મતદારો સરકારને ચૂંટી કાઢે, એ ખયાલ તો નકરો જુનવાણી છે – સાહેબો, જુનવાણી. અમૃતકાળમાં રાષ્ટ્રવાદની રંગ રોશનાઈ વચાળે સરકાર મતદારોની ચૂંટણી કરે એ આધુનિક ખયાલ છે …મપણ નાદાન લોક એ સમજે ત્યારે ને.

પ્રકાશ ન. શાહ
આ દિવસોમાં રહી રહીને એક ક્લાસિક ઉદ્ગાર સાંભરી આવે છે કે લોકો સરકારને ચૂંટી કાઢે છે એ તો એક જુનવાણી ખયાલ છે, બિલકુલ પોથીમાંનાં રીંગણ જેવો. હવે એ નવો જમાનો છે જેને લોકો કેમ જાણે અમૃત કાળ કહે છે :મએક એવો કાળ છે આ જેમાં સરકાર મતદારોને ચૂંટી કાઢે છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ રિવિઝન કહેતાં એસ.આઇ.આર. હેઠળ રવ રવ રાષ્ટ્રગૌરવથી હાથ ધરાયેલી આ કામગીરીને પ્રતાપે તમે જુઓ કે દેશના ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી કેવળ ને કેવળ 13 કરોડ નામો રદ્દ કરવાનો અને એ રીતે સહેજે 14 ટકા મતદારોને મતાધિકારમુક્ત કરવાનો (લોકશાહી કસોટીએ હતે છતાં ન હતા એટલે કે વસ્તુત: ‘અનપરસન’ કરવાનો) વિશ્વવિક્રમ હાંસલ કીધો છે.
હરિયાણા, મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી, પશ્ચિમ બંગાળ બધાં પરિણામોમાં આ જાદુખેલ ફળ્યો હોવાનું જાણકારો કહે છે. આ અનપર્સન ઓચ્છવનું વરવું વાસ્તવ જાણવું સમજવું હોય તો તાજેતરની એક વિગત કાફી થઇ પડશે : ચૂંટણી પંચે સર્વોચ્ચ અદાલતમાં એફિડેવિટ પૂર્વક જણાવ્યું છે કે બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે મતદારયાદીમાંથી એસ.આઇ.આર. કૃપાએ નીકળી ગયેલ નામો પૈકી 48 લાખ અંગે હાથ ધરાયેલ કામગીરીમાં હજુ સુધી એક લાખ છવ્વીસ હજાર એક સો ચોરાણું અરજીનો નિકાલ થયો છે અને એમાંથી ત્રાણું, રિપીટ, ત્રાણું ટકા નામો પુન:સ્થાપિત થયાં છે. ભા.જ.પ. અને તૃણમૂલ વચ્ચેનું છેક ઓછું મત-અંતર લક્ષમાં લઈએ તો ભા.જ.પ.ની માપ બહારની ફતેહનો કમકમાટીભર્યો એક ખુલાસો જરૂર મળી રહેશે.
કબૂલ કે મુખડો જરી લંબાઈ રહ્યો છે. ઘણું સંચિત હતું જેની ઝલક આપ્યા વિના રહી શકાયું નહીં. વળી એ કહેવા જેવું તો હતું જ. પણ તત્કાળ ધક્કો જે કારણસર લાગ્યો છે એની વાત વિનાવિલંબ અલબત્ત કહેવી જ રહી. બુધવારની સવાર એક ખેપાની બલકે ખૂંખાર ખોજખબર લઈને આવી કે ત્રણ, એક વડા અને બે સાથી, સરવાળે બેશક સમકક્ષ ચૂંટણી કમિશનર પૈકી બે જણાએ – સંધુએ અને જોશીએ – સાફ અસંમતિ દર્જ કર્યા પછી અને છતાં વડા કમિશનર ધરાર મનમાની ચલાવી રહ્યા છે. સામાન્યપણે ત્રણ વચ્ચે સર્વસંમત નિર્ણય ઇષ્ટ છે. તે જો શક્ય ન હોય તો બહુમતી પ્રમાણે ચાલવું રહે. મતદારનિર્મૂલનની એકંદર કામગીરી એક વ્યક્તિની એટલે કે જ્ઞાનેશકુમારની કેવળ મનમાનીને આભારી છે.
છેલ્લા દસ મહિનામાં 14 વાર (એક કિસ્સામાં તો દિવસમાં ચાર વાર) ત્રણે મળ્યા છે અને બહુમતીને બાજુએ રાખીને ઊંડી દેશભક્તિથી પરિચાલિત જ્ઞાનેશકુમારે ધોરાજી ચલાવી છે. કમાલ એટલી જ કરપીણ બીના તો એ છે કે આ બાબતે અભૂતપૂર્વ ગણાય એ રીતે જોશી અને સંધુએ કેબિનેટ સચિવ સોમનાથનનું લેખી ધ્યાન ખેંચ્યા છતાં તેઓ જેમને સીધા જવાબદાર છે તે વડા પ્રધાન સુધી આ વાત પહોંચ્યાનાં કે એમણે સંજ્ઞાન લીધાનાં કોઈ ઓસાણ નથી. રદ્દ કરાયેલ મતદારોથી માંડીને, નવા મતદારો અને સમગ્ર મતદાર યાદી અંગેની આઇ.ટી. યંત્રણા, ક્યાં છે અતોપતો કોઈ વાતે ? ખોજખબરી રિતિકા ચોપરાએ કહ્યું છે કે આ બાબતમાં જવાબદારોને ભાવતું બહાનું ‘સિસ્ટમ હર્ડલ’નું છે. આ હર્ડલની ગંગોત્રી ક્યાં છે? તમે ઇ.આર.ઓ. કહેતાં ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર કને નામની નોંધણી ને ખરાઈ કરાવી રાજીના રેડ હો તો ભલે પણ, ચોટી તો સેન્ટ્રલાઇઝડ વ્યવસ્થા કને દિલ્હી દફતરે છે જેમાં સૉફ્ટવેર દાદ નથી આપતું; છતી નોંધણીએ તમે વાસ્તવમાં અનપરસન તે અનપરસન.
સરકાર તો સાફદિલ છે. સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિને બેધડક બાદ રાખીને ચૂંટણી કમિશનરની પસંદગીનો એને છોછ નથી. ખુદ ચૂંટણીને નકો નકો બનાવી મેલતા સિસ્ટમ-કબજાનું, કહો કે ધાર્યા મતદારો ચૂંટવાનું એનું રાજકારણ છે. આ ઉઘાડે છોગ રવૈયા સામે સડક પર આવવું કદાચ અનિવાર્ય બની રહ્યું છે. કેટલાક વખત પર ઇન્ડિયા બેઠકમાં રાહુલ ગાંધીએ પ્રતિરોધની રાજનીતિની જિકર કરી હતી … છે કોઈ લેવાલ?
21 સપ્ટેમ્બર 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()


