Opinion Magazine
Number of visits: 9871989
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાઝીવાદ વિશે ‘દર્શક’ની નાટ્યકૃતિઓ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|6 November 2015

પ્રેરણાદાયી સાહિત્યકાર અને કેળવણીકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું જન્મશતાબ્દી વર્ષ આવતી કાલે [15 અૉક્ટોબરે] પૂરું થશે. આ વર્ષ દરમિયાન પણ – અત્યાર સુધીની જેમ જ – દર્શકના ‘અંતિમ અધ્યાય’ (1983) પુસ્તકની જવલ્લે નોંધ લેવાઈ. આ નાટ્યસંગ્રહ હિંસક અહિષ્ણુતાના સાંપ્રત  ભારતમાં બહુ પ્રસ્તુત છે. તેમાં ત્રણ નાની કૃતિઓ છે – ‘સોદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન’. આ નાટકોનો વિષય ગુજરાતી સાહિત્યના મોટાભાગના અભ્યાસીઓને માફક આવે તેવો નથી. તે હિટલરના નાઝીવાદની ભીષણતા અને તેની સામે મૂળભૂત માનવતાના પ્રસંગો પર આધારિત છે. દર્શક લખે છે : ‘ … ત્રણે નાટકોને એકસૂત્રે બાંધતો વિચાર છે નાઝી વિચારણાએ આચરેલ યહૂદીઓ પરના અત્યાચારો. મનુષ્યની સાંભરણમાં આવો સામૂહિક નરસ્ત્ર થયેલ નથી. તેને સંભરતાં ત્રાસ છૂટે તેવું છે, પણ તેની સ્મૃિત સાચવવાની પણ અનિવાર્યતા છે. માણસ તેની પરિસ્થિતિને વશ થાય છે પણ કોઈ કોઈ વાર દશ આંગળ ઊંચો ઊઠ્યો છે. એ પળો જ સાચી ઐતિહાસિક-સલૂણી પળો છે. મનુષ્ય કદી નાશ નહીં પામે તેની એ આશા છે. આવી કેટલીક પળો આ નાટકોમાં ઝિલાઈ છે.’

આ નાટ્યત્રયીમાં યહૂદીઓ પરના અમાનુષ અત્યાચારો ઉપરાંત તેમને બચાવવા માટેના પ્રયત્નો, તેમાંથી ઊભા થતાં નૈતિક દ્વંદ્વ તેમ જ ઘાતકી હિટલરની લાગણીશીલતા જેવી બાબતો સમાવી  લેવામાં આવી છે. મહત્ત્વની વાત તો એ કે વંશ તેમ જ રાષ્ટ્રની સર્વોપરિતા, નિરંકુશ સત્તાવાદ, લશ્કરશાહી, નાગરિકના અસ્તિત્વ અને તેના સ્વાતંત્ર્યના ઇન્કારનું વલણ જેવા નાઝીવાદના સિદ્ધાંતોને દર્શકે સંવાદોમાં બખૂબી આવરી લીધા છે. આ ત્રણેય નાટકો ભરત દવેના દિગ્દર્શન હેઠળ એંશીના દાયકામાં યાદગાર રીતે ભજવાયાં હતાં અને પછી તેની ટેલિફિલ્મસ્ પણ બની હતી. એ વિશે ભરતભાઈનાં સંભારણાં  ‘મારી રંગયાત્રા’ પુસ્તકમાં વાંચવા મળે  છે.

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ (1952-85) નવલકથાને પણ અહીં યાદ કરવી જોઈએ. વૃક્ષ ચલે નિજ લીલા ન્યાયે લખાયેલી દર્શકની સાડા સવા છસો પાનાંની ત્રણ ભાગમાં લખાયેલી આ શબ્દાળુ અને શિથિલ મહાનવલ છે. દેશ-દુનિયાના પચાસેક  સ્થળ અને અરધી સદીના કાળ પર વિસ્તરેલી આ કથા ગાંધીવિચાર, સર્વધર્મદર્શન, નાઝીવાદ અને હિરોશિમા-નાગાસાકી સહિત વિશ્વયુદ્ધને આવરી લે છે. તેના બીજા ભાગમાં નાયક સત્યકામ તેમ જ તેના બે સાથીદારો અમલાદીદી અને પ્રસન્નબાબુ મ્યુિનકમાં જર્મન સરકારના લશ્કરની ટુકડી સાથેના મુકાબલામાં ઘવાયેલા એક બળવાખોર નાઝી નેતાને બચાવીને સારવાર આપે છે, એ રાષ્ટ્રપ્રમુખ બનતા પહેલાંના તબક્કાનો હિટલર હોય છે ! આપણે ત્યાં એ વાત ભાગ્યે જ ધ્યાનમાં આવે છે કે નાઝીવાદ, આપખુદશાહી, અતિરાષ્ટ્રવાદ જેવાં, ફાસીવાદના બિહામણાં રૂપોને પોતાનાં સર્જનનો લાંબી લેખણે વિષય બનાવનાર દર્શક સંભવત: એકમાત્ર ગુજરાતી સાહિત્યકાર છે (બ.ક.ઠાકોરની ‘હિટલર વિજય પરંપરા’ નામની બોંતેર પંક્તિની કવિતા 1917માં પ્રસિદ્ધ થયેલા તેમના ‘ભણકાર’ સંગ્રહમાં વાંચવા મળે છે).

‘સોદો’ નાટકનું કથાવસ્તુ  બીજા વિશ્વયુદ્ધના અંતભાગે ઑસ્ટ્રિયા-સ્વિટઝર્લૅન્ડની સરહદ પરના નાઝી તાબા હેઠળના ગામમાં આકાર લે છે. અહીંની નજરબંધી છાવણી(કૉન્સસન્ટ્રેશન કૅમ્પ)ના  વડા કૅપ્ટન હોસ અને યહૂદી સંરક્ષણ સમિતિ તેમ જ રેડક્રૉસના અમેરિકન પ્રતિનિધિ વેલનબર્ગ વચ્ચે યાતના છાવણીમાં રિબાતા યહૂદીઓને મુક્ત કરવા માટે એક સોદો થાય છે. ‘દસ હજાર કિલોગ્રામ ચા, દસ હજાર સુગંધી સાબુ, દસ હજાર ટ્રક, અસ્ત્રા સાથે દસ હજાર બ્લેડની સામે જર્મની છોડી મૂકશે દસ લાખ યહૂદીઓને’. યુવા કેદીઓ એરિઝ અને ઉર્શલાને આ સોદો મંજૂર નથી. એ માને છે : ‘બધાં સાથે મરે … ગીત ગાતાં મરે. તેમાં જ યહૂદીઓનું ગૌરવ છે.’ વળી આ બંને જાણે છે કે યહૂદીઓની મુક્તિનો આ કરાર તેમના હત્યાકાંડના કર્તા આઇકમેને હારી રહેલા હિટલરની જાણબહાર રચેલો પેંતરો છે. ઉર્શલા કહે છે : ‘આઇકમેને આવનારા પરાજયમાં યહૂદીઓની આ નરાધમ કત્લેઆમનો આરોપ આવે ત્યારે પોતાના બચાવ માટે, સદગૃહસ્થની છાપ લેવા માટે, દસ લાખને છોડી દેવાનો કાર્યક્રમ વિચાર્યો છે …’ કૅપ્ટનના હૃદયપરિવર્તનથી બે દૃશ્યોનું આ નાટક પૂરું થાય છે. ઓસવિચનાં ગૅસચેમ્બર ઉપરાંત નાઝી પશુતાના કેટલા ય ઉલ્લેખો નાટકમાં છે. જેમ કે, હોસના  ઘરની શેતરંજી યહૂદી સ્ત્રીઓના ‘વાળની બનેલી છે’. હોસને વેલનબર્ગ પૂછે છે : ‘તમે યહૂદી સ્ત્રીઓનાં ગર્ભાશયો દૂર નથી કર્યાં? યહૂદી પુરુષોનાં અંડાશયો ઇંડાની જેમ નથી અલગ કર્યાં ? માણસોનાં અંગોપાંગો નથી બદલ્યાં?’ એરિઝ કહે છે કે જર્મનોએ તો એમને ‘માત્ર મલ-સામાન જ માનેલ છે, અમારાં ગુહ્યોને પગ નીચે પેચ્યાં છે …’  જર્મન સૈનિકની અંધ વફાદારી, તેના પરિવારમાં સ્ત્રી અને બાળકોનું સ્થાન, યહૂદીઓને રાજદ્વારી કે ગુપ્ત માર્ગે છોડાવવા માટેના ખ્રિસ્તી ધર્મગુરુ લોડના  પ્રયાસો જેવી બાબતોના નિર્દેશો પણ નાટકમાં મળે છે.

દર્શકે નોધ્યું  છે કે જેરૂસલેમમાં ‘હિટલરના હુકમે કતલ કરાયેલા સિત્તેર લાખ યહૂદીઓના સ્મારક’ એવા યેદવેશામની મુલાકાત પછી ‘જે ચૈતસિક અવસ્થા અનુભવી તે આ નાટકનું મૂળ બીજ છે’. આ જ રીતે  સર્જાયેલી બીજી બે નાટ્યકૃતિઓની મહત્તા વિશે હવે પછીના  લેખમાં વાંચશું. 

11 ઑક્ટોબર 2015  મધ્યરાત્રિ

e.mail : sanjaysbhave@yahoo.com

(‘કદર અને કિતાબ’ કોલમ, “નવગુજરાત સમય”, 28 અૉક્ટોબર 2015)

Loading

ફાસીવાદી માહોલમાં ‘દર્શક’નાં નાટકો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|6 November 2015

દાદરી અને મુઝફ્ફરનગરની હિંસા, કાલબુર્ગી-પાનસરે-દાભોલકરની હત્યા તેમ જ તે અંગેનાં બેફામ નિવેદનો જેવાં વિવિધ રૂપે દેશના બારણે ફાસીવાદના ટકોરા થઈ રહ્યા છે. એવા સંજોગોમાં હિટલરના અત્યાચારો પર આધારિત નાટ્યત્રયી રચનાર એકમાત્ર ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ પ્રસ્તુત છે. આ પહેલાના લેખમાં તેમના ‘સોદો’ નાટકની વાત જોઈ હતી. તેની સાથેના ‘હેલન’ નાટકમાં, યાતના-છાવણીના વડા હમ્બોલ્ટના જુલમે માતા બનેલી યહૂદી યુવતીની નૈતિક ખેંચતાણની કથા છે. તેને મળવા રુબેન્સ આવે છે. રુબેન્સનું પાત્ર નાઝી જુલમગારોને શોધી શોધીને સજા કરાવવાનું કામ કરનાર લડવૈયા સાયમન વિસેન્થેલ પર આધારિત છે. હમ્બોલ્ટને સજા અપાવવાની કાર્યવાહીમાં હેલન તેના ભયંકર ભૂતકાળનો ઓછાયો બાળક ચાર્લ્સ પર પડવા દેવા માગતી નથી. રુબેન્સને સમજાય છે : ‘… જાતિ સમસ્તની જરૂરિયાત કોઈનું માતૃહૃદય ઝૂંટવી શકે નહીં.’ ‘અંતિમ અધ્યાય’ નાટક હિટલરના છેલ્લા દિવસોની આસપાસની ઘટનાઓ પર આધારિત છે. આ ત્રણેય નાટકો ભરત દવેના દિગ્દર્શન હેઠળ એંશીના દાયકામાં યાદગાર રીતે ભજવાયાં હતાં અને પછી તેની ટેલિફિલ્મસ્ પણ બની હતી. એ વિશે ભરતભાઈનાં સંભારણાં  ‘મારી રંગયાત્રા’ પુસ્તકમાં વાંચવા મળે  છે.

‘અંતિમ અધ્યાય’ નાટકમાં બીજા વિશ્વયુદ્ધનો આખરી તબક્કો છે. અમેરિકા, રશિયા અને મિત્રરાષ્ટ્રોનાં લશ્કર જર્મનીમાં પ્રવેશી ચૂક્યાં છે, નાઝી હરોળો તૂટી ગઈ છે, બર્લિન ઘેરાવાની અણી પર છે. તેના રાજભવનમાં ભૂગર્ભગૃહમાં છેલ્લા તળિયાના મુખ્ય ખંડમાં જરા-વ્યાધીગ્રસ્ત હિટલર મહત્ત્વના સાથીઓ વચ્ચે વ્યૂહરચનામાં ખુમારીપૂર્વક મશગૂલ છે. સત્યાવીસ હજાર સૈનિકોને ખોયા  પાછી પાની કરીને આવેલા સેનાપતિ ડાઈટ્રીશ પ્રવેશે છે. ફ્યુરરના ખોફનો જવાબ આપતાં એ કહે છે : ‘તમારો હુકમ કાગળ પર હતો, અને હરોળ ભૂમિ પર હતી … સૈનિકોને બિનજરૂરી સંહારમાંથી બચાવવા એ સેનાપતિનું કર્તવ્ય છે. સેનાપતિ કંઈ કસાઈ નથી.’ ડાઈટ્રીશ તેના સિપાઈઓનાં  ચંદ્રકો એક મૃત સૈનિકના કપાયેલા હાથ પર લગાવીને હિટલરની સામે ધરે છે ! વધુ તીવ્ર સંઘર્ષ હિટલર હિટલરના મિત્ર એવા સ્થપતિ અને શસ્ત્રસરંજામ ઉત્પાદન ખાતાના મંત્રી આલ્બર્ટ સ્પીયર વચ્ચેનો છે. તેને હિટલરે હુકમ કર્યો છે કે રૂહર નામના નગરમાં હારીને પીછેહઠ કરતી વખતે જર્મન લશ્કર ‘પુલનાળાં જ નહીં, જળાશયો, વીજળીઘરો, બંધો, કારખાનાં બધું જ ઊડાડી દે … આવનારને ટીપું પાણી, કે એક કિલોવૉટ વીજળે કે એક સરખો રસ્તો ન મળે.’ ત્યાં  રહેતા એક કરોડ નાગરિકો વિશે નાઝી હૃદયસમ્રાટ એમ માને છે કે, ‘અમેરિકનો સમર્થ હોય તો ભલે જીતે, પણ પછી જર્મન પ્રજાને જીવવાનો હક્ક નથી – તેવાના મૃત્યુનો શો શોક ? જંતુ જીવ્યાં કે મર્યાં તેનો થોડો જ આપણે વિચાર કરીએ છીએ ?’ માનવતાવાદી સ્પીયર હિટલરના આદેશનું પાલન કરતો નથી અને એનો એકરાર પણ કરે છે. નવાઈની વાત એ છે કે હિટલરે નજરબંદી છાવણીઓમાં યહૂદીઓની સામૂહિક કતલ કરાવી છે એ વાતથી સ્પીયર અજાણ છે. ટેક્નોલૉજિના જ્ઞાનથી જર્મન લશ્કરને સજ્જ કરવામાં વ્યસ્ત અને રાજકારણથી અળગા રહેનારા સ્પીયરને જ્યારે તેના ‘મનોદેવતા’ની ક્રૂરતાની અને તેના રાજકારણની ખબર પડી ત્યારે બધું ખેદાનમેદાન થઈ ચૂક્યું હતું. અલબત્ત ત્યાર પછી તેણે હિટલરની સાથેની ગાઢ મૈત્રીને બાજુ પર રાખીને સર્વનાશી યોજનાઓને નાકામિયાબ બનાવી તેને પતાવી દેવા પણ પ્રયત્ન કર્યો. સ્પીયરે હિટલરના કુકર્મોમાં પોતાની નૈતિક જવાબદારી, અને તેના માટે વીસ વર્ષની સજા પણ સ્વીકારી. નાટકમાં એ કહે છે : ‘જર્મનીની અવદશા માટે કોઈ જવાબદાર હોય તો અમે. અમે નેતાઓ જ, પ્રજા નહિ જ. આ કહેવા અમારે બહાર આવવું જોઈએ. તો જગત અમને દોષિત ઠરાવશે – સામાન્ય જનોને નિર્દોષ, તે બધા કલંકના ડાઘ વિના જીવન શરૂ કરી શકશે … આપણાં કૃત્યો માટેની જવાબદારી ઊઠાવી લેવી તે જ મર્દાઈ, એ જ અંતરાત્મા પ્રત્યેની સચ્ચાઈ …’ દર્શકના મનમાં સ્પીયરની મહત્તા વસી ગઈ છે. પ્રસ્તાવનામાં એ નોંધે છે : ‘ભાવિમાં મહાપુરુષ ગણાવાપાત્ર આ વ્યક્તિને હું આ નાટ્યકૃતિમાં સજીવ કરી શક્યો હોઉં તો મને મારી સરસ્વતીપૂજાની સફળતા લાગશે.’ સ્પીયરના અસાધારણ સંઘર્ષ ઉપરાંત દર્શકે આ નાટકમાં હિટલરના વ્યક્તિત્વના પાસાંને પણ સમાવ્યાં છે. તેમાં ઇવા બ્રાઉન સાથેનો પ્રેમ, કલારુચિ, શાકાહાર, નિરાંતની જિંદગી માટેનાં તેનાં સપનાં, તેનો એકાધિકારવાદ અને યહૂદીદ્વેષ જેવી બાબતો છે.

હિટલર વિશે સ્પીયરનું દર્શકે ટાંકેલું એક મંતવ્ય તેના ‘ઇનસાઇડ ધ થર્ડ રિશ’ સ્મરણપુસ્તકમાં મળે છે : ‘હિટલરની સરમુખત્યારી વર્તમાન ટેકનોલૉજીના જમાનાનું ઔદ્યોગિક રાજ્ય હતું. રેડિયો અને જાહેર ઉદબોધનો જેવાં ટેકનોલૉજીનાં સાધનો વડે આઠ કરોડ માણસો એક માણસના મનોબળને આધિન થયા …’ સ્પીયરના આ વિધાનમાં જાણે નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાનો જ નિર્દેશ મળે છે. વળી, ફાસીવાદી વિચારધારાનો એક તબક્કે હાથો બન્યા પછી વ્યાપક માનવતાવાદી મૂલ્યો તરફ પગલાં માંડનાર સ્પીયર અને તેની જદોજહદ ક્યાંક સુધીન્દ્ર કુલકર્ણીને મળતી આવતી નથી લાગતી?                   

21 ઑક્ટોબર 2015                      

e.mail : sanjaysbhave@yahoo.com

(‘કદર અને કિતાબ’ કોલમ, “નવગુજરાત સમય”, 04 નવેમ્બર 2015)

Loading

ગ્રાહકોના માથે ચડી બેઠેલું બજાર

હિમાંશી શેલત|Opinion - Opinion|6 November 2015

બજારનું હોવું અનિવાર્ય છે એમ કબૂલ કરીએ તોયે એને માથે ચડવા દેવાય ત્યારે દાટ વળવાનો

થોડાંક વર્ષો પહેલાં માનવજાતના એક ઉત્તમ અને અજોડ પ્રતિનિધિએ બહુ શાણપણ ભરેલી વાત કરેલી: પ્રકૃતિ પાસે માણસની તમામ મૂળભૂત જરૂરિયાતો સંતોષાય એટલી સંપત્તિ છે, અને પ્રકૃતિ ઉદાર પણ છે. તકલીફ માણસની અમર્યાદ લાલસાની છે, જેને કારણે માણસ નથી સંતોષ અનુભવતો કે નથી જંપતો, અને જંપવા દેતો.

એ મહામાનવની પીઠ ફરી કે ગણતરીના સમયમાં બધું પલટાઈ ગયું. પાયાની જરૂરિયાતોની વ્યાખ્યા બદલાઈ ગઈ, સુખની સમજ પલટાઈ ગઈ, અને ‘સાદાઈ’ તથા ‘કરકસર’ જેવા શબ્દો અર્થ ગુમાવી બેઠા. પૃથ્વી પરનું સઘળું ભોગવી લેવાની, ઝૂંટાઝૂંટ કરીને જેટલું હાથ લાગે તેટલું અંકે કરી લેવાની બેફામ લાલચે માણસને છેક જ વામણો બનાવી દીધો છે, અને એને માથે ચડી બેઠું છે બજાર – લેવેચ, ભાવતાલ, નફાતોટાનું, દેખાદેખી અને હુંસાતુંસીનું, ખરીદો-ખરીદોની કર્કશ ઘાંટાઘાંટનું, જેની બિલકુલ જરૂર નથી એવી મોંઘાદાટ ચીજોના દેખાડાનું, માણસને માત્ર અને માત્ર ઉપભોક્તા બનાવી દેતા એક પાગલ ઝનૂનનું બજાર.

એમાં ય તહેવારો આવે ત્યારે તો આ ગાંડપણ માઝા મૂકે. બજાર માણસ પર રીતસર આક્રમણ કરે, એક્સચેન્જ ઓફર અને મહાએક્સચેન્જ ઓફર, જૂનું કાઢો, નવું લઈ લો! ઊભા થાવ, દોડો, અત્યારે લેશો તો ફલાણી સ્કીમનો લાભ મળશે, તક ચૂકશો નહીં, વિચાર શું કરો છો? તૂટી પડો પૂરી તાકાતથી, અને ઘર ભરી દો નવીનક્કોર, ઝળાંહળાં ચીજોથી. ઓનલાઇન, હાજર થશે કોઈપણ ચીજ, હુકમ મેરે આકા. બજાર દેખાય છે તો ગ્રાહકની સેવામાં, પણ હકીકતમાં એ ચડી બેઠું છે માણસને માથે! ચીજ-વસ્તુુઓઓનું પ્રલોભન ખાળી ન શકતાં, લાલચના પ્રેર્યાં સતત ધકેલાતાં, અને હાથ લંબાવી લંબાવી ઈચ્છેલું જકડવા ફાંફાં મારતાં અમૃતપુત્રો અને અમૃતપુત્રીઓ બજારના વિકરાળ જડબામાં આખેઆખાં હોમાઈ રહ્યાં છે.

અને આ બજાર કંઈ ભૌતિક ચીજો પૂરતું સીમિત નથી. અહીં તો નામો, આવડત અને હાજરી-બધું વેચાણક્ષમતા મુજબ. ખપનું હોય તે ‘ઇન’, અને જે ન હોય તે ‘આઉટ.’ ‘સ્ટાઇલ સ્ટેટમેન્ટ’ અને ‘સ્ટેટસ સિમ્બોલ’, ‘ટ્રેન્ડી’ અને ‘આઉટડેટેડ’, ‘અપ માર્કેટ’ અને ‘ડાઉન માર્કેટ’ જેવી ફેશનની સંજ્ઞાઓમાં માણસની મૂળ ધાતુ કઈ એ જ ભુલાઈ ગયું છે.

સંપત્તિ અને વૈભવશાળી જીવનશૈલીની ભ્રમજાળમાં જે ભસ્મ થઈ રહ્યું છે એનું ભાન પચીસમે માળે મોબાઇલ પડદે ખોવાયેલાં, વાસ્તવિક જીવનનો સ્પર્શ ખોઈ બેઠેલાઓને નહીં થાય. એમની પાસે સપનાં તો છે, પણ એ સ્વકેન્દ્રી છે. સંસ્કાર-સંસ્કૃિત જાળવવાની હાયવોય કરનારાંઓને કદાચ ખ્યાલ નથી કે જાતનો કેન્દ્રસ્થ રાખી જીવતી આ પેઢી એમની સાવ નજીકનાંઓને પણ પોતાનાં વર્તુળમાં સમાવી નથી શકતી, ત્યાં બૃહદ્દ પરિવારની, અને એથી આગળ વધી સમાજ સુધી જવાની કથા કેવી રીતે માંડવી?

પોતાની જાત પર પૈસા વેરવાની લાલચને સહેજ મર્યાદામાં રાખી શકાય તો જે કંઈ બચે તેને અન્ય કોઈની મૂળભૂત જરૂરિયાત માટે રાખી શકાય. આ ઉત્તમ ભાવને સેવનારા જીવો જ્યાં મળે ત્યાં તીર્થ. અમુકતમુક સગવડ કે વૈભવ જતાં કરવાથી આપણા પ્રાણ નહીં નીકળી જાય, પણ કોઈને એ બચેલી રકમમાંથી મોટો આધાર આપી શકાશે. આટલો વિચાર આવે એટલાં અપ્રદૂષિત ચિત્ત કેટલાં બચ્યાં છે એનો સર્વે અશક્ય છે. ક્યારેક આશ્ચર્ય થાય કે તગડી રકમ ખર્ચ્યા પછી આપણે એના બદલામાં મળનારી સવલતોની ગુણવત્તા વિશે જેટલો આગ્રહ સેવીએ છીએ, તેટલો આગ્રહ આપણે આપણી જાત પાસેથી શાલીન અને ટકોરાબંધ વર્તનનો સેવીએ છીએ ખરાં? આપણી પાછળ પણ તાલીમનો શ્રમ અને નાણું – બંને ખરચાયાં છે, તો બદલામાં ગુણવત્તાનો આગ્રહ કેમ નહીં? બેફામ વર્તતાં, બોલતાં, સ્વકેન્દ્રી બની જતાં આપણે જાત પરત્વે ઉદાર બનીને સતત બાંધછોડ કરતાં ફરીએ છીએ, અને સાથોસાથ પોતાને બચાવ કરવા સાવધાન રહીએ છીએ, એવું કેમ? ઉમદા વર્તનનો આગ્રહ પોતાની જાત પાસેથી કેમ નહીં રાખવાનો?

બજારનું હોવું અનિવાર્ય છે એમ કબૂલ કરીએ તોયે એને માથે ચડવા દેવાય ત્યારે દાટ વળવાનો. જરૂરિયાતો જેટલી વધારવી હોય તેટલી વધે, અને ઘટાડવી હોય તેટલી ઘટે. સંજોગો આવી પડે ત્યારે ફ્રીજ વગર, ટીવી વગર, મોબાઇલ વગર અને કાર વગર જીવી જ શકાય છે. ખુદ આપણે જ ક્યારેક એ રીતે જીવ્યાં છીએ. ફરિયાદ વગર અને મોજથી. આપણી પ્રાથમિક જરૂરિયાતોમાં વૈભવ કે એશઆરામની કોઈ ચીજ સામેલ કરવામાં નથી આવતી. પાયાની જરૂરિયાત સંતોષાયા પછીનું જે કંઈ છે એ વ્યક્તિની આવક અને એની જીવનશૈલી મુજબ આવતું જાય છે. જીવવાની ઢબને સાદી રાખવી કે ઝાકઝમાળ ભરેલી, એ જીવનારના અભિગમ અને વિચારસરણી પર આધાર રાખે છે.

વૈભવશાળી જીવનનાં સપનાં એક પેઢી બીજી પેઢીને આપે છે, જેમ સાદગીની પસંદગી, અને સમાજના ઉત્થાનનાં સપનાં આપી શકાય એ જ રીતે. આ વાક્યનો ઉત્તરાર્ધ હવે લગભગ અદૃશ્ય બન્યો છે. નવી પેઢીને સપનાં મળે છે પંચતારક હોટેલનાં, આરામદાયક જીવનનાં, અઢળક સુખસાધનોનાં, મોંઘાદાટ વસ્ત્રો અને ખર્ચાળ આદતોનાં. સાદાઈના અને અન્યોનાં દુ:ખોનો વિચાર કરવાના ઉચ્ચ આદર્શોની આ બંને પેઢીને જાણ છે, છતાં એની નજીક જતાં એ ડરે છે. એ માટે જે કંઈ જતું કરવું પડે કે છોડવું પડે એની તૈયારી એમની પાસે નથી. આ તૈયારી નથી કારણ કે જાતને મધ્યમાં સ્થાપીને જીવવાનું જ એમને ફાવે છે. એમનાં સ્વકેન્દ્રી વલણો એમને ફરીફરીને પોતાની તરફ જ જવા પ્રેરે છે.

બૂટની જોડ પસંદ કરવા કલાક ગાળતી અને મનપસંદ જોડા માટે કોઈ પણ કિંમત આપવા રાજી એવી વ્યક્તિને, કપાયેલા પગવાળી અને કૃત્રિમ પગની જોગવાઈ ન કરી શકતી સાધનવિહોણી વ્યક્તિનો વિચાર ભાગ્યે જ આવે, એના જેવી છે આ પરિસ્થિતિ. ઘણું બધું પોતાને માટે જ મેળવી લેવાની અંગત એષણાનો સરવાળો અંતે તો માનવ સમાજનું અપલક્ષણ બનીને રહે છે. પ્રકૃતિને ચુસી ચુસીને રસકસ વિનાની બનાવી દેવાનો મહાઅપરાધ પણ પછી સ્વીકૃત અને ક્ષમ્ય ગણાય છે. સમૃદ્ધ અને સંતુષ્ટ જીવો ખાતાપીતા હોય અને આસપાસ થોડાં અભાવગ્રસ્ત છોકરાં કે કૂતરાં ઊભાં ઊભાં એમને જોતાં હોય એવા દૃશ્યો આપણને પરિચિત છે.

એમની આંખોમાં ભય, ભોંઠપ અને અપેક્ષાનું હચમચાવી દેનારું મિશ્રણ દેખાશે, અલબત્ત, જોવાની તૈયારી હોય તો જ. નકારનો અને હડધૂત થવાનો આ સંકોચ જીતવાનું મન થાય તો લગાતાર પોતાના ભણી વળતા હાથને જરાક આજુબાજુએ જવા દઈએ. ક્ષણાર્ધ માટે ય જો જાતને કેન્દ્રમાંથી ખસેડી લેવાનું સુખ સાંપડે તો એ લેવા જેવું. પેલા મર્યાદિત વર્તુળમાંથી બહાર નીકળીને અન્ય સુધી પહોંચવાની આ ક્રિયા જેટલી ત્વરિત, અનાયાસ અને વ્યાપક, તેટલો વિકસિત મનુષ્યત્ત્વનો આંક. તમામ વિકાસગાથાઓની ઉપરનો નરી આંખે ન દેખાતો અને સરકારી દફતરે ન ચડેલો આ સાચુકલો વિકાસ.

એ ક્ષણે માથે ચડી બેઠેલું, અટ્ટહાસ્ય કરતું, અને માણસની સારપને દબાવી રાખવા મથતું બજાર નીચે પટકાઈ જવાનું. શુદ્ધ મનુષ્યત્વનો વિજય ઝંખવાના આ દિવસો છે, સાચવવા જેવું સપનુંયે એ જ છે ને!

(સૌજન્ય : ‘બેફામ લાલચનું પાગલ ઝનૂન’, “દિવ્ય ભાસ્કર”, 06 નવેમ્બર 2015)

http://www.divyabhaskar.co.in/news/ABH-mad-fanaticism-rampant-temptation-the-customer-seated-atop-embroiled-market-5161682-PHO.html?seq=2

Loading

...102030...3,7723,7733,7743,775...3,7803,7903,800...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved