સ્વતંત્ર પ્રજા તરીકે આપણાં વલણો ન્યાય તરફી કેમ નથી, એનો ઉત્તર મેળવવો તો હજી બાકી છે
તો તમે માનો છે કે બંધારણે આપેલી અભિવ્યક્તિ સ્વતંત્રતાનો પ્રત્યેક નાગરિક ઉપયોગ કરી શકે છે? તમને ધરપત છે કે અહીં કાયદાનું શાસન છે, અને કાયદાનું જે કોઈ ઉલ્લંઘન કરે તે દંડને પાત્ર છે? તમને લાગે છે કે જનસમુદાયની અને સમાજની સુખાકારી કે સામાજિક ન્યાય માટેની લડતનું સમર્થન તમે ભયમુક્ત રહીને કરી શકો છો? તમારી સાથે જે વ્યક્તિઓ કે જૂથો અસંમત છે એ તમને કોઈ નુકસાન નહીં પહોંચાડે, એવી તમારી પ્રતીતિ છે?
જો તમારો ઉત્તર ‘હા’માં હોય તો તમે સદ્દભાગી છો, અને જો ‘ના’માં હોય તો તમારે કશું કહેવાનું રહેતું નથી. ઘરેડબંધ જીવન, જેમાં સ્વતંત્ર વિચારને સ્થાન નથી એમાં સુખ અને શાંતિને આંચ નથી આવતી. જોખમ સ્વતંત્ર વિચારકોને છે, એમને ધમકીઓ મળી શકે, એમના પર જાસાચિઠ્ઠીઓ આવે, એમનો પીછો કરવામાં આવે, એમને ડરાવવામાં અને ધમકાવવામાં આવે. એમ કરવાથી જો એ ચૂપ થઈ જાય કે પાછા પડી જાય તો ઠીક છે. પણ જો એમ ન થાય તો એમણે માથે કફન બાંધી લેવું પડે. એમની ગમે ત્યારે હત્યા થઈ શકે. સ્વતંત્ર વિચારો માટે એમણે આકરી કિંમત ચૂકવવી પડે.
બાંગ્લાદેશના બ્લોગર અભિજીત રોય, અનંત વિજય દાસ અને નિલય ચેટરજી, આપણા દેશના નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને એમ. એમ. કલબુર્ગી તમામને એક સૂત્રે જોડે છે. એમની વૈચારિક સ્વતંત્રતા અને એ જેમને સ્વીકાર્ય નહોતું એમણે એમને કાયમ માટે ચૂપ કરી દેવાનું કાવતરું રચ્યું. છેલ્લા થોડા સમયથી આતંકનો એક નવો અને વરવો ચહેરો આપણે જોવાનો આવ્યો છે. એક ચોક્કસ તરેહને આધારે કટ્ટરપંથીઓ પોતાનાં શસ્ત્રો સજતા રહે છે, અને નિશ્ચિત વ્યૂહરચના પ્રમાણે એમને જે વાધાજનક લાગે એમને નિર્મૂળ કરવાનું હાથ ધરે છે, નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે કે કલબુર્ગી જ્યાં ત્યાં મળે એવાં વ્યક્તિત્વો નથી. એમના વિચારોને બેઅસર કરવા માટેનો એક જ ઉપાય અસહિષ્ણુ જૂથો પાસે છે, અને તે એમને ખતમ કરી દેવાનો.
હત્યા પછી કાયદો જે કરવાનું હોય તે કરે, તપાસ ચાલતી રહે, પણ કશું નક્કર હાથ ન આવે. ક્યારેક આશ્ચર્ય થાય કે તંદુરસ્ત સમાજના ઘડતર માટે એકાદ દાભોલકર મથતા હોય તો એમાં કયા સ્થાપિત હિતોને એ નડતા હશે કે એમને મારી નાખવા પડે! અંતે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે મથવું એ કયા જૂથને અનૂચિત પ્રવૃત્તિ લાગતી હશે? સ્વતંત્ર વિચારાનારા અથવા તો વૈચારિક સ્વતંત્રતામાં વિશ્વાસ રાખનાર સહુ કટ્ટરપંથીઓને આટલા બધા જોખમી લાગતા હશે કે એમને રહેંસી નાખવાની હદે પહોંચવું પડે?
એક વાત સ્પષ્ટ છે કે સ્વતંત્ર વિચારની સ્થાપના માટે મથતા અથવા એવા વિચારો વ્યક્ત કરતા લોકો ઓછા હોય છે, અને એ અલગ તરી આવે છે. એમને વિશાળ સમૂહનો ટેકો હોય તો સંભવ છે કે એમનું બળ વધે. દુર્ભાગ્યે આવો પ્રબળ ટેકો એમને ભાગે નથી હોતો. આવા વ્યક્તિત્વો સંઘર્ષનો માર્ગ પસંદ કરે છે અને પોતાની માન્યતાઓ સાથે સગવડભર્યા સમાધાન કરી લેવાનું પસંદ કરતા નથી. આમ કરવાથી પણ તેઓ લગભગ એકલવીર બની રહે છે અને એમના પર આક્રમણ કરવાનું સરળ બનતું જાય છે. કલબુર્ગી કે દાભોલકરના મૃત્યુ સંદર્ભે સમગ્ર સમાજ ઊહાપોહ કરે એમ નથી થતું. ધારો કે એમના વિચારો સાથે પૂરેપૂરા સહમત ન થતાં હોઈએ તો પણ અસહિષ્ણુતાને પગલે થતી હત્યા અંગે આપણું વલણ પ્રમાણમાં અતિશય નરમ અને તેથી નિર્બળ રહે છે. સ્વતંત્ર પ્રજા તરીકે આપણાં વલણો ન્યાય તરફી કેમ નથી એનો ઉત્તર મેળવવો તો હજી બાકી છે. વિદ્યાવ્યાસંગ, સંશોધન અને લેખન જેમનું જીવનધર્મ જેવું કામ છે એવી વ્યક્તિઓને, કલાકારોને અને નાટ્યકર્મીઓને કટ્ટરપંથીઓ નિશાન બનાવી રહ્યા છે. એમનો વાંક માત્ર એટલો કે, એમની વિચારશૈલી અલગ છે, અને ચૂપચાપ ચાલ્યાં જતાં ટોળાંઓ છોડીને એમણે જુદો માર્ગ પસંદ કર્યો છે. તમિલ નવલકથાકાર પેરુમલ મુરુગનને તો ઝનૂની પરિબળોએ લખતાં જ બંધ કરી દીધા છે. છ નવલકથા, ચારેક વાર્તાસંગ્રહો, ચાર કાવ્યસંગ્રહો અને છ લેખસંચયો ઉપરાંત તમિલ બોલી કોંગુ વિશે સંશોધન કરી ચૂકેલા, હજી તો પચાસે પહોંચ્યા નથી એવા સર્જકને, લેખન છોડાવી દેનારા પેલાં ઉગ્ર અને આક્રમક જૂથો જાણે છે કે બંધારણની કોઈ કલમ આ લેખકને ખપ લાગવાની નથી. લેખકના ખુદના સમાજના થોડા બળિયાઓ એમને ધમકી આપે અને એમનું રોજનું જીવન ઝેર બનાવી દે, તો એમને સવાલ તો થાય ને, કે એના લેખનનો જો એની જ પ્રજાને ખપ નથી તો કોને માટે ને શા માટે લખવાનું?
આ પણ એક પ્રકારની હત્યા જ કહેવાય, લેખક પાસેથી કલમ અને શબ્દો ઝૂંટવી લેવાથી થતી હત્યા. અને પેરુમલ એકલા નથી, સુખ્યાત વિવેચક-સાહિત્યકાર એમ. એમ. બશીરને ‘રામાયણ’ પર લખાતી કટાર બંધ કરી દેવી પડી છે એવા સમાચાર છે. મલયાલમ દૈનિક ‘માતૃભૂમિ’માં લખાતી આ કટારને પગલે અજાણ્યા માણસો તરફથી એમને સતત ધમકીઓ મળી રહી છે. માત્ર એમને જ નહીં, દૈનિકના તંત્રીને પણ ગાળો ખાવી પડે છે. પાંચેક હપ્તા પછી આ વિવેચકને લેખન બંધ કરવું પડ્યું છે. મલયાલમ ભાષાના અધ્યાપક રહી ચૂકેલા પંચોતેર વર્ષના આ વિદ્વાનને ખેદ એ બાબતનો છે કે જીવનનાં આટલા વર્ષો ભાષા અને સાહિત્યક્ષેત્રને, અધ્યયન અને અધ્યાપનને આપી દીધાં પછી એમની પોતાની ભૂમિમાંયે એમની ઓળખ માત્ર ‘મુસલમાન’ની જ રહી છે! અખબાર-તંત્રીને ઉગ્રમતવાદીઓ એમ કહીને ભાંડે છે કે ‘રામાયણ’ પર લખવાનું કામ બશીરને શા માટે સોંપાયું!
લખનારના કાંડા, વિચારકોના મગજ, ચિત્રકારોની પીંછી – સઘળું નિયંત્રિત કરનારા, વિવિધ રીતે ગંદી ભાષા વાપરી ધમકીઓ આપનારા, વખતોવખત પથરા મારી, તોડફોડ કરી સર્વત્ર ધાક બેસાડનારાં આ જૂથોને નાથવા શાસન શું કરી શકે છે? આપણને તો માત્ર એટલી જ ખબર છે કે આપણે નથી નરેન્દ્ર દાભોલકરને બચાવી શકતા, કે નથી જાળવી શકતા પાનસરે, કે કલબુર્ગીને. આપણે પેરુમલ કે બશીરને હવાલે કરી દઈએ છીએ પેલા ઝનૂની જૂથોને. નથી આપણા વિરોધમાં કશી તાકાત કે નથી આપણામાં સ્વતંત્રતાનું જતન કરવાની કોઈ દાનત કે આવડત. એકાદ ઝૂઝનારો દુનિયા છોડીને ચાલતો થાય ત્યારે વંધ્ય બળાપા કરવાથી કે નિવેદનો આપવાથી વિશેષ શું થઈ શક્યું છે વિચારવંતોના સમુદાય દ્વારા, જો એને સમુદાય કહેવાય તો!
આ દેશની સંસ્કૃિતના અર્ક સમી પ્રાર્થનાઓમાં તો દુર્જનો સજ્જનો બને, સજ્જનને શાંતિ મળે, શાંતિ પ્રાપ્ત કરનારાં બંધન મુક્ત થાય અને જે બંધનમુક્ત બન્યા છે તે અન્યને મુક્ત કરવાના મહાકાર્યમાં જોડાય એવી અદ્દભુત ભાવના વ્યક્ત થઈ છે. પૃથ્વી પર પગ મૂક્તાં પહેલાં ‘પાદ સ્પર્શ ક્ષમસ્વ મે’ એવી ક્ષમાયાચના કરનારાઓ અને સર્વં ભદ્રાણિ પશ્યન્તુ’ એવી ઇચ્છા રાખનારાંઓનો આ દેશ. આ કોઈ શબ્દલીલા નથી, ઊંડી ઉદારતા અને દૃઢ સહિષ્ણુતામાંથી જન્મીને ઉછરેલો, વિક્સેલો એક વ્યાપક ભાવ છે. એ કાળે ઋષિઓને તો કલ્પના પણ નહીં હોય કે કોઈએ એક ચોક્કસ સમયમાં, પોતાને સંસ્કૃિત રક્ષકોમાં ખપાવતાં ટોળાં, સાવ સાચુકલાં અને જાળવવા જેવાં વ્યક્તિત્ત્વોને રહેંસીને, વિજયનાદો કરતાં બેફામ બબડતાં રહેશે અને સમસ્ત પ્રજા આ સંહાર અસહાય બનીને જોતી રહેશે!
સૌજન્ય : ‘અંતરની પીડા’, “દિવ્ય ભાસ્કર”, 11 સપ્ટેમ્બર 2015