Opinion Magazine
Number of visits: 9770425
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીના જીવનકાળની દોઢ સદી બાદ તેમના વિશે મૌલિક કહેવાનું અતિશય મુશ્કેલ

સુદર્શન આયંગાર|Gandhiana|2 October 2015

ગાંધી પોકારે છે, આપણે સાંભળીશું?

મનુષ્યમાં રહેલી સારપને બહાર કાઢવા અને તેના આત્માના વિકાસ માટે ગાંધીજીએ ચિત્તશુદ્ધિને અનિવાર્ય ગણી

ગાંધીજીના જીવનકાળની લગભગ દોઢ સદી બાદ તેમના વિશે કંઈ મૌલિક કહેવાનું અતિશય મુશ્કેલ છે. કારણ ઘણું લખાયું અને બોલાયું છે. પણ સ્મૃિતયોગ્ય કાળ અને ગાંધીજી જેવા મહાન આત્મા વિશેની આપણી સહિયારી સમજને સમયાંતરે વાગોળતા રહીએ, તો સ્વસ્થ સમાજનવરચનાની અવિરત પ્રક્રિયાને સાચી દિશા મળે. વૈશ્વિક સ્તરે એક સ્વીકૃતિ બની છે કે મનુષ્ય પ્રજાતિએ પોતાના સમગ્ર અસ્તિત્વકાળમાં છેલ્લા શતકમાં અજોડ ભૌતિક સુવિધાઓ ઊભી કરી છે. એ માટે  સક્ષમ સાબિત થયેલા વિજ્ઞાન અને ટેકનોલોજીથી આવનાર સમયમાં તમામ મુશ્કેલીઓ પણ હલ કરી શકાશે તેવો અંહકાર વ્યાપક બન્યો છે. ઉપરાંત એ અહેસાસ પણ તીવ્રતાથી કરાવાઈ રહ્યો છે કે વ્યક્તિથી દેશ સુધી કોઈ પણ સ્તરે ભૌતિક સમૃદ્ધિ – સુખાકારી હાંસલ કરવા માટે સાધનશુદ્ધિ આવશ્યક નથી. 

૨૨-૧૦-૧૯૨૫ના 'યંગ ઇન્ડિયા'ના એક અંકમાં ગાંધીજીએ ‘એક ગોરા મિત્ર’ના પત્રનો ઉલ્લેખ કરી, તેમણે ગણાવેલાં સાત સામજિક પાપો અંગે બુદ્ધિથી આગળ જઈ મનોમંથન કરવા વાચકોને સૂચવ્યું હતું. તે હતાં ઃ સિદ્ધાંતવિહીન રાજનીતિ, શ્રમવિહીન સંપત્તિ, નીતિવિહીન વ્યાપાર, ચરિત્રવિહીન શિક્ષણ, માનવતાવિહીન વિજ્ઞાન, વિવેકવિહીન વિલાસાનંદ, અને ત્યાગવિહીન પૂજા. વિધિની વક્રતા છે કે આજે આ સાતે સામાજિક પાપો સમાજમાં પ્રચૂર માત્રામાં સામાજિક મંજૂરી સાથે આચરવામાં આવી રહ્યાં છે. પરિણામે પામી ગયેલાનો નાનકડો વર્ગ અને રહી ગયેલાનો મોટો વર્ગ – એમ સંપૂર્ણ માનવતા ઝડપથી વહેંચાઈ રહી છે. વિગ્રહના એંધાણ છે. ગાંધીજીની જીવનયાત્રા દરમિયાન નીતિમત્તા અને પારદર્શિતાના આભામંડળમાં સામાન્ય માણસ પણ અનીતિ કરતાં શરમાતો હતો. ગાંધીજીની અનુપસ્થિતમાં સંકોચ અનુભવ્યા વગર ગૌરવભેર તેમની વાતની અભિવ્યક્તિ અને તેને વ્યક્તિગત સ્તરે આચરણમાં લાવવાનો સંકલ્પ જ આપણને કર્તવ્યપરાયણ બનાવશે. 

ગાંધીજી વિશે જાણવા બહુ શોધખોળની જરૂર નથી. ગાંધીજીની આત્મકથા, જેને તેમણે ‘સત્યના પ્રયોગો’ તરીકે ઓળખાવી છે, એના આધારે કહી શકાય છે કે તેઓ એક સામાન્ય પુરુષ જ હતા. સંકલ્પ, તપ, સાધના સાથે અંગત અને જાહેર જીવનમાં સાધનશુદ્ધિ દ્વારા તેઓ અાધ્યાત્મિક અને સામાજિક ઊંચાઈ પર પહોંચ્યા. અસામાન્ય સિદ્ધિઓ છતાં પોતાની મર્યાદાઓ વિશે તે સભાન હતા. ‘મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઇશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે … અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવાવું પણ એ જ વસ્તુને આધીન છે'. (આત્મકથાની પ્રસ્તાવના) અંતમાં તે લખે છે, 'જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઇચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતપોતાને વિશે વાપરવું જોઈએ, તે પ્રમાણે હું અવશ્ય કહું કે, ‘મો સમ કોન કુટિલ ખલકામી / જિન તિનુ દિયો તાહિ બિસરાયો / એસો નિમકહરામી.’

આ સામાન્ય પુરુષની અસામાન્યતા શું? ઇંગ્લેંડના અભ્યાસકાળથી જોયેલી પશ્ચિમની દુનિયાએ ત્યાંનો માનવી બુદ્ધિબળે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો આશરો લઈ મુખ્યત્વે શારીરિક અને ભૌતિક સુખાકારી અને કલ્યાણની દિશામાં અગ્રેસર હોવાની પ્રતીતિ કરાવી. તેનાં નકારાત્મક પાસાં — લોભ, કામ, મત્સર, અનુરાગ, ક્રોધ–માં વધારાની સાથે હિંસક અને વિધ્વંસક બળો વધતાં માનવીય મૂલ્યોનો થતો હ્રાસ છે. અહિંસક સમાજનું સ્વરૂપ જણાવવાના હેતુથી તેમણે ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ લખ્યું. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે ચાલતા આંદોલન દરમિયાન માનવીય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારા લોકોનો મેળાપ અને એ શક્તિનું અહિંસાના માર્ગે પ્રાગટ્ય થયું. મનુષ્યમાં રહેલી સારપને બહાર કાઢવા અને તેના આત્માના વિકાસ માટે ગાંધીજીએ ચિત્તશુદ્ધિને અનિવાર્ય ગણી. ચિત્તશુદ્ધિના પ્રયોગ સમૂહજીવનમાં થાય અને તેના માટે આશ્રમો સ્થાપી તેમાં રચનાત્મક કાર્યો ગોઠવ્યાં. અન્યાયી તંત્રને બદલવા અહિંસક સત્યાગ્રહ કર્યો.

૧૯૧૫માં, આજથી ૧૦૦ વર્ષ પહેલાં, બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા સ્વરૂપે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા. દેશમાં ચાલી રહેલા સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. દેશવાસીઓને પોતાનાં વાણી, વ્યવહાર અને કાર્યક્રમ વડે માનવસમાજની દિશા વિનાશાત્મક હોવાનું સમજાવ્યું. આ વાતને બે વિશ્વયુદ્ધોએ સમર્થન આપ્યું. ગાંધીજીએ દેશની આઝાદી અને પરિવર્તન માટેનો રાહ સુઝાડ્યો. વ્યક્તિસ્તરે ચિત્તશુદ્ધિની વાત મૂકીને આશ્રમોમાં તેના અભ્યાસની તક ઊભી કરી. સમગ્ર દેશમાં રચનાત્મક કાર્યો ગોઠવ્યાં. અંગ્રેજોને હાંકી કાઢવા અહિંસક સત્યાગ્રહો કર્યા. દેશને આઝાદી મળી, પરંતુ  આપણે સૌ ગાંધીજી અને તેમના સાથીદારોની ઊંચી નૈતિકતા ભૂલ્યા અને ચાલ્યા એ જ માર્ગે જેની સામે ગાંધીજીએ ગંભીર ચેતવણી ઉચ્ચારી હતી. આતંકવાદ, ભ્રષ્ટાચાર અને હિંસાના આજના માહોલમાં ગાંધીજીની વિચારસરણી કેટલી પ્રસ્તુત? અરે! બાપુએ તો સમગ્ર જીવન, અને મૃત્યુ પણ, વ્યક્તિ, સમષ્ટિ અને પ્રકૃતિ સાથે સંવાદિતા સાધવાની તપસ્યામાં વિતાવ્યું. આપણે એમને પૂરેપૂરો છેહ દીધો છે.

ગાંધીજીએ બ્રિટિશ સંસદને વેશ્યા અને વાંઝણી કહી હતી. આજે આપણે ત્યાં જમીન, જંગલ, ખનીજ, પાણી અને સરકારી સત્તા દ્વારા વેપાર કરી શકાય એ બધાની ધૂમ દલાલી ચાલે છે. ધન, સત્તા, બાહુબળ, અને એ સર્વે મેળવવા-જાળવવામાં છળને મળેલી સમાજસ્વીકૃતિનાં પરિણામ હિંસા, ભ્રષ્ટાચાર, અત્યાચાર અને બળાત્કાર જ હોઈ શકે. સામાજિક ક્ષેત્રે આ તમામ પરિબળો જ્ઞાતિવાદ અને કોમવાદને વકરાવી હિંસા ફેલાવી રહ્યાં છે. બહુધા બૌદ્ધિકો કાં તો પશ્ચિમી વિચારસરણી અને જીવનદર્શન પર આફરીન થયા છે, કાં તો વેચાઈ ગયા છે. સંવેદનહીન બનેલા તેઓ માનવીય અને તેથી નૈતિક પાસાંને ખતમ કરનારાં પરિબળો સાથે ભળીને નર્યા ભોગવાદમાં લિપ્ત થઈ રહ્યા છે. પ્રકૃતિ પર વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી સંપૂર્ણ અંકુશ રાખી ભૌતિક સમૃદ્ધિની રેલમછેલ માણી શકાય, તેમ માનનાર આ વર્ગ નવા ગ્રહો-ઉપગ્રહોને સર કરી ત્યાંનાં સંસાધનોનું શોષણ કરવા સંસ્થાનો કરવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે! 

પણ શાણો અને અહિંસક સમાજ બનાવવાની ખેવના હજી સંપૂર્ણ મરી પરવારી નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્ષ ૨૦૦૭ની બીજી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવાના ઠરાવને સ-નમન અને સ-મન સ્વીકારીએ. ચિત્તશુદ્ધિ દ્વારા વ્યક્તિને બદલીએ. તંત્રપરિવર્તનની દિશામાં આ પહેલું પગલું છે. આ તપસ્યા વધે તો જીવનશૈલી સાદી થશે, નવાં રચનાત્મક કાર્યો ગોઠવાશે. નવી વ્યવસ્થાઓમાં ઓછી ઊર્જા વાપરીશું તો આપમેળે ગ્લોબલ વૉર્મિંગનું સંકટ ઓછું થશે. સ્થૂળ અને સૂક્ષ્મ હિંસાના ક્ષય માટે શોષણમુક્ત સમાજ પૂર્વશરત છે. આપણે એ પણ ભૂલી ગયા કે ખાદી એ માત્ર વસ્ત્ર નથી, પર્યાવરણની જાળવણી માટેનું યોગ્ય પરિધાન છે. છતાંય પ્રતિકૂળ પરિબળો અડચણો ઉપસ્થિત કરશે તો નવા સત્યાગ્રહોના મંડાણ કરવા પડશે. ગાંધી જયંતી નિમિત્તે એ મહામાનવ માટે માનવતાની શ્રદ્ધાંજલી આ જ હોઈ શકે. 

સૌજન્ય : ‘ગાંધીમાર્ગ’, “દિવ્ય ભાસ્કર”, 02 અૉક્ટોબર 2015

Loading

તાર્કિકતાની હત્યા અને તાર્કિકતાનો અતિવાદ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 October 2015

તાર્કિકતાનો વિરોધ દરેક સમયમાં થયો છે. પશ્ચિમના ચર્ચની જેમ સંસાર પ્રત્યે બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ રાખનાર હિન્દુ ધર્મ સામે ચાર્વાક મુનિએ સવાલ ઉઠાવ્યો હતો

પૌરાણિક ઇજિપ્તમાં તે સમયની સંસારની સૌથી મોટી લાઇબ્રેરી, સિકંદરિયાને (જેને અલેક્ઝાંડરિયા પણ કહે છે.) સળગાવી દેવાનો આદેશ આપતી વખતે ઇજિપ્તના નવા શાસક ખલીફ ઉમરે કહ્યું હતું, ‘યાહયા અલ નહવી.’ મતલબ કે ‘અગર આ પુસ્તકો કુરાન સાથે તર્ક કરતાં હોય તો આપણા માટે એની કોઈ જરૂર નથી અને જો કુરાન વિરોધી હોય તો એને નષ્ટ કરી દેવામાં આવે.’ આ કહાનીની સચ્ચાઈ વિવાદાસ્પદ છે, પરંતુ માનવ સભ્યતાના ઇતિહાસમાં રૂઢિવાદ કેવી રીતે તાર્કિકતાને પાછળ ધકેલી દઈને જીવતો રહે છે તે સમજવા માટે આ કિસ્સો એક રૂપક તરીકે રોચક છે.

વિચાર અથવા તર્ક અથવા જ્ઞાન જે સત્તામાં છે, જે શીર્ષસ્થ છે, જે ‘દેવના દીધેલ’ છે તેમને પસંદ નથી આવતું. જ્ઞાન યથાસ્થિતિને તોડે છે એટલે જે લોકોનો સ્થિતિ પર એકાધિકાર છે તેમના માટે જ્ઞાન ખતરો બની જાય છે. એકાધિકાર અને યથાસ્થિતિમાં માનનારા લોકો દૃઢ વિશ્વાસ કે દૃઢ શ્રદ્ધાની અપેક્ષા રાખે છે. જ્ઞાન તર્ક કરે છે, સંશય કરે છે, સવાલ-જવાબ કરે છે. ગેલીલિયો ગેલિલીએ જ્યારે કહ્યું કે બ્રહ્માંડના કેન્દ્રમાં પૃથ્વી નહીં પણ સૂરજ છે અને પૃથ્વી એની આસપાસ ગોળ ઘૂમે છે ત્યારે કેથોલિક ચર્ચને ગેલિલીઓની વાત તૌહીન લાગી અને પરિણામ સ્વરૂપ એની કિતાબોનાં વેચાણ-વાંચન પર પાબંધી મૂકવામાં આવી હતી અને એને આજીવન નજરકેદમાં મૂકી દેવાયો હતો. ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રચ્યો ત્યારે ઇશ્વર-સર્જન (ક્રિયેશનિઝમ)માં વિશ્વાસ રાખતા ધર્મને ડાર્વિન નાસ્તિક લાગેલો અને એને એટલો પરેશાન કરેલો કે (આજે જેની ગણના માનવ ઇતિહાસના સૌથી મહાન પુસ્તક તરીકે થાય છે તે) ‘ઓરિજિન ઓફ સ્પિસીઝ’ ગ્રંથ ડાર્વિને 20 વર્ષ સુધી અપ્રગટ રાખેલો.

આગે સે ચલી આતી હૈ, પરંપરા કે ‘ઇશ્વર ઇચ્છા’ સામે આપત્તિ અને ચુનૌતીના અનેક દાખલા છે. ધર્મ હંમેશાં યથાસ્થિતિ બતાવી રાખવાના પક્ષમાં રહ્યો છે. જ્ઞાન હંમેશાં બદલાવની ઇચ્છા રાખે છે. રાજનીતિ અને ધર્મની ભેળસેળ ના થવી જોઈએ એવી આદર્શ સ્થિતિની કલ્પના છતાં હકીકત એ છે કે અધિકાંશ શાસકોએ પોતાનો એકાધિકાર જાળવી રાખવા માટે ધર્મનો (સીધો કે આડકતરો) સહારો લીધો છે. યથાસ્થિતિ બનાવી રાખવા માટે ધર્મ હંમેશાં પ્રભાવશાળી સાધન રહ્યો છે. ગઈ 30મી ઓગસ્ટે કર્ણાટકમાં કન્નડ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ રહી ચૂકેલા સાહિત્ય અકાદમી વિજેતા પુરાલેખ વિશેષજ્ઞ પ્રોફેસર મલીશવ્વા માધવીવલબા કુલબુર્ગી હત્યા થઈ ત્યારે એવા તમામ લોકોને આઘાત લાગ્યો જે લોકો ઉદારવાદી અને તર્કવાદી સમાજના પક્ષધર છે. કર્ણાટકના સશક્ત લિંગાયત સમાજ કુલબુર્ગીથી નારાજ હતો. લિંગાયત સમુદાયના જનક મનાતા 12મી સદીના ગુરુ બાસવાની અમુક પ્રથા-માન્યતાની કુલબુર્ગીએ ટીકા કરી હતી. એક વાર લિંગાયત નેતાઓના દબાવમાં આવીને તેમણે અમુક લખાણ પાછું ખેંચવું પડ્યું. તે વખતે તેમણે કહ્યું હતું, ‘પરિવારનો જીવ બચાવવા માટે મેં બૌદ્ધિક આત્મહત્યા કરી છે.’

કુલબુર્ગીની હત્યા થઈ તે પછી ફેડરેશન ઓફ રેશનાલિસ્ટ એસોસિયેશનના અધ્યક્ષ નરેન્દ્ર નાયકે કહ્યું હતું, ‘77 વર્ષના એક માણસને એના વિચારો માટે મારી નાખવો એ બુઝદિલી છે. અમુક બાબતોને વ્યાખ્યાયીત કરવાનો એમનો આગવો વૈજ્ઞાનિક અભિગમ હતો. એમને મારી નાખવાથી એમના વિચારોને પણ મારી શકાય? એ એક સવાલ છે.’ બે વર્ષ પહેલાં રેશનાલિસ્ટ કાર્યકર નરેન્દ્ર દાભોલકરની પૂણેમાં અંધશ્રદ્ધા સામે એમની ઝુંબેશના કારણે હત્યા કરવામાં આવી હતી. એક વર્ષ પહેલાં અન્ય એક સામ્યવાદી કાર્યકર્તા ગોવિંદ પાનસરે અને એમની પત્નીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પાનસરે આંતરજાતિ લગ્નો, પુત્રકામેક્ષી યજ્ઞ અને નથુરામ ગોડસે જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર ખુલ્લીને બોલતા હતા.

કાલબુર્ગી, દાભોલકર અને પનસારે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા હતા પરંતુ ત્રણેય તર્કવાદી હતા અને અંધશ્રદ્ધા-રૂઢિવાદના વિરોધી હતા. આ ત્રણેની હત્યા પછી સમાજમાં એક નવી જ ચર્ચાએ જન્મ લીધો છે : શું હિન્દુ સમાજ વૈચારિક મતભેદના ક્ષેત્રમાં અસહિષ્ણુ બની રહ્યો છે? ભારત માટે કહેવાય છે કે એ ઉદાર અને ધર્મનિરપેક્ષ એટલા માટે છે કે એ હિન્દુ બહુમતી દેશ છે અને હિન્દુઓની ઉદારતા અને ધર્મનિરપેક્ષતાનો એક લાંબો ઇતિહાસ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હિન્દુઓમાં પણ ભિન્ન મત પ્રત્યે એક પ્રકારનો હિંસક અભિગમ વિકસી રહ્યો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. આ પ્રકારના અભિગમવાળા લોકો કે જૂથ જ્યારે સત્તામાં (સરકારમાં) કે શીર્ષમાં (ધર્મમાં) હોય ત્યારે સમાજમાં તર્ક અને જ્ઞાન પ્રત્યે નફરત કે ઘૃણા વધી જાય છે. આ બાબતમાં તમામ ધર્મોના કટ્ટરપંથીઓ એક સરખી જ સોચવાળા છે. એક કહાનીમાં ઇસ્લામનું ઘસાતું લખનાર સલમાન રશ્દીનું માથું કલમ કરવા આદેશ અપાયો હતો. આધુનિક અને પ્રગતિશીલ વિચારોવાળી તસલીમા નસરીને સંકુચિત વિચારોવાળા લોકોના નિશાના પર છે. પાકિસ્તાનમાં પ્રગતિશીલ નેતા સલમાન તાસીરે જીવથી હાથ ધોવા પડ્યા હતા.

તાર્કિકતાનો વિરોધ દરેક સમયમાં થયો છે. પશ્ચિમના ચર્ચની જેમ સંસાર પ્રત્યે બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ રાખનાર હિન્દુ ધર્મ સામે ચાર્વાક મુનિએ સવાલ ઉઠાવ્યો હતો. બ્રાહ્મણો જ્યારે વેદોને દેવી ઉપલબ્ધિ ગણતા હતા ત્યારે ચાર્વકે કહેલું કે વેદ મારા-તમારા જેવા સાધારણ માણસોએ લખ્યા છે અને એ ઇશ્વરીય નહીં પણ સામાજિક ગ્રંથ છે. આ ‘અપમાન’ બદલ ચાર્વાકને પજવવામાંથી કંઈ બાકી રખાયું ન હતું. મહારાષ્ટ્રમાં તુકારામ જેવા સંતને તત્કાલીન શીર્ષસ્થ પુરોહિત સમુદાયે ખાસી યાતના આપી હતી. ભારતમાં આઝાદીના આંદોલન વખતે સામાજિક અને રાજકીય ચિંતન પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક અભિગમવાળા ધુંઆધાર નેતાઓના હાથમાં હતું.

તે સમયના સમાજમાં ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ્ય અને અન્ય બદીઓ એટલી વ્યાપક હતી કે અંગ્રેજોના વૈજ્ઞાનિક અને આધુનિક અભિગમમાં બહુ બધા લોકોને સુખ અને સંપત્તિ દેખાતી હતી. તે વખતે રૂઢિવાદ અને ધર્મને તાર્કિકતાની કસોટી પર કસવાની શરૂઆત થઈ હતી. તે વખતે પણ પુરોહિત સમાજે (બ્રાહ્મણવાદી, શીર્ષસ્થ અભિજાત વર્ગ) પ્રાચીનતા અને પરંપરા જ મહાન છે તેવો રાગ કાઢ્યો હતો. તે વખતે પણ આસ્થા આધારિત સોચ અને વૈજ્ઞાનિક તર્ક-સંદેહ સામસામે આવી ગયા હતા. સ્વતંત્રતા પછી પંડિત નેહરુ જેવા અત્યંત પ્રગતિશીલ નેતા પ્રધાનમંત્રી બન્યા તો સમાજમાં વૈજ્ઞાનિક સોચ અને શિક્ષણને પ્રોત્સાહન મળ્યું.

દેશની આ એક ટ્રેજેડી જ છે કે આઝાદીનાં માત્ર 50 વર્ષમાં જ આપણે પાછા રૂઢિવાદ અને આસ્થાના સહારે જતા રહ્યા છીએ. દેશ કે સમાજ સામે આઝાદી જેવો કોઈ મોટો ઉદ્દેશ નથી અને આપણે ખાધે-પીધે સુખી થઈ રહ્યા છીએ ત્યારે આપસી વૈચારિક વિરોધમાં અંતિમો પર જઈ રહ્યા છીએ. 2015માં આપણે પ્રાચીન ભારતમાં હવાઈ જહાજ ઊડતાં હતાં અને પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી જેવી સરોસર કપોળકથાઓ આધિકારિક મંચો પરથી રજૂ કરતા રહીએ છે ત્યારે એ સાંભળનારા ભોળા અનુયાયીઓ પાસેથી કુલબુર્ગીઓ અને દાભોલકરો અને પાનસરોને ‘નર્ક’માં પહોંચાડવા સિવાયના બીજા કયા કર્મની અપેક્ષા રખાય?

વિચાર કરો કે મૂર્તિપૂજાનો વિરોધ કરનાર અને કર્મકાંડોની ટીકા કરનાર આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી આજે જીવતા હોત તો! બંદૂકધારીઓએ એમને છોડી દીધા હોત? તાર્કિકતાની, વિચારની, સંશયની હત્યા એવા સમયે થઈ રહી છે જ્યારે દક્ષિણ એશિયામાં બહુસંખ્યક સમુદાયો પોતપોતાના ઇલાકાઓમાં ક્યાંક ધર્મ તો ક્યાંક સમાજના નામ પર સ્વતંત્ર અને ઉદાર અવાજોને ખામોશ કરી રહ્યા છે. કુલબર્ગીની હત્યા પહેલાં ઢાકામાં નિલય ચક્રવર્તી નામના બ્લોગરની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં છેલ્લાં બે વર્ષમાં પાંચ બ્લોગરોની હત્યા કરાઈ છે.

ટુ બી ફેર, તર્ક કે સંશય સાવ જ દૂધે ધોયેલા નથી. કંઈક અંશે રેશનાલિસ્ટો પણ એમની સોચમાં કટ્ટરવાદી હોય છે. ધર્મ સાથે વિજ્ઞાનનો ઝઘડો આજે પણ યથાવત્ છે એનું કારણ એ છે કે વિજ્ઞાન પોતે ઈશ્વરની જેમ સર્વે સમસ્યાઓનું સમાધાન પૂરું પાડવાનો દાવો કરે છે. ઈશ્વરનું સ્થાન વિજ્ઞાને લીધું છે? એવો પ્રશ્ન પૂછવો અસ્થાને નથી. પ્રકૃતિમાં ઉદ્દેશ અને દિશા અને અર્થની ગેરહાજરીના કારણે ધર્મનો ઉદય થયો હતો. ધર્મોએ સમાજને એવો નકશો બનાવી આપ્યો છે જે લોકોને અર્થહીન, દિશાહીન જીવનને સમુંસૂથરું પાર પાડવામાં સહાયક બન્યો છે. ધર્મએ લોકોને બ્રહ્માંડના અ-વ્યાખ્યાઈત સુપર નકશામાં એક નિશ્ચિત સ્થાન અને ઓળખ પ્રદાન કરી છે. ધર્મની ટીકાથી સીધો પ્રહાર વ્યક્તિની ઓળખ પર થાય છે એવો સાદો તર્ક રેશનાલિઝમ ભૂલી જાય છે. રેશનાલિઝમ પોતે એક જજમેન્ટ પાસ કરે છે અને વૈકલ્પિક વિચારનો ઇન્કાર કરે છે. તર્કવાદી અને પરંપરાવાદી બંને ભિન્નતા કે વિવિધતાનો અસ્વીકાર કરે છે. ઇતિહાસમાં વિચારોનો સંઘર્ષ અંતિમવાદી, નિર્ણયાત્મક અભિગમથી પેદા થયો છે. આપણને જરૂર મધ્ય માર્ગની છે.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 27 સપ્ટેમ્બર 2015

Loading

ગાંધીજી

કનુભાઈ સૂચક|Gandhiana|30 September 2015

ગાંધીજીનું જીવન એ વિચારોની વિકાસયાત્રા છે. એમના જીવનની પળેપળ વિચારોનું અનુસંધાન છે અને તેનો વ્યાપ સંપૂર્ણ વિશ્વને આવરી લે છે. એકાંત વનમાં બેસી સાધના કરે તેવા ઋષિઓથી જુદી આ યુગપુરુષની સાધના છે. તેમની સત્યની શોધની ચેતનાનો વિસ્તાર પ્રત્યેક માનવના હૃદય સુધી પ્રસરે છે. આ અતિશયોક્તિ નથી. જવાહરલાલ નહેરુએ લખ્યું છે, “ગાંધીજી લોકોની હૃદયવીણાના હરેક તારને જાણે છે, નિષ્ણાત સંગીતકારની જેમ કયે પ્રસંગે કયો તાર સ્પર્શવાથી તે યોગ્ય રીતે રણઝણી ઊઠશે તે જાણે છે.” એ મહાત્મા તરીકે ઓળખાયા પરંતુ વાસ્તવમાં તો સામાન્યજન હતા. માનવ હતા. તેમણે એ જ રીતે વિચાર્યું અને ભૂલ પણ થઈ શકે એ સમજ સાથે એવું જ વર્તન કર્યું. માનવ કરી શકે અને જે મેળવી શકે તેવાં જ ડગ ભર્યા.

મને યાદ છે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીનો દિવસ. હું બાળક હતો છતાં ગાંધીજીના નિધનને દિવસે ડૂસકે ડૂસકે રડ્યો કારણ કે મારું કુટુંબ, મારા પાડોશીઓ, રસ્તે ચાલતાં દરેક માણસને મેં રડતાં જોયાં. આ રાષ્ટ્રપુરુષ જનસમાજના હરેક સ્તરે વ્યાપ્ત બની રહ્યા. રાષ્ટ્રપિતા કહેવાયા. તેઓ કેવા યુગપુરુષ હતા તે મહાન વૈજ્ઞાનિક રોબર્ટ આઇન્સ્ટાઈનના આ શબ્દોથી જણાય છે; “આવો મહાન યુગપ્રવર્તક આ ધરણી પર હાલતો ચાલતો એક માણસ હતો તેવું ભાવિ પેઢી માનશે નહીં.”

અઢી લાખ વર્ષ પુરાણી માનવ સંસ્કૃિત છે. વિચારો તો થયા જ હોય. પાંચ હજારથી વધુ વર્ષ પુરાણા આપણા વેદ-પુરાણો. આ વિચારોના પ્રભાવ માનવ જીવનમાં વ્યાપ્ત હોય જ. સમય સાથે બદલાતી જીવનપ્રણાલી અને તેને અનુરૂપ વિચારો થતાં જ રહે. વિચારમાં ક્રાંતિ કહી શકાય તેવા સફળ અને નિષ્ફળ પ્રયોગો થતા રહ્યા. ગાંધીજીએ પણ સ્વાભાવિક રીતે જ એ અસરો ઝીલી. ગાંધીજીએ પોતાના જીવનકાર્યમાં આવી અસરો અંગે પોતાની આત્મકથા “સત્યના પ્રયોગો”માં ઉલ્લેખ કર્યો છે. ૧૯મી સદીમાં બે મહાન વ્યક્તિઓ માર્ક્સ અને ગાંધી. સમયની બે વિચારધારાઓ. જુદી જુદી છતાં સમાન. બન્ને વિચારધારા ઐતિહાસિક. પરંતુ તેનો ઉન્મેષ યુગપ્રવર્તક.

આપણા મૂર્ધન્ય સાહિત્યકાર સ્વ. ઉમાશંકર જોશીની આ એક પંક્તિ આ મહાન વિચારકોના વિચારનો આધાર અને તેની સમાનતાને સ્પષ્ટ કરે છે.  “ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી નવ લાધશે.” ઔદ્યોગિક ક્રાંતિ પછીના સમયને વર્ણવતા એક અન્ય કવિ કહે છે : “बारूद के ढेर पर बैठी है ये दुनिया.” આવા કપરા સમયમાં જે સંઘર્ષ હતો તે માનવ અને માનવ વચ્ચે, પરિસ્થિતિએ સર્જેલ વર્ગો વચ્ચે, રાજ્ય અને પ્રજા વચ્ચે, રાજ્ય અને અન્ય રાજ્યો વચ્ચે હતો. માર્ક્સ આ વર્ગવિગ્રહને સદંતર નેસ્તનાબૂદ કરવાના પક્ષમાં હતા. ગાંધીજી પણ વર્ગવિગ્રહ પરિસ્થિતિ જ સંઘર્ષ અને અસંતોષનું કારણ છે તે જાણતા હતા પરંતુ તેઓ સંઘર્ષને અહિંસક સમજાવટ દ્વારા ઘટાડવાની તરફેણમાં હતા. હિંસાથી જ ટેવાયેલા વિશ્વને આ વિચાર કંઈક અવ્યવહારુ લાગતો હતો. “શમે ના વેરથી વેર.” એ ભારતીય વિચારધારા ગાંધીજીની રગરગમાં સ્થાયી હતી. ગાંધીજીએ આ સંઘર્ષના મૂળમાં બે તત્ત્વોની ઓળખ કરી. ઉદ્યોગોમાં મૂડીવાદીઓ અને મજૂર અને ખેતીવાડીમાં જમીનદાર અને ગણોત-ખેડૂતો. આ વર્ગોના સંઘર્ષને સમજાવટ અને પ્રેમથી ઓછો કરવા માટે અહિંસક માર્ગની હિમાયત કરી. જરૂર પડે સત્યાગ્રહનું શસ્ત્ર અજમાવવાનું સમજાવ્યું. આ નવતર પ્રયોગ હતો. માણસને માણસાઈ તરફ દોરવાનો પ્રયાસ હતો. જેની સામે વિરોધ છે તે સ્વયં અનિષ્ટ નથી પરંતુ પરિસ્થિતિજન્ય તેનામાં પ્રવેશી ગયેલ અનિષ્ટતાનો તેને પરિચય કરાવવાનો હતો. મૂડી અને શ્રમની સમાનતા સિદ્ધ કરવાનો હતો. શ્રમથી મૂડી નીપજે છે શ્રમનું મહત્ત્વ મૂડીથી વધુ છે તેની સમજ આપવાનો હતો. આવી સમજણનો અભાવ લાગે ત્યાં સત્યાગ્રહનો ઉપયોગ કરવાનો હતો. અસહકાર કરી અધિકાર માગવાનો હતો. અધમ વર્તાવ સામે સ્વમાન જાગૃત કરવાનો આ પ્રયોગ હતો. તેમની આત્મકથા સ્વરૂપ પુસ્તક ‘સત્યના પ્રયોગો ‘માં તેમણે કહ્યું છે, “મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્યકતા છે.”

આવશ્યકતાને વ્યવહારમાં પરિવર્તિત કરવાનો અઘરો રસ્તો ગાંધીજીએ અપનાવ્યો. જ્યાં સંઘર્ષ જ હતો ત્યાં પ્રેમપૂર્વક સમજાવટનો રસ્તો લીધો. એક બાજુ દેશના સ્વાતંત્ર્ય માટે લડત અને બીજી બાજુ ખખડી ગયેલ સમાજ વ્યવસ્થામાં માનવીય ભાવ પ્રેરિત કરવાનું કામ. તે પણ નાનકડાં કસબામાં કે ગામ – શહેરમાં નહીં, પરંતુ ભારત જેવા વિશાળ દેશની કોટિ કોટિ જનતાના હૃદય સુધી પહોંચવાનું ભગીરથ કાર્ય હતું. માનસ પરિવર્તન કરવાની પ્રક્રિયા સાથે દેશ-કાળના સદીઓથી રૂઢ થયેલા અનેકવિધ સંદર્ભો જોડાયેલા અને જડાયેલા હોય. ‘સમૂળી ક્રાંતિ’ કરવાની હતી. આજ પણ વિચારીએ છીએ તો અશક્ય લાગે છે. જેને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ તે રામ, કૃષ્ણ, બુદ્ધ કે મહાવીર દ્વારા પણ થયું નથી. તે આ એક સૂકલકડી સામાન્ય પુરુષ દ્વારા સંપન્ન થયું. ભારત જ નહીં પૂર્ણ વિશ્વમાં આવી સિદ્ધિ એક પણ મનુષ્ય દાખવી શકેલ નથી. ગુણ-અવગુણ, ભૂલ-સમજ જે કંઈ એક સામાન્ય માનવીમાં હોય તેવા એક સાધારણ માણસે આ કર્યું.

સામે પહાડ જેવા પ્રશ્નો, પણ પાર કરવાની, નિશ્ચલ મનીષા લઈ નીકળેલા આ મહાત્માએ શું વિચારી આવું સાહસ કર્યું હશે. ગાંધીજીની શ્રદ્ધા હતી કે આખા જગતમાં જે સ્થૂળ સ્વરૂપે છે તે અને માનવ શક્તિ બન્ને પ્રાકૃતિક દેણ છે. માનવ સર્જિત સમાજ વ્યવસ્થા મુજબ સ્થાવર-જંગમ મિલકતોની માલિકી ભલે વ્યક્તિગત હોય પરંતુ જે પ્રકૃતિનું છે તેની ઉપર વાસ્તવમાં સામૂહિક માલિકી છે. તે માટે સામૂહિક વિશ્વાસની ભાવના કેળવવાની વાત ગાંધીજીએ કરી. “Social Trusteeship.” આવું ઓસડિયું સમાજ માટે ગુણકારી હતું પરંતુ કડવું હતું એટલે ગળે ઉતરવું મુશ્કેલ હતું. તેમ છતાં એ તર્કની સાથે અહિંસા માર્ગે સામાજિક ન્યાય પ્રાપ્ત કરવાનો ઉપાય સૂચવતો હતો. તેઓએ કહ્યું છે કે “જે આપણી પાસે હોય તે અન્ય પણ ઉપલબ્ધ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ.” વર્ગ વિગ્રહને બદલે વર્ગ સહકારની સમજ વિકસાવવી જોઈએ. થોડાં શોષણખોરોનો નાશ કરવાને બદલે તેની સાથે અહિંસક અસહકાર કરવો જોઈએ. આવાં શિક્ષણ, સમજ અને જ્ઞાનનો પ્રસાર થવો જોઈએ. આનાથી શોષણકર્તાઓને પણ સમજ આવશે અને સહકારની ભાવના કેળવાશે. ગાંધીજીને માનવ જાત પર વિશ્વાસ છે. તેઓ કહેતાં કે “માનવ વૃતિ એ જ તેના વર્તનનું કારણ હોય છે.” અને તેમનો વિશ્વાસ હતો કે આ વૃત્તિઓ બદલી શકાય છે. યોગ્ય શિક્ષણ અને કેળવણીથી એ શક્ય છે પ્રેમની ભાષા પ્રાણી માત્ર સમજે છે. આ પ્રેમનો માનવીય વિસ્તાર ગાંધીજીના વિચારથી વૈશ્વિક અપેક્ષા છે :

“I want to realize brotherhood and identify not merely with beings called human, but I want to realize identify with all life. Even with such being that crawl on this earth.”  ( Mahatma Vol 2, p.253 )

ગાંધીજીના વિચાર એ પૂર્વગ્રહિત વિચારોનો વાડો નથી એ તો વહેતી ધારા છે. માનવ વૃત્તિ અને વ્યવહારમાં પરિસ્થિતિજન્ય પરિવર્તન સતત થતું રહેવાનું. જે વિચાર ગઈકાલના ઇતિહાસમાં અને આવતીકાલની અપેક્ષાઓની સાથે સતત અનુસંધાન સાધતી રહે તેવી વિચારધારા છે. વિચારોના ઉન્મેષ અને આવિષ્કારોને આવકારતી વિચારધારા છે. એક પૂર્ણ સમાજ તરફની ગતિ મળે તેવી વિચારધારા છે. સત્ય, પ્રેમ અને અહિંસાના બળ પર માનવ માનવને સાંકળતી સર્જનાત્મક સમાજ રચવા માટેની વિચારધારા છે. સમગ્ર વિશ્વનો માનવસમાજ આ વિચારધારાના સામર્થ્યને સ્વીકારે છે. રામરાજ્ય આદર્શને આ સંદર્ભથી ઓળખાશે તો વિચ્છેદથી સંયોજન તરફ આપણે આગળ વધીશું. ગાંધીજીએ કહ્યું છે : “આપણે ગુણગ્રાહી બનવું જોઈએ. હું સ્વયં ભૂલરહિત નથી તો અન્યની પાસે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકું ?” સારા અને યોગ્ય વિચારો અંગે વધુમાં તેઓ કહે છે કે : “આપણા સકારાત્મક વિચારો એ આપણી વાણીમાં ઊતરે, વાણી આપણા વર્તનનું પ્રતિબિંબ પાડે, વર્તન આપણી આદત બને, આદત આપણા ગુણનો નિર્દેશ કરે અને તે આપણું ભાવિ બને.” 

સત્તાના રાજકારણને પારદર્શક શુદ્ધતા તરફ દોરી જવા ગાંધીજીએ સાધ્ય અને સાધનની શુદ્ધિનો મંત્ર આપ્યો. માનવ સંબંધો સાથે સાંકળતા રાજકારણમાં તેની જરૂર સમજાવી. અન્યોના આધિપત્ય અને સત્તાથી સ્વતંત્ર થવા સાથે સત્ય સહિત પરંતુ હિંસા રહિત મુક્ત મનના સ્વાતંત્ર્ય તરફની દિશા બતાવી. સામાજિક અને આર્થિક કાર્યમાં અપરિગ્રહના સિદ્ધાંતોની હિમાયત કરી. 

ભારતની પ્રજાની નાડ એક સાચા ભારતીય તરીકે તેમણે બરાબર જાણી હતી. સર્વ જાતિ, સર્વ ધર્મ અને સઘળાં સામાજિક અને આર્થિક સવાલોમાંથી એક સંયુક્ત સૂર ઉપજાવી અનેકતામાંથી એકય સાધવાનો ગાંધીજીનો આ પ્રયાસ હતો. ઇતિહાસનો ભાર લઈ જીવતી પ્રજાને ભારતીય અસ્મિતા તરફ જાગૃત કરવાનો પ્રયાસ હતો. રજવાડાઓ અને અંગ્રેજ સત્તામાં સપડાયેલ પ્રજામાં એવી ચેતના ભરવાની હતી કે લોકો પોતાની સત્તા-લોકશાહીના મૂલ્ય સમજી શકે. રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીરના આ દેશમાં આધ્યાત્મિક મૂલ્યો તો રગરગમાં હતા. દેશની એ જ તો મૂડી અને ઓળખ હતી. લોકોને સારપ, પ્રેમ, સદ્દવર્તન સત્ય, અહિંસા, અપરિગ્રહના આદર્શો શીખવા જવાની જરૂર ન હતી. ગાંધીજી એ જ આદર્શોને સ્વાતંત્ર્ય લડતના હથિયાર બનાવ્યાં. લોકસમૂહને ગાંધીજી પોતાના સ્વજન લાગ્યાં. તેમની વાત પોતાના મનની વાત લાગી. કરોડોના કંઠમાં આ દેશ મારો છે ગૂંજવા લાગ્યા. કોઈ પણ અંગત સ્વાર્થ વગર પોતાની જાતને સ્વાતંત્ર્ય યજ્ઞમાં હોમી દેવા તત્પર ગાંધીનો બોલ દેશનો અવાજ બની ગયો. ગાંધીજી વિદેશી સત્તાને દૂર કરવા સાથે એવું રાષ્ટ્ર ઈચ્છતા હતા કે જ્યાં વૈમનસ્ય નહીં સ્નેહભાવનું આધિપત્ય હોય. ગાંધીજી કદાચ પૂર્ણપણે આ પામી ન શક્યા કારણ કે અમાપ વૈવિધ્યના આ દેશમાં કેટલાક એવાં તત્ત્વો પણ હતાં કે સ્વાતંત્ર્ય મળ્યા પછી તેમના વ્યક્તિગત હિતોની તેમને વધુ પરવા હતી. ગાંધીજી એ પણ સમજી ગયા હતા.    

ગાંધીજીનું  જીવન એ જ તેમનો સંદેશ છે તેવું તેમનું વિધાન સમજવા જેવું છે. તેઓ ‘સત્યના પ્રયોગ’ કહે છે તે પાછળ જે અભિપ્રેત છે કે એક મનુષ્યે જીવનભર સત્ય તરફ પહોંચવા પ્રયત્ન કર્યા છે. તેઓનો ક્યાં ય એવો દાવો નથી કર્યો કે તેઓ અંતિમ સત્યે પહોંચી ગયા છે. આદિનાથ પ્રભુએ પણ કહ્યું છે કે “પ્રબુદ્ધ થવું એ દરેક માનવીની ગતિ હોવી જોઈએ. અન્ય વિચાર આપી શકે પરંતુ તે પ્રાપ્ત કરવા મે જેમ પ્રયત્ન કર્યા છે તેમ દરેક કરે ત્યારે જ મતિ પ્રમાણે સ્થિતિ પામી શકે”. એટલે જીવન સાથે સતત પ્રવાહની જેમ વિચાર કરવા જોઈએ.  વિચાર એ શક્તિ છે. વ્યક્તિ વિચારે અને તે વ્યક્ત કરે અને આપણા વિચાર મુજબ તે સ્વીકાર્ય લાગે તો અવશ્ય સ્વીકારવા જોઈએ પરંતુ સમજવું જોઈએ કે ત્યાં અંતિમ નથી. આપણા સમાજનો મોટો ભાગ સ્થિર થઈ જઈ વ્યક્તિપૂજા કરતા થઈ જતાં હોય છે. વિચાર કરનાર વ્યક્તિ આપણા જેવો જ માણસ છે. એટલે ગાંધીશબ્દ કોઈ સ્થગિત વિચાર નથી જીવન સાથે અનુસંધાન કરતી વિચાર ધારા છે. હા! ગાંધી નામની આ વ્યક્તિએ જે કામ કર્યું છે તે એક જ જીવનમાં એક જ વ્યક્તિએ કઈ રીતે કર્યું તેનું આશ્ચર્ય તો મને પણ છે. અત્યંત અભિભૂત પણ છું. સાથે એ પણ જાણું છું કે તેઓ પૂજાપુરુષ નહીં પરંતુ પ્રેરણાપુરુષ-યુગપુરુષ હતા.

મારા એક કાવ્યની થોડી પંક્તિઓમાં આ બાપુને સંબોધી આશ્ચર્ય વ્યક્ત થયું છે તે પ્રસ્તુત છે. શીર્ષક છે :

એવા તો કેવાં તમે …

એકના અનેકવાર દીધાં અમે ને તમે
હસતાં હસતાં જ એ લીધાં ?
એવાં તો કેવાં તમે ‘બાપુ’ જાદુગર
અમૃતની જેમ ઝેર પીધાં.

વાવડ હતા જરૂર મોતના સિવાય ત્યાં
મળવાનું અંગત જરાય ના,
કોટિ કોટિ લોક જેની હાકલથી મારગમાં
ઓઢી કફન ઉભરાયાં.
એવાં તો કેવાં તમે ‘બાપુ’ બાજીગર
મૃત્યુને નામ અમર દીધાં.

બાપુને આજ ૨જી ઓક્ટોબર ૨૦૧૫ના શ્રધાંજલિ આપતા ૧૯૪૮ના જાન્યુઆરીમાં ઊભરાયેલા આંસુ આજ પણ આંખમાં છે. બાપુના પડછાયામાં અંધારા શોધતાં માનવો પણ છે પરંતુ બાપુ તમે આજ પણ અમારા માટે કદી ન અસ્ત થાય તેવો પ્રકાશપુંજ છો. આપને નમું છું, બાપુ !    

‘અૉલ ઇન્ડિયા રેડિયો’ના મુંબઈ સ્ટેશન પરેથી 01 અૉક્ટોબર 2015ના પ્રસારિત.

e.mail : kanubhai.suchak@gmail.com

Loading

...102030...3,7713,7723,7733,774...3,7803,7903,800...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved