Opinion Magazine
Number of visits: 9843519
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે કાવ્યો

કૅરૉલિન રાઈકર તેમ જ વેન્ડલ બૅરી : [અંગ્રેજી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|11 April 2025

કૅરૉલિન રાઈકર

(૧) 

આ એ જ બારી છે

જેમાંથી હું રોજ બહાર તાકું છું

રસોડું શાંત છે

સિવાય કે જિંદગીનો ગણગણાટ

અને અનઅપેક્ષિત જે કંઈ છે.

બહાર નજર સામે ઝપાટાભેર

હેઠે ઊડી આવતું તારોડિયાંનું ઝૂંડ.

વૃક્ષો પાવન લાગે છે.

શિયાળુ ઊંઘમાંથી પડખું ફેરવતી

ધરતીનો બિલાડી પેઠે ઘુરઘુર અવાજ.

તાજાં બીજ, કંદમૂળ, હંસરાજ, 

જંગલી પુષ્પો જાણે ભૂમિના વિરામચિહ્નો.

અહીં મારી અટારીએથી

મારા હાથમાં ભુરા રંગના કપ સાથે

સ્વપ્નમાં બ્રહ્માંડ ઝીલીએ છીએ.

આ નવો નકોર દિવસ

એ જ બારીમાંથી ડોકાય છે

અને ફરી તાજગી છવાઈ જાય છે.

••

વેન્ડલ બૅરી :  

(૨) 

અને જ્યારે ઊંચે ચઢું

ચઢવા દેજો ઊંચે હર્ષ સાથે

પંખીની માફક

અને જ્યારે નીચે પડું

પડવા દેજો લાવણ્ય સાથે

પાંદડાની માફક

અને જ્યારે ઊભી રહું

ઊભી રહેવા દેજો મજબૂતીથી ઊંચી

વૃક્ષની માફક

અને જ્યારે સૂઉં

સૂવા દેજો મનનશીલ બનીને

તળાવની માફક

અને જ્યારે પ્રતિકાર કરું

કરવા દેજો પ્રતિકાર અવિરતપણે

દરિયાની માફક

અને જ્યારે ગાંઉ

હું ગાઈશ ધાબડધીંગુ અને મોકળું

પવનની માફક.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

બા

નારાયણભાઈ દેસાઈ|Gandhiana|11 April 2025

આજે પૂ. બાની જયંતી નિમિત્તે વંદન :

નારાયણ દેસાઈ

મહાપુરુષોના જીવનમાં તેમની અર્ધાંગિનીઓનો ફાળો એ ઇતિહાસના સંશોધનનો વિષય બની શકે એમ છે. એક તરફ રામાયણ તો રચાયું જ સીતાને લીધે, તો બીજી તરફ તુલસીદાસને વૈરાગ્યની પ્રેરણા એમની અર્ધાંગિનીએ આપી. પંડિત નેહરુના ઘડતરમાં કમળા નેહરુનો ફાળો નાનોસૂનો નહોતો. એ રીતે જોઈએ તો બાપુના જીવનમાં બાનો ફાળો અનેક ગૃહસ્થોનાં જીવનમાં એમની સ્ત્રીઓનો હોય છે તેવો જ, છતાં પણ અસાધારણ હતો. એક કાઠિયાવાડી રજવાડાના દીવાનના ભણેલાગણેલા દીકરાની અભણ પત્ની તરીકે કસ્તૂરબાએ પોતાના લગ્નજીવનનો —અને એક રીતે જોઈએ તો પૂરા જીવનનો પણ — આરંભ કરેલો. આગાખાન મહેલમાં તેઓ બાપુના સાન્નિધ્યમાં ગુજરી ગયાં ત્યારે તેમને વિશે બાપુએ કહ્યું : ‘એ તો જગદંબા હતી.’ આમ એક સાધારણ ભારતીય નારીએ એક જીવનકાળ દરમિયાન આટલી મોટી મજલ શી રીતે કાપી? અલબત્ત, મહાત્મા ગાંધી જેવાની પત્ની થવાની તક દરેક સાધારણ ભારતીય નારીને મળતી નથી. અને કસ્તૂરબાના વિકાસમાં સૌથી મહત્ત્વનું કારણ એ જ હતું કે તેઓ નિત્ય વિકાસશીલ મહાત્માનાં પત્ની હતાં. પરંતુ એ એક જ કારણ નહોતું. તેઓ સાચા અર્થમાં મહાત્માનાં સહધર્મચારિણી હતાં. અને મહાત્માની સાથે સાથે ધર્મનું આચરણ કરવું એ કંઈ નાનીસૂની વાત નહોતી. મારા કાકા(મહાદેવભાઈ દેસાઈ)ના શબ્દોમાં કહીએ તો એ જ્વાળામુખીના મોં પર રહેવા જેવું કપરું કામ હતું.

ભારતીય પુરાણો અને સાહિત્યમાં પત્નીની જે શ્રદ્ધાવાન મૂર્તિ કલ્પી છે, તે શ્રદ્ધામયી, નિષ્ઠાવાન સતીનાં દર્શન આ કાળે બામાં થતાં. બાની સો ટચની શ્રદ્ધાએ જ તેમને બાપુનાં સહધર્મચારિણી બનાવ્યાં.

પણ આ શ્રદ્ધાને લીધે તેમણે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ગુમાવ્યું નહોતું. અવારનવાર તેમણે બાપુને સરખે રસ્તે દોરવાનું કામ પણ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં પોતાના હરિજન સહાયકનાં મળમૂત્રનું વાસણ સાફ કરવા બા તૈયાર ન થયાં, તેથી બાપુ તેમને ઘરમાંથી કાઢવા તૈયાર થયા તે વખતે “તમે જરા લાજો તો ખરા, આ દૂર વિદેશમાં મને ઘર બહાર કાઢવા નીકળ્યા છો તે!’ એમ કહી બાપુની સિદ્ધાંતઆંધળી આંખોને દેખતી કરવાનો પ્રસંગ તો બાપુએ જાતે જ આંસુભરી કલમે પોતાની આત્મકથામાં નોંધ્યો છે અને ત્યારબાદ આખું જીવન બાએ પોતાની સ્વતંત્ર અસ્મિતા જાળવી રાખી. બાપુ સાથે તેઓ અખંડ તપ્યાં હતાં, બાપુ સાથે તેમણે નિરંતર જીવનપરિવર્ત કર્યું હતું, પરંતુ એ તમામ પરિવર્તનો સ્વેચ્છાપૂર્વકનાં હતાં. બાપુની સર્વધર્મપ્રાર્થનામાં તેઓ શ્રદ્ધાપૂર્વક ભળતાં, પણ પોતે નિયમિત રીતે તુલસી ને પીપળાની પૂજા પણ કરતાં. બાપુનો વિશાળ પરિવાર બાની અંદર પોતાની જનનીની પ્રતિછાયા ભાળતો. બા પોતાનાં લોહીનાં સગાં વિશે બાપુ જેટલાં અલિપ્ત રહેતાં નહિ.

આ સંબંધમાં સૌથી આકરી કસોટી કરાવી હરિલાલકાકાએ (બાપુના જયેષ્ઠ પુત્ર). નાનપણથી તેમને અસંતોષ હતો કે બાપુએ તેમને ભણવાની પૂરી સગવડ આપી ના એટલે ત્યારથી જ તેમનો સ્વભાવ બાપુ સામે બંડ કરવાનો હતો. ખાસ કરીને એમનાં પત્ની ગુલાબબહેન (જેવું નામ તેવો સ્વભાવ હતો એમનો) ગુજરી ગયાં ત્યાર બાદ હરિલાલકાકા જુદે મારગે ઊતરી ગયા. સોબતની અસરને લીધે તેઓ કુમાર્ગે વળી ગયા આ બધાને લીધે બાને ભારે દુઃખ થતું. સારી પેઠે પ્રયત્નો છતાં ય હરિલાલકાકા પાછા ન જ આવ્યા. વચ્ચે તેમણે ઇસ્લામ અંગીકાર કર્યો ત્યારે કસ્તૂરબાએ એમને નામે કકળતે હૈયે એક વેદના નીતરતો પત્ર લખ્યો. પણ હરિલાલકાકાએ એ કાગળ વિશે, માત્ર એટલો જ અભિપ્રાય આપ્યો કે, “આ કાગળ બાનો નથી. કોઈએ બાના નામે લખી આપ્યો છે.” પણ હરિલાલકાકાના મનમાં બાને માટે કૂણી લાગણી હતી. એમણે બાપુને કહેલું કે બાના પુણ્યે જ તમે આટલા મોટા થયા છો, એ ભૂલશો મા.

મણિલાલકાકા દક્ષિણ આફ્રિકામાં રહીને ‘ઇન્ડિયન ઓપિનિયન’ છાપું સંભાળતા. રામદાસકાકા રેશમી સ્વભાવના માણસ. ગાંધીનો દીકરો છું એમ ક્યાં ય ઓળખાણ આપે નહિ. નાગપુરમાં રહીને એક સામાન્ય નોકરી કરીને તેઓ કુટુંબનિર્વાહ કરતા. દેવદાસકાકા ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના મૅનેજિંગ ડિરેક્ટર હતા. આમ બાના દીકરાઓ બાથી દૂર હતા. પણ પૌત્રપૌત્રીઓ બાની સાથે રહેતાં. સાબરમતી આશ્રમમાં કાન્તિભાઈ, રસિકભાઈ અને મનુબહેન હતાં. ઉપરાંત છગનલાલ, મગનલાલ, નારણદાસ ગાંધી(બાપુના ભત્રીજાઓ)નાં અનેક બાળકો એ આશ્રમમાં હતાં. સેવાગ્રામમાં રામદાસકાકાનો કનુ હતો. પાછળથી ગાંધી પરિવારનાં બાળકોમાં જયસુખલાલ ગાંધી(બાપુના પિતરાઈ ભત્રીજા)ની પુત્રી મનુ પણ હતી. આ બાળકોને લીધે બાનું વાત્સલ્ય વિશેષ ભાવે પોષાતું.

તે ઉપરાંત બાપુનાં સગાંઓ બાનાં સગાં થઈને આવતાં તે જુદાં. એક વાર મધ્ય પ્રદેશના ખરે પ્રધાનમંડળમાં હરિજનોને લીધા નહોતા તેથી કેટલાક હરિજનોએ બાપુના આશ્રમમાં આવી ‘સત્યાગ્રહ’ કરવાનો નિશ્ચય કર્યો. એમના સત્યાગ્રહનું સ્વરૂપ બાપુના સત્યાગ્રહ કરતાં કાંઈક જુદું જ હતું. બાપુ સત્યાગ્રહ કરતા ત્યારે અન્યાયની વિરુદ્ધ પોતાના પ્રાણ પાથરી દેતા. આ સત્યાગ્રહમાં ઉપવાસ હતા, પણ મરણનો ભય નહોતો. વારાફરતી એક એક માણસે ચોવીસ કલાક ઉપવાસ કરવાના હતા! એ લોકોએ બાપુ પાસે સત્યાગ્રહીઓને સારુ આશ્રમમાં કોઈ જગા માગી. બાપુએ એમને પોતે જ આશ્રમ જોઈને જગા પસંદ કરી લેવાનું સૂચન કર્યું. એ લોકોએ બધાં ઘર જોઈ છેવટે બાના રહેવાના ઘરને પસંદ કર્યું! બાની ઝૂંપડી બાપુની ઝૂંપડીની પડખે જ  હતી. 12′ x 12’નો એક ઓરડો અને એક બાથરૂમ. તે ઉપરાંત પ્રાર્થનાની જગા. ચારેક ફૂટ પહોળી ઓશરી. એ મકાનની એક તરફ ઘણાખરા આશ્રમવાસીઓને રહેવાનું મુખ્ય મકાન (આદિ નિવાસ) હતું. બીજી તરફ બાપુની ઝૂંપડી અને બાના નિવાસ વચ્ચે બાના ઉછેરેલા તુલસી-મોગરાના છોડ હતા. હરિજન ‘સત્યાગ્રહી’ઓએ પોતાને આડા પડવા સારુ બાના ઘરનો મોટો ઓરડો અને ઓશરી પસંદ કર્યાં એટલે બાને સારુ બચતું હતું માત્ર નાવણિયું.

બાપુએ બાને પૂછ્યું : ‘કેમ, આ લોકોને તારો ઓરડો પસંદ છે, તો એમને એ આપીએ ને?’ શરૂઆતમાં તો બાએ થોડી આનાકાની કરી. બાપુએ ‘સત્યાગ્રહી’ઓ વતી આગ્રહ કર્યો. છેવટે બાએ કહ્યું : ‘એ તો તમારા દીકરાઓ છે. આપો એમને તમારી ઝૂંપડીમાં જગા!”

બાપુએ હસીને જવાબ આપ્યો : ‘પણ મારા દીકરા તે તારા દીકરા પણ ખરા કે નહિ?” અને બાએ નિરુત્તર થઈ પોતાનો ઓરડો ‘સત્યાગ્રહી’ઓને સારુ ખાલી કરી આપ્યો. આ ‘સત્યાગ્રહ’ થોડા દિવસ ચાલીને પછી બનતાં સુધી નવા સત્યાગ્રહીઓને અભાવે આટોપાઈ ગયેલો. પણ એટલા દિવસ એમણે બાની જગા પર પોતાનો કબજો જમાવેલો. એમની રહેણીકરણીમાં ખાસ સફાઈ નહોતી. પણ બા એ બધું સાંખી લેતાં; એટલું જ નહિ, પણ એમને જરૂર પડે ત્યારે પીવાનું પાણી લાવી આપતાં અને અવારનવાર ખબરઅંતર પૂછતાં. એક વાર પોતાના દીકરા તરીકે સ્વીકાર્યા પછી એ ગમે તેવા ગાંડાઘેલા હોય તેની બાને શી પરવા? એમનું કર્તવ્ય તો દીકરાઓની સ્નેહમય સેવા કરવાનું જ હતું.

આશ્રમમાં સાધારણ રીતે ભોજન વખતે પીરસવાનું કામ બાપુ કરતા. ભોજન અંગેના એમના વિધવિધ પ્રયોગોનો પરિચય તેઓ મહેમાનોને કરાવતા : ‘આ ખાખરામાં એક ચમચી જેટલો સોડા નાખેલો. છે. આ ચટણી શાની છે, ખબર છે ? ખાશો ત્યારે સમજાશે. (કડવા તે લીમડાના ગુણ ન્હોય કડવા !) લસણથી બ્લડપ્રેશર પર લાભ રહે છે’ વગેરે. પીરસવામાં બા પણ બાપુને સાથ આપતાં. પણ તેઓ માખણ, ગોળ કે બીજી કોઈ મીઠી ચીજ પીરસતાં. એમના પીરસણમાં અમને બાળકોને વધુ રસ પડતો અને બાળકોને પીરસવામાં એમને વધુ રસ પડતો! બહારથી કોઈક ભેટ આવી હોય તો તે પણ બા અમારે સારુ સાચવી રાખતાં. પ્રવાસમાં પણ અમને લોકોને પૂરતો ખોરાક મળ્યો છે કે નહિ એની ચિંતા બા રાખતાં.

નવું નવું શીખવા અંગેની જિજ્ઞાસાવૃત્તિમાં બાને સહેજે ઘડપણ આવ્યું નહોતું. એક બાળકની ઉત્સુકતાથી તેઓ શીખવા તૈયાર હતાં; બાનું અક્ષરજ્ઞાન સાવ સામાન્ય હતું. એને લીધે જ્ઞાનવિજ્ઞાનના દરવાજાઓ તેમને સારુ લગભગ બંધ જેવા જ હતા. બાપુના સંગમાં રહેવાને લીધે મોટું ભણતર મળી શકે એ વાત સાચી, પણ બાપુના સંગમાં રહીને પણ અનેક લોકોને એવા ને એવા જ જડ જેવા રહેતા મેં જોયા છે. પણ બાનું તેમ નહોતું. સદા કાંઈક ને કાંઈક શીખવા એમનું મન તાજું રહેતું. એક વાર એમણે મને પાસે બોલાવીને પૂછયું : ‘કેમ બાબલા, તારા હમણાં શાના શાના વર્ગો ચાલે છે ?

મેં એમને કહ્યું કે હું રાજકુમારી અમૃતકૌર પાસે અંગ્રેજી અને વિજ્ઞાન, ભણસાળીકાકા પાસે અંગ્રેજી વ્યાકરણ, મોરિસ ફ્રીડમેન પાસે સુથારી અને ભૂમિતિ અને રામનારાયણ ચૌધરી પાસે હિંદી વ્યાકરણ અને રામાયણ શીખતો હતો. અંગ્રેજી, ગણિત વગેરે વિષયો એવા હતા કે જેમાં બાને બહુ ફાવે તેમ નહોતું, એટલે એમણે મને કહ્યું, ‘તું મને રામાયણ ન શીખવે?” હું મૂંઝાયો. મેં એમને કહ્યું : ‘મોટીબા, તમે રામનારાયણજી પાસે જ શીખો ને ! હું તો નવો નિશાળિયો છું.’

બા કહે : ‘ના, ના, રામનારાયણજી પાસે એવો વખત હોય ન હોય અને મારે તો કોઈ ગુજરાતીમાં સમજાવે એવો જોઈએ. તું એમ કર, એમની પાસે જે શીખે તે સાંજે બેસીને મને શીખવતો જા. હું પણ નવો નિશાળિયો જ છું ને!” અને ત્યાર બાદ થોડા દિવસો સુધી રોજ સાંજે સિત્તેર વરસની આસપાસનાં મોટીબાએ પંદર વરસની આસપાસના બાબલા પાસે તુલસીકૃત રામાયણના પાઠો લીધા. બાપુ પણ વચ્ચે એકાદ દિવસ આ નાટક જોઈ ગયેલા અને પોતાના સ્મિત દ્વારા એમણે એમાં સંમતિ આપેલી. આજે પણ જ્યારે જ્યારે હું રામચરિતમાનસ ઉઘાડું છું ત્યારે ત્યારે માનસપટ પર જગન્માતા સીતાની સાથે જગદંબા કસ્તૂરબાની એ ભક્તિમય નિર્મળ મૂર્તિ વિરાજમાન થાય છે.

[‘સંત સેવતાં સુકૃત વાધે’]
11 ઍપ્રિલ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 281

Loading

ક્રૂડના ભાવ ઘટે તો ઈંધણના ભાવ વધે … !?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 April 2025

રવીન્દ્ર પારેખ

એવો નિયમ નથી કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટે તો ઈંધણના ભાવ વધે, પણ સરકારે જી.એસ.ટી., પેટ્રોલ-ડીઝલમાં ભાવો વધારીને તિજોરી પણ તર કરવાની છે, એટલે ભારતમાં એ નિયમ બદલાયો છે કે ક્રૂડના ભાવ ઘટે, તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે. ભાવો ઘટે છે, પણ ભારતમાં વધે છે. કોરોનાએ કાળો કેર વર્તાવેલો, ત્યારે પેટ્રોલ-ડીઝલની ખપત ઘટી ગયેલી ને ક્રૂડના ભાવ તળિયે ગયેલા, પણ સરકારે એક યા બીજે બહાને ઈંધણના ભાવ ઘટાડ્યા ન હતા. અત્યારે પણ ક્રૂડના ભાવ ચાર વર્ષને તળિયે છે. ગયે અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ 12 ટકા ઘટ્યું હતું, સોમવારે પણ તે 4 ટકા ઘટીને 60 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું, બીજી બાજુએ ટ્રમ્પનું ટેરિફ વોર વૈશ્વિક આર્થિક સ્થિતિને ડામાડોળ કરી રહ્યું છે, ત્યારે ખમી ખાવાને બદલે સરકારે જરા પણ સંકોચ વગર લિટરે, પેટ્રોલ અને ડીઝલ પર 2 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારી છે. અત્યાર સુધી સરકાર લિટરે પેટ્રોલ પર 19.90 અને ડીઝલ પર 15.80 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વસૂલતી હતી તે હવે અનુક્રમે 21.90 અને 17.80 વસૂલશે. એ પછી બિહાર કે ક્યાંક ચૂંટણી આવતી હોવાનું કોઈકે યાદ અપાવ્યું હશે કે કેમ, પણ સરકારનું હૃદય પરિવર્તન થયું ને તેણે અડધા કલાકમાં જ બીજું નોટિફિકેશન બહાર પાડીને સ્પષ્ટ કર્યું કે 2 રૂપિયાનો આ ભાવ વધારો જનતાએ ભોગવવાનો નથી. તે કંપનીઓ ભોગવશે.

આમ જોવા જઈએ તો દિલ્હીમાં 7 એપ્રિલે પેટ્રોલની મૂળ કિંમત લિટરે 54.84 અને ડીઝલની 57.95 હતી. તેનાં પર ભાડું, એક્સાઈઝ ડ્યૂટી, ડીલરનું કમિશન, વેટ લાગતા પેટ્રોલની કિંમત 94.77 અને ડીઝલની 87.67 (લગભગ ડબલ) થઈ ગઈ. 19 ઓક્ટોબર, 2014થી પેટ્રોલ, ડીઝલના ભાવ ઓઇલ કંપનીઓ નક્કી કરે છે. અત્યારે તો રાહત છે કે ઇંધણનો ભાવ સીધી અસર નહીં કરે, પણ પ્રજા તેની આડ અસરથી મુક્ત નહીં રહી શકે. કંપની 2 રૂપિયાનો વધારો વેઠશે એવું આશ્વાસન અપાયું છે, પણ કંપની એ વધારો શું કામ વેઠશે, જ્યાં સરકાર પોતે જ ક્રૂડના ભાવ 60 ડોલરથી નીચે હોવા છતાં, ઘટાડવાને બદલે, ભાવ વધારવાની દાનત રાખતી હોય?

ખરેખર તો ક્રૂડમાં 16 ટકાનો ઘટાડો થયો હતો એ સ્થિતિમાં લિટરે 4થી 5 રૂપિયાનો ઘટાડો કરીને સરકાર પ્રજાને રાહત આપી શકી હોત, તેને બદલે તેણે એક્સાઈઝ ડ્યૂટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો. એક વસ્તુ સ્પષ્ટ છે કે પ્રજા આ વધારાથી ઝાઝી મુક્ત રહેવાની નથી, કારણ જ્યારે પણ ઈંધણના ભાવ વધશે ત્યારે પેલી વધારેલી એક્સાઈઝ ડ્યૂટી આપોઆપ જ લાગુ થશે. એ ડ્યૂટી ક્યારે ય લાગુ થશે જ નહીં, એવું વચન સરકારે આપ્યું નથી. બીજું એક જોખમ એ છે કે ડોલર સામે રૂપિયો તૂટતો જઈ રહ્યો છે. એ સ્થિતિમાં ક્રૂડના ભાવ ઘટે તો પણ ડોલરમાં તે ખરીદવા વધારે રૂપિયા ચૂકવવા પડે ને એનું પરિણામ ઈંધણના ભાવ વધારામાં જ આવે.

એટલું ઓછું હોય તેમ 7 એપ્રિલે ઘરેલુ રાંધણ ગેસ-એલ.પી.જી.-ના બાટલા પર 50 રૂપિયાનો સીધો જ વધારો સરકારે ઝીંકયો છે. એ સાથે જ CNGમાં કિલોએ 1 રૂપિયાનો વધારો થયો છે. એથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાશે, પણ ઉજ્જવલા ગેસ યોજના હેઠળની ગૃહિણીઓ પણ આંચકો ખાશે, કારણ એમને પણ બાટલા પર 50નો વધારો ઝીંકાયો છે. ઉજ્જવલા યોજના હેઠળ જે સિલિન્ડર દિલ્હીમાં 503માં મળતો હતો, તે હવે 553માં મળશે અને ગુજરાતમાં મધ્યમવર્ગને 809માં ગેસનો બાટલો મળતો હતો તે હવે 859માં મળશે. ગેસ સિલિન્ડરને મામલે કદાચ પહેલી વખત એવું બન્યું છે કે ગરીબ તેમ જ મધ્યમવર્ગના લોકો સિલિન્ડર દીઠ એક સાથે 50 રૂપિયાનો માર વેઠશે. એક તરફ વૈશ્વિક આર્થિક સ્થિતિ ડામાડોળ છે, બીજી તરફ મધ્યમવર્ગ અસહ્ય મોંઘવારી વેઠી રહ્યો છે, એમાં 50નો આ વધારો ભક્તજનોને બાદ કરતાં, તમામને અસર કરે એમ બને.

એક્સાઈઝ ડ્યૂટીનો અને ઘરેલુ ગેસમાં વધારાનો કાઁગ્રેસે અને આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે. કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીનું કહેવું છે કે મોંઘવારીથી પીડાતી પ્રજાને ‘સરકારી લૂંટ’ની આ બીજી ભેટ છે. કાઁગ્રેસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું માનવું છે કે મે, 2014ની સરખામણીમાં ક્રૂડના ભાવ 41 ટકા ઘટ્યા છે, પણ સરકાર ઈંધણના ભાવ ઘટાડવાને બદલે એક્સાઈઝ ડ્યૂટી લિટરે 2 રૂપિયા વધારે છે. એલ.પી.જી. પર 50નો ફટકો ઉજ્જવલાની ગરીબ મહિલાઓને પણ પડ્યો છે. આ લૂંટ, ગેરવસૂલી અને છેતરપિંડી છે.

રાજકોટમાં આપના કાર્યકર્તાઓએ ગેસના બાટલાના પોસ્ટરો સાથે કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. એ સાથે જ ભાવ વધારો પાછો ખેંચવાની અથવા તો સબસિડી આપવાની માંગ પણ કરી. એનું આશ્ચર્ય જ છે કે ગેસમાં થયેલા ભાવ વધારાની અસર ભા.જ.પ.ની ગૃહિણીઓને નથી, નહિતર કોઈ તો કણસ્યું હોત ! એનો અર્થ એવો નથી કે વિપક્ષોનો, ગેસમાં થયેલ ભાવ વધારાનો વિરોધ નિરર્થક છે. કોઈ વિપક્ષ આ વધારાનો વિરોધ કરે કે વધારો પાછો ખેંચવાનું કહે, તો તે વિપક્ષનો વિરોધ છે, એટલા માત્રથી તેને અવગણી શકાય નહીં. સાચું તો એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવ ઘટી રહ્યા છે, એ સ્થિતિમાં ઘરેલુ ગેસ પર 50નો વધારો જરૂરી ન હતો. ઈંધણ-ગેસના ઘટતા જતા ભાવ છતાં, પોતાનું કલેક્શન વધારીને, સરકારે નફાખોર વેપારીનો જ પરિચય આપ્યો છે. સાંસદોના તાજા જ પગાર-ભથ્થાંમાં થયેલ વધારા કે ગ્રાન્ટને કોઈક રીતે તો સરકાર સરભર કરશે ને ! કદાચ આ જ તો છે – વધારા માટે વધારાનું સમર્થન !

એમ લાગે છે કે સરકાર સંદર્ભે પ્રજામાં બે પક્ષ પડી ગયા છે. એક પક્ષ એવો છે જે સરકારની નિત્ય આરતી ઉતારે છે ને બીજો એવો છે જે સરકારની સતત ટીકા જ કર્યે જાય છે. અસત્ય બંનેમાં છે. સત્ય એ બેની વચ્ચે હોય તો હોય ! ભક્તોને એમ લાગે છે કે ક્યાં ય ગરીબી નથી ને બધે વિકાસ જ વિકાસ થઈ રહ્યો છે. એક બચાવ એવો છે કે બેન્કોનું એન.પી.એ. કાઁગ્રેસના સમય કરતાં ઘટ્યું છે. એ સાચું છે, પણ લાખો કરોડની લોન માંડવાળ કરવામાં આવી ને તે રિકવર કરવા બેન્કોએ જાતભાતના ચાર્જ વધાર્યા એ ખરું કે કેમ? ક્યારેક એવી દલીલ પણ થાય છે કે બેન્કો 8થી 8 કામ કરતી થઈ છે, ઝીરો બેલન્સથી ખાતાં ખૂલતાં થયાં છે…

કબૂલ, પણ ભ્રષ્ટતા તમામ ક્ષેત્રે વધી છે એવું, નહીં? સરકારી અધિકારી લાખોની લાંચ લે છે ને એ પકડાય પણ છે, તો તે સ્વીકારવાનું કે કેમ? ઘણી વાર વિરોધ સંદર્ભે એવું કહેવાય છે કે એ તો સરકાર વિરુદ્ધ હવા બનાવવા કહેવાય છે. એવું હોય તો પણ, પેલો અધિકારી લાંચ લેતા પકડાયો તે તો ખરું કે કેમ? દેશમાં ઘણું સારું છે, તેની ના જ નથી, પણ સરકારના જ માણસો ભ્રષ્ટાચાર દ્વારા સરકારના સાહસોને નબળાં પાડે છે તેનું શું? જરૂરી સ્ટાફ, જરૂરી સંસ્થા, જરૂરી સહજ ગતિ આ બધું વિકાસમાં ઉપકારક હોય તો તે કરવાનું ને ! કે સાંસદોને પેન્શન આપવાનું ને અન્યને કેમ ન અપાય એનો દાખલો ગણવાનો?

એ ખરું કે ચૂલો ફૂંકવામાંથી ઘણી ગૃહિણીઓને સરકારે ગેસ પર રોટલી કરતી કરી. ગરીબ સ્ત્રીઓને ઉજ્જવલા યોજના હેઠળ સસ્તામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવી રોટલા ટીપતી કરી. એવામાં એક સવારે સરકાર ધડાકો કરે કે એલ.પી.જી. સિલિન્ડર પર 50 વધુ લેવાશે, તો વગર ગેસે જ ક્યાંક ભડકો ઊઠે એવું નહીં?

એ ખરું કે સામાન્ય ઘરોમાં પણ ગાડી આવી ગઈ છે, ક્યાંક તો એકથી વધુ છે, ત્યાં એ લકઝરી હશે ને એ દેશની પ્રગતિને કારણે શક્ય બન્યું એ પણ ખરું, પણ નોકરિયાતને, સ્કૂટર દરેક વખતે લકઝરી નથી. એ જરૂરિયાત છે. સ્કૂટર ખરીદવાની એની તાકાત નથી, એ લોનને કારણે શક્ય બન્યું. આમ તો લોન ભરવાનું એનું ગજું જ નથી, પણ નોકરી દૂર મળી છે ને ત્યાં પહોંચવા સ્કૂટર અનિવાર્ય છે એટલે લેવું પડ્યું છે. એને પેટ્રોલનો ભાવ વધે તો ગળે આવે. એનો અર્થ એવો નથી કે સ્કૂટર છે, એટલે એ ગરીબ નથી. દેશમાં કોઈ ગરીબ જ ન હોત તો કરોડો ગરીબોને મફત અનાજ આપવાની જરૂર જ શી હતી? વિકાસ થયો છે એની ના નથી, પણ 142 કરોડની વસ્તીમાં, સરકાર 81.5 કરોડ ગરીબોનું પેટ પાળે એ ય સમૃદ્ધિ જ ને !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,11 ઍપ્રિલ 2025

Loading

...102030...377378379380...390400410...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved