન હતી. કેમ કે, તેની  પાછળનો મુખ્ય આશય આર્થિક ઉદ્ધારનો નહીં, આર્થિક સરખાઈ થકી સામાજિક સમાનતાની દિશામાં સમાજને દોરવાનો હતો. અનામતની જોગવાઈ કરનારાને એવી આશા હતી કે દલિતો-આદિવાસીઓને શિક્ષણ-નોકરીમાં તકો મળતી જશે, તેમ ઊજળિયાત કહેવાતો સમાજ તેમના પ્રત્યેની ખરાબ વર્તણૂંક સુધારશે, તેમને ‘પોતાના જેવા’ ગણતો થશે અને સમાજમાં ધીમે ધીમે એકરૂપતા આવશે.

પરંતુ સદીઓથી હાડમાં ઉતરી ગયેલો જ્ઞાતિવાદ એમ સાઠ-સિત્તેર વર્ષમાં જાય? અનામતનો ફાયદો મેળવીને આર્થિક રીતે બે પાંદડે થયેલા લોકો પ્રત્યે ઊજળિયાત ગણાતા સમુદાયનો દ્વેષ ઓછો થવાને બદલે વધવા લાગ્યો (‘તમારી આટલી ધૃષ્ટતા કે અનામતના જોરે અમારી હરોળમાં આવવાનું વિચારી શકો?’) એ દ્વેષને વાજબી ઠરાવવા માટે મેરિટનું બહાનું શોધી કાઢવામાં આવ્યું. આ જાળમાં ભલભલા અભ્યાસીઓ પણ ફસાયા અને કહેવા લાગ્યા, ‘અનામતથી જ્ઞાતિના ભેદભાવ વધે છે.’ આ તો એવી વાત થઈ કે ઘાયલની દવા કરવાથી તેમને ઇજા પહોંચાડનાર વર્ગ ‘દવા બહુ ગંધાય છે’ એવું બૂમરાણ મચાવે અને ‘દવા લગાડવાથી ઘાયલો પ્રત્યે લોકોની સૂગ વધે છે’ એવું નિદાન કરનારા ‘અભ્યાસીઓ’ પણ મળી આવે.

જ્ઞાતિઆધારિત અનામતમાંથી ‘છૂટકારો’ મેળવવા માટે જોરશોરથી આર્થિક સ્થિતિ આધારિત અનામતની હિમાયત કરવામાં આવે છે. અગાઉ સ્પષ્ટ કર્યું તેમ, અનામતનો આશય ગરીબી નહીં, સામાજિક અસમાનતા ઘટાડવાનો છે. છતાં, દલીલ ખાતર વિચારી જોઈએ કે જ્ઞાતિઆધારિત અનામતને બદલે આર્થિક અનામત લાગુ પાડવામાં આવે તો શું થાય?

‘આર્થિક અનામત’ની વાત કરનારા માને છે કે તેનાથી ગરીબોને ફાયદો થશે. પરંતુ ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું છે, એનો તેમને કોઈ ખ્યાલ છે ખરો? ઊજળિયાત ગણાતા લોકો ‘ગરીબ’ની વાત કરે ત્યારે તેમના મનમાં દેશના નહીં, પોતાના સમુદાયના ગરીબોનો ખ્યાલ હોય છે. તેમને લાગે છે કે આર્થિક અનામત આવી જાય તો ‘ઊજળિયાત ગરીબો’ (‘પીપલ લાઇક અસ’) તેનો લાભ મેળવી શકે. તેમને બિચારાને ઊજળિયાત હોવા છતાં ગરીબીની નામોશી ભોગવવી પડે છે, તેમાંથી એ મુક્ત થાય.

બાકી, વાત ‘ઊજળિયાત ગરીબો’ને બદલે તમામ ગરીબોની હોય તો તેમનું પ્રમાણ કેટલું મોટું થાય? સાવ કાચો અડસટ્ટો માંડીએ તો પણ, અનામતની જોગવાઈને  લાયક હોય એવી (નબળી) આર્થિક સ્થિતિ ધરાવતા લોકોનું પ્રમાણ ભારતની કુલ વસ્તીમાં ૭૫ થી ૮૦ ટકા જેટલું હોય. કેટલાક અભ્યાસીઓએ ગરીબી સાથે જ્ઞાતિનો ઠીક ઠીક પ્રમાણમાં સીધો સંબંધ હોવાનાં તારણ કાઢ્‌યાં છે. (બધી નીચલી જ્ઞાતિવાળા ગરીબ નથી હોતા અને બધા ઉપલી જ્ઞાતિના અમીર નથી હોતા, પણ કુલ ગરીબોમાં બહુમતી લોકો નીચલી ગણાતી જ્ઞાતિઓના હોય છે.) એ ચર્ચા અત્યારે બાજુ પર રાખીએ તો પણ, આર્થિક અનામતના હિમાયતીઓ કેટલા ટકા બેઠકો અનામત રાખશે?

ધારો કે વર્તમાન ધોરણ પ્રમાણે ૪૯ ટકા બેઠકો ગરીબો માટે અનામત રાખવામાં આવે. પરંતુ ગરીબીમાં અનેક સ્તર – પેટાપ્રકાર હોવાના. મજબૂત સંગઠનોનો – વગદાર સમાજનો ટેકો ધરાવનારા ગરીબો હોવાના અને બધી બાજુથી વંચિત એવા ગરીબો પણ હોવાના. અમુક સમાજના ૮૦ ટકા લોકો ગરીબ હોવાના અને અમુક સમાજના ૩૦ ટકા લોકો ગરીબ હોવાના. તેમાંથી કયા સમુદાયના ગરીબોને અનામતનો મહત્તમ ફાયદો મળશે?

દેખીતી વાત છે : જે સમુદાયો પહોંચતા-પામતા હોય તેમના ગરીબોને આ પ્રકારની અનામતનો સૌથી વઘુ લાભ મળવાનો અને તેમની સાથેની હરીફાઈમાં પછાત કે નીચા ગણાતા સમુદાયોના ગરીબો ટકી શકવાના નહીં. એક વર્ગના ગરીબોના માથે ફક્ત ગરીબીનો બોજ હોય, જ્યારે બીજા વર્ગના ગરીબોના માથે ગરીબી ઉપરાંત સામાજિક પછાતપણાનો અને દલિતો માટે સામાજિક તિરસ્કારનો પ્રચંડ બોજ પણ હોવાનો. આર્થિક અનામત માટે એ બધાને સાથે દોડાવીને ‘સમાન તક’ આપી, એવું કહી શકાય?

તાત્પર્ય એટલું કે જાદુઈ લાકડી સમી ભાસતી ‘આર્થિક અનામત’ મુખ્યત્વે થોડા વગદાર – વર્ચસ્વ ધરાવતા વર્ગોના હિત સિવાય બીજા કોઈનું ભલું કરે નહીં. જ્ઞાતિઆધારિત અનામતની ઘણી મર્યાદાઓ છે અને તેમાં સુધારણાને ઘણો અવકાશ છે. પરંતુ આર્થિક અનામત તેનો ન્યાયી વિકલ્પ નથી.

સૌજન્ય : ‘ખયાલી પુલાવ’, “દિવ્ય ભાસ્કર”, 08 સપ્ટેમ્બર 2015

Loading

Hansgaan

સનત મહેતા|Opinion - Opinion|2 September 2015

હંસગાન

થોડું આશ્ચર્યજનક છે કે જગતમાં લોકો ઊગતાં સૂરજને પૂજે છે જ્યારે તમે અહીં ડૂબતા સૂરજને સન્માનવાનું નક્કી કર્યું લાગે છે !

કાનજીભાઈ એ હિતેન્દ્ર દેસાઈના પિતા એવું આજે કેટલા લોકોને ખબર હશે? એના જેવો સૌજન્યશીલ માણસ મેં બીજો જોયો નથી. એ સમય હતો જ્યારે એકબીજાનો વિરોધ કરવાનો થતો હતો પણ તે સૌજન્ય ગુમાવ્યા વિના! આજે તો એવું કંઈ રહ્યું જ નથી! અમે ઘણો વિરોધ કર્યો છે અને કરતા હતા પણ એકબીજાને માન આપતા અને આદર જાળવતા.

વળી, આજે આઠમી ઑગસ્ટ છે. આ દિવસનું ઘણું મહત્ત્વ છે. એક આઠમી ઑગસ્ટે મેં ઘર છોડેલું. ઘર છોડ્યા પછી કદી પાછો ફર્યો નહોતો. આઠમી ઑગસ્ટે મુંબઈમાં ગાંધીને સાંભળવા ગયેલો! અને આઠમી ઑગસ્ટ, મહાગુજરાત આંદોલનની પણ, આજે પણ આઠમી ઑગસ્ટ!

એ જમાનો જ જુદો હતો અને અમારો મિજાજ પણ જુદો હતો. લગ્ન કર્યા તો પિતાને કહેલું કે તમારે ધક્કો ખાવાની જરૂર નથી. આશીર્વાદ મોકલી આપશો તો ચાલશે. કોઈ ખર્ચ નહીં, કોઈ ધમાલ નહીં!

આજે પણ મને ઑફિસે નિયમિત પહોંચીને કામ કરવાની ટેવ પડી ગઈ છે. સવારે અગિયાર વાગે પહોંચી જાઉં છું. પછી એક વાગે જમવા આવું. જમીને થોડો આરામ કરીને ફરી ઑફિસ, તે સાંજે સાત વાગે પરત.

આ કાર્યક્રમનું આમંત્રણ મળ્યા પછી તબિયત બગડી. હૉસ્પિટલમાં દાખલ થયો. મેં શીતલને કહ્યું, દવાખાનેથી પાછા અવાશે કે કેમ તેની ખબર નહીં, પણ પાછો હેમખેમ આવી ગયો. ભગવાનને ત્યાં દસ્તક દઈને પાછો ફર્યો છું; પણ બારણું ઊઘડ્યું નહીં! અને આજે અહીં તમારી સમક્ષ હાજર છું.

અમારા સમયમાં અમે સનદી અધિકારીઓને પોતાના જે વિચારો રજૂ કરવા હોય તે કરવા દેતા. અમે નોટ ફાઇલ પર લખવાની ના નહોતા પાડતા. તેથી જ મારી સાથે આઈ.એ.એસ. અધિકારીઓને કામ કરવું ગમતું. મને કોઈ મુશ્કેલી નહોતી. પછી રાષ્ટ્રપતિશાસન આવ્યું, ત્યારે એક વખત હરિશ્ચંદ્ર સરીન નામના વરિષ્ઠ અધિકારીનો ફોન આવ્યો. મને થયું શું ય હશે! ફાઇલમાં કંઈ ભૂલ થઈ હશે, કોણ જાણે. વિચાર કરતો ત્યાં પહોંચી ગયો. સરીન કહે છે, સનતભાઈ, તમારા જેવા મંત્રી હોય, તો અમારી તો છુટ્ટી જ થઈ જાય! એમ કહીને મારી ફાઇલ પરની કોઈ લાંબી નોંધ વંચાવી! તમે આટલું લાંબું લખો, પછી અમારે શું કરવાનું?

હું જેટલો વખત મંત્રી રહ્યો ગાંધીનગરમાં, ત્યાં સુધી અરુણા અને બાળકો ત્યાં રહેવા આવ્યાં જ નહીં! શનિ-રવિ આવે અને પછી જતાં રહે. પછી દીકરી શ્યામલીનું લગ્ન લેવાનું આવ્યું. અમે લગ્ન તો વડોદરા કરવાનાં હતાં પણ અમારાં વેવાણ કહે ના, અમે તો ગાંધીનગરમાં જ જાન લઈને આવીશું! મંત્રીને ત્યાં લગ્ન થવાનાં છે, એ ખબર પડે ને!

આ ઇલાબહેન(ભટ્ટ)ને મજૂર મહાજનમાંથી કાઢી મૂક્યાં તો એમને પહેલો ફોન કરનાર હું, એમની પડખે ઊભા રહેવાનો આનંદ હતો. અલંઘ શીપયાર્ડનું નક્કી કર્યું તો બધા કહે : ‘સનતભાઈ, બધા તો વહાણ બાંધવાની વાત કરે, તમે આ વહાણ ભાંગવાનું ક્યાંથી લઈ આવ્યા ?’

તુષાર [ભટ્ટૃ] જોડે દોસ્તી થઈ. તેજસ્વી પત્રકાર. પણ બોલવામાં મારા જેવો. તે વખતે ઘણા તેને મારો conscience keeper કહેતા. એક વખત માધવસિંહભાઈએ એને કહેલું, અમને પણ એવી સેવા આપોને! એ કટાક્ષ કરતા હતા પણ તુષારે પરખાવેલું : પહેલા conscience તો હોવો જોઈને, તો એ પણ કરીએ!

કૃષ્ણકાન્ત વખારિયાએ કંઈ ૪૦૦-૫૦૦ પાનાં ભરીને પોતાની આત્મકથા લખી છે, એવું કહેતા હતા. મને યાદ આવે છે અને એમણે પણ યાદ કર્યું કે કૃષ્ણકાંત અને ધીરુભાઈ (અંબાણી) બંને તે વખતે વિદ્યાર્થીમંડળના આગેવાન અને મને ભાષણ કરવા બોલાવેલો. ધીરુભાઈ સાથે પણ દોસ્તી રહી. હમણાં રિલાયન્સના કોઈ મોટા નિવૃત્ત અધિકારી મને મળવા આવેલા. મેં એમને કહ્યું : મુકેશને કહેજો કે તું ધીરુભાઈ નહીં થઈ શકે! મને તો ટેવ છે કે બધા જોડે હું વાત કરી શકું. ટૉરેન્ટના સુધીર મહેતા (સામે બેઠેલા તે તરફ જોઈને) જોડે ય વાત કરું અને અમારા આંબાડુંગર – ભેખડિયાના રતન ભગત જોડે પણ વાત કરું! ઘણાં બધાં યુનિયનો છોડ્યાં, હજુ થોડાં છે, તેમાંથી નીકળવું છે, પણ માલિકો કે કામદાર એકે ય છોડવા દેતા નથી!

આ જે આપણે એચ.ટી. પારેખ હૉલમાં બેઠા છીએ, તે એચ.ટી. પારેખે બહુ બધા લોકોને હાઉસિંગ માટે ફાઇનાન્સ કર્યું, પરંતુ પોતે ભાડાના મકાનમાં રહ્યા. હું કહેતો, ’તમારા માટે તો એક ઘર બાંધો.’ પણ એ કહેતા, ’ભાડાનું શું ખોટું છે?!’ એવો એ જમાનો હતો. આજે આવા માણસ મળવા મુશ્કેલ છે.

વિશ્વ ગુજરાતી સમાજના ઉપક્રમે અમદાવાદના એ.એમ.એ. ખાતે એચ.ટી. પારેખ કન્વેન્શન હૉલમાં કાનજીભાઈ દેસાઈ અૅવૉર્ડ સ્વીકારતાં આપેલું છેલ્લું ઉદ્દબોધન સ્મૃિત ઉપરથી.

સંકલન : ડંકેશ ઓઝા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. 10

છવિ સૌજન્ય : 'વિશ્વ ગુજરાતી સમાજ'

Loading

Raajkaarani Nahin, Raajneetigna

રતિભાઈ પંડ્યા|Opinion - Opinion|2 September 2015

રાજકારણી નહીં, રાજનીતિજ્ઞ

સનતભાઈ મહેતાને, એકાણું વર્ષનું આયખું ધરાવનાર સનતભાઈ મહેતાને, મેં અમરેલી મુકામે ૧૯૫૨ની સાલમાં તેમની ઉંમર ૨૭ વર્ષની હતી તે વખતે પ્રથમ વાર જોયેલા અને જાહેરસભાને સંબોધન કરતાં સાંભળેલા. તે વખતે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. તે વખતે તેમનાં વ્યક્તિત્વ અને વક્તવ્યથી ખૂબ પ્રભાવિત થયાનું સ્મરણ થઈ આવે છે. છેલ્લે ૨૦૧૪માં મહેસાણા મુકામે તેમની ૯૦ વર્ષની ઉંમરે દૂધ-ઉત્પાદકોની વિશાળ જાહેરસભામાં સાંભળેલા. વચ્ચે ૬૨ વર્ષનાં વહાણાં વીતી ગયાં હતાં, છતાં તેમના શારીરિક દેખાવ અને વક્તા તરીકેની છટા અને જોશમાં કોઈ ફેરફાર ન લાગ્યો, ઊલટાના ઉંમરમાં વૃદ્ધ સનતભાઈ દેખાવમાં અનો બોલવામાં વધુ જુવાન લાગ્યા. મહેસાણાની એ જાહેરસભામાં ‘દૂધની ખેતી-ચારાખેતી’ અંગે વાર્તાલાપ આપવા સનતભાઈએ મને ખાસ બોલાવેલો.

સનતભાઈ ગુજરાત રાજ્યના નાણાંપ્રધાન હતા, તે વખતે મનુભાઈ પંચોળી (દર્શક) સાથે તેમના નિવાસસ્થાને મળવાનું બનેલું. બંને વચ્ચે ગુજરાતના અને રાષ્ટ્રનાં રાજકારણ અને જાહેરજીવનની રસપ્રદ ચર્ચાઓ સાંભળવાની મજા પડેલી. ઊઠતાં-ઊઠતાં મનુભાઈએ ટકોર કરી, “મારી દૃષ્ટિએ તો ગુજરાતનો મુખ્યપ્રધાન તું જ હોવો જોઈએ.” અને સનતભાઈએ હસતાં-હસતાં જવાબ આપેલો, “તમારા જેવા આદર્શવાદી લેખકોનો એ અભિપ્રાય-મંતવ્ય હોઈ શકે.”

સનતભાઈ સ્થાપિત અને સંચાલિત ‘શ્રમિક વિકાસ’ નામની સંસ્થા વલ્લભીપુર આસપાસનાં ૩૦-૩૫ ગામોમાં ગ્રામવિકાસની પ્રવૃત્તિ કરતી હતી. તેમાં ભાવનગરની લાયન્સ ક્લબનો સહકાર મળી શકે તે માટે એક દિવસની બેઠકનું આયોજન ભાવનગરમાં થયેલું. આ બેઠકમાં ભાલ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવા શું-શું કરવું જોઈએ તે અંગે સંશોધનપત્રો તૈયાર કરવાનું કામ મને, સમાજશાસ્ત્રી વિદ્યુતભાઈ જોષી તથા રમણીકભાઈ ભટ્ટીને અલગ-અલગ રીતે સોંપેલું. મેં જણાવ્યું કે સંશોધનપત્ર રજૂ કરતાં પહેલાં મારે એ વિસ્તારનાં કેટલાંક ગામડાઓની રૂબરૂ મુલાકાત લેવી પડે. સનતભાઈએ તેમના કાર્યકર નાનકભાઈ ભટ્ટ દ્વારા મને એક જીપ અને ડ્રાઇવર મોકલી આપ્યાં. બે દિવસમાં ૮-૧૦ ગામોનો સોંપેલ સર્વે કરવાથી માલૂમ પડ્યું કે તે વિસ્તારમાં જમીનની ખારાશને કારણે માત્ર ચોમાસામાં જુવાર-કડબની ખેતી થાય છે. કુલે રૂપિયા એક કરોડની કિંમતની ચારા માટેની જુવાર વેચાય છે, જે ભાવનગર-રાજકોટ કે ગૌશાળા-પાંજરાપોળમાં જાય છે. અમે લોકભારતીની ગૌશાળા માટે પણ તે વિસ્તારની કડબ ખરીદતા હતા, આથી કેટલાંક ગામો અને ખેડૂતોનો પરિચય પણ હતો. મેં વિચારીને સંશોધનપત્ર તૈયાર કર્યું કે આ જુવારની રૂ. એક કરોડની કડબ-નીરણ ત્યાં સ્થાનિક ગાયો-ભેંસોને ખવડાવીને તેમાંથી દૂધ પેદા કરી ‘ભાવનગર-અમદાવાદમાં વેચવાનું આયોજન કરવામાં આવે’ તો ખેડૂતોને તેમાંથી ત્રણ કરોડ રૂપિયાની આવક થાય, ઉપરાંત પશુઓનાં છાણ-પેશાબનું સેન્દ્રિય ખાતર મળી રહેતા ઘાસચારાનું ઉત્પાદન પણ વધે. સનતભાઈને આ વિચાર એટલો બધો ગમી ગયો કે તેમણે ડેરીઓનો સંપર્ક સાધી તે વિસ્તારમાંથી દૂધ ભેગું કરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. સનતભાઈ ભાવનગર-તળાજા-મહુવા બાજુ આવવાના હોય, તો સણોસરા મનુભાઈ પંચોળીને મળવા આવવાનું ખાસ ગોઠવે, મને ટેલિફોનથી અગાઉ જાણ કરી મનુભાઈ સંસ્થામાં તે તારીખે હાજર છે કે નહીં, તેની ખાતરી કરી વરસમાં એકાદ વાર આવવાનું ગોઠવે. કહે પણ ખરા કે ‘હું મનુભાઈ પાસે બૅટરી ચાર્જ કરવા આવ્યો છું.’

એક મુલાકાતમાં સનતભાઈને ગૌશાળા જોવા લઈ જવા મનુભાઈએ મને સૂચવ્યું. તેમણે ગૌશાળાની ગાયોની તંદુરસ્તી તથા તેનું ઉત્પાદન અને વ્યવસ્થા જોઈ ખુશી વ્યક્ત કરી અને અભિનંદન આપેલા. કોઈ પણ જાતનાં દાન, સહાય કે ખોટ ખાધા વિના સરભરના પાયા પર ગૌશાળા થકી સસ્તું દૂધ વિદ્યાર્થીઓ-કાર્યકરોને પૂરતા પ્રમાણમાં આપી શકીએ છીએ, તે જાણી તેમણે આનંદ વ્યક્ત કર્યો. સફળતાની ચાવીઓ અંગે પૂછ્યું, તો હું તેમને ચારાખેતીના પ્લૉટમાં નેપિયર ઘાસ જોવા લઈ ગયો. છ-સાત ફૂટ ઊંચું લીલુંછમ ઘાસ બતાવી તેનું ઉત્પાદન સાત-આઠ વાઢમાં એક એકર જમીનમાંથી વર્ષે દહાડે ૧૦૦ ટન લીલો ઘાસચારો મળે છે વગેરે માહિતી આપી મહાન વિચારક જૉનાથન સ્વિફ્ટનું એક સુવાક્ય ટાંક્યું : ‘He who arranges to grow two ear-heads or grain of two blades of grasses, where one grew before, his services to the nation and man-kind is more than whole race of politician put to-gather’. અર્થાત્‌ ‘જે માણસ એક અનાજના ડૂંડાની જગ્યાએ બે અથવા ઘાસના એક તણખલાની જગ્યાએ બે તણખલાં પેદા કરે છે, તેની રાષ્ટ્ર માટે તેમ જ માનવજાત માટેની સેવાઓ બધા રાજકારણીઓની સેવાના સરવાળા કરતાં વધુ છે.’ આ વાક્ય સાંભળીને સનતભાઈએ તરત જ કહેલું કે, મને આ વાક્ય મારી ડાયરીમાં લખી આપો.’ તેમણે ગાડીમાંથી ડાયરી મંગાવી, મેં તેમાં લખી આપ્યું. તેમણે હસતાં હસતાં કહ્યું, ‘આ વાક્ય મને સંભળાવવા તો તમે નથી કહ્યું ને!’ મેં કહ્યું, તમે આ સામાન્ય કોટીના રાજકારણી નથી, પરંતુ રાજનીતિજ્ઞ છો, ખૂબ જ અભ્યાસુ છો, એટલે તો તમે તમારી ડાયરીમાં આ સુવાક્ય લખાવી લીધું!’

આ પછી હું તેમને ગોચરમાં ઘાસની વીડી જોવા લઈ ગયો. એક હજાર વીઘાની વીડીમાં ૫૦૦ વીઘા જમીન ગાયોના ચરિયાણ માટે અને ૫૦૦ વીઘા જમીન ઘાસ વાઢવા અનામત રાખેલ છે. ડુંગરાળ-પથરાળ જમીન પર દોઢ-બે ફૂટ ઊંચું શણિયાર-રાતડ-ધરપડા વગેરે ઘાસ લીલુંછમ લહેરાતું જોઈ તેમણે પ્રસન્નતા અનુભવી. આસપાસના બીજા ડુંગરમાં વધુ પડતા ચરિયાણને કારણે ટાલિયા ડુંગર પર કશું ઘાસ ન હતું, રહસ્ય સમજાવતા મેં કહ્યું, અમે સારી જાતના ઘાસમાં બી એકઠાં કરી છાણ-માટીમાં નાની ગોળીઓ વાળી લાડુ પરના ખસખસ માફક બિયારણનો ચાંદલો કરી ચોમાસામાં છૂટી ગોળીઓ નાખીએ છીએ. આ રીતે ‘ખડની ખેતી’ કરીએ છીએ. ચરિયાણ વિસ્તારમાંથી છાણ કે પોદળા લોકોને લેવા દેતા નથી, જેથી કુદરતી ખાતર ઘાસને મળી રહે છે. આ બધું સાંભળી તેમણે પ્રતિભાવ આપેલો કે, ‘તમને મળવામાં હું મોડો પડ્યો છું, મારી પાસે સત્તા અને પૈસા હતા, તે વખતે જો આપણે મળ્યા હોત, તો સૌરાષ્ટ્રના ઘણા ડુંગરાઓ ઘાસથી હરિયાળા બનાવી શક્યા હોત. ૫૦૦ વીઘાને બદલે ૫૦,૦૦૦ વીઘામાં વધુ ઘાસ ઉગાડી શક્યા હોત.’ તેમણે કહ્યું, ‘તમારા જ્ઞાન-અનુભવનો લાભ અમે વહીવટકર્તાઓ વધુ લઈ શક્યા નહીં, તેનો મનમાં રંજ છે.’

સનતભાઈનો ભૌતિક દેહ તો આ પૃથ્વી પર રહ્યો નથી, પરંતુ તેમનાં લખાણો અને વિચારો તો આપણી પાસે છે, આપણે યથાશક્તિ તેનો અમલ આપણા સૌનાં જીવનમાં સમજવા અને ઉતારવા કોશિશ કરીએ.

વસ્ત્રાપુર, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. 11

Loading

...102030...3,8053,8063,8073,808...3,8203,8303,840...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved