Opinion Magazine
Number of visits: 9552590
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઔદ્યોગિક ક્રાંતિનું નજરાણું – માન્ચેસ્ટર શીપ કેનાલ

આશા બૂચ|Opinion - Opinion|14 August 2015

1982માં માન્ચેસ્ટર આવીને વ્યવસાય અંગે સ્થાયી થવાનું બન્યું. થોડા વખતમાં તેની આસપાસનાં જોવાં લાયક સ્થળોની ભાળ મળી, તેમાંની એક તે માન્ચેસ્ટર શીપ કેનાલ. આ કેનાલને ઔદ્યોગિક ક્રાંતિ સાથે સંબંધ એટલે સહેજે તેના વિષે જાણવાની ઇન્તેજારી હતી. જો કે કેનાલની બોટ ટ્રીપ કરવાની તક; કહો કે ફુરસદ તાજેતરમાં મળી જે આ લખાણ લખવાનું નિમિત્ત બને છે.

ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ લગભગ ઈ.સ. 1760માં થયાં અને 1820-1840 સુધીમાં તો એ પૂરજોશમાં ધધક ધધક કરતી આખા યુનાઇટેડ કિંગ્ડમને ધમરોળતી પ્રસરી ગઈ. એની શરૂઆતમાં માન્ચેસ્ટરનો અગ્રભાગ રહ્યો છે. લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે 36 માઈલનું અંતર કાપવા ઈ.સ. 1724માં બંધાયેલ કેનાલમાં પાણીની સપાટી ઊંચી આવે ત્યારે નાના તરાપા કે ટચુકડા વહાણો જતાં-આવતાં. પણ ઈ.સ. 1870માં આવેલ મંદીના પરિણામે વધેલી બેકારીના જવાબ રૂપે તથા ઔદ્યોગિક ક્રાંતિને ધમધમતી રાખવા માન્ચેસ્ટર શીપ કેનાલ કે જે અત્યારે ઉપયોગમાં લેવાય છે તેનું બાંધકામ કરવું જરૂરી જણાયું. જો કે તેની પાછળ બીજું પણ એક પરિબળ હતું. લિવરપૂલ ડોક અને રેલવે કંપની માલની હેરાફેરી માટે ભારે કિંમત માગતા. આથી જ તો શીપ કેનાલ બંધાવવા માટે સરકારની મંજૂરી લેવા ઘણા અવરોધો પાર કરીને પણ ઈ.સ. 1887માં માન્ચેસ્ટર શીપ કેનાલનું બાંધકામ શરૂ થયું. સાત વર્ષ સુધી સેંકડો મજૂરોની કાળી મહેનત અને 15 મીલિયન પાઉન્ડ(આજે તેની કિંમત 1.70 બીલિયન પાઉન્ડ ગણાય)ને અંતે છેવટ રાણી વિકટોરિયાને હાથે 1894માં કેનાલ ખુલ્લી મુકાઈ.

મર્સી નદીની estuary (નદીમુખા ખાડી) લિવરપૂલથી શરૂ થયેલ આ કેનાલ મર્સી અને અર્વેલ નદી અને ચેશાયર તથા લેન્કેશાયર જેવી બે મોટી કાઉન્ટીમાંથી પસાર થઈને છેવટ સોલફર્ડમાં પૂરી થાય છે. કેનાલ બંધાવાને કારણે કાચા અને તૈયાર માલની હેરાફેરી સુગમ થઈ અને ઉદ્યોગોને ઘણો લાભ થયો અને એટલે જ માન્ચેસ્ટર કે જે દરિયાથી 40 માઈલ દૂર હોવા છતાં દુનિયાનું ત્રીજા નંબરનું બારું ગણાવા લાગ્યું. ‘70-’80ના દાયકા દરમ્યાન માર્ગ વાહનનો ઉપયોગ વધવાને કારણે સોલફર્ડનું બારું બંધ પડ્યું. આટલી માહિતી ગજવામાં ભરીને અમે સોલફર્ડના સહેલાણીઓ માટે ખાસ ઊભા કરવામાં આવેલ બારા પરથી સહેલ શરૂ કરી.

અહીં અમારી સફરની વાત શરૂ કરતાં પહેલાં કેનાલ વિષે કેટલીક રસપ્રદ માહિતી આપવા ધારું છું. ઉપર કહ્યું તેમ માન્ચેસ્ટર શીપ કેનાલ 1894માં વિધિવત્ ખુલ્લી મુકાઈ એટલે 1994માં તેની શતાબ્દી નિમિત્તે કેનાલને કિનારે સુંદર પગથી, તેના પર બંને બાજુ ગોળ ઘુમ્મટ આકારવાળાં વૃક્ષોની હાર અને સહેલાણીઓને વિશ્રામ લેવા મુકેલ બાંકડાઓની સુવિધા કરવામાં આવી. ત્યાં અનેક વખત નવરાશના સમયે ટહેલતાં ટહેલતાં કેનાલની અંદર હંસ અને બતકની જલક્રીડા અને યુવક-યુવતીઓને પાણીમાં રમાતી રમતોની તાલીમ લેતાં નિહાળ્યાં છે. કેનાલને કિનારે Su Andi નામના કવિ, એક આર્ટસ કંપની અને સ્થાનિક લોકોએ કહેલાં કથનો પથ્થરની તકતી પર કોતરીને જમીન પર જડેલ જોવા મળે જેમાનાં કેટલાંક અહીં ટાંકું : “You build a community with bricks and mortar, but most of all with people.” “Ordinary people build world within worlds, ordinary people make a good life out of living.” આપણે જાણીએ છીએ કે યુદ્ધ હોય કે પછી શાંતિનો સમય હોય, અનિચ્છનીય બનાવો હંમેશ દરિયામાં બનતા હોય છે. 70% બ્રિટિશ અને 30% એશિયા આફ્રિકા અને યુરોપના ગુલામ દેશોમાંથી દુશ્મનોના ઘેરાવામાંથી બચીને ઉદ્યોગ-ધંધા માટેનો માલસામાન લાવનાર સામાન્ય નાગરિકો હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ વેપારી અને સાગરખેડુઓ લડ્યા અને દર ચારમાંથી એક શહીદ થયા. એવા કસોટી કાળમાં પણ લોકો હસતાં હસતાં કામ કરતાં કેમ કે રુદન નહીં પણ હાસ્ય જ જીવનને ટકાવી રાખે છે તેમ તેઓ માનતા. સોલફર્ડના આ બારામાં ચાઇનીઝ, નોર્વિજિયન, ડચ, પોલીશ, રશિયન, વેસ્ટ આફ્રિકન અને મોલ્ટીઝ વહાણો લાંગરતાં. દરિયાના પાણીને જમીન સુધી લાવવા 34,000 હાથ મળીને 52 મીલિયન ટન માટી ખસેડી. આથી જ કોઈ મજ્દૂરે કહ્યું, “ઇતિહાસ સામે નાકનું ટેરવું ન ચડાવશો, ભવિષ્ય અમારા જેવા લોકોના ભૂતકાળ ઉપર જીવે છે.”

સોલફર્ડના પ્રખ્યાત ચિત્રકાર એલ.એસ. લાવરીની સ્મૃિતમાં બનેલ આર્ટ ગેલેરી, થિયેટર, અને શોપિંગ સેન્ટરના નિર્માણના અમે સાક્ષી અને તેનો લાભ પણ ખૂબ લીધેલો છે તેથી અમારું ધ્યાન ક્રુઝ શીપનું કદ અને તેમાંની સગવડો જોવા તરફ વળ્યું. સફર શરૂ થતાં ઊંચા પહોળા ક્રુઝ શીપને મારગ આપવા લાવરી પૂલ અને સેંટીનરી પૂલ આખે આખા આકાશ ભણી ઊંચા થયા અને એવા બીજા ઓગણીસ પૂલ નીચેથી અથવા એ પોતાની એક અથવા બંને ભુજાઓ એક બાજુ ખસેડીને ક્રુઝ શીપને જવા દેતા તે જોયું. કુલ પાંચ લોક્સ ખોલ-બંધ થતા જોવાથી એન્જિનિયરિંગની ખૂબી માટે માન ઉપજ્યું. લોક પાસે આવતાં ક્રુઝ શીપ હળવે હળવે ત્રણ-ચાર મીટર ઊંચું થાય એટલે કે નહેરની પાણીની સપાટી નીચે જાય જેથી કરીને બે તોતિંગ લાકડાના દરવાજા શાહી દમામથી ધીમે ધીમે ખૂલે અને બાજુની દીવાલ સાથે કહ્યાગરા સૈનિકની માફક ચપોચપ ઊભા રહે ત્યારે એમ લાગે કે જાણે હમણાં સલામ ભરશે. આમ કુલ એકવીસ પૂલ અને પાંચ દરવાજાઓ પસાર કરવાની પ્રક્રિયા અત્યંત ધીમી હતી. માલને લાવવા લઈ જવાની આ રીત આજના જમાનાની દૃષ્ટિએ વેપાર ઉદ્યોગ માટે ઉત્પાદન અને નફાને નુકસાન કરનારી ગણાય, પણ એ કેનાલ ઓગણીસમી સદીમાં એન્જિિનયરિંગનો અદ્દભુત નમૂનો ગણાતો હતો.

ધીમી ગતિએ થતી સફરનું એક સારું પરિણામ એ આવ્યું કે માર્ગમાં Alliedની ઘઉં સાફ કરીને દળવાની મીલ, રગ્બી ગ્રાઉન્ડ, માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલ અને ઓલ્ડ ટ્રાફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ, મુલર દહીં બનાવતી ડેરી, મોટા મોટા સ્ટીલ પ્લાન્ટ્સ, સ્ટીલના વાયર અને સાબુ બનાવતી ફેકટરીઓ, મીઠાને શુદ્ધ કરતી કેમિકલ ફેક્ટરી, LPG ગેસ, ક્રુડ ઓઈલ રીફાઈનરી, પેટ્રોલ ટેન્કરની હેરાફેરી, કેન રીસાઈકલ કરવાના પ્લાન્ટ, આદિત્ય બિરલા પ્લાન્ટ્સ અને એવા તો બીજા અનેક ઉદ્યોગો ચાલુ હાલતમાં જોવા મળ્યા, જે સામાન્ય રીતે માર્ગ વાહનનો ઉપયોગ કરતાં જોવા ન મળે. એક ઓઈલ રિફાનરી તો ઈ.સ. 1920માં બનેલી જે હજુ કામ કરે છે. તે એટલી મોટી છે કે તેની પાઈપ લાઈન, રેલવે અને રોડની જાળ સાત ચોરસ માઈલમાં ફેલાયેલી છે. ત્યાંથી ખનીજ તેલ લઈ જતાં લઈ આવતાં મહાકાય માલવાહક જહાજો જોયાં. આધુનિક રહેણી કરણીને પોષવા આ અનિવાર્ય અનિષ્ટ સ્વીકારવું રહ્યું.

આખી સફર દરમ્યાન અપાતી માહિતી પણ કંઈ ઓછી રસપ્રદ નહોતી. આ કેનાલના બાંધકામ અર્થે એન્જિિનયર, પથ્થરફોડ, કડિયા, લુહાર, સુથાર અને નેવીગેટર મળીને કુલ 27 હજાર માણસોને કામે લગાડ્યાનો અંદાજ છે, જેમાંના કેટલાક તો માત્ર 12 કે 13 વર્ષની કુમળી વયે સખ્ત કામ કરતા નોંધાયા છે. જમીન ખોદીને રેતી લઈ જવાનું કામ બે વર્ષ સારું ચાલ્યું, પણ આકારો શિયાળો આવતાં ખોરંભે પડ્યું. કેનાલના માર્ગમાં આવતાં ગામોમાં ત્રણ હોસ્પિટલ ખાસ બાંધવામાં આવેલી. 3,000 અકસ્માતો થયેલા જેમાં પગના ફ્રેકચર થવાના કિસ્સા સહુથી વધુ હતા. સ્ટોકપોર્ટથી શરૂ થતી મર્સી નદી 17 માઈલ લાંબી છે જે એક સ્થળે કેનાલને આવીને મળે છે. લિવરપૂલ અને સોલફર્ડ બે મુખ્ય બંદર ઉપરાંત નાનાં નાનાં સેટેલાઈટ બંદર પણ કેનાલ કિનારે જોવા મળ્યાં જ્યાં તરાપા પર 90થી 100 કન્ટેનર વાઈન, નેપી જેવી અનેક જીવન જરૂરિયાતની ચીજો લાવે લઈ જાય. આ રીતે માલ લઈ જવા લાવવાની રીત ઓછી ખર્ચાળ છે. વેપાર-ઉદ્યોગનો આટલો ફેલાવો જોતાં ઘડીભર મનમાં થયું કે અહીં ભારે પ્રદૂષણ હોય તો નવાઈ નહીં. પરંતુ ચેશાયર ઉત્તર પશ્ચિમની સહુથી મોટી કાઉન્ટી છે જ્યાં જનસંખ્યા ઓછી છે અને વનરાજી છુટ્ટે હાથે વેરાયેલી પડી છે. કેનાલમાં હંસ, બતક અને હેરન તથા બીજાં 39 જાતનાં પક્ષીઓ આરામથી તરતાં જોવા મળે જે સૂચવે છે કે કેનાલનું પાણી સારું છે અને પર્યાવરણના રક્ષણનો પ્રયત્ન અસરકારક રહ્યો છે.   

લગભગ છ કલાક કેનાલની સફર કર્યા બાદ લિવરપૂલ બંદર પર ઉતર્યાં. જેમાં સહેલગાહ કરી તે ક્રુઝ શીપ અને લિવરપૂલના મ્યુિઝયમમાં જોયેલી – વાંચેલી માહિતીના સારરૂપ કેટલીક હકીકત રજૂ કરવા ચાહું છું. બ્રિટનનો ગુલામીના વેપારમાં શો ફાળો હતો એની નોંધ ઇતિહાસના પાને લખાઈ છે. ઈ.સ. 1800 સુધીમાં લિવરપૂલ આવતાં – જતાં વહાનોમાંથી ¼ ભાગનાં ગુલામીના વેપારમાં સક્રિય ભાગ લેનારાં હતાં એટલું જ નહીં, 10% વહાણો આફ્રિકાના ગુલામો ખરીદવાનું જ કામ કરતાં. ઈ.સ. 1834માં Duches of Clarence નામનું જહાજ ચીનથી ચા અને ખલાસીઓ લઈને લિવરપૂલ લાંગર્યું અને ત્યારથી લિવરપૂલમાં સહુથી જૂની ચાઇનીઝ વસાહતના શ્રીગણેશ થયા. ઈ.સ. 1840માં સેમ્યુઅલ ક્યુનાર્ડ નામના સાહસિકે Nova Scotia શીપીંગ કંપનીની સ્થાપના કરી અને ત્યારથી વહાણવટાના ઉદ્યોગને એક નવું પરિમાણ મળ્યું. સૌ પ્રથમ વરાળથી ચાલતું જહાજ લિવરપૂલ બંદરેથી ન્યુયોર્ક જવા રવાના થયેલું. એ માન કંઈ જેવું તેવું ન ગણાય. આ એ જ બંદર છે જ્યાંથી 1830થી 1930ના સો વર્ષના ગાળા દરમ્યાન આશરે 90,00,000 લોકો અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પોતાનું નસીબ અજમાવવા ગયા. વળી ઔદ્યોગિક ક્રાંતિના એક મહત્ત્વના ભાગ જેવી વિકસેલ કાપડ મિલોને કાચો માલ પૂરો પાડવાનું કામ તે સમયના બ્રિટિશ સત્તા હેઠળના દેશોને ભાગે આવ્યું. ભારત સહિતના અનેક દેશોમાંથી – તેમના પર નિકાસ કર નાખીને જ તો – રૂની ગાંસડીઓ લિવરપૂલ બંદરે ઊતરતી, વહાણોમાં સોલફર્ડના બંદરે ઊતરતી અને ત્યાંથી બોલ્ટન, બ્લેકબર્ન, રોચડેલ, ઓલ્ડહમ વગેરે ગામોની કાપડ મિલમાં કાંતવા મોકલી અપાતી. એ તૈયાર થયેલ કાપડને ફરી એ ગામોમાંથી ગાંસડીમાં બાંધી, સોલફર્ડના બંદરેથી લિવરપૂલ પહોંચાડીને ગુલામ દેશોમાં તૈયાર માલ તરીકે વેંચવા મોકલી આપવામાં આવતું અને ખૂબી એ છે કે તે દેશોને પોતાના જ કાચા માલમાંથી પેદા થયેલ તૈયાર માલ પર આયાત કર પણ આપવો પડતો. આમ બંને બાજુ માર ખાધા પછી પણ ગુલામ દેશોની પીડાનો અંત ન આવ્યો કેમ કે મશીન દ્વારા પેદા થતા માલનો ભરાવો વધતાં ભારત અને બીજા ગુલામ દેશોનો કાપડનો હસ્તોદ્યોગ મરી પરવાર્યો અને લાખો લોકો બેરોજગાર બન્યા. માન્ચેસ્ટર શીપ કેનાલ થકી નોર્થ વેસ્ટ અને સારાયે યુનાઇટેડ કિંગ્ડમના ઉદ્યોગ-વ્યાપારને પારાવાર ફાયદો થયેલ એમાં શંકા નથી. અને આજે પણ તેને કિનારે અનેક નાના-મોટા ઉદ્યોગ-વ્યાપાર સફળતાથી નભી રહ્યા છે જે આનંદની વાત છે, પરંતુ માન્ચેસ્ટર શીપ કેનાલના ભૂતકાળના ઉદ્યોગ-વ્યાપારને યાદ કરીએ તો તેની સાથે જોડાયેલ ભારતના કાપડ ઉદ્યોગના પતનની કરુણ કથની દિલને દર્દથી ભર્યા વિના નથી રહેતી.

એ કેનાલના પથમાં આવતા ગામ રન્કોર્ન પાસે જેમ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વપરાયેલ મસ્ટર્ડ ગેસ બનાવવાની ફેક્ટરી હતી ત્યાં અત્યારે પ્રાકૃતિક સૌંદર્યનું સ્થળ ઊભું કરવામાં આવ્યું છે તેમ માન્ચેસ્ટર શીપ કેનાલના ભારત તથા અન્ય ગુલામ દેશો સાથેના શોષણ યુક્ત વેપાર-ઉદ્યોગના સ્થાને સ્થપાયેલ બ્રિટન અને ભારત વચ્ચેના સુમેળ ભર્યા રાજકીય અને વ્યાપારી સંબંધોની લીલી વાડીનું સ્મરણ કરીએ.

e.mail : 71abuch@gmail.com

Loading

જૈનદર્શનની એક અદ્દભૂત દેણગી છે સંલેખના કે સંથારો

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|13 August 2015

ભારતના બીજા રાષ્ટ્રપતિ અને ફિલસૂફ ડૉ. એસ. રાધાકૃષ્ણને બે ભાગમાં ભારતીય દર્શનનો ઇતિહાસ લખ્યો છે જે ‘ઇન્ડિયન ફિલોસૉફી’ના નામે ૧૯૨૩માં પ્રકાશિત થયો હતો. એ ગ્રંથમાં જૈનદર્શનની રૂપરેખા આપતાં ડૉ. રાધાકૃષ્ણને જૈનોમાં પ્રચલિત સંલેખના કે સંથારા માટે અંગ્રેજી શબ્દ સુસાઇડ વાપર્યો હતો. ડૉ. રાધાકૃષ્ણન જેવા મેધાવી વિદ્વાને સંલેખના કે સંથારા માટે કોઈ યોગ્ય પર્યાય ન મળતાં સુસાઇડ શબ્દ વાપરવો પડ્યો હશે, પરંતુ તેમણે જિંદગીથી કંટાળેલા માણસ દ્વારા કરવામાં આવતી આત્મહત્યા કે આત્મઘાત અને દેહધર્મને સમેટી લઈને દેહમુક્ત થવાના પુરુષાર્થ વચ્ચે ભેદ સમજાવવો જોઈતો હતો. ડૉ. રાધાકૃષ્ણને એવી તસ્દી લીધી નહોતી જેણે કારણે અહિંસામાં અને જીવદયામાં માનતા જૈનો આત્મહત્યાને પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં, એને ધર્મમાન્ય ગણે છે એવી એક છાપ પેદા થઈ હતી.

જી હા, દેહધર્મને સમેટી લેવો એ પુરુષાર્થ છે, જ્યારે આત્મહત્યા એ મોટા ભાગે નાસીપાસ થયેલા માણસનું જીવનને ફગાવી દેવાનું કૃત્ય છે. બારમી સદીમાં થયેલા આચાર્ય અમૃતચન્દ્રે તેમના પ્રસિદ્ધ ‘પુરુષાર્થ સિદ્ધયુપાય’ નામના ગ્રંથમાં સંલેખના અને આત્મઘાત અથવા આત્મહત્યા વચ્ચેનો ભેદ બતાવ્યો છે. માત્ર ૨૨૬ સૂત્રોના એ નાનકડા ગ્રંથનું ૧૭૭મું સૂત્ર કહે છે :

મરણેઅવશ્યંભાવિની કષાયસલ્લેખનાતનુકરણમાત્રે |


રાગાદિમન્તરેણ વ્યાપ્રિયમાણસ્ય નાત્મઘાતોઅસ્તિ ||

(જ્યારે મરણ અવશ્યંભાવિ હોય, નજીક હોય, શરીર ક્ષીણ થઈ રહ્યું હોય ત્યારે કોઈ પણ પ્રકારના રાગદ્વેષ વિના સ્વસ્થતાપૂર્વક તટસ્થભાવે આખરી તપશ્ચર્યા કરીને બચેલા દોષોને ઉખેડી કાઢવા (સંલેખના) એ આત્મહત્યા નથી.)

આચાર્ય અમૃતચન્દ્રના ગ્રંથમાં હિંસા-અહિંસાની વિગતે ચર્ચા કરવામાં આવી છે અને એમાં આગળ સૂત્ર (૧૭૯)માં કહેવામાં આવ્યું છે કે આવેગો અને વૃત્તિઓ હિંસા છે અને સંલેખનામાં આવેગોને ઉખેડી ફેંકવાની તપશ્ચર્યા છે એટલે એ મનુષ્યની અહિંસાની દિશામાં યાત્રા છે, હિંસા નથી. આવી જ રીતે બીજી સદીમાં થયેલાં આચાર્ય ઉમાસ્વાતિએ રચેલા તત્ત્વાર્થસૂત્રમાં કહેવામાં આવ્યું છે : મરણાન્તિકીં સંલેખના જોષિતા || મૃત્યુ નજીક હોય ત્યારે હોંશપૂર્વક સંલેખનાનો આશ્રય લેવો જોઈએ.

ડૉ. રાધાકૃષ્ણને તેમના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ‘ઇન્ડિયન ફિલોસૉફી’માં સંલેખનાને સુસાઇડ તરીકે ઓળખાવી એ પછી બહુ ઓછા જૈનેતર વિદ્વાનોએ સંલેખનાના હાર્દને સમજવાની કોશિશ કરી છે. મોટા ભાગના લોકો એને ધાર્મિક વૃત્તિથી કરવામાં આવતી આત્મહત્યા તરીકે જ જુએ છે. ૧૯૪૩માં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનું ડૉ. રાધાકૃષ્ણનના – શું કહેશું? – પ્રમાદ વિશે ધ્યાન ખેંચવામાં આવ્યું ત્યારે પંડિતજીએ ધ્યાન ખેંચનારને પત્ર લખીને સંલેખના અને આત્મહત્યા વચ્ચેનો ભેદ બતાવ્યો હતો. એ પત્ર ‘સંથારા ઔર અહિંસા’ પંડિત સુખલાલજીના હિન્દી પુસ્તક ‘દર્શન ઔર ચિંતન’માં સંગ્રહાયેલો છે. આ બધી વિગતો અહીં આપવાનો હેતુ એ છે કે જૈનેતર વાચકોએ સંથારાના હાર્દને સમજવાની જરૂર છે. હું તો એમ માનું છું કે જૈનદર્શનની આ એક અદ્દભુત દેણગી છે. વિનોબા ભાવે સંથારાનો હાર્દ સમજ્યા હતા અને તેમણે પોતે સંથારો લીધો હતો.

જો વિશ્વપ્રસિદ્ધ દાર્શનિક ડૉ. રાધાકૃષ્ણન સંલેખનાનો અર્થ આત્મહત્યા કરે તો રાજસ્થાનની વડી અદાલતના જજો એનો ટૂંકો અર્થ કરે એમાં શું નવાઈ? અદાલતે જે કેટલાંક ખોટાં નિરીક્ષણો કર્યાં છે એમાં એક નિરીક્ષણ એવું છે કે સંથારો જૈન ધર્મનું અનિવાર્ય અંગ નથી. હવે બીજી સદીમાં રચાયેલા તત્ત્વાર્થસૂત્રમાં જ્યારે સંલેખનાની વાત આવતી હોય તો એની પ્રાચીનતા ઓછી કહેવાય? બીજું, ધર્મના અનિવાર્ય અંગની વ્યાખ્યા કઈ રીતે કરવાની? પશ્ચિમથી ઊલટું ભારતમાં ઉદ્દભવેલા ધર્મો એકગ્રંથી ય (રિલિજિયન ઑફ ધ બુક) નથી કે જેથી ધર્મગ્રંથના આધારે અનિવાર્યતા સિદ્ધ કરી શકાય.

પ્રાચીનતા જ એકમાત્ર આધાર હોઈ શકે અને તત્ત્વાર્થસૂત્ર સંલેખનાનો હવાલો આપે છે. ત્રીજો મુદ્દો એ છે કે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કોઈ એક ધર્મનું અનિવાર્ય ગણાતું અંગ હોય, પણ જો એ અમાનવીય હોય તો એ અનિવાર્ય અંગ છે એટલે માન્યતા આપવાની? જેમ કે અસ્પૃશ્યતા શાસ્ત્રમાન્ય છે એટલે બંધારણમાન્ય બનાવવાની? એક જમાનામાં સનાતનીઓ ચાતુવર્ણવ્યવસ્થાને હિન્દુ ધર્મના અનિવાર્ય અંગ તરીકે ઓળખાવતા હતા અને છતાં બંધારણ ઘડનારાઓએ એને ગુનો જાહેર કર્યો હતો. ધર્મના અનિવાર્ય ગણાવાતા અંગને ગુનો જાહેર કરવાની ક્ષમતા ધરાવતો આ મહાન દેશ છે એટલે વડી અદાલતના ન્યાયમૂર્તિએ સંથારાની કાયદેસરતા તપાસતી વખતે ધર્મનો આધાર લેવાની જરૂર નહોતી અને જો ધર્મનો આશ્રય લેવો જ હતો તો એના હાર્દમાં જવું જોઈતું હતું. ભારતમાં ઇચ્છામરણને કાયદેસરની માન્યતા આપવામાં આવી નથી.

આત્મહત્યા ગુનો છે, આત્મહત્યાનો પ્રયાસ ગુનો છે, કોઈ સ્ત્રીને પતિ પાછળ સતી થવાની પ્રેરણા આપવી કે સતી થવા દેવી એ ગુનો છે તો પછી સંલેખનાને માન્યતા કઈ રીતે આપી શકાય? આ પણ આત્મહત્યા છે અને એમાં સંમતિ આપનારાઓ કે મદદ કરનારાઓ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો (અબેટમેન્ટ ઑફ સુસાઇડનો) ગુનો કરે છે. આવી દલીલ કરનારાઓ એ ભૂલી જાય છે કે સંલેખના એ દેહવિસર્જન છે અને દેહવિસર્જન કરવાનો નિર્ણય આગળ કહ્યું એમ મૃત્યુ જ્યારે અવશ્યંભાવિ હોય ત્યારે, નજીક હોય ત્યારે, ચિત્ત રાગ-દ્વેષથી મુક્ત હોય ત્યારે, આંતરિક વૃત્તિ સ્વસ્થ અને તટસ્થ હોય ત્યારે લેવામાં આવે છે.

એ નિર્ણય સાધકનો હોય છે, હારેલા મનુષ્યનો નથી હોતો. પંડિત સુખલાલજીએ બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. આપણા ઘરને આગ લાગી હોય ત્યારે આપણે ઘરને બચાવી લેવા શક્ય એટલા બધા જ પ્રયાસ કરીએ છીએ, પરંતુ એ પછી જ્યારે ખાતરી થાય કે ઘર આગથી બચી શકે એમ નથી ત્યારે આપણે આપણી જાતને બચાવવા આપણા પોતાના ઘરથી દૂર ખસી જોઈએ છીએ. એવી જ રીતે અંતરાત્માને જ્યારે ખાતરી થાય કે શરીરરૂપી ઘર અનેક પ્રયાસો પછી પણ બચી શકે એમ નથી તો વિવેકપૂર્વક તપશ્ચર્યા દ્વારા એ ઘર છોડી દે તો એ રણછોડવૃત્તિ પણ નથી અને હિંસા પણ નથી. આપણને એવા જજોની જરૂર છે જે ઇચ્છામૃત્યુને માન્યતા આપે અને આત્મહત્યા અને આત્મહત્યાના પ્રયાસને જે ગુનો માનવામાં આવે છે એ રદ્દ કરે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 13 અૉગસ્ટ 2015

http://www.gujaratimidday.com/features/columns/feature-columns-13-8-2015-3

Loading

આપણા અજાણ્યા જ્યોતિર્ધરો

દીપક મહેતા|Opinion - Literature|12 August 2015

૨. ડો. રોબર્ટ ડ્રમન્ડ : પહેલા ગુજરાતી પુસ્તકના લેખક  

તારીખ-વાર તો જાણવા મળતાં નથી, પણ ઈ.સ. ૧૮૦૮ના કોઈક દિવસે લેડી જેન ડન્ડાસ નામનું શઢવાળું વહાણ કલકત્તાથી લંડન જવા નીકળ્યું. સાથે બીજાં ત્રણ વહાણો હતાં – કલકત્તા, બેન્ગાલ, અને જેન ડચેસ ઓફ ગોર્ડન. આવી મુસાફરીને એ વખતે આઠ-દસ મહિના લાગતા, અને રસ્તામાં જોખમો પણ ઘણાં, એટલે કોઈ વહાણ એકલ-દોકલ ભાગ્યે જ જાય. કાફલામાં જ સફર ખેડે. ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખ સુધી તો બધું હેમખેમ હતું. એ દિવસે ચારે વહાણો મોરેશિયસથી સુખરૂપ રવાના થયાં. પણ પછી ક્યાં ગયાં તેની કોઈને ખબર પડી નહિ. ભયંકર વાવાઝોડામાં ફસાઈને ચારે વહાણ ડૂબ્યાં. લેડી જેન ડન્ડાસ પર જે મુસાફરો હતા તેમાંના એક હતા ડોક્ટર રોબર્ટ ડ્રમન્ડ. મુંબઈ સરકારના સર્જન જનરલ. હિન્દુસ્તાનની કારકિર્દી પૂરી કરીને સ્વદેશ જવા રવાના થયા હતા. થોડા દિવસ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ‘લોસ્ટ એટ સી’ એવી નોંધ સાથે પોતાના દફતર પરથી તેમનું નામ દૂર કર્યું.

પણ આપણી ભાષાના પુસ્તક પ્રકાશનના ઇતિહાસમાંથી તેનું નામ દૂર નથી થયું, પણ ભૂલાઈ તો ગયું છે. ૧૮૦૮માં પહેલવહેલું ગુજરાતી પુસ્તક છપાઈને બહાર પડ્યું તે આ ડો. ડ્રમન્ડનું લખેલું. પુસ્તકનું નામ જરા લાંબું લચક હતું : ‘ઈલસટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ધ ગુજરાતી, મહરટ્ટ એન્ડ ઈંગ્લિશ લેન્ગવેજિસ’. ગુજરાતી અને મરાઠી વ્યાકરણનો તેમાં અંગ્રેજી દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. પુસ્તકનો હેતુ, અલબત્ત, હિન્દુસ્તાનમાં, ખાસ કરીને મુંબઈ ઇલાકામાં, કામ કરતા અંગ્રેજ અફસરો અને પાદરીઓને બે સ્થાનિક ભાષા જાણવામાં મદદરૂપ થવાનો હતો. આ પુસ્તક છપાયું હતું મુંબઈના બોમ્બે કુરિયર પ્રેસમાં. અને તેમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં તે બહેરામજી છાપગરે બનાવેલાં તે જ.

આ પુસ્તકના લેખક ડો. ડ્રમન્ડનો જન્મ ક્યાં અને ક્યારે થયો તેની વિગતો તો મળતી નથી. પણ ૧૭૯૬માં તેઓ મુંબઈ ઈલાકાની સરકારની તબીબી સેવામાં જોડાયા એવી નોંધ મળે છે. વડોદરામાં રેસિડન્ટ સર્જન તરીકે અને ગુજરાતના અપીલ એન્ડ સર્કીટ જજના સર્જન તરીકે કામ કર્યું હતું એટલે તેમને ગુજરાતી ભાષાનો સારો એવો પરિચય. વખત જતાં તેઓ મુંબઈ સરકારના આસિસ્ટન્ટ સર્જન અને પછી સર્જન જનરલ બન્યા. આજની એશિયાટીક સોસાયટી ઓફ મુંબઈની પુરોગામી અને માતૃ સંસ્થા ‘લિટરરી સોસાયટી ઓફ બોમ્બે’ની સ્થાપના ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ થઈ, ત્યારે તેના સ્થાપક અંગ્રેજોમાંના એક હતા ડો. રોબર્ટ ડ્રમન્ડ.

આ પુસ્તક લખાતું હતું તે દરમ્યાન જ ડો. ડ્રમન્ડે સ્વદેશ પાછા જવાનું નક્કી કર્યું હશે. કારણ પ્રસ્તાવનામાં તેમણે આ પુસ્તકને ‘Parting pledge of veneration’ તરીકે ઓળખાવ્યું છે. ગુજરાતી ભાષાના આ પહેલવહેલા પુસ્તક માટે આગોતરા ગ્રાહકો નોંધવામાં આવ્યા હતા. (જો કે પુસ્તકમાં ક્યાં ય તેની કિંમત છાપી તથી.) કુલ ૪૬૭ નકલ આગોતરી વેચાઈ ગઈ હતી. તેમાંથી સો નકલ મુંબઈના ગવર્નરે ખરીદી હતી.

પુસ્તકની શરૂઆતમાં ગુજરાતી અને મોડી લિપિમાં સ્વર-વ્યંજનનો કોઠો આપ્યો છે. (શરૂઆતમાં મરાઠી પુસ્તકો છાપવા માટે મોડી લિપિ વપરાતી.) તે પછી સંસ્કૃત વ્યાકરણને અનુસરીને ગુજરાતી અને મરાઠી નામની સાત વિભક્તિનાં એક વચન અને બહુ વચનનાં રૂપ આપ્યાં છે. પછી સર્વનામ અને આખ્યાતનાં રૂપો આપ્યાં છે. ત્યાર બાદ સામાન્ય વપરાશના કેટલાક શબ્દો કે શબ્દ-સમૂહો ગુજરાતી અને મરાઠીમાં આપી અંગ્રેજીમાં તેની સમજૂતી આપી છે. એ વખતે ધૂડી નિશાળોમાં કક્કો, બારાખડી, આંક શીખવવા માટે જે ઉપદેશાત્મક વાક્યો ગોખાવાતાં તે પણ અહીં આપ્યાં છે. ગુજરાતી કહેવતોનો પણ સર્વ પ્રથમ સંગ્રહ – ભલે નાનો – પણ આ પુસ્તકમાં થયો છે. કહેવતોનો અંગેજી અનુવાદ પણ આપ્યો છે. પુસ્તકનો છેલ્લો ભાગ છે ‘ગ્લોસરી.’ આમ તો ગ્લોસરી એટલે શબ્દસૂચિ કે શબ્દસંગ્રહ. પણ અહીં ડ્રમન્ડે જે આપ્યું છે તે તેના કરતાં ઘણું વધારે છે. ‘પારસી’ કે સતી’ જેવા શબ્દો સમજાવવા માટે તો તેમણે નાના નિબંધો જ લખ્યા છે. બાયડી અને બૈરી જેવા શબ્દોના પ્રદેશભેદે થતા અર્થભેદ પણ નોંધ્યા છે.

વ્યાકરણ ઉપરાંત ભલે સંપૂર્ણ ન કહી શકાય, તો ય આપણી ભાષાનો આ પહેલો સાર્થ શબ્દકોશ છે, પહેલી ગુજરાતી-અંગ્રેજી ડિક્ષનરી છે. ૧૮૦૮માં છપાયેલું આ પહેલવહેલું ગુજરાતી પુસ્તક અત્યંત દુર્લભ છે. પણ હવે તેને સ્કેન કરીને ઈ-બુક રૂપે સીડી ઉપર મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ સર્વસુલભ બનાવ્યું છે.

X X X

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...3,7083,7093,7103,711...3,7203,7303,740...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved